વલ્લકી નવલકથા (Vallaki Novel Part-11)

Related

વલ્લકી પ્રકરણ 11

છ મહિના પહેલાં જે સોનિયા મલાડની હોટલના રૂમમાં રોમાન્સની વાતો કરતી હતી અને શારીરિક સંબંધ માટે આગળ વધી રહી હતી એ જ સોનિયા હવે સંધ્યા કદમ તરીકે અભિમન્યુની સામે આવીને ઊભી રહી હતી ! તે દિવસે વેસ્ટર્ન આઉટફીટમાં હતી તો આજે એ સુંદર સાડી પહેરીને અભિમન્યુ સામે હાજર થઈ હતી !

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

અભિમન્યુ એની સામે સંધ્યા કદમના બદલે સોનિયાને જોઈને ચમકી ગયો હતો. એને ખબર ન હતી કે સંધ્યા કદમ અને સોનિયા એક જ છે અને એટલે જ એનાથી અચાનક બોલાઈ ગયું.

" અરે સોનિયા તું !!!"

અને સંધ્યા પોતે પણ અભિમન્યુને જોઈને ચમકી ગઈ. કારણ કે છ મહિના પહેલાં કાનાણીની પાર્ટીમાં એ અભિમન્યુને હોટલમાં મળી અને એક જ રૂમમાં એની સાથે સૂતી ત્યારે અભિમન્યુના નામની એને કોઈ જ ખબર ન હતી.

સંધ્યા તો એમ જ સમજતી હતી કે આ યુવાન કાનાણી શેઠનો કોઈ ખાસ મહેમાન હશે જેને કાનાણી શેઠ પોતાની સાથે સૂવાડીને ખુશ કરવા માગતા હશે ! કાનાણી શેઠ આ રીતે જ જમીનોના મોટા મોટા સોદા કરતા હતા !

" બેસ. " અભિમન્યુ બોલ્યો અને એની સામેની ખુરશી ઉપર બેસવા ઈશારો કર્યો. એને ખ્યાલ આવી ગયો કે સોનિયા અને સંધ્યા એક જ છે !

" સર હું સંધ્યા છું. તે રાત્રે હોટલના મારા વર્તન માટે હું બહુ જ શરમિંદા છું. મારી એટલી બધી લાચારી હતી કે શેઠ જેમ કહે એમ મારે કરવું પડતું. મને એમણે પોતાની ગુલામ બનાવી દીધી હતી. તમે મને ના છોડાવી હોત તો આખી જિંદગી હું એક કૉલ ગર્લ બનીને રહી જાત ! " સંધ્યા બોલી.

" તારું નામ એમણે સોનિયા રાખ્યું હતું ? " અભિમન્યુ બોલ્યો.

" હા સર. શેઠ મને હંમેશાં સોનિયા કહીને જ બોલાવતા. સાવંતે મને એમની પાસે મોકલી ત્યારે મને આવી કોઈ કલ્પના ન હતી. ઘણા મોટા લોકોને ઐયાશીની આદત હોય છે એટલે મને એમ કે મહિનામાં એકાદ વાર એ મને બોલાવશે. પચાસ હજાર મારા માટે બહુ મોટી રકમ હતી સર. શરૂઆતમાં એ દર અઠવાડિયે મને બોલાવતા. પછી પંદર દિવસનો ક્રમ થઈ ગયો હતો." સંધ્યા બોલી.

" નીરજ રાત્રે મારા સપનામાં આવ્યો હતો. એકવાર સપનામાં આવે તો એમ થાય કે આ મારી ભ્રમણા હશે. પરંતુ બીજી વાર પણ એ સપનામાં આવ્યો અને તારા માટે એની એ જ સૂચના આપી કે તું પચાસ લાખની વાત કોઈને પણ ના કરે. એટલે પછી મેં તને ફોન કર્યો હતો. જમાનો બહુ જ ખરાબ છે સંધ્યા. આ પૈસા ક્યાંય વપરાઈ જશે તને ખબર પણ નહીં પડે. " અભિમન્યુ સીધો મુદ્દાની વાત ઉપર આવ્યો.

નીરજનો આત્મા એની સામે પ્રત્યક્ષ આવ્યો હતો એવી વાત કરવાના બદલે એણે સંધ્યાને સપનાની વાત કરી.

"સર આ પૈસા તમે તમારી પાસે જ રાખો. ખરેખર હું એને સાચવી નહીં શકું. મને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે થોડા થોડા લઈ જઈશ." સંધ્યા બોલી.

" નીરજે પણ મને એ જ વાત કરી છે કે મારે આ પૈસા વ્યવસ્થિત ઈન્વેસ્ટ કરીને તને કાયમી આવક ઊભી કરી આપવી. હું પોતે ફાઇનાન્સ કન્સલ્ટન્ટ છું. તને દર મહિને એકાદ લાખ મળે એવું સેટિંગ કરી આપું છું. તારો બેંક એકાઉન્ટ મને આપી રાખ. દર મહિને તારા ખાતામાં હું જમા કરાવી દઈશ." અભિમન્યુ બોલ્યો.

દર મહિને એક લાખ બહુ મોટી રકમ હતી ! સંધ્યા તો અભિમન્યુ ઉપર દિલ હારી બેઠી પરંતુ એ જાણતી હતી કે અભિમન્યુ જુદી જ માટીનો યુવાન છે. એને અનુભવ થઈ ગયો હતો. એટલે એના મનની ચંચળતાને એણે દૂર ધકેલી દીધી અને અભિમન્યુ માટે આદર ભાવ પેદા કર્યો.

એણે પોતાના મોબાઈલમાંથી પોતાનો બેંક એકાઉન્ટ નંબર અભિમન્યુને ફોરવર્ડ કરી દીધો અને અભિમન્યુએ સેવ કરી દીધો.

" બસ હવે ચિંતા ન કરીશ. તારે હવે આવાં કોઈ કામ કરવાની જરૂર નથી. નોકરી કરવાની પણ જરૂર નથી. નીરજ મારો મિત્ર હતો એટલે તારે જો કોઈ સ્વતંત્ર ધંધો કે વ્યવસાય કરવો હોય તો આર્થિક મદદ કરવા હું તૈયાર છું. અને હા તું હજુ યુવાન છે. કોઈ સારું પાત્ર તને સ્વીકારવા તૈયાર હોય તો લગ્ન કરી લેજે કારણ કે મન બહુ ચંચળ હોય છે. આખી જિંદગી કુંવારી નહીં જાય. " અભિમન્યુ લાગણીથી બોલ્યો.

" સર તમે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. હું જિંદગીભર એ ભૂલવાની નથી. મારે લાયક કોઈપણ કામ હોય, કોઈપણ સેવા હોય તો ગમે ત્યારે તમે મને ફોન કરી શકો છો. લગ્ન માટે તો મારો ભૂતકાળ જાણ્યા પછી કોઈ મારી સાથે પરણવા તૈયાર નહીં થાય સર." સંધ્યા બોલી.

" એ તારી માન્યતા છે સંધ્યા. સમયના ગર્ભમાં શું છુપાયેલું છે એ આપણે જાણતા નથી. મારું મન કહે છે કે તારાં લગ્ન ચોક્કસ થશે. બસ સમયની પ્રતીક્ષા કર. અને હા, શનિવારે રાત્રે હોટલમાં પોલીસની રેડ પડી હતી એટલી વાત તું સાવંતને કહી શકે છે પરંતુ સીસીટીવી વાળી વાત કે પછી તમને રંગે હાથ પકડ્યાં અને એક કરોડમાં પતાવટ કરી વગેરે વાત એને કહેવાની જરૂર નથી. " અભિમન્યુ બોલ્યો.

" ભલે સર. " સંધ્યા બોલી.

" એક વણમાગી સલાહ આપું છું. તું જૂન મહિનાથી નર્સિંગની કોઈ કોલેજ જોઈન કરીને નર્સિંગનો કોર્સ ચાલુ કરી દે. સ્ત્રીઓ માટે માનવ સેવા કરવાનો આ એક સુંદર વ્યવસાય છે. લોકોની દિલથી સેવા કર. આશીર્વાદ અને દુઆમાં બહુ તાકાત છે. તારાથી થયેલાં કેટલાંક કર્મો ધોવાઈ જશે. તારો સમય પણ પસાર થઈ જશે. " અભિમન્યુ બોલ્યો.

" તમારી સલાહ હું માથે ચડાવું છું. હું નર્સિંગ ચોક્કસ જોઈન કરી દઈશ. નાની હતી ત્યારે નર્સ બનવાનું જ વિચારતી હતી. તમે આજે મારા એ વિચારને પ્રોત્સાહન આપ્યું. " સંધ્યા આભારની લાગણીથી બોલી.

" તું એકવાર નર્સ થઈ જાય પછી હું તને ગમે ત્યાં ગોઠવી દઈશ. નર્સ થયા પછી કોઈપણ નાની મોટી હોસ્પિટલમાં જોબ તો મળી જ જાય છે. " અભિમન્યુ બોલ્યો.

" થૅન્ક યુ સર. હવે હું રજા લઉં. " સંધ્યા બોલી.

" ઓકે. નર્સિંગના કોર્સની જે પણ ફી થાય એની તું ચિંતા ના કરતી. એ હું ભરી દઈશ. સારામાં સારી કોલેજમાં એડમિશન લેજે. " અભિમન્યુ બોલ્યો અને સંધ્યા બહાર નીકળી ગઈ.

ચાલો નીરજની ઈચ્છા તો પૂરી થઈ ગઈ ! અને સંધ્યા જો નર્સ બની જશે તો એનો સમય પણ પસાર થશે અને પછી આવા કોઈ આડાઅવળા માર્ગે જવાની એની ઈચ્છા નહીં થાય !

સંધ્યા એને પડેલી આદતના કારણે હજુ પણ ચંચળ છે એ એને ખ્યાલ આવી ગયો હતો. પોતાના તરફ આકર્ષાઈ ગઈ હતી એ પણ એણે પોતાને મળેલી શક્તિથી સમજાઈ ગયું હતું. સંધ્યા ચોક્કસ સુંદર હતી પરંતુ પોતે એ માર્ગે જવા માગતો ન હતો.

બીજા દિવસે સવારે અગિયાર વાગે વલ્લકી પણ એની સામે હાજર થઈ ગઈ. વલ્લકી આજે ખૂબ જ ખુશ હતી. કાનાણી અંકલના દબાણમાંથી એ સંપૂર્ણ મુક્ત થઈ ગઈ હતી અને હવે એ ક્યારેય પણ એને બ્લેકમેલ કરી શકે એમ ન હતા.

" ખૂબ ખૂબ આભાર અભિમન્યુ. આજે તમને મળીને હું કેટલી ખુશ છું એ તમને કહી શકતી નથી. મેં તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું અને તે દિવસે હરિદ્વારમાં તમને ગમે તેમ બોલી છતાં તમે તો મારું સારું જ વિચાર્યું. તમે મને જીતી લીધી છે અભિમન્યુ." વલ્લકી અભિમન્યુ સામે ખુરશી ઉપર બેસીને બોલી. આજે એના ચહેરા ઉપર ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

" જીતવા હારવાની કોઈ વાત જ નથી વલ્લકી. તારી સાથે એણે જે પણ કર્યું એ અક્ષમ્ય હતું. એને માફ કરી શકાય જ નહીં. તારી જિંદગી એણે બરબાદ કરી નાખી. અને સંબંધની રીતે પણ તું તો એની ભત્રીજી થતી હતી. કેટલા બધા વિશ્વાસથી તારા પપ્પાએ તને એના ત્યાં નોકરી કરવાની રજા આપી હતી !! " અભિમન્યુ બોલ્યો.

" હું એ જ કહું છું તમને કે મેં તમારું આટલું બધું અપમાન કર્યું છતાં પણ તમે મારા માટે આટલું બધું કર્યું." વલ્લકી બોલી.

" હવે એ બધું યાદ નહીં કરવાનું. મારો સમય ખરાબ હશે એ દિવસે. હું તારો કોઈ દોષ જોતો નથી. તારા જીવનમાં જે બની ગયું એ ના બન્યું હોત તો તારી સાથે જ લગ્ન કરવાનો નિર્ણય મેં લઈ લીધો હતો. તું મને આજે પણ ગમે જ છે. તું ખરેખર ખૂબસૂરત છે." અભિમન્યુ નિખાલસપણે બોલ્યો.

પરંતુ અભિમન્યુની આજે આવી વાત સાંભળીને વલ્લકી થોડી શરમાઈ ગઈ. એનું આકર્ષણ અભિમન્યુ તરફ વધી ગયું. કાશ મારા જીવનમાં આવું ન બન્યું હોત તો આટલો સુંદર હસબન્ડ મને મળ્યો હોત ! પરંતુ હવે એની સાથે લગ્ન એક સપનું બની ગયું. એણે એક નિઃસાસો નાખ્યો.

" હું ગમે એટલી સુંદર હોઉં પણ મારી આ સુંદરતા હવે તમારા માટે તો કોઈ કામની જ નથી ને અભિ ! મારે તો આમ જ જિંદગી પૂરી કરી દેવાની. હું સત્યને છૂપાવવા નહોતી માગતી અને હું એ જાણું છું કે સાચી વાત જાણ્યા પછી ડિવોર્સી સિવાય કોઈ મારી સાથે લગ્ન નહીં કરે. મને મારા દાદાની ચિંતા છે. એ બિચારા મને પરણાવવા અધીરા થઈ ગયા છે." વલ્લકી ગંભીર થઈને બોલી.

" હું તારી ચિંતા સમજી શકું છું. દાદા બિચારા આ બધી વાતોથી અજાણ છે એટલે એમને તો ઉતાવળ હોય જ. હવે સાંભળ તારા આ પચાસ તૈયાર છે. આટલી મોટી રકમ લઈ જઈને તું ઘરે શું જવાબ આપીશ ? " અભિમન્યુ બોલ્યો.

" હું એ પચાસ લાખ લેવા માટે આવી નથી. હું તો તમારો આભાર માનવા માટે આવી છું અભિમન્યુ. તમને કલ્પના નથી કે તમે મારા માટે શું કર્યું છે ! તમે મારી જિંદગી બચાવી લીધી. મને નરકમાં જતી ઉગારી લીધી. જો તમને લગ્ન માટે હું મનાવી ના શકું તો એ માણસ વીડિયો ક્લીપના જોરે મને કાયમ માટે એની રખાત બનાવવાનો હતો." વલ્લકી બોલી.

" અરે બાપ રે ! આટલી બધી હદે એ માણસ ગયેલો છે ? " અભિમન્યુ ગુસ્સાથી બોલ્યો.

" અરે હું શું કહું તમને ! તમારી આગળ આવી વાત કરતાં પણ મને તો શરમ આવે છે. એણે મને કેવી કેવી ગંદી વાતો ફોન ઉપર કરી છે એ હું તમને કહી શકતી નથી. એ ઘણીવાર મારી સાથે રાત્રે વિડીયો કોલ કરીને ગંદી વાતો કરતો હતો. મારે એનો ફોન ઉપાડવો જ પડે. સંધ્યા ઉપર પણ એણે ઘણો ત્રાસ કરેલો છે. આ બધો ગુસ્સો મેં કારણ વગર તમારા ઉપર કાઢ્યો." વલ્લકી બોલી.

" વિકૃતિની પણ એક હદ હોય છે ! વાસનાની વિકૃતિ માણસ પાસે બધી હદ પાર કરાવે છે. તારી સાથે એણે આવું કર્યું એ સંધ્યા જાણે છે ? " અભિમન્યુ બોલ્યો.

" હા એણે ત્રણેક મહિના પહેલાં જ સંધ્યાને પણ આ વાત કરી દીધી. સંધ્યા બિચારી બહુ ખાનદાન છોકરી છે. એ કોઈને પણ કહે એવી નથી. એ ઘણીવાર મને ફોન ઉપર એની વાતો કરતી હતી." વલ્લકી બોલી.

" ચાલો હવે એ બધું ભૂતકાળ થઈ ગયું છે. ઈશ્વરે જ તને બચાવી છે. હું તો નિમિત્ત બન્યો છું. " અભિમન્યુ બોલ્યો.

" એણે મને આજે રૂબરૂ મળવા બોલાવી છે. રાત્રે જ એનો ફોન હતો. બીજી કોઈ વાત ના કરી. બસ એટલું જ કહ્યું કે કાલે મારી ઓફિસે આવીને મને મળી જા. શું કરું ? શું કહેશે ? મને તો ડર લાગે છે. " વલ્લકી બોલી.

" હવે ડરવાની કોઈ જરૂર નથી. એની ચોટલી મારા હાથમાં છે. એ તને હવે કોઈ જ ધમકી નહીં આપી શકે. તું જરા પણ ડર્યા વગર બિન્દાસ્ત એની સાથે વાત કરી શકે છે. એ શું કહે છે એ સાંભળી લે. " અભિમન્યુ બોલ્યો.

" ઠીક છે. તમારા કારણે મારી હિંમત વધી ગઈ છે. અને મેં અત્યારે નિર્ણય લઈ લીધો છે કે હું હવે આજીવન કોઈની સાથે લગ્ન નહીં કરું. તમને મારેલા તમાચાનું એ જ પ્રાયશ્ચિત છે. બસ તમે મારી સાથે મિત્રતાનો સાથ નિભાવજો અને હંમેશાં મારી પડખે રહેજો." વલ્લકી બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.

" લાગણીના આવેશોમાં આવા ગંભીર નિર્ણયો ના લેવાય વલ્લકી. હું તો મિત્રતા નિભાવવાનો જ છું. જિંદગીનો પંથ બહુ લાંબો છે અને કુંવારા રહીને આ માર્ગ કાપવો તારા જેવી સુંદર સ્ત્રી માટે કપરો છે. " અભિમન્યુ બોલ્યો.

" તમે મારી સાથે છો પછી મને કોઈ ચિંતા નથી અભિમન્યુ. અને આ રકમ તમારી પાસે રાખો. મારે એની કોઈ જરૂર નથી. ચાલો હવે હું રજા લઉં મારે પેલાને પણ મળવાનું છે." વલ્લકી બોલી અને ઊભી થઈ.

" કોઈપણ જાતનો ભય કે ગભરાટ રાખીશ નહીં. શા માટે તને બોલાવી છે અને એ શું કહે છે એ બધું સાંભળી લે. મેં રેડ પડાવી છે એ ખબર એને નથી. એટલે મારા વિશે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. " અભિમન્યુ બોલ્યો અને વલ્લકી બહાર નીકળી ગઈ.

હકીકતમાં આજે વહેલી પરોઢે અભિમન્યુને ફરી દાદાજીનું સપનું આવ્યું હતું. દાદાજીએ એને વલ્લકી સાથે લગ્ન કરી લેવાનો આદેશ આપ્યો હતો.

" તારે વલ્લકી સાથે જ લગ્ન કરવાનાં છે બેટા. તારી ભાવિ પત્ની સાથે મેં જ તે દિવસે ટ્રેનમાં તારી મુલાકાત કરાવી હતી. એ દર વર્ષે મહા મહિનાની પૂર્ણિમાના દિવસે હરિદ્વાર જાય જ છે. તમે બંને સાથે એક જ ડબામાં મુસાફરી કરો એવી ઈચ્છા મારી જ હતી." દાદાજી બોલ્યા.

" પરંતુ દાદાજી વલ્લકી ઉપર રૅપ થયેલો છે. એ વર્જિન નથી. અને એણે તો મને હરિદ્વારમાં તમાચો માર્યો હતો. મને રાસ્કલ કહ્યો હતો." અભિમન્યુ બોલ્યો.

" હા મને બધી જ ખબર છે. એણે તને તમાચો માર્યો એનો જવાબ પણ મેં તને સમાધિ કરાવ્યા પછી આપ્યો હતો યાદ કર." દાદાજી બોલ્યા.

" હા મને યાદ છે દાદાજી. તમે મને કહ્યું હતું કે હરિદ્વારમાં તને જે તમાચો પડ્યો એ તારા જીવનની દશા અને દિશા બદલી નાખવા માટે હતો." અભિમન્યુ બોલ્યો.

" વલ્લકીનાં લગ્ન તારી સાથે થાય એ નિયતિની ઈચ્છા છે એટલે લગ્નની ના પાડવાનો કોઈ સવાલ જ નથી. હું તો તને ખાલી જણાવી રહ્યો છું. તને મેં જે હીરા આપ્યા છે એ હર્ષદ ઘેલાણીની અમાનત છે અને વલ્લકી એની જ દીકરી છે. તારાં એની સાથે લગ્ન થશે એટલે હર્ષદના આત્માને પણ શાંતિ મળશે અને તારા પિતા પણ હર્ષદના ઋણમાંથી મુક્ત થઈ જશે." દાદાજી બોલી રહ્યા હતા.

" તારા જીવનમાં એનાં પગલાં કંકુ પગલાં છે. એની સાથે જે થયું છે એ એને મળેલી એનાં પાછલાં કર્મોની સજા છે. છતાં તારી સાથે તો એ પ્રમાણિક રહી છે. તને અમુક સિદ્ધિઓ મેં જે આપી છે એની ચાવી વલ્લકીના હાથમાં છે. શિવ શક્તિના મિલન વગર અમુક સિદ્ધિઓ કામ નહીં કરે બેટા." દાદાજી બોલ્યા.

આજે વલ્લકી મળવા આવી ત્યારે અભિમન્યુને સપનાની આ બધી જ વાતો યાદ હતી અને દાદાજી સાથેની વાતચીત પછી એણે વલ્લકી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો છતાં આજે એણે વલ્લકી સાથે નોર્મલ વાતો જ કરી. વલ્લકી એને ગમી ગઈ હતી પરંતુ એ એને હજુ થોડી રાહ જોવડાવવા માગતો હતો !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■