શિવ ઉપર એક સંશોધન લેખ (Shiv Sanshodhan)

Related

#શિવ ઉપર એક સંશોધન લેખ 

(અગમ નિગમના આટાપાટા - અશ્વિન રાવલ.)

# એક પર્વત જેટલું કાજળ ભેગું કરી એને દરિયાના પાણીમાં ઓગાળી શાહી બનાવવામાં આવે અને તમામ વૃક્ષોની ડાળીઓ કાપી એની કલમ બનાવી પૃથ્વી જેવડા કાગળ ઉપર ખુદ શારદા પોતે આખી જિંદગી લખ્યા કરે તો પણ હે મહાદેવ તમારું વર્ણન ના થઈ શકે. #

આ શબ્દો છે પુષ્પદંત નામના ગંધર્વના જેમણે શિવ મહિમ્નસ્તોત્રની રચના કરી !

શિવ ઉપર એક સંશોધન લેખ - અગમ નિગમના આટાપાટા
શિવ ઉપર એક સંશોધન લેખ 

શિવ કોણ છે ? દરેક ચિત્રોમાં અને ફિલ્મોમાં આપણે જોઈએ છે એવા લાંબી જટાવાળા, સર્પોથી વીંટળાયેલા, મસ્તકમાં ચંદ્ર ધારણ કરેલા, વ્યાઘ્રચર્મ પહેરેલા અને હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા દેખાય છે એ ?

ના. એ શિવ નથી. એ શિવનું પ્રગટ સ્વરૂપ શંકર છે. શિવ અને શંકર અલગ છે. શિવ જ્યારે સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે શંકર બને છે. એ જ શિવ રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે રુદ્ર બને છે. એ જ શિવ પોતાની મસ્તીમાં જ્યારે નૃત્ય કરે છે ત્યારે એ નટરાજ બને છે !

ગણેશજીના પિતા શંકર છે. સતી અને પાર્વતીના પતિ શંકર છે. સમુદ્ર મંથન વખતે વિષપાન કરનારા શંકર છે. એ શિવ નથી. 

શિવ એ તો અનંત કોટિ બ્રહ્માંડમાં વ્યાપેલું એક પરમ તત્ત્વ છે. અનેક નામે એ ઓળખાય છે પણ છે તો એક જ. એ લીલા કરવા માટે સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે શંકર બને છે. એટલે શિવ અને શંકર જુદા પણ છે અને એક પણ છે. એક નિરાકાર છે તો એક સાકાર છે. પાણીમાંથી બરફ બને અને બરફ પાછો એ જ પાણીમાં ઓગળી જાય. બસ એના જેવું જ.

શિવ તત્ત્વ સ્થૂળ રૂપમાં શિવલિંગ તરીકે પૂજાય છે. પરંતુ એ લિંગ દ્વારા આપણે તો એ પરમ તત્ત્વની જ આરાધના જ કરીએ છીએ જે આખા બ્રહ્માંડમાં વ્યાપેલું છે.

આખું જગત ચૈતન્યમય છે. અનેક કોટિ બ્રહ્માંડની ચર્ચા આપણા શાસ્ત્રોમાં છે. આ તમામ બ્રહ્માંડને સક્રિય રાખનાર એક એવું જાગૃત તત્ત્વ છે, એક એવું ચૈતન્ય તત્ત્વ છે, એક એવી કોન્સિયસનેસ છે જે શિવ તરીકે ઓળખાય છે.

સૂર્ય એના સમય પ્રમાણે જ ઉગે છે. પૃથ્વી એની ધરી ઉપર નિયમિત ગતિથી ફર્યા કરે છે. આપણા શરીરમાં પણ દરેક અંગો પોતપોતાની રીતે કામ કર્યા કરે છે. બીજ વાવ્યા પછી એની મેળે જ ઉગે છે અને વટવૃક્ષ થાય છે. એને ફૂલો પણ આવે છે. આ બધું કરનાર કોઈક તો પરમ તત્ત્વ છે જેનો અનુભવ ભલે આપણને ન થાય પરંતુ એ છે જ. અને એનું જ નામ શિવ અથવા ચૈતન્ય ! આ શિવ તત્ત્વનો નાદ ૐ છે. ૐ બોલવાથી સીધો બ્રહ્મનો, શિવનો સંપર્ક થાય છે !

સર્જન અને વિસર્જનની આ સૃષ્ટિમાં શિવ તત્ત્વ સાથે નારાયણ તત્ત્વ પણ જોડાયેલું છે જેની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું. શિવ તત્ત્વના કારણે બે બીજાં તત્ત્વો પણ સક્રિય છે અને એ છે આત્મ તત્ત્વ અને વિદ્યા તત્ત્વ !

આત્મ તત્ત્વ સાથે સમગ્ર બ્રહ્માંડના જીવો જોડાયેલા છે. દરેક જીવોમાં રહેલો આત્મા આ મૂળ આત્મ તત્ત્વ સાથે જોડાયેલો છે. આ તત્ત્વનું સંચાલન સૂર્ય કરે છે અને બ્રહ્માંડમાં આવા અનેક સૂર્ય છે અને અનેક લોક છે. સૂર્યના પ્રાણ તત્ત્વના કારણે જ પૃથ્વી ઉપર જીવન છે. આ આત્મ તત્ત્વનો નાદ હ્રીં છે. હ્રીં બોલવાથી સૂર્યમાં રહેલા પ્રાણ તત્ત્વનો સંપર્ક થાય છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.

જગતમાં રહેલી તમામ વિદ્યાઓ, તમામ ભાષાઓ, તમામ કળાઓ, તમામ વિજ્ઞાન, તમામ ટેકનોલોજી, તમામ જ્ઞાન વિદ્યાતત્ત્વ સાથે જોડાયેલાં છે. શાસ્ત્રીય સંગીત, રાગરાગિણી, નૃત્યકલા, ચિત્રકલા, શિલ્પકલા, સાહિત્ય, કાવ્ય વગેરે તમામ કલાઓ વિદ્યાતત્ત્વનો જ વિસ્તાર છે અને એનું બીજ ऐं છે. ऐं બોલવાથી વિદ્યા તત્ત્વનો સીધો સંપર્ક થાય છે જેની દેવી શારદા સરસ્વતી છે. #આવકાર

પરંતુ આ બધાં જ તત્ત્વો શિવ તત્ત્વનો જ ભાગ છે. અગ્નિ પૃથ્વી વાયુ અને જલ આ તમામ પંચમહાભૂત શિવ તત્ત્વમાંથી જ પેદા થયેલા છે અને એનું સંચાલન પણ શિવ કરે છે.

વિશ્વમાં જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે શિવ રુદ્ર બનીને આ જ પંચમહાભૂતને સક્રિય કરે છે. અગ્નિમાંથી આગ લાગે છે. મિસાઈલો અગ્નિના ગોળા છોડે છે. બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર થાય છે. લાવારસ બહાર આવે છે.

પૃથ્વીમાં ધરતીકંપ અને ભૂસ્ખલન થાય છે. વાયુ દ્વારા તોફાની વાવાઝોડાં પ્રગટ થાય છે અને જલ દ્વારા સુનામી અને અતિવૃષ્ટિ ખાના ખરાબી કરી નાખે છે.

તમે કોઈપણ શાસ્ત્ર કે પુરાણ વાંચો તો એમાં શિવ ઉવાચ અને પાર્વતી ઉવાચ આવે છે. વ્યાસજીએ દરેક પુરાણમાં શિવજીનો ઉલ્લેખ કરેલો છે કારણ કે જ્ઞાન શિવ દ્વારા પ્રાપ્ત થાય છે. રામાયણ હોય કે મહાભારત શિવ બધે જ છે ! શિવની શક્તિ પાર્વતી છે.

વ્યાસજી અને બીજા ઋષિમુનિઓ શિવ તત્ત્વને જાણતા હતા એટલે જે પણ જ્ઞાન એમને પ્રાપ્ત થયું તે શિવ તત્ત્વ દ્વારા એમને મળેલું હતું. એટલે જ દરેક શાસ્ત્ર અને પુરાણમાં શિવ ઉવાચ શબ્દ લખીને બધાં શાસ્ત્રો શિવને અર્પણ કરી શિવનું મહત્વ બતાવ્યું છે.

ઈશ્વર કદી ઈશ્વરના સ્વરૂપમાં દેખાતો જ નથી. શિવજી પોતાના મૂળ સ્વરૂપમાં ક્યારેય પણ પ્રગટ થતા નથી. અને કોઈ તપસ્વીને કદાચ એ પ્રત્યક્ષ થાય તો પણ જે કલ્પનામાં આપણે ભગવાન શંકરની તસવીરો જોઈ છે એ જ સ્વરૂપમાં ગળામાં સર્પ અને હાથમાં ત્રિશુલ સાથે એ દેખાય છે.

હકીકતમાં શિવજીનું કોઈ સ્વરૂપ જ નથી. એ નિરાકાર છે એટલા માટે એમની કોઈ મૂર્તિ નથી. સર્પો ધારણ કરેલી જે પણ મૂર્તિ દેખાય છે એ પુરાણોમાં આપેલા વર્ણનના આધારે શંકર વિશેનું આપણું કલ્પના ચિત્ર છે.

શિવના લિંગની વાત કરીએ તો શિવ એ નિરાકાર બ્રહ્મ છે, પુરુષ છે અને પાર્વતી એ શક્તિ છે અથવા પ્રકૃતિ છે. શિવ નિરાકાર હોવાથી એમનું કોઈ સ્થૂળ સ્વરૂપ નથી એટલે પુરુષના પ્રતિક તરીકે લિંગ આકારે એમની પૂજા શરૂ થઈ અને એ લિંગને પ્રકૃતિ સાથે એટલે કે યોનિ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું. આખી સૃષ્ટિ લિંગ અને યોનિનું જ સર્જન અને વિસ્તાર છે.

શિવલિંગ એ બ્રહ્માંડનું પ્રતીક છે. બ્રહ્મનું અંડ એટલે બ્રહ્માંડ ! એટલે શિવલિંગ અંડાકાર છે. ઈંડાના આકારનું ! આવું અંડાકાર દેખાતું શિવલિંગ ઉજ્જૈનના મહાકાલનું છે અને એ એકદમ જાગૃત છે. ઉજ્જૈન એ આખી પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે. અને ત્યાં મહાકાલ બિરાજે છે. અમુક શિવ મંદિરોમાં ઉપરથી એકદમ સપાટ શિવલિંગ જોવા મળે છે. એ દોષ છે. એ ઉપરથી લંબગોળ આકારનું જ હોવું જોઈએ.

સમુદ્રમંથન વખતે શિવના સ્થૂળ સ્વરૂપ શંકરે ઝેર પીધું હતું અને દેવોને અમૃત વહેંચ્યું હતું. ઝેર પીવાના કારણે એમના આખા શરીરમાં દાહ બળતરા ઉપડી હતી અને ત્યારે દેવો દ્વારા એમના ઉપર સતત જલાભિષેક કરવામાં આવેલો અને બિલિપત્રનાં પાન ખાવા માટે આપેલાં. બિલિપત્ર અતિ શીતલ છે અને ઝેરનું મારણ પણ છે. એ પછી એમનો દાહ થોડો શાંત થયેલો. બસ ત્યારથી બિલિપત્ર અને જળાભિષેકની પ્રથા શરૂ થઈ. દૂધ પણ શીતલ છે. ધતુરો પીડાનાશક છે. એટલે એનાથી ઘેન રહેવાના કારણે વિષવેદના ઓછી થાય છે. અને એટલા માટે જ અત્યારે પણ શિવલિંગ ઉપર જલ અને દૂધનો અભિષેક કરવામાં આવે છે અને બીલીપત્ર તેમજ ધતુરો ચઢાવવામાં આવે છે.

ભારતની ભૂમિ સનાતન ધર્મભૂમિ છે અને એનું કેન્દ્ર બિંદુ ઉજ્જૈન છે. ઉજ્જૈન બરાબર કર્કવૃત્ત ઉપર આવેલું છે. શિવનું ચૈતન્ય અહીંથી પ્રગટ થાય છે અને વિસ્તરે છે.

ભગવાન શિવ સ્થૂળ સ્વરૂપે કૈલાશ પર્વત ઉપર બિરાજે છે કારણ કે અહીંથી જ એ સમસ્ત બ્રહ્માંડમાં આવન જાવન કરે છે. કૈલાશ પર્વત એ પૃથ્વી અને બ્રહ્માંડના બીજા લોક સાથેનું સંપર્ક સ્થાન છે. એ અતિ ચૈતન્ય છે. બીજા બ્રહ્માંડના અને લોકના એલિયન્સ કૈલાશ પર્વત દ્વારા પૃથ્વી ઉપર ઉતરતા હોય છે. પૃથ્વીનો કોઈ વ્યક્તિ કૈલાશ પર્વત ઉપર છેક શિખર સુધી જઈ શકતો નથી ! કોઈ વિમાન કૈલાશ પર્વત ઉપરથી ઉડી શકતું નથી.

ભારતમાં જે બાર જ્યોતિર્લિંગો છે એમાંથી એક પ્રકારનાં કિરણો બહાર આવે છે અને ત્યાં રેડીએશન પેદા કરે છે. શિવલિંગ પરમાણુ રિએક્ટર છે. સતત જલ ચઢાવવાથી એ શાંત રહે છે. શિવલિંગ ઉપર ચઢાવેલું પાણી અને દૂધ પણ રિએક્ટિવ બની જાય છે. તેથી જ શિવલિંગ ઉપરથી બહાર વહેતા જળ કે દૂધને ઓળંગવામાં આવતું નથી !

તમને જાણીને નવાઈ લાગશે કે હિમાલયથી કન્યાકુમારી સુધી એવાં શિવ મંદિરો છે જે કેદારનાથથી રામેશ્વરમ સુધી એક જ સીધી રેખામાં એક જ રેખાંશ 79°E ઉપર બનેલાં છે. આપણા પૂર્વજો પાસે કેવું વિજ્ઞાન અને ટેક્નોલોજી હતી જે આપણે આજ સુધી સમજી શક્યા નથી !

કેદારનાથ, કાલેશ્વરમ, કલાહસ્તી, એકમ્બરેશ્વર, ચિદમ્બરમ અને છેલ્લે રામેશ્વરમ ઉત્તરથી દક્ષિણ સુધી એક જ લાઈનમાં છે. એ જ લાઈનની બિલકુલ બાજુમાં 76 ડિગ્રી ઉપર ઉજ્જૈનના મહાકાલ છે !

આ મંદિરો લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં બાંધવામાં આવ્યાં હતાં જ્યારે તે સ્થાનોના અક્ષાંશ અને રેખાંશને માપવા માટે કોઈ સેટેલાઇટ ટેકનિક ઉપલબ્ધ ન હતી. તો પછી આટલી સચોટ રીતે આ મંદિરો કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યાં ? જવાબ ફક્ત શિવ જ જાણે છે !

કદાચ આ બધાં મંદિરો કૈલાશ પર્વતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં હશે જે 81° E રેખાંશ ઉપર છે !

શિવ દેવોના પણ દેવ છે એટલે એમને મહાદેવ પણ કહેવામાં આવે છે ! પરંતુ હકીકતમાં શિવ એકદમ નિરાકાર છે અને અખંડ બ્રહ્માંડમાં વ્યાપેલા છે !!

(શિવ અને શિવ તત્ત્વ ઉપર ઘણું બધું સંશોધન કરીને આ લેખ તૈયાર કર્યો છે. જેમાં આપણાં શાસ્ત્રો અને જરૂર પડી ત્યાં કેટલીક માહિતી માટે ગૂગલની પણ મદદ લીધી છે.)

અશ્વિન રાવલ (અમદાવાદ))

## આવકારના સૌ વાચક મિત્રોને "મહા શિવરાત્રી" ની ખૂબ ખૂબ શુભકામનાઓ 🕉️ હરેકૃષ્ણ"
___________
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવી નવલકથા "સપનાનાં વાવેતર" આવકાર પર ટુંક સમયમાં આવી રહી છે. આપ બધા વાચક મિત્રોના આશીર્વાદ અને શ્રી હરિ ઈચ્છાથી આવકાર પર વાંચન કદી ખૂટશે નહી!! નિરંતર ચાલ્યા જ કરશે."