ચક્રવ્યૂહ…!
ડ્રાઇવરે કાર ને બ્રેક મારી કાર ને બાજુ ઉપર ઉભી રાખી...
મેં કાર ની બહાર જોયું ફૂટપાથ પાસે એકત્રિત ભીડ 108 બોલવો ની બુમ મારતા હતા...મારી ડ્રાઇવર ને સૂચના હતી મારામારી સિવાય કોઈ પણ જગ્યાએ માનવતા નું કાર્ય કરવાનું હોય ત્યાં કાર ઉભી રાખજે...
ચક્રવ્યૂહ
ટોળા ને લોકો ભલે બદનામ કરે પણ ટોળા ની આગેવાની કોણ કરે છે એ મહત્વ નું છે જ્યારે રાજકીય નેતાઓ ટોળા ની આગેવાની કરતા હોય ત્યારે માનવતા ભૂલી હિંસક રીતે કોઈ નો પણ જીવ લેવા નો પ્રયત્ન થતા હોય છે.અને એ જ ટોળા ની આગેવાની કોઈ સંસ્કારી અને સમાજ સેવક વ્યક્તિ કરતો હોય ત્યારે એ જ ટોળું કોઈ નો જીવ બચાવવા નો પ્રયત્ન કરતું હોય છે.
કોઈ ના ઘર ના દિપક બુઝાવવાનો નીચ પ્રયત્ન કરવા કરતા કોઈ ના ઘરના બુઝાતા દિપક માં તેલ પૂરવા નું કામ કરશો તો ઈશ્વર ખુશ થશે..
હે ઈશ્વર હું મારા કયા કર્મ ની સજા ભોગવી રહ્યો છું..
એવું ઘણી વખત સંસાર માં ઘણી વ્યક્તિ આવુ બોલતી હોય છે. પણ ખરાબ કર્મ કરતી વખતે અંધ બનેલ વ્યક્તિ ઈશ્વર ની અદાલત નો ન્યાય ભૂલી ગયો હોય છે..
મેં ટોળા ની અંદર નજર કરી તો ફૂટપાથ ઉપર બેહોશ થઈ ને પડેલ બીજો કોઈ નહિ મારો નાનો ભાઈ પ્રવીણ હતો..
વર્ષો થઈ ગયા તેને મળે...મારી આંખ ભીની થઇ
મેલા ઘેલા કપડાં ..વધી ગયેલ માથા ના વાળ અને દાઢી, આંખે કાળા કુંડાળા.. ખરાબ સંગત ની પરકાષ્ઠા ના પરિણામ તેના ચહેરા ઉપર સ્પષ્ટ પણે દેખાતા હતા.
જિંદગી જ્યારે તમને સમજાવવાનો પ્રયત્ન કરે ત્યારે તમે એની મજાક ઉડાવો છો.. પણ જ્યારે જિંદગી તમારી મજાક ઉડાવવા નું ચાલુ કરે ત્યારે તમારા છોતરા કાઢી નાખે એ હું નજર સામે જોઈ રહ્યો હતો
મેં પળ નો પણ વિલંબ કર્યા વગર 108 બોલાવી નજીક ની હોસ્પિટલ માં પ્રવીણ ને દાખલ કર્યો....
મેં હોસ્પિટલના રિસેપશન ઉપર ડિપોઝીટ ની રકમ જમા કરાવી, ડોકટર ને પૂછ્યું....શુ લાગે છે..ડોકટર સાહેબ ?
ડોકટર બોલ્યા ભૂખ, ઊંઘ, થાક અને માનસિક હતાશા નું કારણ લાગે છે..ત્રણ ચાર દિવસ હોસ્પિટલ માં રાખવા પડશે..મેં મારું કાર્ડ આપી કીધું. હોસ્પીટલ.ના બિલ ની ચિંતા કરતા નહિ...હું રોજ આવતો રહીશ..
ડોકટર બોલ્યા...
કળિયુગ માં માનવતા મરી પડી છે એવું લોકો કહે છે પણ મને એવું લાગતું નથી...આ પ્રવીણ ભાઈ સાથે ના તમારા સબંધ ?
મેં ભીની આંખે કીધું સાહેબ સંબધોની માયાજાળમાં મને ન ફસાવો ..અત્યારે તો એક માનવતાનું કાર્ય સમજી તમે સારવાર કરો અને હું આર્થિક યોગદાન કરું એટલું જ એકબીજા માટે પૂરતું છે..
મેં ડ્રાઇવર ને કીધું..ભાઈ રમેશ કાર ને ઘર તરફ લઈ લે આજે ઓફિસે જવાની ઈચ્છા નથી.
રસ્તામાં કારમાં બેઠા બેઠા પ્રવીણ નો ચહેરો અને મારો ભૂતકાળ સામે આવવા લાગ્યો
ગામડા ગામ માં અમારો પરિવાર ટૂંકી આવક માં પણ શાંતિ અને આનંદ થી રહેતો હતો, ભણવામાં અમે બન્ને ભાઈ હોશિયાર હતા પણ ખબર નહિ અમારા પરિવાર ઉપર કોઈ ની નજર પડી..પપ્પા અચાનક રાજકીય પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા ધીરે ધીરે નેતાઓની સંગતમાં આવતા ગયા તેમ તેમ પપ્પા નું વાણી વર્તન વ્યવહાર બદલાતું ગયું..પપ્પા ની જિંદગી અને અમારા પરિવાર માટે નો આ એક દુઃખદ વળાંક હતો....
દિવસ આખો રાજકીય પક્ષ અને નેતાઓ ની ભાટાઈ અને ચાપ્લુશી કરવાની અને રાત પડે એટલે દારૂ જુગાર ની પાર્ટીઓ અને મહેફિલ યોજી...જીવન ને બરબાદી તરફ લઈ જવાની ભૂલ તેઓ કરતા હતા.
આ પ્રવૃત્તિ ધીરે ધીરે બહાર ને બદલે ઘર માં ચાલુ થવા લાગી તેનો પ્રથમ શિકાર મારો નાનો ભાઈ પ્રવીણ બન્યો..એ પપ્પા સાથે જુગાર અને દારૂ પીવાની આદતે ચઢ્યો.. મેં અને માઁ એ તેને રોકવા ખૂબ પ્રયત્ન કર્યો પણ અમારા પ્રયત્ન નિષ્ફળ ગયા...
એક વખત માઁ ઉપર હાથ ઉપાડવા જતા પપ્પાનો હાથ મેં પકડી કીધું. હવે તમે તમારી દરેક મર્યાદાઓ ઓળંગી રહ્યા છો..એક તો ઘર માં આવક આવતી બંધ થઈ મારી માઁ ના ઘરેણાં, ઘરના કિંમતી વાસણો ધીરે ધીરે તમે બધું વેચી નાખ્યું. હવે બાકી શું રહયું છે અમારા બન્ને નો જીવ ? અમારું ગળું દબાવી દયો એટલે વાત પૂરી
એ દિવસે રાત્રે હું અને મારી માઁ ખૂબ રડ્યા .. મેં અને માઁ એ ઘર છોડવાનો અઘરો નિર્ણય લઈ લીધો..
ઘર છોડતા પહેલા મારા નાના ભાઈ ને પણ મેં બોલાવી ફરી સમજાવવા નો પ્રયત્ન કર્યો
મેં કીધું..પ્રવીણ તારે ગળા માં કોઈ રાજકીય પક્ષ ના "પટ્ટા કે ખેસ" લટકાડી દુનિયા જીતી લીધી તેવો વહેમ મારી જીવન પસાર કરવું છે કે પછી ગળામાં "'ટાઈ" અને હાથ માં લેપટોપ સાથે ઈજ્જત થી જીવન જીવવું છે એ નક્કી કરી લેજે
હું આ વાતવરણમાં લાબું નહિ રહી શકું...ભવિષ્ય માં તને એવું ન થાય કે મારા મોટા ભાઈએ મને સમજાવ્યો ન હતો.. પ્રવીણે સંપૂર્ણ રાજકીય નેતાઓનું શરણું સ્વીકારી લીધું હતું..તેને મારી વાત માં કોઈ રસ દાખવ્યો નહિ..
એક રાત્રે હું અને મારી માઁ પાંજરું તોડી ઉડયા..ફક્ત પાંખ ફફડાવતા આવડતું હતું પણ કઈ દિશામાં જવું એ નક્કી કરી શકતા ન હતા અમે ઉડી અને એક અજાણ્યા શહેર માં આવ્યા.
મારી માઁ એ પોતાની મરણ મૂડી જેવી પોતાની અંતિમ મિલ્કત હાથ ની બંગડી, કાન ની બુટ્ટી અને ગળા નો ચેઇન વેચી શહેર માં ઉભા રહેવા માટે જગ્યા કરી.
મમ્મી એ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો, શરૂઆત પાપડ ,ખાખરા બનાવવાના ચાલુ કરી મારો અધૂરો અભ્યાસ પૂરો કરવા મહેનત કરી..
મેં પણ ડીગ્રી મળતા ની સાથે નોકરીની તકલીફને કારણે ડ્રાઇવર તરીકેની નોકરી મેળવી ઘરમાં આર્થિક મદદ આપવા નું ચાલુ કર્યું
ફેકટરી ના માલિક પણ સંસ્કારી હતા...મારી સાથે માનવતા ભર્યું વાણી વર્તન અને વ્યવહાર તેઓ કરતા.
કંપની ના માલિક દવે સાહેબને ફેકટરીએ લઈ આવ્યા પછી મારી પાસે કોઈ કામ રહેતું નહીં..
જિંદગીના એક એક શ્વાસ અને મિનિટ મારા માટે અગત્યના હતા.બાર બાર કલાક ફેકટરી માં બેસી IS ની પરિક્ષા માટેની તૈયારીઓ મેં ચાલુ કરી દીધી. હું બીજી નોકરી એટલે શોધતો ન હતો કે મને વાંચવાનો સમય પૂરતો અહીં મળી રહેતો હતો..ઘરે પહોંચી ને પણ હું સ્પર્ધાત્મક પરીક્ષાનું વાંચતો...
ભાગ્ય ના દરવાજા ઉપર માથા પછાડી રડવું, લોકો પાસે મદદ માટે કરગરવા કરતા મેં મારા જીવનમાં કર્મરૂપી એક ચક્રવાતી તુફાન ઉભું કર્યું. જેમાં મારી ગરીબી અને લાચારીને ધ્વસ્ત કરી મેં IS કેડર ની પરીક્ષા પાસ કરી.
ત્યાં અચાનક ડ્રાઇવર બોલ્યો, સાહેબ ઘર આવી ગયું. હું ફરી વર્તમાનમાં આવ્યો.
ઘરમાં આવી માઁ ને મેં વિગતે વાત કરી માઁ તો માઁ જ છે..તે પ્રવીણ ને મળવા માટે ઊતાવળી થઈ
અમે ફરી હોસ્પિટલે પહોંચ્યા ત્યારે પ્રવીણ ભાન માં આવી ગયો હતો..
પ્રવીણ મારી સામે જોઈ ભીની આંખે બોલ્યો મોટા ભાઈ તમે...? માઁ સામે હાથ જોડી માફી માંગતો પ્રવીણ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો...
મેં પૂછ્યું પપ્પા ક્યાં છે ?
પ્રવીણ બોલ્યો તમે ઘર છોડ્યા પછી..પપ્પા ની રાજકીય માથાકૂટ માં હત્યા થઈ.. હું બરબાદ થઈ ગયો મારા સંજોગો બદલાણા એટલે નેતાઓએ મારાથી અંતર બનાવી દીધું...ગામ માં દારૂડીયો અને જુગારી કહી લોકો મને અપમાનિત કરી ઘર ના દરવાજા બંધ કરવા લાગ્યા...
મોટા ભાઈ, હું થાકી ગયો છું..હિંમત હારી ગયો છું....મારે હવે જીવવું નથી. મને મારા કર્મ ની સજા ભોગવવા એકલો મૂકી દયો.
મેં માથે હાથ ફેરવી કીધું
અરે નાનીયા હિંમત ન હાર જાગ્યા ત્યાર થી સવાર
પ્રવીણ તારી આ દશા અને દિશા માટે ફક્ત રાજકીય નેતાઓ જ જવાબદાર છે...શેરડી ના રસ માંથી રસ કાઢી કુચો ફેંકી દે તેમ તને અને પપ્પા ને સ્વાર્થ પૂરો થતાં ફેંકી દીધા..
ચિંતા ન કરતો...મહેનત થી કમાવું હોય તો મારી પાસે ઘણા વિકલ્પ છે...હોસ્પિટલેથી તું સીધો આપણા ઘરે આવે છે..પણ એક વાત યાદ રહે..રાજકીય ચર્ચા કે રાજકીય વ્યક્તિઓને મારા ઘરમાં સ્થાન નથી..
અરે મોટા ભાઈ...આટલી સ્વાર્થી કાચીંડા જેવી જમાત નો એક વખત નો અનુભવ મારા માટે પૂરતો છે..
ચલ તું આરામ કર .. મારે અગત્યના કામથી ઓફિસે જવું પડે તેવું છે..
પ્રવીણ મારી ટાઈ પકડી બોલ્યો
વટ પડે છે મોટા ભાઈ તમારો...
મોટાભાઈ રાજકીય પક્ષ ના ગળે ખેસ કે પટ્ટો બાંધવા થી મેં કંઈ પ્રાપ્ત ન કર્યું...તેના કરતાં તમારી સલાહ યોગ્ય સમયે માની હોત તો આજે આ દિવસ જોવાના ન આવ્યા હોત
હું બંધ આંખ કરી બોલ્યો
હૈ ઈશ્વર મુસીબત સમયે તારું ટાંકણૂ ખૂબ વાગ્યું હતું મારા અંતરમાં,
પણ..નહોતી ખબર તું મુજ પથ્થરને 'શિલ્પ' બનાવી રહ્યો છે..
જો હું પણ આ પ્રવીણ ની જેમ રાજકીય નેતાઓ ના "ચક્રવ્યૂહ" માં ફસાયો હોત મારી દશા અને દિશા પણ પ્રવીણ જેવી જ હોત.....હે ઈશ્વર તારો ખૂબ આભાર…
પાર્થિવ નાણાવટી
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
