વલ્લકી નવલકથા (Vallaki Novel Part-10)

Related

વલ્લકી પ્રકરણ 10

બપોરે સાડા ત્રણ વાગે જ મુનીર ઉપર કાનાણી શેઠના નાણાંનો વહીવટ સંભાળતા માણસનો ફોન આવી ગયો.

ફોનમાં મળેલી સૂચના મુજબ મુનીરે કાનાણીની ઓફિસની નીચે ગાડી ઉભી રાખીને એને ફોન કરવાનો હતો. સૂચનામાં કાનાણીની ઓફિસનું એડ્રેસ પણ કહેવામાં આવ્યું હતું.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

મુનીર પાસે પોતાની ગાડી તો હતી જ નહીં. એ રોજ પોતાની બાઈક ઉપર જ પોલીસ સ્ટેશન જતો હતો. એણે ટેક્સી કરી લીધી અને ચાર વાગ્યે કાનાણીની જ્યાં ઓફિસ હતી એ ઓમ પ્લાઝા પહોંચી ગયો. ઓમ પ્લાઝા કોમ્પ્લેક્સની બિલકુલ બાજુમાં ટેક્સી ઉભી રખાવીને એણે જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો ત્યાં ફોન લગાવ્યો.

" માલ તૈયાર છે. પાંચ મિનિટમાં માણસ આવી જશે. ગાડી નંબર ? " મુનીર કંઈ બોલે તે પહેલાં જ સામેથી કોઈનો જવાબ આવ્યો.

મુનીરે ટેક્સીનો નંબર આપ્યો એટલે ફોન કટ થઈ ગયો.

બૉક્સ તૈયાર જ હતું એટલે માણસને નીચે આવતાં વાર લાગી નહીં. પાંચ જ મિનિટમાં બાઉન્સર જેવા લાગતા બે માણસો હાથમાં વજનદાર બોક્ષ લઈને આવતા દેખાયા. મુનીર નીચે ઉતરી ગયો અને ટેક્સી ડ્રાઇવર પાસે ટેક્સીની ડીકી ખોલાવી.

પેલા માણસોએ સાચવીને બોક્સને ડીકીમાં મૂક્યું અને કંઈ પણ બોલ્યા વગર પાછા વળી ગયા. ઈજ્જતનો સવાલ હતો અને પોલીસ મેટર હતી એટલે રકમ બરાબર જ હશે એની મુનીરને ખાતરી હતી.

મુનીરે ટેક્સી સીધી અભિમન્યુની ઓફિસે કોશા કોમ્પ્લેક્સ લેવડાવી. મુનીરે ત્યાં ઉભેલા બે સિક્યુરિટી જવાનને નજીક બોલાવ્યા અને બોક્સ લિફ્ટમાં મૂકવાની સૂચના આપી. મુનીર પોલીસ ઓફિસરના ડ્રેસમાં હતો એટલે પેલા ના પાડી શક્યા નહીં. મુનીરે ઉપર અભિમન્યુને પણ ફોન કરી દીધો. ટેક્સીનું ભાડું ચૂકવીને મુનીર પણ એ લોકોની સાથે લિફ્ટમાં ઉપર ગયો.

પાંચમા માળે વજનદાર બોક્સને બહાર કાઢી અભિમન્યુની ઓફિસમાં મૂકાવી દીધું. અભિમન્યુએ બંને જવાનોને ૫૦૦ રૂપિયા ટીપ્સ આપી.

એ પછી મુનીર અભિમન્યુ સાથે એની ચેમ્બરમાં આવ્યો અને એની સામે બેઠો.

" આજે તો બહુ જ મજા આવી અભિમન્યુ. કાનાણીએ તો અડધી ઊંઘમાં માત્ર અન્ડરવેર પહેરીને જ દરવાજો ખોલ્યો હતો. કેતકીએ વિડીયો શુટીંગ ચાલુ કરી દીધું. જોવા જેવો સીન હતો. અને નરવણેએ તો એમને એવા આડે હાથ લીધા હતા કે કાનાણી કરગરવા લાગ્યો હતો. બધા ફોટા અને વિડિયો ડીલીટ થઈ ગયા છે એટલે હવે ચિંતાનું કોઈ કારણ નથી. " મુનીર બોલ્યો.

" મને કોઈની ઈજ્જત ઉછાળવામાં રસ નથી પરંતુ આ માણસે એટલાં કાળાં કામ કર્યાં છે કે ઈશ્વરે જ આ સજા એને આપી છે. અને વલ્લકી તથા સંધ્યા માટે ૫૦ લાખ ઘણી મોટી રકમ છે મુનીર. જો એ બંને પ્લાનિંગ કરશે તો એમની લાઈફ બની જશે." અભિમન્યુ બોલ્યો.

"તારી વાત સાચી છે અભિ. નીરજ બિચારો આખી જિંદગી સંઘર્ષ કરતો રહ્યો અને પૈસા આવ્યા તો સટ્ટામાં બધા ગુમાવી દીધા. છેવટે આત્મહત્યા કરવાનો વારો આવ્યો. એ તો જોવા ના રહ્યો પણ એની પત્ની સંધ્યાના જીવનમાં હવે સુખના દિવસો ચોક્કસ આવશે." મુનીર બોલ્યો.

એ પછી થોડી વાતચીત કરીને મુનીર ત્યાંથી નીકળી ગયો. અભિમન્યુએ સાંજે સાત વાગે એક કરોડનું બોક્સ ધવલની મદદથી એક ખૂણામાં ગોઠવી દીધું અને પછી ઓફિસ લૉક કરી બંને ઘરે ગયા.

આ બાજુ સાંજે છ વાગે કાનાણી શેઠ પણ મલાડ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. નરવણે ત્યાં હાજર જ હતા અને એમણે પોતાના રાઇટરને બધી જ સૂચના આપી રાખી હતી એટલે એણે કાનાણી શેઠ પાસે સાહેબની સૂચના પ્રમાણે સ્ટેટમેન્ટ લખાવી દીધું અને નીચે સહી પણ કરાવી દીધી.

" તમે કહેલી રકમ પહોંચી ગઈ છે." સહી કર્યા પછી કાનાણી ઇન્સ્પેક્ટર સામે જોઈને બોલ્યા.

" હા મારી ઉપર ફોન આવી ગયો છે. તમારા વિરુદ્ધ આવેલી ફરિયાદ પણ મેં ફાડી નાખી છે. હવે ફરી આવી કોઈ ફરિયાદ ન આવવી જોઈએ શેઠ. તમે તમારી ઉંમર અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરો. " નરવણેએ શિખામણ આપી.

" ચા પીશો ? " પોલીસ ઇન્સ્પેક્ટરે વિવેક કર્યો.

" ના સાહેબ થેન્ક યુ. હવે હું રજા લઉં." કાનાણી બોલ્યા અને તરત ઊભા થઈને બહાર નીકળી ગયા.

એ રાત્રે દસ વાગ્યે અભિમન્યુ પોતાના બેડરૂમમાં બેડ ઉપર બેસીને લેપટોપ ઉપર થોડું કામ કરી રહ્યો હતો ત્યાં એના રૂમમાં એને કોઈ યુવાનનો અવાજ સંભળાયો. સાથે સાથે એને મોગરાના ફૂલની તાજી સુગંધ પણ આવી. કોઈ એની સાથે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યું હતું.

" અભિમન્યુ..." અવાજ સ્પષ્ટ હતો.

પોતાના રૂમમાં આ જાણીતો અવાજ ક્યાંથી ? અભિમન્યુએ નજર ઊંચી કરીને પોતાના બેડની સામે જોયું તો એને એના સ્વર્ગસ્થ મિત્ર નીરજ વ્યાસનો ચહેરો દેખાયો. એનું શરીર પાણીની વરાળ જેવું પારદર્શક હતું.

અભિમન્યુ પહેલાં તો ડરી ગયો. એના ધડકારા વધી ગયા. આવો અનુભવ એને પહેલી વાર થઈ રહ્યો હતો !

" ડરીશ નહીં અભિમન્યુ. હું તારો મિત્ર નીરજ છું. હું કોઈ ભૂત નથી. અત્યારે હું સૂક્ષ્મ શરીરમાં છું." નીરજ બોલ્યો.

અભિમન્યુનો ડર થોડો ઓછો થયો. નીરજથી ડરવાની કોઈ જરૂર ન હતી.

" આજે હું ખાસ તારો આભાર માનવા આવ્યો છું. તેં મારી સંધ્યાને બચાવી લીધી છે. પચાસ લાખ જેવી રકમ પણ એને તારા થકી મળી રહી છે. પરંતુ લક્ષ્મી ચંચળ છે અભિમન્યુ. લાલચ લક્ષ્મીને ખેંચી જાય છે અને આજે આ અવસ્થામાં હું લાલચના કારણે જ છું. પૈસાની કદર ના કરી અને મરવાનો વખત આવ્યો." નીરજ બોલી રહ્યો હતો.

"સંધ્યા બહુ જ ભોળી છે. આ પૈસા એના હાથમાં આવ્યા પછી ભોળા ભાવે એ જો કોઈને વાત કરશે તો લોકો મધપૂડાની જેમ એની પાછળ પડશે અને એને લૂંટી લેશે. " નીરજ બોલતો હતો.

" મારી તને વિનંતી છે કે આ પૈસા તું તારી પાસે જ રાખ. તને યોગ્ય લાગે ત્યાં ઇન્વેસ્ટ કરી દે અને એના માટે કાયમી આવક ઊભી કરી દે. એને હવે ક્યાંય નોકરી ના કરવી પડે અને કોઈના ઓશિયાળા ના બનવું પડે." નીરજનો આત્મા બોલી રહ્યો હતો.

" જો પૈસાની વાત એ એના પડોશી સાવંતને કરશે તો સાવંત તમામ રકમ લઈને એની પોતાની જ લાઈફ બનાવી દેશે. એણે જ સંધ્યાની ઓળખાણ શેઠ સાથે કરાવીને એને કૉલ ગર્લ બનાવી દીધી. તું સંધ્યાને કહેજે કે મેં જ તારા સપનામાં આવીને તને આ બધી સૂચના આપી છે." નીરજ બોલ્યો.

" ઠીક છે નીરજ. હું ચોક્કસ તારી સૂચનાનું પાલન કરીશ. તું અત્યારે સૂક્ષ્મ શરીરમાં ક્યાં રહેતો હોય છે ? સંધ્યાની સાથે એના ઘરમાં જ રહે છે ? " અભિમન્યુ કુતુહલથી બોલ્યો

" ના. અમારે ઘર જેવું હોતું નથી. સૂક્ષ્મ શરીરમાં આવ્યા પછી આઝાદ પંખીની જેમ અમે ગમે ત્યાં ફરી શકીએ છીએ. હવામાં જ તરતા રહીએ છીએ. વિચાર માત્રથી કોઈપણ જગ્યાએ પહોંચી જઈએ છીએ. કોઈ ચોક્કસ જગ્યાએ બંધાવાની જરૂર નથી. હજુ મને સંધ્યાની ચિંતા હોવાથી હું એનું ધ્યાન રાખી રહ્યો છું અને અવારનવાર ઘરે ચક્કર મારી લઉં છું. પરંતુ હવે તારી મહેરબાનીથી હું ઉપર ગતિ કરી શકીશ." નીરજ બોલ્યો.

" અભિમન્યુ તારા શરીરમાં ખૂબ જ તેજ અને પ્રકાશ મને દેખાઈ રહ્યા છે. આત્મહત્યા કરી હોવાથી હું હજુ પૃથ્વીલોકમાં જ ભટક્યા કરું છું. મારી ઉપરના લોકમાં ગતિ થતી નથી. તું મારા જેવા દુઃખી આત્માનો ઉદ્ધાર કરી શકે એમ છે. " નીરજ બોલી રહ્યો હતો.

" તારી અંદરનું સૂક્ષ્મ શરીર આટલુ બધું તેજસ્વી કેવી રીતે છે એ મને સમજાતું નથી પણ અહીં ઉભા ઉભા પણ તારી અંદર રહેલી શક્તિનો હું અનુભવ કરી શકું છું. અભિમન્યુ તું મારા ઉપર એક મહેરબાની કર. તું મારી નજીક આવ અને મને ઉર્ધ્વગતિ થાય એવા આશીર્વાદ આપ. તારી ઉર્જા મારામાં પ્રવેશ કરશે એટલે સંધ્યા તરફની મારી માયાનું બંધન કપાઈ જશે અને મને ઉપર તરફ ગતિ મળી જશે." નીરજ બોલ્યો.

નીરજની વાતોથી અભિમન્યુ ખરેખર ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો હતો. છતાં એના આશીર્વાદથી જો પોતાના મિત્રને ગતિ મળતી હોય તો એના માટે એ આનંદની વાત હતી. એ બેડના છેડા ઉપર ગયો અને નીરજ જ્યાં ઉભો હતો ત્યાં એના માથા તરફ જમણો હાથ લાંબો કરીને બોલ્યો.

" નીરજ જો મારા આશીર્વાદથી તારી ઉર્ધ્વ ગતિ થતી હોય તો મારા દિવ્ય દાદાજીને હું પ્રાર્થના કરું છું કે એ તારું માયાનું બંધન તોડી તારી ઉર્ધ્વગતિ કરાવે." અભિમન્યુ બોલ્યો અને એ ક્ષણે જ નીરજ અદ્રશ્ય થઈ ગયો.

આશીર્વાદ આપતી વખતે અભિમન્યુએ અનુભવ કર્યો કે એના જમણા હાથમાંથી કોઈ સૂક્ષ્મ પ્રવાહ આગળ વધીને નીરજ તરફ વહી રહ્યો હતો!

અભિમન્યુએ દાદાજીના નામથી જ આશીર્વાદ આપ્યા. એની પાસે જે પણ કંઈ હતું એ દાદાજીનું જ હતું એટલે એ પોતે યશ લેવા માગતો ન હતો.

સૂક્ષ્મ જગતમાં રહેતા આત્માનો સંપર્ક અભિમન્યુને આજે પહેલી વાર થયો હતો અને એનું કારણ એને મળેલી સિદ્ધિ હતી. પૂર્ણાનંદ સ્વામી પાસે ઘણા આત્માઓ મોક્ષ માટે આવતા. એ જ શક્તિ એમણે પોતાના આ પૌત્રને આપી હતી. અભિમન્યુમાં હવે એ તાકાત હતી કે કોઈપણ આત્માની એના કર્મો પ્રમાણે ઉર્ધ્વગતિ કરાવી શકે !

સવારે ઉઠીને અભિમન્યુએ મુનીર પાસેથી સંધ્યાનો નંબર લીધો અને સવારે સાડા આઠ વાગે એને ફોન કર્યો.

" સંધ્યા અભિમન્યુ બોલું છું નીરજનો જૂનો મિત્ર. " અભિમન્યુ બોલ્યો.

"હા સર કાલે જ મુનીરભાઈ પાસેથી તમારું નામ જાણવા મળ્યું. તમે મને બચાવી લીધી. હું તમારો આભાર માનવા આજે આવવાની જ હતી. " સંધ્યા બોલી. એણે સર કહીને જ વાત કરી.

" હા તું ગમે ત્યારે આવી શકે છે પરંતુ મારી વાત ધ્યાનથી સાંભળ. તને પચાસ લાખ મળવાના છે એ વાત તેં સાવંતને કે બીજા કોઈને કરી છે ? " અભિમન્યુ બોલ્યો.

" બીજા કોઈને તો કરવાની નથી પણ થોડી વારમાં મારા પડોશી તુકારામ સાવંતને કરવાની છું. કેમ પૂછ્યું સર ?" સંધ્યા આશ્ચર્યથી બોલી.

" સારું થયું મેં તને આટલો વહેલો ફોન કર્યો. હમણાં તું કોઈને પણ વાત ના કરતી. આ વાતની કોઈને ખબર નથી એટલે તું ના કહે ત્યાં સુધી કોઈને ખબર પડવાની નથી. નીરજે આજે મારા સપનામાં આવીને તને કોઈને પણ આ પૈસાની વાત ન કરવાની સૂચના આપી છે. એટલા માટે જ મેં અત્યારે ફોન કર્યો. બાકીની ચર્ચા હું તારી સાથે રૂબરૂમાં કરીશ." અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.

અભિમન્યુનો ફોન કટ થઈ ગયા પછી સંધ્યા વિચારમાં પડી ગઈ. શું નીરજ હજુ પણ મારું ધ્યાન રાખતા હશે ! મને પચાસ લાખ મળવાના છે એ એમને પણ ખબર પડી ગઈ ! અને જો આ ખબર પડી હોય તો હું વારંવાર શેઠ પાસે જતી હતી એ પણ એમને ખબર જ હોય ને ! એ મારા માટે કેવું વિચારતા હશે ! હું એમને આટલો બધો પ્રેમ કરતી હતી છતાં એમને વફાદાર ના રહી.

અભિમન્યુએ પ્રતાપ કાનાણીને રંગે હાથ પકડાવ્યો એ ઘટનાથી એમનો ડ્રાઇવર તુકારામ સાવંત બિલકુલ અજાણ હતો. ખરેખર શું બન્યું હતું એ એને ખબર ન હતી. છતાં અભિમન્યુ સરે એને અગાઉથી વાત કરી રાખી હતી એટલે એને એટલી તો ખાતરી હતી જ કે ગઈકાલે રાત્રે કંઈક તો બન્યું જ હશે !

સામાન્ય રીતે એ શેઠને રાત્રે દસ વાગે હોટલે ઉતારી દેતો અને સવારે આઠ વાગે લેવા જતો. પરંતુ ગઈકાલે સવારે આઠ વાગ્યાના બદલે શેઠે એને સાત વાગ્યે જ ફોન કરીને હોટલ બોલાવી લીધો હતો. એને એમ હતું કે હોટલમાંથી કંઈક જાણવા મળશે પરંતુ ત્યાં પણ બધું નોર્મલ હતું. શું થયું શું નહીં એની એને કંઈ જ ખબર ના પડી. કાનાણી શેઠ પણ ગાડીમાં એકદમ નોર્મલ હતા. હવે સંધ્યાને જ પૂછવું પડશે !

એ દિવસે સાંજે સંધ્યા વાત થયા મુજબ અભિમન્યુને ફોન કરીને એની ઓફિસે પહોંચી ગઈ. અભિમન્યુએ આજ સુધી સંધ્યાને જોઈ ન હતી. કોલેજની વિદાય વખતે નીરજ સંધ્યા કદમના પ્રેમમાં હતો એ જાણ એને હતી પરંતુ એ પછી બંને મિત્રો મળ્યા જ ન હતા.

"હું અંદર આવી શકું સર ?" સંધ્યા અભિમન્યુની ચેમ્બરનો દરવાજો સહેજ ખોલીને બોલી.

" અરે સોનિયા તું !! " સંધ્યાને જોઈને જ અભિમન્યુ ચમકી ગયો.

************

છ મહિના પહેલાંની આ વાત. તે દિવસે પ્રતાપ કાનાણીનો જન્મદિવસ હતો. કાનાણીએ જાણીતી મોટી હોટલમાં રાત્રે આઠ વાગે ડીનર પાર્ટી રાખી હતી. પોતાના જન્મદિવસે એમણે અભિમન્યુને પણ ખાસ આમંત્રણ આપ્યું હતું.

કેટલાક બિલ્ડર મહેમાનો તથા એ જ વિસ્તારના એક રાજકીય નેતાને પણ આ પાર્ટીમાં આમંત્રણ અપાયું હતું. આવા ઊંચા લેવલના માણસો હોય એટલે એમને સાચવવા માટે કાનાણી સારા એવા પૈસા ખર્ચી નાખતા. ડ્રિંક્સની સગવડ હતી તો સાથે સાથે હોટલમાં એક રૂમ પણ બુક કરાવેલો હતો.

એ સમયે પાર્ટીમાં વેસ્ટર્ન આઉટફીટ માં એક ખૂબસૂરત યુવતી પણ બધાનું ધ્યાન ખેંચી રહી હતી. કાનાણીએ બધાને એની ઓળખાણ સોનિયા તરીકે કરાવી હતી. જમીનોના મોટા મોટા સોદા કરવા માટે અને ફાઈલો પાસ કરાવવા માટે કાનાણી ક્યારેક સોનિયાનો ઉપયોગ કરતો.

એ દિવસે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રે દસ વાગે તો બધા રસ્તે પાણી જ પાણી હતું. લોકલ ટ્રેનો પણ બંધ થઈ ગઈ હતી. જેમની પાસે ગાડી હતી એવા તમામ બિલ્ડર મિત્રો ઘરે જવા રવાના થઈ ગયા. પોતાના જ મતવિસ્તારમાં ભારે વરસાદના કારણે પોતાની ફરજ રૂપે ધારાસભ્ય પણ વહેલા રવાના થઈ ગયા હતા.

અભિમન્યુ પાસે ગાડી ન હતી એટલે એ હોટલમાં ફસાઈ ગયો હતો. સોનિયા પણ ઘરે જઈ શકે એમ ન હતી. અભિમન્યુએ બહાર જઈ રીક્ષા માટે કોશિશ કરી પણ કોઈ રીક્ષા ઉભી રહેતી ન હતી.

" અભિમન્યુ મેં આ હોટલમાં એક રૂમ બુક કરાવેલો જ છે. તું અને સોનિયા આજની રાત ત્યાં જ આરામ કરો. સવારે નીકળી જજો. આટલા ભારે વરસાદમાં હું તને મૂકવા બોરીવલી આવવાનું જોખમ લઈ શકું નહીં. " કાનાણી બોલ્યા.

અભિમન્યુને સોનિયા સાથે એક જ રૂમમાં આરામ કરવાની સલાહ પાછળ કાનાણીના શેતાની મગજમાં એક મલિન વિચાર કામ કરી ગયો હતો. એના મગજમાં અત્યારે અભિમન્યુના ઘરે રાખેલા કરોડોના હીરા ચમકતા હતા !

જો સોનિયા આજે રાત્રે અભિમન્યુને પીગળાવી શકે અને એની પાછળ પાગલ કરીને અવારનવાર મળતી રહે તો એના દ્વારા જ હીરા ક્યાં છે એની સાચી માહિતી કઢાવી શકાય !

કાનાણી શેઠે અભિમન્યુની નજર ચૂકવીને સોનિયાને ઈશારામાં બધું સમજાવી દીધું. સોનિયા હવે આવી બધી બાબતોથી ટેવાઈ ગઈ હતી અને આવાં કામ કરવા મજબૂર પણ હતી.

જો કે અભિમન્યુની ઈચ્છા સોનિયા સાથે એક જ રૂમમાં રાત ગાળવાની બિલકુલ ન હતી.

" ના અંકલ. સોનિયા એ રૂમમાં જઈને આરામ કરી શકે છે. હું રિસેપ્શન સામે અહીં સોફા ઉપર બેઠા બેઠા જ રાત પસાર કરી દઈશ. ઊંઘ આવશે તો થોડીવાર આડો પડીશ. " અભિમન્યુ બોલ્યો.

" અરે પણ સોનિયાથી આટલો બધો ડરે છે કેમ ? તમારે તો રૂમમાં જઈને સૂઈ જ જવાનું છે ને ! અને આટલો સરસ રૂમ રાખેલો છે તો પછી આખી રાત અહીં સોફા ઉપર થોડી કઢાય ?" કાનાણી બોલ્યા.

અભિમન્યુ ખૂબ જ શરમાળ હતો અને મોટાભાગે સ્ત્રીઓથી દૂર રહેતો હતો. પ્રતાપ અંકલે ખૂબ જ આગ્રહ કર્યો એટલે છેવટે એ રૂમમાં જવા તૈયાર થઈ ગયો. એ સમયે એ પ્રતાપ કાનાણીને એક સજ્જન વ્યક્તિ માનતો હતો અને એમનું રિસ્પેક્ટ કરતો હતો.

અભિમન્યુ સોનિયા સાથે રૂમમાં ગયો ત્યારે રાતના સવા અગિયાર વાગી ગયા હતા. પોતે ઓફિસેથી સીધો હોટલ આવ્યો હતો અને અંકલની જન્મદિવસની પાર્ટી હતી એટલે બુકે લઈને સ્યુટ પહેરીને આવેલો. રાત્રે બદલવા માટે નાઈટ ડ્રેસ એની પાસે ન હતો.

એણે ઉપરનો કોટ કાઢી નાખ્યો અને સાથે સોનિયા હતી એટલે શર્ટ પહેરીને જ એણે બેડ ઉપર એક તરફ લંબાવી દીધું.

એણે સૂતાં સૂતાં સોનિયા તરફ નજર કરી. સોનિયા ખરેખર ખૂબસુરત હતી. અને આજે તો પારદર્શક ટૉપ અને મીડી સ્કર્ટમાં એ ખૂબ જ આકર્ષક લાગતી હતી ! કાનાણી શેઠે સંધ્યાને ગિફ્ટ આપેલા પરફ્યુમની સુગંધ છેક અભિમન્યુના નાક સુધી પહોંચી ગઈ હતી.

" અરે તમે આટલા બધા શરમાઓ છો કેમ ? બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાતાવરણ એકદમ રોમેન્ટિક છે. આપણી પાસે આખી રાત પડી છે. અને હું તમારા અંકલને કંઈ કહેવાની નથી. " સોનિયા બોલી અને બેડ ઉપર આવીને ત્યાં સૂતેલા અભિમન્યુની છાતી ઉપર એનું માથું ઢાળી દીધું. એના માથાના શેમ્પુ કરેલા લિસ્સા વાળ અભિમન્યુના ચહેરા ઉપર છવાઈ ગયા.

સૌંદર્યવાન યુવતીની યુવાનીની સુગંધ અને સુંવાળા સ્પર્શથી એક ક્ષણ માટે અભિમન્યુ વિચલિત થઈ ગયો. એના રોમે રોમમાં અનંગની આગ પ્રગટી. સંધ્યા ધીમે ધીમે એને ભીંસમાં લઈ રહી હતી. સંધ્યા થોડી ઉપર ખેંચાઈ આવી અને એણે એક હાથથી અભિમન્યુનો ચહેરો એના પોતાના માદક ચહેરાની સામે લાવી દીધો. અભિમન્યુને એની આંખોમાં નશીલી શરારત દેખાઈ !

પરંતુ બીજી જ ક્ષણે અભિમન્યુ ઝટકો મારીને ઉભો થઈ ગયો. કોટ પહેરી લીધો અને દરવાજો ખોલી નીચે ભાગ્યો. વરસાદ ધીમો પડી ગયો હતો.

અભિમન્યુ સીધો હોટલની બહાર જ નીકળી ગયો. એના સદનસીબે એને તરત રીક્ષા પણ મળી ગઈ.

આજે છ મહિના પછી એ જ સોનિયા સ્વ. નીરજની પત્ની સંધ્યા કદમ બનીને એને મળવા આવી હતી !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■