ટિકિટ! - લઘુકથા

Related

'ટિકિટ! – લઘુકથા. • હરેકૃષ્ણ જાની.


પોતાની નિર્ધારિત ગતિએ આગળ વધી રહેલી ટ્રેનની બારીની બહારનાં દૃશ્યો ઝડપથી પાછળ છૂટી રહ્યાં હતાં. કોઈ મુસાફર મોબાઇલમાં વ્યસ્ત હતો, તો કોઈ બારીની બહાર નજર નાખીને મુસાફરીનો આનંદ માણી રહ્યો હતો. કેટલાક થાકેલા મુસાફરો પોતાની સીટ પર આરામ કરી રહ્યા હતા.

ટિકિટ - લઘુકથા
ટિકિટ - લઘુકથા

એવામાં ડબ્બામાં ટિકિટ તપાસતા ટીટી એક પછી એક મુસાફરો પાસે જઈ રહ્યા હતા. દરેકને ટિકિટ બતાવવાનું કહેતા અને નિયમ પ્રમાણે તપાસ કરતા આગળ વધી રહ્યા હતા.

થોડીવારમાં તેઓ વિન્ડો સીટ પર બેઠેલા એક યુવાન પાસે પહોંચ્યા.

તેમણે સહજતાથી પૂછ્યું, "ટિકિટ બતાવો."

યુવાને થોડીવાર તેમની સામે જોયું. પછી નજર નીચે કરીને ધીમા અવાજે કહ્યું, "સાહેબ, મારી પાસે ટિકિટ નથી."

ટીટીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, "ટિકિટ નથી? તો પછી ટ્રેનમાં બેઠો કેવી રીતે? ટિકિટ કેમ નથી લીધી?"

યુવાને થોડો સંકોચ અનુભવતાં જવાબ આપ્યો, "સાહેબ, ઉતાવળમાં નીકળવું પડ્યું. ટિકિટ લેવાનો સમય જ ન મળ્યો."

ટીટીએ ફરી પૂછ્યું, "ક્યાં જવાનું છે તમારે?"

યુવાને ધીમા અવાજે કહ્યું, "ઘરે જાઉં છું સાહેબ."

"ઘરે જવાનું છે તો ટિકિટ તો લેવી પડે ને? મુસાફરીના નિયમો તો બધા માટે સરખા જ હોય છે."

આ સાંભળીને યુવાનની આંખો ભીની થઈ ગઈ. તેણે થોડી ક્ષણો સુધી કંઈ કહ્યું નહીં. જાણે મનમાં ભરાયેલું દર્દ શબ્દો બનીને બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું હોય!

થોડીવાર પછી તેણે ધ્રૂજતા અવાજે કહ્યું, "સાહેબ... મારી મમ્મી બહુ બીમાર છે. ગામેથી ફોન આવ્યો કે તેમની તબિયત બહુ ખરાબ છે. સમાચાર મળતાં જ હું જ્યાં કામ કરતો હતો ત્યાંથી સીધો નીકળી પડ્યો. બસ એક જ વિચાર હતો કે ગમે તેમ કરીને જલદી ઘરે પહોંચી જાઉં."

થોડું અટકીને તેણે આગળ કહ્યું, "સાહેબ, મેં ઠેકેદાર પાસે મારા જ પૈસા માગ્યા હતા, જેથી ટિકિટ લઈને ઘરે જઈ શકું. પણ તેણે પૈસા આપવાની ના પાડી દીધી. કહેવા લાગ્યો કે મહિનો પૂરો થાય એ પહેલાં એક રૂપિયો પણ નહીં મળે. ક્યાંક પૈસા લઈને ગામમાં જ રહી જાય તો? હવે તમે જ કહો સાહેબ, મારી મમ્મી બીમાર છે, ઘેરથી વારંવાર ફોન આવે છે. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે વગર ટિકિટે જ ટ્રેનમાં બેસી ગયો."

આટલું કહેતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેની વાત સાંભળીને ટીટી થોડીવાર માટે મૌન થઈ ગયા.

સામે બેઠેલો યુવાન હવે વગર ટિકિટે મુસાફરી કરતો કોઈ મુસાફર નહોતો લાગતો. તે એક એવો દીકરો હતો, જેની દુનિયા અત્યારે પોતાની બીમાર માતાની આસપાસ જ અટકી ગઈ હતી. તેના મનમાં ન તો પૈસાની ચિંતા હતી, ન નોકરીની અને ન તો રસ્તામાં આવતી કોઈ મુશ્કેલીની. તેને તો બસ એક જ ચિંતા હતી કે પોતાની મા પાસે બને એટલો વહેલો પહોંચી જાય.

કદાચ ટીટીના મનમાં પણ પોતાની મા સાથે જોડાયેલી કોઈ યાદ તાજી થઈ હશે. મા બીમાર હોય અને સંતાન તેનાથી દૂર હોય ત્યારે મનની કેવી હાલત થાય છે, એ સમજવા માટે કોઈ મોટા અનુભવની જરૂર નથી. એ લાગણી તો હૃદયથી જ સમજાય છે.

થોડીવાર સુધી બંને વચ્ચે મૌન છવાયેલું રહ્યું.

ટીટીએ યુવાનની આંખોમાં જોયું. ત્યાં કોઈ બહાનું નહોતું, કોઈ ચાલાકી નહોતી. હતી તો માત્ર પોતાની માતાને મળવાની ઉતાવળ, લાચારી અને આંખોમાં છલકાતી વેદના.

ટીટીએ કોઈ વધુ સવાલ કર્યા નહીં. કોઈ કડક શબ્દો પણ ન કહ્યા. બસ, એક નજર યુવાન તરફ નાખી અને શાંતિથી આગળ વધી ગયા.

યુવાન થોડીવાર સુધી તેમને જોતો રહ્યો. કદાચ તેને પણ વિશ્વાસ નહોતો આવતો કે કોઈએ તેની વાત સાંભળી અને તેની મજબૂરીને સમજી લીધી.

તેની આંખોમાં હજુ આંસુ હતાં, પરંતુ હવે મનમાં થોડી રાહત હતી. જાણે મુશ્કેલ સમયમાં કોઈ અજાણી વ્યક્તિએ તેના માથે હળવેથી આશ્વાસનનો હાથ મૂકી દીધો હોય!

આ ઘટનામાં સૌથી સુંદર વાત એ હતી કે ટીટી પોતાની ફરજ કરતાં આગળ વધીને એક દીકરાની મજબૂરી સમજી શક્યા. તેમણે યુવાનની લાચારીને શબ્દોથી નહીં, પરંતુ તેની આંખોમાં છલકાતા આંસુઓથી સમજી લીધી.

ખરેખર, દરેક વ્યક્તિની પરિસ્થિતિ એકસરખી હોતી નથી. ક્યારેક કોઈની ભૂલ પાછળ એવી મજબૂરી છુપાયેલી હોય છે, જેને સમજવા માટે નિયમો કરતાં સંવેદનશીલ હૃદયની વધુ જરૂર પડે છે.

અંતે એટલું જ કે.., ક્યારેક કોઈની મજબૂરી સમજીને તેને થોડી રાહત આપવી એ જ માનવતાનું સૌથી સુંદર સ્વરૂપ અને ઊંચું આસન છે.©હરેકૃષ્ણ ..

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■