" નવુ સરનામુ "
કેતકીબેન હાથમાં અસ્થિ વિસર્જન ના બે કળશ લઈ ને દિગ્મુઢ થઈ ને બેઠા હતા. આ આ કેવો ઝંઝાવાત તેના જીવનમાં આવી રહ્યો છે! હજુ બે વરસ પહેલા દીકરાના અવસાનના દુઃખ ને દિલમાં દબાવીને બેઠા હતા ત્યા પતિના અવસાને તેમને હચમચાવી દીધા. સવારે તો રોહિતભાઇ નાસ્તો કરીને નીકળ્યા. ત્યારે તો તેમને કોઈ ફરિયાદ જ નહોતી.અચાનક કંપનીમાંથી ફોન આવ્યોકે રોહિતભાઇને ઠીક નથી. હોસ્પિટલ લઈ જઇએ છીએ. તમે હોસ્પિટલ પહોંચો.
નવુ સરનામુ
તે હોસ્પિટલ પહોંચે ત્યા સુધીમાં રોહીતભાઇ અનંત યાત્રા એ ચાલી નીકળ્યા હતા. ૨૫ દિવસ પછી તેમના દિકરાના અસ્થિ વિસર્જન માટે કાશી અને પ્રયાગરાજ જવાના હતા. એક ટૂર ઓર્ગેનાઇઝર સાથે બઘુ નક્કી કર્યુ .બે દિવસ પહેલા સમાચાર મળ્યા કે ટૂર ઓર્ગેનાઇઝર મનોજભાઇની પત્નિને ન્યુમોનિયા થયો હતો અને તેનુ અવસાન થયુ છે એટલે ટૂર કેન્સલ થઈ શકે. એક પછી એક એવા સમાચાર આવતા હતા કે કેતકીબેનને કાંઇ સુઝતુ નહોતુ.
રડી રડી ને આંખો સુજી ગઈ હતી. જે થોડાઘણા સગા વહાલા હતા તે ધીમે ધીમે પોતપોતાના ઘરે રવાના થવા માંડ્યા હતા. વડીલો હતા તેમને કંઇ ને કંઈ અગવડતા હતી અને જુવાનીયાને કામધંધાના બહાનુ હતુ. કોઇને રોકી શકાય એમ નહોતુ.
આજે રોહીતભાઇ ને ગયાને ૧૫ દિવસ થયા. રોહીતભાઇ અને દિકરા આકાશ નુ આકસ્મિક અવસાન થયુ, તેના અસ્થિ વિસર્જન ના કળશ લઈ ને બેઠા હતા.
નજર સામે દ્રશ્ય તરવરતુ હતુ. આકાશ ખડગપૂર M.BA કરવા ગયો હતો. ૨ વરસે ઘરે આવેલો એટલે ત્રણેય જણા બહુ ઉત્સાહ માં હતા. આકાશ હતો પણ સોહામણો. વાંકડીયા વાળ,કસાયેલો બાંધો, વિશાળ ભાવવાળી આંખો, હસતો ચહેરો કોઈ પણ ને ગમી જાય.
બે દિવસ તો ઘરે આરામ કરી લીધો. મમ્મીને જમવાની ફરમાઇશ જણાવી દીધેલી એટલે કેતકીબેન સવાર સાંજ તેની ભાવતી વાનગીઓ બનાવ્યા કરતા હતાં.
સાંજ પડે એટલે તે રોહિતભાઇ પાસે બેસે અને કહે,"જુઓ પપ્પા, હવે તમારે આરામ કરવાનો. હું બહુ સરસ બીઝનેસનો પ્લાન કરૂ છુ. તમારે માત્ર ઓફીસ આવવાનુ,સ્ટાફ પર રોફ જમાવવાનો અને મને જે કંઇ સૂચના આપવાની હોય એ આપવી.
એ ગોઝારો દિવસ કોઇ દીવસ નહીં ભુલાય! આકાશ ઘરેથી હજુ નીકળ્યો, ત્યા સામેથી કાળમુખો ટ્રક ધમધમાટ કરતો આવ્યો,આકાશ હજુ સમજે કે સાઇડ મા જાય એ પહેલા તેને અડફેટે લઇ લીધો. આકાશ લોહીલુહાણ થઇ ને પડી ગયો.તાત્કાલિક આકાશનેહોસ્પિટલ લઇ જવામાં આવ્યો.ડોકટરે કહ્યુ,"આકાશના બચવાની ચાન્સીઝ નથી.બ્રેઇન ડેડ થઈ ગયુ છે. તેનુ હ્રદય ચાલુ છે તો કોઈ જરૂરીયાતમંદ ને હ્રદય આપશો તો તમને આશીર્વાદ મળશે" બન્ને પતિ-પત્નિ એ ભગ્ન હ્રદયે સંમતિ આપી.આકાશનુ હ્રદય કઢાવીને તેની અંતિમ વીધી કરી નાખી.
જે વ્યક્તિને હ્રદયપ્રત્યારોપણ કર્યુ , તેમનો ડોકટર પર ફોન આવ્યો કે અમારે આભાર માનવો છે પણ કેતકીબેન અને રોહીતભાઇ એ ના પાડી કે અમારે તેમની સાથે કોઈ લાગણીના તાંતણે બંધાવુ નથી.
રોહીતભાઇ બહુ ભાંગી પડ્યા હતા. કેતકીબેનની બહુ ઇચ્છા હતીકે પ્રયારાજ ના સંગમ તીર્થ પર આકાશના અસ્થિ વિસર્જન કરીએ.આ માટે બધુ નક્કી કર્યુ. ત્યા રોહીતભાઇ નુ આકસ્મિક અવસાન થયુ. એટલામા ફોન આવ્યો કે ટૂર ના ઓપરેટરના પત્ની નુ અવસાન થયુ છે. એટલે ટૂર બંધ થઇ શકે.પણ ત્યા ફરી ફોન આવ્યો, " મેડમ,તમે ચિંતા નહી કરશો,આપણે જે પ્રમાણે રૂટ તૈયાર કર્યો છે તે પ્રમાણે જ રહેશે પરંતુ ૧ અઠવાડીયુ મોડુ થશે.હું મનોજભાઇ નો દિકરો ગગન બોલુ છુ. હું હવેથી તમારી ટૂર નુ ઓર્ગેનાઇઝર છુ.તમારે જે કાંઇ પુછવુ હોય કે મુશ્કેલીઓ હોય તો મને આ નંબર પર જાણ કરજો. આપણા ગ્રુપનુ વોટ્સએપ બનાવી લઉ છુ. પપ્પા હમણા માનસિક રીતે ભાંગી પડ્યા છે એટલે હું તમારી સેવામાં રહીશ.
આજે કેતકીબેન બે વ્યક્તિના અસ્થિ કળશ લઈ ને તૈયાર થઈ ને બેઠા છે. ટેક્ષી આવી પણ ઘરની બહાર નીકળવા પગ ઉપડતા નથી. બહુ ભારે હૈયે ઘરને તાળુ મારી ટેક્ષીમાં બેઠા. મનમાં વિચાર આવ્યો કે આ ઘરને હું ફરીથી જોઈ શકીશ કે નહીં?ભગવાને મને પણ બોલાવી લીધી હોત તો? હું હવે કોના માટે જીવુ ? તેને કોઈ સધિયારો આપવાવાળુ નહોતુ.
બધા મુસાફરોને કાશી સીધા પોતાની રીતે પહોંચવાનુ હતુ. ત્યાથી મિ.ગગન દરેકને બધે ફેરવવાનો હતો. બધા મુસાફરો સાંજ સુધીમાં આવી ગયા. ગગને બનારસ વીલા કરીને હોટલ બુક કરી હતી. ૧૫ મુસાફર હતા. ગગન અને ડ્રાઇવર સાથે ૧૭ મુસાફર હતા.બધા થાકી ગયા હતા એટલે પોતાના રૂમમાં ફ્રેશ થવા ગયા.
થોડીવાર પછી બધા હોલમાં ભેગા થયા. પોતપોતાનો પરીચય આપ્યો. કેતકીબેને પણ પોતાનો પરિચય આપ્યો," હુ કેતકી દેસાઈ, પોરબંદર થી આવુ છુ. મારા પતિ અને પુત્રના અસ્થિ વિસર્જન માટે હું આપની સાથે જોડાઇ છુ. "ઘડીભર સન્નાટો છવાઈ ગયો. કેતકીબેનને થયુ કે મારી વાતથી બધા ગંભીર થઈ ગયા છે એટલે વાતાવરણને હળવુ કરવા તેણે તરત ઉમેર્યુ, "ચાલો, ઝટપટ ઓળખાણ વિધી પતાવો,મને તો બહુ ભુખ લાગી છે." બધા એકદમ હળવા થઈ ગયા.
એક મહિલાઓનુ ગ્રુપ હતુ, તરૂબેન,રેણુકાબેન,ભારતીબેન, હર્ષાબેનતેમણે કેતકીબેનને પોતાના ગ્રુપ મા સામેલ કરી દીધા. બધા બહુજ આનંદી હતા. બીજા દિવસે સવારે મીની બસ કરી હતી. સૌ પ્રથમ કાશી વિશ્વનાથ મંદિર ગયા. થોડે દૂર બસને પાર્ક કરીને ચાલતા ચાલતા મંદિર તરફ પ્રયાણ કર્યુ. મંદિરની બાજુમાં નાની નાની ઓફીસ હતી. ત્યા પોતપોતાનો સામાન, ચંપલ, વિગેરે લોકરમાં મૂકીને ફૂલ, હાર,પ્રસાદી લઈ ને મંદિર તરફ ગયા.
મંદિરનો ભવ્ય કોરિડોર જોઈ ને બધા અચંબો પામી ગયા. આવો ભવ્ય કોરીડોર! મંદિરની અંદર નાના નાના કેટલાય શિવ મંદિરો હતાં. પૂજારી પણ ઘણા હતા.એટલે જેમને જ્યા ફાવે ત્યા શિવજી પર અભિષેક કર્યો અને પૂજા કરી. મુખ્ય મંદિરમા લાઇન હતી એટલે ગગન બધાની ટીકીટ લઈ ને આવ્યો અને મુખ્ય લાઇન માં બધાને ઘુસાડી દીધા. બધા દર્શન કરીને ધન્યતા અનુભવવા લાગ્યા.
બપોર થઈ ગઈ હતી એટલે કોઈ સારી હોટલમાં જમવા ગયા. બપોરે કલાકેક આરામ કર્યો.કેતકીબેનના રૂમ પાર્ટનર હર્ષાબેન હતા. તે બહુજ વાચાળ હતા.તેના ઘરની,વહુ-દીકરાની વાતો કર્યા જકરતા હતા. કેતકીબેન ના ભાગ માં માત્ર સાંભળવાનુ જ આવતુ.
સાંજે ગંગા આરતી માં ગયા. બસને થોડે દૂર ઉભી રાખીને સાંકડી ગલીમા થી પસાર થતામાં તો બધાનો દમ નીકળી ગયો. બધા જ સીનિયર સીટીઝન હતા.એક ગગન જ જુવાન હતો. તે બધાસાથે સરસ રીતે મિક્સ થઈ ગયો હતો.
ગગન અને હોડી વાળો બધાને પગથિયા ઉતારીને હોડીમા સાચવીને બેસાડ્યા હોડીવાળો દરેક ઘાટના નામ દઈ ને તેનો ઇતિહાસ જણાવતો જતો હતો. અસ્સી ઘાટ,દશાશ્વમેઘ ઘાટ, મણીકર્ણીકા ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ,મુન્શી ઘાટ,તુલસી ઘાટ, એક નવુ ઉમેરાયુ નમો ઘાટ.
અમુક અમુક જગાએ એ ચિતા ઓની જ્વાળા ચાલુ હતી. એ જોઈ ને કેતકીબેન ભાવવિભોર થઈ ગયા અને રડી પડ્યા. તેમના સાથીદારો એ આશ્વાસન આપ્યુ. ગગન પણ સળગતી ચિતા જોઈ તેની મમ્મી ને યાદ કરી રડી પડ્યો. બધા વડીલો એ તેને પણ સાંત્વના આપી શાંત પાડ્યો.
સાંજ પડવા આવી. ધીમેધીમે પંડાઓ આરતીની તૈયારી માં લાગી ગયા. ચારેબાજુ આરતીનો ઘંટારવ અને ભવ્ય દિવાઓના ઝળહળાટથી ગંગા નદી નુ પવિત્ર સ્વરૂપ વધુ તેજસ્વી બનતુ ગયુ.
ચારેબાજુ હોડીવાળા આગળ આવવા માટે પડાપડી કરતા હતા. કોઇ મુસાફર ઉભા થઈ ફોટો પાડવા માટે કે વીડીયો ઉતારવા પડાપડી કરતા હતા. કોઇ તેમને નીચે બેસી જવા બૂમાબૂમ કરતા હતા.
કલાકેક માં આરતી પુરી થઈ ગઈ. ધીમેધીમે બધા ઘાટના પગથિયા ચડવા લાગ્યા. હોડીવાળા પણ વડીલોના હાથ પકડીને પગથિયા ચડાવવામાં મદદ કરતા હતાં.
આમ એક દિવસ પુરો થયો. રાતે જમીને પોતાના રૂમમાં સુવા ગયા.ગગન પણ રૂમમાં ગયો. ન જાણે તેને કેતકીબેન સાથે વાતો કરવાનુ બહુ મન થયા કરતુ હતુ. તેની પાસે બેસવાનુ મન થયા કરે.આખી રાત તે સુઇ ન શક્યો. આ બાજુ કેતકીબેન પણ ગગન નો વિચાર કર્યા કરતા હતા. તેને થયુ કે ગગન આકાશ જેવડો જ છે એટલે મને વધારે તેના વિચાર આવે છે.
સવારે ઉઠીને કેતકીબેન ગગનના રૂમમાં ગયા અને સુખડી નો ડબો આપ્યો," લે,તારા માટે છે"ગગન ખુશ થઈ ગયો અને બોલ્યો," મે'મ, તમે તમારા માટે રાખો! પહેલા મને સુખડી નહોતી ભાવતી. પણ હમણાથી બહુજ ભાવે છે." કેતકીબેને કહ્યુ," પહેલા તો તુ મને મે'મ કહેવાનુ બંધ કર. તારા જેવડો જ મારે દિકરો હતો "બોલતા બોલતા હૈયુ ભરાઇ ગયુ. ગગન પણ ગંભીર થઈ ગયો. મુંગા મુંગા સુખડી નો ડબો કેતકીબેનના હાથમાંથી લીધો. હાથનો સ્પર્શ થતા તેનુ હૈયુ પણ ભરાઈ આવ્યુ. તે પણ રડી પડ્યો.મને મારી મા યાદ આવી ગઈ કહીને રૂમમા જતો રહ્યો. કેતકીબેનને થયુ કે તે રૂમમાં જાય તેને સાંત્વન આપે. માથા પર સ્નેહથી હાથ ફેરવે.પણ થયુ કે એ અજુગતુ લાગશે.
બીજે દિવસે પ્રયારાજ ગયા. ત્યા નદી પર હોડીમા બેસતા શેવ ગાંઠીયા વાળા ઘેરી વળ્યા. હોડીવાળા એ કહ્યુ," લઈ લો.પંખી ઓ પીછો નહી છોડે." વાત સાચી નીકળી થોડેદૂર હોડી પહોંચી કે સફેદ પંખી ઓનુ ઝૂંડ ચારેબાજુ ઘેરી વળ્યુ. તમારી સાવ નજીક હાથ પાસે કે પગ પાસે આવીને ઉડી જાય. બધાને બહુજ મજા આવી ગઈ .
સંગમ તીર્થમા બધા એ સ્નાન કર્યુ. ઘણા એ તેમના વડિલોનુ પીંડદાન કર્યુ. કેતકીબેને પતિ અને પુત્રનુ અને ગગને તેના મમ્મીનુ શ્રાધ્ધ કર્યુ. થોડીવાર સુધી બધા ભાવવિભોર થઈ ગયા. બધા તેમના પૂર્વજોનુ સ્મરણ કરીને લાગણીશીલ થઈ ગયા. કેતકીબેન નદીથી થોડેદૂર એકલા બેઠા હતા. તેમને આકાશ અને રોહીતભાઇ નુ એકાંતમાં સ્મરણ કરવુ હતુ. ગગન ચારેબાજુ કેતકીબેનને શોધતો હતો. ત્યા તેની નજર કેતકીબેન પર પડી એટલે તરત તૈયાર એમની પાસે ગયો."અરે આન્ટી, તમે રડો છો?તમારો દીકરો સામે બેઠો છે. તેને હુકમ કરો બધુ હાજર કરી દેશે."
કેતકીબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. દિકરો એક એક્સીડેન્ટ માં ગુજરી ગયો એ કહ્યુ તેના વિરહમાં રોહિતભાઇ પણ ગુજરી ગયા એ વાત કરી. ગગને આશ્વાસન આપ્યુ.અને હાથ પકડીને બસ સુધી લઈ ગયો. બધા રાહ જોઈ ને બેઠા જ હતા. તરત હોટલ પર ગયા. જમીને કેટલાક રિસેપ્શન કાઉન્ટર પાસે વાતો કરવા બેઠા. કોઇ ઘરે ફોન પર વાત કરવા બેઠા.કોઇ ગોસીપ કરતુ હતુ. ગગન પણ થાકી ગયો હતો એટલે સીધો રૂમમાં જતો રહ્યો.
આજનો દીવસ ખાલી હતો. સારનાથ જવાનુ હતુ અને શોપીંગ કરવાનુ હતુ. કેતકીબેન ને સારનાથ કે શોપીંગ માં રસ નહોતો એટલે એ રૂમમાં આરામ કરવા રહ્યા. ગગનને પણ તબિયત બરાબર નહોતી એટલે તે પણ આરામ કરવા રૂમ પર રહ્યો. બપોર પછી તેને સખત તાવ ચડ્યો. કેતકીબેન ને ખબર પડી એટલે તરત ગગનને કપાળ પર ભીના પોતા લગાવવા લાગ્યા.
ગગન તેની મમ્મીને યાદ કરીને રડ્યા કરતો હતો."હુ મોટાભાગે બહાર ભણ્પો, મમ્મી-પપ્પા સાથે નિરાંતે રહીશ તો મમ્મી માંદી પડી અને ભગવાન પાસે જતી રહી.પપ્પાને અત્યારે મમ્મીનો આઘાત એટલો છે કે તેને ટૂરમાં મોકલવાનુ બરાબર ન લાગ્યુ. પપ્પાના ફ્રેન્ડ મૂકેશ અન્કલને તેમની સાથે રહેવાનુ કહ્યુ છે. ટૂર કેન્સલ થાય તો અમને તો નુકસાન થાય,પણ તમારો પ્રોગ્રામ બગડી જાય. હું ખડગપૂર રહીને ભણ્યો. મારૂ હાર્ટ નબળુ હતુ તેથી તેમને મારી ચિંતા બહુ રહેતી. પણ એક ફરીસ્તા એ મને તેનુ હ્રદય આપ્યુ. મને બરાબર માફક આવી ગયુ.
મમ્મી એ રાત-દીવસ મારી ચાકરી કરી એમાં માંદી પડી ગઈ. મને ને પપ્પાને છોડીને જતી રહી. એ ફરીસ્તો તમારા ગામનો જ હતો. તેના મમ્મી-પપ્પાને આભાર માનવા ફોન કરેલો પણ તે ઓ ફોન પર ન આવ્યા. "ત્યા તો કેતકીબેનને ચક્કર આવી ગયા અને 'આકાશ' એમ બૂમ પાડીને પડી ગયા.ગગન એકદમ ગભરાઈ ગયો. તાત્કાલિક હોટલના મેનેજરને બોલાવી એમના રૂમમાં ઉંચકીને લઈ ગયા.
જેવા ભાનમાં આવ્યા એટલે તેણે હકિકત જણાવી. બન્ને એકબીજાને ભેટીને ખુબ રડ્યા. ગગને કહ્યુ," અમે એક વખત મેસમા ભેગા થયેલા, બન્નેના નામનો અર્થ સરખો હતો એટલે કોઈ વખત મળીએ તો હાય-હેલ્લો કરતા. પણ હું તેનો ઋણી રહીશ એ મને અંદાજ જ નહોતો."
સાંજે બધા હરીફરીને હોટલ પર આવ્યા અને હકિકત જાણી એટલે બધા અભિભૂત થઈ ગયા. આ આ કેવો કુદરતનો ખેલ! ગગને કહ્યુ," આજથી હું તમારો ઓફીશીયલ દિકરો ગણાઉ. તમારે હવે મારી સાથે જ રહેવાનુ છે. હવે હું તમને એકલા નહીં રહેવા દઉ."ગગને મનોજભાઇ ને ફોન પર હકિકત જણાવી. તેણે પણ આગ્રહ કરી તેમની સાથે રહેવાનુ જણાવ્યુ. તેમની સાથેના મુસાફરો એ પણ એ જ ભલામણ કરી કે તમે ગગન સાથે રહેવા જાવ.
હવે કેતકીબેનનુ સરનામુ બદલાઈ ગયુ છે. તેમને નવો સથવારો મળી ગયો છે. આમ, એક ઘરમાં ત્રણ વ્યક્તિ લાગણીના તાણાવાણા સાથે રહે છે. – પન્ના પાઠક
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories