પીજી હાઉસ (PG house Novel Part-72)

Related

પીજી હાઉસ પ્રકરણ 72

દેવરાજે ગાડીને મહાવીરનગરથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ લઈ લીધી. ત્યાંથી જોગેશ્વરી સુધી જઈને લેફ્ટ ટર્ન લીધો અને કાંજોરમાર્ગ પહોંચી ગયો. ત્યાંથી એણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પકડ્યો અને માનખુર્દ વાશી થઈને પનવેલ ટચ થઈ ગયો અને ત્યાંથી સીધો પૂના એક્સપ્રેસ હાઈવે પકડી લીધો.

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

" હવે થોડીવાર મને ડ્રાઇવ કરવા દો. ઘણા સમય પછી ગાડી ચલાવવાનો આટલો સરસ મોકો મળ્યો છે. " વાશીવલી ક્રોસ થઈ ગયા પછી દેવકી બોલી.

" વ્હોટ ! તું ગાડી ચલાવીશ ? તું વળી ડ્રાઇવિંગ ક્યારે શીખી ? " દેવરાજ ખૂબ જ આશ્ચર્યથી બોલ્યો.

"અરે ડાર્લિંગ તમે દેવકીને શું સમજો છો ? પાક્કું લાયસન્સ છે મારી પાસે. અમારા ઘરે હોન્ડા સીટી હતી. અને હું જ ચલાવતી. તમારો પરિચય થયો એના એકાદ વર્ષ પહેલાં કાઢી નાખી." દેવકી બોલી.

" અરે દેવીજી તમે આજ સુધી મને આ વાત કેમ કરી નહીં ? મને ખબર હોત તો તમારા ઘરે અત્યાર સુધીમાં નવી નક્કોર ગાડી પહોંચી ગઈ હોત." દેવરાજ મસ્તીના મૂડમાં બહુવચનથી બોલ્યો.

" આપણી વચ્ચે ગાડીની વાત જ ક્યાં થઈ છે ? અને મારી જરૂરિયાતો બહુ જ ઓછી છે જાન. મને ગાડીનો એવો કોઈ મોહ નથી. હોસ્પિટલ બહુ દૂર નથી એટલે રીક્ષા મને ફાવી ગઈ છે. " દેવકી હસીને બોલી.

" હવે મુંબઈ જઈને તારા ઘરે એક નવી ગાડી મોકલી આપીશ. હું હવે ગાડી સાઈડમાં લઈ લઉં છું. જોઈએ તારું ડ્રાઇવિંગ કેવું છે ! " કહીને દેવરાજે ગાડીને સાઈડમાં લીધી અને નીચે ઉતરીને ડ્રાઇવિંગ દેવકીને સોંપી દીધું.

દેવકીએ એક કુશળ ડ્રાઇવરની જેમ ગાડીને સ્ટાર્ટ કરી અને ૧૦૦ થી ૧૨૦ ની ઝડપે હાઇવે ઉપર ગાડી ચલાવી. ઓવરટેક પણ દેવકી ખૂબ સરસ રીતે કરતી. દેવરાજને માનવું પડ્યું કે દેવકી ગાડી ચલાવવામાં એક્સપર્ટ છે !

સવારે ૧૧ વાગ્યે લોનાવાલા પહોંચીને દેવકીએ ગાડીને રીધમ રિસોર્ટમાં વાળી. ગાડીને વ્યવસ્થિત પાર્ક કરીને દેવકી નીચે ઉતરી. દેવરાજ પણ નીચે ઉતર્યો.

"તારું ડ્રાઇવિંગ સરસ છે દેવકી. તું ખરેખર છુપી રુસ્તમ નીકળી." દેવકી પાસેથી ગાડીની ચાવી હાથમાં લઈને દેવરાજ બોલ્યો.

" થેન્ક્સ જાન. તમારું આ લોકેશન મને બહુ જ ગમ્યું. મને તો આવા વાતાવરણમાં આધ્યાત્મિક ઉદ્દીપન થઈ જાય છે. ધ્યાનમાં બેસી જવાનું મન થાય છે. " દેવકી બોલી.

" ચોમાસાના દિવસોમાં દિવ્ય ચેતના પૃથ્વીની ખૂબ નજીક આવે છે. પરંતુ અત્યારે આપણે કોઈ શિબિરમાં નથી આવ્યાં દેવીજી. હનીમુનનો મૂડ બનાવો. " દેવરાજ હસીને બોલ્યો. દેવકી પણ હસી પડી.

રિસોર્ટનું લોકેશન બહુ જ સરસ હતું. ચોમાસાના દિવસો હતા અને હજુ થોડીવાર પહેલાં જ વરસાદ પડેલો હતો એટલે વાતાવરણમાં પણ ભીનાશ હતી.

બંને જણાં રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયાં અને દેવરાજે પોતાનું આઈડી આપ્યું. બુકિંગ કરાવેલું જ હતું એટલે રજીસ્ટરમાં સહી કરીને દેવરાજે પહેલા માળે આવેલા એક સ્યુટની ચાવી લઈ લીધી.

કલ્પના કરતાં પણ સુંદર હેરિટેજ ટાઇપનો વિશાળ લેવિશ રૂમ હતો. રૂમની અંદર પણ સુંદર સજાવટ હતી. ડબલ બેડની સામે બે સોફા ગોઠવેલા હતા. બારીની બહાર પણ કુદરતી સૌંદર્યનો સુંદર નજારો હતો.

" મારો વિચાર છે હું ફરી એક વાર સ્નાન કરી લઉં ! " સોફા ઉપર બેસીને બુટ મોજા કાઢ્યા પછી દેવરાજ બોલ્યો.

" હા તો કરી લો ને ! ગરમ પાણીથી થાક પણ ઉતરી જશે અને ફ્રેશ થઈ જવાશે." દેવકી બોલી.

અને દેવરાજ વોશરૂમમાં ગયો. વોશરૂમ ખૂબ જ વિશાળ હતો. ટુવાલ સાબુ બધું મૂકેલું જ હતું. દેવરાજે ગરમ પાણીના શાવરથી બરાબર સ્નાન કરી લીધું. કપડાં પહેરી માથું પણ ઓળી લીધું.

" હવે સ્ફૂર્તિ આવી ગઈ. તારે પણ સ્નાન કરવું હોય તો કરી લે. મસ્ત ગરમ પાણી શાવરમાં આવે છે. " દેવરાજ બહાર આવીને બેડ ઉપર બેઠેલી દેવકી પાસે બેસીને બોલ્યો.

" હું તો સ્ફૂર્તિમાં જ છું જાન. મને તો કોઈ થાક લાગ્યો નથી. " દેવકી બોલી.

" આજે હું ખૂબ જ ખુશ છું દેવકી. તારી સાથે મારું મિલન થવાનું છે એટલા માટે નહીં, પણ તને હું મારી પત્ની બનાવી શક્યો છું એનો મને આનંદ છે." દેવરાજ દેવકીનો હાથ પકડીને બોલ્યો.

" હું પણ ખૂબ જ ખુશ છું જાન. હું તો તન મનથી તમને સમર્પિત જ હતી. " દેવકી બોલી.

"હું જાણું છું દેવકી." દેવરાજ બોલ્યો.

" તમારા સિવાય હું બીજા કોઈના માટે વિચારી શકતી જ ન હતી. તમે તે દિવસે પરાણે મને ભાટિયા અંકલના ઘરે મોકલી પરંતુ ત્યારે પણ મારું મન ખૂબ અપસેટ હતું. હું આજીવન કુંવારી રહેવા તૈયાર હતી. મારા માટે તો દાદાજીના શબ્દો ઈશ્વરની વાણી જેવા હતા. " દેવકી બોલી.

" સાવ સાચું કહું તો પહેલીવાર તને જોઈ ત્યારે જ તારા પ્રેમમાં પડી ગયો હતો પરંતુ શીતલ સાથે મારું નક્કી થઈ ગયું હતું એટલે આટલું બધું આકર્ષણ હોવા છતાં પણ મેં તને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. ઋષિકેશમાં પણ મારા મનને મેં બહુ જ સંયમમાં રાખ્યું હતું." દેવરાજ બોલ્યો.

" મને એના માટે કોઈ ફરિયાદ પણ નથી. તમે તમારી જગ્યાએ સાચા હતા. પરંતુ મને વિશ્વાસ હતો કે એક દિવસ તમે મારો સ્વીકાર કરી જ લેશો. મેં તમારી આંખોમાં ભરપૂર પ્રેમ જોયો છે." દેવકી બોલી.

અને એ પછી દેવકી દેવરાજના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ અને દેવરાજ એના વાળ ઉપર વહાલથી હાથ ફેરવતો રહ્યો.

બંનેના હૃદયમાં આવેશો અને આવેગો ઉમટી રહ્યા હતા પરંતુ હજુ બપોરનો સમય હતો અને જમવાનું બાકી હતું એટલે બંનેએ સંયમ રાખ્યો.

" હવે આપણે જમવા જઈશું ? સાડા બાર વાગવા આવ્યા છે. " અડધા કલાક પછી દેવરાજ બોલ્યો.

" હા જાન " દેવકી ખોળામાંથી ઊભી થઈ અને બોલી.

જમવા માટે રીધમ રિસોર્ટમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટ્રી હાઉસ રેસ્ટોરન્ટ હતું. દેવરાજ અને દેવકી એમાં જમવા માટે ગયાં.

" આમાં મોટા ભાગની વાનગીઓ તો નોનવેજ અને સી ફૂડની છે. " દેવકી મેનુ જોઈને બોલી.

" આ મહારાષ્ટ્ર છે દેવકી. અહીં આવનારા પ્રવાસીઓ મોટાભાગે નોનવેજ ખાનારા અને પીવાવાળા જ જ હોય છે. એ તો સારું છે કે થોડી પંજાબી આઈટમો આપેલી છે. " દેવરાજ બોલ્યો અને એણે બટર રોટી અને પાલક પનીરનો ઓર્ડર આપ્યો અને થોડીવાર પછી જીરા રાઈસ અને દાલ ફ્રાય લાવવાનું વેઈટરને કહ્યું.

જમ્યા પછી બંને ફરી પાછાં રૂમમાં ગયાં. દોઢ વાગ્યો હતો એટલે થોડી વાર આરામ કરવાનું જ નક્કી કર્યું.

૪ વાગે ઊઠીને રૂમ સર્વિસમાં કોલ કરી ચા મંગાવી લીધી. એ પીધા પછી થોડીવાર બહાર ફરવા જવાનું નક્કી કર્યું.

દેવરાજે કાઉન્ટર ઉપર જઈને લોનાવલામાં જોવાલાયક સ્થળોની માહિતી લીધી. એ પછી તેઓ ભૂશી ડેમ જોવા માટે નીકળી ગયાં. ઇન્દ્રાણી નદી ઉપર બનેલો આ ડેમ એક અદભુત નજારો છે. ઘણા બધા પ્રવાસીઓ અહીં જોવા મળ્યા. ચારે બાજુ પહાડીઓની વચ્ચે વહેતી નદી ડેમમાં દાખલ થાય છે. ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે.

દેવરાજ અને દેવકીએ પણ નદીમાં થોડેક સુધી ચાલીને વહેતા પાણીનો આનંદ લીધો. એકાદ કલાક ત્યાં રોકાયા પછી બંને સાંજે સાડા સાત વાગે હોટલ ઉપર પાછાં આવી ગયાં.

આઠ વાગે ફરી પાછાં ટ્રી હાઉસમાં જઈને જમી લીધું. અત્યારે માત્ર હળવું ભોજન જ લઈ લીધું.

" તમે અડધા કલાક માટે જરા બહાર જશો ? " રાત્રે નવ વાગે દેવકી બોલી.

" અરે મારાથી શું છાનુ છે ડાર્લિંગ ?" દેવરાજ બોલ્યો.

" પ્લીઝ. જાઓને બહાર. અડધા પોણા કલાક પછી હું તમને ફોન કરું ત્યારે તમે આવજો. " દેવકી લાડથી દેવરાજને વળગીને બોલી.

" ઓકે બાબા. હું રિસેપ્શન હોલમાં બેસીશ. રાતનો ટાઈમ છે એટલે ક્યાંય દૂર જવાની ઈચ્છા નથી. અને વરસાદ પણ ગમે ત્યારે પડી શકે છે. " દેવરાજ બોલ્યો અને બહાર ગયો.

દેવકી વોશરૂમમાં ગઈ અને એણે માથું શેમ્પુથી ધોઈને નાહી લીધું. નાહીને બહાર આવ્યા પછી એણે ઘરચોળું પહેરી લીધું. વાળને ઓળીને એણે ખુલ્લા જ રાખ્યા. કપાળમાં એણે સૌભાગ્યનો ચાંદલો કર્યો. સેંથીમાં સિંદૂર ભર્યું. મહેદી તો એણે ગઈકાલે બ્યુટી પાર્લરમાં જ લગાવેલી હતી. આંખોમાં કાજલ લગાવ્યું. ગળામાં સુંદર નેકલેસ પહેરી લીધો. કાનમાં ઇયરિંગ્સ પણ બદલી નાખ્યાં અને નવોઢાની જેમ તૈયાર થઈ ગઈ !

સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ સદીઓથી રહેલું છે. સ્ત્રી પતિ માટે જ તૈયાર થાય છે. પતિનું આકર્ષણ ટકી રહે એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. દેવકીએ તૈયાર થયા પછી પોણા દસ વાગે દેવરાજને ફોન કરી દીધો.

દેવરાજ પાંચ જ મિનિટમાં આવ્યો અને રૂમમાં પ્રવેશીને દુલ્હન બનેલી દેવકીને બસ જોઈ જ રહ્યો. વાહ અદ્ભુત !!

દેવકી એટલી બધી આકર્ષક લાગતી હતી કે દેવરાજ ઉત્તેજિત થઈ ગયો. દેવકી શું આટલી બધી સુંદર છે ? ડ્રેસ કરતાં પણ સાડીમાં દેવકી વધુ સુંદર લાગતી હતી !!

"યુ આર બ્યુટીફુલ દેવકી. નો વર્ડ્સ" દેવરાજ પ્રશંસાથી બોલ્યો.

" આ બધા સાજ શણગાર માત્ર તમારા માટે જ છે દેવ ! " દેવકી બોલી અને દેવરાજને વીંટળાઈ ગઈ.

દેવરાજે દેવકીના કપાળમાં પ્રેમથી કીસ કરી અને એને પકડીને બેડ ઉપર લઈ ગયો. બંને જણાં તકિયાને અઢેલીને બેસી ગયાં.

"આજે આપણી સુહાગરાત છે જાન. આ દિવસ માટે તારે બહુ રાહ જોવી પડી છે. હવે આજે તારી સાથે મારે સ્વર્ગની અનુભૂતિ કરવી છે. તું મને સાથ આપ " રાત્રે દસ વાગે દેવરાજ દેવકીને પોતાના ખોળામાં સૂવડાવીને બોલ્યો.

" હું તમારી જ છું જાન. મારું સર્વસ્વ મેં તમને આપેલું જ છે. કોઈ પણ વાતનો પ્રતિકાર હું નહીં કરું. દેવકી તમારી સેવામાં હાજર છે. હું પણ એ આનંદ લેવા માટે બેચેન છું. " દેવકી બોલી.

ધીમે ધીમે વાર્તાલાપો ઓછા થતા ગયા અને બંનેને એક નશો ચડવા લાગ્યો. બંને ધીમે ધીમે એકબીજાની નજીક આવતાં ગયાં. લજ્જા અને શરમનાં વસ્ત્રો ફગાવી દીધાં અને બંને મદહોશીમાં ખોવાઈ ગયાં. દેવરાજ અને દેવકી માટે એ રાત તોફાની બની ગઈ.

દેવરાજ વહેલી સવારે પાંચ વાગે જાગી ગયો. પાંચ મિનિટ તો એ બેડ ઉપર બેસી જ રહ્યો અને સૂતેલી દેવકીને જોતો રહ્યો. દેવકી સાથે એણે રાત્રે જે શૈયાસુખ માણ્યું એ કદાચ એના જીવનનું આજ સુધીનું સર્વ શ્રેષ્ઠ સુખ હતું. શિવ અને શક્તિનું જાણે કે મિલન થયું હતું !

દેવરાજ ઉભો થયો અને વોશરૂમમાં જઈને એણે બ્રશ કરી લીધું. એ પછી એ બહાર આવ્યો અને ધ્યાનમાં બેસી ગયો. બહાર વરસાદ પડી રહ્યો હતો.

ધ્યાનમાં દેવરાજ ખૂબ જ ઊંડો ઉતરી ગયો અને સમાધિ સુધી પહોંચી ગયો. સમાધિ અવસ્થામાં દેવરાજનો આત્મા દેહથી છૂટો પડી ગયો અને કોઈ અદ્રશ્ય શક્તિ એને ખેંચીને ઉપર સૂક્ષ્મ જગતમાં લઈ ગઈ. કોઈ લાંબી ટનલમાંથી પસાર થયો હોય એવો અનુભવ એને થયો.

એણે કોઈ પ્રકાશમય લોકમાં પ્રવેશ કર્યો. અહીં અદભુત પ્રકાશ હતો. ક્યારે પણ ન જોયાં હોય એવા રંગબેરંગી બગીચા અને વૃક્ષો હતાં. સુંદર સરોવરો હતાં. દેવરાજ આ બધા બગીચા અને સરોવરો ઉપરથી ઉડતો આગળ વધતો હતો.

છેવટે એક બગીચામાં આવીને એ સ્થિર થઈ ગયો. એણે જોયું તો સામે ધ્યાન અવસ્થામાં દેવશંકર દાદા બેઠા હતા.

દેવરાજ બગીચામાં ચાલતો ચાલતો દાદાજી પાસે ગયો. દાદાજીએ જ એને બોલાવ્યો હતો એટલે એમણે તરત જ આંખો ખોલી નાખી.

"તમે આવી ગયા ? " દાદાજી બોલ્યા.

" હા દાદાજી. પણ હું તમારાથી ઘણો નાનો છું હવે તો મને તું કહીને બોલાવો ! " દેવરાજ બે હાથ જોડીને બોલ્યો.

" મેં પહેલા પણ જવાબ આપેલો છે. તમામ આત્માને હું માનથી જ બોલાવું છું. " દાદાજી બોલ્યા.

" જી દાદાજી. મને આપે અહીં શા માટે બોલાવ્યો ? મને હવે ખ્યાલ આવી ગયો છે કે આપ જ મારા ગુરુજી છો અને મારા સ્પિરીચ્યુઅલ ગાઈડ પણ છો. " દેવરાજ બોલ્યો.

" હા એટલે મારા શિષ્ય તરીકે જ મેં તમને અહીં બોલાવ્યા છે. સમાધિ અવસ્થાનો તમને અનુભવ પણ આજે કરાવી દીધો. " દાદાજી બોલ્યા.

" હા આજે તો મને ધ્યાનમાં બેસતાં તરત જ સમાધિ થઈ ગઈ. " દેવરાજ બોલ્યો.

" મારે તમને કેટલીક સૂચનાઓ આપવી છે અને એટલા માટે જ તમને બોલાવ્યા છે. " દાદાજી બોલ્યા.

" જી ગુરુજી. " દેવરાજ બોલ્યો.

" તમને સત્ય સમજાઈ ગયું અને તમે દેવકીનો સ્વીકાર કર્યો એનાથી મને ખૂબ જ આનંદ થયો છે. તમારા માટે જ મેં દેવકીના આત્માને મારી પુત્રવધુના ગર્ભમાં બોલાવ્યો હતો. તમારી ઉર્ધ્વ ગતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે દેવકીના પોતાના શરીર સાથે એક વાર સંભોગ ખૂબ જ જરૂરી હતો. અને તો જ શિવ અને શક્તિનું મિલન થાય અને બંનેની ઉર્જાનું આદાન પ્રદાન થાય. તમારા બંનેના મિલનથી હવે તમારાં સાતે સાત ચક્રો જાગૃત થવા લાગશે. " દેવશંકર દાદા બોલી રહ્યા હતા.

" તમારે હવે બીજી વાર દેવકી સાથે શારીરિક સંબંધ કરવાનો નથી. એની અંદર યોગમાયા પ્રસ્થાપિત કરેલી છે તેથી એ ભોગ માટે નથી. એ પોતે જ હવે તમને ના પાડશે. શીતલ તમારા માટે યોગ્ય પાત્ર નથી. હવે તમે ધીમે ધીમે વાસનાના આ ખેલમાંથી બહાર આવી જાઓ અને અંદરથી ચેતનાનું ઉર્ધ્વગમન કરો. મારા આશીર્વાદ તમારી સાથે છે." દાદાજીએ પોતાની વાત પૂરી કરી.

" જેવી આપની આજ્ઞા ગુરુજી. મને પણ અંદરથી હવે વીતરાગ પેદા થતો જાય છે. આપના આશીર્વાદથી આ બધી બાબતોમાં આમ પણ મને રસ ઓછો છે. " દેવરાજ બોલ્યો.

" દેવકીનું ધ્યાન રાખજો. તમે એને પત્નીનો હક આપીને જે પણ કર્યું એનાથી મને સંતોષ થયો છે. હવે હું તમને તમારી હોટલમાં પાછા મોકલી દઉં છું." દાદાજી બોલ્યા.

અને એ સાથે જ એક આંચકા સાથે દેવરાજના આત્માએ એના શરીરમાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે એ ઘ્યાનમાંથી બહાર આવ્યો.

દેવરાજ ધ્યાનમાંથી બહાર આવ્યો તો એણે જોયું કે એની સામે દેવકી પણ ધ્યાનમાં બેઠેલી છે. દેવકીએ સ્નાન કરી લીધું હોય એવું લાગતું હતું. એણે કપડાં બદલેલાં હતાં અને માથાના વાળ ભીના હતા. એના શરીરમાંથી એક પ્રકારની સુગંધ બહાર આવી રહી છે. પણ એ સુગંધ પર્ફ્યુમની નહોતી.

એણે મોબાઇલમાં ટાઈમ જોયો તો સવારના સાત વાગીને દસ મિનિટ થઈ હતી. મતલબ કે એ ધ્યાનમાં બેઠો એને બે કલાક જેવો સમય વીતી ગયો હતો. એણે દેવકીને ડિસ્ટર્બ કરી નહીં.

એને ફ્રેશ થવાનું અને ન્હાવાનું બાકી હતું એટલે એ પોતાનાં કપડાં લઈને વોશરૂમમાં ગયો. એ ન્હાઈ ધોઈ બહાર આવ્યો ત્યારે પોણા આઠ વાગી ગયા હતા. હજુ પણ દેવકી ધ્યાનમાં જ બેઠી હતી. એણે દેવકીની સામે બેસીને ગાયત્રીની માળા ચાલુ કરી અને પાંચ માળા પૂરી કરી.

દેવરાજે માળા પૂરી કરી એ પછીની પાંચેક મિનિટ પછી દેવકીએ આંખો ખોલી. એના ચહેરા ઉપર એક દિવ્ય સ્મિત હતું !

" ગુડ મોર્નિંગ માય લવ. આજે તો વહેલા વહેલા ધ્યાનમાં બેસી ગયા ! " દેવકી બોલી.

" હું તો ચાર વાગે ઉઠી જાઉં છું. પણ ગઈ કાલના તારા રોમાંચક સહવાસમાં મોટું જાગરણ થયું હતું. એટલે આજે પાંચ વાગે ઉઠ્યો. " દેવરાજ હસીને બોલ્યો.

"ગઈ રાતનું તમારી સાથેનું મારું મિલન અદભુત રહ્યું દેવ. હું તમને પામીને ધન્ય થઈ ગઈ છું અને સંપૂર્ણ પરિતૃપ્ત છું. મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. બસ એ મધુર યાદોને આજીવન મમળાવવા માગું છું. તમને ખોટું ન લાગે અને તમે સાથ આપો તો વાસનાના આ વમળમાં હું હવે ફસાવા નથી માગતી. આપણો સંબંધ હવે નિર્મળ અને પવિત્ર રહે એવી મારી ઈચ્છા છે ! " દેવકી દેવરાજનો હાથ પકડીને બોલી.

" તેં તો મારા મનની વાત કહી દેવકી. મારી પણ એવી જ ઈચ્છા છે કે આપણો સંબંધ પવિત્ર અને નિર્મળ રહે. કારણ કે શીતલ મારી કાયદેસર પત્ની છે. એની સાથે હું બંધાયેલો છું. અને બંને સ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવો મારા આત્માને ડંખે છે કારણકે હું આધ્યાત્મિક માર્ગ ઉપર છું. " દેવરાજ બોલ્યો.

દેવરાજ સમજી ગયો હતો કે દેવકીમાં આવેલું આ પરિવર્તન દાદાજીએ જ પેદા કરેલું છે. નહીં તો ગઈકાલે રાત્રે દેવકીનું જે રીતનું આક્રમક વર્તન હતું એ જોતાં આટલી સરળતાથી અને આટલી જલદી યુવાન દેવકીના જાતીય આવેગો ઓછા થઈ જાય અને એ વાસનાના વમળમાંથી બહાર આવી જાય એ કોઈ કાળે શક્ય જ ન હતું !!!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."