વલ્લકી નવલકથા (Vallaki Novel Part-1)

Related

'વાચક મિત્રો આ એક નવી જ નવલકથા "વલ્લકી" અહીં અપલોડ થઈ ચૂકી છે. અધ્યાત્મની પૃષ્ઠભૂમિ ઉપર આગળ વધતી આ નવલકથા જિંદગીના તમામ રંગોનું દર્શન કરાવતી આગળ વધશે. અગાઉની તમામ નવલકથાઓની જેમ આ નવલકથા પણ તમને ચોક્કસ ગમશે. 😊🙏


વલ્લકી પ્રકરણ 1

અભિમન્યુ પાઠક બોરીવલી રેલ્વે સ્ટેશન પહોંચી ગયો એટલે એણે રીક્ષા છોડી દીધી. ભાડું ચૂકવીને એણે સ્ટેશનમાં પ્રવેશ કર્યો અને બ્રિજ ઉપર થઈને ૪ નંબરના પ્લેટફોર્મ ઉપર આવ્યો. અત્યારે પણ વિરાર જતી એક લોકલ ટ્રેન ત્યાં ઉભી હતી.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

રાતના બાર વાગી ગયા હતા છતાં બોરીવલી સ્ટેશન પેસેન્જર્સથી ધમધમતું હતું. દિવસ હોય કે રાત અહીં એટલી જ ભીડ જોવા મળતી. રાતના બાર વાગ્યે પણ ઘણી ગાડીઓ અહીં આવતી અને જતી હતી.

એનો કોચ નંબર થોડો આગળ હતો એટલે ચાલતાં ચાલતાં એ પ્લેટફોર્મ ઉપર આગળ વધ્યો. છેક હરિદ્વાર સુધી જવાનું હતું એટલે એણે થ્રી ટાયર એસીની ટિકિટ બુક કરાવી દીધી હતી.

અડધો કલાક રાહ જોયા પછી બાંદ્રા થી ઉપડતી હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી. એનો કોચ સામે આવી ગયો એટલે એણે અંદર જઈને ૧૫ નંબરની સાઈડ લોઅર બર્થ નીચે પોતાની બેગ ગોઠવી દીધી અને બેસી ગયો. બોરીવલીથી ઘણા બધા પેસેન્જર્સ આ ટ્રેનમાં ચડી રહ્યા હતા.

રાતના બાર વાગી ગયા હતા અને અત્યારે સૂઈ જવા સિવાય બીજી કોઈ જ પ્રવૃત્તિ ન હતી એટલે એણે પોતાની બર્થ ઉપર મૂકેલી સફેદ ચાદર પાથરી દીધી. એક તરફ ઓશીકું ગોઠવ્યું અને પછી કામળો ઓઢી લીધો. એસીના કારણે કોચ એકદમ ઠંડો હતો !

દસ મિનિટમાં ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ. બોરીવલીથી ચડેલા તમામ પેસેન્જર્સ પણ પોતપોતાની બર્થ ઉપર સૂઈ ગયા. અભિમન્યુએ ઊંઘવાની કોશિશ તો કરી પરંતુ ઉત્તેજનાના કારણે આજે જલ્દી ઊંઘ આવે એમ ન હતી.

હજુ પાંચેક દિવસ પહેલાં જ એને રાત્રે સપનું આવ્યું હતું અને સપનામાં કોઈ સંત મહાત્મા એને તાત્કાલિક જોષીમઠ બોલાવી રહ્યા હતા. એને આશ્ચર્ય એ વાતનું હતું કે આ સપનું સળંગ એને એક જ રાતમાં ત્રણ વાર આવ્યું હતું.

મધરાતે પહેલી વાર સપનું આવ્યું એ પછી એ બાથરૂમ જવા ગયો. બાથરૂમ જઈ આવીને સૂઈ ગયો એટલે ફરી પાછું એનું એ જ સપનું રીપીટ થયું. ફરી પાછો એ જાગી ગયો. છેલ્લે ત્રીજી વાર એનું એ જ સપનું વહેલી પરોઢે પણ આવ્યું.

" અભિમન્યુ આ પૃથ્વી ઉપર મારો સમય પૂરો થઈ ગયો છે. તું તાત્કાલિક જોષીમઠ આવી જા. મારે તને મળવું ખૂબ જરૂરી છે. મારે જે આપવાનું છે એ આપીને ગંગા કિનારે હું ઈચ્છા મૃત્યુથી મારા પ્રાણ ત્યાગી દઈશ. એ પછી તું તારા હાથે મારો દેહ નદીમાં પધરાવી દેજે ! "

ત્રણ વાર આવેલા સપનામાં વારંવાર માત્ર આ જ શબ્દો સંન્યાસી બાબાએ ઉચ્ચાર્યા હતા. એ સન્યાસીનો તેજસ્વી ચહેરો એને હજુ પણ યાદ હતો !

જે સંન્યાસી છેક હિમાલયની તળેટીમાં બેસીને કોઈના સપનામાં સતત ત્રણ વાર આવીને સ્પષ્ટ આદેશ આપે અને ઈચ્છા મૃત્યુની વાત કરે એ કેટલી ઊંચી ભૂમિકા ઉપર હશે એ અભિમન્યુ વિચારી રહ્યો હતો. આ કોઈ સામાન્ય સંન્યાસી તો ના જ હોઈ શકે ! છતાં એમણે મને જ કેમ યાદ કર્યો એ એને સમજાતું ન હતું. પોતે તો એમને ઓળખતો પણ ન હતો !

એણે સન્યાસી મહાત્માનો આદેશ માથે ચડાવીને વહેલી તકે જોષીમઠ જવાનો નિર્ણય લઈ લીધો. સવારે ઊઠીને એણે હરિદ્વાર સુધીની ટિકિટ રિઝર્વ કરાવી દીધી. જોષીમઠ જવા માટે મુંબઈથી હરિદ્વાર સુધીની ટિકિટ જ મળતી હતી અને એ પણ ચાર દિવસ પછીની મળતી હતી !

અભિમન્યુ પૈસે ટકે સુખી હતો એટલે ફ્લાઇટ દ્વારા દિલ્હી થઈને પણ હરિદ્વાર કે ઋષિકેશ જઈ શકતો હતો પરંતુ નાનપણથી જ એને ટ્રેનની મુસાફરી બહુ જ ગમતી. એક બે કલાકમાં પહોંચી જવામાં એને કોઈ મજા નહોતી આવતી.

ટ્રેનમાં સૂતા પછી અભિમન્યુને મોડી રાત સુધી ઊંઘ ના આવી. એ સન્યાસી મહાત્માના વિચારોમાં ખોવાયેલો જ રહ્યો. મહાત્માએ એને જ કેમ યાદ કર્યો હતો એ રહસ્ય એને સમજાતું ન હતું. એમણે પોતાને શું આપવાની વાત કરી હતી એ પણ એના મગજમાં બેસતું ન હતું. પોતે તો એવી કોઈ ભક્તિ કે પૂજા પણ કરતો ન હતો !

માત્ર પાંચ વર્ષની ઉંમરે પિતા ગુમાવી દીધા પછી અભિમન્યુ એની માતા સાથે બોરીવલી વેસ્ટમાં જીમખાના રોડ ઉપર પ્રેમનગર એપાર્ટમેન્ટમાં રહેતો હતો.

બ્રાહ્મણ કુળમાં જન્મેલા ૨૭ વર્ષના અભિમન્યુને પૂજાપાઠ કે મંત્રોમાં કોઈ જ રસ ન હતો. હા માનવ સેવામાં એ માનતો હતો અને એક સાચો કર્મયોગી હતો. અભિમન્યુના પિતાનું નામ જયદેવ પાઠક હતું અને એ ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હતા. મહાભારતના એક પાત્ર ઉપરથી પોતાના દીકરાનું નામ એમણે પાડ્યું હતું.

જયદેવ પાઠક કન્સ્ટ્રક્શનના ધંધામાં હતા. પ્રતાપ કાનાણી નામના એક જાણીતા બિલ્ડર સાથે એમની ભાગીદારી હતી. કાનાણી પોતે સિવિલ એન્જિનિયર હતા અને એ સાઇટ સંભાળતા જ્યારે જયદેવ પાઠક નવી જમીનો ખરીદવાનું અને માર્કેટિંગનું કામ કરતા. વસાઈ વેસ્ટમાં એમની ઓફિસ હતી અને એમની સ્કીમો પણ વસઈ આસપાસના વિસ્તારમાં ચાલતી.

શરૂઆતમાં જયદેવ પાઠક દહીસર ઈસ્ટમાં પરબતનગરમાં ભાડે રહેતા હતા પરંતુ ધંધામાં એ સારું કમાયા હતા એટલે બોરીવલીમાં પોતાનો ફ્લેટ વસાવી શક્યા હતા. ૩૨ વર્ષે એમનાં લગ્ન કુસુમ નામની કન્યા સાથે થયાં હતાં. લગ્નનાં બે વર્ષ પછી એમના ઘરે અભિમન્યુનો જન્મ થયો હતો.

પરંતુ અભિમન્યુ પાંચ વર્ષનો હતો ત્યારે ૩૯ વર્ષની ઉંમરે જયદેવ પાઠક કોઈને પણ કહ્યા વગર અચાનક ઘર છોડીને ક્યાંક ચાલી ગયા હતા. ૧૫ દિવસની શોધખોળ પછી એમની પત્ની કુસુમે પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ જયદેવ પાઠકના કોઈ જ સમાચાર મળ્યા ન હતા.

જયદેવ પાઠક ગુમ થઈ ગયા હતા પરંતુ એમના ખાતામાં સારું એવું બેન્ક બેલેન્સ હતું અને કુસુમ માટે ઘણા દાગીના પણ એમણે બનાવેલા હતા એટલે કુસુમને પોતાનું અને દીકરાનું ભરણપોષણ કરવામાં કોઈ તકલીફ ના પડી.

અભિમન્યુએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને મલાડમાં એની પોતાની ઓફિસ હતી. એ પોતે ફાઇનાન્સ કન્સલ્ટન્ટ હતો અને સાથે સાથે શેરબજારનું નોલેજ પણ એની પાસે સારું એવું હતું એટલે સ્ટોક માર્કેટમાં પણ રોજ મોટી લે વેચ કરતો હતો. એની ઓફિસમાં ધવલ શાહ નામનો એક આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ પણ એણે રાખ્યો હતો.

અભિમન્યુ પોતાની માતાનું ખૂબ ધ્યાન રાખતો હતો ! અભિમન્યુની ઉંમર હવે પરણવા લાયક થઈ હતી અને કુસુમબેન પોતે એકલાં હતાં એટલે દીકરા માટે કન્યાઓ જોવાનું એમણે ચાલુ કર્યું હતું પરંતુ અભિમન્યુ હજુ લગ્ન માટે તૈયાર ન હતો.

અચાનક અભિમન્યુને આવું સપનું આવ્યું એટલે એ થોડો વિચલિત થઈ ગયો. કોઈ સન્યાસી મહાત્મા આ રીતે ત્રણ વાર એના સપનામાં આવે અને છેક હિમાલયની તળેટીમાં બોલાવે એ થોડું વિચિત્ર લાગ્યું.

મોડી રાત સુધી આવા જ વિચારોમાં
ઊંઘ આવતી ન હોવાથી અભિમન્યુ સવારે પણ મોડો ઉઠ્યો.

સવારે આઠ વાગે ગોધરા સ્ટેશન આવ્યું એટલે અભિમન્યુ પ્લેટફોર્મ ઉપર નીચે ઉતર્યો અને એક સ્ટોલ ઉપર પૈસા ચૂકવીને ગરમાગરમ ચાનો કપ હાથમાં લીધો.

" આ ટ્રેન એક્સપ્રેસ ટ્રેન હોવા છતાં પણ સાવ લોકલ ટ્રેન છે. બાંદ્રાથી ઉપડ્યા પછી તમામ સ્ટેશનો કરતી કરતી આવી છે. ૧૦ ૧૫ મિનિટમાં જ સ્ટેશન આવી જાય છે એટલે ગાડી કોઇ સ્પીડ જ પકડતી નથી. વસઈ રોડ, પાલઘર, દહાણુ રોડ બધે જ ઊભી રહે છે. આને એક્સપ્રેસ ટ્રેન કેવી રીતે કહેવી ? " અભિમન્યુ એની સામે ઊભેલી એક ખૂબસુરત ગુજરાતી યુવતી સામે જોઈને બોલ્યો.

એ યુવતી સવારે પોતાના મોબાઈલમાં કોઈની સાથે ગુજરાતીમાં વાત કરી રહી હતી એટલે એને ખ્યાલ હતો કે એ ગુજરાતી જ છે ! અને એટલા માટે જ રસ્તામાં સમય પસાર કરવા અભિમન્યુએ એની સાથે વાતચિત ચાલુ કરવાની કોશિશ કરી હતી.

પરંતુ યુવતીએ કોઈ જ જવાબ ના આપ્યો. ઉપરથી એણે મોં ફેરવી લીધું અને હાથમાં કપ લઈને દૂર જઈને ઊભી રહી. અભિમન્યુ છોભીલો પડી ગયો. ગ્રીન સિગ્નલ થઈ ગયું એટલે એ કોચમાં ચડી ગયો અને પોતાની બર્થ ઉપર બેસી ગયો. યુવતી પણ પાછળ ને પાછળ આવી.

રતલામ આવવાનું થયું ત્યારે વેન્ડર જમવાના ઓર્ડર લેવા માટે આવ્યો. અભિમન્યુએ વેન્ડરને પોતાનો સીટ નંબર લખાવી દીધો.

રતલામ ઘણા બધા પેસેન્જર્સ ઉતરી ગયા અને ઘણા નવા આવ્યા. પેલી યુવતી જે અભિમન્યુની સામે જ બેઠી હતી એ ઊઠીને છેક બારી પાસે જઈને દૂર બેસી ગઈ. અભિમન્યુ નીચે જઈને પાંચ મિનિટ પ્લેટફોર્મ ઉપર ચક્કર મારી આવ્યો.

અહીં પ્લેટફોર્મ ઉપર ગરમ ગરમ પૌંઆ અને સમોસા મળતા હતા પરંતુ હવે થોડીવારમાં જમવાનું આવવાનું હોવાથી અભિમન્યુએ નાસ્તો કરવાનું ટાળ્યું.

રતલામ ગયા પછી જમવાનું આવી ગયું અને અભિમન્યુએ જમી લીધું. દરેક ટ્રેનમાં લગભગ એક સરખું જ મેનુ હોય છે. પ્રમાણમાં જમવાનું ઠીક ઠીક હતું. પેલી યુવતી ઘરેથી ડબો લઈને આવી હતી એટલે એ ખોલીને એણે થેપલાં અને સૂકી ભાજીથી ચલાવી લીધું.

હરિદ્વાર આવ્યું ત્યાં સુધી પેસેન્જર્સની આવન જાવન થતી રહી અને છેવટે બીજા દિવસે સવારે આઠ વાગે હરિદ્વાર આવી ગયું. છેલ્લું સ્ટેશન હોવાથી આખી ટ્રેન ખાલી થઈ ગઈ.

પરંતુ ટ્રેનમાંથી ઉતરતી વખતે એક નાનકડી ઘટના બની ગઈ. અભિમન્યુની આગળ જ પેલી યુવતી કોચમાંથી નીચે ઉતરી રહી હતી. જેવી યુવતી નીચે ઉતરી કે પાછળને પાછળ અભિમન્યુ પણ ઝડપથી નીચે ઉતર્યો પરંતુ પેલી યુવતી હજુ ત્યાં દરવાજા પાસે જ ઉભી હોવાથી ઝડપથી નીચે ઉતરેલા અભિમન્યુનો હળવો ધક્કો યુવતીના ખભાને લાગી ગયો.

બસ... યુવતીનો પિત્તો ગયો. સટાક કરતો એક તમાચો એણે અભિમન્યુના ગાલ ઉપર મારી દીધો.

" યુ .. રાસ્કલ ! ક્યારનો મારી પાછળ પડ્યો છે ! હું તારા જેવા લફંગાઓને સારી રીતે ઓળખું છું ! રૂપાળી છોકરી જોઈ નથી અને ભાઈ લટ્ટુ થયા નથી !!" પેલી યુવતી ભયંકર ગુસ્સાથી બોલી. એનો ચહેરો તમતમતો હતો !

નીચે ઉતરેલા પેસેન્જર્સ પણ આ તમાચાનો તમાશો જોઈ રહ્યા. છતાં અભિમન્યુના સૌમ્ય અને નિર્દોષ ચહેરાને જોઈને કોઈ કંઈ બોલ્યું નહીં અને બધા આગળ વધી ગયા.

અભિમન્યુની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી. આજ સુધી એણે કોઈપણ યુવતી તરફ ખરાબ નજરથી જોયું ન હતું. ના એના મનમાં આ યુવતી તરફ કોઈ આકર્ષણ હતું. એને ધક્કો વાગી ગયો એ એક સામાન્ય અકસ્માત હતો. અભિમન્યુ કંઈ પણ જવાબ આપ્યા વગર આગળ વધી ગયો.

ફેબ્રુઆરી મહિનો ચાલતો હતો એટલે વાતાવરણમાં સારી એવી ઠંડક હતી. હરિદ્વાર એક તો પવિત્ર ગંગાના કિનારે હતું અને પાછી વિશ્વામિત્રની આ તપોભૂમિ હતી. અહીં વાતાવરણમાં ગજબની શાંતિ હતી. અનેક યાત્રાળુ અહીં શ્રદ્ધાથી આવતા હતા એટલે દરેકના મનનાં ભક્તિમય આંદોલનો પણ અહીંના વાતાવરણમાં સ્થિર થયેલાં હતાં ! ઈશ્વરીય ચેતનાનો આ ભૂમિ ઉપર અનુભવ થતો હતો !

હરિદ્વારથી જોષીમઠ ૨૭૫ કિ.મી. દૂર હતું અને ટેક્સી માર્ગે ૯ કલાકનો રસ્તો હતો. અત્યારે સવારના આઠ વાગ્યા હતા. એકાદ કલાક પછી જો ટેક્સી મળી જાય તો સાંજે છ કે સાત વાગ્યે જોષીમઠ પહોંચાય. સાવ નવી જગ્યામાં આટલા મોડા પહોંચવાનો કોઈ મતલબ પણ ન હતો. બે દિવસની મુસાફરીનો થાક પણ લાગેલો હતો.

અભિમન્યુએ આજનો દિવસ હરિદ્વારમાં આરામ કરીને કાલે વહેલી સવારે ટેક્સી પકડવાનું નક્કી કર્યું. દિવસ દરમિયાન હરિદ્વાર પણ જોવાઈ જશે. ટેક્સી ક્યાંથી મળે છે એની પણ તપાસ થઈ જશે અને પૂરતો આરામ પણ મળી રહેશે !

અભિમન્યુએ મોબાઈલમાં સર્ચ કર્યું હતું કે અહીં ગુજરાતી સમાજની એક સારી ધર્મશાળા નજીકમાં જ છે એટલે એક પેડલ રીક્ષાવાળાને પૂછીને એ ચાલતો જ ગુજરાતી સમાજ પહોંચી ગયો. જઈને તરત જ એણે રૂમ લઈ લીધો અને નીચે આવીને ચા નાસ્તો કરી લીધો. ચા પીધા પછી એ રૂમમાં પાછો ગયો અને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો.

સવારની ઘટના પછી એનો મૂડ એકદમ ખરાબ થઈ ગયો હતો. હજુ પણ ગાલ ઉપર ચચરાટ થતો હતો. એ છોકરીના મનમાં આટલો બધો ગુસ્સો કેમ હતો એ એને હજુ સમજાતું ન હતું. પોતે તો એના તરફ કોઈ ખરાબ વર્તન કર્યું ન હતું. અને ધક્કો પણ એવો કોઈ જોરદાર લાગ્યો ન હતો ! જિંદગીમાં પહેલીવાર એના ગાલ ઉપર તમાચો પડ્યો હતો !

" તારે અત્યારે જ જોષીમઠ આવવા નીકળી જવાનું છે. સમય બગાડવાનો નથી. સ્ટેશન તરફ આગળ વધ એટલે એક ટેક્સી તને મળી જશે. જોષીમઠ પહોંચ્યા પછી બાકીની સૂચના તને મળી જશે. " અભિમન્યુના રૂમમાં એ જ અવાજ સંભળાયો જે એણે સપનામાં સાંભળ્યો હતો ! રૂમમાં તો કોઈ જ ન હતું પરંતુ કોઈની સૂક્ષ્મ હાજરી એ અનુભવતો હતો.

અભિમન્યુ બીજી જ મિનિટે ઉભો થયો. ભીનો ટુવાલ અને ભીનાં ગંજી ચડ્ડી વાળીને એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દીધાં અને એ બધું પોતાની બેગમાં મૂકીને બેગ ખભે લટકાવી અને એ બહાર નીકળ્યો. રૂમને લોક મારી દીધું. રિસેપ્શન ટેબલ ઉપર જઈને ચાવી આપી દીધી અને એક દિવસનું ભાડું પણ ચૂકવી દીધું.

એ બહાર આવીને ચાલતો ચાલતો રેલવે સ્ટેશન તરફ આગળ વધ્યો કે તરત જ સર્કલ પાસે એક ટેક્સી એની પાસે આવીને ઊભી રહી.

" ચલો.... જોષીમઠ જોષીમઠ." ટેક્સી વાળો બોલી રહ્યો હતો.

અભિમન્યુને ખ્યાલ આવી જ ગયો કે આ ટેક્સી એના માટે જ આવી છે. એણે તરત જ પોતાનો હાથ હલાવ્યો અને જેવી ટેક્સી ઉભી રહી કે તરત જ એ અંદર બેસી ગયો. અંદર બે સાધુઓ બેઠા હતા અને બાકીની જગ્યામાં આશ્રમની રસોઈ માટે ખરીદેલો ઘણો બધો સામાન પડ્યો હતો. બીજા કોઈ યાત્રાળુ ન હતા.

ટેક્સી ઘણી ઝડપથી આગળ વધી રહી હતી. બપોરના એક વાગે પણ અભિમન્યુને ભૂખનો કોઈ જ અનુભવ થતો ન હતો. ભલે એણે નાસ્તો કર્યો હતો છતાં બપોરે તો ભૂખ લાગે જ. છતાં આજે તો હજુ હમણાં જ જમ્યો હોય એટલી શાંતિ એના પેટમાં હતી.

બપોરે બે વાગ્યે રસ્તામાં એક ઢાબા પાસે ટેક્સી પંદર મિનિટ માટે ઉભી રહી ત્યારે ડ્રાઇવર અને પેલા બે સાધુઓએ પરોઠા શાક જમી લીધું પરંતુ અભિમન્યુએ તો માત્ર ચા જ પીધી.

સવારના દસ વાગે ઉપડેલી ટેક્સી સાંજે છ વાગે જોષીમઠ પહોંચી ગઈ. જેવી ટેક્સી ઔલા રોડ ઉપર એક કાયમી સ્ટેન્ડ પાસે ઉભી રહી કે તરત જ ટેક્સી ડ્રાઇવર બોલ્યો:

" આપ ઉતર જાઓ ભૈયા. જોષીમઠ આ ગયા. ટેક્સી તો બદ્રીનાથ તક આગે જાનેવાલી હૈ. "

અભિમન્યુ નીચે ઉતર્યો અને ટેક્સીનું ભાડુ ચૂકવવા એણે પેન્ટના ખીસ્સામાંથી વોલેટ બહાર કાઢ્યું પણ ટેક્સી તો એને ઉતારીને ઘણી આગળ નીકળી ગઈ હતી. અભિમન્યુ તો જોતો જ રહી ગયો. અહીં સુધી આવવાનું ભાડું ચાર હજાર જેટલું થતું હતું છતાં ટેક્સીવાળાએ એક રૂપિયો પણ લીધો નહીં. આ ઘટના કોઈ ચમત્કારથી જરા પણ ઓછી ન હતી.

હવે અહીંયા ક્યાં જવું ? જેમણે મને અહીં સુધી આવવાનો આદેશ કર્યો છે એ સંન્યાસી મહાત્માનો આશ્રમ ક્યાં હશે ! સન્યાસીનું નામ પણ મને ખબર નથી. કોઈને પૂછવું હોય તો પણ શું પૂછવું !

પરંતુ બીજી જ ક્ષણે અભિમન્યુની ચિંતા દૂર થઈ ગઈ. એને યાદ આવી ગયું કે જેમણે ત્રણ વાર સપનું આપ્યું. જેમણે હરિદ્વારથી તાત્કાલિક નીકળી જવાની વાત કરી અને જેમણે ગાડીની વ્યવસ્થા પણ કરી આપી. શું એ નહીં જાણતા હોય કે હું અહીં આવી ગયો છું !!

અભિમન્યુ વધુ કંઈ વિચારે એ પહેલાં તો સન્યાસી બાબાનો ફરી એ જ અવાજ એને સંભળાયો.

" જે દિશામાં ટેક્સી ગઈ એ જ દિશામાં આગળ વધ. એકાદ કિલો મીટર ચાલ્યા પછી જમણી બાજુ ગંગા નદી તરફ જતી એક પગદંડી આવશે ત્યાં તું વળી જજે."

અભિમન્યુને એ સમજાતું ન હતું કે પોતાના આશ્રમમાં બેઠેલા સંન્યાસી બાબાનો અવાજ દૂર દૂર સુધી પોતાને કેવી રીતે સંભળાતો હતો ! હરિદ્વારમાં પણ એણે આ જ અવાજ સાંભળ્યો હતો. ઔલા રોડ ઉપર એણે આગળ ચાલવાનું શરૂ કર્યું. એ આગળ ને આગળ ચાલતો રહ્યો.

લગભગ એકાદ કિલોમીટર ચાલ્યા પછી એને પગદંડી દેખાઈ. જમીન ઉપર ઉગેલા લીલા ઘાસની વચ્ચે ગંગા નદી તરફ જતી સાંકડી પગદંડી હતી. એ જમણી બાજુ વળી ગયો. સંધ્યા કાળ થવા આવ્યો હતો. એક સુમસામ કેડી ઉપર એ ચાલી રહ્યો હતો. આ પહાડી વિસ્તાર હતો અને જંગલ જેવો પ્રદેશ હતો. થોડેક દૂર ગંગા નદીનો ધસમસતો પ્રવાહ દેખાતો હતો.

લગભગ પોણો કલાક ચાલ્યા પછી પણ એને કોઈ આશ્રમ અહીં દેખાયો નહીં. થોડે દૂર ચાલ્યા પછી મોટી મોટી શીલાઓ વચ્ચે એક ગુફા જેવું નજરે પડ્યું. એનો દરવાજો સાવ સાંકડો હતો અને ત્યાં એક આડુ પાટિયું મૂકેલું હતું. અભિમન્યુ જેવો નજીક પહોંચ્યો કે પાટિયું ખસી ગયું અને ગુફાની બખોલમાં જવાનો રસ્તો ખુલ્લો થયો.

અભિમન્યુએ નીચા નમીને અંદર જવું પડ્યું. અંદર ગુફા મોટી હતી. સામે પથ્થરના બનેલા એક ઓટલા ઉપર ચટ્ટાઈ પાથરીને એના ઉપર વૃદ્ધ સંન્યાસી બાબા સૂતા હતા. શરીર કૃષ થઈ ગયું હતું પરંતુ ચહેરો ખૂબ જ તેજસ્વી હતો ! અભિમન્યુ એમની નજીક ગયો અને બે હાથ જોડી પ્રણામ કર્યા. બાબાજીએ એને નીચે પાથરેલા આસન ઉપર બેસવાનું કહ્યું.
અભિમન્યુ સન્યાસી બાબાની સામે બેસી ગયો.

" હું તારી જ રાહ જોતો હતો. કાલે માધી પૂર્ણિમા છે અને મારી ઈચ્છા હતી કે તું આજે જ મારી પાસે આવે. તારા માટે એટલા માટે જ ટેક્સીની વ્યવસ્થા મેં કરી હતી. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. " વૃદ્ધ સંન્યાસી બાબા બોલી રહ્યા હતા.

" મારું નામ પૂર્ણાનંદ. મારું પૂર્વાશ્રમનું નામ ગંગાધર પાઠક. જયદેવ મારો દીકરો હતો એટલે તું મારો પૌત્ર છે. ૨૯ વર્ષની ઉંમરે મેં સંસાર છોડીને સંન્યાસ લીધો ત્યારે જયદેવની ઉંમર પણ પાંચ વર્ષની જ હતી. તારા મનમાં ઘણા પ્રશ્નો હશે પરંતુ પેલા ખૂણામાં એક કવર પડ્યું છે એ કવરમાં એક કાગળ છે. જયદેવ શા માટે અચાનક અદ્રશ્ય થઈ ગયો એ બધું રહસ્ય એ કાગળમાં લખેલું છે. એ કવર તું સાથે લઈ જજે અને પત્ર શાંતિથી વાંચી લેજે. હવે હું જે કહું છું એ સાંભળ." સંન્યાસી બની ગયેલા દાદાજી બોલી રહ્યા હતા.

" પચાસ વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને અને હિમાલયના કેટલાક ગુપ્ત બાબાઓની સેવા કરીને મેં કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. કેટલીક સિદ્ધિ મેં સાધનાથી મેળવી છે તો કેટલીક મને પ્રસાદી રૂપે મળી છે. મૃત્યુ પછી એ મારા કામમાં આવવાની નથી. તારી સામે તારી આખી જિંદગી પડી છે. આ સિદ્ધિઓ હું તને આપવા માગું છું. તું પેલા ખૂણામાં હાથ પગ ધોઈને મારી સામે પલાંઠી વાળીને ધ્યાન મુદ્રામાં બેસી જા. સિદ્ધિ મેળવવા માટે કેટલીક પૂર્વ તૈયારી કરવી જરૂરી છે. " દાદાજી બોલ્યા.

અભિમન્યુએ એના દાદાજીએ કહ્યું એ પ્રમાણે હાથ પગ ધોઈ લીધા અને દાદાજીની સામે આસન ઉપર પલાંઠી વાળીને ધ્યાન મુદ્રામાં બેસી ગયો.

સૂતેલા દાદાજી ધીમે ધીમે બેઠા થયા અને ટટ્ટાર બેસીને બાજુમાં રાખેલા જલપાત્રમાંથી હાથમાં થોડું જળ લીધું. કેટલાક મંત્રો બોલીને સંકલ્પ કર્યો. એ પછી એ જળ અભિમન્યુના શરીર ઉપર છાંટ્યું અને એના મસ્તક ઉપર પોતાનો જમણો હાથ મૂક્યો.

બીજી જ ક્ષણે અભિમન્યુ એક આંચકા સાથે સમાધિમાં ચાલ્યો ગયો. એના શરીરનું ચૈતન્ય સ્થિર થઈ ગયું. શરીર એકદમ જડ બની ગયું. હૃદય ધબકતું રહ્યું પરંતુ શ્વાસોશ્વાસ અટકી ગયા !

અભિમન્યુ લગભગ દસ કલાક સુધી સમાધિ અવસ્થામાં જ રહ્યો. એ સમાધિમાંથી બહાર આવ્યો ત્યારે સવારના પાંચ વાગવા આવ્યા હતા. ભર ઊંઘમાંથી કોઈએ એને અચાનક જગાડ્યો હોય એવો અનુભવ એને થઈ રહ્યો હતો. જે અવસ્થામાં એ હતો એમાંથી બહાર આવવાની એને ઈચ્છા જ થતી ન હતી. એક અલગ જ નશામાં એ ડૂબેલો હતો !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■