અસલી પાઠ! (Asli Paath)

Related

અસલી પાઠ!

એક પિતા પોતાના સંતાનોને જિંદગી જીવવાના અનેક પાઠ ભણાવતા હોય છે. પરંતુ અમદાવાદના એક મધ્યમવર્ગીય પરિવારના પિતાએ પોતાના આચરણથી સ્ત્રી સન્માનનો જે પાઠ ભણાવ્યો, તે મોટા મોટીવેશનલ સ્પીકરો પણ ન સમજાવી શકે!

અસલી પાઠ! - નવલિકા લેખક: હરેકૃષ્ણ
અસલી પાઠ!

વાત છે અમદાવાદના કૃષ્ણપ્રસાદ જાડાવાલાની, જેઓ તનતોડ મહેનત કરી એન્જિનિયર બન્યા હતા. તેમણે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ હેઠળ સરકારી બંદર ખાતામાં આખી જિંદગી નિષ્ઠાપૂર્વક નોકરી કરી.

ઓખા, પોરબંદર, વેરાવળ, પીપાવાવ, જાફરાબાદ અને મગદલ્લા જેવા વિવિધ બંદરો પર તેમણે વર્ષો સુધી ફરજ બજાવી. આકરી નોકરી વચ્ચે બાળકોને સારા સંસ્કાર આપ્યા, ભણાવ્યા અને યોગ્ય સમયે પરણાવ્યા. 

આ સમગ્ર સફરમાં તેમના પત્ની મંજુલાબેન એક મજબૂત આધારસ્તંભ બનીને રહ્યા. જે સ્ત્રીએ આખી જિંદગી પોતાના શોખ અને સપનાઓને ઘરના રસોડામાં ઓગાળી દીધા હતા, તેણે અજાણ્યા ગામોની બદલીઓમાં પણ ક્યારેય કોઈ ફરિયાદ વિના હસતા મુખે ઘર સાચવ્યું.

વર્ષો પછી કૃષ્ણપ્રસાદભાઈ નોકરીમાંથી નિવૃત્ત થઈ કાયમ માટે અમદાવાદ પોતાના ઘરે આવી ગયા. ખરા અર્થમાં આ દંપતીનું સાચું ગૃહસ્થ જીવન અહીંથી જ શરૂ થયું, પણ આ નિવૃત્ત જીવનનું દ્રશ્ય કંઈક અલગ જ હતું!

રોજ સવારે મંજુલાબેન ઘરની નજીક ગુલબાઈ ટેકરા બગીચામાં ચાલતા લાફીંગ ક્લબમાં જાય અને કસરત કરીને ઘરે પાછા ફરે. ત્યાં સુધીમાં પપ્પા પીવાનું પાણી ભરવાથી લઈને ઘરનાં નાનાં-મોટાં કામ પતાવી લે. 

મમ્મી ઘરે આવીને સોફા પર બેસી છાપું વાંચવાનું શરૂ કરે, ત્યાં જ ઘરમાં પપ્પાની વોકિંગ સ્ટીકનો ધીમો 'ટક... ટક...' અવાજ ગુંજે. એ અવાજની સાથે જ આદુ-ઈલાયચીવાળી ગરમાગરમ ચાની મહેક આખા દીવાનખંડમાં ફેલાય અને પપ્પા તેમની સામે ટીપોઈ ગોઠવીને નાસ્તો પીરસે.

ત્યારબાદ મંજુલાબેન તૈયાર થઈને દર્શન કરવા માટે ગુલબાઈ ટેકરા ખાતે આવેલ સોમનાથ મંદિરે જાય. સાડા અગિયાર વાગ્યે જ્યારે તેઓ મંદિરેથી પાછા ફરે અને સોફા પર પલાંઠી વાળીને બેસે, ત્યારે પપ્પા ફરીથી ટીપોઈ ગોઠવીને તેમને પ્રેમથી જમવાની થાળી પીરસી આપે.

આ દ્રશ્યમાં સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે, મંજુલાબેન શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતાં અને છૂટથી હરી-ફરી શકતા હતાં. જ્યારે બીજી તરફ પપ્પાને પાછલા વર્ષોમાં ચાલવાની ખૂબ જ તકલીફ રહેતી હતી.

ઉંમરના આ પડાવે તેમના પગ ભલે સાથ નહોતા આપતા, પણ પત્ની પ્રત્યેનો તેમનો અખૂટ પ્રેમ જાણે એમને યુવાનો જેવી સ્ફૂર્તિ આપી દેતો હતો. પોતાની શારીરિક પીડાને ભૂલીને તેઓ પત્નીની આટલી મનથી સેવા કરતા હતા.

આ જોઈને સંતાનો આરતી, પ્રકાશ અને હર્ષાથી રહેવાયું નહીં. તેમણે પપ્પાને પૂછી જ લીધું, "પપ્પા, મમ્મીને આટલી બધી પેમ્પર શા માટે કરો છો? તમને ચાલવાની આટલી તકલીફ છે, તો પણ મમ્મીની આટલી બધી કાળજી કેમ લો છો?"

પપ્પાએ એક અત્યંત મધુર સ્મિત સાથે જવાબ આપ્યો, "મને એની કાળજી લેવી ગમે છે!" પણ બાળકોએ જ્યારે વધુ આગ્રહ કર્યો, ત્યારે પપ્પાએ જે વાત કહી તેણે સૌના દિલ જીતી લીધા.

પપ્પાએ કહ્યું, "બેટા, તમારી મમ્મીએ આખી જિંદગી મારું, તમારું અને આખા પરિવારનું ધ્યાન રાખ્યું છે. હું નોકરીએ હોઉં કે અજાણ્યા ગામમાં બદલી થઈ હોય, તેણે ક્યારેય કોઈ ચીજવસ્તુની માંગણી કે ફરિયાદ નથી કરી."

"સરકારી નોકરીમાંથી તો ૫૮ કે ૬૦ વર્ષે નિવૃત્તિ મળી જાય છે બેટા, પણ એક ગૃહિણીનું શું? જો પતિ તરીકે હું જ એને ઘરની જવાબદારીઓમાંથી મુક્ત ન કરું, તો એ તો આજીવન રસોડાની ઘટમાળમાં જ અટવાઈ રહે ને!"

તેમણે એ જ રસોડાની જવાબદારીઓમાંથી પત્નીને સન્માનભેર નિવૃત્તિ આપવાનો આ અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. પપ્પાનો આ વિચાર આજના વુમન એમ્પાવરમેન્ટ અને સ્ત્રી સન્માનના મોટા ભાષણો કરતાં જોજનો આગળ હતો.

આજે ભલે કૃષ્ણપ્રસાદભાઈ અને મંજુલાબેન સદેહે આ દુનિયામાં નથી, પણ તેમના સંતાનોને પૂરી ખાતરી છે કે સ્વર્ગમાં પણ પપ્પા મમ્મીની આ જ રીતે કાળજી લેતા જ હશે. એમાં કોઈ જ શક નથી! 

ફાધર્સ ડે નિમિત્તે સ્ત્રી દાક્ષિણ્યની આવી ઉમદા શીખ અને સમજ આપવા બદલ અમારા પપ્પાને કોટિ-કોટિ વંદન સહ સ્નેહાંજલિ.🌹 

— તમારા ગૌરવવંતા સંતાનો: આરતી, પ્રકાશ અને હર્ષા. ...(કથાબીજ: પ્રકાશ જાડાવાલા) ✨લેખક: હરેકૃષ્ણ" …✍️

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."