સ્નેહધામ વૃદ્ધાશ્રમ
સાંજ ઢળવા આવી હતી અને ગામના છેડે આવેલું જૂનું મકાન આજે અસામાન્ય રીતે શાંત હતું. આંગણામાં ખાટલા પર બેઠેલા હરિકાંત દેસાઈ વારંવાર શેરી તરફ નજર કરી રહ્યા હતા અને એમની પત્ની શાંતાબેન રસોડામાં રોટલા ટીપી રહ્યા હતાં.સ્નેહધામ વૃદ્ધાશ્રમ - લઘુકથા
"શાંતા, મનોજ આવ્યો કે નહીં હજુ?" હરિભાઈએ બૂમ પાડી. "ના રે ના...! હજી તો નથી આવ્યો," શાંતાબેને તાવડી પરથી રોટલો ઉતારતા જવાબ આપ્યો. હરિભાઈએ ઘડિયાળ સામે જોયું તો પાંચ વાગી ગયા હતા.
સવારે જ દીકરો મનોજ એમને શહેર લઈ જવાની વાત કરીને ગયો હતો અને કહ્યું હતું કે, "બાપા, તૈયાર રહેજો, સાંજે તમને એક સરસ જગ્યાએ લઈ જાઉં." એટલું કહીને એ નીકળી ગયો હતો, જેથી હરિભાઈના મનમાં ખૂબ આનંદ હતો.
તેઓ વિચારતા હતા કે કદાચ દીકરો ક્યાંક ફરવા લઈ જતો હશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગામ બહાર ગયા જ નહોતા. એટલામાં ઘરની બહાર કાર આવીને ઊભી રહી અને મનોજ ઉતર્યો. "ચાલો બાપા... તૈયાર છો ને?" એણે ઉતાવળ કરતાં કહ્યું.
શાંતાબેન અને હરિભાઈ ખુશ થઈ ગયા, બે જોડી કપડાં થેલીમાં મૂક્યાં અને કારમાં બેસી ગયા. રસ્તા દરમિયાન શાંતાબેન પૂછતા રહ્યા કે, "બેટા, ક્યાં લઈ જાય છે?" ત્યારે મનોજ હસીને કહેતો કે, "સરપ્રાઈઝ છે મા...!"
બે કલાક પછી કાર શહેરના એક મોટા મકાન આગળ ઊભી રહી, જેના બોર્ડ પર લખેલું હતું "સ્નેહધામ વૃદ્ધાશ્રમ". હરિભાઈએ બોર્ડ વાંચ્યું ત્યારે પહેલા તો એમને વિશ્વાસ જ ન આવ્યો, પણ પછી ધીમે ધીમે એમના ચહેરાનો રંગ ઊડી ગયો. "મનોજ... આ શું છે બેટા?" એમણે કંપતા અવાજે પૂછ્યું.
મનોજ નજર ચોરાવવા લાગ્યો અને બોલ્યો, "બાપા... અહીં તમારી સારી સંભાળ રહેશે." આ સાંભળીને શાંતાબેનના હાથમાંથી થેલી સરકી પડી અને એમની આંખો ફાટી ગઈ.
"એટલે...? એટલે હવે અમે અહીં રહીશું?" શાંતાબેને પૂછ્યું ત્યારે મનોજ ચૂપ રહ્યો, અને એ મૌન જ જવાબ હતો. શાંતાબેનની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં અને બોલ્યાં, "બેટા... અમે તને ભાર લાગીએ છીએ?" મનોજ અકળાઈ ગયો અને બોલ્યો, "મા, વાત એમ નથી."
"તો પછી કેવી છે?" હરિભાઈ પહેલીવાર થોડા ઊંચા અવાજે બોલ્યા. મનોજે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, "ઘરમાં રોજ ઝઘડા થાય છે, બાળકો મોટા થઈ રહ્યા છે અને ફ્લેટ નાનો છે."
આગળના શબ્દો એના ગળામાં જ અટકી ગયા, પણ હરિભાઈ બધું સમજી ગયા. તેમણે ધીમેથી થેલી ઉપાડી લીધી અને "ચાલ શાંતા," એટલું જ બોલ્યા. વૃદ્ધાશ્રમના મેનેજર દિનેશભાઈએ એમનું સ્વાગત કર્યું અને એમને એક નાનો રૂમ આપવામાં આવ્યો.
રૂમમાં બે ખાટલા, એક કબાટ અને બારીમાંથી દેખાતું સૂનું આંગણું હતું. રાત્રે શાંતાબેન રડી પડ્યાં અને બોલ્યાં, "મનોજના પપ્પા...! આપણે ક્યાં ખોટું કર્યું હતું?"
હરિભાઈની આંખ પણ ભીની હતી, પણ પત્ની સામે મજબૂત બનવાનો પ્રયત્ન કરતાં બોલ્યા, "રડ નહીં શાંતા." "ભગવાન જે કરે એ સારું," એમ સમજાવ્યા, પણ એ રાત્રે બંનેમાંથી કોઈને ઊંઘ આવી નહીં. દિવસો પસાર થવા લાગ્યા અને વૃદ્ધાશ્રમમાં ઘણા વૃદ્ધો હતા.
કોઈને દીકરાએ છોડ્યા હતા, કોઈને દીકરીએ, તો કોઈને તો વર્ષોથી કોઈ મળવા પણ આવતું નહોતું. આ જોઈને હરિભાઈનું કાળજું વધુ દુઃખતું, પણ એક દિવસ તેઓ આંગણામાં બેઠા હતા ત્યાં એક નાનો છોકરો દોડતો આવ્યો.
"દાદા...!" કહીને એણે હરિભાઈનો હાથ પકડી લીધો, જેથી હરિભાઈ ચોંકી ગયા. "અલ્યા, તું કોણ?" એમ પૂછતાં છોકરો હસી પડ્યો અને બોલ્યો, "હું પાર્થ." "અહીં સામેની સોસાયટીમાં રહું છું," કહીને પછી તો એણે રોજ આવવાનું શરૂ કરી દીધું.
તે ક્યારેક વાર્તા સાંભળે, ક્યારેક કેરી ખવડાવે તો ક્યારેક ચેસ રમે અને ધીરે ધીરે આખા વૃદ્ધાશ્રમનો લાડકો બની ગયો. શાંતાબેનને તો એમાં પોતાનો પૌત્ર દેખાવા લાગ્યો.
એક દિવસ પાર્થે પૂછ્યું, "દાદી, તમારો દીકરો નથી?" શાંતાબેન થોડા ક્ષણ ચૂપ રહ્યા અને પછી હસીને બોલ્યાં, "છે બેટા, ખૂબ મોટો છે." પાર્થ નિર્દોષતાથી બોલ્યો, "તો પછી તમને અહીં કેમ રાખ્યા?"
આ પ્રશ્ન સાંભળીને શાંતાબેનની આંખ ભીની થઈ ગઈ, કારણ કે જવાબ કોઈ પાસે નહોતો. સમય આગળ વધતો રહ્યો અને જોતજોતામાં એક વર્ષ પસાર થઈ ગયું.
પાર્થ હવે રોજ જ આવતો, પરીક્ષામાં સારા માર્ક્સ આવે તો મીઠાઈ લઈને આવે. જન્મદિવસ હોય તો કેક લઈને આવે અને બીમાર પડે તો વૃદ્ધાશ્રમ સૂનો લાગી જાય. એક દિવસ અચાનક પાર્થ આવ્યો નહીં, બીજા દિવસે પણ નહીં અને ત્રીજા દિવસે પણ નહીં.
શાંતાબેન ચિંતામાં પડી ગયા અને બોલ્યા, "પેલો છોકરો પાર્થ હમણાં દેખાતો નથી." એટલામાં એક માણસ વૃદ્ધાશ્રમમાં આવ્યો જેના ચહેરા પર ખૂબ ચિંતા હતી.
"અહીં હરિભાઈ કોણ છે?" એણે પૂછ્યું ત્યારે હરિકાંતભાઈ ઊભા થયા અને બોલ્યા, "હા, હું જ." માણસની આંખ ભીની થઈ ગઈ અને કહ્યું, "હું પાર્થનો પિતા નિરવભાઈ છું, પાર્થને અકસ્માત થયો છે." આ સાંભળતા જ શાંતાબેનના પગ નીચેની જમીન ખસી ગઈ અને બંને તરત હોસ્પિટલ દોડી ગયા.
પાર્થ પથારીમાં પડ્યો હતો, માથા પર પટ્ટી હતી અને આંખો બંધ હતી. શાંતાબેન એના માથા પર હાથ ફેરવવા લાગ્યા અને એમનો અવાજ ધ્રૂજવા લાગ્યો, "ઉઠ બેટા...!"
થોડીવાર પછી પાર્થે ધીમે ધીમે આંખ ખોલી અને સૌથી પહેલું વાક્ય એ બોલ્યો, "દાદી... તમે આવ્યા?" શાંતાબેન રડી પડ્યાં અને રૂમમાં હાજર બધા લોકોની આંખ ભીની થઈ ગઈ. નિરવભાઈએ હરિભાઈ સામે જોયું અને બોલ્યા, "કાકા... આજે સમજાયું કે સંબંધ લોહીથી નથી બનતા, પ્રેમથી બને છે."
એણે આગળ વધીને બંનેના પગે હાથ મૂક્યો, જેથી હરિભાઈ ગભરાઈ ગયા અને બોલ્યા, "અરે દીકરા, આ શું કરે છે?" નિરવભાઈની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં અને કહ્યું, "મારા દીકરાને જે પ્રેમ તમે આપ્યો છે, એ કદાચ હું પણ નથી આપી શક્યો."
થોડા દિવસ પછી પાર્થ સાજો થઈ ગયો અને એક રવિવારે એ આખા પરિવાર સાથે, નિરવભાઈ અને હેતલબેન સાથે વૃદ્ધાશ્રમ આવ્યો. એના પિતા અને માતા દિનેશભાઈ પાસે ગયા અને થોડા કાગળો પર સહી કરી. પછી હરિભાઈ સામે આવીને બોલ્યા, "કાકા, હવે સામાન બાંધી લો."
હરિભાઈ ચોંકી ગયા અને પૂછ્યું, "કેમ?" ત્યારે નિરવભાઈ બોલ્યા, "કારણ કે હવે તમે વૃદ્ધાશ્રમમાં નહીં રહો, અમારા ઘરમાં રહેશો. અમારી સાથે." શાંતાબેનની આંખો પહોળી થઈ ગઈ અને બોલ્યા, "પણ બેટા..."
"કોઈ પણ પણ નહીં દાદી...!" પાર્થ વચ્ચે જ બોલી પડ્યો, "હવે તમે મારા દાદા-દાદી છો." શાંતાબેનના ગાલ પર આંસુ વહી નીકળ્યાં અને હરિભાઈ આકાશ સામે જોવા લાગ્યા. જાણે ભગવાનને કહી રહ્યા હોય... "હે પ્રભુ...! એક દીકરાએ ઘરેથી કાઢી મૂક્યો, પણ બીજા દીકરાને તમે રસ્તામાં મોકલી દીધો."
વૃદ્ધાશ્રમ પાછળ રહી ગયો અને કાર ધીમે ધીમે આગળ વધવા લાગી. ઘણા સમય પછી... હરિભાઈ અને શાંતાબેનના ચહેરા પર ફરીથી ઘર મળ્યાનું સ્મિત ખીલી ઊઠ્યું!! ©હરેકૃષ્ણ ..
■ હરેકૃષ્ણ જાની
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
