ગોળ ધાણા
************** – અશ્વિન રાવલ
" તમે પછી વેવાઈ સાથે વાત કરી ? તમે મારી વાત ગણકારતા જ નથી !! રીવાને બાવીસ વર્ષ પૂરાં થઈ ગયાં. ત્રેવીસમું બેઠાને ઉપર બીજા ચાર મહિના ગયા. તમે એકવાર એમની સાથે વાત કરી લો કે એમનો શું વિચાર છે ? " સરલાબેને રાત્રે હસમુખભાઈ ને ફરી યાદ દેવડાવ્યું.
ગોળ ધાણા
"હું યોગ્ય મોકો જોઈને વાત કરીશ જયંતભાઈ સાથે. પણ તું અત્યારથી વેવાઈ વેવાઈ ના કર ! હજુ એમના મનમાં શું છે એ આપણે જાણતા નથી. બાવીસ વર્ષમાં જમાનો ઘણો બદલાઈ ગયો છે સરલા." હસમુખભાઈ બોલ્યા.
"આપણી ત્રણ વર્ષની રીવા સાથે પાંચ વર્ષના વિજયની સગાઈ બાળપણમાં એમણે કરેલી એ બધી વાત એમણે પણ વિજય સાથે હવે કરવી જોઈએ. આજના જમાનામાં વિજય હવે આ સગાઈની વાત સ્વીકારશે કે નહીં એ પણ આપણને ખબર નથી. અને પાછું મુંબઈનું કલ્ચર છે. " સરલાબેન બોલ્યાં.
" આ કામ આપણે જેટલું ધારીએ છીએ એટલું સહેલું નથી સરલા. મેં તો એ સમયે પણ ના જ પાડી હતી કે -- 'જયંતભાઈ તમારી ઈચ્છા હશે તો અમારી દીકરી રીવાનું લગ્ન તમારા દીકરા સાથે જ કરીશું પણ આટલી નાની ઉંમરે આમ સગાઈના ગોળધાણા ના વહેંચો' - પણ એ માન્યા જ નહીં ને ! " હસમુખભાઈ બોલ્યા.
"એ એકલા જ શું કામ ? કૈલાસબેન પણ સગાઇ કરવા માટે કેટલો બધો આગ્રહ કરતાં હતાં એ વખતે !! અને આપણી રીવા પણ આપણા બધા માટે કેટલી બધી લકી હતી ? અને મૂઈ નાનપણથી જ ચબરાક અને રૂપાળી હતી એ કારણ તો પાછું ખરું જ ! " સરલાબેન ભૂતકાળમાં સરી પડ્યાં.
પચીસ વર્ષ પહેલાની એ વાત. વડોદરાના ગોત્રી રોડ ઉપર દિવ્યા કન્સ્ટ્રક્શન કંપનીનો એ વખતે દબદબો હતો. કોઈપણ સ્કીમ મૂકાય એ સાથે જ તમામ ફ્લેટ બુક થઈ જતા. દિવ્યા કંપનીની વર્કમેનશીપ આજે પણ લોકો યાદ કરે છે. માલસામાનમાં કે મકાનોના ફિનિશિંગમાં જરા પણ કોમ્પ્રોમાઈઝ નહીં !!
દિવ્યા કન્સ્ટ્રક્શન કંપની મૂળ તો હસમુખભાઈ ગણાત્રાની પણ પછી એમાં જયંતભાઈ સાવલિયા ભાગીદાર તરીકે જોડાયેલા. ધંધો સારો ચાલતો હતો પણ હસમુખભાઈના ઘરે જેવો રીવા નો જન્મ થયો કે તરત જ દિવ્યા કન્સ્ટ્રક્શન કંપનીનું જાણે નસીબ ખુલી ગયું. સાવ સસ્તા ભાવે એક વિશાળ જમીન મળી ગઈ અને એમાં જે સ્કીમ મુકી એ એવી તો ચાલી કે બંને ભાગીદારો બે વર્ષમાં તો માલામાલ થઈ ગયા.
સમૃદ્ધિના આ દિવસોમાં એક દિવસ રાત્રે જયંતભાઈ જમી કરીને હસમુખભાઈના ઘરે બેસવા આવ્યા. રીવાની ઉંમર ત્યારે ત્રણેક વર્ષની !! .
"હસુભાઈ કાલે આપણા પેલા જમીનના કેસમાં કોર્ટનું જજમેન્ટ આવી જશે. શું લાગે છે ? સામેવાળો વકીલ સાલો બહુ પાવરફૂલ છે. " જયંતભાઈ બોલ્યા.
" બહુ ચિંતા નહીં કરવાની જયંતભાઈ. આમ પણ આપણા દિવસો સારા ચાલે છે. પૈસાની બંનેમાંથી કોઈને ખોટ નથી. હારશું કે જીતશું તેનાથી બહુ ઝાઝો ફરક પડવાનો નથી. હારી જઈએ તો આઠ દસ લાખ ભૂલી જવાના." હસમુખભાઈએ કહ્યું.
"હસુભાઈ પૈસા તો ઠીક પણ ઈજ્જતનો પણ સવાલ ખરો ને ? દિવ્યા કંપની કેસ હારી જાય એની બજાર ઉપર બહુ અસર પડે ! " જયંતભાઈ બોલ્યા.
" તમે બહુ ચિંતા ના કરો. આપણી આ રીવાના જન્મ પછી આપણને બધે સફળતા જ મળી છે. તમે એક કામ કરો. કાલે સવારે કોર્ટ જતા પહેલાં આ રીવાનું મોં મીઠું કરાવી દેજો આઇસ્ક્રીમ ખવડાવીને. એ ખુશ એટલે કેસ આપણી તરફેણમાં " હસમુખભાઈ હસીને બોલ્યા.
અને ખરેખર બન્યું પણ એવું જ. જયંતભાઈએ કોર્ટ જતાં પહેલાં રીવાને એનો મનપસંદ આઈસક્રીમ ખવડાવ્યો અને જમીનનો કેસ જીતી ગયા. એ રાત્રે પેંડાનું પેકેટ લઈને જયંતભાઈ તથા કૈલાસબેન હસમુખભાઈના ઘરે આવ્યાં અને હસમુખભાઈના ઘરે મોડે સુધી રોકાયાં.
"હસુભાઈ ખોટું ના લગાડો તો એક વાત કહું ? જ્યારથી તમારી રીવાનો જન્મ થયો છે ત્યારથી ઉત્તરોત્તર આપણી પ્રગતિ થઈ છે એટલે હવે મારી થોડી દાનત બગડી છે. તમારી આ દીકરીને હવે હું મારા ઘરની લક્ષ્મી બનાવવા માગું છું. બોલો તમે મને વચન આપશો ? " જયંતભાઈ બોલ્યા.
હસમુખભાઈ અને સરલાબેન તો જયંતભાઈની સામે જ જોઇ રહ્યાં.
" ભાભી હું ખરેખર ગંભીર છું. આજે અમે બંને ભાગીદારો જે પણ કંઈ છીએ એમાં તમારી દીકરી રીવાનું નસીબ જોર કરે છે. રીવાનાં પગલાં સાક્ષાત લક્ષ્મીનાં પગલાં છે. તમે જો હા પાડો તો કાલે એકાદશીનો શુભ દિવસ છે. મારા વિજય સાથે એના સગપણના ગોળધાણા કાલે જ ખાઈ લઈએ. તમે ના ન કહેશો. . અને હું મારું વચન પાળીશ. તમારી રીવા આજથી મારી પણ દીકરી. " જયંતભાઈ બોલ્યા.
એ રાત્રે હસમુખભાઈ અને સરલાબેને ઘણી દલીલો કરી, ચર્ચા કરી પણ એ દિવસે તો જાણે જયંતભાઈ અને કૈલાસબેન ઘરેથી નક્કી કરીને જ આવ્યાં હતાં. છેવટે હસમુખભાઈ તૈયાર થયા અને બીજા દિવસે એકાદશીના દિવસે જ વિજય અને રીવાની સગાઈના ગોળધાણા બંને પરિવારોએ સામસામે ખાધા.
" જુઓ જયંતભાઈ... હું આ સંબંધનો ગંભીરતાથી સ્વીકાર કરું છું પણ હું દીકરીનો બાપ છું. એટલે આપણા કુટુંબ સિવાય આપણે બહાર કોઇ જાહેરાત નહીં કરીએ. આપણા સ્ટાફમાં પણ કોઈ ચર્ચા આ બાબતે ન થવી જોઈએ. અને આ સંબંધની ચર્ચા જ્યાં સુધી બંને બાળકો ૨૦ વર્ષનાં ના થાય ત્યાં સુધી એમની સાથે પણ સગપણની વાત તમારે કે મારે નહીં કરવાની." હસમુખભાઈએ વચન માગ્યું.
જયંતભાઈને પણ હસમુખભાઈની વાત સાચી લાગી એટલે એમણે પણ વચન આપ્યું.
જીવનમાં ઘટના ચક્રો બદલાતાં જ રહે છે. ૧૯૯૧ આસપાસ કન્સ્ટ્રકશન લાઇનમાં ભારે મંદી આવી. શેરબજાર પણ તૂટી ગયું. તૈયાર થયેલા ફ્લેટો વેચાયા વગરના પડી રહ્યા. દેશ આખો મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિવ્યા કન્સ્ટ્રક્શન કંપનીની હાલત પણ ઘણી નબળી થઈ ગઈ. કામકાજ થંભી ગયું.
હવે આ ધંધામાં લાંબુ ખેંચાય તેમ નથી એવું સમજીને જયંતભાઈએ મુંબઈમાં રહેતા એમના સાળાનો સંપર્ક કર્યો. જયંતભાઈના સાળા શશીકાંતભાઈનો કાલબાદેવીના મૂળજી જેઠા માર્કેટમાં સાડીઓનો હોલસેલ વેપાર હતો અને તમામ વેપાર દક્ષિણ ભારતના વેપારીઓ સાથે હતો.
શશીકાંતભાઈને આમ પણ વેપાર વધારવા માટે એક સારા વિશ્વાસુ માણસની જરૂર હતી એટલે એમણે જયંતભાઈને મુંબઈ બોલાવી લીધા. જયંતભાઈએ પોતે પણ આ નવા ધંધામાં થોડું રોકાણ કર્યું.
જયંતભાઈ ફેમિલી સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયા અને બોરીવલીમાં ફ્લેટ લઈ લીધો. હસમુખભાઈએ જયંતભાઈને એમના હિસ્સામાં આવતાં તમામ નાણાં પરત કરી ભાગીદારી છૂટી કરી.
એ વાતને પણ દસ-અગિયાર વર્ષ થઈ ગયાં હતાં. જો કે બંને પરિવારો વચ્ચે સંબંધો સારા હતા પણ સમયની સાથે હંમેશા ઘસારો પહોંચતો જ હોય છે. સંબંધો ઉપર સમયની ધૂળ છવાઈ ગઈ. છેલ્લા બે-ત્રણ વર્ષથી તો બન્ને પરિવાર વચ્ચે ખાસ વાતો પણ થતી નહોતી. સૌ પોતપોતાની દુનિયામાં આગળ વધતું હતું.
જો કે દીકરીનાં માબાપ તરીકે હસમુખભાઈ અને સરલાબેન સગાઈની વાતમાં પહેલેથી જ થોડાંક ગંભીર હતાં. દીકરી મોટી થાય એટલે આવી વાત છાની ના રખાય એ સરલાબેન સારી રીતે જાણતાં હતાં. દીકરી જેવી વીસમા વર્ષમાં પ્રવેશી કે એક રાત્રે સરલાબેને રીવાને વાત કરી.
" બેટા આજે મારે તને એક ખાસ વાત કરવાની છે જે આજ સુધી અમે લોકોએ તને કરી નથી. આ વાત તારી જિંદગીની છે અને સમય હવે પાકી ગયો છે એટલે તને જાણ કરવી અમારી ફરજ છે." સરલાબેન બોલતાં હતાં.
" બેટા તું ત્રણ વર્ષની હતી ત્યારે તારી સગાઈ તારા પપ્પાના પાર્ટનર જયંતભાઈના દીકરા વિજય સાથે નક્કી કરેલી. સુખી કુટુંબ છે. અત્યારે મુંબઈ બોરીવલીમાં રહે છે અને વિજય કોલેજમાં ભણે છે. અમે વચન આપી ચૂક્યાં છીએ. " સરલાબેને કહ્યું.
"તું હવે કોલેજમાં ભણે છે એટલે નવા નવા મિત્રો અને સંબંધો હવે ઊભા થવાના. અત્યારે જમાનો ખૂબ જ એડવાન્સ ચાલે છે એટલે તારા ધ્યાનમાં આ વાત લાવવી ખુબ જ જરૂરી હતી. જો કે કાલે શું થશે એની કોઈને પણ ખબર નથી" સરલાબેને વાત પૂરી કરી.
રીવા ખૂબ જ સમજદાર અને સંસ્કારી દીકરી હતી. મમ્મીની વાત એ સમજી ગઈ. એણે કોઇ પ્રતિકાર ના કર્યો કે ના કોઈ સવાલ કર્યો.
એ વાતને બે વર્ષ થઇ ગયાં. રીવાને હવે એકવીસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં એટલે સરલાબેનને ચિંતા થવા લાગી હતી. કારણકે જયંતભાઈ અને કૈલાશબેન તરફથી સગાઈ બાબતની કોઈ જ વાત થતી ન હતી !!
ફોન ઉપર સગાઈની વાત યાદ કરાવવી એના કરતાં રૂબરૂમાં જ ચર્ચા કરવી સારી એમ વિચાર કરી એક દિવસ હસમુખભાઈ રાતની ટ્રેનમાં નીકળી બોરીવલી જયંતભાઈના ઘરે વહેલી સવારે પહોંચી ગયા. રવિવારનો દિવસ જ પસંદ કર્યો જેથી જયંતભાઈનું આખું ફેમિલી ઘરે જ હોય અને વિજયને પણ જોઈ લેવાય.
કૈલાસબેન અને જયંતભાઈએ હસમુખભાઈનું ખૂબ જ ઉમળકાથી સ્વાગત કર્યું. ઘણા વર્ષો પછી બંને રૂબરૂ મળતા હતા એટલે વાતો પણ ઘણી હતી. બપોરે જમી કરીને બંને જૂના ભાગીદારો જયંતભાઈના બેડરૂમમાં બેઠા. આડી અવળી ધંધાકીય વાતો કરીને છેવટે હસમુખભાઈ મૂળ વાત ઉપર આવ્યા.
" જયંતભાઈ હું મુંબઈ કેમ આવ્યો છું એનો આછો પાતળો અંદાજ તો તમને આવી જ ગયો હશે ! દીકરીનો બાપ છું. દીકરી યુવાન થઈ ગઈ છે. દીકરી વીસ વર્ષ વટાવી દે એટલે મા-બાપને થોડી ચિંતા શરૂ થાય. રીવા અત્યારે ફાર્મસી કોલેજના છેલ્લા વર્ષમાં છે. ભણવામાં પણ હોંશિયાર છે અને સંગીતમાં પણ ઘણી આગળ વધી ગઈ છે. " આટલું બોલીને હસમુખભાઈએ જયંતભાઈની સામે જોયું.
" તમારી ચિંતા હું સમજી શકું છું હસુભાઈ. હું આ બાબતની ચર્ચા વિજય સાથે ચોક્કસ કરીશ. તે એમ.બી.એ થઇ ગયો છે. મને થોડો સમય આપો. રીવાના હાથની માગણી મેં જ કરેલી છે. હું ભૂલ્યો નથી. " જયંતભાઈ બોલ્યા.
" રીવા નાં લગ્ન વિજય સાથે જ થશે એની અત્યારે તો હું કોઈ ખાતરી આપી શકું એમ નથી પણ કોશિશ જરૂર કરીશ....... આટલા બધા વર્ષોમાં જમાનો ઘણો બદલાઈ ગયો છે હસુભાઈ..... અને અહીં મુંબઈનું કલ્ચર જ અલગ છે . રીવાને મારા ઘરની લક્ષ્મી બનાવવાનું મારું સપનું છે એટલે દિલથી પૂરી કોશિશ કરીશ." જયંતભાઈ બોલ્યા.
જયંતભાઈની વાતોથી હસમુખભાઈ ને થોડો સંતોષ થયો. એ એમની જગ્યાએ સાચા હતા. તેમણે વિજયને પણ જોઈ લીધો હતો એટલે જો વિજય જયંતભાઈના વચનને માન આપી લગ્ન માટે તૈયાર થાય તો જોડી શોભે તેવી હતી.
વડોદરા આવીને હસમુખભાઈએ સરલાબેન આગળ સંતોષ વ્યક્ત કર્યો " માણસો તો આજે પણ ખાનદાન છે અને જયંતભાઈને પણ પોતાનું વચન યાદ છે. હવે એ વિજય સાથે વાત કરશે. બાકી તો ઈશ્વરની ઈચ્છા !! "
આ વાતને એકાદ મહિનો થઈ ગયો. એક દિવસ રાત્રે કૈલાસબેને જયંતભાઈને યાદ દેવડાવ્યું.
" કહું છું તમે એકવાર વિજય સાથે વાત તો કરો !! એની સગાઈ કરી ત્યારે તો એ માત્ર પાંચ વર્ષનો હતો અને એ યુવાન થયો એ પછી આપણે ક્યારે પણ એની આગળ એની સગાઈ ની વાત કરી નથી. આપણે કોઈ દબાણ નથી કરતા પણ અઢાર વર્ષ પહેલાં આપણે પોતે જ સગાઈનો આ નિર્ણય લીધેલો એટલે આપણી ફરજ છે કે દીકરાને સમજાવવો જોઈએ. કમ સે કમ એક વાર એ રીવાને જોઈ લે... મળી લે...અને ગમે તો જ આપણે કરવાનું છે ને ? " કૈલાશબેન બોલ્યાં.
બીજા દિવસે રાત્રે જયંતભાઈએ વિજયને એની સગાઈની વાત કરી તો પપ્પાની વાત સાંભળીને વિજય ખડખડાટ હસવા લાગ્યો. " પપ્પા... આર યુ કિડિંગ ? તમે લોકો કયા જમાનાની વાત કરો છો ? પાંચ વર્ષની ઉંમરે મારી સગાઈ ? અને એ પણ મહિના પહેલાં હસમુખ અંકલ આવ્યા હતા એમની દીકરી સાથે ? વૉટ રબીશ !! " વિજય બોલ્યો.
વિજયને તો આ વાત માન્યામાં જ નહોતી આવતી ! ઈટ વોઝ આ ગ્રેટ જોક !! આજના મોડર્ન જમાનામાં નાનપણમાં બે બાળકોની સગાઈ !!
" જો બેટા હસમુખભાઈ તો ના જ પાડતા હતા પણ રીવા અમારા બધા માટે એટલી બધી નસીબદાર હતી કે મેં જ આગ્રહ કરીને રીવાને આપણા ઘરની લક્ષ્મી બનાવવાનું નક્કી કરેલું. રીવા દેખાવે પણ સુંદર છે. સંસ્કાર પણ સારા છે. ફાર્મસી કોલેજમાં ભણે છે. એકવાર જોવા માં તને શું વાંધો છે ? " જયંતભાઈ સમજાવવા લાગ્યા.
" નો વે પપ્પા... મને રીવા ફિવા માં કોઈ રસ નથી. નામ પણ કેવું છે ? રીવા !!! નહીં પપ્પા... લગ્નનો નિર્ણય મારો પોતાનો જ હશે અને અત્યારે મને મારું કેરિયર બનાવવું છે. તમે એમને સ્પષ્ટ ના પાડી દો અને સોરી કહી દો. " વિજયે પોતાનો નિર્ણય જાહેર કર્યો.
"ઠીક છે બેટા ... હસમુખભાઈ બિચારા જમાનાને ઓળખીને મને એ વખતે જ ના પાડતા હતા.... પણ મેં જ જીદ કરીને રીવા સાથે સગાઈના ગોળધાણા વહેંચ્યા હતા !!" જયંતભાઈ નિરાશ થઈને બોલ્યા.
મનમાં ઘણા સંકોચ સાથે બીજા દિવસે જયંતભાઈએ હસમુખભાઈ આગળ દિલનો ઊભરો ઠાલવ્યો.
" તમે સાચા હતા હસુભાઈ ! તમે એ વખતે ભાવિનો વિચાર કરેલો જ્યારે હું થોડો લાગણીઓમાં આવી ગયેલો. વિજય તો હવે રીવાને જોવાની પણ ના પાડે છે. " જયંતભાઈ બોલ્યા.
" કંઈ વાંધો નહીં જયંતભાઈ. સૌ સૌના નસીબ !! એમાં તમારો કોઈ જ વાંક નથી. આજથી તમે અને હું આ સગાઈના બંધનમાંથી છૂટા ! " અને વિજય અને રીવાના ભાવિ લગ્ન ઉપર તે દિવસે પડદો પડી ગયો.
બે વર્ષમાં રીવા બી.ફાર્મ થઈ ગઈ. જો કે હસમુખભાઈએ પોતાનો દિવ્યા કન્સ્ટ્રકશન નો વ્યવસાય ચાલુ જ રાખ્યો હતો. એમણે સુભાનપુરામાં એક હોસ્પિટલને લાયક બિલ્ડીંગ બનાવ્યું અને બે ડોક્ટરોને ભાગીદાર બનાવી રીવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરી. એમણે રીવાના નામે ડ્રગ લાયસન્સ લઈ ત્યાં એક મોટો મેડિકલ સ્ટોર ખોલ્યો અને રીવાને ત્યાં ગોઠવી દીધી. સારી એવી આવક ચાલુ થઈ ગઈ.
રીવાને ગીત સંગીતમાં પણ ઘણો શોખ હતો. અને એણે એક સંગીત ગુરુ પાસેથી ક્લાસિકલ સંગીત પણ શીખ્યું હતું. રીવાનો કંઠ ખુબ જ મધુર હતો અને નાની-મોટી સંગીત પાર્ટીઓમાં પણ એ ભાગ લેતી.
એના આ જ શોખના કારણે એણે સોની ટીવી ઉપર ' ઇન્ડિયન આઇડોલ' સ્પર્ધામાં ફોર્મ ભર્યું અને તમામ રાઉન્ડમાં એ પાસ થઈ ગઈ. ફાઇનલ બાર સ્પર્ધકો માં પણ એનું સિલેક્શન થઈ ગયું. રીવાને થોડા મહિનાઓ માટે મુંબઈ શિફ્ટ થવું પડ્યું અને કંપનીએ સ્પર્ધકોને હોટેલમાં ઉતારો આપ્યો.
પોતાની ગાયકીથી રીવા ગણાત્રા સમગ્ર ઇન્ડિયામાં છવાઈ ગઈ. ચારે બાજુ એના નામની ચર્ચાઓ ચાલી. મોટા મોટા દિગ્ગજ કલાકારો અને સંગીતકારો સાથે રીવાની ઓળખાણ થતી ગઈ. ઇન્ડિયન આઇડોલ પૂરું થતાં તો રીવાના દેહસૌંદર્ય અને અદભુત ગાયકીએ યુવાનોને ઘેલા કરી દીધા.
વિજય પણ એમાંનો જ એક હતો જે ઇન્ડિયન આઇડોલ નો એક પણ એપિસોડ છોડતો નહોતો.
પ્રોગ્રામ સમાપ્ત થતાં જ રીવા વડોદરા પોતાના ઘરે આવી ગઈ અને મેડિકલ સ્ટોર ઉપર ધ્યાન આપવા લાગી. રીવા એટલી બધી ફેમસ થઈ ગઈ હતી કે એનાં પણ માગાં શરૂ થયાં.
આ બાજુ બે વર્ષમાં કાપડ બજારની મંદીના કારણે જયંતભાઈના ધંધામાં પણ અસર પડી. દક્ષિણ ભારતમાં જે માલ આપેલો તેનાં લાખોનાં પેમેન્ટ અટકી પડ્યાં અને જયંતભાઈ ભીંસમાં આવી ગયા. રીવા જ્યારે ઇન્ડિયન આઇડલ માં આટલી બધી પ્રસિદ્ધ થઈ ત્યારે જયંતભાઈની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી.
જયંતભાઈ હસમુખભાઈની આર્થિક પ્રગતિથી વાકેફ હતા એટલું જ નહીં રીવાના નામે જે મેડિકલ સ્ટોર ખોલ્યો એ વાત પણ હસમુખભાઈએ જયંતભાઈને કરેલી. બંને મિત્રો તો હતા જ.
ઇન્ડિયન આઇડોલ માં રીવા ગણાત્રા જે રીતે આખા ભારતમાં ફેમસ થઈ એ જાણીને જયંતભાઈ એક બાજુ ખુશ હતા પરંતુ એમણે દીકરા સાથે વાત નહોતી કરી કે આ એ જ રિવા ગણાત્રા છે ! એ તો પોતાના દીકરાની મૂર્ખામી ના કારણે થોડા દુખી હતા. આટલી સુંદર કન્યાને મારા દીકરાએ જોવાની કે મળવાની જ ના પાડી. ઘર ઘસાતું જતું હતું એટલે દીકરા માટે સારાં માગાં પણ હવે આવતાં નહોતાં. ઉંમર પણ સત્તાવીસની થઇ હતી.
આવા જ વિચારોમાં એક દિવસ રાત્રે એમણે વિજય સાથે ચર્ચા કરી.
" તારો પગાર વધારો થયો પછી ? એવું હોય તો બીજી કોઈ કંપનીમાં ટ્રાય કર. આટલા પગારમાં એની એ જ કંપનીમાં પડ્યા રહેવાનો કોઈ મતલબ નથી. " જયંતભાઈ બોલ્યા.
" પપ્પા આજકાલ નોકરીઓ જ ક્યાં છે ? ચારે બાજુ મંદીનું વાતાવરણ છે. નોકરીઓ કરતાં એમ.બી.એ. ની ડિગ્રી વાળા વધારે છે. " વિજય બોલ્યો.
" એ દિવસે તેં મારી વાત માની હોત અને રીવા સાથે લગ્નની હા પાડી હોત તો આજે તારી અને મારી પરિસ્થિતિ જુદી હોત. તને તો રીવા નામ પણ ગમતું નહોતું અને આજે એ જ રીવા ગણાત્રા ઇન્ડિયન આઇડોલ માં પુરા ભારતમાં ફેમસ થઈ ગઈ છે !! " જયંતભાઈએ પહેલીવાર રીવા ગણાત્રા ની ઓળખાણ આપી.
" વ્હોટ ? તમે આ ઇન્ડિયન આઇડોલ વાળી રીવા ગણાત્રાની વાત કરો છો પપ્પા ? હસમુખ અંકલ આ રીવા માટે આવેલા ? આની સાથે મારી સગાઇ થઇ હતી ? તમે શું વાત કરો છો પપ્પા !!! ઓ માય ગોડ... ઓ માય ગોડ !! આઈ જસ્ટ કાન્ટ બિલિવ ધીસ !! ઓહ નો !! " અને વિજયે બે હાથેથી પોતાનું માથું પકડી લીધું.
"મેં રીવાની પસંદગી તારા માટે એમનેમ નહોતી કરી ! એના જન્મ પછી અમારા બેઉની એટલી બધી પ્રગતિ થઈ કે અમે લાખો માંથી કરોડપતિ થઈ ગયા !! અને નાનપણથી જ એ દીકરી કેટલી બધી સ્માર્ટ અને દેખાવડી હતી !! મેં તે દિવસે તને કેટલો સમજાવ્યો કે તું એક વાર એને જોઈ લે, મળી લે પણ તેં તો એની મજાક જ ઉડાવી !! " જયંતભાઈ બોલ્યા.
"આજે એ છોકરી બી.ફાર્મ થઈ ગઈ છે અને વિશાળ મેડિકલ સ્ટોરની માલિક પણ છે !! ગાયકીમાં આખા ઇન્ડિયામાં એનું નામ થયું એ તો અલગ જ !! હસમુખભાઈએ કહ્યું કે સારા સારા ઘરનાં માગાં ચાલુ થઈ ગયાં છે !!" જયંતભાઈ બોલ્યા.
રીવા ગણાત્રાની પપ્પાએ ઓળખાણ કરાવ્યા પછી તો વિજય પાગલ જેવો જ થઈ ગયો. કારણકે ઇન્ડિયન આઇડોલ માં એ જ સૌથી વધુ ખૂબસૂરત હતી અને બીજા યુવાનોની જેમ એ પણ એની પાછળ ક્રેઝી હતો !! એને લાગ્યું કે એણે રીવાની મજાક નહોતી કરી પણ કિસ્મતે એની મજાક કરી હતી !!
" પપ્પા હવે કંઈ ન થઈ શકે ? તમે એક વાર કોશિશ તો કરી જુઓ !! તમારા જૂના મિત્ર અને ભાગીદારના નાતે એકવાર પ્રયત્ન તો કરી શકાય ને ?" વિજયની આજની વાતમાં ઘમંડ ના બદલે આજીજી હતી !!
" મેં પોતે જ ફોન કરીને સામે ચાલીને આ સગાઈ ફોક કરી છે. હવે કયા મોઢે હું તારી વાત કરું ? હવે હું વાત કરું તો સ્વાર્થી ગણાઉં !! " જયંતભાઈ બોલ્યા.
અત્યાર સુધી બાપ-દીકરાની વાત સાંભળતાં કૈલાસબેન હવે ચૂપ ના રહી શક્યાં.
" વિજય આટલો બધો આગ્રહ કરે છે તો પછી એકવાર વાત કરવામાં શું વાંધો છે ? બહુ બહુ તો ના પાડશે એટલું જ ને ? " કૈલાસબેને કહ્યું. ગમે તેમ તોય એ મા હતી.
મા-દીકરાના આગ્રહ પછી જયંતભાઈ વાત કરવા માટે તૈયાર થયા. બે-ત્રણ દિવસ પછી હિંમત ભેગી કરીને તેમણે હસમુખભાઈ ને ફોન જોડ્યો.
" હસુભાઈ હું જયંત બોલું. રીવાની ચારેબાજુ એટલી બધી પ્રશંસા થઈ રહી છે કે મને થયું મારે પણ અભિનંદન આપવાં જોઈએ. " જયંતભાઈ બોલ્યા.
" થેન્ક્યુ જયંતભાઈ ... ...બસ તમારા જેવા વડીલોના આશીર્વાદ છે દીકરી ઉપર. " હસમુખભાઈએ વિવેક કર્યો.
" મારા તો આશીર્વાદ એ ત્રણ વર્ષની હતી ત્યારથી જ હતા હસુભાઈ પણ મારો દીકરો તમારા હીરાને ના પારખી શક્યો !! મેં એ વખતે એને ઘણો સમજાવેલો પણ એ આપણા સંબંધને ના સમજી શક્યો અને આજે ખુબ જ પસ્તાય છે !! " જયંતભાઇએ ધીરેથી વાત શરૂ કરી.
" પ્રારબ્ધ પ્રમાણે બધું થતું હોય છે જયંતભાઈ. બાકી હું તો રીવાની સગાઈની વાત યાદ કરાવવા જ આવ્યો હતો ને ? " હસમુખભાઈ બોલ્યા.
" મને એનું ઘણું દુઃખ છે હસુભાઈ પણ ફરી એકવાર આ સંબંધોને આપણે તાજા ના કરી શકીએ ? નવેસરથી ના વિચારી શકીએ ? દીકરાને પ્રાયશ્ચિતનો એક મોકો ના આપી શકીએ ? " જયંતભાઈ ના સ્વરમાં આજીજી હતી.
" હું સમજ્યો નહીં જયંતભાઈ " હસમુખભાઈ બોલ્યા.
" જૂની સગાઈની વાતને બે ઘડી ભૂલી જઈએ . હું કૈલાસ અને વિજય નવેસરથી માગું લઈને તમારા ઘરે આવીએ અને રીવા સાથે વિજયની મિટિંગ ગોઠવીએ. અલબત્ત આ વખતે નિર્ણય રીવાનો રહેશે. રીવા જે કહે એ ફાઇનલ !! એક શબ્દ હું નહીં બોલું " જયંતભાઈએ પોતાની વાત રજૂ કરી.
" ઠીક છે પધારો... હું તમને ના કઈ રીતે કહી શકું ? " હસમુખભાઈ બોલ્યા.
અને દસ દિવસ પછીના એક રવિવારે જયંતભાઈ કૈલાસબેન અને વિજય શતાબ્દી એક્સપ્રેસમાં સવારે ૧૧:૩૦ વાગે વડોદરા પહોંચી ગયાં.
હસમુખભાઈ અને રસીલાબેને મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું. જમવાની હજુ વાર હતી એટલે ચા નાસ્તો કરાવ્યાં અને જૂના સંબંધોને યાદ કરી ઘણી બધી વાતો પણ થઇ. વિજયની આંખો રીવાને શોધી રહી હતી પણ આખા બંગલામાં એ ક્યાંય દેખાતી નહોતી.
"રીવા કેમ દેખાતી નથી ? આજે તો મેડિકલ સ્ટોર પણ બંધ હશે ને ? " જયંતભાઈએ પૂછ્યું.
" ના આજે એક વાગ્યા સુધી મેડિકલ સ્ટોર ખુલ્લો રાખીએ છીએ. તમે લોકો આવવાના છો એ એને ખબર છે એટલે સાડા બાર સુધીમાં તો એ આવી જશે !! " હસમુખભાઈએ કહ્યું.
સમય પ્રમાણે જ લગભગ બાર અને વીસ મિનિટે રીવા પોતાની ટોયોટા કેમરી ગાડી લઈને આવી ગઈ.
"હલો અંકલ... હલો આંટી... હાય " કહીને ત્રણેય મહેમાનોનું એણે અભિવાદન કર્યું અને પોતાના રૂમમાં ચાલી ગઈ. યલો ટીશર્ટ અને બ્લુ જીન્સમાં એ ખૂબ જ સોહામણી લાગતી હતી.
લગભગ પંદરેક મીનીટ પછી ફ્રેશ થઈને એ ડ્રોઇંગરૂમમાં આવી અને અંકલ આંટીને નીચા નમીને પ્રણામ કરી સોફા ઉપર બેઠી. જિન્સ ટીશર્ટ ના બદલે એણે ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. એને જોઈ ત્યારથી જ વિજય એના રૂપથી અંજાઈ ગયો હતો. હસમુખભાઈએ દીકરીને બધી વાત કરી દીધી હતી.
હસમુખભાઈએ ઔપચારિક રીતે ત્રણેની રૂબરૂમાં ઓળખાણ કરાવી અને બંને પરિવારના જૂના સંબંધોને રીવાની હાજરીમાં તાજા કર્યા. જયંતભાઈ અવાર નવાર રીવા માટે એનો મનપસંદ આઇસક્રીમ લઈ આવતા એ પણ કહ્યું.
" રીવા તમે લોકો બેડરૂમમાં જાઓ અને શાંતિથી વાતો કરો. અમારે કોઈ ઉતાવળ નથી. " હસમુખભાઈ બોલ્યા.
રીવા ઊભી થઈ અને વિજયને લઈને પોતાના બેડરૂમમાં ગઈ.
હસમુખભાઈના બંગલામાં અને રીવાના આ બેડરૂમમાં શ્રીમંતાઈ ચાડી ખાતી હતી. અદભુત ઇન્ટિરિયર વર્ક કરેલું હતું. બે વર્ષ પહેલાં આ જ ઘરને અને રીવાને એણે ઠુકરાવી દીધા હતા. એ ખૂબ ક્ષોભ અનુભવતો હતો !!
" ઇન્ડિયન આઇડોલ માં તમે અદભૂત પ્રદર્શન કર્યું !! તમને ટીવી ઉપર જોયા પછી મને કલ્પના પણ નહોતી કે મારે આટલું જલ્દી તમને રૂબરૂ મળવાનું થશે !! " વિજયે વાતની શરૂઆત કરી.
" હા પણ તમે તો મને બે વર્ષ પહેલાં રીજેક્ટ કરી દીધી હતી !! " રીવાએ ટોણો માર્યો.
" એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી રીવા !! બાવીસ વર્ષ પહેલાં તમારી અને મારી સગાઈ થયેલી એ વાતની મને તો હસમુખ અંકલ મુંબઈ આવીને ગયા પછી જ પપ્પાએ જાણ કરી. " વિજય નીચું જોઈને બોલ્યો.
" આપણે મોડર્ન જમાનામાં જીવી રહ્યાં છીએ રીવા એટલે પાંચ વર્ષની ઉંમરે થયેલી મારી સગાઈની વાત જ મને ત્યારે હાસ્યાસ્પદ લાગેલી ! " વિજયે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો.
"અને હવે મારી આટલી બધી સફળતા અને પ્રસિદ્ધિ જોઈને તમને પસ્તાવો થયો. રાઈટ ? " રીવા બોલી.
વિજય કંઈ બોલ્યો નહીં. રીવાએ બરાબર મર્મ ઉપર ઘા કર્યો હતો. એણે જે કહ્યું એ એકદમ સત્ય હતું.
" સાવ સત્ય કહું તો તમારી વાત એકદમ સાચી છે. ટીવી ઉપર તમારી ખૂબસૂરતી જોઈને બીજા યુવાનોની જેમ હું પણ ઘાયલ થઈ ગયેલો. પણ એ વખતે મને ખબર નહોતી કે તમે એ જ રીવા છો કે જેની સાથે મારી સગાઈ થયેલી. " વિજય થોડીક હિંમત કરીને બોલતો હતો.
" પણ જ્યારે થોડા દિવસ પહેલાં પપ્પાએ મને વાત કરી કે આ એ જ રીવા ગણાત્રા છે ત્યારે હું સાચે જ પાગલ થઇ ગયેલો. મને માન્યામાં જ નહોતું આવતું કે તમારી સાથે મારી સગાઈ થયેલી !!! મેં જ પપ્પાને આજીજી કરી હતી ફરી વાત ચલાવવા માટે. "
" પપ્પા તો બિલકુલ આવવા તૈયાર નહોતા. મેં જે રીતે જાણે-અજાણે હસમુખ અંકલનું દિલ દુભાવ્યું હતું એનાથી મારા પપ્પા ખુબ જ વ્યથિત હતા. કારણકે તમારી સાથે મારી સગાઈ પપ્પાએ જ કરી હતી. છેવટે મારા દબાણના કારણે જ પપ્પા તૈયાર થયા " વિજય બોલતો હતો.
" મારી ભૂલનો હું સ્વીકાર કરું છું. બસ તમને મળ્યાનો મને ખૂબ જ આનંદ છે. હું તમારો જબરદસ્ત ફેન છું અને રહીશ. હવે લગ્ન માટે હા પાડવી કે ના પાડવી એ નિર્ણય તમારો રહેશે. તમે મને માફ ન કરી શકો તો મને રિજેક્ટ કરી શકો છો !!" કહેતાં કહેતાં વિજય થોડો સીરીયસ થઈ ગયો અને એની આંખો ભીની થઈ ગઈ.
રીવા સાંભળી રહી. એને વિજયની સચ્ચાઈ સ્પર્શી ગઈ. મનમાં ઉભી થયેલી થોડી ઘણી કડવાશ ઓગળી ગઈ. બાવીસ વર્ષ પહેલાં જેની સાથે પોતાની સગાઈના ગોળધાણા વહેંચાયા હતા એ યુવાન આજે એની સામે આશા ભરી આંખે નિરાશ વદને બેઠો હતો !! એક સમયે એ એને પોતાનો ભાવિ પતિ માની ચૂકી હતી !! હેન્ડસમ પણ હતો. હા પાડવી કે ના પાડવી ?
" વિજય હું મારો નિર્ણય આપણા વડીલોની હાજરીમાં જાહેરમાં આપીશ. મારે પણ કંઈક કહેવું છે " કહીને રીવા બેડરૂમમાંથી બહાર નીકળી ગઈ અને ડ્રોઇંગરૂમમાં જઈને બેઠી. વિજય પણ એની પાછળ પાછળ બહાર આવ્યો અને બધાની સાથે સોફા ઉપર બેઠો.
" અંકલ આન્ટી... હું તમારી દીકરી જેવી છું એટલે મને માફ કરશો... પણ મારે તમને કંઈક કહેવું છે. બાવીસ વર્ષ પહેલા તમે જ મારી સગાઈ વિજય સાથે કરી અને મને ભાવિ વહુ માની લીધી. " રીવાએ જયંતભાઈની સામે જોઇને વાતની શરૂઆત કરી.
"તમે મુંબઈ શિફ્ટ થયા પછી મારા પપ્પા તમારા ત્યાં આવ્યા ત્યાં સુધી તમે એક પણ વાર પણ મને યાદ કરી ? વિજયની વાત જવા દો. વહુ તરીકે સ્વીકાર્યા પછી વર્ષે બે વર્ષે પણ તમે પપ્પાને એમ પૂછ્યું કે મારી રીવા કેમ છે ? શું કરે છે ? શું ભણે છે ? દીકરી છું એટલે મા-બાપ ને તો મારી ચિંતા હોય જ !! " રીવા બોલતી હતી.
" મને તો મારી મમ્મીએ પાંચ વર્ષ પહેલાં જ્યારે જાણ કરી ત્યારથી જ હું તો વિજયને મારા ભાવિ પતિ માનવા લાગી. અમે યુવાન થઈ ગયાં એ પછીનાં છેલ્લાં પાંચ વર્ષમાં ક્યારેય તમે સગાઈની વાત યાદ ના કરી. મારા મમ્મી પપ્પા કેટલા મૂંઝાતા હતા ?" કહેતાં કહેતાં રીવાની આંખમાં પાણી આવી ગયાં.
રીવાની વાત સાંભળી સૌ સ્તબ્ધ બની ગયાં ! જયંતભાઈ અને કૈલાસબેન પાસે કોઈ જવાબ ન હતો.
" મારા પપ્પા તમારા ઘરે આવીને પાછા આવ્યા એ પછી વિજયે મને જોયા વિના જ રિજેક્ટ પણ કરી દીધી. અને તમે ફોન ઉપર પપ્પાને એનો નિર્ણય જણાવી દીધો. મારા પપ્પાને એટલો બધો આઘાત લાગ્યો કે બે દિવસ જમી ના શક્યા " રીવા આક્રોશથી બોલતી હતી.
" પપ્પા વિજયને પોતાનો ભાવિ જમાઈ જ માનતા હતા અને મમ્મી તમને વેવાઈ વેવાણ તરીકે જ ઓળખતા હતા. તમે ભલે સંબંધોની ગરિમા ના જાળવી શક્યાં પણ મારા મમ્મી પપ્પાએ વર્ષો પહેલાં તમને આપેલા વચનને હું મિથ્યા કરવા નથી માગતી. એમણે આપેલા વચનને ખાતર મને આ સંબંધ મંજૂર છે. દીકરા અને દીકરીમાં આ જ ફેર હોય છે ! હું વિજય સાથે લગ્ન કરવા તૈયાર છું !! " રીવાએ પોતાની વાત પૂરી કરી અને આંખો લૂછી નાખી.
"બેટા આજે તો તેં અમારી આંખો ખોલી નાખી છે. અમે સંબંધોની ગરિમા જાળવી શક્યાં નથી. મને માફ કરી દે બેટા !! આજે ગર્વથી હું એટલું ચોક્કસ કહીશ કે મારી પસંદગી ખોટી નહોતી. મેં સાચા હીરાને જ પસંદ કર્યો હતો !! હસુભાઈ હવે ફરી ગોળધાણા મંગાવો અને લગ્નનું મુહૂર્ત પણ જોવડાવો. " જયંતભાઈ બોલ્યા.
એ દિવસે એ ઘરમાં ફરી પાછા ગોળધાણા વહેંચાયા અને હસમુખભાઈએ વિજયકુમારના કપાળે જમાઈ તરીકેનો ચાંલ્લો કરીને ફરી સગાઈ જાહેર કરી !!
— અશ્વિન રાવલ (અમદાવાદ)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
This is such a common reality—so many girls end up sacrificing their dreams and happiness just to uphold their parents’ wishes. We really need to break away from this old mindset that a girl is merely the “image” of her family. Her sacrifices are rarely acknowledged, let alone appreciated. A daughter is seen as belonging either to her in-laws’ home or to the cremation ground. Instead of glorifying this suffering, stories should highlight ways to ease the lives of girls and free them from unnecessary burdens. Girls don’t need awards or empty praise—they deserve equal rights, dignity, and a peaceful life. To the girls of 2025—ask yourself honestly: would you rather lose your life’s dreams just to please your parents, or would you choose to truly live for yourself? Our literature should stand by girls, giving them strength and encouragement. It should produce stories that inspire girls to live their own lives freely, instead of glorifying their suffering or supporting the very mindsets that drag society backward.
ReplyDelete