પીજી હાઉસ (PG House Novel Part-69)

Related

પીજી હાઉસ પ્રકરણ 69

" પપ્પા લગ્ન સરસ રીતે પતી ગયાં છે. તમારો લાવેલો ડાયમંડનો નેકલેસ બધાંને પસંદ આવ્યો." મુંબઈ આવીને બીજા દિવસે સવારે ચા પીતી વખતે દેવરાજ બોલ્યો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

" પસંદ આવી ગયો એટલે બસ. મને ગમી ગયો એટલે મેં શીતલની બહેનને કન્યાદાનમાં ગિફ્ટ આપવા માટે લઈ લીધો. આપણને શોભે એવી જ ગિફ્ટ આપણે આપવી જોઈએ." મનમોહન શેઠ બોલ્યા.

" હા પપ્પા. હવે અમારા હનીમૂન માટે સિંગાપોરનો પ્રોગ્રામ બનાવ્યો છે. ૩૧ મે ની રાત્રે ૧૨ વાગ્યાનું ફ્લાઇટ છે. મારી સાથે શાલિની અને કિરણને પણ હનીમૂન માટે લઈ જાઉં છું. એ લોકો પણ ભલે સિંગાપોર એન્જોય કરે ! વીણા ટ્રાવેલ્સ તરફથી ટોટલ પાંચ દિવસનો ટુર પ્રોગ્રામ છે. બે દિવસ જવા આવવાના અને ત્રણ દિવસ ત્યાં સિંગાપોરમાં રોકાણ થશે." દેવરાજ બોલ્યો.

" હું તને પૂછવાનો જ હતો. તમારે લોકોએ જવું જ જોઈએ. આ ઉંમર જ ફરવાની છે. તું પણ અહીંથી અમદાવાદ કે ઋષિકેશ સિવાય ક્યાંય ગયો નથી. જેટલું જોવાય એટલું જોઈ લેવું. એ લોકોને પણ તું સાથે લઈ જાય છે એ નિર્ણય તારો સારો છે. " મનમોહન શેઠ બોલ્યા.

" હા પપ્પા. વિદેશ તો હું ક્યારેય પણ ગયો નથી." દેવરાજ બોલ્યો.

એ પછી પ્રવાસના ચાર દિવસ પહેલાં ચારે ચાર જણના પાસપોર્ટ દેવરાજને સ્પીડ પોસ્ટથી મળી ગયા.

૩૧ તારીખ આવી ગઈ. દેવરાજે પોતાની બેગ તૈયાર કરી દીધી હતી. એણે આગલા દિવસે ફોન ઉપર શીતલ સાથે તેમજ કિરણ સાથે વાત કરી લીધી હતી. દરેકે પોતાનું આઈડી સાથે રાખવાની સૂચના પણ આપી હતી.

દેવરાજને યાદ આવી ગયું કે આજે એણે માનસીને ફોન કરવાનો છે. માનસી ગઈ એ પછી સતત રોજ વહેલી સવારે ૪ વાગે ઊઠીને ધ્યાનમાં મિહિર ઉપર જ એ ફોકસ કરતો હતો. પોતાના ગુરુજીને પ્રાર્થના કરીને રોજ મિહિરની ઑરા ક્લીન કરતો. એ પછી સાત ચક્રો ઉપર એ એનર્જી આપતો. એના મૂલાધાર ચક્ર ઉપર ખાસ એનર્જી આપીને નીચે તરફ સક્રિય કરતો અને પુરુષાતન પ્રાપ્ત થાય એવાં વાઇબ્રેશન આપતો હતો !
એને વિશ્વાસ હતો જ કે ગઈકાલે રાત્રે ૩૦ તારીખે પરિણામ ચોક્કસ મળ્યું જ હશે.

એણે માનસીને સવારે દસ વાગ્યા પછી ફોન કર્યો.

"ભાઈ હું તમારા જ ફોનની રાહ જોતી હતી. તમે મને નવી જિંદગી આપી છે. હું તમારો આભાર ક્યારેય પણ નહીં ભૂલું. મિહિરને પણ ઘણું જ આશ્ચર્ય થયું છે. મેં તમારું નામ દીધું નથી. મેં ખાલી એમ જ કહ્યું કે મને ગઈ કાલે એક સપનું આવ્યું છે અને આપણે આજે એક વાર કોશિશ કરવી જોઈએ." દેવરાજ કંઈ પૂછે તે પહેલા જ માનસી બોલી ગઈ.

" બસ આ જ સાંભળવા માટે મારા કાન તરસતા હતા. એન્જોય યોર લાઇફ. હું વધારે કંઈ નહીં પૂછું. " કહીને દેવરાજે ફોન કટ કરી દીધો. આજે એ ખૂબ જ ખુશ હતો !

દેવરાજ સાંજે સાત વાગે જ મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને ડ્રાઇવર વિઠ્ઠલ સાથે સહારા એરપોર્ટના ૨ નંબરના ટર્મિનલે જવા માટે નીકળી ગયો.

અત્યારે સાંજના ટ્રાફિકના કારણે એરપોર્ટ પહોંચતાં સવા કલાક લાગ્યો. દેવરાજે ઇન્ટરનેશનલ એરપોર્ટના ૨ નંબરના ટર્મિનલ પાસે પહોંચીને વીણા ટ્રાવેલ્સના મેનેજર સાથે વાત કરી. મેનેજરે અંદર જઈને ઈન્ડિગો એરલાઇન્સના સિંગાપુર જવાના કાઉન્ટર પાસે ટૂર મેનેજર પ્રશાંતને મળવાનું કહ્યું. બધાના બોર્ડિંગ પાસ એની પાસે છે.

દેવરાજ ટર્મિનલના ગેટ પાસે ઉભો રહ્યો અને શીતલ લોકોની રાહ જોવા લાગ્યો. એ લોકોને પણ બે નંબરના ટર્મિનલ ઉપર આવવાની સૂચના આપી. લગભગ દસેક મિનિટ પછી ટેક્સીમાંથી બેગો બહાર કાઢતા કિરણ ઉપર એની નજર પડી.

દેવરાજ સામેથી ચાલીને એ લોકો પાસે ગયો અને ટ્રોલીમાં બધી બેગો મૂકાવી. પછી બધા ગેટ ઉપર ગયા અને વીણા ટ્રાવેલ્સ તરફથી મળેલી ઈ-ટિકિટો તથા આઈડી બતાવી અંદર ગયા.

દેવરાજ ઈન્ડિગો એરલાઇન્સના સિંગાપોર જવાના કાઉન્ટર પાસે ગયો. ત્યાં બીજા પણ ૧૫ ૧૬ પ્રવાસીઓ એક તરફ ઊભા હતા. દેવરાજને ખ્યાલ આવી ગયો કે આ બધા લોકો એની સાથે આવનારા પ્રવાસીઓ જ લાગે છે. એ બધા સાથે વાતો કરતો યુવાન ટૂર મેનેજર પ્રશાંત જ લાગે છે. દેવરાજ એની પાસે ગયો અને વીણા ટ્રાવેલ્સનો લેટર એને બતાવ્યો.

એ પ્રશાંત જ હતો. એણે દેવરાજને હાથ મિલાવી વેલકમ કર્યું અને તરત જ ચાર બોર્ડિંગ પાસ આપ્યા. જેમાં એક પાસ વિન્ડો સાથે એટેચ હતો.

"આ બધા પ્રવાસીઓ પણ સિંગાપોર જ આવે છે. આપણું ૩૩ પ્રવાસીઓનું ગ્રુપ છે. અડધા લોકો આવી ગયા છે. થોડા સમયમાં બધા જ આવી જશે. તમે તમારી બેગો અહીં બોર્ડિંગ પાસ બતાવીને ચેક ઈન કાઉન્ટર ઉપર આપી દો. ખાલી હેન્ડબેગ સાથે રાખજો. તમામ પ્રવાસીઓ આવી જાય પછી આપણે બધા સાથે જ સિક્યુરિટી ચેક માટે જઈશું. " પ્રશાંત બોલ્યો.

" આપણે સિંગાપોર જઈ રહ્યા છીએ. હવે તો કોઈ સવાલ નથી ને ? " દેવરાજ શીતલ સામે જોઈ હસીને બોલ્યો.

"એ તો અમને ખબર પડી જ ગઈ રાજ. તમારે હવે કંઈ કહેવાની જરૂર નથી. સિંગાપોર જવાનો તમારો આઈડિયા મને બહુ જ ગમ્યો. એના વિશે બહુ જ સાંભળ્યું છે. આઈ એમ એક્સાઇટેડ " શીતલ બોલી.

અડધા કલાકમાં બાકીના બધા પ્રવાસીઓ આવી ગયા. એ દરમિયાન દેવરાજે તમામ બેગો ટેગ લગાવીને ચેક ઈન કાઉન્ટર ઉપર જમા કરાવી દીધી.

"આપણે બધાએ ચોથા લેવલ ઉપર સિક્યુરિટી ચેકિંગ માટે જવાનું છે. એ પતાવીને ઇમિગ્રેશન વિભાગમાં જઈશું જ્યાં દરેક પાસપોર્ટ ઉપર ડીપાર્ચરના સિક્કા લાગશે. એ પછી કસ્ટમની વિધિ પતાવવી પડશે. એ પતી જાય પછી ફોરેન એક્સચેન્જમાં જેને જેટલા ડોલર લેવા હોય એટલા લઈ શકશે. અંદર ગયા પછી બધા ત્યાં ફરી શકે છે. શોપિંગ પણ કરી શકે છે પરંતુ રાત્રે ૧૧:૩૦ વાગે બધાએ સિંગાપુર તરફ જતા ગેટ પાસેની લાઉન્જમાં આવી જવું. ગેટ નંબર ઇલેક્ટ્રોનિક બોર્ડ ઉપર ફ્લાઇટના નંબર સામે લખેલો જ હોય છે. " પ્રશાંત બોલી રહ્યો હતો.

" આપણું આ ફ્લાઈટ બેંગ્લોર સુધી જ જશે અને રાત્રે બે વાગ્યે આપણે ૭ કલાક સુધી બેંગ્લોર એરપોર્ટ ઉપર ઉતરીને બીજા ફ્લાઇટની રાહ જોવી પડશે. આપણને સવારે ૮:૪૫ કલાકે સિંગાપોર જવાનું બીજું ડાયરેક્ટ ફ્લાઇટ મળી જશે. બેંગલોર એરપોર્ટ ઉપર લાઉન્જમાં તમે આરામ કરી શકો છો. તમારા બોર્ડિંગ પાસમાં બીજા ફ્લાઇટની વિગતો પણ લખેલી છે. હું સતત તમારી સાથે જ છું. " પ્રશાંત બોલ્યો.

બોર્ડિંગ પાસથી શરૂ કરી લગેજ, સિક્યુરિટી, ઈમિગ્રેશન, કસ્ટમ વિભાગ અને મની એક્સચેન્જ વગેરે પતાવી સિંગાપોર તરફની લાઉન્જમાં આવતાં બે કલાક લાગ્યા. આ એક પેકેજ ટૂર હતી અને એમાં ટોટલ ૧૪ પુરુષો ૧૨ સ્ત્રીઓ ૫ બાળકો અને ૨ સીનીયર સીટીઝન હતા.

શીતલે લાઉન્જમાં બેસીને મમ્મી પપ્પા અને નાની બે બહેનો સાથે વારાફરતી વાત કરી લીધી અને ખુશ ખબર પણ આપી દીધા કે અમે બધાં સિંગાપોર જઈ રહ્યાં છીએ.

" ચાલો સરસ. બૉન વોયેજ. અને ત્યાં અજાણ્યા દેશમાં દેવરાજ કુમારની સાથે ને સાથે જ રહેજે." મમ્મીએ શિખામણ આપી.

" શું તમે પણ મમ્મી ! અમે ચારે ચાર જણાં સાથે ને સાથે જ રહીશું. " શીતલ બોલી.

" હા પણ માત્ર દિવસે જ સાથે રહેવાનું. " દેવરાજ બોલ્યો અને કિરણ તથા શાલિની હસી પડયાં.

" શું તમે પણ !! " શીતલ શરમાઈને મીઠો છણકો કરીને બોલી.

પોણા બાર વાગે એનાઉન્સમેન્ટ થયું અને બધા લાઈનમાં ઊભા રહ્યા. એ પછી બોર્ડિંગ પાસ બતાવી એરોબ્રીજ થઈને સીધા ઇન્ડિગોના ફ્લાઈટમાં પ્રવેશ કર્યો. બોર્ડિંગ પાસના નંબર પ્રમાણે બધા પોતપોતાની સીટ ઉપર બેસી ગયા. વિન્ડો પાસે શીતલ બેઠી અને એની બાજુમાં શાલિની બેઠી. એ પછી કિરણ અને દેવરાજ બેઠા.

રાત્રે ૧૨:૧૦ કલાકે ફ્લાઇટ ટેક ઓફ થયું. બંને બહેનો સતત વિન્ડો તરફ જોઈ રહી હતી. મધરાતે મુંબઈની લાઈટોની રોશની અદભુત નજારો પેદા કરતી હતી.

" વાઉ ! સો એક્સાઈટિંગ દીદી !! અમદાવાદથી પણ હું વિન્ડો સાઈડ જ બેઠી હતી પરંતુ મુંબઈનો નજારો કંઈક ઓર જ છે. આજે આપણે એક સાથે બે ફ્લાઈટનો અનુભવ કર્યો." શાલિની બોલી.

"હા. મેં ફ્લાઈટનો અનુભવ એકવાર કરી લીધો હતો એટલે જ તને મેં અમદાવાદમાં વિન્ડો પાસે બેસાડી." શીતલ બોલી.

ફ્લાઇટ એની જરૂરી ઊંચાઈ ઉપર પહોંચી ગયું અને રાતનો સમય હોવાથી નીચેનાં દ્રશ્યો ઝાંખાં થતાં ગયાં. એ પછી દેવરાજ સિવાય બાકીનાં ત્રણ જણાં ઊંઘમાં સરી પડ્યાં.

પરંતુ એમની ઊંઘ લાંબી ટકી નહીં. બે કલાકમાં જ બેંગ્લોર એરપોર્ટ આવતાં એર હોસ્ટેસે એનાઉન્સમેન્ટ કરીને બધાને જગાડી દીધા. બધા પ્રવાસીઓ નીચે ઉતર્યા અને ટૂર મેનેજર પ્રશાંતની સાથે બેંગ્લોરથી સિંગાપોર જતી ફ્લાઇટની લાઉન્જમાં જઈને બેસી ગયા.

મધરાતનો સમય હતો એટલે સીટ ઉપર બેઠાં બેઠાં જ લગભગ તમામ પ્રવાસીઓ સૂઈ ગયા. દેવરાજને પણ ઝોકું આવી ગયું પરંતુ એ પાંચ વાગ્યે જાગી ગયો. અહીં ધ્યાનમાં બેસી જવાય એવું વાતાવરણ તો ન હતું છતાં પણ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠો. આજે પણ એના ક્રમ પ્રમાણે મિહિર ઉપર એણે ફોકસ કર્યું.

સવારે સાત વાગ્યે ઊઠીને તમામ પ્રવાસીઓ ૮:૩૦ વાગ્યા સુધીમાં તૈયાર થઈને બેઠા હતા. ચા પાણી પણ પી લીધાં હતાં. દેવરાજ લોકોએ પણ ચાની સાથે ઢેબરાનો નાસ્તો કરી લીધો હતો. શાલિની જ આ બધું લઈને આવી હતી.

૮:૩૦ વાગે જ તમામ પ્રવાસીઓને સિંગાપોર જતા બીજા ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેસાડી દેવામાં આવ્યા અને સમય પ્રમાણે ૮:૪૫ વાગે ફ્લાઇટ ટેક ઓફ પણ થઈ ગયું.

બેંગ્લોરથી ઉપડેલું ઈન્ડિગોનું ફ્લાઈટ સાંજે ૪:૩૦ વાગે સિંગાપોર એરપોર્ટ પહોંચ્યું. એરપોર્ટથી હોટલ સુધીની વ્યવસ્થા વીણા ટ્રાવેલ્સ તરફથી કરેલી જ હતી. ટુરિસ્ટ બસમાં બેસીને ટૂરમાં સામેલ થયેલા તમામ ૩૩ પ્રવાસીઓ એક કલાકમાં ફ્યુરામા રીવર ફ્રન્ટ હોટેલ પહોંચી ગયા. દેવરાજ અને શીતલને ૧૨મા માળે ૧૨૩૨ નંબરનો રૂમ તો કિરણ લોકોને ૧૨૩૩ રૂમ આપવામાં આવ્યો.

"રાજ આ હોટલ કેટલી બધી અદભુત છે ! રૂમમાંથી બહાર નીકળ્યા પછી આપણને લાગતું જ નથી કે આપણે બારમા માળે છીએ. આપણા ફ્લોર ઉપર વિશાળ ગાર્ડનમાં વૃક્ષો પણ ઉગેલાં છે. " શીતલ બોલી.

" એજ તો સિંગાપોરની કમાલ છે ને ! લોકો અમસ્તા અહીં ફરવા આવતા હશે !! હજુ તો ત્રણ દિવસમાં જોવાનું ઘણું બાકી છે. " દેવરાજ બોલ્યો.

ફ્લાઈટનો થાકોડો હતો એટલે એ લોકોએ બે કલાક આરામ કર્યો. એ પછી રાત્રે ૮ વાગે ત્રીજા માળે ડીનર માટે ગયાં.

ઈન્ટરકોન્ટીનલ ડીનર હતું. દેવરાજ કિરણ અને શીતલે પંજાબી ડીશ પસંદ કરી. શાલિનીએ ચાઈનીઝ સ્વાદ માણ્યો.

બીજા દિવસે સવારે આઠ વાગે તૈયાર થઈને આ જ હોલમાં બ્રેકફાસ્ટ માટે જવાનું હતું. દરેક પ્રવાસીઓને સૂચના આપી દેવામાં આવી હતી.

દેવરાજ સવારે ચાર વાગે ઉઠી ગયો. ધ્યાન કર્યું અને ગાયત્રીની માળાઓ કરી. એ પછી નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને એણે શીતલને પણ ઉઠાડી દીધી. સાથે સાથે કિરણને પણ તૈયાર થઈ જવાનો ફોન કરી દીધો.

બંને સવારે ૮ વાગે ત્રીજા માળે જ્યાં બ્રેકફાસ્ટ ચાલતો હતો ત્યાં પહોંચી ગયાં.

સવારે સવા નવ વાગે હોટલથી ટુરિસ્ટ બસ ઉપડવાની હતી એટલે બધાં પ્રવાસીઓએ નીચે પહોંચી જવાનું હતું. દેવરાજ શીતલ શાલિની અને કિરણ બીજા પ્રવાસીઓની સાથે નીચે જઈને બસમાં બેસી ગયાં અને માઉન્ટ ફેબાર પહોંચી ગયાં.

અહીંથી એ લોકો બે કેબલ કાર રાઈડમાં બેસીને સેન્ટોસા આઇલેન્ડ જવા નીકળ્યાં. એકદમ ખુલ્લા આકાશમાં રાઈડ સરકી રહી હતી. આજુબાજુ મનોરમ્ય દ્રશ્યો હતાં. સ્કાયહેલિક્સ નો આ અનુભવ ખૂબ જ રોમાંચક હતો. શીતલ અને શાલિની તો ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં.

એ પછી સિંગાપોરનું પ્રદર્શન જોયું. મેડમ તુષાદનું વેક્સ મ્યુઝિયમ જોયુ. ૪ ડાયમેન્શન માર્વેલ શો પણ જોઈ લીધો. એ પછી પછી સિંગાપોર રિવર બોટમાં રાઇડ કરી. ત્યાર બાદ મરીના બે સેંડ્સ સ્કાય પાર્કના ઓબ્ઝર્વેશન ડેક ઉપર ગયાં જ્યાં આખા સિંગાપોર સિટીનું દર્શન થાય છે ! ત્યાંથી કાચના બનેલા ફ્લાવર ડોમમાં ગયાં. એ પછી ૪ ડી શો જોયો અને વોટર વર્લ્ડનો પણ અનુભવ કર્યો. તેમનો ગાઈડ દરેક જગ્યાએ બધાંને ભેગાં કરી જે તે જગ્યાનું સંપૂર્ણ માર્ગદર્શન આપતો હતો.

એ પછી બપોરે બાર વાગે બધા પ્રવાસીઓ અનેક રાઈડોથી ભરપૂર યુનિવર્સલ સ્ટુડિયોમાં ગયા અને ત્યાં લાઇટ્સ એક્શન શો જોયો. એ પછી રોમાંચક ટ્રાન્સફોર્મરનો પણ અનુભવ કર્યો. ટ્રાન્સફોર્મર મુવીમાં જે પણ બતાવાતું હતું એ તમામ દ્રશ્યોનો લાઈવ અનુભવ ખૂબ જ રોમાંચક હતો. જાણે કે આપણે બધા એ જ સ્થળમાં હોઈએ એવી પ્રત્યક્ષ અનુભૂતિ થતી હતી !

સૌથી વધારે મજા છ પ્રકારની એડવેન્ચરસ રાઈડોમાં આવી. શ્વાસ થંભી જાય એવાં રોલર કોસ્ટરો હતાં. લગભગ બધા ટૂરિસ્ટો ચિચિયારીઓ પાડતા હતા. એક રોલર કોસ્ટરનો અનુભવ કરવાનું દેવરાજે છોડી દીધું કારણકે એમાં રેઇનકોટ પહેરીને જવાનું હતું.

બપોરના બે વાગે બધા પ્રવાસીઓ યુનિવર્સલ સ્ટુડિયોમાં જ આવેલી ઓએસિસ રેસ્ટોરન્ટમાં ઇન્ડિયન ફૂડ જમ્યા. બધાએ પંજાબી ફૂડનો આનંદ લીધો. ત્યાં સામે લુઇસ પીઝા સેન્ટર પણ હતું પરંતુ પીઝામાં કોઈને ઇન્ટરેસ્ટ ન હતો.

યુનિવર્સલ સ્ટુડિયોમાં દરેક જગ્યાએ એક ખૂણામાં પીવાનું પાણી ભરવાની અને વોશરૂમની વ્યવસ્થા હતી. આ સ્ટુડિયોમાંથી બહાર નીકળવા માટે દરેકે પોતાના હાથ ઉપર સ્ટેમ્પ લગાવવાનો હતો અને તો જ ફરી એની અંદર એન્ટ્રી મળી શકે. દરેક શોની ફી વીણા ટ્રાવેલ્સવાળા ભરી દેતા હતા.

સાંજે ચાર વાગ્યા સુધી જેમણે પણ શોપિંગ કરવું હોય એ શોપિંગ કરી શકતા હતા. એ પછી ફરી ચાર વાગે પ્રવેશ કરીને લાઈટ કેમેરા અને એક્શન શો જોયો. એ પછી બધા જુરાસિક પાર્કમાં ગયા અને ત્યાં બે કલાકનો સમય પસાર કરી સાંજે બધા હોટલ ઉપર પાછા આવી ગયા.

બધા થાકી ગયા હોવાથી કલાક દોઢ કલાક પોત પોતાના રૂમમાં આરામ કર્યો અને રાત્રે ૮ વાગે ડીનર માટે એ જ હોટલના ત્રીજા ફ્લોર ઉપર ગયા. કાલની જેમ આજે પણ અહીં ઇન્ટરકોન્ટીનલ ફૂડ હતું. સૌને જે ભાવે તે પ્રમાણે જમી લીધું.

જમ્યા પછી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી બંને યુગલો દેવરાજના રૂમમાં જ બેઠાં અને વાતો કરી. એ પછી કિરણ અને શાલિની પોતાને આપેલા રૂમમાં ગયાં.

બીજા દિવસે પણ સવારે એ જ પ્રમાણે બ્રેકફાસ્ટનો પ્રોગ્રામ હતો એ પછી સવા નવ વાગે નીચે બસ આવી ગઈ એટલે બધા પ્રવાસીઓ બસમાં બેસી ગયા.

આજે બપોરે લંચ પહેલા ચાંગી એરપોર્ટ, બોટોનિકલ ગાર્ડન અને બર્ડ પેરેડાઇઝ જોઈ લીધાં. એ પછી લંચ લઈને થોડો ટાઈમ શોપિંગ માટે આપ્યો અને પછી ફરી ચાર વાગે બધા એક જ જગ્યાએ ભેગા થયા અને ટાઈમ કેપ્સુલમાં બેસીને અદભુત અનુભવ કર્યો. એ પછી ક્રૂઝમાં બેસવાનો પ્રોગ્રામ હતો એટલે બધાએ બે કલાક સુધી ક્રૂઝની સફર કરી.

આજે નાઈટ લાઈફ અને નાઈટ સફારી જોવાની હતી. એટલે સાંજે ૭:૩૦ પછી નાઈટ સફારી નો પ્રોગ્રામ ગોઠવાયો અને એ પતી ગયા પછી બહારની એક પંજાબી હોટલમાં રાત્રે ૯ વાગે ડીનર લઈ લીધું. ત્યારબાદ રાત્રે ૧૧ વાગ્યા સુધી સિંગાપોરની કલાર્કે કવે નાઈટ લાઈફ જોઈ લીધી.

બીજા દિવસે સવારે સવા નવ વાગે એ જ બસમાં બેસીને બધા પ્રવાસીઓ ઝૂ ટ્રામ સાઇડ જોવા માટે ગયા અને ત્યારબાદ સી એક્વેરિયમ પણ જોઈ લીધું. એ પછી છેલ્લે કલાઉડ ફોરેસ્ટ પણ જોઈ લીધું.

બપોરે ૨ વાગે ઓએસિસ હોટલમાં લંચ લઈ લીધું. સાઈટ સીઈંગ પૂરું થઈ ગયું હતું એટલે જમ્યા પછી બપોરે ૩ વાગે બસને શોપિંગ માટે સૈયદ અલવી રોડ ઉપર મુસ્તફા સેન્ટર લઈ જવામાં આવી.

"હવે તમારી પાસે છ વાગ્યા સુધીનો સમય છે. આ શોપિંગ સેન્ટરમાં તમે લોકો ત્રણ કલાક સુધી તમારી પસંદગીનું શોપિંગ કરી શકો છો. અહીં દરેક પ્રકારની વસ્તુ મળે છે. ત્રણ કલાક પણ ઓછા પડે એટલું મોટું માર્કેટ છે છતાં તમારે કોઈપણ હિસાબે ૬ વાગે આ જ પોઇન્ટ ઉપર પાછા આવી જવાનું. સમય બધાએ સાચવવો. સીનીયર સીટીઝન માટે એન્ટ્રીમાં જ વ્હીલ ચેર મળી જશે." પ્રશાંત બોલ્યો.

દેવરાજ લોકો એ પછી અંદર શોપિંગ સેન્ટરમાં ગયા અને જેને જે ગમ્યું તે ખરીદી કરી. મોટાભાગની ખરીદી શીતલ અને શાલિનીની જ હતી. સાડા પાંચ વાગે એ લોકો ફ્રી થઈ ગયા અને પછી બહાર આવી ગયા. બસ ત્યાં ઊભેલી જ હતી એટલે એમની બેઠક લઈ લીધી. અડધા પેસેન્જર આવી ગયેલા હતા અને આ એસી ટુરિસ્ટ બસમાં જ બેઠેલા હતા.

એ પછી સાંજે સાડા છ વાગે ટુરિસ્ટ બસ ફૂડ સ્ટ્રીટ પહોંચી ગઈ. અહીં વિશ્વના દરેક દેશોના ફૂડ સ્ટોલ હતા. રાત્રિના નવ વાગ્યા સુધીનો સમય દરેકને આપવામાં આવ્યો હતો અને જેને જે પણ જમવાની ઈચ્છા હોય તે અહીં જ જમી લેવાની સૂચના પણ હતી.

દેવરાજ લોકો ચાલતા ચાલતા ઇન્ડિયન સ્ટોલ ઉપર ગયા અને ત્યાં પંજાબી ડીશ જમીને બાજુમાં થાઈ ફૂડનો પણ સ્વાદ માણ્યો. બીજા પણ એક બે સ્ટોલ ઉપરથી એક બે આઈટમ ચાખી લીધી.

બરાબર સવા નવ વાગે બસ ત્યાંથી ઉપડી અને હોટલ ઉપર આવી ગઈ. હોટલે જેવી બસ આવી કે તરત જ ટુર મેનેજર પ્રશાંતે બસમાં જ ઊભા રહીને સૌને સંબોધન કર્યું.

" આજે સિંગાપોરમાં આપણો આ છેલ્લો દિવસ હતો. આવતી કાલે સવારે ૧૦:૩૦ વાગે એર ઇન્ડિયાનું ફ્લાઇટ મુંબઈ જવા માટે રવાના થશે એટલે બધાએ તૈયાર થઈને વહેલી સવારે ૬:૩૦ વાગે નીચે આવી જવું. આપણે કોઈપણ હિસાબે સવારે ૭ વાગે એરપોર્ટ પહોંચી જવું પડશે. સમય બધાએ સાચવવો પડશે. આશા રાખું છું કે વીણા ટ્રાવેલ્સની અમારી આ ટૂરમાં સિંગાપોર પ્રવાસનો ભરપૂર આનંદ તમે માણ્યો હશે. " પ્રશાંત બોલ્યો.

" ઈટ વોઝ રીયલી એ નાઈસ ટૂર " એક સજ્જન ઉભા થઈને બોલ્યા.

એ પછી તમામ પ્રવાસીઓ બસમાંથી નીચે ઉતર્યા અને રાત્રિના દસ વાગી ગયા હતા એટલે સૌ પોત પોતાના રૂમમાં ગયા.

દેવરાજ એના ક્રમ મુજબ સવારે ચાર વાગે ઉભો થઈ ગયો અને હાથ પગ ધોઈ ધ્યાનમાં બેસી ગયો. ધ્યાન પત્યા પછી એણે શીતલને પાંચ વાગે જગાડી દીધી અને કિરણને પણ ફોન કરી દીધો. સવારે છ વાગે કિરણ અને શાલિની બેગ લઈને દેવરાજના રૂમમાં આવી ગયા. એ લોકોએ રૂમ સર્વિસમાં ફોન કરી ચા મંગાવી લીધી. અને ૬:૩૦ વાગે નીચે ઊભેલી બસમાં બેસી ગયાં.

બરાબર સવા સાત વાગે ટુરિસ્ટ બસ સિંગાપોર એરપોર્ટ પહોંચી ગઈ અને બધા ટર્મિનલમાં દાખલ થઈ ગયા. બે સિનિયર સિટીઝન માટે અહીં પણ વ્હીલ ચેરની વ્યવસ્થા હતી. બધી ફોર્માલિટી પતાવી ૯:૩૦ વાગે બધા ઇન્ડિયા તરફની લાઉન્જમાં આવીને બેસી ગયા અને ફ્લાઇટની રાહ જોવા લાગ્યા.

પરંતુ ફ્લાઈટ મુંબઈ પહોંચે તે પહેલાં એક ઘટના દેવરાજની પરીક્ષા લેવાની હતી !!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."