વલ્લકી નવલકથા (Vallaki Novel Part-7)

Related

વલ્લકી પ્રકરણ 7

સાવંતના ગયા પછી અભિમન્યુ ક્યાંય સુધી સંધ્યા કદમના વિચારોમાં ખોવાયેલો રહ્યો. દુનિયા કેટલી બધી નાની છે ! ક્યારે કોની મુલાકાત કેવા સંજોગોમાં થાય છે એ સમજી શકાતું જ નથી. સંધ્યાની આવી ખરાબ હાલત થશે એવું એણે વિચાર્યું જ ન હતું ! અભિમન્યુ ભૂતકાળમાં સરી ગયો..........

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

કાંદીવલીની પ્રકાશ કોલેજ ઓફ કોમર્સની કેન્ટીનમાં છ મિત્રો ભેગા થઈને ચર્ચા કરી રહ્યા હતા. આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. બી.કોમનું છેલ્લું વર્ષ પતી ગયું હતું. ગેટ ટુ ગેધર જેવું વાતાવરણ હતું. હવે રીઝલ્ટ આવી જાય પછી સૌ પોતપોતાના માર્ગે આગળ વધવાના હતા. ફરી કોલેજમાં ભેગા થવાનો અવસર હવે મળવાનો નહોતો.

અભિમન્યુ, આલાપ, મુનીર, કેતકી, આદિત્ય અને નીરજ. આ છ મિત્રોનું ગ્રુપ હતું. આલાપ આજે કોલેજ નહોતો આવ્યો. બાકીના પાંચ મિત્રો વડાપાઉં અને ચાનો ઓર્ડર આપીને કેન્ટીનમાં ચર્ચા કરી રહ્યા હતા.

" અભિમન્યુ તારો આગળનો શું પ્લાન છે હવે ? તારાથી જ શરૂઆત કરું છું. આદિત્ય તો અમેરિકા જતો રહેવાનો. " કેતકી બોલી.

" અભિમન્યુનો બીજો શું પ્લાન હોય કેતકી ? એના પપ્પા બિલ્ડર હતા. પૈસાનો એને કોઈ પ્રોબ્લેમ નથી એટલે એ પણ બિલ્ડર જ બની જવાનો. કાં તો ટાઇલ્સનો કોઈ શો રૂમ ખોલી નાખશે !" મુનીર વોરા બોલ્યો.

" અલ્યા બિલ્ડર બનવું હોત તો પછી કોમર્સમાં શું કામ દાખલ થયો હોત ! મારે તો સી.એ કરવું છે અને એક વર્ષથી તૈયારી પણ શરૂ કરી દીધી છે. મને સ્ટૉક માર્કેટ અને ફાઇનાન્સમાં રસ છે. મારું વિઝન ક્લિયર છે. તારી પોતાની શું ઈચ્છા છે એ બોલ." અભિમન્યુએ મુનીરને પૂછ્યું.

" આપણે ભાઈ તારા જેવા સુખી નથી. સરકારી પરીક્ષાઓ આપીને સરકારી નોકરી જ કરવી છે. એમાં પણ પહેલી પસંદગી તો પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની છે. બધા ઉપર રૂઆબ છાંટવાનો. એના જેવી કોઈ નોકરી જ નહીં. " મુનીર બોલ્યો.

" હા એ તારી વાત સાચી છે. સરકારી નોકરી જેવી મજા નહીં અને એમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટરનો તો માભો જ અલગ હોય. બે નંબરની કમાણી મળે એ જુદી. અને નીરજ તું શું વિચારે છે ? " કેતકી બોલી.

"મારું કોઈ જ પ્લાનિંગ નથી. બી.કોમ કર્યા પછી કોઈ સારી નોકરી મળતી નથી. આગળ શું કરવું એ સમજ પડતી નથી. બીજી બાજુ સંધ્યા લગ્ન કરી લેવા પાછળ પડી છે." નીરજ બોલ્યો.

" તું બહુ નેગેટીવ થઈ ગયો છે નીરજ. જિંદગીમાં બધું બદલાતું જ રહે છે. ભણવામાં તો તું હોશિયાર છે જ. પીએચડી કે બી.એડ કરીને તું પ્રોફેસર થઈ શકે છે. અને તને તો સંધ્યા કદમ જેવી સુંદર કન્યા પણ અત્યારથી મળી ગઈ છે !" કેતકી બોલી.

"કન્યા તો સુંદર મળી છે પરંતુ એની સાથે લગ્ન થાય તો ને ! મહારાષ્ટ્રિયન છે એટલે ઘરના કોઈ એને સ્વીકારવા તૈયાર નથી. પાછી એકદમ ગરીબ ઘરની છે. એનો બાપ પણ દારૂડિયો છે. સંધ્યા સાથે લગ્ન થશે કે નહીં એ જ ખબર નથી." નીરજ બોલ્યો.

" આટલા બધા નિરાશ નહીં થવાનું. કોર્ટ મેરેજ કરી લેવાનાં નીરજ. આવી સુંદર છોકરી મળે નહીં. દેખાવડી તો છે જ અને સ્વભાવે પણ બહુ સરસ છે. લગ્ન થઈ જાય એટલે પછી મા બાપે સ્વીકારી લેવી જ પડે." કેતકી બોલી.

" હા નીરજ કેતકી સાચું કહે છે. તારી સંધ્યા હીરોઈનને પણ ટક્કર મારે એવી છે. મેં એક વાર એને તારી સાથે જોયેલી છે. તારે એની સાથે જ લગ્ન કરવાં જોઈએ " આદિત્ય બોલ્યો.

" કેતકી ...તું તારા વિશે તો જણાવ." મુનીર બોલ્યો.

" હું તો જર્નાલિઝમ કરવાની છું. મને પત્રકાર બનવામાં વધારે રસ છે. મારો નિર્ણય ફાઈનલ છે. અને આદિત્ય તું
આજે આટલો બધો અપસેટ કેમ છે ?" કેતકી બોલી.

" હું આજે થોડો ડિસ્ટર્બ છું કેતકી. આવતી કાલથી આ કોલેજ ભૂતકાળ થઇ જશે. તમે બધા મિત્રો પણ હવે રોજ રોજ નહીં મળવાના. બધા ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઈ જવાના. થોડા દિવસોમાં હું અમેરિકા જતો રહીશ એટલે મારા માટે તો આ મુંબઈ પણ ભૂતકાળ બની જશે. " આદિત્ય બોલ્યો અને એની આંખમાં પાણી આવી ગયાં.

" અરે..કમ ઓન.. આદિત્ય ! આમ રડવા જેવો કેમ થઈ જાય છે ? ભલે છૂટા પડી જવાના પણ આપણા મોબાઈલ તો ચાલુ જ છે ને ? " કેતકી બોલી.

" રોજ બધા સાથે મોબાઇલમાં આપણે કેટલી વાતો કરવાના કેતકી ? કોલેજના દિવસો હવે ફરી થોડા આવવાના ? સમયની રેત સંબંધો ઉપર ફરી વળતી હોય છે !! અમેરિકા ગયા પછી હું ત્યાંની દુનિયામાં જ ખોવાઈ જવાનો. ભારતની આ હવા ત્યાં નહીં હોય. અહીંની બધી જ લાગણીઓ ત્યાં ગયા પછી સૂકાઈ જાય છે ! " આદિત્યના અવાજમાં ઉદાસીનતા હતી.

" તું તો કવિ અને શાયરની ભાષામાં વાત કરે છે આદિત્ય !! આટલી બધી ઉદાસીનતા સારી નથી. આપણે બધા એક જ શહેરમાં તો રહીએ છીએ. અને જ્યાં સુધી અમેરિકા ના જાય ત્યાં સુધી અવાર નવાર મળતા જ રહીશું." અભિમન્યુ બોલ્યો.

પરંતુ અભિમન્યુની અવારનવાર મળવાની વાત વાસ્તવિકતાથી સાવ અલગ જ હતી. તમામ મિત્રો છૂટા પડી ગયા. શરૂ શરૂમાં તો એકાદ મહિના સુધી દર રવિવારે એ લોકો ભેગા થતા. પરંતુ અઠવાડિયામાંથી પંદર દિવસ થયા અને હવે ભેગા થવામાં મહિનો પણ લાગી જતો. આદિત્ય સાચું જ કહેતો હતો.

અભિમન્યુ પાઠક, મુનીર વોરા અને કેતકી નાણાવટીનું રિઝલ્ટ સારું આવ્યું એટલે એ લોકો નક્કી કરેલી દિશામાં આગળ વધ્યા. આલોક વસાવડાના પિતા બેંકમાં જોબ કરતા હતા એટલે એમની ઈચ્છા દીકરો બેન્કિંગની પરીક્ષાઓ આપે એવી હતી. એટલે આલોક પરીક્ષાઓની તૈયારીમાં લાગી ગયો.

આદિત્યના પિતા સિટિઝન થઈ ગયા હતા અને આખા ફેમિલીને વિઝા મળી ગયા હતા એટલે આદિત્યનો પરિવાર ચાર મહિના પછી શિકાગો જવા માટે રવાના થઈ ગયો !

પરંતુ રીઝલ્ટ આવ્યા પછી નીરજ ટેન્શનમાં આવી ગયો હતો. ભણવામાં હોશિયાર હોવા છતાં પણ એનું પરિણામ નબળું આવ્યું હતું એટલે એ હતાશ થઈ ગયો હતો. હવે આગળ શું કરવું એની કોઈ જ સૂઝ એને પડતી ન હતી.

બીજી બાજુ સંધ્યાનો દારૂડિયો બાપ પૈસાની લાલચમાં સંધ્યાને એક મોટી ઉંમરના માણસ સાથે પંદર દિવસમાં જ પરણાવી દેવાની વેતરણમાં હતો. સંધ્યા માટે લગ્નનો નિર્ણય લેવો હવે ખૂબ જરૂરી હતો. એણે નીરજ ઉપર ખૂબ જ દબાણ કર્યું અને ઘરમાં જે પણ દાગીના હતા એ તમામ લઈને ઘરેથી ભાગી નીકળી અને બે દિવસ બોરીવલીની એક હોટલમાં રોકાઈ.

હવે નીરજ માટે એની સાથે લગ્ન કર્યા વગર છૂટકો જ ન હતો. કારણ કે એના ભરોસે જ એ ઘરેથી નીકળી ગઈ હતી. છેવટે નીરજે સંધ્યા સાથે કોર્ટ મેરેજ કરી લીધાં અને લગ્ન કરીને બે દિવસ એ લોકો એ હોટલમાં જ રોકાયાં. સંધ્યાને ઘરે લઈ જવાની નીરજની હિંમત જ ચાલતી ન હતી. ચોથા દિવસે સંધ્યાના દબાણથી નીરજ એની પત્ની સાથે પોતાના ઘરે ગયો.

પરંતુ નીરજનાં રૂઢિચુસ્ત માતાપિતાએ સંધ્યાનો વહુ તરીકે સ્વીકાર કરવાની જ ના પાડી દીધી. સંધ્યા સારા એવા સોનાના દાગીના લઈને આવી હતી એટલે લગ્ન પછીના અઠવાડિયામાં જ નીરજ અને સંધ્યા મ્હાડાના એક બેડરૂમ કિચનના નાનકડા ફ્લેટમાં ભાડે રહેવા માટે ગયાં.

નીરજ પાસે બીજી તો કોઈ આવડત હતી જ નહીં એટલે એણે સંધ્યાના દાગીના વેચીને જે પણ પૈસા આવ્યા એ બધા શેર બજારમાં રોકી લીધા. સંધ્યાએ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી ચાલુ કરી દીધી. પરંતુ એક વર્ષના લગ્ન જીવન પછી સંધ્યાના જીવનમાં ફરી આંધી આવી.

વધુ કમાવાની લાલચમાં નીરજે મોટો સટ્ટો રમી નાખ્યો. રોકેલા તમામ પૈસા તો ડૂબી જ ગયા પરંતુ બહારથી વ્યાજે લીધેલા ત્રણ લાખ પણ ડૂબી ગયા. નીરજ એટલો બધો ડિપ્રેશનમાં આવી ગયો કે સંધ્યા જ્યારે નોકરી કરવા ગઈ ત્યારે એણે ઘરે ગળે ફાંસો ખાઈ લીધો. સંધ્યા હવે એકલી પડી ગઈ. એનો બાપ ગુજરી ગયો હોવાથી માની સેવા કરવા માટે ગણેશનગરના પોતાના ઘરે જ પાછી જતી રહી.

નીરજે પોતાનો મોબાઇલ નંબર જ બદલી નાખેલો હોવાથી એના જીવનમાં જે પણ ઘટનાઓ બની એ બધાથી અભિમન્યુ સાવ અજાણ જ હતો. એ બંને મિત્રો વચ્ચે કોઈપણ જાતની વાતચીત થતી ન હતી નહીં તો અભિમન્યુએ નીરજને ચોક્કસ મદદ કરી હોત.

સંધ્યા સાથે નીરજે લગ્ન કર્યાં એ સમાચાર પણ અભિમન્યુને કેતકી દ્વારા મળ્યા હતા અને નીરજે આત્મહત્યા કરી એ સમાચાર પણ એણે પેપરમાં વાંચ્યા હતા અને પછી કેતકીએ કહ્યા હતા. જો નીરજ કે સંધ્યા પોતાના સંપર્કમાં હોત તો સંધ્યાની આવી હાલત ના થાત ! હવે એને ગમે તેમ કરીને પ્રતાપ અંકલની કેદમાંથી મુક્ત પણ કરવી પડશે અને મદદ પણ કરવી પડશે !

રાત્રે અભિમન્યુએ સંધ્યાને છોડાવવા ઘણું મનોમંથન કર્યું અને છેવટે એક પ્લાન બનાવીને સવારે એણે સાવંતને ફોન કર્યો.

" સાવંત તારા શેઠ સંધ્યાને રેગ્યુલર એક જ હોટલમાં લઈ જાય છે કે પછી અલગ અલગ હોટલોમાં લઈ જાય છે કારણ કે સંધ્યાને મૂકવા તો તું જ જતો હોઈશ ને !" અભિમન્યુ બોલ્યો.

" સર સંધ્યા તો રીક્ષા કરીને આવી જાય છે પરંતુ શેઠને મૂકવા જરૂર જાઉં છું. એમણે કાયમ માટે મલાડની એક જ હોટલ બાંધેલી છે અને એ જે રૂમમાં જાય છે એ રૂમ કાયમ માટે એમણે બુક કરી રાખેલો છે. આ રૂમમાં ક્યારેક એમના બહારગામના અને વિદેશથી આવતા મહેમાનોને પણ ઉતારો આપે છે તો ક્યારેક કોઈ પ્રોફેશનલ ગર્લ બોલાવીને એની સાથે રાત પણ ગુજારતા હોય છે. બહુ જ રંગીન માણસ છે શેઠ. હોટલના રિસેપ્શનમાં પણ દર વખતે સારી એવી બક્ષિસ આપે છે. " સાવંત બોલ્યો.

" ઠીક છે. હવે તારે બે કામ કરવાનાં છે. એ હોટલનું નામ અને રૂમ નંબર મને મેસેજ કરી દે અને સંધ્યા કદમ સાથે વાત કરીને હવે કઈ તારીખે એ હોટલમાં જવાની છે એ તારીખ મને અગાઉથી જાણ કરી દે. એ દિવસ સંધ્યા માટે એ હોટલમાં છેલ્લો હશે. " અભિમન્યુ બોલ્યો.

" ઠીક છે સર. કામ થઈ જશે." સાવંત બોલ્યો અને ફોન કટ કર્યો.

અભિમન્યુએ સવારે ફોન કરેલો એટલે સાવંત ઘરે જ હતો. એ તરત જ બાજુમાં સંધ્યાના ઘરે ગયો. જે રીતે અભિમન્યુએ એને સૂચના આપી હતી એ પ્રમાણે સંધ્યા સાથે એણે વાત કરી. અભિમન્યુએ ના પાડી હતી એટલા માટે એણે એનું નામ ના લીધું.

"અરે પણ ભાઈ આટલું મોટું જોખમ લઈને કોણ મને બચાવે ? કાનાણી શેઠને તો તમે ઓળખો જ છો. એના પાળેલા ગુંડાઓ પણ છે. શેઠની સામે પડવાની કોઈની પણ તાકાત નથી ભાઈ. મારે છૂટવું જ છે પરંતુ એની પાસે મારી વિડિયો ક્લિપ છે એટલે હું પણ મજબૂર છું." સંધ્યા બોલી.

" શેરના માથે સવા શેર હોય જ છે સંધ્યાબેન. હું જે સરને ઓળખું છું એ સર બધે પહોંચી વળે એવા છે. એટલે એ ચિંતા તમે ના કરશો. શેઠ જ્યારે તમને બોલાવે ત્યારે તારીખ અને ટાઈમ તમે મને મેસેજ કરી દેજો. " તુકારામ સાવંત બોલ્યો.

" એ તો અત્યારથી જ હું તમને કહી દઉં છું. આવતા શનિવારે રાત્રે ૧૦ વાગે મારે ત્યાં હોટલ પહોંચવાનું છે. એ આખી રાત અમે લોકો હોટલમાં જ હોઈશું. " સંધ્યા બોલી.

" એક વાત પૂછું ? રેગ્યુલર તમે લોકો આ રીતે આખી રાત હોટલમાં રોકાઓ તો તરલા શેઠાણી એમને કંઈ પૂછતાં નથી ? એમનો ફોન પણ રાત્રે આવતો હશે ને ! " સાવંતે અમસ્તાં જ પૂછ્યું.

" ભાઈ શેઠને તો તમે ઓળખો જ છો. મોટા લોકોની મોટી વાતો. શેઠાણી અંદરખાને બધું જ જાણતાં હોય. શેઠ બહુ જ ગુસ્સાવાળા છે એટલે શેઠાણીની એમને પૂછવાની હિંમત ના ચાલે. અને કદાચ પૂછી લે તો શેઠ પાસે હજાર જવાબ તૈયાર હોય ! " સંધ્યા બોલી.

એ પછી સાવંત બહાર નીકળી ગયો અને એણે અભિમન્યુ સરને મેસેજ કરી દીધો.

સાવંતનો મેસેજ મળ્યા પછી સવારે અગિયાર વાગે ઓફિસ જવાના બદલે અભિમન્યુ એસ.વી રોડ ઉપર આવેલા કાંદીવલી પોલીસ સ્ટેશને ગયો. એનો ખાસ મિત્ર મુનીર વોરા ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો.

" શું વાત છે અભિમન્યુ ! આજે તો સવાર સવારમાં જ મને યાદ કર્યો !! " મુનીર બોલ્યો.

" તારે લાયક કામ હોય તો તારી પાસે જ આવવું પડે ને ! " અભિમન્યુ બોલ્યો.

" શું મંગાવું ? ચા એકલી ચાલશે કે નાસ્તો પણ મંગાવું ? અહીં બાજુમાં વડાપાઉં બહુ સારા મળે છે. " મુનીર બોલ્યો.

" ચા ચાલશે. અત્યારે નાસ્તાની કોઈ ઈચ્છા નથી. " અભિમન્યુ બોલ્યો.

" હવે બોલ. કેમ છેક અહીં સુધી આવવું પડ્યું ? કારણ કે મને મળવા માટે તું અહીં પોલીસ સ્ટેશન સુધી આવે નહીં ! " મુનીર બોલ્યો.

" તું આપણા મિત્ર નીરજ વ્યાસને તો સારી રીતે ઓળખતો જ હતો. એણે સ્યુસાઇડ કરેલો એ પણ તું જાણતો હોઈશ. એણે સંધ્યા કદમ નામની એક સુંદર મહારાષ્ટ્રીયન છોકરી સાથે લગ્ન કરેલાં એ પણ તને કદાચ ખબર હશે." અભિમન્યુ બોલ્યો.

" હા એ પણ મને ખબર છે. પણ એનું શું છે અત્યારે ?" મુનીર બોલ્યો.

" એ સંધ્યાને આપણે બચાવવાની છે. આમ તો મિત્રતાને નાતે એ આપણી ભાભી થાય. " અભિમન્યુ બોલ્યો.

" શું એ કોઈ મુસીબતમાં છે ? પોલીસ મદદની જરૂર છે ? આવા કામ માટે હું તો તૈયાર જ છું." મુનીર બોલ્યો.

" હવે મારી આખી વાત ધ્યાનથી સાંભળ." અભિમન્યુ બોલ્યો અને એણે મુનીરને શરૂઆતથી અંત સુધીની બધી જ વાત દસ મિનિટનો સમય લઈને વિસ્તારથી સમજાવી.

વલ્લકી સાથે પોતાની સગાઈની વાતથી શરૂ કરીને વલ્લકીએ પોતાની સાથે થયેલા કાનાણીના રૅપ અને છેલ્લા એક વર્ષથી સંધ્યા સાથેના કાનાણીના ગંદા સંબંધો વગેરે બધી જ વાત એણે મુનીરને કરી. પોતે પ્રતાપ કાનાણીના ડ્રાઇવર તુકારામ સાવંતને વિશ્વાસમાં લઈને આ બધી વાતો જાણી એ પણ એણે કહ્યું. ખાલી એણે પોતાના પિતાના મર્ડરની વાત છૂપાવી.

આખી વાત સાંભળીને મુનીરનું મગજ તપી ગયું. એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો એટલે એના લોહીમાં ખુન્નસ હતું.

" જો મુનીર આ એક હાઇ પ્રોફાઈલ કેસ છે. પ્રતાપ કાનાણી બહુ જ મોટું માથું છે અને એની પહોંચ છેક સુધી હોય. બધાને ખિસ્સામાં રાખીને ફરતો હોય. એટલે મલાડની હોટલમાં જઈને એને રંગે હાથ પકડવો એ તારા એકલાનું કામ નથી. " અભિમન્યુ બોલ્યો.

" તારી વાત હું સમજી શકું છું અભિ. અને આ હોટેલ મલાડમાં છે એટલે આમ પણ હું સીધેસીધો આ કેસ હાથમાં ના લઈ શકું. મારે મલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડે. રેડ પાડવા માટે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને મારે બધી વાત કરવી પડે." મુનીર બોલ્યો.

" મુનીર મને હમણાં બીજો પણ એક વિચાર આવ્યો. રેડ પાડવાથી એ લોકો કઢંગી હાલતમાં પકડાશે નહીં. રૂમના દરવાજે ટકોરા પડે એટલે એ સાવધ થઈ જાય અને એમ જ કહી દે કે સંધ્યા મારી સેક્રેટરી જેવી છે અને બિઝનેસના કામે અહીં બોલાવી છે. સંધ્યા પાસે પણ એ જ કબૂલાત કરાવી દે. રેડ પાડવાથી એની બદનામી થવાની નથી. એ એની બધી મીટીંગો પણ ત્યાં જ કરતો હોય છે !" અભિમન્યુ બોલ્યો.

"તારી એ વાત પણ સાચી છે." મુનીરે કબુલ કરવું પડ્યું.

" આપણે હોટલના મેનેજરનો સંપર્ક કરી કાનાણીના એ રૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવો જોઈએ જેથી એની બધી જ લીલા પકડાઈ જાય અને આપણી પાસે પ્રુફ પણ આવી જાય. તો જ સંધ્યાને છોડાવી શકાય અને વલ્લકીને રેડ વખતે હાજર રાખી પોલીસની હાજરીમાં એના બધા જ વિડીયો અને ફોટા ડીલીટ કરાવી શકાય. " અભિમન્યુ બોલ્યો.

" શું જબરદસ્ત આઈડિયા આવ્યો છે તારા મગજમાં ! ફેન્ટાસ્ટિક !! આપણી પાસે હજુ ત્રણ દિવસ છે. હું આજે જ મલાડ જઈને પી.આઈ નો સંપર્ક કરું છું અને હોટલના મેનેજરને પણ મળવું પડશે અને ધમકી આપીને આ કામ કરાવવું પડશે. કારણ કે પૈસાની લાલચમાં એ જો ફૂટી જાય તો સીસી ટીવીમાં પણ માત્ર મીટીંગ જ દેખાય !" મુનીર હસીને બોલ્યો.

" બસ તો એ કામ આજથી જ શરૂ કરી દે. મારે સંધ્યાને છોડાવવી છે અને વલ્લકીને એના ભયમાંથી કાયમ માટે મુક્ત કરવી છે ! " અભિમન્યુ બોલ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■