વલ્લકી નવલકથા (Vallaki Novel Part-8)

Related

વલ્લકી પ્રકરણ 8

મુનીર વોરા પહેલેથી જ ઉત્સાહી યુવાન હતો. એનું માઈન્ડ પણ એક ડિટેક્ટિવ જેવું હતું. પહેલેથી જ એને પોલીસ ડિપાર્ટમેન્ટમાં રસ હતો અને છેવટે એણે એની ઈચ્છા પૂરી કરી. એને પીએસઆઈ ની જોબ જોઈન કર્યાને હજુ એક વર્ષ જ થયું હતું.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

અભિમન્યુએ જે વાત કરી એનાથી એને ખુન્નસ ચડ્યું હતું. નીરજ એનો એક સમયનો મિત્ર હતો અને એની વિધવા પત્ની સંધ્યા કદમ સાથે પ્રતાપ કાનાણી જેવો લંપટ માણસ આ રીતે વ્યભિચાર કરે એ કેવી રીતે સહન થાય !

ચા પીને અભિમન્યુ નીકળી ગયો એ પછી એણે મલાડ પોલીસ સ્ટેશનમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નરવણે સરને ફોન કર્યો અને મલાડના જ એક કેસ માટે પોતે મળવા માંગે છે એવી વાત કરી.

નરવણેએ એને બપોરે ત્રણ વાગ્યા પછી ગમે ત્યારે આવવાનું કહ્યું. મુનીર સાંજે ચાર વાગે મલાડ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને નરવણે સાહેબની ઓફિસમાં દાખલ થઈને સાવધાન પોઝિશનમાં સલામ કરીને બોલ્યો.

" સર. માયસેલ્ફ મુનીર વોરા ફ્રોમ કાંદીવલી પોલીસ સ્ટેશન."

" હા બેસ. મલાડનો શું કેસ લઈને આવ્યો છે ?" નરવણેએ મરાઠીમાં પૂછ્યું.

મુનીર નરવણે સાહેબની સામે બેઠો અને એણે વિસ્તારપૂર્વક અભિમન્યુએ જે પણ માહિતી આપી હતી એ બધી જ ચર્ચા કરી. કાનાણીના રૂમમાં સીસીટીવી લગાવવાની વાત પણ એણે નરવણે સાહેબને કરી.

" સર બે બે છોકરીઓની જિંદગીનો સવાલ છે અને પ્રતાપ કાનાણી બહુ માથાભારે અને વગવાળો માણસ પણ છે. આપણે રંગે હાથ પકડીશું એટલે કોઈની પણ પાસે એ ફોન કરાવી શકે એમ છે. વલ્લકી અને સંધ્યાના પ્રાઇવેટ ફોટા અને વિડિયો ક્લિપ ડિલીટ કરવાં ખૂબ જ જરૂરી છે સર. આપણે એનો મોબાઈલ જપ્ત કરવો પડશે સર. એના મોબાઈલમાં એણે ફોટા અને વિડિયો લોક પણ કર્યા હોય એટલે મોબાઈલ ટેકનિશિયનને આપીને બધું ડીલીટ કરવું પડશે." મુનીર બોલ્યો.

" પીએસઆઇની જોબ સ્વીકાર્યાને કેટલો સમય થયો ?" નરવણે મુનીર સામે સ્માઈલ કરીને બોલ્યા.

"સર એક વર્ષ પૂરું થશે." મુનીર બોલ્યો.

" મને મળતા પહેલાં ઘણું બધું વિચારી લીધું છે. બહુ સરસ. હવે રવિવારે વહેલી સવારે કાનાણીનો ખેલ પૂરો કરી દઈશું. તું પણ રવિવારે સવારે સાડા પાંચ વાગે હોટલના રિસેપ્શન પાસે આવીને ઊભો રહેજે." નરવણે બોલ્યા.

" સર આ કામ માટે હોટલના સ્ટાફ અને મેનેજરને વિશ્વાસમાં લેવા પડશે. પૈસાની લાલચમાં કોઈ કાનાણીના કાન સુધી રૂમમાં સીસીટીવીની વાત પહોંચાડી દેશે તો આપણને કંઈ જ જોવા નહીં મળે. " મુનીર બોલ્યો.

" એ ચિંતા તું મારી ઉપર છોડી દે. કોઈના બાપની તાકાત નથી કાનાણી સુધી વાત પહોંચાડે. હોટલના માલિક અને એના મેનેજરને આજે જ બોલાવી લઉં છું." નરવણે બોલ્યા એટલે મુનીર ઉભો થયો અને સલામ કરીને બહાર નીકળી ગયો.

નરવણે પોતે એક બાહોશ અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એ ક્રાઈમ બ્રાન્ચમાં પણ કામ કરી ચૂક્યા હતા. કોઈ પણ કેસને ઉકેલવાની એમની આગવી સૂઝ હતી અને કોઈને પણ ગાંઠે એવા ન હતા. એમની પાસે ફાઈલ જાય એટલે કોઈનું પણ ન ચાલે. ઉપરથી ગમે તેવું દબાણ હોય તો પણ નરવણે કાયદાનું જ પાલન કરે. એટલા માટે જ મુનીરે સીધો એમનો સંપર્ક કર્યો હતો.

મુનીર નીકળી ગયા પછી નરવણેએ પોતાના એક વિશ્વાસુ કોન્સ્ટેબલ રામસિંગને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. રામસિંગ યુપીનો હતો અને એ પણ ખૂબ જ બાહોશ હતો.

નરવણેએ એક ચિઠ્ઠીમાં હોટલનું નામ લખીને રામસિંગને આપ્યું.

" આ હોટલમાં પહોંચી જા અને એના માલિકને અને મેનેજરને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈને આવ. " નરવણે મરાઠીમાં બોલ્યા.

" સર " રામસિંગ ઉભો થયો અને સલામ કરીને બહાર નીકળી ગયો.

લગભગ દોઢ કલાક પછી રામસિંગ હોટલના માલિક મદનલાલ અને મેનેજર શર્માને લઈને આવ્યો.

" આપનું નામ શું સાહેબ ? " નરવણે હોટલના માલિક સામે જોઈને રિસ્પેક્ટથી બોલ્યા. શરૂઆતમાં આ જ રીતે વાત કરવાની એમની આદત હતી.

" મારું નામ મદનલાલ " હોટલ માલિક બોલ્યો.

" પૂરું નામ " નરવણે થોડા ઊંચા અવાજે બોલ્યા.

" જી સર. મદનલાલ જૈન. " હોટલ માલિક બોલ્યો.

"હોટલ કેટલા સમયથી ચલાવો છો ?" નરવણે બોલ્યા.

" જી સર સાતેક વર્ષ થઈ ગયાં. "

" તમારી હોટલમાં શું ચાલી રહ્યું છે એ તમને ખબર છે ? " નરવણે બોલ્યા.

" સર મારી હોટલમાં કોઈ જ ખોટું કામ થતું નથી. વ્યવસ્થિત પરિવારને જ અમે એન્ટ્રી આપીએ છીએ. લગ્ન ના થયાં હોય એવા યુવાન છોકરા છોકરીઓને પણ અમે પ્રવેશ આપતા નથી. આ શર્માને પણ આપ પૂછી શકો છો." મદનલાલ બોલ્યા.

" હા સર અમારી હોટલનું નામ બગડે એવું અમે કંઈ જ થવા દેતા નથી. " શર્મા બોલ્યો.

" છતાં તમારી હોટલમાં ઘણું બધું બની રહ્યું છે મદનલાલ. તમારી જ હોટલમાં છોકરીઓની લાજ લૂંટાય છે." પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા.

" સર આપને ખોટી માહિતી મળી છે. હોટલમાં એવું કંઈ થતું હોય તો મને ખબર પડે જ. રિસેપ્શનમાં પણ મેં કડક સૂચના આપેલી છે. " મદનલાલ બોલ્યા.

" તમને અંધારામાં રાખીને તમારો સ્ટાફ રાતના સમયે કંઈ પણ કરી શકે. પૈસા પાછળ દુનિયા આખી પાગલ છે. એનીવેઝ તમારી હોટલમાં જાણીતા બિલ્ડર પ્રતાપ કાનાણીએ કાયમી એક રૂમ રાખેલો છે અને અવારનવાર એ ત્યાં આવતા હોય છે. એ તો તમે જાણતા જ હશો." નરવણે બોલ્યા.

" જી સર. કાનાણી શેઠ ઘણી મીટીંગો મારી હોટલમાં જ ગોઠવે છે. એમના વિદેશી મહેમાનો પણ મારી હોટલમાં જ રોકાય છે. જ્યારે પણ આવે છે સ્ટાફને સારી બક્ષિસ પણ આપે છે. " મદનલાલ બોલ્યા.

" ઘણીવાર એ રાત્રે પણ તમારી હોટલના રૂમમાં રોકાતા હોય છે એ તો તમે જાણતા જ હશો. એક વર્ષથી આ ખેલ ચાલતો હોય અને તમને બિલકુલ ખબર જ ના હોય એવું તો બને જ નહીં મદનલાલ. હું અત્યારે તમારી સાથે ખૂબ જ રિસ્પેક્ટથી વાત કરી રહ્યો છું. " હવે નરવણેએ પોતાનો સુર બદલ્યો.

" સર કાનાણી શેઠે કાયમ માટે મારી હોટલનો રૂમ રાખેલો છે અને બહુ મોટા માણસ છે એટલે એ કોને લઈને આવે છે એનું અમે બહુ ધ્યાન રાખતા નથી. આજ સુધી એમના વિશે કોઈ ફરિયાદ પણ અમને મળેલી નથી. એ કદાચ કોઈ કોલગર્લને સાથે લઈને આવે તો પછી અમે રોકી ના શકીએ સર." મદનલાલ બોલ્યા.

" તમારા એ લાડકા કાનાણી શેઠે તમારી હોટલમાં કોઈની ઉપર રૅપ પણ કરેલો છે. એ છોકરી લેખિતમાં ફરિયાદ કરશે તો તમારી હોટલનું નામ પણ છાપે ચડશે. અમે જ તમારી હોટલના ગોરખધંધા ન્યુઝમાં આપીશું. કાનાણી મહિનામાં બે વાર એક ખુબસુરત છોકરીને લઈને આવે છે. એણે એનું નિર્વસ્ત્ર હાલતમાં વિડિયો શૂટિંગ કરેલું છે એટલે એ છોકરી મજબૂર બની છે. મારે એને ઉઘાડો પાડવો છે અને એમાં તમારે જ મદદ કરવાની છે. " નરવણે કડક શબ્દોમાં બોલ્યા.

મદનલાલ અને શર્મા પણ આ વાત સાંભળીને આશ્ચર્ય પામી ગયા અને કાનાણી હોટલમાં આવું કામ કરતા હશે એવી તો એમને કલ્પના જ ન હતી.

" હવે મારી વાત ધ્યાનથી સાંભળો. શનિવારે રાત્રે કાનાણી પેલી છોકરીને લઈને આવવાનો છે. જે રૂમમાં કાનાણી આ બધી લીલા કરે છે એ રૂમમાં સીસી ટીવી કેમેરા લગાવી દો. કેમેરાને બેડની પાછળના ભાગમાં એવી રીતે ગોઠવજો કે કાનાણીની નજર ના પડે. અને કેમેરા બેડ ઉપર જ ફોકસ કરજો. શનિવારે બપોર સુધીમાં આ બધી વ્યવસ્થા થઈ જવી જોઈએ. " પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા.

" એ કામ થઈ જશે સર. બેડની પાછળની દિવાલ ઉપર સહેજ ઉપરના ભાગે પેઇન્ટ કરેલું એક સુંદર ચિત્ર મોટી ફ્રેમમાં લટકાવેલું છે. એ ફ્રેમની ઉપર કેમેરાનું સેટીંગ થઈ જશે." મદનલાલ બોલ્યા.

" ઠીક છે. આખી રાતનું એ રેકોર્ડિંગ મારે સવારે સાડા પાંચ વાગે જોઈએ. અમે લોકો એ સમયે રેડ પાડીશું. હવે અગત્યની સૂચના. હું નરવણે છું. જો કોઈએ આ વાત લીક કરી અને શેઠને સાવધાન કરી દીધા તો યાદ રાખજો તમારી હોટલ રવિવારથી કાયમ માટે બંધ ! મારું મગજ બહુ જ ખરાબ છે. કોઈ પણ હિસાબે તમારે લોકોએ આ ત્રણ દિવસ સાચવી લેવાના છે." નરવણે ગુસ્સે થઈને બોલ્યા.

" જી સર. તમે ચિંતા નહીં કરો. હું પોતે અંગત રસ લઈને સીસીટીવી ગોઠવી દઈશ અને શેઠને છેક સુધી ગંધ નહીં આવવા દઉં. સ્ટાફને પણ કડક સુચના આપી દઈશ." મદનલાલ બોલ્યા.

" રવિવારે આપણું કામ થઈ જાય પછી તમે સીસીટીવી કેમેરા દૂર કરી શકો છો. પછી એને મીટીંગો કરવા માટે રૂમ ચાલુ રાખવો હોય તો રાખે અને ના રાખવો હોય તો ના રાખે. તમારે એની પરવા કરવાની કોઈ જરૂર નથી. તમે મારું નામ દઈ શકો છો. એની હિંમત નથી મને કંઈ કહી શકે !" નરવણે બોલ્યા.

એ પછી મદનલાલ અને શર્મા ત્યાંથી નીકળી ગયા એટલે પોલીસ ઇન્સ્પેક્ટરે મુનીરને જાણ કરી દીધી.

મુનીર વોરાએ વિના વિલંબે એના મિત્ર અભિમન્યુને ફોન કરી દીધો.

" અભિ આપણું કામ થઈ ગયું છે. શનિવાર બપોર સુધીમાં કાનાણીના એ રૂમમાં સીસીટીવી લાગી જશે. રવિવારે વહેલી સવારે સરની સાથે હું પણ રેડ પાડવા જવાનો છું. સંધ્યાને મેં એક વાર જોયેલી છે પરંતુ એ મને ઓળખી નહી શકે. " મુનીર બોલ્યો.

" બહુ સરસ કામ કર્યું મુનીર તેં. હવે મારે વલ્લકીને જાણ કરવી પડશે જેથી એ સમયે એ પણ ત્યાં હાજર રહે. એની હાજરીમાં જ અને એના હાથે જ બધા ફોટા અને વિડિયો ક્લિપ ડીલીટ કરી દેવાનાં છે જેથી ભવિષ્યમાં એને બ્લેકમેલ ના કરી શકે" અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.

એ દિવસે સાંજે જ અભિમન્યુએ વલ્લકીને ફોન કરીને પોતાની ઓફિસે બોલાવી.

" વલ્લકી અભિમન્યુ બોલું. આજે સાંજે છ વાગે મારી ઓફિસે આવી શકીશ ? " અભિમન્યુ બોલ્યો.

" હા હા હું ચોક્કસ આવી જઈશ." વલ્લકી બોલી અને સાંજે છ વાગે હાજર પણ થઈ ગઈ.

" હવે મુદ્દાની વાત ઉપર જ આવું છું. મેં આજે એક મોટું મિશન પાર પાડ્યું છે. કાનાણી શેઠે મલાડની એક હોટલમાં કાયમ માટે એક ડીલક્ષ રૂમ બુક કરી રાખેલો છે. ત્યાં એ ક્યારેક મીટીંગો પણ કરે છે તો સાથે સાથે એના બહારગામથી અને વિદેશથી આવતા એનઆરઆઈ મહેમાનને રહેવાની સગવડ પણ કરી આપે છે." અભિમન્યુ બોલતો હતો.

" પરંતુ કાયમ માટે આ રૂમ રાખવા પાછળનું કારણ જુદું છે. આ રૂમ એણે પોતાના વ્યભિચાર માટે રાખેલો છે. મહિનામાં ચાર પાંચ દિવસ રાતના સમયે અહીં એ કોઈને કોઈ છોકરીને બોલાવે છે અને પોતાની રાતને રંગીન બનાવે છે. સંધ્યા કદમ નામની એક ખૂબસૂરત છોકરીને દર પંદર દિવસે અહીં બોલાવે છે. એણે એને પોતાની રખાત બનાવી દીધી છે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

" આ શનિવારે રાત્રે કાનાણી એ છોકરી સાથે રાત ગાળવાનો છે. હવે શનિવાર સુધીમાં એના એ રૂમમાં પોલીસ દ્વારા સીસીટીવી લાગી જશે. એ રાત્રે જે પણ થશે એ બધું રેકોર્ડ થઈ જશે અને રવિવારે વહેલી સવારે પોલીસની રેડ પડશે. તારે એ સમયે પોલીસની સાથે એ હોટલમાં હાજર રહેવાનું છે." અભિમન્યુ બોલ્યો.

" મારે ત્યાં હાજર રહેવાનું છે ? " વલ્લકી ગભરાટ મિશ્રિત આશ્ચર્યથી બોલી.

" તારે ડરવાની કોઈ જરૂર નથી. તારે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ એના મોબાઈલમાંથી તારા નગ્ન ફોટા અને વિડિયો ક્લિપ ડિલીટ કરી દેવાની છે. અને પછી મોબાઇલને પણ ફોર્મેટ કરી દેવાનો છે જેથી એક પણ ફોટો કે વિડિયો એ મોબાઇલમાં ના રહે. " અભિમન્યુ બોલ્યો.

"અભિમન્યુ કાનાણીને તમે ઓળખતા નથી. ફોટા અને વિડિયો તો ડીલીટ થઈ જશે પણ એ નરાધમ મારા ઉપર દાઝ રાખીને મારી સાથે કંઈ પણ કરી શકે છે. ગુસ્સામાં છેલ્લી હદે જઈને એ મારું મર્ડર પણ કરાવી શકે છે. " વલ્લકી થોડી ડરી ગઈ હતી.

" વલ્લકી હું છું ને ! તારે ડરવાની કોઈ જ જરૂર નથી. કાનાણી હજુ મને ઓળખતો નથી. તારી સુરક્ષાનું હું પોતે પ્રોમિસ આપું છું. તને હવે કદી એ બ્લેકમેલ નહીં કરી શકે. કાનાણી તારું નામ પણ નહીં લે એની પણ હું ખાતરી આપું છું. " અભિમન્યુ હસીને બોલ્યો.

અભિમન્યુની વાત સાંભળીને વલ્લકી એના ઉપર ઓવારી ગઈ. મને કાયમ માટે કાનાણીની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે અભિમન્યુ અંગત રસ લઈને કેટલું બધું કરી રહ્યા છે. હું પોતે ભ્રષ્ટ થઈ ચૂકી છું છતાં પણ એક મિત્રતાના દાવે મને આટલી મોટી મદદ કરી રહ્યા છે.

" ઠીક છે. રવિવારે સવારે સાડા પાંચ વાગે હું ત્યાં હાજર થઈ જઈશ. તમે પણ ત્યાં હશો ને ? " વલ્લકી બોલી.

" ના હું જાણી જોઈને બહાર રહીશ. આ આખા ખેલનો સૂત્રધાર હું પોતે છું અને એટલે હું બહાર રહેવા માગું છું. એને ખબર નહીં પડે કે આ બધું મેં જ ગોઠવેલું છે. મારો મિત્ર પીએસઆઇ છે અને એના દ્વારા આ મગરમચ્છને પકડવાની જાળ બિછાવી છે ! " અભિમન્યુ બોલ્યો.

" મને હોટલનું નામ તો આપો ! " વલ્લકી હસીને બોલી.

" તારા મોબાઇલમાં એ હોટલનું નામ અને એડ્રેસ પણ પહોંચી ગયું છે. " અભિમન્યુ હસીને બોલ્યો.

બીજા દિવસે સવારે સાડા અગિયાર વાગે અભિમન્યુએ કાનાણીના ડ્રાઇવર સાવંતને બોલાવ્યો.

" જો સાવંત સંધ્યાનો પરિચય આવા લંપટ માણસ સાથે કરાવીને તારાથી જે પણ પાપ થઈ ગયું છે એ પાપમાંથી છૂટવાનું અને પૂણ્યનું કામ કરવાનો સમય પાકી ગયો છે. તેં આપેલી માહિતી પ્રમાણે સંધ્યા શનિવારે રાત્રે દસ વાગ્યે એની પાસે મલાડ હોટલમાં જવાની છે. બરાબર ? " અભિમન્યુ બોલ્યો.

" હા સર. સંધ્યા શનિવારે જવાની જ છે. મેં ગઈકાલે સાંજે પણ એને ફરી પૂછ્યું હતું. કાલે પણ શેઠનો એના ઉપર ફોન હતો. " સાવંત બોલ્યો.

" હવે રવિવારે વહેલી સવારે સાડા પાંચ વાગે કાનાણી શેઠના રૂમ ઉપર પોલીસની રેડ પડી જશે. પોલીસ શેઠને રંગે હાથ પકડશે. સંધ્યાએ જરા પણ ડર્યા વગર કાનાણી એક વર્ષથી એને રેગ્યુલર હોટલમાં બોલાવે છે એ કબૂલ કરવાનું છે. સંધ્યાને ખાસ આ સૂચના આપજે." અભિમન્યુ બોલ્યો. એણે સીસીટીવી કેમેરાની વાત જાણી જોઈને ના કરી.

" સર સંધ્યા પૂરેપૂરો સપોર્ટ આપશે. મને કાલે જાણવા મળ્યું છે કે શરૂઆતમાં એ દર મહિને પચાસ હજાર આપતો હતો પરંતુ ધીરે ધીરે એણે હવે માત્ર પચીસ હજાર કરી દીધા છે. એટલું જ નહીં સંધ્યાની પણ વિડિયો ક્લિપ બનાવી છે અને એને ધમકી આપીને પોતાના વિદેશી મહેમાનો પાસે પણ મોકલે છે. હું એને કહીશ કે આ બધું જ એ પોલીસને કહી દે. " સાવંત સહેજ ગુસ્સાથી બોલ્યો.

" તું શું વાત કરે છે સાવંત ? આ તો હવે હદ થઈ ગઈ છે. એણે તો બધી જ મર્યાદા ઓળંગી છે. હવે એ નહીં બચે. " અભિમન્યુ પણ ગુસ્સાથી બોલ્યો.

" હું આ સમાચાર આજે જ સંધ્યાને આપીશ. એ તો એકદમ ખુશ થઈ જશે. હું એને એમ પણ કહીશ કે એ પોતે થોડી વહેલી ઉઠી જાય અને સવારે જ્યારે રેડ પડે ત્યારે બધાની સામે એ પોતે કઢંગી હાલતમાં ના હોય. " સાવંત બોલ્યો.

" હા એ બાબતમાં એને સાવધાન કરવી જરૂરી છે." અભિમન્યુને સાવંતની આ વાત સાચી લાગી.

સાવંતના ગયા પછી આ સમાચાર અભિમન્યુએ મુનીરને આપી દીધા અને મુનીરે આ નવી વાત પોલીસ ઇન્સ્પેક્ટર નરવણે સરને પણ કરી દીધી.

અને એ પછીના રવિવારે સવારે સાડા પાંચ વાગે નરવણે સાહેબ, એમનો વિશ્વાસુ કોન્સ્ટેબલ રામસિંગ, મુનીર વોરા, વિડીયો કેમેરા સાથે પત્રકાર કેતકી તથા વલ્લકી ભેગાં થયાં.

અભિમન્યુએ સૂચના આપી હતી એટલે મુનીરે વલ્લકીની ઓળખાણ પણ પોલીસ ઇન્સ્પેક્ટરને કરાવી દીધી અને જણાવ્યું કે આ જ છોકરી ઉપર કાનાણીએ રૅપ કરેલો છે અને એની વીડિયો ક્લિપ અને ફોટા કાનાણીના મોબાઇલમાં છે અને બ્લેકમેલ કરી રહ્યો છે !

બરાબર સાડા પાંચ વાગે નરવણે સાહેબ સાથે આખો કાફલો લિફ્ટમાં હોટલના ત્રીજા ફ્લોર સુધી પહોંચી ગયો અને ૩૦૨ નંબરના રૂમ પાસે જઈને બહારથી ડોરબેલ દબાવ્યો !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■