પીજી હાઉસ પ્રકરણ 71
(આ પ્રકરણનો શરૂઆતનો ભાગ શાંતિથી અને ધ્યાનથી વાંચશો.)૧૫ જુલાઈ ગઈ એટલે ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ પણ આવી ગયો. પૃથ્વી ઉપર દરેક શિષ્ય માટે ગુરુપૂર્ણિમાનો આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે !
પીજી હાઉસ નવલકથા
દેવરાજ વહેલી સવારે ચાર વાગે ઉઠી ગયો. એના જીવનમાં બધું સેટ થઈ ગયું હતું એટલે ધ્યાનમાં ગુરુજીને પૂછવા માટે કોઈ પ્રશ્નો ન હતા પરંતુ એના આશ્ચર્ય વચ્ચે આજે એની સામે માત્ર દસ જ મિનિટમાં એના ગુરુ સ્વામી આત્માનંદજી (નિખિલ મહારાજ) સામેથી જ પ્રગટ થયા !
" અરે ગુરુજી આપે આજે અચાનક સામેથી કૃપા કરી ? " દેવરાજ મનોમય ભૂમિકામાં પોતાના અવાજનાં આંદોલનો મોકલતો હતો.
" આજે ગુરપૂર્ણિમા છે. આજે તને આશીર્વાદ ન આપું એ કેમ ચાલે ? " નિખિલ મહારાજ હસીને બોલ્યા.
" બસ આપની કૃપા મારી ઉપર આ રીતે જ વરસતી રહે. મારા માટે હવે શું આદેશ છે ? આજે તો હું આપને એક પણ પ્રશ્ન પૂછવાનો ન હતો. " દેવરાજ બોલ્યો.
"તારા તરફથી પ્રશ્નો ના હોય તો પણ ક્યારેક અમારે કેટલાક વણઉકલ્યા સવાલોના જવાબો આપવા આવવું પડે છે. " સ્વામીજી હસીને બોલ્યા.
" જી ગુરુજી. " દેવરાજ માત્ર એટલું જ બોલ્યો.
" ઘણા સમયથી તારા મનમાં પ્રશ્ન રમતો હતો કે શીતલ કોણ છે અને શીતલનો પૂર્વ જન્મ શું હતો ? આ પ્રશ્ન માટે તને નિરાશા પણ મળી છે પરંતુ આજે મારા ગુરુજીના આદેશથી કેટલાક જવાબો આપવા માટે હું સામેથી આવ્યો છું. " ગુરુજી બોલ્યા.
ગુરુજીની વાત સાંભળીને દેવરાજ એકદમ ઉત્સાહમાં આવી ગયો.
" સૌથી પહેલાં તો મારે તને આજે જણાવવાનું છે કે દેવશંકર દાદા એ બીજા કોઈ નહીં પણ મારા અને સુબોધ મહારાજના ગુરુજી છે. અમને બંનેને એમણે જ દીક્ષા આપેલી છે. એ પોતે તો ખૂબ જ ઊંચી અવસ્થામાં છે અને અનેક જન્મોમાં સંન્યાસી રહી ચૂક્યા છે." નિખિલ મહારાજ બોલી રહ્યા હતા.
" આજે ગુરુપૂર્ણિમા હોવાથી એકાદ કલાક પહેલાં જ ગુરુજીના આદેશથી સમાધિ અવસ્થામાં સૂક્ષ્મ શરીરે હું મારા ગુરુજી પાસે સૂક્ષ્મ જગતમાં ગયો હતો. એમની સાથે મારે કેટલીક ચર્ચા થઈ છે એટલા માટે જ તારી સામે હું આવ્યો છું. " ગુરુજી બોલ્યા.
દેવરાજ માટે તો સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે દેવકીના દાદા દેવશંકર પાઢ ગુરુજીના પણ ગુરુજી હતા અને એ આટલા બધા સામર્થ્યવાન પણ હતા !! જો કે એમણે ઈચ્છા મૃત્યુથી માત્ર બે જ મિનિટમાં દેહ છોડી દીધો ત્યારે જ એને ખાતરી થઈ ગઈ હતી કે દાદાજી કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા.
" જી ગુરુજી હું આપને સાંભળવા આતુર છું." દેવરાજ ધ્યાનની અવસ્થામાં જ બોલ્યો.
" સૌથી પહેલા સમાચાર મારે તને એ આપવાના છે કે તારાં લગ્ન શીતલ સાથે થયાં જ નથી. તારાં લગ્ન દેવકી સાથે થયાં છે ! " ગુરુજી બોલ્યા.
" અરે પણ ગુરુજી એ કેવી રીતે બને ? મેં શીતલ સાથે જ લગ્ન કર્યાં છે. લગ્ન વખતે હું સંપૂર્ણ સભાન હતો......" દેવરાજ આગળ બોલવા જતો હતો પણ ગુરુજીએ એને અટકાવ્યો.
" તેં શીતલના દેહ સાથે લગ્ન કર્યાં છે. પરંતુ એ દેહમાં આત્મા દેવકીનો હતો. શુદ્ધ મંત્રોચ્ચાર સાથે અગ્નિની સાક્ષીએ દેવકી સાથે તું સાત ફેરા ફર્યો છે . લગ્ન પછીની પ્રથમ રાત્રે તારો શારીરિક સંબંધ પણ દેવકી સાથે જ થયો છે. શરીર ભલે શીતલનું હતું પણ આત્મા, મન, બુદ્ધિ, ઉર્મીઓ, આવેગો અને આવેશો બધા જ દેવકીના હતા. તને જે આનંદની અનુભૂતિ થઈ એ પણ દેવકીએ જ કરાવી હતી." ગુરુજી બોલી રહ્યા હતા.
" લગ્ન મંડપમાં જ્યારે શીતલ બે ત્રણ ક્ષણો માટે મૂર્છામાં આવી ગઈ એ વખતે દાદાજીએ જ બંનેના આત્માની અદલાબદલી કરી દીધી હતી. દેવકીના આત્માનો પ્રવેશ એમણે શીતલના દેહમાં કરાવી દીધો હતો જ્યારે શીતલના આત્માને બહાર કાઢી એને પીજી હાઉસમાં આરામ કરતી દેવકીના દેહમાં મોકલી દીધો હતો. " ગુરુજી બોલ્યા.
" પરંતુ આવું શા માટે કરવું પડ્યું ? " દેવરાજ બોલ્યો.
" શીતલના માયાવી આત્માથી તને કાયમ માટે મુક્ત કરવા માટે. સાત જનમ પહેલાં દાદાજીએ તને દીક્ષા આપી પોતાનો શિષ્ય બનાવ્યો હતો પરંતુ છેલ્લા બે જનમને બાદ કરતાં દરેક જનમમાં શીતલ તારી સાથે લગ્ન કરી તારી આધ્યાત્મિક પ્રગતિ રોકતી હતી. તને માયાના બંધનમાં નાખતી હતી. તારી પાસે એવાં કર્મ કરાવતી હતી કે જેથી પાપનો ભાર વધતો જાય અને તું આધ્યાત્મિક માર્ગે આગળ જ ના વધે. એ તાંત્રિક વિદ્યાઓ પણ કરતી. પરંતુ હવે મારા ગુરુજીએ એટલે કે દાદાજીએ શીતલની બધી જ માયાવી શક્તિઓ નષ્ટ કરી દીધી છે." ગુરુજી બોલી રહ્યા હતા.
" દાદાજીને તો અગાઉથી જ બધી ખબર હતી એટલે આ જન્મમાં એ શીતલનાં લગ્ન તારી સાથે થતાં રોકવા માગતા હતા. એટલે જ એમણે તું ત્રણ ચાર વર્ષનો હતો ત્યારે તારા માટે થઈને દેવકીના સૂક્ષ્મ જગતમાં રહેલા પવિત્ર આત્માને પોતાના ઘરે આમંત્રણ આપીને પોતાની પુત્રવધુના ગર્ભમાં મોકલ્યો હતો અને દેવકી તરીકે જન્મ થયા પછી એનામાં યોગમાયાનું આવાહન પણ કર્યું હતું. યોગમાયા સાથે લગ્ન કરાવીને તારા આત્માને એમણે શીતલના ચક્કરમાંથી મુક્ત કરી દીધો છે. " ગુરુજી બોલ્યા.
" પરંતુ ગુરુજી શીતલ તો મારી કાયદેસર પત્ની છે. અને દેવકી મારા માટે પરાઈ છે. હવે આ સત્ય જાણ્યા પછી હું તો મૂંઝાઈ ગયો છું કે મારે હવે પછી શું કરવું ? એક રીતે જોવા જઈએ તો હું અત્યારે શીતલ સાથે જે સંસાર ભોગવી રહ્યો છું એ ખરેખર તો અનૈતિક છે ! અને જો દેવકીને પતિ તરીકેનો મારો હક આપવા જાઉં તો એ પણ અનૈતિક લાગે છે કારણ કે લૌકિક દ્રષ્ટિએ મેં એની સાથે લગ્ન કર્યાં નથી. અર્જુનના જેવી મારી હાલત છે. મારે શું કરવું જોઈએ, શું નહીં એની મને કંઈ સમજ પડતી નથી. " દેવરાજ ખરેખર મુંઝાઈ ગયો !
"જ્યારે સ્વયં દાદાજી પોતે તને કોઈ આદેશ આપતા હોય તો પછી તારા મનમાં પાપ અને પૂણ્યના ખ્યાલ આવવા જોઈએ નહીં. નૈતિક શું છે અને અનૈતિક શું છે એના કાયદા સમાજ વ્યવસ્થા માટે આપણે જ નક્કી કરેલા છે. યુગે યુગે વ્યાખ્યાઓ બદલાતી રહે છે. પાપ અને પૂણ્ય સાપેક્ષ છે. " ગુરુજી બોલી રહ્યા હતા.
"રાજા મહારાજાઓ અનેક રાણીઓ સાથે લગ્ન કરતા. દાદાજીના આદેશનું પાલન કરવામાં તને પાપનો કોઈ સ્પર્શ થશે નહીં. શીતલના દેહ સાથે લગ્ન થયાં છે માટે એની સાથે પણ કંઈ અનૈતિક નથી. દેવકી તને પોતાને જ પોતાનું સર્વસ્વ માને છે અને તેં એની સાથે લગ્ન પણ કર્યાં છે માટે એની સાથેનો વ્યવહાર પણ તારા માટે કોઈ પાપ કર્મ નથી." ગુરુજી બોલ્યા.
" આપનો એટલે કે દાદાજીનો મારા માટે શું આદેશ છે ગુરુજી ? " દેવરાજ બોલ્યો.
" હું શું કહેવા માગું છું એ તું સમજી ગયો જ હોઈશ. વિસ્તારથી તને સમજાવવાની જરૂર નથી. ભલે તું તારી રીતે દેવકી સાથે આગળ વધવા ન માગતો હોય પરંતુ દેવકી જો તારી સાથે આગળ વધવા માગતી હોય તો તું એનો પણ સ્વીકાર કરી લે. શીતલ સાથે તો તારો સંસાર ચાલુ જ રહેવાનો છે અને એનો પુત્ર મનમોહન શેઠનો વારસદાર પણ બનવાનો છે. " ગુરુજી બોલ્યા.
" શીતલનો પુત્ર ? " દેવરાજ આશ્ચર્યથી બોલ્યો.
" તને આટલું બધું આશ્ચર્ય કેમ થાય છે ? તારો વંશવેલો આગળ વધવાનો જ છે. ત્રણ મહિના પછી શીતલ ગર્ભવતી થશે. ૮ વર્ષ પછી તારી માતા દેહ છોડી દેશે અને એમની પાછળને પાછળ બીજા વર્ષે તારા પાલક પિતા મનમોહન શેઠ પણ હૃદયના હુમલાથી દુનિયા છોડી દેશે. સંસાર બસ આમ જ ચાલ્યા કરે છે. પરંતુ તારે એમાં લેપાવાનું નથી. " ગુરુજી બોલી રહ્યા હતા.
" તારે તારા આત્માની ઉર્ધ્વગતિ કરવાની છે અને એમાં દેવકી જ તને સહાય કરશે. તારું અને દેવકીનું મિલન એ તો જાણે કે શિવ શક્તિનું મિલન છે. આ જન્મમાં તારે હવે સાધનામાં જ આગળ વધવાનું છે. ગાયત્રી મંત્રથી તું એક લેવલ સુધી પહોંચી ગયો છે. હવે શિવની દિવ્ય ચેતના તારું સ્વાગત કરવા તૈયાર છે." ગુરુજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.
દેવરાજ ધીમે ધીમે ભાનમાં આવ્યો. ગુરુજીનો એકે એક શબ્દ એને અત્યારે યાદ હતો. દેવકી જ એની સાચી પત્ની હતી અને શીતલના દેહ સાથે લગ્ન થયાં હોવા છતાં પણ એ લગ્ન કોઈ લગ્ન ન હતાં. લગ્નનું પવિત્ર બંધન આત્મા સાથે થતું હોય છે. દેહ સાથે કે શબ સાથે નહીં !
દેવકી એને ગમતી તો હતી જ અને જ્યારે પણ એ એને મળતી ત્યારે એના પ્રત્યે એક અદમ્ય આકર્ષણ એ અનુભવતો હતો. છતાં પોતાની માનેલી મર્યાદાઓના કારણે એ આગળ વધતો ન હતો. પરંતુ હવે તો દાદાજીએ જ એને દેવકી સાથે આગળ વધવાનો સંકેત આપી દીધો હતો.
શીતલના પાછલા જન્મો વિશે જાણ્યા પછી અને એણે પાછલા જન્મોમાં તાંત્રિક સાધના કરી હોવાથી જ એ ઈશ્વર અને ભક્તિથી આટલી બધી દૂર ભાગે છે એ વાત એને હવે સમજાઈ ગઈ ! એને આવી બધી વાતોમાં વિશ્વાસ જ નથી. એની સાથે એનો સંસાર તો સારો ચાલતો હતો. એ એની તમામ ભૌતિક ઈચ્છાઓ પૂરી પણ કરતો હતો પરંતુ એની સાથે એના મનનું અનુસંધાન ન હતું !
એની સામે દેવકી અલગ જ માટીની હતી ! એની સાથે દેવરાજના હૃદયના તાર મળતા હતા ! - મારે હવે થોડો સમય દેવકીને પણ આપવો જ જોઈએ. જો એ મારી કાયદેસરની પત્ની હોય તો હું એની સાથે અન્યાય કરી રહ્યો છું.
જેની સાથે લગ્ન નથી થયાં એ શીતલ પણ જો કરોડોની વારસદાર બની હોય તો કાયદેસરની પત્ની દેવકીનો શું વાંક ?
***********************
" દેવકી આવતી કાલે તારા હાથની રસોઈ જમવાની ઈચ્છા છે. હું બપોરે લગભગ બાર સાડા બાર આસપાસ આવી જઈશ." ગુરુપૂર્ણિમા ગયાના થોડા દિવસ પછી દેવરાજે એક દિવસ ઓફિસમાંથી દેવકીને ફોન કર્યો.
" શું વાત છે ! મારાં તો ઉઘડી ગયાં સર. શું જમવાની ઈચ્છા છે તમારી ?" દેવકી ઉત્સાહથી બોલી.
" તું જે જમાડે તે. બસ તારા હાથની રસોઈ જમવાની ઈચ્છા થઈ છે. " દેવરાજ બોલ્યો.
" મોસ્ટ વેલકમ સર ! " દેવકી માત્ર એટલું જ બોલી.
દેવકીએ બીજા દિવસે દૂધપાક પૂરી છોલે અને મેથીના ગોટા બનાવ્યા. સાથે કઢી ભાત તો ખરા જ.
" અમારા નંદુ મહારાજ રસોઈ સારી જ બનાવે છે પરંતુ તારી રસોઈમાં પ્રેમનો જે વઘાર છે એ બીજે ક્યાંય ન મળે ! ખરેખર મજા આવી ગઈ. " દેવરાજ જમતી વખતે બોલ્યો.
" હવે આજે હું કહીશ કે મને ચણાના ઝાડ ઉપર ના ચડાવશો ! " દેવકી બોલી અને બંને જણાં હસી પડ્યાં.
" દેવકી તારી સાથે થોડો અન્યાય થયો છે અને હું એનું પ્રાયશ્ચિત કરવા માગું છું. " દેવરાજ બોલ્યો.
જમ્યા પછી દેવરાજ અને દેવકી સોફા ઉપર બેસીને વાતો કરી રહ્યાં હતાં.
" તમારાથી કોઈ અન્યાય થઈ જ ના શકે સર. " દેવકી બોલી.
" ના ના એવું નથી દેવકી. દાદાજીએ તારી સોંપણી મને કરી છે અને છતાં હું તારાથી દૂર દૂર ભાગું છું. સંપૂર્ણપણે તું મને સમર્પિત થઈ ગઈ છે તો પછી તારી ઈચ્છાઓ પૂરી કરવાની મારી પણ ફરજ છે. મારી પાસે જે પણ છે એમાંથી હું તને પણ કંઈક આપવા માગું છું. તું ના ન પાડતી. દાદાજી ગુરુપૂર્ણિમાના દિવસે મારા ઘ્યાનમાં આવ્યા હતા અને એમણે તારી સાથે સંસારીક રીતે આગળ વધવાનો મને આદેશ આપ્યો છે." દેવરાજ બોલ્યો.
" વ્હોટ !! દાદાજી તમારા ધ્યાનમાં આવીને આવું સૂચન કરી ગયા ? આઈ એમ સો એક્સાઇટેડ સર. તો બોલો હવે શું હુકમ છે તમારી દેવકી માટે ?" દેવકી આંખો નચાવીને બોલી.
"શાંત થાઓ દેવીજી. દિવસોનો દુકાળ નથી. અત્યારે તો માત્ર તને જણાવવા માટે આવ્યો છું. એક બીજી વાત પણ મારે તને કરવાની છે." દેવરાજ બોલ્યો.
" હું સાંભળવા આતુર છું સ્વામીજી " દેવકી ઉત્સાહમાં આવીને લાડથી બોલી.
" લગ્નની વેદી ઉપર દાદાજીએ તારા અને શીતલના આત્માની અદલા બદલી કરી હતી. શીતલ મારી બાજુમાં બેઠી કે તરત જ દાદાજીએ તારો આત્મા શીતલમાં પ્રસ્થાપિત કરી દીધો અને શીતલનો આત્મા તારા દેહમાં મોકલ્યો. ટૂંકમાં દાદાજીએ પોતાનામાં રહેલી શુદ્ધ તંત્ર વિદ્યાથી પરકાયા પ્રવેશ કરાવ્યો. " દેવરાજ બોલ્યો.
" આ તમે શું કહી રહ્યા છો સર ! " દેવરાજની વાત સાંભળીને દેવકી આશ્ચર્યચકિત થઈ ગઈ.
" હા દેવકી. લગ્નની વેદી ઉપર શીતલના શરીરમાં તું જ હતી અને મારાં લગ્ન તારી સાથે જ થયાં છે. લગ્નનું પવિત્ર બંધન દેહ સાથે નહીં પણ આત્મા સાથે થતું હોય છે. અને એટલા માટે જ તારી સાથે આગળ વધવાની હું વાત કરી રહ્યો છું." દેવરાજ બોલ્યો.
દેવરાજની આ વાત સાંભળીને દેવકી પોતાની જાત ઉપર કાબુ રાખી શકી નહીં અને એ વહાલથી દેવરાજને વળગી પડી.
"ઓ માય લવ. કેટલા સમય પછી હું તમને પામી શકી ! આજે મારું હૈયું મારા કાબુમાં નથી દેવ." બોલતાં બોલતાં દેવકીની આંખો ભીની થઈ ગઈ.
" હા ડાર્લિંગ. તને પામવા માટે હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. પણ મારે આ રીતે શરૂઆત કરવી નથી. આપણે પણ હનીમૂન ઉપર જઈશું અને ત્યાં જ આપણા નવા જીવનની શરૂઆત થશે. બસ થોડાક દિવસ ધીરજ રાખ." દેવરાજ દેવકીના માથા ઉપર હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યો.
" અને એક બીજી વાત. આપણા બંનેનું એક જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીને એમાં પચીસેક કરોડ હું ટ્રાન્સફર કરી દઈશ. કારણ કે મારી સંપત્તિ ઉપર તારો પણ અધિકાર છે." દેવરાજ બોલી રહ્યો હતો.
" કરોડો રૂપિયાનો વારસો મને મળેલો છે. માણસ વાપરી વાપરીને કેટલા વાપરે ? મારી પાસે થોડાક અસલી ડાયમંડ પણ પડેલા છે જેની કિંમત પણ કરોડો રૂપિયા થાય છે. એ પણ હું તને આપી દેવા માગું છું. મારે એની કોઈ જરૂર નથી. ભવિષ્યમાં તારે પોતાની કોઈ હોસ્પિટલ બનાવવાની ઈચ્છા થાય તો આ પૈસા કામમાં આવશે." દેવરાજ બોલતો હતો.
" તારા માટે મારે ઘણી બધી જ્વેલરી પણ ખરીદવી છે. તું એક દિવસ સમય કાઢ એટલે આપણે સાથે જઈને તારી મનપસંદ જ્વેલરી લઈ લઈએ. કારણ કે સોનું એ તો સ્ત્રીની શોભા છે. અને એક ઇન્વેસ્ટમેન્ટ પણ છે. " દેવરાજ બોલ્યો.
દેવરાજની વાતોથી દેવકી આજે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. એને એના મનનો માણીગર મળી ગયો હતો ! એને લાગ્યું કે હવે એનું કિસ્મત પણ બદલાઈ રહ્યું છે.
દેવરાજે બે દિવસ પછી દેવકી પાસે સાઇન કરાવીને કાંદીવલીની બેંકમાં એક જોઈન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવ્યું અને એમાં ટૂકડે ટૂકડે પચીસ કરોડ જેવી રકમ ટ્રાન્સફર કરી દીધી. એટલું જ નહીં એણે જે હીરા પૂજા રૂમમાં આરસના મંદિરની પાછળના ભાગમાં પૂર્વ જન્મમાં સંતાડેલા હતા એ પણ લાવીને દેવકીને આપી દીધા અને પછી બેંક લોકરમાં મૂકાવી દીધા.
થોડા દિવસો પછી દેવરાજ અને દેવકી બંને સાથે જ્વેલરી શો રૂમમાં ગયાં અને દેવરાજે દેવકી માટે એને ગમતી લગભગ એકાદ કરોડની જ્વેલરી ખરીદી લીધી.
રક્ષાબંધન અને એની પાછળ આવતા શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવવા શીતલ આઠ દસ દિવસ માટે પોતાના પિયર અમદાવાદ ગઈ ત્યારે દેવરાજને દેવકી સાથે હનીમૂન પ્રોગ્રામ બનાવવાનો અચાનક વિચાર આવ્યો. આ જ સરસ મોકો હતો દેવકી સાથે સંસાર શરૂ કરવાનો !
એણે ગૂગલમાં તપાસ કરીને રિધમ રિસોર્ટ લોનાવાલામાં ચાર દિવસનું બુકિંગ કરાવી દીધું.
" દેવકી હોસ્પિટલમાંથી પાંચ દિવસની રજા લઈ લે. આપણે પરમ દિવસે લોનાવલા જઈ રહ્યાં છીએ. " દેવરાજે રાત્રે દેવકી સાથે ફોન ઉપર વાત કરી.
"શું વાત છે ! ચાર દિવસનો લોનાવલા નો પ્રોગ્રામ ?" દેવકી બોલી. જો કે અંદરથી તો એ ખૂબ જ એક્સાઈટ થઈ ગઈ હતી.
" હા દેવકી. હવે સમય પાકી ગયો છે. બહુ સમય તને રાહ જોવડાવી. શીતલ દસ દિવસ માટે પિયર ગઈ છે. આ જ મોકો છે. આપણાં લગ્ન થઈ ચૂક્યાં છે હવે હું પણ તને મળવા માટે બેચેન છું. પરમ દિવસે સવારે આઠ વાગે હું કાંદીવલી પહોંચી જઈશ. તું તૈયાર રહેજે. " દેવરાજ બોલ્યો.
"જેવી મારા સાહેબની આજ્ઞા." દેવકી બોલી અને દેવરાજે ફોન કટ કર્યો.
બીજા દિવસે સવારથી જ દેવકીએ હોસ્પિટલમાં છ દિવસની રજા લઈ લીધી અને એ આખો દિવસ એણે લોનાવાલા જવાની તૈયારીમાં જ વિતાવ્યો. ત્રણ કલાક માટે એ બ્યુટી પાર્લરમાં પણ જઈ આવી અને આઇબ્રો, ફેશિયલ, વેક્સિંગ વગેરે કરાવી લીધું.
એ પછી દેવકીએ શોપિંગ સેન્ટરમાં જઈને પોતાના માટે એક લાલ ઘરચોળું પણ ખરીદી લીધું. એક બે નવા સારા ડ્રેસ પણ લઈ લીધા.
પોતે એક અંગત કામે ચાર દિવસ માટે પૂના જવા માંગે છે એમ કહી દેવરાજે પપ્પાની રજા પણ લઈ લીધી. જો કે પપ્પા ક્યારે પણ દેવરાજને કંઈ પણ પૂછતા ન હતા !
અને એ પછીના દિવસે સવારે આઠ વાગે દેવરાજ દેવકીને લેવા માટે મહાવીરનગર કાંદીવલી પહોંચી ગયો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

