પીજી હાઉસ અંતિમ પ્રકરણ 73
(અંતિમ પ્રકરણ)દેવશંકર દાદાએ દેવરાજના આત્માને સૂક્ષ્મ જગતમાં બોલાવીને દેવકી સાથે હવે બીજી વાર શારીરિક સંબંધ ન કરવાની સલાહ આપી હતી તો સાથે સાથે એમણે દેવકીના વિષયી વિચારોનું પણ પરિવર્તન કરી દીધું હતું એટલે એ પણ હવે આજીવન પવિત્ર રહેવા માગતી હતી !
પીજી હાઉસ નવલકથા
એટલે હનીમૂન હવે એક રાત પૂરતું જ મર્યાદિત બની ગયું હતું. રીધમ રિસોર્ટ માં વધુ રોકાવાનો હવે કોઈ અર્થ પણ ન હતો એટલે બપોરે જમ્યા પછી દેવરાજે હોટલ છોડી દેવાનો નિર્ણય લીધો અને જમીને એણે રિસોર્ટ છોડી પણ દીધું અને દેવકી સાથે મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
મુંબઈ સુધી ગાડી આજે દેવરાજે જ ચલાવી અને દેવકીને કાંદીવલી મહાવીરનગર એના ઘરે ઉતારી.
" ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે ચા પીને પછી જ નીકળો." ઘરે પહોંચીને દેવકી બોલી.
" તારા હાથની ચા પીવા માટે હું કદી ના પાડું જ નહીં. તારી રસોઈ અને તારી ચાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે ! એમાં તારા ભરપૂર પ્રેમની મીઠાશ ભળેલી હોય છે. " દેવરાજ હસીને બોલ્યો.
" આપણે બંને એક જ છીએ દેવ. હું તમારામાં છું અને તમે મારામાં છો. આપણો સંબંધ કંઈક અલૌકિક જ છે. મારા રોમેરોમમાં તમે વ્યાપેલા છો. દેવ અને દેવકીનો પ્રેમ રાધા અને કૃષ્ણ જેવો છે. એકદમ નિર્મળ અને એકદમ નિઃસ્વાર્થ !" કહીને દેવકી ફરી એના પ્રિયતમને વળગી પડી.
દેવરાજ પણ દેવકીની વાતો સાંભળીને ભાવુક થઈ ગયો. એણે દેવકીની પીઠ ઉપર હાથ પસવાર્યો અને પછી હળવેથી એને પોતાનાથી અલગ કરી.
ચા પીને એણે દેવકીની ભાવભરી વિદાય લીધી અને નીચે ઉતરી ગયો. ગાડીને એણે સીધી વાલકેશ્વર લીધી.
" કેમ બેટા આટલો વહેલો આવી ગયો ? ત્રણ ચાર દિવસ માટે ગયો હતો ને ! " દેવરાજને અચાનક આવેલો જોઈને મમ્મીએ પૂછ્યું.
" હા મમ્મી મિટિંગ જ કેન્સલ થઈ ગઈ એટલે પછી સીધો ઘરે જ આવી ગયો." દેવરાજ બોલ્યો.
" તારે પણ તહેવારોમાં અમદાવાદ જવું હોય તો જઈ આવ. શીતલ પણ ત્યાં જ છે ને ! " મમ્મી બોલી.
" ના મમ્મી ત્યાં જવાની કોઈ ઈચ્છા નથી. " દેવરાજ બોલ્યો અને પછી પોતાના બેડરૂમમાં આરામ કરવા માટે ગયો.
દેવકી પોતે વર્ષોથી ગાયત્રી મંત્ર કરતી હતી. રોજની પાંચ માળાનો એનો નિયમ હતો. સમય મળે તો ક્યારેક ૧૧ માળા પણ કરતી. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી દરમિયાન ગાયત્રી અનુષ્ઠાન પણ એ કરતી.
એ બધી ઉર્જા તો એનામાં હતી જ પરંતુ વધારામાં દાદાજીએ એનામાં યોગમાયાની પ્રતિષ્ઠા કરેલી હતી એટલે દેવકી પાસે સંજીવની વિદ્યાનો હીલિંગ પાવર પણ આવી ગયેલો હતો. પરંતુ દેવકી આ બધી બાબતોથી અજાણ હતી.
નિયતિએ એને એચસીજી કેન્સર હોસ્પિટલમાં ચોક્કસ હેતુથી જ મોકલી હતી જેથી એની સેવાઓ અને એનામાં રહેલી કેટલીક શક્તિઓનો લાભ દર્દીઓને મળે !
દેવકી નવી કેન્સર હોસ્પિટલમાં જોઈન થઇ એ પછી ત્રણેક મહિના પછીની આ ઘટના છે. આ ત્રણ મહિનામાં તો દેવકી એની સેવાઓ અને સ્વભાવના કારણે આખી હોસ્પિટલમાં લોકપ્રિય થઈ ગઈ હતી.
કેન્સરથી પીડાતો ૩૦ વર્ષનો એક યુવાન છેલ્લા સ્ટેજ ઉપર હતો અને છેલ્લા છ દિવસથી વેન્ટિલેટર ઉપર હતો. પરિવારમાં માત્ર એની મમ્મી જ હતી. એ એનો એકનો એક દીકરો હતો અને એના પગાર ઉપર જ જીવનનિર્વાહ ચાલતો હતો.
વર્ષોથી આ યુવાન ગુટકા ખાતો હતો. કેન્સર છેક ગળા સુધી ફેલાયેલું હતું. એના જડબા અને ગળાનું ઓપરેશન થઈ ગયું હતું છતાં એની હાલત દિવસે દિવસે બગડતી જતી હતી. કેસ એકદમ સીરીયસ હતો છતાં આશામાં ને આશામાં ૬ દિવસ સુધી વેન્ટિલેટર ચાલુ રાખ્યું હતું પરંતુ આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું.
"બેન તમે હવે આશા છોડી દો. અમે અમારાથી બનતી બધી જ કોશિશ કરી છે. આઈસીયુ અને વેન્ટિલેટરના રોજના હજારો રૂપિયા વધતા જાય છે. તમે બધા જ દાગીના વેચી નાખ્યા છે. મારી એવી ઈચ્છા છે કે વેન્ટિલેટર આપણે દૂર કરી દઈએ."
કેન્સરના સિનિયર સર્જન પોતાની કેબિનમાં બોલાવીને પેશન્ટની માતા સાથે વાત કરી રહ્યા હતા. દેવકી પણ ત્યાં હાજર હતી.
"સાહેબ તમે મારા દીકરાને બચાવી લો. એના સિવાય મારું કોઈ જ નથી. દાગીના તો બધા વેચી નાખ્યા. હવે ક્યાંકથી દસ ટકા વ્યાજે લાવીને પણ હું પૈસા ભરીશ. " બોલતાં બોલતાં એ બેન રડી પડ્યાં.
"બહેન એના બચવાનો કોઈ જ ચાન્સ નથી પછી પૈસા શું કામ બગાડવા ? એની હાલતમાં જરા પણ સુધારો થતો નથી. દેવું કરવાનો કોઈ મતલબ નથી." ડૉક્ટર બોલ્યા.
" તમે ચિંતા નહીં કરો આન્ટી. તમારો દીકરો સારો થઈ જશે. આવતી કાલથી વેન્ટિલેટરની પણ જરૂર નહીં પડે." દેવકીથી અચાનક બોલાઈ ગયું.
" અરે સિસ્ટર કેસને જોયા સમજ્યા વગર તમે એમને ખોટું આશ્વાસન શા માટે આપો છો ? હું જ્યારે કહું છું કે પેશન્ટના બચવાની કોઈ આશા જ નથી ત્યારે તમે એમને આવી વાત કરો છો ? " ડૉક્ટર થોડાક ગુસ્સે થઈને બોલ્યા.
"સર મારા ઉપર વિશ્વાસ રાખો. માત્ર આજનો દિવસ વેન્ટિલેટર ચાલુ રાખો. કાલે સવારે કાઢી નાખજો. પેશન્ટ બચી જશે. " દેવકી બોલી.
આન્ટી દેવકી સામે આશાથી જોઈ રહ્યાં હતાં. જાણે સાક્ષાત ઈશ્વરની વાણી એમણે સાંભળી હતી.
" ઠીક છે. તમે લોકો જાઓ હવે. કાલે સવારે વેન્ટિલેટર રીમુવ થઈ જશે." ડૉક્ટર દેવકીનું માન રાખીને બોલ્યા.
" કાલ સુધી રાહ જોવી જ નહીં પડે સર." દેવકી ફરી બોલી અને બહાર નીકળી ગઈ.
સર્જનને એ સમજાતું ન હતું કે આ દેવકી આજે કેમ આ રીતે વાત કરે છે ! અને એ બોલતી હતી પણ કેટલા આત્મવિશ્વાસથી !!
એ પછી દેવકી આઈસીયુમાં ગઈ અને પેલા બેભાન યુવાનના માથા ઉપર હાથ મૂક્યો. એણે એના દાદાજીનું સ્મરણ કર્યું. આ યુવાનને બચાવવાની પ્રાર્થના પણ કરી.
પછી અચાનક શું થયું કે દેવકીએ વેન્ટિલેટર એકદમ દૂર કરી દીધું. એ પેલા યુવાન સામે ત્રાટક કરીને સતત જોઈ રહી હતી. જાણે કે કોઈ શક્તિ એના શરીરમાંથી પેલા યુવાનના શરીર તરફ પ્રવાહિત થઈ રહી હતી !
એણે જોયું કે યુવાનના શ્વાસોશ્વાસ ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યા હતા. એ ધીમે ધીમે ભાનમાં આવતો જતો હતો. એણે ધીમે રહીને આંખો ખોલી.
" તમને કેમ લાગે છે હવે ? " દેવકી બોલી.
" સિસ્ટર ગળાની પીડા ઘણી ઓછી થઈ ગઈ છે . હું ધીમે ધીમે બોલી પણ શકું છું. મને એવું લાગે છે કે જાણે હું છેક ઉપર જઈને પાછો આવ્યો છું. મને નવી જિંદગી મળી છે. " યુવાન ધીમા અવાજે બોલ્યો.
" હા તમે ઉપર સૂક્ષ્મ જગતમાં જઈને જ પાછા આવ્યા છો. તમને હવે સારું થઈ જશે. તમારી મમ્મીના આશીર્વાદથી જ તમે બચી ગયા છો." દેવકી હસીને બોલી.
આઈસીયુને સંભાળતો જે જુનિયર ડોક્ટર હતો એ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. પરંતુ દેવકીએ વેન્ટિલેટર દૂર કર્યું એટલે તરત જ એ દોડતો આવ્યો. પરંતુ એણે છેલ્લે જે સંવાદો સાંભળ્યા એનાથી એ અવાક થઈ ગયો.
આવું કઈ રીતે બને ? આ દર્દીના શ્વાસ તો વેન્ટિલેટરના કારણે ચાલતા હતા. જ્યારે વેન્ટિલેટર કાઢ્યા પછી પણ આ યુવાન અત્યારે એકદમ નોર્મલ શ્વાસ લઈ શકતો હતો અને વાતચીત પણ કરી શકતો હતો !
એ તરત જ દોડીને સિનિયર સર્જનની કેબિનમાં ગયો અને બધી વાત કરી.
સિનિયર સર્જન ઝડપથી આઈસીયુમાં આવ્યા અને એમણે જે જોયું એ એમની કલ્પનાની બહાર હતું. દર્દી તો બેડ ઉપર બેઠો થઈ ગયો હતો અને કોઈ જ પીડા ન હોય એ રીતે દેવકી સાથે વાતો કરી રહ્યો હતો. આવું બને જ કઈ રીતે ? આ દેવકી છે કોણ ?
સર્જને એ યુવાનને બરાબર તપાસી લીધો. હવે તો સામે ગોઠવેલા મોનીટરમાં પણ એનું બ્લડપ્રેશર, એની પલ્સ, એનો ઓક્સિજન બધું જ નોર્મલ દેખાઈ રહ્યું હતું ! યુવાનના ઓપરેશન કરેલા ગળાના ભાગ ઉપર પણ જાણે કે ખાડો પુરાઈ ગયો હતો !!
" અરે તમે આ બધું કેવી રીતે કર્યું ? તમે મને વેન્ટિલેટર કાઢવાની ના પાડતાં હતાં ત્યારે હું તમારી ઉપર ગુસ્સે થયો હતો એ બદલ સોરી દેવકી. તમે તો એક જાદુગરની જેમ કામ કર્યું છે. આઈ કાન્ટ બીલીપ ધીસ. " સર્જન દેવકીની સામે જોઈને બોલ્યા.
" તમારે માફી માગવાની ના હોય સર. મને અંદરથી જે લાગતું હતું એ હું બોલી હતી. મેં કંઈ જ કર્યું નથી. મેં મારા અંતરના અવાજ પ્રમાણે ઈશ્વરને પ્રાર્થના કરીને વેન્ટિલેટર દૂર કર્યું. " દેવકી નમ્રતાથી બોલી.
ચારે બાજુ આ ઘટનાની ચર્ચા થઈ. બીજી નર્સો પણ આઈસીયુમાં દોડી આવી. યુવાનની મમ્મી પણ અંદર દોડતી આવી અને એણે એના પુત્રને બેઠો થઈને વાતો કરતો જોયો. એ રડતાં રડતાં દેવકીને પગે પડી.
" અરે આન્ટી તમે તો મારી માની જગ્યાએ છો. તમારાથી મને પગે ના પડાય." દેવકી બોલી અને એણે આન્ટીને ઉભાં કર્યાં.
દેવકીના હીલિંગ પાવરનો લાભ તમામ દર્દીઓને મળવા લાગ્યો. દેવકીના સ્પર્શ માત્રથી દર્દીની પીડા ઓછી થઈ જતી. કેન્સરના કેટલાક દર્દીઓ તો દેવકીની પ્રાર્થના અને એના સ્પર્શથી સારા પણ થઈ જતા. જેમનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય એ લોકો ભલે બચી ન શકે પરંતુ મૃત્યુ શાંતિથી થતું હતું.
જિંદગી પસાર થતી રહી... શીતલ એની રીતે વૈભવ માણવામાં મસ્ત હતી તો દેવકી દેવરાજને પામીને સુખી હતી. એણે આધ્યાત્મિક સાધનાની સાથે સાથે એનું જીવન હોસ્પિટલના દર્દીઓને સમર્પિત કર્યું હતું !!
દેવરાજના હર્ષદમામાએ અમદાવાદમાં પાઠ્યપુસ્તકોની દુકાન ખોલી હતી અને એ દુકાન સ્કૂલની સામે જ હોવાથી ધીમે ધીમે ખૂબ જ જામી ગઈ હતી. ત્યાં એમણે ઝેરોક્ષ મશીન પણ મૂકી દીધું હતું.
શીતલે પણ પોતાનું અલગ એકાઉન્ટ ખોલાવી દીધું હતું અને દેવરાજને લાડ કરી કરીને ઘણી મોટી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધી હતી. એ રકમમાંથી ૨ થી ૩ કરોડ જેટલી માતબર રકમ કાન્તિલાલના ખાતામાં ટૂકડે ટૂકડે ટ્રાન્સફર કરી દીધી હતી. એમાંથી ૨ કરોડ પોતાની સૌથી નાની બહેનો માટે, ૫૦ લાખ મમ્મી પપ્પા માટે અને ૫૦ લાખ શાલુને આપવાની ભલામણ કરી હતી.
એણે આ બધું દેવરાજથી છૂપાવીને જ કર્યું હતું પરંતુ દેવરાજને મળેલી સિદ્ધિઓથી એ બધું જ જાણી ગયો હતો. એનું દિલ ઉદાર હતું. એણે એને જો વાત કરી હોત તો ત્રણના બદલે પાંચ કરોડ જેવી રકમ અલગથી એના સસરાને આપવાની એની તૈયારી હતી પરંતુ શીતલે દેવરાજ સાથે વિશ્વાસઘાત કર્યો અને મા બાપનું ઘર ભરતી રહી. દેવરાજે આંખ આડા કાન કરી લીધા. શીતલની આ બધી હરકતોથી એને ઘણું દુઃખ થયું.
સાચો પ્રેમ તો માત્ર દેવશંકર દાદાએ, દેવકીએ તથા મનમોહન શેઠ અને સુમિત્રા મમ્મીએ જ કર્યો હતો ! બાકી બધા સંબંધો સ્વાર્થના જ હતા !
એ દિવસે દિવસે વધુને વધુ ધ્યાનમાં સમય પસાર કરવા લાગ્યો અને હવે શિવની ચેતનામાં એનું મન લાગી ગયું હતું ! શિવની કૃપા વગર સમાધિ થતી નથી અને એટલે જ એના ગુરુજીએ દેવને શિવની ચેતના તરફ આગળ વધવાનું કહ્યું હતું. હવે એ જ્યારે ઈચ્છે ત્યારે એને સમાધિનો અનુભવ થઈ જતો ! સમાધિમાં એ દેહ છોડીને સૂક્ષ્મ જગતમાં જઈ દેવશંકર દાદાને પણ એક બે વાર મળી આવ્યો હતો ! સંસારના ભોગો એને હવે તુચ્છ લાગતા હતા !!
બીજાં ૩૫ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો......
દેવરાજ ૬૬ વર્ષનો થઈ ગયો. આ સમયગાળા દરમિયાન ઘણું બધું બની ગયું. માતા અને પિતા ગુમાવી દીધા. નિખિલ મહારાજે પણ અલ્મોડામાં સમાધિ લઈ લીધી અને દેવરાજને ધ્યાનમાં બે વાર દર્શન પણ આપ્યાં.
દેવરાજ તમામ મિલકતનો એકલો વારસદાર બની ગયો. પ્રોપર્ટીના ભાવ વધી જતાં પીજી હાઉસ કરોડોની કિંમતમાં વેચી દીધું.
દેવરાજનો દીકરો પણ ૩૪ વર્ષનો થઈ ગયો. મનમોહન શેઠે એમના આ નાનકડા વારસદારનું નામ વરાંગ પાડ્યું હતું. વરાંગને મેડિકલ લાઈનમાં રસ હતો એટલે એમ.એસ. કરીને એ સર્જન બની ગયો હતો અને હવે એ ડૉ. વરાંગ શેઠ તરીકે ઓળખાતો. એને પત્ની પણ ધાર્મિક અને સંસ્કારી મળી હતી અને એ સસરાની ખૂબ જ સેવા કરતી હતી ! વરાંગને પણ એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી જેનું નામ દેવરાજે પાર્વતી ઉપરથી શિવાંગી પાડ્યું હતું.
દેવરાજે પોતાના દીકરા વરાંગ અને દેવકીના ભવિષ્ય માટે દેવકીના નામે એક ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું હતું જેમાં દેવકી, વરાંગ અને દેવરાજનું નામ ટ્રસ્ટીઓ તરીકે રાખ્યું હતું. દેવકી મેનેજિંગ ટ્રસ્ટી બની હતી અને આ ટ્રસ્ટ નીચે કાંદીવલી અને બોરીવલીની વચ્ચે સાંઈબાબાનગર પાસે એક મલ્ટી સ્પેશિયાલિટી નાનકડી હોસ્પિટલ પણ ઊભી કરી હતી. દેવકી પાઢ ઉપરથી ડીપી હોસ્પિટલ નામ રાખ્યું હતું !
દેવરાજે દેવકીના આગ્રહથી પોતાના દીકરા વરાંગને એ જ હોસ્પિટલમાં સર્જન તરીકે ગોઠવી દીધો હતો અને એને હોસ્પિટલનો સુપ્રિન્ટેન્ડેન્ટ પણ બનાવી દીધો હતો. વૈશાલીને પણ ત્યાં સારા પગારથી ગોઠવી દીધી હતી. એ હવે કાયમ માટે દેવકીના ફ્લેટમાં જ રહેવા આવી ગઈ હતી. વૈશાલીની ઉંમર ૬૦ વર્ષની થઈ ગઈ હતી તેમ છતાં પણ હેડ નર્સ તરીકે એની જોબ ચાલુ રાખી હતી.
અમદાવાદમાં મામા મામી અને કાન્તિલાલે દુનિયાની વિદાય લઈ લીધી હતી અને મામાની દુકાન એમનો દીકરો નીરજ સંભાળતો હતો અને સુખી હતો.
દેવરાજ અને દેવકી એટલાં બધાં સમજદાર હતાં કે આટલાં બધાં વર્ષો પછી પણ એમના આ અંગત સંબંધની જાણ કોઈને પણ થવા દીધી ન હતી. જો કે આ સંબંધો ખાનગી રહી શક્યા એના માટે દેવશંકર દાદાની કૃપા પણ હતી ! બંને આધ્યાત્મિક લેવલ ઉપર બહુ ઊંચાઈ ઉપર હતાં.
ગયા વર્ષે જ શીતલને ગર્ભાશયનું કેન્સર થયું હતું અને છેક આંતરડા સુધી પહોંચી ગયું હતું. વરાંગે એને ડી.પી હોસ્પિટલમાં જ દાખલ કરી હતી જેથી એ મમ્મીનું સારું ધ્યાન રાખી શકે. દેવકીએ પણ એની ખૂબ જ સારી સેવા કરી હતી પરંતુ એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હતું એટલે એ બચી ના શકી અને આ દુનિયા છોડી દીધી.
'ભલું થયું ભાગી જંજાળ... સુખે ભજીશું શ્રી ગોપાળ' એ ન્યાયે દેવરાજ હવે સંપૂર્ણપણે ધ્યાનમાંજ લીન રહેતો હતો અને તમામ પ્રવૃત્તિઓ અને જવાબદારીઓમાંથી નિવૃત્ત થઈ ગયો હતો ! નાનકડી શિવાંગી સાથે એનો સમય પસાર થઈ જતો હતો !!
સૂક્ષ્મ જગતમાં વિહાર કરતા દાદાજી દેવરાજની આધ્યાત્મિક પ્રગતિથી ખૂબ જ ખુશ હતા અને દેવરાજના પવિત્ર આત્માની સૂક્ષ્મ જગતમાં પ્રતીક્ષા કરી રહ્યા હતા !!
સમાપ્ત.
(દેવરાજ અને દેવકી પોતપોતાનું પાત્ર ભજવીને હવે તમારી રજા માગે છે. દેવરાજની આ કથા આપ સૌને પસંદ આવી જ હશે. આશા રાખું છું કે આપ સૌ તમામ વાચકો આ નવલકથા વિશે પોતાના અભિપ્રાયો આપે.)
લેખક: અશ્વિન રાવલ: 63588 41199
_______________આવકાર ઓનર તરફથી👇
વાચક મિત્રો ઉપર આપેલ નંબર "પીજી હાઉસ" નવલકથાના લેખકનો નંબર છે, આપ નવલકથાના વિશેના આપના અભિપ્રાય લેખકને વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ...(લેખકની વ્યસ્તતાને ધ્યાનમાં રાખી માત્ર મેસેજ કરવો)
"પીજી હાઉસ" નવલકથા આપણાં સૌ માટે એક એવી નવલકથા રહી કે..જેની અંદર ધાર્મિક, આધ્યાત્મિક, ધ્યાન, પ્રમાણિકતા, કૌટુંબિક વહેવારો, સમર્પણની ભાવના વગેરે જેવા તથ્યોનુ ખુલીને ખૂબ જ સરસ અને સરળ રીતે વર્ણન કરવામાં આવેલું છે.
– આપ સૌએ "પીજી હાઉસ" નવલકથા રસપૂર્વક માણી એ બદલ આવકાર ટીમ આપનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે, હવે ફરી મળીએ છીએ એક નવી નવલકથા સાથે – આભાર સહ .. 🙏🏻હરેકૃષ્ણ 🌸
– આવકાર ટીમ
+91 7878222218 (વોટસએપ, ટેલીગ્રામ અથવા ટેક્સ્ટ મેસેજ) કોઈ પ્રતિસાદ ના મળે તો ઇમેઇલ: avakargrp@gmail.com પર આપનો મેસેજ છોડી શકો છો. –આભાર ધન્યવાદ
"પીજી હાઉસ" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
