કન્યાદાન! - નવલિકા

Related

કન્યાદાન!

સંકોચ થતો હતો ને હિંમત પણ નહોતી ચાલતી, શેઠ! પણ મારા બાપાએ ધક્કો માર્યો. કહે કે બે પેઢીથી શેઠની સેવા કરીએ છીએ, એટલે આટલો તો આપણો અધિકાર કહેવાય; એમણે આવું કહ્યું એથી ઑફિસમાં વાત કરવાને બદલે બંગલે આવ્યો.”

કન્યાદાન! - નવલિકા
કન્યાદાન! - નવલિકા

સવારે આઠ વાગ્યે શાહીબાગના આલીશાન જૂના બંગલામાં લાલચંદ શેઠ હિંડોળા પર બેઠા હતા. ટિપોઈ પર ચાની કીટલી અને દુનિયાભરનાં અખબારો પડ્યાં હતાં. પેઢીમાં દોઢસો માણસો કામ કરતા હતા. એમાંથી એક હરિશંકર ત્રિવેદી એમની સામે ઊભો રહીને બોલતો હતો. “બાપા પથારીવશ છે પણ આંખો ને જીભ સાબૂત છે. એમણે તો પંદર વર્ષની ઉંમરથી આ બંગલામાં રસોઈયા તરીકે કામ કરેલું. તમને રમાડેલા પણ ખરા એવું એ કહે છે. હું બી.કોમ. થયો ત્યારથી તમારી ઑફિસમાં છું. આજે પિસ્તાળિસમું ચાલે છે. છેલ્લાં ૨૩ વર્ષથી રાત-દિવસ જોયા વગર સેવા કરું છું.”

“તેં કહ્યું એ બધુંય મારા ધ્યાનમાં છે, ભાઈ!” લાલચંદ શેઠે ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું. “કીટલીમાંથી ચા લે અને શાંતિથી વાત કર. શું ઉપાધિ છે?”

ચાનો કપ લઈને હરિશંકર ખુરશીમાં બેઠો અને શેઠ સામે જોયું. “ઘરમાં મિસિસ છે, ઘરડો બાપ છે અને લગ્નના આઠ વર્ષ પછી આવેલી એકની એક દીકરી છે. ચાર માણસને બે ટાઈમ જમવા તો જોઈએને? પગારમાં માંડ માંડ ઘર ચાલે છે અને બચતના નામે મોટું મીંડું છે. ૧૪ વર્ષની ફૂલ જેવી દીકરી ઉપર ઉપાધિ આવી એટલે ગભરાઈને તમારા આંગણે આવ્યો.” હરિશંકરના અવાજમાં લાગણીની ભીનાશ છલકાતી હતી. “ ત્રણ વર્ષથી તકલીફ હતી. સ્કૂલમાં પી.ટી,ના પિરિયડમાં હાંફી જતી હતી પણ સામાન્ય વાત માનીને ગણકાર્યું નહોતું. હમણાંથી ઘરમાં દસ ડગલાં ચાલે તોય હાંફી જાય. ડૉક્ટરે હાર્ટના સ્પેશિયાલિસ્ટ પાસે મોકલ્યા. એમણે બધા ટેસ્ટ અને રિપોર્ટ કરાવીને કહ્યું કે હાર્ટના વાલ્વમાં એક્યુટ પ્રોબ્લેમ છે એટલે તાત્કાલિક ઓપરેશન સિવાય કોઈ ઉપાય નથી.” એનો અવાજ ધીમો થઈ ગયો.“ બીતાં બીતાં ખર્ચ પૂછ્યો તો એમણે અઢી લાખ રૂપિયા કહ્યા. મારા માથે આભ તૂટી પડ્યું.દીકરી સાવ સૂનમૂન છે, મિસિસ રડ રડ કરે છે અને બાપાએ તમારા બંગલે મોકલ્યો...”

ખુરશીમાંથી ઊભા થઈને હરિશંકરે શેઠ સામે હાથ જોડ્યા. “મારે જે કહેવાનું હતું એ કહી દીધું. થોડા સમય માટે ઉછીના આપે એવો કોઈ કાકો-મામો પણ નથી. હવે મારી દીકરી જીવશે કે રિબાઈ રિબાઈને મરશે એ બધું તમારા હાથમાં છે.”

“દીકરીનું નામ? ક્યાં ભણે છે?” ભારેખમ વાતાવરણ બદલવા શેઠે હળવેથી પૂછ્યું..
“ધારા ત્રિવેદી. કાપડિયા સ્કૂલમાં કાયમ પહેલો નંબર લાવે છે.”
“હાર્ટના કયા ડૉક્ટરને બતાવેલું?” શેઠના પ્રશ્નના જવાબમાં હરિશંકરે જે નામ આપ્યું એ સાંભળીને શેઠે કહ્યું. “ડૉક્ટર તો હોંશિયાર છે અને ખોટી રીતે ચીરી નાખે એવો નથી. ઑપરેશનમાં રિસ્ક છે?”
“ના.” હરિશંકરના અવાજમાં આશાનો ઉત્સાહ ભળ્યો. “મનેય એ બીક હતી પણ એમણે ખાતરી આપી કે કોઈ જોખમ નથી. બાકી તો જેવી ઈશ્વરની મરજી.”

લાલચંદ શેઠ ગંભીરતાથી વિચારી રહ્યા હતા.હરિશંકર શ્વાસ રોકીને જવાબ સાંભળવા તડપતો હતો.

“કાલે ડૉક્ટરને મળીને ઑપરેશનની તારીખ નક્કી કરી નાખ. પછી ઑફિસમાં સુકેતુ શેઠને મળજે.” શેઠને ત્રણ દીકરાઓ હતા. એમાં સુકેતુ સૌથી મોટો. કરોડોનો કારોબાર એ કુશળતાથી સંભાળતો હતો. “હું સુકેતુને કહી દઈશ. ડૉક્ટર સાથે એ વાત કરી લેશે. તારી ધારાને સારામાં સારી ટ્રિટમેન્ટ મળશે. તારે ખિસ્સામાંથી એક પૈસોય અત્યારે કાઢવાનો નથી. હોસ્પિટલનો અને દવાનો તમામ ખર્ચ સુકેતુ ડૉક્ટર સાથે સમજી લેશે.”

હરિશંકર ઊભો થઈને ભીની આંખે શેઠના પગ પકડવા જતો હતો પણ શેઠે એને ખભાથી પકડીને પાછો ખુરશીમાં બેસાડી દીધો.“મારી વાત હજુ પૂરી નથી થઈ. આ ગોઠવણ ધ્યાનથી સમજી લે. આ પૈસા તને અંગત લોન તરીરે આપું છું. ધારો કે કુલ ખર્ચ અઢી લાખ થાય તો દર મહિને તારા પગારમાંથી અઢી હજાર કપાશે.” હરિશંકર સામે જોઈને લાલચંદે સહાનુભૂતિથી ઉમેર્યું. “એ અઢી હજાર કપાશે એટલે તને થોડીક સંકડામણ પડશે એ સમજું છું, પણ એનો કોઈ ઉપાય મારી પાસે નથી. વગર વ્યાજની આ લોનથી દીકરીની જિંદગી બચી જશે એ સમજીને તકલીફ વેઠી લેવાની.”

“આટલી મહેરબાની કરો છો તો એક નાનકડી વિનંતિ છે..” મહિનાના ઘરખર્ચની મનોમન ગણતરી કરીને હરિશંકરે શેઠ સામે જોયું. “દર મહિને અઢી હજારને બદલે બે હજારનો હપ્તો હશે તો થોડીક રાહત રહેશે. ઓછી મુશ્કેલી પડશે.” .
“ઓ.કે.મહિને બે હજારનો હપ્તો કબૂલ. હવે તો રાજીને?”

હકારમાં માથું હલાવતી વખતે હરિશંકરની આંખ ફરીથી ભીની થઈ ગઈ..

“હવે બીજી વાત પણ સમજી લે.” શેઠનો અવાજ ગંભીર હતો. “આ વાત હું, તું, સુકેતુ અને પેઢીના મુનિમ જ જાણશે. સ્ટાફમાં કોઈને કહેવાનું નહીં. તારી મુશ્કેલી સમજીને મદદ કરું છું. સ્ટાફના બીજા લોકો આ રીતે વગર વ્યાજની લોન લેવા આવે તો પ્રોબ્લેમ થઈ જાય.” એમણે હસીને ઉમેર્યું.“ઘેર ફેમિલીમાં બધાને કહેવાની છૂટ.”
“જી..જી..” આભારવશ હરિશંકર બંગલેથી ઘેર જતો હતો ત્યારે પગને જાણે પાંખો ફૂટી હતી.

સુકેતુના ફોન પછી હોસ્પિટલમાં ધારાને વી.આઈ.પી. જેવી ટ્રિટમેન્ટ મળી. હરિશંકર અને એની પત્ની હેમા ઉચાટથી ઑપરેશન થિયેટરની બહાર બેઠાં હતાં. પગની તકલીફ હતી છતાં વૃદ્ધ દાદા પણ આવીને થોડે દૂર એકલા બેઠા હતા. આંખો બંધ કરીને એ સતત મહામૃત્યુંજય શ્લોકનો પાઠ કરી રહ્યા હતા.

ઑપરેશન થિયેટરમાંથી ડૉક્ટરે બહાર આવીને હરિશંકર સાથે હાથ મિલાવ્યા. “બહુ સરસ રીતે ઑપરેશન પતી ગયું છે. ચિંતાની કોઈ વાત નથી. અત્યારે ચોવીસ કલાક આઈ.સી.યુ.માં રાખીશું પછી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરીશું.”

સામે દેવદૂત ઊભો હોય એમ હરિશંકર અને હેમાએ ડૉક્ટરના પગ પકડી લીધા. વૃદ્ધ દાદાની તો ધારા લાડકી પૌત્રી હતી. એમની આંખ હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ..

સાત દિવસ પછી ધારા હોસ્પિટલમાથી ઘેર આવી ત્યારે બધા પડોશીઓના ચહેરા પર પણ ખુશી હતી. કુલ ૨.૪૮ લાખમાં ધારાને નવું જીવન મળ્યું હતું. “હવે આપણી કસોટી શરૂ થશે.” રાત્રે હરિશંકર હેમાને કહ્યું. “દર મહિને હાથમાં બે હજાર ઓછા આવશે.”

“મેં રસ્તો વિચારી લીધો છે.” હેમાએ આત્મવિશ્વાસથી કહ્યું. “નીચેવાળાં રમામાસી ભરતકામ કરે છે, એમને વાત કરી રાખી છે. માણસ ઘેર આવીને કામ આપી જાય છે અને લઈ જાય છે. રમામાસીની ઝડપ સારી છે એટલે એ મહિને ત્રણેક હજારનું કામ કરે છે. હું શરૂ કરીશ એટલે આઠસો-નવસો જેવા તો મળશે, પછી ફાવટ આવી જશે એટલે મહિને બે હજારનું કામ તો આરામથી થશે.” એના અવાજમાં માતાસહજ ચિંતા ભળી.“ગમે કેમ કરીને ઝડપ તો વધારવી જ પડશે. દસેક વર્ષ પછી ધારાનાં લગ્ન માટે પણ પૈસા તો જોઈશેને?”

પંખીની પાંખે બેસીને સમય પસાર થતો રહ્યો. દિવસો, મહિનાઓ અને એક પછી એક વર્ષો વીતતાં ગયાં..

“આજે જ મુનિમે કહ્યું. આવતા મહિને બે હજાર કપાશે એ છેલ્લો હપ્તો..” હેમાને જણાવતી વખતે હરિશંકરના અવાજમાં ઉત્સાહ હતો.
 
“બોટાદવાળા વિનુભાઈ જોષીનો છોકરો સચિવાલયમાં ગેઝેટેડ ઑફિસર છે. એ લોકોએ ગયા મહિને મધુકાકીને ત્યાં લગ્નમાં ધારાને જોયેલી, એટલે સામેથી કહેવડાવ્યું છે.” એના અવાજમાં ચિંતા ભળી. “બધી રીતે સારું છે પણ છોકરાના દાદાની તબિયત ઢચુપચુ છે એટલે એ લોકો આ ફેબ્રુઆરીમાં જ લગ્નનું કહે છે. કઈ રીતે પહોંચી વળાશે?” એના આ અઘરા સવાલનો જવાબ હરિશંકર પાસે નહોતો એટલે એણે હાથ ઊંચા કરીને આકાશ તરફ ઈશારો કર્યો..

થોડા દિવસ પછી વિનુભાઈના મોટાભાઈ ઘેર આવ્યા. એમણે સ્પષ્ટ કહ્યું કે તમારી ધારા અમને પસંદ છે, પણ વીસેક દિવસમાં તમે ફાઈનલ જવાબ નહીં આપો તો અમે બીજી કન્યાઓ જોવાનું શરૂ કરીશું.

બીજા દિવસે શનિવાર હતો. હરિશંકર ઑફિસમાંથી નીકળતો હતો ત્યારે મુનિમે એને બોલાવીને કહ્યું. “કાલે નવ વાગ્યે તમારે મિસિસને લઈને શેઠના બંગલે જવાનું છે.”.

સવારે હરિશંકર અને હેમા બંગલે પહોંચ્યા ત્યારે લાલચંદ શેઠ હિંડોળે બેઠા હતા. “છોકરી ૧૪ વર્ષની હતી ત્યારે તકલીફ થયેલી અને તેં ૧૦ વર્ષ હપ્તા ભર્યા.” હરિશંકરને આટલું કહીને એમણે હસીને હેમાને પૂછ્યું.“અત્યારે તો એ ૨૪ની થઈ ગઈ હશે. કોઈ મુરતિયો શોધ્યો કે નહીં? ”

“હીરા જેવો મુરતિયો તો હાથમાં છે, ગેઝેટેડ ઑફિસર છે પણ પહોંચી વળાય એવું નથી. ઠનઠન ગોપાલ જેવી દશા છે ને એ લોકોએ બે મહિના પછી લગ્ન લેવાની શરત મૂકી છે.” હેમાએ રડમસ અવાજે કહ્યું.
“કરો કંકુના..હું બેઠો છું.”શેઠે એ પતિ-પત્નીના ચહેરા સામે જોયું. “ઈશ્વરની દયાથી મારે ત્રણ દીકરા છે. સુકેતુ, સૌમિલ અને શેખર. સુકેતુને ત્યાં બે દીકરા છે. સૌમિલ અને શેખરને ત્યાં પણ એક એક દીકરો છે. કન્યાદાન કરવાનું સદનસીબ પ્રભુએ અમને નથી આપ્યું. એ બાબતમાં તું અમારા ચારેયથી વધુ ધનવાન છે. તારા બાપાએ આખી જિંદગી અમારા રસોડામાં વિતાવીને અમને ગરમાગરમ જમાડ્યું છે એ હું ક્યારેય ભૂલ્યો નથી. દસ વર્ષ પહેલાં તું આવ્યો અને ઑપરેશનના પૈસા માટે કહ્યું એ જ વખતે મેં નિર્ધાર કરી લીધો હતો. દર મહિને તારા બે હજાર કપાય એની સામે અમારા બે હજાર ઉમેરીને રિકરિંગ ખાતામાં જમા થતા હતા. તારે દીકરીને બદલે દીકરો હોત તો હું આવી રિકરિંગની જોગવાઈ ના કરતો, પણ દીકરી તો ઈશ્વરનું વરદાન કહેવાય. એનાં લગ્નની તારે ચિંતા ના રહે અને એ અમને અંતરથી આશીર્વાદ આપે એ માટે આવો નિર્ણય કરેલો....

માનવામાં ના આવતું હોય એમ સુખદ આશ્ચર્યથી આંખો પહોળી કરીને હરિશંકર અને હેમા શેઠની સામે તાકી રહ્યા હતા.“બધું મળીને લગભગ સાડા અગિયાર લાખ જમા થયા છે. કાલે સુકેતુને મળજે. એ તને હિસાબ સમજાવીને ચેક આપી દેશે..અને હા, આ વાત પણ સ્ટાફમાં કોઈને કહેવાની નથી.”.

શેઠ બોલતા હતા, ત્યારે નોકર આવીને ચા-નાસ્તાની પ્લેટસ્ ટિપોઈ પર ગોઠવતો હતો, પણ આંખમાં ધસી આવેલાં ઝળઝળિયાંને લીધે હરિશંકર અને હેમાને એ દૃશ્ય ધૂંધળું દેખાતું હતું.

• મહેશ યાજ્ઞીક

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■