પીજી હાઉસ (PG house Novel Part-70)

Related

પીજી હાઉસ પ્રકરણ 70

બરાબર સવારે ૧૦ વાગે મુંબઈ જતી ફ્લાઈટનું એનાઉન્સમેન્ટ થઈ ગયું એટલે બધા ઊભા થઈને લાઈનમાં ગોઠવાઈ ગયા. એરોબ્રિજમાં થઈને સૌએ પોતપોતાની સીટ લઈ લીધી. આ વખતે શીતલના બદલે શાલિની વિન્ડો પાસે બેઠી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

એર ઇન્ડિયાનું ફ્લાઇટ એના સમય પ્રમાણે જ ૧૦:૩૦ વાગે ટેક ઓફ થઈ ગયું. હાઈટ ઉપર પહોંચ્યા પછી એરહોસ્ટેસે પોતાની સર્વિસ ચાલુ કરી દીધી. સવારનો સમય હતો એટલે ચા કોફી અને બ્રેકફાસ્ટ આપવામાં આવ્યાં.

એકાદ કલાક પસાર થયો હશે ત્યાં જ ગ્રુપનાં જ એક પ્રવાસી બહેનને અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થયો. દુઃખાવો એટલો બધો થઈ રહ્યો હતો કે ૫૫ વર્ષની ઉંમર આસપાસનાં એ બહેન આકળવિકળ થઈ રહ્યાં હતાં. બાજુમાં બેઠેલા એમના પતિ એકદમ ગભરાઈ ગયા અને એમણે એરહોસ્ટેસને બૂમ પાડી.

બધા પેસેન્જર્સની નજર એમની તરફ ગઈ. બધાએ એ બહેનની નાજુક હાલત જોઈ. પરંતુ ત્રણથી ચાર મિનિટમાં જ એ બહેન એકદમ શાંત થઈ ગયાં. એર ક્રુ બધા દોડતા આવ્યા. બહેનના પતિ ઉભા થઈ ગયા અને બહેનને સ્ટાફે સીટ ઉપરથી બહાર કાઢી નીચે સુવડાવી દીધાં અને એર હોસ્ટેસે સીપીઆર આપવાનું ચાલુ કર્યું.

બીજી એરહોસ્ટેસે તરત જ કેબિનમાં જઈ પાયલોટને વાત કરી અને ઇમરજન્સી લેન્ડિંગ માટે રિક્વેસ્ટ કરી. બહેનના શ્વાસ તો બંધ થઈ ગયા હતા. પ્લેનમાં એક ડોક્ટર ભાઈ હતા એ તરત જ દોડતા આવ્યા અને એમણે નાડી અને હાર્ટ ચેક કરીને જાહેર કરી દીધું કે - માસિવ એટેક આવ્યો લાગે છે. શી ઇઝ નો મોર.

વીણા ટ્રાવેલ્સનો ટુર મેનેજર પ્રશાંત ખૂબ જ ટેન્શનમાં આવી ગયો. શું કરવું એ એને ખબર પડતી ન હતી. એના માટે આવો અનુભવ નવો હતો. તમામ ૩૩ પ્રવાસીઓની એની જવાબદારી હતી. હવે આ બે પ્રવાસીઓને અહીં અધવચ્ચે કેવી રીતે છોડી દેવાય એ એને સમજ પડતી ન હતી. ઇમરજન્સી લેન્ડિંગ થાય એ પછી જ પરિસ્થિતિ પ્રમાણે મુંબઈની ઓફિસ સાથે વાત કરવી પડશે !

દેવરાજ આ બધું જ જોઈ રહ્યો હતો. એની પાસે સિદ્ધિ હતી જ અને એ આ બહેનને ફરી સજીવન કરી શકતો હતો. એ તરત જ ઉભો થયો અને એણે એર હોસ્ટેસને કહ્યું કે તમે પ્લીઝ પાયલોટને કહો કે એ ઈમરજન્સી લેન્ડિંગ ના કરાવે. બહેન ભાનમાં આવી જશે. લેટ મી ટ્રાય !

પરંતુ બીજા કેટલાક પ્રવાસીઓએ દેવરાજને રોક્યો.

" અરે ભાઈ એરહોસ્ટેસ સીપીઆર આપી ચૂકી છે. ડોક્ટરે પોતે પણ ડિક્લેર કર્યું છે. આશા તાઈને હોસ્પિટલમાં ઇમરજન્સી સારવારની જરૂર છે. તાઈ કદાચ બચી પણ જાય. તમે વચ્ચે ના પડો અને લેન્ડિંગ કરવા દો તો એમને હોસ્પિટલમાં લઈ જવાય. " ચાલીસેક વર્ષના એક ભાઈ મરાઠીમાં બોલ્યા.

જે બહેનને માસિવ એટેક આવ્યો હતો એમનું નામ આશા કુલકર્ણી હતું અને એ મહારાષ્ટ્રીયન હતાં અને જે ભાઈ દેવરાજને રોકી રહ્યા હતા એ આશાબહેનના દૂરના સગા હતા.

"પ્લીઝ મારી ઉપર વિશ્વાસ રાખો. મને માત્ર પાંચ મિનિટ આપો. અને હજુ પ્લેન લેન્ડિંગ નથી થઈ રહ્યું. કેપ્ટન નજીકના એરપોર્ટનો સંપર્ક કરશે. એને ગ્રીન સિગ્નલ મળશે એ પછી જ લેન્ડિંગ કરી શકશે. " દેવરાજ એ યુવાનની સામે જોઈને મરાઠીમાં જ બોલ્યો કારણ કે એ મરાઠી ભાષા શીખી ગયો હતો.

દેવરાજ લોકોની પરવા કર્યા વગર આશાબહેનની બાજુમાં બેસી ગયો.
એણે આશાબહેનના માથા ઉપર હાથ મૂક્યો અને પોતાની અંદર ઉતરી ગયો. ગુરુજીનું સ્મરણ કરી એમને પ્રાર્થના કરી અને મહાદેવજીનું સ્મરણ કરીને સંજીવની વિદ્યાના મંત્રો માનસિક રીતે ચાલુ કરી દીધા. એણે આશાબહેનના હૃદય ઉપર હાથ મૂક્યો.

માત્ર બે થી ત્રણ મિનિટમાં જ જાણે કે ચમત્કાર થયો હોય એમ આશાબહેન ના હાથની આંગળીઓ હાલવા લાગી. એમના શ્વાસોશ્વાસ ધીમે ધીમે શરૂ થયા. એ પછી એમણે આંખો ખોલી અને પાંચ મિનિટમાં તો આશાબહેન બેઠાં થઈ ગયાં.

કોઈને પણ કલ્પના ન હતી કે આ રીતે જેના શ્વાસ બંધ થઈ ગયા હોય અને જે વ્યક્તિ મૃત્યુ પામી ચૂકી હોય એ આ રીતે પાંચ મિનિટમાં ઊભી થઈ જાય !

પેલા યુવાન ભાઈ જે વિરોધ કરી રહ્યા હતા એ તો એકદમ અવાક જ થઈ ગયા. એમને પોતાની દલીલો માટે પસ્તાવો થયો. આશાબેનના હસબન્ડ દેવરાજને ભેટી પડ્યા.

" થેંક્યુ યંગ મેન. તમારું નામ તો મને ખબર નથી પણ તમે મારા વાઈફની જિંદગી બચાવી દીધી." એ મરાઠીમાં જ બોલ્યા.

તમામ પ્રવાસીઓએ દેવરાજનો દિલથી આભાર માન્યો. એર હોસ્ટેસ અને ક્રુ બધા જ આશ્ચર્યચકિત થઈને દેવરાજને જોઈ રહ્યા હતા. એક એરહોસ્ટેસ દોડીને કેબીનમાં ગઈ અને કેપ્ટનને જાણ કરી કે પેસેન્જર હવે એકદમ નોર્મલ છે !

દેવરાજ પોતાની સીટ ઉપર બેસી ગયો. કિરણે એનો હાથ પકડી લીધો અને દિલથી પ્રશંસા કરી.

" યુ આર ગ્રેટ દેવરાજભાઈ. હેટ્સ ઓફ ટુ યુ ! તમારામાં ઘણી બધી શક્તિઓ છે. " કિરણ બોલ્યો.

" જીજુ તો જીજુ જ છે. " શાલિની ગર્વથી બોલી.

એર ઇન્ડિયાનું ફ્લાઇટ ઇન્ડિયાના ટાઇમ પ્રમાણે બપોરે બે વાગે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ થયું.

મુંબઈ એરપોર્ટ ઉતર્યા પછી તમામ પ્રવાસીઓએ દેવરાજનો ખૂબ જ આભાર માન્યો અને આશાબહેનના પતિએ તો દેવરાજનો નંબર પણ લઈ લીધો. આશાબહેનને એમના પતિએ દેવરાજ વિશે વાત કરી હતી એટલે એમણે પણ દેવરાજનો ખૂબ જ આભાર માન્યો અને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું.

" દેવરાજભાઈ તમે તો મારું ઘણું બધું ટેન્શન ઓછું કરી દીધું. ટૂર મેનેજર તરીકે આવો અનુભવ મને ક્યારેય થયો નથી. એક તો તમામ ૩૩ પ્રવાસીઓને મારે અહીં મુંબઈ સુધી લાવવાના હોય અને અધવચ્ચે બે પ્રવાસી ઉતારી દઉં તો એમનું મારે કેવી રીતે મેનેજ કરવું એ મારા માટે સૌથી મોટું ટેન્શન હતું. તમે કઈ રીતે એમને એકદમ બેઠાં કરી દીધાં એ હજુ મારા મગજમાં બેસતું નથી. " પ્રશાંત છૂટા પડતી વખતે હાથ મિલાવીને બોલ્યો.

" ઈટ્સ ઓકે પ્રશાંતભાઈ " દેવરાજે જવાબ આપ્યો.

દેવરાજે સવારે ઘરે વાત કરીને પપ્પાની મોટી ગાડી જ મંગાવી દીધી હતી એટલે એરપોર્ટ ઉપરથી બંને યુગલો એમાં બેસીને બપોરે સવા ત્રણ વાગે વાલકેશ્વર પહોંચી ગયાં.

દેવરાજ લોકો આવવાના હતા એટલે પપ્પા બપોરે ઘરે જ રોકાયા હતા. દેવરાજ અને શીતલે મમ્મી પપ્પાના ચરણસ્પર્શ કર્યા. એમનું જોઈને કિરણ અને શાલિની પણ એમને પગે લાગ્યાં.

" કેટલા વાગે ત્યાંથી નીકળ્યા હતા તમે લોકો ? " પપ્પા બોલ્યા.

"સિંગાપોરના ટાઈમ પ્રમાણે સવારે ૧૦:૩૦ વાગ્યાનો ફ્લાઇટનો ટાઈમ હતો. છ કલાકની જર્ની હતી. પણ બહુ જ મજા આવી પપ્પા. સિંગાપોર ખરેખર બહુ જ સરસ છે." દેવરાજ બોલ્યો.

" હા હનીમૂન માટે સ્વીટઝરલેન્ડ સિંગાપુર બેંગકોક અને દુબઈ વર્ષોથી હોટસ્પોટ ગણાય છે." મનમોહન શેઠ બોલ્યા.

" હા પપ્પા. બધા જ પ્રવાસીઓ ખુશ હતા. " દેવરાજ બોલ્યો.

" તમે આમ તો જમીને જ આવ્યા હશો છતાં જો જમવાની ઈચ્છા હોય તો નંદુ મહારાજને કહી દો. એકાદ કલાકમાં રસોઈ બનાવી દેશે. " શેઠ બોલ્યા.

"ના પપ્પા અત્યારે જમવાની બિલકુલ ઈચ્છા નથી. ચાર દિવસ સતત ફરવાનો થાક લાગેલો છે એટલે ચા પીને થોડો આરામ કરવાની જ ઈચ્છા છે." દેવરાજ બોલ્યો.

એ પછી દેવરાજે નંદુ મહારાજને ચા બનાવવાનું કહ્યું અને માનસી વાળો બેડરૂમ જે ખાલી થયો હતો એ કિરણ અને શાલિનીને આપી દીધો. ડબલ ફલેટ ભેગા કરેલા હતા એટલે ટોટલ છ બેડરૂમ હતા !

ચા પીને બંને યુગલો પોતપોતાના બેડરૂમમાં જતાં રહ્યાં.

" ખરેખર હવે ઘરે આવીને થાક જણાય છે. ત્યાં તો ઉત્સાહમાં અને ઉત્સાહમાં આપણે લોકો ફરતાં જ રહ્યાં. બાકી ખરેખર બહુ જ મજા આવી. થેન્કયુ રાજ." શીતલ બોલી.

" હજુ પણ થોડું ફરવાનું બાકી રહી ગયું છે. " દેવરાજ હસીને બોલ્યો.

" હજુ બાકી છે ? ક્યાં જવાનું છે ?" શીતલ દેવરાજ સામે જોઈને બોલી.

"અરે આટલી એક્સાઈટ ના થઈ જા. હું તો ખાલી મજાક કરું છું . આ લોકો આવ્યાં છે તો સાંજે આપણે બધાં બાબુલનાથનાં દર્શન કરી આવીએ અને ચોપાટી ફરી આવીએ. કાલે સવારની તો એમની અમદાવાદની ટિકિટ છે. " દેવરાજ બોલ્યો.

"હા એ વાત તમારી સાચી છે. એ લોકો તો વારંવાર અહીંયા આવવાનાં નથી." શીતલ બોલી.

અને સાંજે સાડા પાંચ વાગે એ લોકો સૌથી પહેલાં બાબુલનાથનાં દર્શન કરી આવ્યાં અને પછી ત્યાંથી સીધાં ચોપાટી ગયાં.

" બાપુ તમારું લોકેશન ખરેખર સરસ છે. મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ રળિયામણો લાગે છે. " કિરણ ઊંચાઈ ઉપર આવેલા મલબાર હિલ વિસ્તારને જોઈને એની અમદાવાદી ભાષામાં બોલ્યો.

દેવરાજને કહેવાનું મન થયું કે મારા પૂર્વજન્મમાં આ વિસ્તાર મેં જ પસંદ કર્યો હતો પણ એવું કહેવાનો કોઈ અર્થ ન હતો.

ચોપાટી ઉપર કલાક બેસીને એ લોકો ઘરે પાછા આવી ગયા. રાત્રે નંદુ મહારાજે સરસ રસોઈ બનાવી હતી એ જમી લીધી.

" કાલે સવારે ૭ વાગ્યાનું ફ્લાઇટ છે. તમને વિઠ્ઠલ એરપોર્ટ મૂકી આવશે. તમારે કાલે જરા વહેલા ઉઠવું પડશે અને પાંચ વાગ્યે નીકળી જવું પડશે. જો કે હું તમને ફોન કરીને જગાડી દઈશ. અહીંથી એરપોર્ટ દૂર છે. " રાત્રે જમ્યા પછી દેવરાજ બોલ્યો.

જમીને ચારે જણાં રાત્રે ૯:૩૦ વાગે દેવરાજના બેડરૂમમાં ભેગાં થયાં હતાં. એક કલાક સુધી વાતો ચાલી અને પછી કિરણ શાલિની પોતાના બેડરૂમમાં સૂવા માટે ગયાં.

સવારે ડ્રાઇવર વિઠ્ઠલ એ બંનેને લઈને પાંચ વાગ્યે નીકળી ગયો અને એરપોર્ટ છોડી આવ્યો.

સમય પસાર થતો ગયો. બીજો દોઢ મહિનો નીકળી ગયો. શીતલ હવે એના સાસરિયામાં સેટ થતી જતી હતી. એ સુમિત્રા મમ્મી સાથે પણ ભળી ગઈ હતી. અહીં નોકરચાકરો હતા. રસોઈયો હતો. એટલે પોતાને કોઈ જ કામ કરવાનું ન હતું. રોજ રાત્રે એ અમદાવાદ પોતાના ફેમિલી સાથે વાતો કર્યા કરતી.

બે ત્રણ વાર એ પીજી હાઉસ પણ જઈ આવી હતી. આ દોઢ મહિનામાં દેવરાજે મુંબઈમાં જે પણ જોવા લાયક હતું તે બધું જ એને બતાવી દીધું હતું. છેલ્લા અઠવાડિયાથી શીતલે કાર ડ્રાઇવિંગ શીખવા માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પણ જોઈન કરી હતી.

આ બાજુ દેવકીનો ત્રણ મહિનાનો નર્સિંગ કોર્સ પૂરો થઈ ગયો હતો. હવે એની પાસે સર્ટિફિકેટ પણ આવી ગયું હતું. એ હવે પીજી હાઉસમાં રહી રહીને કંટાળી ગઈ હતી. દેવરાજનાં લગ્ન થઈ ગયાં હોવાથી હવે એ એને મળવા માટે પણ ખાસ જતી ન હતી. મોટાભાગનો સમય એ હોસ્પિટલમાં જ પસાર કરતી હતી. ડ્યુટી ન હોય તો પણ ઘણીવાર હેલ્પમાં બેસતી હતી.

એને એક દિવસ મલાડમાં રહેતી એક નર્સ દ્વારા સમાચાર મળ્યા કે મલાડની એચસીજી કેન્સર હોસ્પિટલમાં એક સારી નર્સની જરૂર છે. દેવકી જો એ જોબ સ્વીકારે તો પોતાનો કાંદીવલીનો ફ્લેટ પણ વાપરી શકે. ભલે દેવરાજ સરે ખરીદી લીધો હોય તો પણ સર એને રહેવા માટે ના ન પાડે. પોતાની પાસે પૈસા છે તો ઘરકામ માટે કોઈ બાઈ પણ ત્યાં રાખી શકે !

એણે સૌથી પહેલી વાત વૈશાલીને કરી.

" હા તો તારે ત્યાં જ જવું જોઈએ. તારો આટલો અનુભવ છે અને હવે તો સર્ટિફિકેટ પણ આવી ગયું છે તો તને ત્યાં સારો સેલેરી પણ મળશે. અહીં જો તું ફરીથી એપ્લાય કરીશ તો તકલીફ પડશે. કારણ કે તારી પાસે સર્ટિફિકેટ તો હજુ હવે આવ્યું છે તો પછી અત્યાર સુધી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર જ તેં જે ડ્યુટી કરી એ બધું ખુલ્લું પડી જશે. અને તો પછી મારું નામ પણ આવશે." વૈશાલી બોલી.

" હું જાણું છું વૈશાલીબેન અને એટલા માટે જ હું મલાડની જોબ માટે વિચારું છું. ત્યાં નજીકમાં કાંદીવલી મહાવીરનગરમાં મારો પોતાનો ફ્લેટ પણ ખાલી પડેલો છે. પીજી હાઉસમાં હવે મને કંટાળો આવે છે. " દેવકી બોલી.

" તારો પોતાનો કાંદીવલીમાં ફ્લેટ પણ છે ? મને તો આ ખબર જ નથી કે તારો ત્યાં ફ્લેટ પણ છે. તો તો પછી મલાડની આ જોબ તારે લઈ લેવી જ જોઈએ. તને ઘરથી પણ બહુ જ નજીક પડશે. " વૈશાલી બોલી.

" હા વૈશાલીબેન હું પણ એ જ વિચારું છું. મારા દાદાજી દેવ થઈ ગયા પછી દેવરાજ સર મને અહીં લઈ આવ્યા. પરંતુ હવે લાગે છે કે હું એકલી ચોક્કસ રહી શકીશ. અને ત્યાં પાડોશીઓ પણ સારા જ છે. " દેવકી બોલી.

" મહાવીરનગરનો એરિયા પણ ઘણો સારો છે. લગભગ બધા ગુજરાતી જ છે. મારી એક જૈન ફ્રેન્ડ પણ ત્યાં રહે છે. ત્યાં એકલા રહેવામાં તને કોઈ વાંધો નહીં આવે. " વૈશાલી બોલી.

એ પછી દેવકી મલાડની એચસીજી કેન્સર હોસ્પિટલમાં પોતાની રિઝ્યુમ આપી આવી અને હોસ્પિટલના મુખ્ય સંચાલક અને સિનિયર સર્જનને પણ મળી આવી.

સર્જને અને હોસ્પિટલના સંચાલકે એનો જોઈન્ટ ઇન્ટરવ્યૂ પણ લીધો અને દેવકીએ જે જવાબ આપ્યા એનાથી તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. એક તો દેવકી આટલી મોટી જાણીતી હોસ્પિટલની અનુભવી નર્સ હતી ! દેવકીની પ્રતિભાથી પણ એ લોકો અંજાઈ ગયા હતા !

" કોન્ગ્રેચ્યુલેશન્સ. યુ આર સિલેકટેડ મિસ પાઢ. યુ કેન જોઈન એની ટાઈમ." સંચાલકે કહી દીધું.

"થેન્ક્યુ સર. ગીવ મી સમ કપલ ઓફ ડેઝ ટુ જોઇન." દેવકી બોલી અને બહાર નીકળી ગઈ.

એ પછી દેવકી બીજા દિવસે સાંજે ચાર વાગે દેવરાજની ચેમ્બરમાં ગઈ.

" સર તમારી રજા હોય તો હું હવે કાંદીવલી મારા ફ્લેટમાં શિફ્ટ થવા માગું છું. " દેવકી બોલી.

" પીજી હાઉસમાં નથી રહેવું હવે ? તને ત્યાંથી રોજ રોજ ચર્ની રોડ અપ ડાઉન કરવાનું નહીં ફાવે દેવકી." દેવરાજ બોલ્યો.

" સર મલાડ વેસ્ટમાં એચસીજી કેન્સર હોસ્પિટલ જોઈન કરવાનું હું વિચારી રહી છું. ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ ગઈ છું અને મારું સિલેક્શન પણ થઈ ગયું છે. મારી પાસે અનુભવ છે અને હવે તો સર્ટિફિકેટ પણ આવી ગયું છે. અને હવે તમારાં મેરેજ પણ થઈ ગયાં છે એટલે સતત તમારી સામે રહેવાની મારી ઈચ્છા નથી." દેવકી એક સાથે બધું બોલી ગઈ.

" ઓહો... તો પછી આટલી બધી તૈયારી પણ કરી દીધી છે ! " દેવરાજ બોલ્યો.

" હા સર. પરંતુ તમે મને રજા આપો તો જ. તમારી અનુમતિ વગર હું ક્યારેય પણ કંઈ પણ નહીં કરું. " દેવકી બોલી.

" નિર્ણય સારો છે. મને કોઈ જ વાંધો નથી. તારો જ ફ્લેટ છે દેવકી. તારા હાથમાંથી ફલેટ જતો ના રહે એટલા માટે બીજા કોઈને વેચવાને બદલે મેં જ ખરીદી લીધો છે. આમ પણ આજીવન મારે તને પીજી હાઉસમાં રાખવાની ન હોય એટલે મેં એ ફલેટ ખાલી જ રાખ્યો છે. અને તું પોતે ફ્લેટ વાપરે તો પણ એના જે એક કરોડ તારા ખાતામાં છે એ પણ તારે જ વાપરવાના છે. તારી જવાબદારી મારા ઉપર છે. " દેવરાજ બોલ્યો.

" મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો નથી સર. તમે શીતલ સાથે સુખી રહો એ જ મારી ભાવના છે. તમારી નજર સામે રહીને હું તમને ડિસ્ટર્બ કરવા માગતી નથી. છતાં જતાં જતાં એક વાત તો કહી જ દઉં છું કે મારા દાદાજીએ જે વાત મને કરી છે એના ઉપર મને પૂરો વિશ્વાસ છે. એમની વાણી કદી નિષ્ફળ જતી નથી. હું તમને સમર્પિત થઈ ચૂકી છું ભલે તમે સ્વીકારો કે ના સ્વીકારો. હું સમયની પ્રતીક્ષા કરીશ." કહીને દેવકી ઊભી થઈ અને આંખમાં આંસુ સાથે ઝડપથી બહાર નીકળી ગઈ.

દેવકી આ શું બોલી ગઈ ! દાદાજીના શબ્દો ઉપર તો એને પોતાને પણ વિશ્વાસ છે જ. શીતલ સાથે અત્યારે તો એવો કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી તો પછી સંબંધોના આટાપાટા કેવી રીતે બદલાશે ?

અને બે દિવસ પછી દેવકીએ પીજી હાઉસની વિદાય લીધી. પીજી હાઉસ છોડ્યું ત્યારે ઝીલ પણ ત્યાં હાજર હતી. લાંબો સમય સાથે રહેવાના કારણે એને પણ દેવકીની માયા લાગી ગઈ હતી. દેવકીની વિદાય એને પણ રડાવી ગઈ.

દેવકીની સાથે વૈશાલી પણ રજા રાખીને એને નવા મકાનમાં સેટ કરવા જઈ રહી હતી. ઘણી ના પાડી તેમ છતાં પણ દેવરાજ પોતે ગાડી લઈને દેવકીને એના કાંદીવલીના ફ્લેટમાં મૂકવા ગયો. વૈશાલીની હાજરી હતી એટલે ગાડીમાં કે ફલેટમાં પહોંચ્યા પછી પણ દેવરાજે દેવકી સાથે બીજી કોઈ ચર્ચા ના કરી.

" ચાલો દેવકી હું જાઉં. કંઈ પણ કામકાજ હોય તો મને ફોન કરી દેજે. અને હોસ્પિટલમાં કંઈ મૂંઝવણ હોય તો આ વૈશાલીબેનને ફોન કરજે." જતી વખતે દેવરાજ બોલ્યો.

" અરે સર દેવકીને મારી મદદની કોઈ જરૂર જ નથી. એ તો મારા કરતાં પણ હોશિયાર થઈ ગઈ છે . હોસ્પિટલમાં મારી સાથે નર્સ તરીકે મૂકવાનો તમારો નિર્ણય ખરેખર ખૂબ જ ઉત્તમ હતો. આજે તમારા એ નિર્ણયના કારણે દેવકી હવે પોતાના પગ ઉપર ઉભી રહેશે. " વૈશાલી બોલી.

" બધું ઉપરવાળાની ઈચ્છા પ્રમાણે થતું હોય છે. દેવકીના નસીબમાં નર્સ બનવાનું લખ્યું જ હશે ! " દેવરાજ બોલ્યો અને બહાર નીકળી ગયો.

એ પછી વૈશાલી અને દેવકીએ ભેગા થઈને બધો સામાન ગોઠવી દીધો. થોડું કરિયાણું અને શાકભાજી વગેરે માર્કેટમાં જઈને ખરીદી લીધાં. કિચન તો ચાલુ જ હતું એટલે બંનેએ ભેગા થઈને સાંજની રસોઈ બનાવી દીધી.

વૈશાલી એ રાત ત્યાં જ રોકાઈ ગઈ અને બીજા દિવસે સવારે એ પીજી હાઉસ જવા માટે નીકળી ગઈ.

દેવકી પણ બીજા દિવસે હોસ્પિટલમાં હાજર થઈ ગઈ અને નવી નોકરી જોઈન કરી દીધી. સિનિયર નર્સે એને બધું બતાવી દીધું અને સમજાવી પણ દીધું. દેવકીને વધારે કંઈ સમજાવવાની જરૂર પણ ન હતી.

ત્રણ ચાર દિવસમાં તો દેવકી નવી હોસ્પિટલમાં એકદમ સેટ થઈ ગઈ. કાંદીવલીથી મલાડ બહુ દૂર ન હતું એટલે એ રીક્ષામાં જ આવતી જતી હતી.

નિયતિએ દેવકીને આ એચસીજી કેન્સર હોસ્પિટલમાં ચોક્કસ હેતુથી જ મોકલી હતી !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."