વલ્લકી પ્રકરણ 5
" હાય.... હું વલ્લકી "વલ્લકીનો ફોન ! એ પણ રાત્રે દસ વાગ્યે !! અભિમન્યુને ખૂબ જ આશ્ચર્ય થયું. એ આવતીકાલે પણ ફોન કરી શકતી હતી.
" હા બોલ. " અભિમન્યુ બોલ્યો.

વલ્લકી નવલકથા
અભિમન્યુ સામાન્ય રીતે અજાણી છોકરીને હંમેશાં તમે કહીને માનથી જ બોલાવતો હતો પણ વલ્લકીએ જ્યારથી એને તમાચો માર્યો અને જાહેરમાં રાસ્કલ કહ્યો ત્યારથી એના પ્રત્યે અભિમન્યુને કોઈ રિસ્પેક્ટ રહ્યું ન હતું.
" મારે તમને અર્જન્ટ મળવું છે. પ્લીઝ ના ન પાડશો. " વલ્લકીના અવાજમાં વિનંતીની સાથે ભય પણ હતો.
" અરે પણ મળવાની આટલી બધી ઉતાવળ શા માટે ? મળવું જ હોય તો આપણી પાસે ઘણો સમય છે." અભિમન્યુ બોલ્યો.
" તમારી પાસે છે પરંતુ મારી પાસે નથી. પ્લીઝ તમે જ્યાં કહેશો ત્યાં હું આવી જઈશ. " વલ્લકી વિનંતી કરી રહી હતી.
" તું આટલી બધી ગભરાયેલી કેમ છે ? તારા અવાજમાં એક પ્રકારનો ભય દેખાય છે મને. " અભિમન્યુ બોલ્યો.
" હું બધું જ તમને રૂબરૂમાં કહીશ. મારે તમને અર્જન્ટ મળવું બહુ જરૂરી છે અભિમન્યુ ! " વલ્લકી બોલી.
" ઠીક છે.. ઠીક છે... રિલેક્સ. મલાડ ઈસ્ટમાં સ્ટેશનની નજીક જ પોદ્દાર રોડ ઉપર કોશા કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. ત્યાં પાંચમાં માળે મારી ઓફિસ છે. એડ્રેસ તને મેસેજ કરું છું. કાલે બપોરે બાર વાગે આવી જજે. " અભિમન્યુ બોલ્યો અને એણે ફોન કટ કરી દીધો.
અભિમન્યુને સમજાતું ન હતું કે ફોન કરતી વખતે વલ્લકી આટલી બધી ગભરાયેલી કેમ લાગતી હતી અને શા માટે અર્જન્ટ મળવા માગતી હતી !
પરંતુ વલ્લકીની હાલત વલ્લકી પોતે જ જાણતી હતી. વલ્લકી આમ તો બિલ્ડર પ્રતાપ કાનાણીના કઝીન સાળા રાજેશની પાલક દીકરી હતી. ખૂબ જ આકર્ષક અને સુંદર હોવાથી પ્રતાપ કાનાણીએ એને એક વર્ષથી પોતાની જ ઓફિસમાં નોકરીએ રાખી લીધી હતી.
વલ્લકીએ એમબીએ ફાઇનાન્સ કર્યું હોવાથી કંપનીની નાણાંકીય બાબતો સંભાળતી હતી. કાનાણી એને દર મહિને સારી એવી રકમ સેલેરી તરીકે આપતો હતો એટલે રાજેશ પણ પ્રતાપ જીજાથી બહુ જ ખુશ હતો.
ત્રણ વર્ષથી પ્રતાપ કાનાણીએ વસઈની ઓફિસ બંધ કરી દીધી હતી અને હવે કાંદીવલી વેસ્ટમાં જેઠવાનગરમાં ઓમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં વિશાળ ઓફિસ લીધી હતી. અત્યારે એની સ્કીમો ગોરાઈ અને દહીસરમાં ચાલતી હતી.
બીજા દિવસે બપોરે લગભગ પોણા બાર વાગ્યે જ વલ્લકી અભિમન્યુની ઓફિસમાં હાજર થઈ ગઈ. ઓફિસનું ઇન્ટિરિયર જોઈને વલ્લકી દંગ રહી ગઈ. જેણે પણ આ ઇન્ટિરિયર ડિઝાઇન કરી હતી એ અદભુત હતી ! અભિમન્યુએ પોતાની ઓફિસમાં દિલથી રૂપિયા ખર્ચ્યા હતા એ દેખાઈ આવતું હતું. આવા શ્રીમંત કહી શકાય એવા સંસ્કારી યુવાનને પોતે તમાચો મારી બેઠી હતી.
" કોનું કામ હતું ? " અભિમન્યુની ચેમ્બરની બહાર બેઠેલો એકાઉન્ટન્ટ ધવલ બોલ્યો. ધવલ એકાઉન્ટની સાથે સાથે ઓફિસનું નાનું મોટું બધું જ કામ કરતો હતો.
" અભિમન્યુને મળવું છે. કહો કે વલ્લકી આવી છે. " વલ્લકી બોલી.
" સર, કોઈ વલ્લકી મેડમ આવ્યાં છે." ધવલે ઇન્ટરકૉમ ઉપર અભિમન્યુ સર સાથે વાત કરી.
" અંદર મોકલ." અભિમન્યુ બોલ્યો.
ધવલે વલ્લકીને અંદર જવા ઈશારો કર્યો. વલ્લકી અભિમન્યુની કેબિનમાં પ્રવેશી એટલે દરવાજો ઓટોમેટીક લૉક થઈ ગયો.
" હા બોલો. " અભિમન્યુ વિવેકથી બોલ્યો. હવે એકવચન વાપરવું એને યોગ્ય ન લાગ્યું.
" ઉંમરમાં તમારાથી નાની છું એટલે તમે મને તું કહી શકો છો. " વલ્લકી અભિમન્યુની સામે રાખેલી ખુરશી ઉપર બેસીને બોલી.
અભિમન્યુએ અત્યારે પહેલી વાર એની સામે ધારીને જોયું તો લાગ્યું કે ખરેખર એ અતિ ખૂબસૂરત હતી ! સંધ્યા કરતાં પણ સુંદર !!
" અત્યારે હું ગુસ્સામાં નથી એટલે મારા સંસ્કાર મુજબ હું તમે કહીને જ વાત કરીશ. હવે બોલો આટલું બધું અર્જન્ટ મળવાનું કોઈ ખાસ કારણ ?" અભિમન્યુ બોલ્યો.
" કારણ કે મારી જિંદગીનો સવાલ છે. તે દિવસે મારાથી તમારી સાથે જે અસભ્ય વર્તન થઈ ગયું એ બદલ ફરીથી હું બે હાથ જોડીને તમારી માફી માગું છું." વલ્લકી બે હાથ જોડીને બોલી.
" એ બધું ભૂલી જાઓ. ખરેખર મારા મનમાં અત્યારે તમારા પ્રત્યે જરા પણ કડવાશ નથી." અભિમન્યુ બોલ્યો.
" હું તમને સર કહું ? આપણી વચ્ચે અત્યારે કોઈ સંબંધ નથી એટલે અભિમન્યુ કહીને સંબોધન કરવું યોગ્ય નથી લાગતું." વલ્લકી બોલી.
" ના ના. મને સર કહેવાની જરૂર નથી. તમે મને અભિમન્યુ કહીને બોલાવી શકો છો." અભિમન્યુ હસીને બોલ્યો.
" ઓકે..." કહીને વલ્લકી થોડીવાર અટકી. એ પછી ઊંડો શ્વાસ લઈને બોલી. " અભિમન્યુ હું એક સંસ્કારી ઘરની દીકરી છું. મારા દાદાએ મારામાં ઘણા સંસ્કારોનું સિંચન કરેલું છે. ગુસ્સો કરવો મારા સ્વભાવમાં જ નથી. હું ઘમંડી પણ નથી. તે દિવસે મારાથી તમારી ઉપર ગુસ્સો થઈ ગયો એની પાછળ ઘણાં કારણો છે. તમારા મન ઉપર મારા વિશે ખરાબ છાપ પડી પરંતુ ખરેખર હું એવી નથી." વલ્લકી ગંભીરતાથી બોલી.
" તમારી વાત સાચી હોઈ શકે છે પરંતુ મારો અનુભવ તમારા વિશેનો બહુ જ ખરાબ અને કડવો છે. છતાં હું એ બધું ભૂલી ગયો છું. એ દિવસ મારા માટે ખરાબ હશે એમ માની લઉં છું. મારા મનમાં અત્યારે તમારા વિશે કોઈ ખરાબ છાપ નથી. તમે પહેલી વાર મારી ઓફિસ આવ્યાં છો તો સ્વાગત કરું છું. બોલો શું લેશો ? અહીં કેન્ટીન પણ છે બધું જ મળી રહેશે." અભિમન્યુ બોલ્યો.
" મારે તમારી સાથે કેટલીક વાતો કરવી છે અને એના માટે જ હું આવી છું. એ વાતો નહીં કરું ત્યાં સુધી મને ચેન નહીં પડે. મારી વાત તમે સાંભળી લો અને પછી તમારે જે મંગાવવું હોય તે મંગાવજો. " વલ્લકી બોલી.
" ચાલો ઠીક છે. મારી પોતાની જ ઓફિસ છે. સમયનું મને કોઈ જ બંધન નથી. તમે શાંતિથી નિરાંતે તમારી વાત કરી શકો છો. ગઈકાલે ફોન ઉપર તમારા અવાજમાં મને ડર દેખાતો હતો. એ ડરનું કારણ પણ મારે જાણવું છે." અભિમન્યુ બોલ્યો.
" તમને કદાચ ખબર નથી અભિમન્યુ પરંતુ હું પ્રતાપ અંકલની કાંદીવલીની ઓફિસમાં જ જોબ કરતી હતી. હું ત્યાં એમનું ફાઇનાન્સ સંભાળતી હતી. પ્રતાપ અંકલ સંબંધમાં આમ તો મારા દૂરના ફુઆ થાય પરંતુ બધા સંબંધો એમણે વટાવી ખાધા છે. " વલ્લકી બોલી.
" હું સમજ્યો નહીં. સંબંધો વટાવી ખાધા એટલે ? " અભિમન્યુ બોલ્યો.
" આ વાત તમારા સુધી જ રાખજો અભિમન્યુ. હું જે વાત તમને કહેવા માટે આવી છું એ વાત ઘણી જ ગંભીર છે. તમારાં મમ્મીને પણ ના કહેશો. હું તમારા ઉપર વિશ્વાસ રાખીને જ આ બધું કહી રહી છું. " વલ્લકી બોલી.
" તમે એ બાબતમાં જરા પણ ટેન્શન ના કરો. જે પણ પ્રોબ્લેમ હોય એ તમે મારી સાથે શેર કરી શકો છો અને એ મારા સુધી જ રહેશે. " અભિમન્યુ બોલ્યો. હવે એને વલ્લકી તરફ થોડી દયાની લાગણી પ્રગટી.
" મારા આ કહેવાતા ફુઆ એક નરાધમ માણસ છે. એ અમારા ઘરે ઘણીવાર આવતા. હું સુંદર હોવાથી એમની નજર હંમેશા મારા ઉપર જ રહેતી. એમબીએ ફાઇનાન્સની ડિગ્રી મળી એ પછી એક દિવસ પ્રતાપ અંકલ મારા ઘરે આવ્યા હતા. ૨૪ વર્ષની ભર યુવાન ઉંમરે હું ખૂબ જ રૂપાળી દેખાતી હતી. મને જોઈને એમની દાનત મારા ઉપર બગડી. અહીં હું તમને એક વાત જણાવી દઉં કે ધરમશી દાદાએ આ ઘરમાં મને દત્તક લીધેલી છે. મારા પપ્પાનું નામ હર્ષદ ઘેલાણી હતું. મારા મમ્મી પપ્પા હું બે વર્ષની હતી ત્યારે જ હરિદ્વારમાં એકસીડન્ટમાં ગુજરી ગયાં હતાં." વલ્લકી બોલી રહી હતી.
" અંકલ મારો ઇતિહાસ જાણતા હતા એટલે એમના બદઈરાદાથી મારા પપ્પા સાથે મીઠી મીઠી વાતો કરી અને મને એમની ઓફિસમાં સારા પગારની નોકરી આપવાની ઓફર કરી. પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા. મને પણ આ ઓફર ગમી. મને એ માણસના મનમાં શું ચાલી રહ્યું હતું એની એ સમયે કોઈ જ ખબર ન હતી. " વલ્લકી બોલી રહી હતી.
" મેં નોકરી જોઈન કરી. શરૂઆતના છ મહિના સુધી તો એમણે મારી સાથે ખૂબ જ સારું વર્તન રાખ્યું. મારો વિશ્વાસ જીતી લીધો. કોઈપણ મિટિંગમાં જાય તો પણ ઘણીવાર મને સાથે લેતા જાય. એક બે વાર ડિનર ઉપર પણ લઈ ગયા. અમારા બેઉ વચ્ચે ફુઆ ભત્રીજી જેવા સંબંધો હતા એટલે સીધી રીતે તો એ કંઈ કહી શકે એમ ન હતા. એ કોઈ સારા મોકાની શોધમાં હતા." વલ્લકી નીચું જોઈને બોલી રહી હતી.
" અને એક દિવસ એમને મોકો મળી ગયો. છ મહિના પહેલાની વાત છે. એ દિવસે વિદેશથી કોઈ પાર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે આવી હતી એટલે રાત્રે એમને લઈને ડીનર ઉપર જવાનું હતું. એમણે મારા ઘરે મારા પપ્પા સાથે છાની રીતે વાત કરી દીધી કે આજે વિદેશી મહેમાનો છે એટલે જો રાત્રે મોડું થશે તો વલ્લકી ઓફિસમાં જ સૂઈ જશે. ઓફિસમાં અંકલે આરામ કરવાનો અલગ રૂમ બનાવેલો છે." વલ્લકી બોલી રહી હતી. હવે એના અવાજમાં થોડી ધ્રુજારી દેખાતી હતી.
" હા એ રૂમ વિશે મને ખબર છે. " અભિમન્યુ બોલ્યો.
" એ દિવસે રાત્રે આઠ વાગે અમે બધાં એક હોટેલમાં ડીનર માટે ગયાં. વિદેશી મહેમાનો ત્યાંજ ઉતર્યા હતા. ડીનરની સાથે ડ્રીન્કસની પણ વ્યવસ્થા હતી. એમણે મહેમાનોની હાજરીમાં મને પણ એક પેગ વોડકા લેવાનો આગ્રહ કર્યો. મહેમાનો પણ મને આગ્રહ કરી રહ્યા હતા એટલે ગમે તેમ કરીને મેં પહેલી વાર વોડકાનો ટેસ્ટ કર્યો. જમી લીધા પછી પણ એ લોકોની સાથે મારે થોડું ડ્રીંક લેવું પડ્યું. અંકલ ડ્રિંક્સથી ટેવાયેલા હતા પરંતુ મને નશો ચડી ગયો હતો. બિલ ચૂકવ્યા પછી મહેમાનો એમના રૂમમાં ગયા અને અંકલ મને લઈને બહાર આવ્યા. હું સરખું ચાલી શકતી પણ ન હતી. અંકલ મને ગાડીમાં બેસાડીને એમની ઓફિસમાં લઈ ગયા અને મને કહ્યું કે આવી હાલતમાં ઘરે જવું ઠીક નથી. એ પછી એ મારો હાથ પકડીને ઓફિસના એ રૂમમાં લઈ ગયા જ્યાં બધી જ સગવડ હતી." વલ્લકી વાત કરતાં કરતાં હવે રડી પડી.
" એ રૂમમાં ગયા પછી મારી સાથે જે પણ થયું તે કહી શકાય એવું નથી. એ નરાધમે મોટા અવાજે ટીવી ચાલુ કર્યું અને મારી પાસે આવીને હું કંઈ સમજુ એ પહેલાં તો મને નિર્વસ્ત્ર કરવા લાગ્યો. મેં બચવા બહુ જ કોશિશ કરી. બૂમો પણ પાડી પરંતુ મારો અવાજ કોઈપણ સાંભળી શકે એમ ન હતું. એક તો હું પોતે નશામાં હતી એટલે પ્રતિકાર કરવાની શક્તિ જ મારામાં ન હતી." વલ્લકી ભારે હૈયે બોલી રહી હતી.
" એ રાત્રે ત્રણ વાગ્યા સુધી વારંવાર એણે મારા ઉપર રૅપ કર્યો. એટલું જ નહીં એણે મારી વિડિઓ ક્લિપ પણ ઉતારી. મારા નિર્વસ્ત્ર શરીરના ત્રણ ચાર ફોટા પાડી લીધા. સવારે આઠ વાગે ઊઠી ત્યારે મને ખૂબ જ બળતરા થતી હતી અને શરીર દુઃખતું હતું." વલ્લકી બોલી અને પછી રડી પડી.
અભિમન્યુ એની આ વાત સાંભળીને સડક થઈ ગયો. આ માણસ વિશે શું કહેવું ! મારા પિતાનું એણે મર્ડર કર્યું. પોતાની દીકરી જેવી ભત્રીજી ઉપર રૅપ કર્યો. કળિયુગની આ પરાકાષ્ટા હતી.
" તમે હવે શાંત થઈ જાઓ. તમારી સાથે કેવો અત્યાચાર થયો છે એ હું સમજી શકું છું. તમને પુરુષો તરફ આટલી નફરત કેમ છે એ પણ હવે મને ખ્યાલ આવી ગયો છે. તમે હવે મને બધી વાત શાંતિથી કરો. " અભિમન્યુ બોલ્યો અને એણે વલ્લકીને પીવા માટે પાણી આપ્યું.
" તે દિવસે સવારે નવ વાગે એ મને મારા ઘરે મૂકી ગયો. પપ્પાને કહી દીધું કે રાત્રે એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી એટલે આજે ઘરે આરામ કરવા દો. એની પાસે મારી નગ્ન વીડિયો ક્લિપ અને ફોટોગ્રાફ્સ હતા એટલે હું ડરી ગયેલી હતી. એ બહુ જ પહોંચેલો છે કોઈપણ હદે જઈ શકે એટલો શેતાન છે." વલ્લકી બોલી રહી હતી.
" એ દિવસ પછી પંદર જ દિવસમાં મેં એની જોબ છોડી દીધી. એનો હવસ પૂરો થઈ ગયો હતો એટલે એણે કોઈ વાંધો ના લીધો. પરંતુ મને ધમકી આપી કે – જ્યારે મારી ઈચ્છા હશે ત્યારે તારે મારી પાસે આવવું પડશે. જો નહીં આવે તો હું શું કરી શકું છું એની તને કલ્પના પણ નહીં હોય. " વલ્લકી પોતાની આપવીતી કહી રહી હતી.
" એ પછી પાંચ મહિના સુધી તો એણે મને કોઈ ફોન કર્યો નહીં એટલે હું થોડી રિલેક્સ હતી. મેં એ પછી કોઈ જોબ પણ કરી નથી. એક મહિના પહેલાં એનો મને ફોન આવ્યો અને મને એની ઓફિસે મળવા માટે બોલાવી. એની પાસે ગયા વગર છૂટકો જ ન હતો. હું ડરી ગઈ હતી." વલ્લકી બોલી.
" એણે મને પોતાની સામે બેસાડીને કહ્યું કે તારા માટે એક સરસ છોકરો મેં શોધી કાઢ્યો છે અને તારે એની સાથે કોઈપણ હિસાબે લગ્ન કરવાં પડશે. છોકરો સુખી ઘરનો છે. ઘરમાં માત્ર મા અને દીકરો બે જ જણાં છે. મારા જૂના પાર્ટનરનો દીકરો છે. તારે એની સાથે લગ્ન કરીને ગમે તે રીતે એના ઘરમાં મારા કરોડોના ડાયમંડ પડેલા છે એ ચોરી કરીને મને પહોંચાડી દેવાના છે. ભલે સમય લાગે. જે દિવસે તું એ ડાયમંડ મને આપવા આવીશ તે દિવસે તારા તમામ ફોટા અને વિડિયો ક્લિપ હું ડીલીટ કરી દઈશ. " વલ્લકી બોલી રહી હતી.
" અને જો તું એની સાથે લગ્ન નહીં કરે તો તારે કાયમ માટે મારી પત્નીની જેમ રહેવું પડશે. મારી ઈચ્છા થાય ત્યારે મારી પાસે આવવું પડશે. તારાં લગ્ન હું બીજે ક્યાંય પણ નહીં થવા દઉં. અભિમન્યુ એ વખતે તમારા વિશે હું કંઈ પણ જાણતી ન હતી એટલે લગ્નની વાતથી અને એની ધમકીથી હું ડરી ગઈ હતી." વલ્લકી બોલી રહી હતી.
" મારાં મમ્મી પપ્પાનો અકસ્માત મહા મહિનાની પૂર્ણિમાના દિવસે હરિદ્વાર થયો હતો એટલે છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે આ દિવસે હું હરિદ્વાર જાઉં છું. ત્યાં શાંતિકુંજમાં જઈને ધ્યાન ખંડમાં બેસી મારા મમ્મી પપ્પાના આત્માની શાંતિ માટે ગાયત્રીની પાંચ માળા કરું છું અને પ્રાર્થના કરું છું. આ વર્ષે પૂનમના આગલા દિવસે સવારે હરિદ્વાર પહોંચી ત્યારે આપણી વચ્ચે આ ઘટના બની. એક તો હું ડરેલી હતી અને પાછો તમારો હાથ મારા ખભાને અડી ગયો એટલે હું ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. મને માફ કરી દો. " વલ્લકી રડતાં રડતાં બોલી.
અભિમન્યુએ વલ્લકીની આખી વાત શાંતિથી સાંભળી. પ્રતાપ કાનાણીની આખી ચાલ એને સમજાઈ ગઈ. પપ્પા ના હીરા લઈ લેવા માટે એણે વલ્લકીને બ્લેકમેલ કરીને તૈયાર કરી. મારી મમ્મીને અને મને મીઠી મીઠી વાતો કરીને વિશ્વાસમાં લીધા અને મીટીંગ પણ ગોઠવી. જેની ઉપર એણે પોતે આખી રાત રૅપ કર્યો એ વલ્લકી સાથે મારાં લગ્ન કરાવવાનો ત્રાગડો રચ્યો !
વલ્લકીની આખી વાત સાંભળ્યા પછી અભિમન્યુને એ પણ ખ્યાલ આવી ગયો કે દાદાજીએ પોતે લખેલા પત્રમાં હર્ષદ ઘેલાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. એમણે જ પપ્પાને હીરા થોડા દિવસ સાચવવા આપ્યા હતા અને પછી હરિદ્વારમાં અકસ્માત થઈ ગયો હતો. એનો મતલબ એ જ થાય કે વલ્લકી એ જ હર્ષદ ઘેલાણીની પુત્રી છે. તો પછી આ હીરાની અસલી માલિક પણ વલ્લકી જ છે !! નિયતિ જ અમને બંનેને ભેગા કરી રહી છે !!
" હું તમારી સાથે વિશ્વાસઘાત કરવા માગતી નથી અભિમન્યુ. એણે મને પોતાની રખાત બનાવવાની ધમકી આપી છે છતાં પણ હું તમને સાચી વાત કહી રહી છું. મારા મનમાં કોઈ જ પાપ નથી. હું વર્જિન નથી એટલે લગ્ન માટે તમને મજબૂર નથી કરતી. તમે પોતે જ મારા તે દિવસના વર્તનને આગળ કરીને લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દો. મારું ભલે જે થવાનું હોય તે થાય." વલ્લકી બોલી.
" ના પાડવાની ઉતાવળ કરવાની જરૂર નથી વલ્લકી. તમે સાચા છો તો ઈશ્વર કોઈને કોઈ માર્ગ જરૂર કાઢશે. તમે હવે એનાથી જરા પણ ડરશો નહીં. તમારી વિડીયો ક્લિપ તમારું જ હથિયાર છે. એની પોતાની આબરૂની પણ એને ચિંતા હોય. કોર્ટ હંમેશાં તમારી સુરક્ષા કરે છે. મને તમારી બદનામીનો ડર છે બાકી ૨૪ કલાકમાં એને જેલ ભેગો કરી શકું છું. અને છાપામાં બદનામ થાય એ અલગ. પણ હમણાં આપણે કંઈ કરવું નથી. તમે અત્યારે એટલું જ કહેજો કે હું અભિમન્યુને મનાવવાની કોશિશ કરી રહી છું." અભિમન્યુ બોલ્યો અને એણે ટેબલ ઉપર રાખેલા વલ્લકીના હાથ ઉપર લાગણીથી પોતાનો હાથ મૂક્યો.
વલ્લકીને અભિમન્યુનો માનવતાવાદી અભિગમ અને સહૃદયતાનો સ્પર્શ છેક હૃદય સુધી અસર કરી ગયો ! ફરી એને પોતે મારેલા તમાચાનો અફસોસ થયો. મેં કોનો ગુસ્સો કોના ઉપર ઉતાર્યો !!
" તમને મેં જોયા નહોતા ત્યાં સુધી અંકલની ધમકીથી ડરીને મેં તમારી સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મારા ઘરે મેં તમને જોયા અને અત્યારે મળી એ પછી હું હવે તમને છેતરવા નથી માગતી અભિમન્યુ. હું હવે એની વાતોમાં નહીં આવું. હું આત્મહત્યા કરી લઈશ પરંતુ એ રાક્ષસના તાબે નહીં થાઉં." વલ્લકી મક્કમતાથી બોલી.
" આત્મહત્યા કરવાની નોબત કદી પણ નહીં આવે વલ્લકી. હું છું ને હવે !! " અભિમન્યુ હસીને બોલ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
