વલ્લકી પ્રકરણ 3
ગુજરાતી સમાજની ધર્મશાળામાં પાછા આવીને અભિમન્યુએ પોતાની બેગ લઈ લીધી અને તરત જ રૂમની બહાર નીકળી ગયો. એક દિવસનું ભાડું રિસેપ્શન કાઉન્ટર ઉપર ચૂકવીને ધર્મશાળાની બહાર આવી ગયો અને રીક્ષા કરીને ટેક્સી સ્ટેન્ડ પહોંચી ગયો.
વલ્લકી નવલકથા
સ્પેશિયલ ટેક્સી કરીને એક કલાકમાં એ દહેરાદુન એરપોર્ટ પહોંચી ગયો. એની ટિકિટ ઈન્ડિગોની હતી એટલે ઈન્ડિગોના ડેસ્ક ઉપરથી બોર્ડિંગ પાસ લઈને એણે સિક્યુરિટી ચેકિંગ કરાવી લીધું અને લાઉન્જમાં આવીને બેઠો. થોડીવારમાં ફ્લાઈટ આવી જતાં બીજાં પેસેન્જર્સ સાથે એ ફ્લાઈટમાં ગોઠવાઈ ગયો.
ફ્લાઈટ રાત્રે આઠ વાગે દહેરાદુનથી ટેક ઓફ થયું અને એક કલાકમાં ન્યુ દિલ્હી એરપોર્ટ લેન્ડ થયું. ત્યાં અઢી કલાક હોલ્ટ કરીને મુંબઈ જવા માટે રવાના થયું અને મધરાતે સવા બે વાગે મુંબઈ એરપોર્ટ પહોંચ્યું.
ન્યુ દિલ્હી એરપોર્ટ ઉપર ફ્લાઈટમાં અભિમન્યુને જમવાનું મળી ગયું હતું એટલે જમવાની કોઈ ચિંતા ન હતી. એણે સાન્તાક્રુઝ એરપોર્ટથી ટેક્સી કરી લીધી અને વહેલી સવારે પોણા ત્રણ વાગે બોરીવલી પ્રેમનગર પહોંચી ગયો.
અભિમન્યુએ પોતાના સપનાની અને જોષીમઠ જવાની વાત પોતાની મમ્મી કુસુમબેનને કરી ન હતી. એણે ઘરે માત્ર એટલું જ કહ્યું હતું કે ઓફિસના એક કામથી બે ત્રણ દિવસ માટે દિલ્હી જવું પડે એમ છે.
ઘરે આવ્યા પછી મમ્મીને દાદા અંગેની સાચી વાત કરવાનું એણે નક્કી કર્યું પરંતુ પોતાના પિતાનું પ્રતાપ અંકલે મર્ડર કરાવ્યું હતું એ વાત હમણાં છાની રાખવાનો નિર્ણય લીધો.
રાત્રે ત્રણ વાગ્યા પછી એ સૂતો હતો એટલે સવારે છેક આઠ વાગ્યે ઉઠ્યો. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો એ પછી એ ચા પીવા માટે બેઠો.
" મમ્મી હું મારા દાદાને જોષીમઠ જઈને મળી આવ્યો. " ચા પીતી વખતે એણે મમ્મી સાથે વાત ચાલુ કરી.
" તારા દાદાને મળી આવ્યો ? હું કંઈ સમજી નહીં. " કુસુમબેન બોલ્યાં.
" હા મમ્મી મારા ગંગાધર દાદાને. એ સન્યાસી થઈ ગયા હતા એ તો તું પણ જાણે છે. મને એમના વિશે સમાચાર મળ્યા હતા કે એમના છેલ્લા શ્વાસ ચાલે છે એટલે હું ખાસ હિમાલયની તળેટીમાં જોષીમઠ એમનાં અંતિમ દર્શન કરવા ગયો હતો. એમણે મારી હાજરીમાં જ ગંગા નદીમાં સમાધિ લીધી." અભિમન્યુ બોલ્યો.
" પણ તું દાદાને મળવા જવાનો હતો તો મને પણ કહેવું જોઈએ ને ! હું પણ તારી સાથે આવતી. " મમ્મી બોલી.
" હા મમ્મી પરંતુ એમણે કોઈના દ્વારા મને મેસેજ મોકલ્યા હતા કે મારે એકલાએ જ આવવું એટલે પછી હું એકલો જ જઈને એમને મળી આવ્યો અને જતી વખતે તને વાત ના કરી." અભિમન્યુ બોલ્યો.
" મેં તો મારા સસરાને જોયા જ નથી. તારા પપ્પા પાસેથી બધું સાંભળેલું. તારા પપ્પા પણ ખબર નહીં એમની જેમ સન્યાસી જ થઈ ગયા હશે. લોહીના સંસ્કાર આવે ને !" કુસુમબેન બોલ્યાં.
" મેં દાદાને આ સવાલ પૂછ્યો હતો મમ્મી પરંતુ એમણે કહ્યું કે તારા પિતા સન્યાસી નથી થયા. એ અત્યારે આ દુનિયામાં નથી અને એમનો બીજો જન્મ પણ થઈ ચૂક્યો છે." અભિમન્યુ બોલ્યો.
" મને પણ એવું જ લાગતું હતું. જો એ હયાત હોય તો આટલાં વર્ષો સુધી ઘરે પાછા આવ્યા વગર રહે જ નહીં. હવે સાંભળ. તારા ગયા પછી મુનીર આવ્યો હતો. એને તારું કંઈ અર્જન્ટ કામ છે." કુસુમબેન બોલ્યાં.
" હા એનો એક મિસ કોલ હતો પરમ દિવસે. હું આજે એને મળી લઈશ." અભિમન્યુ બોલ્યો.
રાતનો ઉજાગરો હતો એટલે જમ્યા પછી અભિમન્યુ સૂઈ ગયો અને ચાર વાગે મુનીરને મળવા એસ.વી રોડ ઉપર આવેલા કાંદીવલી પોલીસ સ્ટેશન પહોંચી ગયો. એનો મિત્ર મુનીર વોરા ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો.
આમ જોવા જઈએ તો અભિમન્યુના સાચા કહી શકાય એવા માત્ર બે જ મિત્રો હતા જે અડધી રાત્રે કામ આવી શકે. એક આ મુસ્લિમ મિત્ર મુનીર વોરા અને બીજો આલાપ વસાવડા. આલાપ બોરીવલીની એક બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર હતો. આ ત્રણેય મિત્રો કાંદીવલીની એક જ કોમર્સ કોલેજમાં ભણેલા. એ સિવાય એમની એક કોમન ફ્રેન્ડ કેતકી નાણાવટી હતી ! કેતકી અત્યારે એક જાણીતી ન્યૂઝ ચેનલમાં પત્રકાર હતી.
" બોલ મુનીર. મારું શું કામ પડ્યું ? મમ્મીએ મને સમાચાર આપ્યા કે તું ઘરે આવેલો." મુનીરની સામે રાખેલી ખુરશીમાં બેસીને અભિમન્યુ બોલ્યો.
" મેં તને પરમ દિવસે ફોન પણ કરેલો પણ તેં ઉપાડ્યો નહીં એટલે પછી તારા ઘરે આંટો મારી આવ્યો. માસીએ કહ્યું કે તું દિલ્હી ગયો છે." મુનીર બોલ્યો.
" હા હું આજે સવારે જ આવ્યો. બોલ હવે તારી શું સેવા કરી શકું ? " અભિમન્યુ હસીને બોલ્યો.
" મને થોડા પૈસાની જરૂર હતી. દોઢ મહિના પછી મારી સિસ્ટરનાં લગ્ન છે. અબ્બુની હાલત એટલી બધી સારી નથી કે આ બધો ખર્ચો ઉપાડી શકે. અને મને નોકરીમાં જોઈન થયાને હજુ એક વર્ષ થયું છે એટલે પૈસા કમાવાની એવી કોઈ તક મળી નથી. જો થોડી ઘણી વ્યવસ્થા થાય તો હું તને છ બાર મહિનામાં બધા રિટર્ન કરી દઈશ. " મુનીર એક સાથે બધું બોલી ગયો.
" તારે કેટલા પૈસાની જરૂર છે ? " અભિમન્યુ બોલ્યો.
" લગ્નમાં આમ તો પાંચ લાખનો ખર્ચો છે. છતાં તારાથી જેટલા થઈ શકતા હોય એટલી મદદ મને કર. બીજેથી પણ મારી કોશિશ ચાલુ છે. " મુનીર બોલ્યો.
" હમ્... ઠીક છે. મારાથી થઈ શકશે એટલી મદદ ચોક્કસ કરીશ. કાલે તને પાક્કું જણાવું છું." અભિમન્યુ બોલ્યો.
એ પછી આડી અવળી વાતો કરીને બંને મિત્રો છૂટા પડ્યા.
રાત્રે સૂતી વખતે અભિમન્યુએ પોતાનું બેંક બેલેન્સ ચેક કર્યું. એનાં પોતાનાં બે ખાતામાં થઈને ટોટલ ૭૮ લાખ જેટલું બેલેન્સ તો હતું જ. મમ્મી સાથેના જોઈન્ટ ખાતામાં ૨૩ લાખ જેવી રકમ હતી. મુનીરને ત્રણ લાખ જેટલી મદદ તો ચોક્કસ કરી શકાશે.
અભિમન્યુ આ બધું વિચારતો હતો ત્યાં અચાનક એને દાદાએ આપેલો રુદ્રાક્ષ યાદ આવ્યો. એ રુદ્રાક્ષ એણે આજે સવારે જ પૂજાના કબાટના ડ્રોવરમાં મૂક્યો હતો.
કુસુમબેને આ રુદ્રાક્ષ વિશે પૂછ્યું હતું પરંતુ રુદ્રાક્ષની વાતો ગુપ્ત હતી એટલે દાદાજીએ ભેટ આપ્યો છે અને પ્રસાદ તરીકે એને સાચવી રાખવાનો છે એવો જવાબ એણે મમ્મીને આપ્યો હતો.
ઈચ્છા પ્રમાણેની રકમ આ રુદ્રાક્ષ દ્વારા મેળવી શકાય છે એવું દાદાજીએ કહ્યું હતું એટલે એ પૈસાથી મુનીરને પૂરેપૂરી પાંચ લાખની મદદ કરી શકાશે. પરંતુ આટલી નાની રકમ માટે રુદ્રાક્ષનો ઉપયોગ કરવો યોગ્ય નથી. અને મુનીરના પૈસા તો પાછા મળી જ જવાના છે !
બીજા દિવસે સવારે અભિમન્યુએ બેંકમાં જઈને ત્રણ લાખ રૂપિયા ઉપાડી લીધા અને મુનીરને જઈને આપી આવ્યો.
" ખૂબ ખૂબ આભાર અભિ. એક લાખ રૂપિયા આલાપ પણ આપવા તૈયાર થયો છે અને બાકીના એક લાખ તો હું મેનેજ કરી લઈશ. " મુનીર બોલ્યો.
" એમાં આભાર માનવાનો ના હોય મુનીર. એકબીજાને મદદ કરવી એ તો મિત્રોની ફરજ બને છે. તારી પાસે જ્યારે પણ વ્યવસ્થા થાય ત્યારે મને આપજે. મારે કોઈ ઉતાવળ નથી." અભિમન્યુ બોલ્યો અને ત્યાંથી પોતાની ઓફિસે ગયો.
સાંજે ઘરે ગયા પછી જમતી વખતે કુસુમબેને ફરી અભિમન્યુના લગ્નની વાત કાઢી.
અભિમન્યુ ઓફિસે ગયો એ પછી બપોરે પ્રતાપ કાનાણીનો કુસુમબેન ઉપર ફોન આવ્યો હતો.
" ભાભી તમે પછી અભિમન્યુ સાથે વાત કરી કે નહીં ? કાંદીવલીથી મારા કઝીન સાળા રાજેશનો આજે સવારે ફરી ફોન આવ્યો. વલ્લકી ખૂબ જ દેખાવડી છે અને એણે એમબીએ કરેલું છે. જોડી જામે એવી છે ભાભી. અભિમન્યુને પણ હવે ૨૭ વર્ષ થઈ ગયાં. એની સી.એ. ની પ્રેક્ટિસ પણ સારી ચાલે છે. જો એને જ્ઞાતિનો વાંધો ના હોય તો હવે એણે લગ્ન કરી લેવાં જોઈએ." પ્રતાપભાઈ બોલ્યા.
" મેં એક વાર તો અભિ સાથે વાત કરી હતી પરંતુ એણે મને કોઈ જવાબ આપ્યો ન હતો. છતાં આજે સાંજે એની સાથે ફરી વાતચીત કરી લઈશ. તમે બતાવતા હો એટલે છોકરી સારી જ હોય ભાઈ. " કુસુમબેન બોલ્યાં.
" હા છોકરી સંસ્કારી છે અને મને પૂરી ખાત્રી છે કે અભિમન્યુને જોતાં વેંત જ ગમી જશે. આમ તો એનો ફોટો મારા મોબાઈલમાં છે પરંતુ ફોટામાં જોવા કરતાં અભિમન્યુ એને રૂબરૂ જોશે તો એ તરત હા પાડી દેશે. " પ્રતાપભાઈ બોલ્યા.
" છોકરી તો ગમી જાય પણ કુંડળી પણ મળવી જોઈએ ને ભાઈ ! " કુસુમબેન બોલ્યાં.
" અરે ભાભી મારું કામ કદી કાચું હોતું નથી. અભિમન્યુની જનમ તારીખ તો મને યાદ જ છે અને એનો જનમ થયો ત્યારે જયદેવની સાથે હું પણ એ સમયે હોસ્પિટલે હાજર જ હતો ને ! રાત્રે સાડા નવ વાગે જનમ થયેલો એ હજુ પણ મને યાદ છે. એટલે મેં એક પંડિતજી પાસે એની કુંડળી કઢાવી અને વલ્લકી સાથે મેચ પણ કરાવી. બંનેને મંગળ છે એટલે કુંડળી પણ મળે છે. " પ્રતાપભાઈ હરખાઈને બોલ્યા.
" અરે તમે તો ભારે કરી ભાઈ ! હવે તો મારે અભિને વાત કરવી જ પડશે." કુસુમબેન હસીને બોલ્યાં.
અને એ રાત્રે જ જમતી વખતે કુસુમબેને અભિમન્યુ સાથે ફરી વાત ઉપાડી.
" અભિ પંદર દિવસ પહેલાં મેં તને પ્રતાપભાઈના ફોનની વાત કરી હતી. એમના કઝીન સાળાની દીકરી વલ્લકી ૨૫ વર્ષની થઈ ગઈ છે અને એણે એમબીએ કરેલું છે. ખૂબ જ દેખાવડી છે. તારે હવે લગ્ન માટે વિચારવું જોઈએ. જો બેટા આપણા સમાજમાં તો સામે ચાલીને કોઈ આપણને પૂછવા આવતું નથી. અને આજકાલની છોકરીઓની ડિમાન્ડ પણ ઘણી મોટી હોય છે. અને પ્રતાપ અંકલને તો તું ઓળખે જ છે. એ હંમેશાં આપણી ચિંતા કરતા હોય છે. " કુસુમબેન બોલ્યાં.
અભિમન્યુ હવે પ્રતાપ કાનાણીને બરાબર ઓળખી ગયો હતો. દાદાજી એ બધું જ રહસ્ય ખોલી દીધું હતું કે આ જ પ્રતાપ કાનાણીએ પપ્પાને મળવા બોલાવીને એમની છાતીમાં બે ગોળી મારી હતી અને લાશને વસઈની ખાડીમાં ફેંકી દીધી હતી. પપ્પાનું મર્ડર કરીને હવે એ માણસ મારો હિતેચ્છુ બનીને વાતો કરતો હતો !!
" હા મમ્મી પ્રતાપ કાનાણીને બરાબર ઓળખું છું. પણ સાચું કહું તો હજુ લગ્ન કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી. અને બ્રાહ્મણ થઈને શા માટે બીજી જ્ઞાતિની કન્યા પસંદ કરવી ? " અભિમન્યુ બોલ્યો.
" અરે બેટા આજના જમાનામાં તું વળી ક્યાં જ્ઞાતિની વાત કરવા લાગ્યો ! હવે પહેલાંની જેમ જ્ઞાતિના વાડા રહ્યા નથી. છોકરી સારી અને સંસ્કારી ઘરની હોવી જોઈએ. અને આપણે ગમે તે જ્ઞાતિમાં કરીએ તો પણ કોઈ આપણને કંઈ કહેવાનું નથી. તારી ઉંમર પરણવા લાયક થઈ છે એટલે હવે કન્યા જોવાનું ચાલુ કરવું જોઈએ. તને ગમતી હોય તો જ હા પાડવાની છે ને ! પ્રતાપભાઈ કહેતા હતા કે તમારા બંનેની કુંડળી પણ મળે છે. " કુસુમબેન સહેજ મલકાઈને બોલ્યાં.
" મેં હજુ છોકરી જોઈ નથી, હા પણ પાડી નથી અને મારી કુંડળી પણ મેળવી દીધી ! " અભિમન્યુ બોલ્યો.
" કુંડળી તો મેળવવી પડે ને બેટા. તું કન્યા જોવા જાય અને તને કન્યા પસંદ પડી જાય અને પછી માનો કે કુંડળી ના મળે તો સારી છોકરી ગુમાવવાનો અફસોસ થાય ! એના કરતાં અગાઉથી જ ગ્રહો મેળવ્યા હોય તો તરત હા પાડી શકાય." કુસુમબેન બોલ્યાં.
" સાવ સાચું કહું ને મમ્મી તો મને અત્યારે છોકરી જોવામાં કોઈ જ રસ નથી છતાં તું આટલું બધું કહે છે તો તારું માન રાખીને હું કન્યા જોવા માટે તારી સાથે આવીશ. ગમે એવી રૂપાળી હશે તો પણ મને ગમશે તો જ હું હા પાડીશ. તમે બંને મને પછી લગ્ન માટે કોઈ દબાણ ના કરશો. " છેવટે અભિમન્યુ કન્યા જોવા તૈયાર થયો.
અને બીજા દિવસે સવારે અભિમન્યુ ઓફિસ ગયો પછી કુસુમબેને પ્રતાપ કાનાણી સાથે વાત કરી.
" પ્રતાપભાઈ ગઈકાલે રાત્રે અભિમન્યુ સાથે વાત થઈ ગઈ છે. કન્યા જોવા માટે એને માંડ માંડ તૈયાર કર્યો છે. એની એક જ શરત છે કે એ જોવા માટે આવશે પરંતુ લગ્ન માટે દબાણ નહીં કરવાનું. એને પસંદ પડશે તો જ એ હા પાડશે. " કુસુમબેન બોલ્યાં.
" અરે ભાભી અભિમન્યુ ના પાડે એ વાતમાં કોઈ માલ જ નથી. તમે જોજો ને ! કાચની પૂતળી જેવી કન્યા છે. એના માટે તો કેટલાય ઘરનાં માગાં આવે છે પણ મારી ઈચ્છા એને તમારા ઘરે નાખવાની છે. આવી કન્યા હાથમાંથી ના જવા દેવાય ભાભી. તમે પણ જોઈને ખુશ થઈ જશો." પ્રતાપ કાનાણી બોલ્યા.
" ઠીક છે તો પછી આવતા રવિવારે મીટીંગ રાખી દઈએ. સ્થળ અને સમય અમને જણાવી દેજો." કુસુમબેન બોલ્યાં.
અભિમન્યુએ હા પાડી એટલે કુસુમબેન ખૂબ જ ખુશ હતાં. એ પોતે પણ હવે એકાકી જીવનથી કંટાળી ગયાં હતાં. ઘરે બેઠાં બેઠાં હવે ટાઈમ પણ જતો ન હતો. પાડોશી સાથે પણ કેટલીક વાતો કરવી !
" અરે રાજેશ મેં તને જેના માટે વાત કરી હતી એ અભિમન્યુ વલ્લકીને જોવા માટે તૈયાર થઈ ગયો છે. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એની પોતાની ઓફિસ મલાડમાં છે. તમે લોકો મિટિંગની બધી તૈયારી કરી દેજો. રવિવારે સાંજે પાંચ વાગે વધુ અનુકૂળ આવશે. હું મારી ગાડીમાં જ એ લોકોને લેતો આવીશ. " પ્રતાપભાઈ બોલ્યા.
" કેમ અભિમન્યુને પોતાની ગાડી નથી ? " રાજેશ બોલ્યો.
" ઘરમાં મા દીકરો એકલાં છે. ગાડી કોના માટે લેવાની ? અને લાડીની પાછળ ગાડી આવવાની જ છે ને ! ગાડીની જરૂર ના હોય પછી ગાડી શા માટે ખરીદે ! અભિમન્યુને પૈસાની ક્યાં તકલીફ છે ? પોતે સી.એ.ની સારી પ્રેક્ટિસ કરે છે અને પાઠક પણ ઘણું બેન્ક બેલેન્સ મૂકી ગયા છે ! હું જ્યારે કોઈ ઘર બતાવું ત્યારે તું આવો સવાલ કરે એ બરાબર નથી. " પ્રતાપભાઈ બોલ્યા.
" ના ના મેં તો અમસ્તું જ પૂછ્યું જીજુ. આજ કાલ ગાડી તો દરેકના ઘરમાં હોય છે એટલે પૂછાઈ ગયું ! તમે લોકો રવિવારે ચોક્કસ પધારો. " રાજેશ બોલ્યો.
પ્રતાપ કાનાણીની ઉંમર અત્યારે ૬૩ આસપાસ હતી. એમની પત્ની તરલાની ઉંમર ૫૮ વર્ષની હતી જ્યારે એમનો કઝીન સાળો રાજેશ ૫૩ વર્ષનો હતો.
તરલાને કોઈ સગો ભાઈ ન હતો. રાજેશ તરલાના દૂરના કાકા ધરમશી ઠક્કરનો દીકરો હતો. ધરમશીની ઉંમર અત્યારે ૮૨ વર્ષની હતી.
આફ્રિકાથી આવેલા હર્ષદ ઘેલાણી અને પત્ની પલ્લવીનું હરિદ્વારમાં લક્ઝરીના અકસ્માતમાં અવસાન થયું ત્યારે એ જ ટૂરમાં ધરમશી પણ હતા. મા બાપ ગુમાવીને છોકરી અનાથ થઈ ગઈ એટલે ધરમશી જરૂરી પોલીસ કાર્યવાહી કરીને નાનકડી વલ્લકીને પોતાના ઘરે લઈ આવ્યા હતા અને રાજેશે પોતાની દીકરીની જેમ એને ઉછેરીને મોટી કરી હતી. રાજેશે પિતા તરીકે પોતાનું નામ આપ્યું હતું. કાનાણી આ હકીકત જાણતા હતા !
" જીજુનો ફોન હતો પપ્પા. જે છોકરા માટે એમણે વાત કરેલી એ અભિમન્યુ રવિવારે વલ્લકીને જોવા માટે આવશે. સાંજના પાંચનો ટાઈમ નક્કી કર્યો છે. જીજા પણ સાથે આવશે. રવિવારે આપણે બધી તૈયારી કરવી પડશે. " રાજેશ ધરમશીભાઈ સામે જોઈને બોલ્યો.
" હા પણ પ્રતાપ કહેતો હતો કે એ લોકો બ્રાહ્મણ છે. તો અભિમન્યુ આપણી જ્ઞાતિમાં લગ્ન કરવા તૈયાર છે ? " ધરમશીભાઈ બોલ્યા.
" હા હા તૈયાર છે પપ્પા. એટલા માટે જ તો આવે છે. એ લોકો જ્ઞાતિના વાડામાં બહુ માનતા નથી. ફોરવર્ડ વિચારવાળા છે. કુટુંબમાં ખાલી બે જ જણાં છે. છોકરાના પપ્પા જયદેવ પાઠક પ્રતાપ જીજુના એક સમયે પાર્ટનર હતા. " રાજેશ બોલ્યો.
" હા મેં જયદેવ પાઠકનું નામ તો સાંભળેલું છે. એના ગુમ થઈ ગયા પછી જમાઈએ તપાસ પણ બહુ કરી હતી પણ ક્યાંય પત્તો ના લાગ્યો. ઘર સારું છે. ત્યાં થતું હોય તો હું પણ ખુશ છું. " ધરમશીભાઈ બોલ્યા.
રવિવારે સાંજે સવા ચાર વાગે જ પ્રતાપ કાનાણી બોરીવલી પ્રેમનગર પહોંચી ગયા.
" તૈયાર છો ને બધા ? " ઘરમાં દાખલ થતાં જ પ્રતાપભાઈ બોલ્યા.
" હા હા અંકલ એકદમ રેડી જ છું. " અભિમન્યુ બોલ્યો.
" અરે આજે તો તું એકદમ હીરો જેવો લાગે છે ને ભાઈ ! ક્રીમ કલરના પેન્ટ ઉપર આ બ્લુ કલરનું ટીશર્ટ તારા ગોરા શરીર ઉપર બહુ જ સરસ લાગે છે. તારી અને વલ્લકીની જોડી એકબીજા માટે જ બની હોય એવું મને તો લાગે છે. " પ્રતાપભાઈ બોલ્યા.
" તમારા મ્હોંમાં ઘી અને સાકર ભાઈ. તમે એક હિતેચ્છુની જેમ અંગત રસ લઈને મારા દીકરા માટે આટલું વિચારો છો ! બાકી આ જગતમાં કોઈ કોઈના માટે ક્યાં વિચારે છે ?" કુસુમબેન બોલ્યાં અને એમની આંખમાં પાણી આવી ગયાં.
" તમે તો જાણો છો ભાભી કે મારા અને પાઠકજીના સંબંધો કેવા હતા ! એ ગુમ થઈ ગયા ત્યારે મેં કેટલી દોડાદોડી કરેલી !! અચાનક એવા અદ્રશ્ય થઈ ગયા કે જાણે ધરતી ગળી ગઈ. " પ્રતાપભાઈ બોલ્યા.
" ચાલો અંકલ... હવે આપણે નીકળીએ. કાંદીવલી મહાવીરનગર પહોંચવામાં અત્યારે ટ્રાફિકમાં અડધો કલાક થઈ જશે. તરલા આન્ટી નથી આવતાં સાથે ? " અભિમન્યુ બોલ્યો.
" અરે તરલા ગાડીમાં બેઠી છે. એના કઝિન ભાઈનું ઘર છે ને ! એના વગર થોડું ચાલે !" પ્રતાપભાઈ બોલ્યા અને બહાર નીકળ્યા.
પોતાના પરિવારનો હિતેચ્છુ બનીને આટલું બધું હેત વરસાવનાર આ કાચિંડો માણસ મારા બાપનો હત્યારો હતો અને છતાં અત્યારે વાતો કેવી કરે છે !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
