વલ્લકી નવલકથા (Vallaki Novel Part-2)

Related

વલ્લકી પ્રકરણ 2

અભિમન્યુ લગભગ દસ કલાક સુધી સમાધિ અવસ્થામાં જ રહ્યો. એ સમાધિમાંથી બહાર આવ્યો ત્યારે સવારના પાંચ વાગવા આવ્યા હતા. ભર ઊંઘમાંથી કોઈએ એને અચાનક જગાડ્યો હોય એવો અનુભવ એને થઈ રહ્યો હતો.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

" હવે તારો આ નવો જન્મ છે બેટા. તારા આત્માની મેં શુદ્ધિ કરી નાખી છે. ૨૭ વર્ષ પહેલાં મારી પુત્રવધુ કુસુમના ગર્ભમાં મેં જ તારા આત્માને આમંત્રણ આપીને બોલાવ્યો હતો. મેં કરેલી સાધનાનું ફળ મારે તને આપવાનું છે પરંતુ તારાં પૂણ્યકર્મો જાગૃત થાય ત્યાં સુધી મારે રાહ જોવાની હતી. હવે સમય પાકી ગયો એટલે મેં તને બોલાવી લીધો. તારા માટે જ મેં પ્રાણ ટકાવી રાખ્યા છે. ઈચ્છા મૃત્યુનું મને વરદાન છે. હરિદ્વારમાં તને જે તમાચો પડ્યો એ તારા જીવનની દશા અને દિશા બદલી નાખવા માટે હતો." દાદાજી બોલી રહ્યા હતા.

" હવે મારી વાત સાંભળ. આજે મહા મહિનાની પૂર્ણિમા છે અને ચંદ્ર અત્યારે મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં ચાલી રહ્યો છે. તંત્રસિદ્ધિ માટે આ નક્ષત્ર અતિ પવિત્ર ગણાય છે. તને આ નક્ષત્રમાં એક અમૂલ્ય રુદ્રાક્ષ ભેટ આપું છું. જીવની જેમ એનું જતન કરજે. " દાદાજી બોલ્યા અને એમણે હવામાંથી એક રુદ્રાક્ષ એમની મુઠ્ઠીમાં પ્રગટ કર્યો અને અભિમન્યુના હાથમાં આપ્યો.

" જે સિદ્ધિઓ મેં પ્રાપ્ત કરી છે એ બધી સિદ્ધિઓ આ ચૈતન્ય રુદ્રાક્ષમાં છે. આ રુદ્રાક્ષને હાથમાં રાખીને તું ધારે એ વ્યક્તિનો ભૂતકાળ જોઈ શકે છે. એના ભૂતકાળ વિશે જે પણ જાણવું હોય તે જાણી શકે છે. મૃત્યુ પામેલા વ્યક્તિને રુદ્રાક્ષ સ્પર્શ કરાવીને એક કલાકની મર્યાદામાં જીવંત કરી શકે છે. તારે કોઈ ભોજન જમવાની ઈચ્છા થાય તો જે જમવાની ઈચ્છા કરીશ એ તારી સામે હાજર થઈ જશે. એ તમામ ખાદ્ય પદાર્થો સૂર્યની ઉર્જામાંથી પ્રગટ થશે. " દાદાજી બોલી રહ્યા હતા.

" આ રુદ્રાક્ષ હાથમાં રાખીને તું ધારે એટલું ધન મેળવી શકે છે પરંતુ આ ધન કોઈની મદદ કરવા માટે અથવા સારા કાર્યો કરવા માટે જ મળશે. તું તારા પોતાના વ્યક્તિગત ઉપભોગ માટે એ ધન નહીં મેળવી શકે. ધન મેળવવા માટે રુદ્રાક્ષની સામે તારો સંકલ્પ પરમાર્થ માટેનો અને શુદ્ધ હોવો જોઈએ."

" આ રુદ્રાક્ષને પૂજામાં કે કોઈ પવિત્ર જગ્યામાં રાખજે અને દર શિવરાત્રીએ એને કોઈ પાત્રમાં મૂકીને એના ઉપર ૧૦૮ વાર ૐ નમઃ શિવાય મંત્ર બોલીને થોડો જલાભિષેક કરજે. ૧૩ દિવસ પછી શિવરાત્રી આવે છે ત્યારે તું એના ઉપર અભિષેક કરજે પરંતુ પછી દર વર્ષે શિવરાત્રીએ તારી પત્ની સાથે સજોડે અભિષેક કરજે. બસ એનાથી વિશેષ તારે કંઈ જ કરવાનું નથી. આ રુદ્રાક્ષ હંમેશા જાગૃત જ રહેશે." દાદાજીએ અભિમન્યુને રુદ્રાક્ષ વિશે બધી માહિતી આપી.

" હવે થોડીવારમાં મારો એક સેવક અહીં આવી જશે. તમે બંને મને ઊંચકીને ગંગાકિનારે લઈ જાઓ. મેં મારા સેવક નિકુંજને જગ્યા બતાવી દીધી છે. હું આજે માઘી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં સમાધિ લઈને દેહત્યાગ કરું એટલે તમે બંને મારા સ્થૂળ દેહને પવિત્ર ગંગા નદીમાં પધરાવી દેજો." દાદાજી બોલ્યા.

" દાદાજી મારા મનમાં એક પ્રશ્ન છે." અભિમન્યુ બોલ્યો.

" તારો પ્રશ્ન શું છે એ મને ખબર છે. પેલા કવરમાં રહેલા કાગળને વાંચીશ એટલે તારા પ્રશ્નનો જવાબ તને મળી જશે. અને હવે તને એકવાર સમાધિ થઈ ગઈ હોવાથી તું જ્યારે ઈચ્છે ત્યારે સરળતાથી ધ્યાનમાં પણ જઈ શકીશ. અને ધ્યાનમાં તું મારો સંપર્ક પણ કરી શકીશ. જરૂર પડે ત્યારે હું તને માર્ગદર્શન આપતો રહીશ." દાદાજી બોલ્યા.

પૂર્ણાનંદ સ્વામીએ પોતાની વાત પૂરી કરી કે તરત જ એમનો એક યુવાન સેવક નિકુંજ ગુફામાં આવી ગયો. અભિમન્યુ અને નિકુંજે ભેગા થઈને સ્વામીજીને ઊંચકી લીધા. અભિમન્યુના આશ્ચર્ય વચ્ચે દાદાજીએ પોતાનું વજન એકદમ હલકું કરી નાખ્યું હતું. આખા શરીરનું વજન અત્યારે ચૌદ પંદર કિલોથી વધારે ન હતું !

દાદાજીને ઊંચકીને ગંગાની એકદમ નજીક એક જગ્યાએ લાવવામાં આવ્યા જે સ્થળ દાદાજીએ જ નક્કી કર્યું હતું. અહીં દર્ભનું બનેલું એક આસન પાથરવામાં આવ્યું હતું. હજુ પરોઢનો સમય હતો અને ચારે બાજુ અંધારું હતું. પૂર્ણિમા હોવાથી ચાંદની ચારે બાજુ રેલાઈ રહી હતી. એના પ્રકાશમાં ગંગા નદી પણ ચમકતી હતી. બંનેએ ભેગા થઈને દાદાજીને ધીમેથી આસન ઉપર બેસાડ્યા.

" નિકુંજ..." દાદાજી પેલા સેવકની સામે જોઈને બોલ્યા.

" જી સ્વામીજી " કહીને નિકુંજ નામનો એ સેવક બંનેથી દૂર જઈને ઉભો રહ્યો.

" મારી વાત ધ્યાનથી સાંભળ. આ દુનિયા છોડતાં પહેલાં મારે તને થોડો ઉપદેશ આપવો છે. મેં એટલા માટે જ નિકુંજને દૂર મોકલ્યો છે. " દાદાજી બોલ્યા.

" જી દાદાજી. " અભિમન્યુ બોલ્યો.

" બેટા તને સમાધિ અવસ્થામાં લઈ જઈને તારા પાછલા અનેક જન્મોનાં ખરાબ સંચિત કર્મો યોગબળથી મેં બાળી નાખ્યાં છે. મેં અહીં આવીને માત્ર સૂર્યની સાધના કરી છે. સૂર્ય મંડળમાં સાક્ષાત નારાયણ બિરાજે છે. આકાશમાં દેખાતો સૂર્ય ભલે આગનો ગોળો હોય પણ એની અંદર આખી પૃથ્વીને જીવંત રાખતી ઈશ્વરીય ચેતના છે !!" દાદાજી બોલી રહ્યા હતા.

" એમાંથી જ પ્રાણ તત્ત્વ પૃથ્વી ઉપર આવે છે અને ઓક્સિજન બનીને જગતને જીવાડે છે. સૂર્યના ઉદય માત્રથી જીવન ચાલુ થાય છે, ફૂલો ખીલી ઊઠે છે. બીજમાંથી વૃક્ષ બને છે. ફળ ફૂલ અને અનાજ પેદા થાય છે. એની ગરમીથી જ વાદળો બને છે અને વરસાદ વરસે છે. સૂર્યની આ જ શક્તિ ગાયત્રી મંત્ર દ્વારા મેળવી શકાય છે. એ કલ્પવૃક્ષ છે ! તું બીજું કંઈ ના કરે તો ચાલશે પરંતુ ગાયત્રી મંત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર નિયમિત કરતો રહેજે. તને જે જોઈએ એ મળી જશે. ભલે એક જ માળા થાય પરંતુ ગાયત્રી મંત્ર ધ્યાનથી કરજે અને મંત્ર કરતી વખતે ઉગતા સૂર્યનું ધ્યાન ધરજે. યંત્રવત્ ઝડપથી મંત્ર બોલી જવાથી કોઈ જ ફળ મળતું નથી." દાદાજી ઉપદેશ આપી રહ્યા હતા.

" તારી અંદર મેં ગાયત્રી મંત્રની પ્રતિષ્ઠા કરી છે. સૂર્યની ઊર્જાનો શક્તિપાત કરેલો છે. મેં પચાસ વર્ષોમાં ગાયત્રી મંત્રનાં અસંખ્ય પુરશ્ચરણો કર્યાં છે. હિમાલયમાં રખડ્યો છું. પોતાની જાતને અદ્રશ્ય અને ગુપ્ત રાખતા સિદ્ધ મહાત્માઓને મળ્યો છું. એ બધા જ સૂર્યની ઉર્જા ઉપર હજારો વર્ષથી જીવંત છે. સૂર્યનું પ્રાણ તત્ત્વ ખેંચીને જીવન ચલાવી શકે છે. જેમ બિલોરી કાચ દ્વારા સૂર્યના પ્રકાશમાંથી અગ્નિ પ્રગટાવી શકાય છે એમ ગાયત્રી મંત્ર દ્વારા સૂર્યની ઉર્જા શરીરના રોમેરોમમાં દીવા પ્રગટાવી શકે છે. " દાદાજી બોલી રહ્યા હતા.

" સૂક્ષ્મ જગતમાં પણ ઘણા પવિત્ર આત્માઓ ગાયત્રી મંત્ર કરતા હોય છે. એનાથી સંચિત કર્મોનાં બંધન તૂટે છે. જરૂર પડે ત્યારે તારી ઈચ્છાથી તું એ મંત્રની માળા ચાલુ કરીને ભવિષ્યમાં નવી ઉર્જા મેળવી શકે છે." દાદાજી બોલી રહ્યા હતા.

" હંમેશાં યાદ રાખજે કે તું એક આત્મા છે અને આત્મા દરેક જન્મે શરીર બદલતો રહે છે. અત્યારે આ દેહમાં તું અભિમન્યુ તરીકે રહેલો છે અને આ જન્મમાં હવે પછી તારો સ્પિરિચ્યુઅલ ગાઈડ હું પોતે જ છું. તારા જીવનની બધી જ ગતિવિધિ ઉપર મારી નજર રહેશે." દાદાજી બોલી રહ્યા હતા.

" મારે તને જે આપવાનું છે એ આ રુદ્રાક્ષમાં આપી દીધું છે અને તારા પ્રશ્નનો જવાબ એ કવરમાં છે. થોડીક ક્ષણોમાં ઈચ્છા મૃત્યુથી હું મારું આ નાશવંત શરીર છોડી દઈશ. મેં દેહ છોડી દીધો છે એ તને ખ્યાલ આવી જશે. તમે બંને મને ઊંચકીને ગંગા નદીમાં પધરાવી દેજો. સંન્યાસી છું એટલે મારી પાછળ કોઈ ઉત્તર ક્રિયા કરવાની નથી. મને નદીમાં પધરાવીને તું સ્નાન કરી લેજે. તારા ઘર સુધી તને પહોંચાડવાની વ્યવસ્થા મેં કરી દીધી છે. બસ હવે મારી વાણીને વિરામ આપું છું. હરિ ૐ " અને દાદાજી ચૂપ થઈ ગયા.

અભિમન્યુ સમજી ગયો અને એણે હાથનો ઈશારો કરીને નિકુંજને ત્યાં બોલાવી લીધો. નિકુંજે સફેદ ધોતી અને સફેદ ઝભ્ભો પહેરેલાં હતાં. એ દાદાજીની સેવામાં રહેતો હશે એવી અભિમન્યુએ કલ્પના કરી લીધી.

પૂર્ણાનંદ દાદાજીએ ૐ... નો લાંબો ઉચ્ચાર ત્રણ વાર કર્યો અને એમનું શરીર સ્થિર થઈ ગયું. એ પછી થોડી ક્ષણો માટે એ શરીર થોડુંક ધ્રુજી ગયું. દાદાજીના ચહેરા ઉપર થોડું સ્મિત આવી ગયું અને પછી એમના ચહેરાની આજુબાજુ એક ઝાંખો પ્રકાશ બંનેએ જોયો. બીજી જ ક્ષણે એક હળવો કડાકો થયો અને બ્રહ્મરંધ્ર તોડીને એક પાતળી જ્યોતિ ઉપર આકાશ તરફ ગતિ કરી ગઈ !

હવે સામે જે હતું તે પૂર્ણાનંદ દાદાનું પાર્થિવ શરીર હતું ! પ્રાણ ચાલી ગયા હતા. અભિમન્યુએ એ દિવ્ય શરીરની સામે લાંબા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

એ પછી અભિમન્યુએ નિકુંજને સાથે રાખીને દાદાજીના હળવા ફૂલ દેહને ફરી ઊંચકી લીધો અને માત્ર પચાસ ફૂટ દૂર વહેતી ગંગામાં ધીમે રહીને મૂકી દીધો. ગંગાનો પ્રવાહ એટલો બધો ધસમસતો હતો કે દાદાજીનો ચૈતન્ય દેહ મીનીટોમાં જ દૂર દૂર અદ્રશ્ય થઈ ગયો ! એ વખતે આકાશમાં પ્રભાતની લાલીમા છવાઈ ગઈ હતી.

પહેલીવાર અભિમન્યુની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. જેમને આજ સુધી જોયા જ નહોતા એ દાદા તરફ અચાનક લાગણીઓ ઉભરાઈ આવી. એની નજર સતત ગંગાના ચમકતા પ્રવાહ તરફ હતી. ક્યાંય સુધી એ વહેતી નદી તરફ જોઈ રહ્યો !

થોડી ક્ષણો પછી એણે પાછળ જોયું તો નિકુંજ ત્યાં ન હતો. આટલી ઝડપથી એ સેવક ક્યાં અદ્રશ્ય થઈ ગયો એ એને સમજાતું જ ન હતું. એ ગુફામાં અચાનક જ આવ્યો હતો અને અત્યારે અચાનક જ અદ્રશ્ય થઈ ગયો હતો. હિમાલયની આ ભૂમિ કંઈક અનોખી જ હતી.

અભિમન્યુ ચાલતો ગુફામાં પહોંચી ગયો. પેલું કવર લઈને એણે બેગમાં મૂક્યું. દાદાજી જ્યાં સૂતા હતા એ ચટાઈ ઉપર માથું મૂકીને એણે પ્રાર્થના કરી અને બેગ પીઠ ઉપર લટકાવીને ફરી ગંગા કિનારે આવ્યો. બેગમાંથી ટુવાલ કાઢીને એણે ગંગા નદીના કિનારે બેસીને પાણીમાં હાથ બોળ્યો. દાદાને પધરાવ્યા ત્યારે જે પાણી બરફ જેવું ઠંડુ હતું એ અત્યારે એકદમ હૂંફાળું બની ગયું હતું. એણે માથાબોળ સ્નાન કરી લીધું અને બહાર આવી કપડાં બદલી નાખ્યાં. બહાર સખત ઠંડી હતી એટલે ઉપર જેકેટ પહેરી લીધું.

એ પછી એ ચાલતો ચાલતો ઔલા રોડ ઉપર આવી ગયો. ત્યાં રોડ ઉપર જ ચાની એક હોટલ હતી. સવારના સાત વાગી ગયા હતા. અભિમન્યુને ચાની તલપ પણ લાગી હતી. અહીં વાતાવરણમાં સારી એવી ઠંડી હતી એટલે એણે એકના બદલે બે કપ ચા પી લીધી. જેવી ચા પીવાઈ ગઈ કે તરત જ એક ટેક્સી આવીને ત્યાં ઉભી રહી. એ હરિદ્વાર જઈ રહી હતી. અંદર ત્રણ યાત્રાળુઓ બેઠેલા હતા. ટેક્સી જાણે અભિમન્યુ માટે જ આવી હોય એમ જેવો અભિમન્યુ બેઠો કે તરત જ ડ્રાઇવરે ટેક્સી ચાલુ કરી.

બપોરે સાડા બાર વાગે રસ્તામાં એક ઢાબા પાસે ટેક્સી અડધો કલાક ઊભી રહી. ડ્રાઇવર તથા બધા પ્રવાસીઓએ જમી લીધું. અભિમન્યુએ પણ બધાની સાથે જમી લીધું. ટેક્સી હરિદ્વાર પહોંચી ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા.

અભિમન્યુએ ટેક્સીનું ૩૫૦૦ ભાડું ચૂકવી દીધું અને ચાલતો ચાલતો જ ફરી ગુજરાતી સમાજની ધર્મશાળામાં આવી ગયો.

હરિદ્વારમાં લેટેસ્ટ સગવડવાળી ઘણી બધી ધર્મશાળાઓ આવેલી છે. જો કે મોટાભાગની ધર્મશાળાઓ ગેસ્ટ હાઉસ જેવી છે એટલે રહેવાનો ચાર્જ આપવો પડે છે. દરેક સ્થળે જમવાની પણ વ્યવસ્થા હોય છે. ટ્રસ્ટ તરફથી ચાલતી ધર્મશાળાઓ પણ ઘણી છે. અહીં મોટાભાગના યાત્રાળુઓ પછી શ્રીમંત હોય કે મધ્યમ વર્ગના તેઓ રહેવા માટે આવી ધર્મશાળા જ પસંદ કરે છે. મર્યાદિત હોટલો પણ અહીં છે.

અભિમન્યુને અહીં રોકાવાની કોઈ ખાસ ઈચ્છા ન હતી એટલે એણે ફરી ગુજરાતી સમાજ જ પસંદ કર્યો. એણે રૂમ લઈ લીધો અને જેવો એ બેડ ઉપર બેઠો કે તરત જ એના ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો.

" સર જી મૈં જોષીમઠ સે બોલ રહા હું. દેહરાદુનસે મુંબઈ તક કા આપકા ફ્લાઈટ કા ટિકિટ બુક હો ગયા હૈ. મૈંને ટિકટ આપકે વૉટ્સએપ પર ભેજ દિયા હૈ. શામ ૭:૪૫ કી ફ્લાઈટ હે તો આપકો હરિદ્વાર સે સાડે પાંચ બજે નિકલ જાના હોગા. આપકી યાત્રા શુભ રહે. " અને ફોન કટ થઈ ગયો.

અભિમન્યુ ખૂબ જ આશ્ચર્ય પામ્યો. કોઈ અજાણી વ્યક્તિએ છેક મુંબઈ સુધીની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી દીધી હતી. આ વ્યવસ્થા દાદાજીએ જ કરાવી હોય એમાં તો કોઈ શંકા ન હતી. પરંતુ દાદાજી તો દેવલોક પામી ગયા હતા તો પછી આજની જ ટિકિટ કેવી રીતે બુક કરાવી હશે !! શું દાદાજીએ પહેલેથી જ આ વ્યક્તિને સૂચના આપી હશે !!

અભિમન્યુએ તરત જ એ વ્યક્તિને સામેથી ફોન લગાવ્યો. ફુલ રીંગો વાગી પરંતુ ફોન કોઈએ ના ઉપાડ્યો. બીજી વાર કોશિશ કરી પરંતુ નો રીપ્લાય !

અભિમન્યુએ મોબાઇલ ચેક કર્યો તો જે નંબરથી એના ઉપર ફોન આવ્યો હતો એ નંબરથી કોઈએ એના નામની ૭:૪૫ ના ફ્લાઈટની એક ટિકિટ મોકલી હતી. અહીંથી દહેરાદુનનો રસ્તો એક કલાકનો હતો એટલે સાડા પાંચ આસપાસ તો નીકળી જવું જ પડે.

અભિમન્યુએ ચાનો ઓર્ડર આપ્યો અને પછી દાદાજીએ આપેલું કવર ખોલીને અંદરથી એક લાંબો પત્ર બહાર કાઢ્યો. કવરમાં એ પત્રની સાથે એક પડીકું હતું. અભિમન્યુએ પત્ર વાંચવાનો ચાલુ કર્યો.

# આ પત્ર તારા પ્રશ્નના જવાબ રૂપે છે. હું જાણું છું કે તારો પ્રશ્ન તારા પિતા જયદેવ અંગેનો છે અને તારે એનો જવાબ જાણવો જરૂરી પણ છે. તારા પિતા અને મારા પુત્ર જયદેવનું મર્ડર થયેલું છે. અને એ મર્ડર એના પાર્ટનર પ્રતાપ કાનાણીએ કરાવેલું છે. જગત આખામાં પૈસાનો જ ખેલ ચાલે છે. આજના કળિયુગમાં પૈસો જ સર્વસ્વ છે.

# ૧૯૭૨માં ઘણા ગુજરાતીઓને આફ્રિકા છોડીને ઇન્ડિયા અને બ્રિટન તરફ ભાગવું પડ્યું હતું. આ રીતે ભાગીને મુંબઈ આવેલા હર્ષદ ઘેલાણી નામના એક ૩૩ વર્ષના યુવાનને જયદેવે પોતાના મિત્રના બંગલામાં થોડા દિવસ માટે આશ્રય આપ્યો હતો. મુંબઈ આવ્યાના એક મહિના પછી હર્ષદ ઘેલાણી એની પત્ની અને નાની દીકરી સાથે એક ટૂરમાં હરિદ્વાર અને ઋષિકેશ ફરવા ગયો હતો. એ સમયે એણે તારા પિતાને લાખોના ડાયમંડ ટૂરમાંથી પાછો આવે ત્યાં સુધી સાચવવા આપ્યા હતા.

# પરંતુ હરિદ્વારમાં એક દુર્ઘટના બની. એ લોકોની લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ. હર્ષદ ઘેલાણી અને એની પત્નીનું આ અકસ્માતમાં અવસાન થઈ ગયું. મા બાપ ગુમાવી દેનારી એમની બે વર્ષની દીકરીને મુંબઈના જ કોઈ સજ્જન પોતાની સાથે મુંબઈ લઈ આવ્યા. એ પણ ટૂરમાં સાથે જ હતા. આ અકસ્માતના સમાચાર તો જયદેવને મળ્યા પરંતુ દીકરીને કોણ લઈ ગયું એની કોઈ ખબર જયદેવને ના પડી.

# જયદેવ સ્વભાવે ભોળો હોવાથી એણે આ હીરાની જાણ એના પાર્ટનર પ્રતાપ કાનાણીને કરી. કાનાણીએ જયદેવ પાસે સારી એવી રકમની ઓફર કરીને એ હીરાની માગણી કરી. પણ જયદેવે આ હીરા કોઈની અમાનત હોવાથી કાનાણીને આપવાની સ્પષ્ટ ના પાડી. કાનાણી કોઈપણ હિસાબે બધા હીરા લઈ લેવા માગતો હતો. પ્રતાપ કાનાણી શાતિર માણસ હતો અને ગમે તે હદે જઈ શકતો હતો. જયદેવને પોતાનો જીવ જોખમમાં લાગ્યો. એ મારી પાસે આવ્યો અને હીરાનું પડીકું મને સાચવવા આપી દીધું. જયદેવ મારું ઠેકાણું જાણતો હતો. અગાઉ પણ વર્ષો પહેલાં એકવાર એ આવી ગયો હતો. મેં એને એક મહિના માટે મુંબઈથી બહાર રહેવાની સૂચના આપી.

# પરંતુ વિધિને કોઈ મિથ્યા કરી શકતું નથી. જયદેવ મુંબઈ પાછો ગયો. એક દિવસ વસઈની એક નવી સૂમસામ સ્કીમ ઉપર કાનાણીએ જયદેવને મળવા બોલાવ્યો અને એને હીરા આપી દેવા ખૂબ જ સમજાવ્યો. જયદેવ મક્કમ રહ્યો એટલે કાનાણીએ અગાઉથી ત્યાં બોલાવી રાખેલા એક માથાભારે ગુંડા પાસેથી પિસ્તોલ લઈને જયદેવને છાતીમાં બે ગોળી મારી દીધી. એ પછી સારી એવી રકમ આપીને એ ગુંડાની મદદથી લાશને મધરાતે વસઈની ખાડીના દરિયામાં ફેંકી દીધી. કોઈને કંઈ જ ગંધ આવી નહીં. ઉપરથી પોતાની ખાનદાની બતાવવા માટે એણે કુસુમ આગળ જયદેવને શોધવાનું નાટક કર્યું અને પોલીસ ફરિયાદમાં પણ સાથ આપ્યો.

# એ રાત્રે જયદેવનો આત્મા તરત જ મારી પાસે આવ્યો હતો અને બધી હકીકત એણે મને જણાવી હતી. મેં એના આત્માને શાંતિ આપી અને એને થોડો સમય સૂક્ષ્મ જગતમાં રહીને સાધના કરવાનું કહ્યું. એક વર્ષ પછી મેં ચમોલીમાં રહેતા મારા એક ભક્તના ઘરે એનો નિકુંજ તરીકે બીજો જન્મ કરાવ્યો. એ નિકુંજ યુવાન થતાં જ મેં એને મારી પાસે સેવામાં રાખી લીધો. તારે હવે જયદેવ પાછળ કોઈપણ ક્રિયાકર્મ કરવાની જરૂર નથી. આ સાથેના પડીકામાં જે હીરા છે એની કિંમત અત્યારે કરોડોમાં છે. એ હવે તારા પ્રારબ્ધના છે ....સ્વામી પૂર્ણાનંદ.

પત્ર પૂરો કરીને અભિમન્યુએ ફરી પાછો એને કવરમાં મૂકી દીધો અને કવરમાં રાખેલું પડીકું હાથમાં લીધું. ખોલીને જોયું તો ૧૫ ડાયમંડ એમાં ચમકી રહ્યા હતા !

દાદાજીએ એને ઘણું આપ્યું હતું. એની કલ્પના બહાર આપ્યું હતું. એની આખી જિંદગી બદલાઈ જાય એટલું આપ્યું હતું. હવે મુંબઈ જઈને નવી જિંદગી શરૂ કરવાની હતી.

એને એ વાતનું દુઃખ જરૂર થયું કે એના પિતાનું મર્ડર થઈ ગયું હતું અને સમજણો થયા પછી અત્યાર સુધી પોતે જે પ્રતાપ અંકલનું આટલું બધું રિસ્પેક્ટ કરતો હતો એણે જ પિતાનું ઠંડા કલેજે મર્ડર કર્યું હતું. નફરતની અને ગુસ્સાની એક આગ આટલી ઠંડીમાં પણ એના શરીરને દઝાડી ગઈ.

પરંતુ બીજી જ પળે અભિમન્યુ શાંત થઈ ગયો. બદલો લેવા માટે આખી જિંદગી પડી છે. આટલી ઉતાવળ કરવા જેવી નથી. એને એવો પાઠ ભણાવવો પડે કે એ પણ યાદ કરે.

અત્યારે સાંજના સાડા ચાર વાગ્યા હતા. હજુ એક કલાક પછી દહેરાદૂન જવા નીકળવાનું હતું. હરિદ્વાર સુધી આવ્યો છું તો અહીંના હરકી પૈડીના ઘાટ સુધી મારે એક ચક્કર મારવું જોઈએ અને અહીંની ગંગામૈયાનાં દર્શન પણ કરવાં જોઈએ. જોષીમઠ ગંગા સ્નાન કર્યું હતું. પરંતુ એ વખતે મનમાં ગંગાદર્શનનો કોઈ ભાવ ન હતો.

અભિમન્યુ ઉભો થયો અને દરવાજાને લૉક કરી બહાર નીકળ્યો. બહારથી રીક્ષા કરી હર કી પૈડી ઘાટ પહોંચી ગયો અને ઘાટ ઉપર ઉભા રહીને ક્યાંય સુધી ગંગા નદીના પ્રવાહને બસ જોતો રહ્યો. સદીઓથી આ ઘાટ ઉપર લાખોની સંખ્યામાં માનવ મેદની અહીં દર્શન કરવા આવતી રહી છે.

એણે પગથીયાં ઉતરીને થોડું ગંગાજળ હાથમાં લીધું અને આચમન કર્યું. થોડું શરીર ઉપર છાંટ્યું. વિશ્વામિત્રની આ તપોભૂમિ હતી એટલે મનોમન એ દિવ્ય ઋષિને પણ પ્રણામ કર્યા અને ફરી ધર્મશાળા આવવા નીકળી ગયો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)
"વલ્લકી" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■