વલ્લકી પ્રકરણ 6
" આત્મહત્યા કરવાની નોબત કદી પણ નહીં આવે વલ્લકી. હું છું ને હવે !! " અભિમન્યુ હસીને બોલ્યો." મેં તમારી સાથે આવું વર્તન કર્યું તો પણ તમે મારી સાથે જે લાગણીથી વાત કરી રહ્યા છો એનાથી મને બહુ જ સારું લાગે છે. તમારા માટે એક અહોભાવ પેદા થાય છે. તમને મળ્યા પછી મને ઘણી રાહત થઈ ગઈ છે અને એક નવું બળ પણ પ્રાપ્ત થયું છે. થૅન્ક યુ અભિમન્યુ ફોર ધીસ સપોર્ટ. " વલ્લકી બોલી.

વલ્લકી નવલકથા.
" ઈટ્સ ઓકે. હવે ચા પી લઈશું ? કેન્ટીન છે એટલે ગરમ નાસ્તો પણ મળશે. જે ઈચ્છા હોય તે મંગાવી દઉં. મમ્મીના હાથનું ખાવાની ઈચ્છા હોય તો ઘરેથી ટિફિન પણ લઈને આવ્યો છું." અભિમન્યુ હસીને બોલ્યો.
" અરે ના ના. તમારામાંથી મારે ભાગ નથી પડાવવો. ૧૨:૩૦ વાગી ગયા છે એટલે ઘરે જઈને સીધી જમવા જ બેસી જઈશ. ખાલી ચાનું કહી દો." વલ્લકી હસીને બોલી.
" અરે ધવલ કેન્ટીનમાંથી એક ચા અને બ્રેડ બટર લઈ આવ ને." અભિમન્યુએ ધવલને ઈન્ટરકોમથી સૂચના આપી.
" તમે હવે પ્રતાપ કાનાણીનું ટેન્શન મનમાંથી કાઢી નાખજો. બસ હવે હું શું કરું છું એ જોતાં રહો. પપ્પાએ સાચવેલા કરોડોના હીરા ઉપર એની નજર છે. એની એવી હાલત થશે કે હીરા પણ ભૂલી જશે અને તમારા ફોટા અને વિડિયો પણ ડીલીટ થઈ જશે. " અભિમન્યુ સહેજ ગુસ્સાથી બોલ્યો.
" હું તમને મારા ફ્રેન્ડ બનાવી શકું ? મારા જીવનમાં અત્યારે કોઈ જ નથી. હું સાવ એકલી છું. આ ઘટના બન્યા પછી મને બધા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એ આઘાત ભૂલી શકાતો નથી. ૬૩ ૬૪ વર્ષની ઉંમરના એ નરાધમે મારી જિંદગી બરબાદ કરી નાખી. લગ્નને લાયક પણ મને રાખી નથી." વલ્લકીનું દિલ ફરી ભરાઈ આવ્યું.
" યસ. વી કૅન બી ફ્રેન્ડ્સ. તમારા ફ્રેન્ડ બનવામાં મને કોઈ જ વાંધો નથી. તમે ગમે ત્યારે મારી ઓફિસે પણ આવી શકો છો અને ઘરે પણ આવી શકો છો. તમે તમારા જીવનની સાચી વાત કહીને મારું દિલ જીતી લીધું છે. તમે આ વાત છૂપાવીને મારી સાથે લગ્ન કરી લીધાં હોત તો મને તો ખબર જ ના પડી હોત. પરંતુ તમે મારી સાથે એકદમ પ્રમાણિક રહ્યાં વલ્લકી." અભિમન્યુ બોલ્યો.
" એક રિક્વેસ્ટ કરું ? " વલ્લકી બોલી.
" ઑફ કોર્સ ! મિત્ર તરીકે તમારો હક્ક બને છે. " અભિમન્યુ બોલ્યો.
" તમે મને તું કહીને બોલાવો પ્લીઝ. હું તમારાથી નાની છું. " વલ્લકી બોલી.
" ઠીક છે. રિક્વેસ્ટ મંજૂર કરું છું." અભિમન્યુ હસીને બોલ્યો અને ત્યાં જ ચા અને બ્રેડ બટર આવી ગયાં.
વલ્લકીએ બ્રેડ બટર સાથે ચા પી લીધી જ્યારે અભિમન્યુએ ખાલી ચા પીધી. એ પછી વલ્લકીએ વિદાય લીધી. ઘણા સમય પછી આજે એ એકદમ રિલેક્સ થઈ ગઈ હતી !
એના ગયા પછી અભિમન્યુ ક્યાંય સુધી પ્રતાપ કાનાણીના વિચારોમાં ખોવાયેલો રહ્યો. જોષીમઠ ગયા પહેલાં પ્રતાપ અંકલ પ્રત્યે એને કેટલું બધું માન હતું ! કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રતાપ અંકલની સલાહ લેતો. અચાનક બધુ બદલાઈ ગયું. વલ્લકી સાથે એણે જે કર્યું તે અક્ષમ્ય હતું. મને અંધારામાં રાખીને પોતે જ ભ્રષ્ટ કરેલી વલ્લકીને મારી સાથે પરણાવવા નીકળ્યો હતો !!
વલ્લકીને પ્રતાપ કાનાણી જેવા દુષ્ટની ચુંગાલમાંથી છોડાવવા માટે કંઈક તો વિચારવું જ પડશે. આ માણસ જો પોતાની કહેવાતી ભત્રીજી સાથે આટલી હદે જઈ શકતો હોય તો એનું ચારિત્ર્ય સારું ન જ હોય અને જો એવું જ હોય તો એના જીવનમાં બીજાં પાત્રો પણ હોવાં જ જોઈએ. આવી કોઈ કડી પકડાય તો જ એની સામે બાથ ભીડી શકાય.
જે માણસ કોઈનું ઠંડા કલેજે મર્ડર કરાવી શકતો હોય એ શું ના કરી શકે ! એટલે એની સામે સાવચેતી પૂર્વક આગળ વધવું પડશે.
આ બધા વિચારોમાં અચાનક એને દાદાજીએ આપેલો રુદ્રાક્ષ યાદ આવ્યો. એણે નિર્ણય લઇ લીધો.
રાત્રે ઘરે ગયા પછી જમી કરીને એ પોતાના બેડરૂમમાં સૂવા ગયો ત્યારે રુદ્રાક્ષ સાથે લેતો ગયો અને બેડ ઉપર બેસીને એણે રુદ્રાક્ષ પોતાના જમણા હાથમાં લીધો અને દાદાજીનું સ્મરણ કરીને સતત મનમાં ચિંતન કરતો રહ્યો કે – પ્રતાપ કાનાણી નામના માણસના ભૂતકાળ વિશે અને ખાસ કરીને એના ચારિત્ર્ય વિશે મને બધી જ માહિતી પ્રાપ્ત થાઓ.
સતત ત્રણથી ચાર વાર આ જ સંકલ્પ રુદ્રાક્ષ સામે જોઈને એ બોલતો રહ્યો. એના આશ્ચર્ય વચ્ચે એના કાનમાં કોઈનો અવાજ સંભળાયો. અવાજ ધીમો હતો પણ એકદમ સ્પષ્ટ હતો.
" પ્રતાપ કાનાણીનું ચારિત્ર્ય સારું નથી. એણે વલ્લકી નામની એક કુંવારી છોકરી ઉપર બળાત્કાર કરેલો છે અને હાલમાં એના જીવનમાં સંધ્યા કદમ નામની એક મહારાષ્ટ્રીયન છોકરી પણ છે જેને લઈને કાનાણી મહિનામાં બે વાર મલાડ વેસ્ટની એક હોટલમાં જાય છે. સંધ્યા વિશે કાનાણીનો ડ્રાઇવર સાવંત બધું જાણે છે અને એણે જ સંધ્યાનો પરિચય કરાવેલો છે. સંધ્યા પહેલાં વર્ષા નામની એક છોકરી સાથે પણ કાનાણીના સંબંધો હતા જે એની જ ઓફિસમાં નોકરી કરતી હતી. લગ્ન થઈ ગયાં એટલે વર્ષાએ નોકરી છોડી દીધી છે."
અવાજ બંધ થઈ ગયો. અભિમન્યુએ જે જાણવાનું હતું એ જાણી લીધું. એણે રુદ્રાક્ષને માનસિક રીતે પ્રણામ કર્યા અને કપાળે સ્પર્શ કરાવ્યો. એ પછી રુદ્રાક્ષને ફરી પૂજાના કબાટના ડ્રોવરમાં મૂકી દીધો.
સંધ્યા કદમ ! આ નામ જાણીતું હતું. એણે ક્યાંક સાંભળેલું હતું. પરંતુ આ નામની તો અનેક સ્ત્રીઓ મુંબઈમાં હોય !
હવે સૌથી પહેલું કામ કાનાણીના ડ્રાઇવરને કોઈ લાલચ આપીને સંધ્યાનું સરનામું મેળવવાનું હતું. એ પછી સંધ્યાને મળીને એને વિશ્વાસમાં લેવાની હતી. કાનાણી સંધ્યાને પણ બ્લેકમેલ કરીને જ હોટલમાં લઈ જતો હશે. નહીં તો એની સાથે એ આ રીતે દર પંદર દિવસે હોટલમાં ના જાય.
સંધ્યા કદાચ સાચી વાત કરી દે તો પણ એ વાત જાણીને કોઈ સીધો ફાયદો ના થાય. સંધ્યાની વાત કરીને કાનાણીને ડરાવી શકાય નહીં. એ જો રંગે હાથ પકડાઈ જાય તો જ પોતાની આબરૂ બચાવવા માટે એ વલ્લકીના ફોટા અને વિડિયો ડીલીટ કરે. અને આ માટે એ જે હોટલમાં જાય છે ત્યાં જ કોઈ જાળ બિછાવવી પડે.
અભિમન્યુ પ્રતાપ કાનાણીના ડ્રાઇવર તુકારામ સાવંતને સારી રીતે ઓળખતો હતો પરંતુ એની સાથે ક્યારેય પણ સીધી વાત થઈ ન હતી. વર્ષોથી કાનાણીના ઘરે અને ઓફિસે અભિમન્યુની આવન જાવન હતી એટલે સાવંત પણ અભિમન્યુને ઓળખતો હતો.
હવે આ સાવંતને સંધ્યાની વાત કેવી રીતે કરવી ? ગમે તે રીતે હું વાત કરું તો પણ એ મારી મુલાકાત સંધ્યા સાથે કરાવવામાં સહકાર આપશે ? આ પ્રશ્ન બહુ પેચીદો હતો. એ વર્ષોથી પ્રતાપ કાનાણીનો વફાદાર ડ્રાઇવર હતો !
ઘણું બધું મનોમંથન કરીને છેવટે અભિમન્યુ સૂઈ ગયો. દાદાજીએ એનામાં ગાયત્રી મંત્રની પ્રતિષ્ઠા કરી હતી. શક્તિપાત પણ કરેલો હતો. પોતે એકવાર સમાધિ અવસ્થા સુધી પણ પહોંચી ગયો હતો એટલે એનામાં ચેતના જાગૃત થયેલી જ હતી.
એણે સવારે નાહી ધોઈને પહેલી વાર ગાયત્રી મંત્રની માળા કરવાની કોશિશ કરી. ખૂબ જ ધ્યાનથી એણે એક જ માળા કરી. એ પછી રુદ્રાક્ષને હાથમાં લીધો અને સાવંત સહકાર આપે એ માટે પ્રાર્થના કરી. એને ખબર ન હતી કે કોઈપણ ઈચ્છા આ રુદ્રાક્ષ પૂરી કરી શકે તેમ હતો અને હવે સાવંત ઉપર એની વશીકરણ જેવી અસર થવાની હતી !!
બે દિવસ પછી અભિમન્યુ કાંદીવલીમાં જેઠવા નગર એરિયામાં આવેલા ઓમ પ્લાઝામાં સવારે સાડા દસ વાગે જ પહોંચી ગયો. કાનાણી રોજ લગભગ પોણા અગિયાર વાગે ઓફિસે આવતો હતો. બે કલાક ઓફિસમાં બેસીને ઘરે જમવા જતો હતો. જમીને ઘરે બે કલાક આરામ કરીને બપોર પછી પોતાની સાઈટ ઉપર જતો હતો. આ એનો રોજનો ક્રમ હતો.
શેઠને ઓમ પ્લાઝા ઉતારીને સાવંત ક્યારેક શેઠની ઓફિસમાં બેસતો તો ક્યારેક પ્લાઝામાં નીચે આવેલા પાનના એક ગલ્લા પાસે સમય પસાર કરતો. કોઈ વાર શેઠે કોઈ કામ સોંપ્યું હોય તો એ બે કલાક દરમિયાન કરી આવતો.
આજે જેવી પ્રતાપ કાનાણીની ગાડી આવી કે તરત જ કાનાણી ગાડીમાંથી ઉતરીને સીધો લિફ્ટ તરફ ગયો અને સાવંત ગાડીને પાર્કિંગમાં મૂકવા ગયો. ત્યાંથી આવીને એ આદત મુજબ પાનના ગલ્લા પાસે ગયો. ત્યાંથી એણે માણેકચંદની પડીકી લીધી અને તોડીને ગુટકાનો મસાલો મ્હોંમાં મૂક્યો.
અભિમન્યુ ધીમે રહીને તુકારામની નજીક ગયો. એ જેવો એની નજીક ગયો કે રુદ્રાક્ષની શક્તિ કામે લાગી ગઈ. અભિમન્યુની સામે તુકારામ સાવંતનો નજીકનો ભૂતકાળ આવી ગયો. જાણે કે એ અભિમન્યુનો ખાસ અંગત મિત્ર હોય એમ એના જીવનની કેટલીક અંગત વાતો એની સામે સ્પષ્ટ થઈ ગઈ.
" અરે સાવંત આજે ગાડીમાં શેઠે તને પૈસાની મદદ કરવાની ના પાડી દીધી ?" અભિમન્યુથી બોલાઈ ગયું.
પરંતુ એની આ વાત સાંભળીને સાવંત ચમકી ગયો. સાવંતની પત્ની છાયા ઘણા સમયથી બિમાર રહેતી હતી. એની દવાના ખર્ચામાં થોડું દેવું પણ થઈ ગયું હતું. સાવંતને બે દીકરીઓ હતી જેના ભણવાના ખર્ચા પણ મોટા હતા. સાવંતનો હાથ હંમેશાં તંગીમાં રહેતો. એમાં પાછું ગઈકાલે ડોક્ટરે છાયાના પિત્તાશયનું ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી.
સાવંતે આજે ગાડીમાં શેઠ પાસે એક લાખ રૂપિયાની મદદ માગી હતી. પ્રતાપ કાનાણી પાસે કરોડો રૂપિયા હતા. એક લાખ રૂપિયા એના માટે ચણા મમરા જેવા હતા. એ એની પ્રેમિકા સંધ્યા કદમને પણ મદદ કરતો હતો પરંતુ સાવંતે એક લાખ રૂપિયા માગ્યા એટલે એ બરાડી ઉઠ્યો.
કાનાણી સાવંત ઉપર ખૂબ જ ગુસ્સે થયો અને પૈસાની મદદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ઉપરથી એને એમ કહ્યું કે બીજી કોઈ સારી છોકરી શોધી આપ તો તને કમિશનના પચાસ હજાર મળી જશે. સાવંતને ગુસ્સો તો ઘણો આવ્યો પરંતુ એ કંઈ બોલી શકે એમ ન હતો. એક વર્ષ પહેલાં પણ એણે એક લાખ લીધા હતા.
સંધ્યાનો પરિચય પણ એણે જ કરાવેલો હતો. શેઠની ટેવોથી એ પરિચિત હતો. ગણેશનગરમાં પોતાની પડોશમાં રહેતી સંધ્યા ૨૬ વર્ષની વિધવા હતી અને ખૂબસૂરત હતી. સંધ્યા પ્રાઇવેટમાં નોકરી કરીને ૧૫૦૦૦ કમાતી હતી પરંતુ એની માની માંદગીમાં જ પૈસા ખર્ચાઈ જતા હતા.
સાવંતે એક વર્ષ પહેલાં સંધ્યાને શેઠ વિશે વાત કરી હતી.
" સંધ્યાબેન તમને ખોટું ન લાગે તો એક વાત કહું ? " સાવંતે મરાઠીમાં વાત શરૂ કરી.
" તમને આખો મહિનો નોકરી કરીને માંડ ૧૫૦૦૦ મળે છે. તમને હું દર મહિને મોટી રકમ અપાવી શકું એમ છું. મારા શેઠ સાથે સંબંધ રાખવામાં તમને જો વાંધો ન હોય તો હું તમને એમનો પરિચય કરાવું. એમની સાથે વાત કર્યા પછી તમને યોગ્ય લાગે તો આગળ વધો નહીં તો આ વાત ભૂલી જાઓ. શેઠ બહુ મોટા માણસ છે અને તમને જ્યારે પણ જરૂર પડશે ત્યારે પણ મોટી મદદ કરશે. " સાવંત બોલ્યો.
સંધ્યાએ વિચારવા માટે બે દિવસનો સમય માગ્યો. સંધ્યાને અત્યારે પૈસાની ખૂબ જરૂર હતી. એ જે સંઘર્ષ કરી રહી હતી એ એટલો બધો હતો કે છેવટે એ તૈયાર થઈ.
સંધ્યાને જોઈને શેઠ એટલા ખુશ થઈ ગયા હતા કે દર મહિને પચાસ હજાર જેવી રકમ આપવાની એમણે ઑફર કરી ! સંધ્યા પણ આટલી મોટી રકમ મળતી હોવાથી મજબૂરીમાં આ સંબંધ માટે તૈયાર થઈ ગઈ.
સંધ્યા સાથે મુલાકાત કરાવી ત્યારે શેઠે સાવંતને એક લાખ રૂપિયા કમિશન આપ્યું હતું. આજે ફરી શેઠે એને બીજી કોઈ છોકરી શોધી આપવાની વાત કરી હતી !
સાવંત અંદરથી ખૂબ જ ગુસ્સામાં હતો. પોતે કંઈ છોકરીઓનો દલાલ થોડો હતો કે દરેક વખતે આવાં કામ કરે ! સંધ્યા તો બહુ તકલીફમાં હતી એટલે એની દયા ખાઈને એણે આ કામ કર્યું હતું. પૈસાની મદદ કરવા માટે શેઠ આ રીતે છોકરીઓ લાવી આપવાની વાત કરે એ એને ગમ્યું ન હતું.
પરંતુ મારા શેઠે મદદ કરવાની ના પાડી એ વાતની ખબર અભિમન્યુ સરને કેવી રીતે પડી !! સાવંત આશ્ચર્યમાં પડી ગયો. અભિમન્યુ શ્રીમંત હતો અને શેઠના જૂના પાર્ટનરનો દીકરો હતો એ સાવંત જાણતો હતો એટલે એને એ સર કહીને જ બોલાવતો.
" અરે પણ સર તમને આ વાતની ખબર કેવી રીતે પડી ? " સાવંત અભિમન્યુ સામે જોઈને બોલ્યો.
"તારો ચહેરો જ કહી આપે છે સાવંત. તારે પૈસાની જરૂર હશે અને શેઠ પાસે મદદ માગી હશે પણ શેઠે ના પાડી હશે. એટલે જ તારો ચહેરો આટલો નિરાશ છે અને ચહેરા ઉપર થોડો ગુસ્સો પણ દેખાય છે. બોલ મારી વાત સાચી છે ને ?" અભિમન્યુ હસીને બોલ્યો.
" કમાલ છે સર. તમે ખાલી ચહેરા ઉપરથી આટલું બધું જાણી શક્યા ! મેં આજે ખરેખર એક લાખ રૂપિયાની મદદ માગી હતી પરંતુ શેઠે ધરાર ના પાડી. " સાવંત બોલ્યો. શેઠે બીજી કોઈ છોકરી શોધવાની વાત કરી એ વાત એ ખાઈ ગયો.
" અંકલને હું ઓળખું છું ત્યાં સુધી મદદ કરવાના બદલામાં બીજી કોઈ છોકરી શોધવાની વાત તને કરી જ હશે ! " ફરી અભિમન્યુએ સાવંતને ચકરાવામાં નાખી દીધો. એને સમજ નહોતી પડતી કે અમારા બંનેની ગાડીમાં થયેલી વાત અભિમન્યુ સરને કેવી રીતે પડે છે !
" આટલા બધા મૂંઝાવાની જરૂર નથી હું બધું જ જાણું છું. તારે પૈસાની જરૂર છે ને ! જો અત્યારે મારી પાસે પચાસ પડ્યા છે અને બાકીના પચાસ કાલે ગમે ત્યારે મારી ઓફિસે આવીને લઈ જજે. મારે તારી સાથે થોડી વાત પણ કરવી છે તો કાલે તું આવે ત્યારે ઓફિસે વાત કરીશું. " કહીને એણે સાવંતને પચાસનું બંડલ પકડાવી દીધું અને સાવંત કોઈ જવાબ આપે એ પહેલાં જ ત્યાંથી નીકળી ગયો. એણે બરાબરની સોગઠી મારી દીધી હતી.
સાવંત તો એને બસ જોઈ જ રહ્યો. અભિમન્યુએ આજે એને બોલવાનો મોકો જ ના આપ્યો. અભિમન્યુ આજે ખુશ હતો. ધાર્યું નિશાન પાર પડ્યું હતું.
બીજા દિવસે કાનાણી શેઠને ઓમ પ્લાઝા આગળ ઉતારીને તરત જ સાવંત મલાડ પોદ્દાર રોડ પહોંચી ગયો અને કોશા કોમ્પ્લેક્સમાં અભિમન્યુની ઓફિસમાં પ્રવેશ્યો.
" સર બેઠા છે અંદર ? " સાવંત ધવલ સામે જોઈને બોલ્યો.
ધવલ સાવંતને ઓળખતો જ હતો. અભિમન્યુએ કહી રાખ્યું હતું એટલે ધવલે એને સીધા અંદર જવાની સૂચના આપી.
" આવ સાવંત. લે આ બીજા પચાસ હજાર. ભવિષ્યમાં બીજા પૈસાની જરૂર પડે તો પણ મને કહી દેજે." અભિમન્યુ બોલ્યો અને એણે સાવંતનો પૂરેપૂરો વિશ્વાસ જીતી લીધો.
" જી સર. મારી પત્ની છાયા ઘણા સમયથી બીમાર છે. એને પિત્તાશયનું ઓપરેશન કરાવવાનું ડોક્ટરે કહ્યું છે. મને પૈસાની બહુ જ જરૂર હતી. તમે ખરા સમયે મને મદદ કરી છે. " સાવંત બે હાથ જોડીને બોલ્યો.
" એટલે જ મેં કહ્યું કે બીજા પૈસાની જરૂર પડે તો પણ કહેજે." અભિમન્યુ બોલ્યો.
" સર તમારે મને બીજી કોઈ વાત પણ કરવાની હતી." સાવંત સામેથી બોલ્યો.
" અરે હા. સારું યાદ કરાવ્યું. મારે સંધ્યા વિશે જાણવું છે. મને ખબર પડી છે કે કાનાણી શેઠ પૈસા આપીને એનું લોહી ચૂસી રહ્યા છે. હું એને છોડાવવા માગું છું. પરંતુ એના માટે મને તારી મદદની જરૂર છે. સંધ્યાની ઓળખાણ કરાવીને તું પોતે પણ પાપનો ભાગીદાર બન્યો છે તો હવે આ પૂણ્યના કામમાં પણ થોડી મદદ કર. " અભિમન્યુએ ધડાકો કર્યો.
સંધ્યા વિશે આ અભિમન્યુ સરને કેવી રીતે ખબર પડી અને કદાચ ખબર પડી હોય તો પણ મેં ઓળખાણ કરાવી છે એ ખબર કેવી રીતે પડી ? સાવંત તો હવે અવાક જ થઈ ગયો. શું બોલવું એ જ એને સમજાતું ન હતું !
" તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી સાવંત. શેઠને કંઈ જ ખબર પડવાની નથી. તારે મારી મુલાકાત સંધ્યા સાથે કરાવવાની છે. એની વાત જાણ્યા પછી જ હું એને કાનાણી શેઠની કેદમાંથી કાયમ માટે છોડાવી શકું. નહીં તો તારો એ શેઠ એને કદી છોડશે નહીં. આ પૂણ્યના કામમાં તું મને મદદ કર. " અભિમન્યુ બોલ્યો.
" હું તૈયાર છું સર. સંધ્યાને લઈને હું અહીં જ આવીશ. આવતા પહેલાં તમને ફોન કરી દઈશ જેથી ધક્કો ના પડે. " સાવંત બોલ્યો.
" મને એ સમજાતું નથી કે સંધ્યા પોતે કુંવારી છોકરી હોવા છતાં આ શેઠ સાથે કાયમ માટે આવા આડા સંબંધો રાખવા તૈયાર કેમ થઈ ? " અભિમન્યુ બોલ્યો.
" સર સંધ્યા કુંવારી નથી. એણે ત્રણ વર્ષ પહેલાં કોઈ ગુજરાતી છોકરા સાથે પ્રેમ લગ્ન કરેલાં પરંતુ છોકરાના મા બાપે સંધ્યાને વહુ તરીકે સ્વીકારી નહીં એટલે પછી એ લોકો બીજે ભાડે રહેવા ગયાં. પરંતુ એ પછી એક જ વર્ષમાં એના ઘરવાળાએ આત્મહત્યા કરી લીધી એટલે સંધ્યા એની માની સેવા કરવા મારા પડોશમાં જ પોતાના ઘરે પાછી આવી ગઈ. એનો બાપ તો ગુજરી ગયો હતો. બિચારીનું નસીબ જ ફૂટેલું છે. " સાવંત બોલ્યો.
" સંધ્યા તારી પડોશમાં જ રહે છે તો સંધ્યાના વરનું નામ તો તને ખબર હશે જ. " અભિમન્યુ ચમકીને બોલ્યો.
" હા સર નીરજ વ્યાસ."
અભિમન્યુ નીરજ વ્યાસ નામ સાંભળીને ચમકી ગયો. બે મિનિટ માટે એ ભૂતકાળમાં ખોવાઈ ગયો.
" સાવંત તું એક કામ કર. તું સંધ્યાને મારી સામે ના લાવીશ. મેં એને જોઈ નથી પણ એ કદાચ મને ઓળખતી હોય. હું એને બચાવવાનો બીજો જ રસ્તો કાઢું છું. તું મારું નામ લીધા વગર એને માત્ર એટલું જ કહેજે કે મારા એક સર તને કાનાણી શેઠના ચક્કરમાંથી બહાર કાઢશે.... અને સાવંત તું તારો મોબાઈલ નંબર મને આપી રાખ. જરૂર પડશે તો હું તને જ ફોન કરીશ. " અભિમન્યુ બોલ્યો.
" જી સર. " અને સાવંતે પોતાનો મોબાઈલ નંબર અભિમન્યુને આપી દીધો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
