" એકલતાનો સહારો "
હું શ્રીકાંત ...
અને ... મારી સાથે મારું એકાંત
બસ.... બંને એકબીજાને વાગોળતા રહીયે ...
રોજ સાંજ પડે એટલે મારુ એકાંત મને જૂની યાદોમાં હાથ પકડીને લઈ જતું..
એકલતાનો સહારો
મારા પોતાના લોકો સાથે માણેલી ક્ષણોનો ફરીથી લ્હાવો માણતો હતો . જીવનમાં આવેલી પીડાઓને પ્રેમથી પંપાળતો હતો .
બાલ્કનીના હીંચકામાં બેઠા હું રોજ બધાને મળતો રહુ છું . માઁ..., પપ્પા..., ભાઈ... ,બધા...જ...
મમ્મી , પપ્પા ખૂબ ઓછા સમયમાં આ દુનિયાથી વિદાય લઈ ચુક્યા હતા . અને ભાઈ હતો એ વિદેશમાં વિદેશી મેમ સાથે વસી ચુક્યો હતો .
ભણતર ....નોકરી..., અને એ પછી છોકરી.... , એટલે કે મારી પત્ની...,
મારુ લગ્નજીવન... શુ કહું લગ્નજીવન વિશે !! , .... ચાર વર્ષ તો માંડ ટક્યું .
મારી પત્નીનો અને મારો તાલમેલ મળ્યો જ નહીં . એને મારી કરતા મારી નોકરીની આવક સાથે મતલબ હતો . મારી આવક એને સાવ ચિલ્લર લાગતી હતી .
એના ખર્ચ એટલે મોંઘાદાટ , ... ,
એના બધા શોખ રાજાશાહી.... ,
અને મારી આવક મર્યાદિત ,
જેના કારણે ઘરમાં રોજેરોજનો કકળાટ... અંતે.. એકદિવસ એણે છૂટાછેડા લઈને મારા ઘરને અલવિદા કહી દીધું .
શ્રીકાંતનું હૃદય પણ અપાર પ્રેમને ઝંખતું હતું . ડગલેને પગલે કોઈ સાથ આપનારું જોઈતું હતું .
વ્હેલી સવારની ચા ની તલપ કરતા , કોઈ પ્રેમથી ચા નો કપ હાથમાં પકડાવે એની તલપ હતી .
ઓફિસથી આવે અને સાંજ પડે આંગણે કોઈ મારી રાહ જોઈતું હોય ...
પરંતુ આ બધુ મારા નસીબમાં ક્યાં !!! એવો પ્રેમ ક્યાં ?.. ,
શ્રીકાંત આ શહેરથી કંટાળ્યો હતો . એને અહીંથી દૂર ભાગવું હતું .
એટલે જે કંપનીમાં નોકરી કરતો હતો એ જ કંપનીમાં એણે એક નાનકડા શહેરમાં બદલી કરાવી લીધી .
નાનકડા શહેરમાં રહેવાનો આનંદ કૈક મજાનો જ હોય છે . ત્યાંની રહેણીકરણી , શાંત વાતાવરણ , મોટા શહેરો કરતા ઓછી ભીડભાડ.....
બસ...આવીને વસી ગયો...
☘️☘️☘️☘️
આપણી વાર્તાનું બીજું પાત્ર એટલે સ્મિતા....
સ્મરણ તો સ્મિતાનું પણ તાજું જ હતું . ... હસ્તુ રમતું સુખ ,...
બસ...જાણે એક જાટકે જ હાથતાળી દઈને ચાલી નીકળ્યુ....
સ્મિતાના લગ્નને હજુ તો દોઢ વર્ષ થયું હતું . અને તેની સેથીનું સિંદૂર ભૂંસાય ગયું હતું .
નાનકડી બે મહિનાની માસૂમ શ્રાવણીએ એના પિતાના પ્રેમને પામ્યા પહેલાજ દૂર દેશમાં વિદાય લઈ ચુક્યા હતા . સ્મિતાનો સંસાર સુનકાર થઈ ગયો હતો .
પોતાની જિંદગીનો આવો વળાંક આવશે એવું તો સ્વપ્નેય ધાર્યું ન્હોતું . જીવનના અંધકારને હટાવી સ્મિતાએ સાસુ-સસરા અને શ્રાવણી સાથે જિંદગીનો એક અલગ ક્રમ ગોઠવી લીધો . સાસુ સસરા ખૂબ પ્રેમાળ હતા . જુવાનજોધ દીકરો ગુમાવ્યાનો વસવસો એમને માટે કાંઈ ઓછો ન્હોતો , પરંતુ સ્મિતાને મનોબળ આપવા એમણે પણ પોતાના રુદનને શાંત કરી દીધું હતુ .
બે વર્ષ જેવું થવા આવ્યું એટલે સ્મિતાના સાસુએ એને પાસે બેસાડી બીજા લગ્ન કરવા સમજાવી . પરંતુ એ જરાપણ માની જ નહીં . પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ હતી . એટલે અડધો સમય તો એમાં જ નીકળી જતો . પોતાની દીકરી શ્રાવણીને તો દાદા દાદીના પ્રેમની હૂંફ મળી જતી હતી એટલે સ્મિતા નિશ્ચિન્ત હતી .
દાદા , દાદી અને પૌત્રી ત્રણેયનો
સવાર -સાંજનો નિયમ થઈ ગયો હતો . સવારે મંદિર અને સાંજે નજીકના બગીચામાં લટાર મારવાનો .
એકદિવસ સાંજના સમયે બગીચાની બહાર નિકળતા દાદાને પથ્થરની ઠેસ વાગતા પગ મચકોડાય ગયો . ઠેસ વાગવાથી ચાલવામાં મુશ્કેલી પડતી હતી . એ જ સમયે રસ્તા પરથી પસાર થતા એક યુવાને પોતાનું સ્કૂટર રોકયું . એ યુવાને પોતાના બે હાથ વડે દાદાજીને પકડી લીધા . અને ધીરેથી બોલ્યો " આવો અંકલ હું તમને સ્કૂટર પર તમારે ઘેર મૂકી જાવ . '
" પણ દીકરા... તમે ..? '
" ગભરાશો નહિ ,અંકલ હું તમને લોકોને રોજ જોવ છું . , હું તમારા ઘરની બાજુમાં જ રહેવા આવ્યો છું . એમ પણ મારે માટે આ શહેર અને ઘર નવું નવું છે . એટલે બધું પરિચિત થતા વાર લાગશે . તમારી સાથે પરિચય થશે તો મને પણ ઘણું સારું લાગશે .
આનાકાની ને અંતે પેલા યુવકે ધીરે રહીને દાદાને સ્કૂટર પર બેસાડ્યા .ઘર આવતા જ દાદાને ઉતારી હાથ પકડી રૂમમાં લઈ જઈને સોફા પર બેસાડ્યા અને બોલ્યો " અંકલ કોઈ દુખાવાની ટ્યુબ હોયતો લાવો માલિશ કરી દઉં .
" એ તો અહીં જ પડી છે દીકરા " પણ હમણાં હું લગાડી લઈશ તું રહેવા દે ,
" અરે હોય કંઈ , લાવો મને આપો હું માલિશ કરી દઈશ અને તમારો દુખાવો પળવારમાં છું.......થઈ જશે.
અને એ બહાને તમારી સાથે બે ઘડી વાતો થશે .
એ યુવાનને માલિશ કરતા જોઈને દાદાને એમના દીકરાની યાદ આવી ગઈ . માણસના સ્પર્શમાં પણ કેટલી હૂંફ હોય છે.... જે વગર હવાએ ઓક્સિજન નું કામ કરે છે .
વાતોવાતોમાં ખબર પડી એનું નામ શ્રીકાંત છે . પરિવારમાં કોઈ નથી , એકલો જ છે .
થોડીવારમાં દાદી અને પૌત્રી પણ આવી ગયા . શ્રાવણી દોડીને દાદા આગળ આવી ગઈ અને બોલી
" દાદા તમને બહુ વાગ્યું તો નથી ને ? ,
દાદાની બદલે પેલા યુવકે જ જવાબ આપ્યો .. ના દીકરા ,
તારા દાદાને હમણાં જ ઠીક થઈ જશે ....
અને ...દાદાની મીઠડી દીકરી તારું નામ શું છે ? "
" શ્રાવણી...
" ખૂબ જ સુંદર નામ છે તારું "
થોડીવારમાં તો દાદા , દાદી , પેલો યુવક અને શ્રાવણી બધા જ વાતોમાં ઓતપ્રોત એવા થયા કે સ્મિતાના આગમનની ખબર જ ના રહી.
આજ ઘણા લાંબા સમયે બધાને વાતોની મસ્તીમાં તરબોળ થયેલા જોઈ સ્મિતાને ખૂબ સારું લાગ્યું.
કોઈ નવા આંગુતકના આગમનને કારણે આજે ઘર ફરી સજીવન લાગ્યું .
વાતો કરતા કરતા શ્રીકાંત ઘેર જવા માટે ઉભો થયો . ત્યા...દાદા બોલ્યા .
" અરે સાંભળ દીકરા આજનું ડિનર તો અહીં જ અમારી સાથે લેવું પડશે .
હમણાં થોડી જ વારમાં સ્મિતા અને એની સાસુ જમવાનું બનાવી લેશે .
સમય રહેતા શ્રાવણી અને શ્રીકાંતની દોસ્તી જામવા લાગી . દાદા , દાદીને પણ શ્રીકાંતનું આવવું ખૂબ ગમતું .
જીવનમાં રહેલી એકલતાની ગૂંગળામણ કોઈના પ્રેમથી ઓક્સિજન જેવું કામ કરે છે . દાદા દાદી બંનેના મનની અંદર એક નવા વિચારે જન્મ લીધો હતો . શ્રીકાંત એમના હૃદયમાં વસી ગયો હતો .
હવે તો રોજ સંધ્યા સમયે વાતોની મહેફિલ જામતી . સંગતમાં એક રંગત જામતી , રંગતમાં કોઈ અંગત બની આંખોમાં અજવાળા પાથરતું .
કોઈના જીવનમાં એક સોનેરી સાંજ જન્મ લઈ રહી હતી .
કોઈને દીકરો
કોઈને પતિ અને પિતા ...
અજાણ્યા રસ્તે ચાલતા બે અજાણ્યા લોકોની આંખોમાં કોઈ નવું સપનું ડોકાય રહ્યું હતું .
બીજા દિવસે રવિવાર હોવાથી સ્મિતા ઘરમાં હતી . એટલે સવારની ચા પીતા પીતા દાદી બોલ્યા ... શ્રાવણીના દાદા " હું શું વિચારું છું કે ...
આપણે હવેથી રોજની ચા નો અનેરો સ્વાદ શ્રીકાંતની સાથે જ લઈએ તો ...
દાદા ન સમજયા હોય એમ સ્મિતાની સામે જોતા નાટક કરતા બોલ્યા
" મને સમજાયું નહીં તમે શું કહો છો ? "
દાદી જવાબ આપે એ પહેલાં તો શ્રીકાંત જ ગરમાગરમ ગાંઠિયા લઈને આવી પહોંચ્યો ....અને સ્મિતાની સામે તિરછી નજરે જોતા બોલ્યો " રોજની તો મને ખબર નથી પણ આજે તો વગર કીધે હાજર થઈ જ ગયો ...
સ્મિતા પણ ફટાફટ રસોડામાં જઈ એક કપ ચા લઈને હાજર થઈ ગઈ .
દાદા પણ ટીખળ કરતા ફરીથી બોલ્યા " આ તારા આંટી શુ બોલ્યા સમજાયું જ નહીં ..."
હસ્તા હસ્તા દરેકના ચહેરા પર કોઈ અનોખો આનંદ અને જીવનમાં એક નવો સંબંધ આકાર લઈ રહ્યો હતો .
દાદા-દાદી હસ્તા હસ્તા ચા નો કપ લઈને ચૂપચાપ અંદર સરકી ગયા .
શ્રીકાંત અને સ્મિતાની આંખોમાં અનેક અધૂરા ઓરતા આકાર લઈ રહ્યા હતા . બંને એકબીજાની "એકલતાનો સહારો " બનવા બાંવરા બન્યા હતા.
ઘરના આંગણે ફરી એક ઘટાદાર વૃક્ષ જન્મ લઈ રહ્યું હતું .
:-મનિષા હાથી
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
Stories
