'મનુષ્ય ગૌરવદિન!' – ૧૯ ઓક્ટોબર

Related

'મનુષ્ય ગૌરવદિન!'
૧૯ ઓક્ટોબર • આલેખન: હરેકૃષ્ણ જાની

સમાજમાં પ્રવર્તતા જુદા જુદા ભેદ અને અસમાનતાના આધારે માણસને જુદી જુદી રીતે આંકવામાં આવે છે. ક્યાંક બાપડો કે બિચારો, તો ક્યાંક ગરીબ, લાચાર કે પીડિત તરીકે તેને જોવામાં આવે છે.

'મનુષ્ય ગૌરવદિન!' – ૧૯ ઓક્ટોબર
'મનુષ્ય ગૌરવદિન!' – ૧૯ ઓક્ટોબર

આ બધા વચ્ચે માણસ પોતાની સાચી ઓળખ અને માણસાઈ ગુમાવી રહ્યો છે, ત્યારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂજ્ય દાદા)એ માણસને એક નવી ઓળખ અપાવી છે.

તેમણે "નાહં પક્ષી નાહં પશુ, અહમ્ મનુષ્યઃ" ની વાત કરીને માનવ મનમાં મનુષ્ય ગૌરવનો દિવ્ય વિચાર રોપ્યો છે. સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનાર ભગવાન દરેકના હૃદયમાં છે, અને આ વિચારને મૂર્ત કરી તેમણે માણસમાં અસ્મિતા જગાડી છે. આજે એ મહામાનવના જન્મદિનને 'મનુષ્ય ગૌરવદિન' તરીકે અત્યંત ભાવપૂર્વક ઉજવવામાં આવે છે.

"હું માણસ છું" તેનું ગૌરવ આપણે હંમેશાં રાખવું જોઈએ કારણ કે સૃષ્ટિના રચિયતા ભગવાન ખુદ આપણી અંદર આવીને વસ્યા છે.

સમર્થ શક્તિવાન ઈશ્વર જો આપણી અંદર બિરાજમાન હોય, તો આપણે દીન, હીન કે લાચાર કેવી રીતે હોઈ શકીએ? ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન એવો "હું માણસ છું" તે વાતનું આપણને હંમેશાં ગૌરવ હોવું જ જોઈએ.

આજે દુનિયામાં પૈસો, સત્તા કે વિદ્વતા હોય તેને જ કિંમત આપવામાં આવે છે અને બાકીના લોકોને તુચ્છ ગણવામાં આવે છે. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ શીખવે છે કે "માણસ" તરીકે દરેક વ્યક્તિની પોતાની એક અનિવાર્ય કિંમત હોય છે.

જેમ શુદ્ધ દૂધને પોતાની કુદરતી મિઠાશ હોય જ છે; તેમાં ખાંડ કે કેસર નાખવાથી મિઠાશ વધે ખરી, પણ તેનો અર્થ એ નથી કે દૂધની પોતાની કોઈ મિઠાશ નથી! ખાંડ અને કેસર એ દૂધનું ડેકોરેશન છે, તેમ જ ધન-સંપત્તિ અને સત્તા હોવી એ માણસનું બાહ્ય ડેકોરેશન છે.

તેનાથી માણસનું મૂલ્ય ભલે વધતું દેખાતું હોય, પરંતુ જો તે બધું ન પણ હોય તો પણ અંદર રહેલી ચૈતન્ય શક્તિને કારણે માણસનું મૂળ મૂલ્ય ક્યારેય ઓછું થતું નથી!

સૌ પહેલાં "હું માણસ છું" તેનું ગૌરવ રાખીને આપણે જીવવું જોઈએ, પછી ભલે આપણે ડૉક્ટર, વકીલ કે ગમે તે હોઈએ.

આજે સમાજમાં જે નાત-જાત, ધર્મ કે અમીર-ગરીબના ભેદભાવો છે, તેનો એકમાત્ર ઉકેલ એ જ છે કે દરેક મનુષ્યને માત્ર "માણસ" તરીકે જોવામાં આવે. "હું માણસ છું" તેનું ગૌરવ રાખીને આત્મસન્માનથી જીવવું અને બીજામાં રહેલા માણસનું પણ સન્માન જાળવવું એ જ સાચો ધર્મ છે.

પૂજ્ય દાદાએ ખૂબ જ સુંદર સત્ય રજૂ કર્યું છે કે, "માણસ અસ્વચ્છ કે રોગી હોઈ શકે, તે અભણ કે ગરીબ પણ હોઈ શકે, પરંતુ માણસ ક્યારેય અસ્પૃશ્ય કે અપવિત્ર તો ન જ હોય!" કારણ કે પ્રત્યેક માનવ શરીર એ સાક્ષાત્ ભગવાનનું પવિત્ર મંદિર છે. તેમણે ભગવદ્ ગીતાના શ્લોક "સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો" નો આધાર લઈને સમજાવ્યું કે ઈશ્વર દરેક પ્રાણીના હૃદયમાં બિરાજમાન છે.

૧૯ ઓક્ટોબર ૧૯૨૦ના રોજ પૂજ્ય વૈજનાથ આઠવલેને ત્યાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો હતો. આ બાળક નાનપણથી જ ખૂબ જ હોશિયાર, કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર યાદશક્તિ ધરાવતો હતો. પિતાજીએ તેને સિવિલ સર્વિસીસ (ICS) માટે ભણાવવાને બદલે ભારતીય તપોવન પદ્ધતિ મુજબ શિક્ષણ આપવાનું વિચાર્યું.

એ બાળક એટલે જ આપણા સૌના આદરણીય સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા). તેમણે ઇન્ડિયન ફિલોસોફીની સાથે વેસ્ટર્ન ફિલોસોફીનો પણ એટલો જ ઊંડો અભ્યાસ કર્યો હતો.

જ્યારે તેઓ માત્ર પાંચ વર્ષના નાના બાળક હતા, ત્યારે એક લગ્ન પ્રસંગે જમણવારમાં જવાનું થયું. જમ્યા બાદની એંઠી પતરાવળીઓમાંથી ભોજન શોધવા માટે નાના બાળકો અને વૃદ્ધો પણ પડાપડી કરતા હતા. લોકોને આ રીતે એંઠું ખાતા જોઈને તે પાંચ વર્ષના બાળકના હૃદયને ભારે આઘાત લાગ્યો અને માનવજાતિના અધઃપતને તેમને વિચલિત કરી દીધા.

જે રીતે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા, એ જ રીતે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી ૧૯૫૪માં જાપાન ગયા હતા. ત્યાં અમેરિકાથી આવેલા ડૉક્ટર ક્રોમપ્ટને તેમને અમેરિકામાં લાખો ડૉલરના પગારની આકર્ષક ઓફર આપી હતી. ત્યારે પાંડુરંગ શાસ્ત્રીજીએ આપેલો પ્રેરણાદાયી જવાબ અદ્ભુત હતો: "તમે પૈસાથી દુનિયાની ગમે તે વસ્તુ ખરીદી શકો છો, પરંતુ સાચા ભારતીય બ્રાહ્મણને ક્યારેય ખરીદી નહીં શકો!"

એ સમયે ભારતમાં ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે અંધકાર હોવા છતાં તેમણે અડગ હિંમતથી સ્વાધ્યાય પ્રવૃત્તિ શરૂ કરી. શરૂઆતમાં કોઈ તેમને ઓળખતું નહોતું, છતાં તેઓ ભારતના અંતરિયાળ ગામડાઓમાં ખૂણે-ખૂણે ફર્યા.

આજે તેમનું સ્વાધ્યાય કાર્ય જે વૈશ્વિક સ્તરે વિસ્તરેલું છે, તેનું મૂળ કારણ દાદાનું આ અથાક પરિભ્રમણ અને પુરુષાર્થ છે. તેમના વિચારોની પવિત્ર ગંગોત્રી એટલે મુંબઈસ્થિત 'શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળા'.

ત્યાંથી તેમણે વેદ અને ગીતા પર સાઠ વર્ષ સુધી પ્રવચનો આપીને સ્વાધ્યાયીઓનો વિશાળ સમૂહ ઊભો કર્યો. યુવાનોને સાચું જીવનઘડતર આપવા માટે તેમણે થાણામાં 'તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી, જ્યાં આજે પણ વિશ્વભરમાંથી યુવાનો ભણવા આવે છે. ત્યાંથી પ્રેરણા પામેલા સ્વાધ્યાયીઓ આ દિવ્ય વિચારો લઈને ગામે-ગામ પહોંચ્યા.

તેમણે ધર્મમાં રહેલી અંધશ્રદ્ધાઓને દૂર કરી અને દરેક પરંપરા પાછળનું વૈજ્ઞાનિક તત્ત્વજ્ઞાન સરળ ભાષામાં સમજાવ્યું. ગીતાના વિચારોને માત્ર પ્રવચનો પૂરતા સીમિત ન રાખતા, તેમણે તેને સીધા સામાન્ય માનવના હૃદય સુધી પહોંચાડી દીધા.

ભગવદ્ ગીતાની વાત "મમેવાંશો જીવલોકે" એટલે કે ભગવાન આપણી સાથે જ છે અને આપણે એ પરમાત્માનો જ અંશ છીએ એ વિચાર સામાન્ય માનવના મનમાં દૃઢ થયો.

આ વિચાર જ્યારે માણસના હૃદયમાં ઊતરી ગયો, ત્યારે માછીમાર ભાઈઓના ઘરમાં દારૂના માટલા છૂટી ગયા. તેઓ સમજી ગયા કે અંદર બેઠેલા ઈશ્વરને દારૂનો અભિષેક કે બીડીનો ધુમાડો ન અપાય, અને આ સમજણથી માણસ સંપૂર્ણ નિર્વ્યસની બન્યો.

તેઓએ સમજાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણનું જીવન એ કોઈ ધાર્મિક કે પૌરાણિક ગાથા નથી, પણ જીવંત આચારસંહિતા છે અને એ કોઈ જટિલ તત્ત્વજ્ઞાન નથી, પરંતુ હસતાં-હસતાં કર્તવ્ય પૂરું કરવાની અને પરિસ્થિતિથી ગભરાયા વગર તેનો ખરા અર્થમાં સામનો કરવાની એક પ્રેરણા છે. શ્રીકૃષ્ણની જેમ કર્મયોગી બનીને, દરેક સંબંધને પૂરી પ્રામાણિકતાથી નિભાવીને અને જીવનના પ્રત્યેક સંકટમાં પણ પ્રસન્ન રહીને જીવવું એ જ સાચો સ્વાધ્યાયી છે, આવી દ્રઢ સમજ દાદાએ હંમેશાં સૌના જીવનમાં રેડી છે.

કોઈ પણ સ્વાધ્યાયી ક્યારેય બીજાને સુધારવા નથી જતા, તેઓ માત્ર પોતાના સ્વયંના જીવન વિકાસ માટે જાય છે. આવા લાખો સ્વાધ્યાયી ભાઈઓ-બહેનો પોતાનું ટિકિટભાડું જાતે ખર્ચીને અને પોતાનો સમય આ સાંસ્કૃતિક પુનરુત્થાન માટે અર્પણ કરે છે.

આજે અમેરિકા, કેનેડા, યુરોપ અને આફ્રિકા જેવા દેશોમાં પણ લોકો આ જ ભાવથી સમય ફાળવી રહ્યા છે અને સમાજમાંથી તમામ ભેદો દૂર થઈ રહ્યા છે.

વર્ષો પહેલાં જ્યારે સ્વાધ્યાયી ભાઈઓ દાદાનો જન્મદિવસ ઉજવવાનો પ્રસ્તાવ લઈને આવ્યા, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે મારો જન્મદિવસ નહીં, પણ મનુષ્યનું ગૌરવ વધે તેવું કંઈક કરવું જોઈએ.

બાળપણમાં ગરીબોનું એંઠું ખાવા માટે પડાપડી કરતું એ દ્રશ્ય તેમની નજર સામેથી ખસ્યું નહોતું. તેમણે કહ્યું કે મનુષ્યને પોતાનું આત્મસન્માન સમજાય અને તે બીજાનું પણ સન્માન જાળવતો થાય, એ જ માનવ-જીવનની ફલશ્રુતિ છે.

આજની આ વ્યસ્ત જીવનશૈલીમાં પણ લાખો લોકો (જેમાં ડૉક્ટર્સ, સી.એ., એન્જિનિયર્સ સામેલ છે) દિવાળીના શિડ્યુલમાંથી સમય કાઢે છે. પોતાના ખર્ચે ગામે-ગામ પ્રવાસ ખેડીને તેઓ દાદાના દિવ્ય વિચારો ઘર-ઘર સુધી પહોંચાડે છે.

દાદાના જન્મદિવસને ‘મનુષ્ય ગૌરવદિન’ તરીકે ઉજવીને આ તમામ લોકોએ દાદાને ખરા અર્થમાં અનન્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પાંડુરંગ શાસ્ત્રીજીનાં સુપુત્રી જયશ્રી તલવલકર, જેને સ્વાધ્યાય પરિવાર આદરથી 'દીદી' તરીકે સંબોધે છે, તેમણે આ મહાન કાર્યની ધૂરા સંભાળી છે. દાદાએ શીખવેલી પવિત્ર પદ્ધતિ મુજબ જ તેમણે આ સમગ્ર કાર્યને આગળ ધપાવ્યું છે અને તેને વૈશ્વિક ફલક પર વિસ્તાર આપ્યો છે.

આ 'સાઈલન્ટ યેટ સિંગિંગ રિવોલ્યુશન' (શાંત પરંતુ મધુર સૂરમય ક્રાંતિ) ને જોવા અને અનુભવવા માટે સ્વાધ્યાય કાર્યની નજીક જવું પડે છે.

આત્મસન્માન અને પરસન્માન દ્વારા માનવ ગૌરવ નિર્માણ કરવાની મહાન વાત પૂજ્ય દાદાએ આપણને શીખવી છે. આજનો આ પવિત્ર દિવસ એ દાદાને અને તેમણે આપેલા માનવ ગૌરવના વિચારને યાદ કરવાનો દિવસ છે.

બાળ સંસ્કાર કેન્દ્રથી લઈ આજ સુધી મારા જેવા કરોડો લોકોના જીવનમાં અજવાળા પાથરનાર પૂ. દાદાજીને તેમના જન્મદિને કોટી કોટી વંદન.. 🙏હરેકૃષ્ણ ..

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■