વલ્લકી નવલકથા (Vallaki Novel Part-4)

Related

વલ્લકી પ્રકરણ 4

" અરે માલવ બેટા... તારા પ્રતાપ ફુઆને જરા ફોન તો કર કે એ લોકો કેટલે પહોંચ્યા ? પાંચ વાગ્યાનો ટાઇમ આપેલો. સવા પાંચ વાગ્યા. " ધરમશીભાઈએ અધીરાઈથી પોતાના ૧૮ વર્ષના પૌત્રને આદેશ આપ્યો.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા
 
" હા.. દાદુ " માલવે દાદાને કહ્યુ અને મોબાઈલ હાથમાં લીધો.

" રહેવા દે માલવ.....આવતા જ હશે ! દૂરથી આવતા હોય તો પાંચ દસ મિનિટ આમ તેમ થાય " રાજેશ બોલ્યો.

" એ લોકો ચાર જણાં આવે છે. મહેમાનો માટે તમે લોકો નાસ્તાની પ્લેટો તૈયાર કરો. અને ચાની પણ તૈયારી રાખજો. કારણ કે બધાને આઇસ્ક્રીમ ના ફાવે. " ધરમશીભાઈ એ હવે પોતાની પુત્રવધુ શાલિનીને કહ્યું.

" પપ્પા આઈસ્ક્રીમ બધા જ ખાશે. મુંબઈમાં અત્યારે અહીં એટલી બધી ઠંડી પણ નથી. છતાં કોઈને ચા પીવાની ઈચ્છા હશે તો પાંચ મિનિટમાં બની જશે. " શાલિની બોલી.

છોકરો છોકરી જો એકબીજાને જોઈ લે અને પસંદ કરી લે તો આ મહા મહિનામાં જ વેવિશાળ નક્કી કરી દેવું અને વૈશાખ મહિનામાં લગન ગોઠવી દેવાં એવું બધાંએ વિચાર્યું હતું. બંનેની કુંડળી પણ સારી મળતી હતી એવું પ્રતાપભાઈએ એ લોકોને પણ કહ્યું હતું !

અભિમન્યુ પણ એક સંસ્કારી છોકરો હતો. એની માતાની ઈચ્છાને માન આપીને એ કન્યા જોવા જઈ રહ્યો હતો. છોકરી રૂપાળી જ હશે કારણ કે પ્રતાપ અંકલ એનાં આટલાં બધાં વખાણ ના કરે. છતાં વાતચીતમાં એનો સ્વભાવ જો સારો લાગે તો જ આગળ વધવું છે !

" અરે માલવ...તું નીચે જઈને જરા ગેટ ઉપર ઉભો રહે ને ! તું એમની સાથે જ ઉપર આવજે. " ફરી ધરમશીભાઈ બોલ્યા.

ચૂપ રહેવાનું ધરમશીભાઈને ફાવતું જ નહોતું. એ ખૂબ જ વ્યવહાર કુશળ હતા અને નાની નાની બાબતોનું એ ધ્યાન રાખતા. સારા માઠા પ્રસંગોમાં લોકો એમની સલાહ લેતા. આખા દહાણુકરવાડી એરિયામાં તમામ સિનિયર સિટીઝન્સ એમને ઓળખતા.

લગભગ સવા પાંચ વાગ્યે મહેમાનોને લઈને પ્રતાપ કાનાણી એકતા ટેરેસ પહોંચી ગયા. માલવે નીચેથી જ પપ્પાને ફોન કરી દીધો કે મહેમાનો આવી ગયા. પ્રતાપભાઈ સાથે બધા પંદરમા માળે ગયા.

ધરમશીભાઈના પરિવારે ઉભા થઈને મહેમાનોનું દરવાજામાં જ સ્વાગત કર્યું અને સોફામાં બેઠક લેવાની વિનંતી કરી.

" અમે તો અડધા કલાકથી તમારી રાહ જોતા હતા." ધરમશીભાઈ બોલ્યા.

" હા અંકલ પણ મુંબઈનો ટ્રાફિક તો તમે જાણો છો ને ? અને એમાં પણ એસ.વી રોડનાં સિગ્નલ્સ !! " પ્રતાપભાઈએ જ જવાબ આપ્યો.

થોડીવાર આડીઅવળી વાતો ચાલી. ત્યાર પછી બધાને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો. હજુ કન્યા ક્યાંય દેખાતી ન હતી.

" વલ્લકી કેમ દેખાતી નથી ? " છેવટે તરલાબેને જ પૂછી લીધું.

" એ બહાર ગઈ હતી એટલે હમણાં જ આવી છે. બેડરૂમમાં તૈયાર થઈ રહી છે. બેડરૂમ ખુલે એટલે એની સાથે અભિમન્યુ કુમારની મીટીંગ એના રૂમમાં જ ગોઠવી દઈએ. " શાલિની બોલી.

લગભગ પાંચેક મિનિટ પછી બેડરૂમનો દરવાજો ખુલ્યો એટલે તરત જ શાલિની અંદર ગઈ અને બે મિનિટમાં બહાર આવી.

" અભિમન્યુ કુમાર તમે અંદર જઈ શકો છો. " શાલિની બોલી.

અભિમન્યુ ઉભો થઈને વલ્લકીના બેડરૂમમાં ગયો. પણ આ શું... !!!

આ તો એ જ છોકરી હતી જેણે મને હરિદ્વાર સ્ટેશનમાં કોઈપણ જાતના વાંક વગર જાહેરમાં તમાચો ઠોકી દીધો હતો. અને રાસ્કલ લફંગા જેવા શબ્દો મારા માટે વાપર્યા હતા !!

" તું !!!... તમે !!! " વલ્લકી બોલી. એને સમજાતું જ ન હતું કે હવે વાત કઈ રીતે કરવી !

" હા હું જ એ રાસ્કલ અને લફંગો ! મને પહેલેથી ખબર હોત કે તને મળવાનું છે તો તારા જેવી માથા ફરેલી છોકરીને જોવા માટે પ્રતાપ અંકલની સાથે અહીં આવત જ નહીં. લગ્નની વાત તો દૂર રહી. હું તને બીજી વાર જોવા પણ માગતો નથી. " અભિમન્યુ બોલ્યો અને વલ્લકી કંઈ જવાબ આપે એ પહેલાં જ બહાર નીકળી ગયો.

" ચાલો મમ્મી. આપણે જઈએ. આ છોકરીને તો હું મળી ચૂક્યો છું. એનો મને બહુ જ ખરાબ અનુભવ થયો છે. એની સાથે લગ્ન થઈ શકે એમ નથી. સોરી અંકલ. સોરી દાદાજી. " અને અભિમન્યુ રૂમની બહાર નીકળી ગયો અને સીધો લિફ્ટ પાસે જઈને ઉભો રહ્યો.

પાછળ ને પાછળ કુસુમબેન અને પ્રતાપ અંકલ પણ દોડતા આવ્યા.

" અરે બેટા... આ રીતે બહાર ના નીકળી જવાય. તારી ઈચ્છા ના હોય તો લગ્ન ના કરતો પણ આ રીતે નીકળી જાય તો આ લોકોનું અપમાન ગણાય. એ આપણા સંસ્કારમાં નથી અભિ. શાંતિથી વાત કરી લઈએ અને પછી આપણે ઘરે જઈએ. " મમ્મી બોલી.

" હા અભિમન્યુ. મારી ઈજ્જતનો પણ સવાલ છે. તારી વાત મેં જ અહીં નાખી છે. મારું કોઈ દબાણ નથી પરંતુ મનમાં જે પણ હોય એનો ખુલાસો અહીં જ કરી દેવો જોઈએ. " પ્રતાપ અંકલ બોલ્યા.

અભિમન્યુને પણ લાગ્યું કે મમ્મીની વાત સાચી છે. એ બધાની સાથે પાછો આવ્યો અને ફરી સોફા ઉપર બેઠો.

વલ્લકી પણ થોડીવાર પછી બહાર આવીને સામે ખુરશી ઉપર બેઠી. એનો ચહેરો કરમાયેલો હતો. પ્રતાપ અંકલે અભિમન્યુના બહુ જ વખાણ કર્યા હતા. ખૂબ જ સંસ્કારી યુવાન હતો અને પાછો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. એની પોતાની ઓફિસ પણ હતી. જેવું જોઈએ એવું પાત્ર અભિમન્યુ હતો ! પણ અફસોસ.....

અત્યાર સુધીમાં બે ત્રણ છોકરા એણે જોયા હતા પરંતુ એને એક પણ છોકરો ગમ્યો ન હતો. પોતે આટલી બધી સુંદર હતી અને ભણેલી હતી એટલે પાત્ર માટે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માગતી ન હતી. દાદાજીની ઉંમર થઈ ગઈ હતી એટલે એ પણ જલ્દી વલ્લકીનાં લગ્ન થઈ જાય એવી આશા રાખીને બેઠા હતા.

અભિમન્યુ હેન્ડસમ પણ હતો અને સુખી પણ હતો. કુસુમ આન્ટીનો સ્વભાવ પણ સારો લાગતો હતો. પરંતુ હવે અફસોસ કરવાનો શું અર્થ ! અભિમન્યુને લફંગો અને રાસ્કલ કહીને જાહેરમાં એ તમાચો મારી ચૂકી હતી. હવે એની પાસેથી લગ્નની આશા કઈ રીતે રાખી શકાય ! પોતાના પરિવારની બધી જ આશા એણે પોતે જ ધૂળમાં મેળવી દીધી હતી. આ પરિવારે એને સગી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી.

" મારાથી તે દિવસે તમારી સાથે બહુ જ ખરાબ વર્તન થઈ ગયું. કારણ વગર મેં તમને જાહેરમાં તમાચો માર્યો અને તમને રાસ્કલ અને લફંગા પણ કહ્યા એ બદલ હું બે હાથ જોડીને તમારી સાચા દિલથી માફી માગું છું. " અભિમન્યુ કંઈ કહે એ પહેલાં વલ્લકીએ જ શરૂઆત કરી.

" શું કહ્યું તેં !! અભિમન્યુને જાહેરમાં તેં તમાચો માર્યો ? એના માટે રાસ્કલ અને લફંગા જેવા હલ્કા શબ્દો બોલી ? તારું મગજ તો ઠેકાણે છે ને વલ્લકી ? આવા સંસ્કાર તો અમે તને આપ્યા નથી ! " ધરમશીભાઈને વલ્લકી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. આ વાત જ એમના માટે અસહ્ય હતી.

" હા દાદા....મારાથી બહુ મોટી ગેરસમજ થઈ ગઈ હતી. તે દિવસે હરિદ્વાર ગઈ ત્યારે અભિમન્યુ મારી સાથે મારા જ કોચમાં હતા. ગોધરા સ્ટેશને પ્લેટફોર્મ ઉપર ચા પીતી વખતે એમણે મારી સામે જોઈને એટલું જ કહ્યું કે આ ટ્રેન એક્સપ્રેસ હોવા છતાં લોકલની જેમ બધાં સ્ટેશનો કરે છે. ત્યારે મને લાગ્યું કે એ જાણી જોઈને મારી સાથે મિત્રતા કેળવવા વાત કરવાની કોશિશ કરે છે. એટલે ત્યારે મેં જવાબ નહોતો આપ્યો." વલ્લકી બોલી રહી હતી.

" એ પછી હરિદ્વાર સ્ટેશને કોચમાંથી ઉતરીને હું દરવાજા પાસે જ ઊભી હતી ત્યાં અચાનક અભિમન્યુ પણ મારી પાછળ ને પાછળ ટ્રેનમાંથી નીચે ઉતર્યા. અજાણતાં જ ત્યારે એમનો હાથ મારા ખભાને અડી ગયો હશે. મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં જાહેરમાં જ એમના ગાલ ઉપર જોરથી તમાચો મારી દીધો અને એમને રાસ્કલ અને લફંગા બદમાશ કહીને બહુ બધું સંભળાવી દીધું. " વલ્લકી નીચું જોઈને બોલી.

" તું તારી જાતને શું સમજે છે વલ્લકી ? તારા રૂપનું તને આટલું બધું અભિમાન આવી ગયું છે ? તારી સાથે વાત કરનારા અને તારી સામે જોનારા બધા લફંગા બદમાશો દેખાય છે તને ? ભીડમાં કોઈનો હાથ પગ અડી જાય અને ધક્કો લાગે તો એને તમાચો ઠોકી દેવાનો ? મારે તને શું કહેવું હવે !!" હવે રાજેશ બરાબરનો બગડ્યો.

રાજેશને ગુસ્સો એટલા માટે આવ્યો હતો કે પ્રતાપ જીજાએ ખરેખર એક ખાનદાન મુરતિયો શોધ્યો હતો. અને એમણે પ્રોમિસ આપ્યું હતું કે અભિમન્યુ વલ્લકીને ચોક્કસ પસંદ કરશે અને એની સાથે જ લગ્ન થશે .

છેલ્લા એક વર્ષમાં ત્રણ ચાર છોકરા જોયા પછી હવે માંડ એક સરસ પાત્ર મળ્યું હતું અને કુંડળીઓ પણ મળતી હતી. હવે આ છોકરીએ આખો ખેલ બગાડી દીધો !

જાહેરમાં પપ્પાના ગુસ્સાથી વલ્લકીને ખૂબ જ લાગી આવ્યું અને એ રડતી રડતી પોતાના બેડરૂમમાં દોડી ગઈ.

" મને તો છોકરીનો આવો તુમાખી સ્વભાવ જરા પણ સારો ના લાગ્યો પ્રતાપભાઈ. તમે તો એનાં વખાણ કરતાં થાકતા ન હતા. મારા ઘરમાં આવી ગુસ્સાવાળી વહુ લાવીને હું શું કરું ભાઈ ? " કુસુમબેન બોલ્યાં.

" મને પોતાને પણ આશ્ચર્ય થાય છે ભાભી. આ ઘરમાં તો મારી આવન જાવન રહે છે. વલ્લકી ખૂબ જ હસમુખી છે. સંસ્કારી છે. વડીલોનો આદર કરનારી છે. હું તમને ખોટું પાત્ર ના બતાવું. એનાથી ભૂલ થઈ છે એ હું કબુલ કરું છું. પરંતુ વલ્લકી એવી ખરાબ નથી. એણે અત્યારે માફી પણ માગી છે. છતાં મારું તમને કોઈ દબાણ નથી. આજે આપણે કોઈ નિર્ણય લેવો પણ નથી. " પ્રતાપભાઈ બોલી રહ્યા હતા.

" અભિમન્યુ જે પણ થયું એ બદલ હું પણ તારી માફી માગું છું બેટા. તું એકદમ ઉતાવળિયો નિર્ણય ના લઈશ. મારી નજર હીરાપારખુ છે. ભલે એણે તારી સાથે આટલો બધો ગુસ્સો કર્યો પણ કદાચ એ દિવસે એનું મગજ ઠેકાણે નહીં હોય. બાકી એ ખૂબ જ સંસ્કારી છે. આજે આપણે કોઈ નિર્ણય લેવો નથી. થોડો સમય જવા દઈએ. " પ્રતાપભાઈએ પોતાની વાત પૂરી કરી.

" હા અભિમન્યુ કુમાર મારી દીકરી ખરેખર ખૂબ જ ડાહી અને સંસ્કારી છે. એના આવા વર્તન બદલ હું પણ તમારી માફી માગું છું. આજનો દિવસ કદાચ ખરાબ હશે. તમે આજે કોઈ નિર્ણય ના લેશો. થોડો સમય આપો. હું તો ત્યાં સુધી કહું છું કે તમે બંને બે ત્રણ વાર મળો એટલે તમને પણ એના સાચા સ્વભાવની ખબર પડી જશે." રાજેશ બોલ્યો.

" ઠીક છે વડીલ. હું કોઈ નિર્ણય લેતો નથી. મારા મનમાં કોઈના પ્રત્યે કોઈ ફરિયાદ પણ નથી. એની સાથેનો મારો અનુભવ બહુ જ ખરાબ રહ્યો અને એ મને ખૂબ જ ઘમંડી લાગી હતી એટલે જ હું એને જોઈને બહાર નીકળી ગયો. મારા આજના વર્તન બદલ હું પણ બધાની માફી માગું છું. " અભિમન્યુ બોલ્યો અને ઉભો થયો.

એણે ધરમશીભાઈના ચરણસ્પર્શ કર્યા અને બાકીના વડીલોને બે હાથ જોડીને એ બહાર નીકળી ગયો. એની સાથે કુસુમબેન, તરલાબેન અને પ્રતાપભાઈ પણ બહાર નીકળ્યા.

મહેમાનો ગયા પછી શાલિની એની દીકરીના બેડરૂમમાં ગઈ. એ પોતે પણ ઘણી અપસેટ થઈ ગઈ હતી. પરંતુ રડતી દીકરીને આશ્વાસન આપવું પણ એટલું જ જરૂરી હતું.

" હવે છાની રહી જા બેટા. જે થવાનું હતું તે થઈ ગયું. હવે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. તારા નસીબમાં અભિમન્યુ નહીં હોય બીજું તો શું કહું ? માંડ માંડ એક સારું પાત્ર તારા માટે શોધ્યું હતું." શાલિની બોલી.

" મને પોતાને જ સમજાતું નથી મમ્મી કે તે દિવસે મને આટલો બધો ગુસ્સો કેમ આવ્યો ! એમણે મારી સાથે એવું કોઈ જ વર્તન કર્યું ન હતું. ગોધરા સ્ટેશને ચા પીતી વખતે જસ્ટ એમણે મારી સાથે નોર્મલ વાતચીત જ કરી હતી. પણ હું ઊંધું સમજી બેઠી. મારા મનમાં એમના માટે એક પૂર્વગ્રહ ઊભો થઈ ગયો. અને એટલે જ હરિદ્વાર સ્ટેશને એમનો હાથ મારા ખભાને અડી ગયો એટલે હું એમની ઉપર બગડી. મારે એમને રાસ્કલ કહીને તમાચો મારવાની જરૂર ન હતી. " વલ્લકી આંખો લૂછતી બોલી. એ અત્યારે ખરેખર ખૂબ જ પસ્તાઈ રહી હતી.

" ચાલ હવે મ્હોં ધોઈ લે. નસીબમાં હશે એ થશે. એમના મનમાં તો તારી છાપ એક ગુસ્સાવાળી અને ઘમંડી છોકરીની પડી છે. તારા ફુઆએ અને પપ્પાએ એમને સમજાવ્યા છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે એવું હોય તો બે ત્રણ વાર તમે એકબીજાને મળો અને સમજવા પ્રયત્ન કરો. જોઈએ હવે." શાલિની બોલી અને બહાર ગઈ.

આ બાજુ ઘરે જતી વખતે પ્રતાપ કાનાણીએ કુસુમબેન અને અભિમન્યુને સમજાવવા ઘણી કોશિશ કરી.

" અભિમન્યુ વલ્લકી ખૂબ જ સ્વમાની છે. આટલી મોટી થઈ પણ એનો કોઈ બોયફ્રેન્ડ નથી. આજે સમાજમાં જે રીતે બધું બની રહ્યું છે એટલે આજકાલના યુવાનો તરફ એને થોડો પૂર્વગ્રહ હોય એ બની શકે છે. એણે તને ઓળખવામાં થોડી ઉતાવળ કરી દીધી અને વધારે પડતું રિએક્શન આપી દીધું. મોટું દિલ રાખીને માફ કરી દે એને. ખરેખર આવી છોકરી નહીં મળે. ફરી વાર તમે બંને ક્યાંક બહાર મળવાનું ગોઠવો." પ્રતાપભાઈ આખા રસ્તે અભિમન્યુને સમજાવતા રહ્યા.

" ઠીક છે અંકલ. તમે આટલું બધું કહો છો તો પછી એને મળવા માટે હું ફેર વિચારણા કરીશ અને તમને બે ત્રણ દિવસમાં જવાબ આપીશ." ઘર આવી ગયું એટલે ગાડીમાંથી ઉતરતી વખતે અભિમન્યુ બોલ્યો.

" તારી પાસેથી આવી જ આશા રાખી હતી બેટા. હું તારું ખરાબ ઈચ્છતો નથી. એના જેવી છોકરી આ ઘરમાં આવશે તો ભાભીને પણ સારી વહુની કંપની મળશે. ચાલો જય શ્રી કૃષ્ણ" પ્રતાપ અંકલ બોલ્યા અને એમણે ગાડી સ્ટાર્ટ કરી.

" રાજેશ તું ચિંતા ના કરતો. હમણાં જ એ લોકોને ઘરે મૂકીને મારા ઘરે લોખંડવાલા જઈ રહ્યો છું. ફરી વાર મીટીંગ કરવા માટે અભિમન્યુને સમજાવ્યો છે અને હું માનું છું ત્યાં સુધી બે ત્રણ દિવસમાં એનો ફોન પણ આવી જશે. " પ્રતાપ કાનાણીએ એના નાના સાળાને સારા સમાચાર આપ્યા.

રાજેશે તરત જ વલ્લકીને પોતાની પાસે બોલાવી. નાનપણમાં જ મા બાપ ગુમાવેલી આ દીકરી એમને જ પોતાના સાચા મા બાપ માનતી હતી.

" જો બેટા જે થઈ ગયું તે ભૂલી જા. અભિમન્યુ ખૂબ સારો છોકરો છે અને આવો સારો છોકરો મળે પણ નહીં. આપણે છેલ્લા એક વર્ષથી કોશિશ કરી રહ્યા છીએ પણ સારાં પાત્રો દેખાતાં નથી. તારા દાદાની પણ ઉંમર થઈ ગઈ છે એટલે એ પણ તારાં લગ્ન જોવા બેચેન છે. પ્રતાપ જીજાએ ગમે તેમ કરીને અભિમન્યુને મનાવી લીધો છે અને એ ફરી તારી સાથે મીટીંગ કરવા માટે તૈયાર થયો છે. એ જ્યાં બોલાવે ત્યાં તું જઈ આવજે અને ગમે તેમ કરીને એને મનાવી લેજે. હવે બધી બાજી તારા હાથમાં છે ! " રાજેશ વલ્લકીને બાજુમાં બેસાડીને પ્રેમથી બોલ્યો.

" હા પપ્પા હું સમજુ છું. એ અહીં આવ્યા ત્યારે મેં બધાની વચ્ચે માફી પણ માગી હતી. એમના ઉપર આટલો બધો ગુસ્સો કરીને મેં એમના મનમાં મારી ખોટી છબી ઉભી કરી છે. હું એ છબીને સુધારવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. " વલ્લકી બોલી.

એણે રાત્રે પોતાના બેડરૂમમાંથી પોતાના કહેવાતા ફુઆ પ્રતાપ કાનાણી ને ફોન કર્યો.

" વલ્લકી બોલું . મને અભિમન્યુનો નંબર અને એડ્રેસ મેસેજ કરો. હું એમને ફોન કરીને સામેથી મળવા માગું છું. " વલ્લકી હિંમત કરીને ડરતાં ડરતાં બોલી.

" અભિમન્યુના ઘરે જા. ઓફિસ જા. કે પછી બહાર કોઈ હોટલમાં એને મળી લે. આખી બાજી બગાડી દીધી તેં તો ! હવે કોઈપણ હિસાબે તારે એને મનાવી લેવાનો છે સમજી? તારાં લગ્ન ત્યાં જ થવાં જોઈએ. હું બીજું કંઈ ના જાણું. બંને એડ્રેસ અને ફોન નંબર મોકલું છું." પ્રતાપ કાનાણી કરડાકીથી બોલ્યા અને ફોન કટ કર્યો.

પ્રતાપ કાનાણીની ધમકી સાંભળીને વલ્લકી અજ્ઞાત ભયથી ધ્રુજી ઉઠી. એણે ગભરાઈને બીજી જ મિનિટે અભિમન્યુને ફોન લગાવ્યો.

" હાય... હું વલ્લકી. "
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■