અમાસે ઊગ્યો ચાંદ - લઘુકથા

Related

અમાસે ઊગ્યો ચાંદ

અનીલાબેને પુજાના રૂમમાંથી નિશાને બુમ પાડી, “ ઓ નિશા, ક્યાં મરી ગઈ ? આઠ વાગી ગયા, મારા દેવલા ઉઠીને તૈયાર થયા. હજુ તારી ચા બની કે નહિ ? “ અને નિશા રસોડામાંથી દોડતી પૂજાના રૂમમાં આવી અને સાસુમાને હાથમાં ચા નો કપ પકડાવ્યો, સાસુ મોં મચકોડીને આરતીની તૈયારી કરવા લાગ્યા.

અમાસે ઊગ્યો ચાંદ - લઘુકથા
અમાસે ઊગ્યો ચાંદ - લઘુકથા

અનીલાબેનનો એક જ દીકરો રાજન. એણે જયારે નિશા સાથે પ્રેમમાં હોવાની વાત કરી ત્યારે તેમણે ધરાર ના પાડી દીધી. ખબરદાર.. જો કુંડળી બતાવ્યા વિના કઈ પણ કર્યું છે તો હું અન્ન જળનો ત્યાગ કરીશ. રાજન ગભરાઈ ગયો. અનીલાબેન જન્માક્ષર, કુંડળી, ગ્રહ ને બીજા બધામાં ખુબ માનતા. શુકન અપશુકન જોયા વગર કઈ પણ ન કરતાં પણ તેમના પતિ હર્ષદરાયને આ બધું ન ગમતું પણ ઘરમાં શાંતિ જળવાઈ રહે માટે ચુપ રહેતા.

રાજન ખુબ જ દેખાવડો હોશિયાર,વિવેકી હતો. માબાપને ખુબ જ માન આપતો. સ્નાતક થઇ ગયા પછી નોકરી શોધવા લાગ્યો. હર્ષદરાય શિક્ષક હતા. સામાન્ય પરિસ્થિતિ, એક જ દીકરો એટલે ઘર કરકસરથી ચાલતું.

મમ્મીએ ના પાડી પછી એ ખુબ જ ઉદાસ રહેવા લાગ્યો. કોલેજના ત્રણ વર્ષમાં એ અને નિશા એકબીજાને ગાઢ પ્રેમ કરતા થઇ ગયા હતા. નિશા પણ ખુબ હોશિયાર હતી. રૂપાળી હતી. ભણવામાં રાજન કરતા પણ આગળ હતી. ગ્રેજ્યુએટ થયા પછી બંને જણાએ નોકરીની શોધ આદરી. બંને જણા બેંકમાં, સરકારી નોકરી માટે, મોટી કંપનીમાં અરજી કરવા લાગ્યા.

બંનેના નસીબ ખુબ સારા હતા. રાજનને પોસ્ટ ઓફિસમાં કલાર્કની નોકરી મળી ગઈ. અને નિશાને બેંકમાં નોકરી મળી ગઈ. બંને જણા ખુબ ખુશ હતા. એમણે નક્કી કર્યું હતું કે નોકરી મળ્યા પછી ઘરમાં લગ્નની વાત કરીશું.

નિશાએ ઘરમાં રાજન સાથેના પ્રેમની વાત કરી તેના મમ્મી પપ્પાએ તપાસ કરી. રાજન ખુબ જ સંસ્કારી અને ખાનદાની છોકરો છે એ જાણ્યા પછી જ દીકરીને માથે હાથ મૂકી માબાપે સમંતિની મહોર મારી દીધી.

રાજનના મમ્મીએ ના પાડી દીધી પણ પછી રાજનની ઉદાસી જોઇને તે થોડા પીગળી ગયા. રાજનને બોલાવ્યો, પાસે બેસાડીને કહ્યું, “ રાજન બેટા, હું તારી મા છુ, દુશ્મન થોડી છું?, તારી ખુશી એ મારી ખુશી.” પણ.. જો બેટા, મારી એક શરત છે. નિશાની કુંડળીનો તારી કુંડળી સાથે મેળાપ ન થાય તો તારે નિશાને ભૂલવી જ પડશે.

રાજન ખુશ થઇ ગયો. સામે જ તેના પપ્પા બેઠેલા હતા. બાપ દીકરા હસી પડ્યા. અનીલાબેન રસોડામાં ચા મુકવા જવા લાગ્યા. બાપ દીકરા એકલા પડ્યા. એટલે રાજને કહ્યું,” પપ્પા કુંડળી ન મળી તો ?” હર્ષદરાય ઉભા થયાને દીકરાને માથે હાથ મૂકીને કહ્યું,” કુંડળી મળશે જ. જા નિશાના જ્ન્મક્ષાર લઇ આવ અને હા જરા મો હસતું રાખ. રોતલ, મોટો પ્રેમ કરવા નીકળી પડ્યો “. અને રાજન પપ્પાને ભેટી પડ્યો.

બીજે દિવસે નિશાને મળ્યો ને મમ્મી પપ્પાની વાત કરીને જન્માક્ષર માંગ્યા. નિશાએ કહ્યું,” કાલે આપીશ. પણ રાજ કુંડળી ન મળી તો ?” રાજને નિશાના મોઢા પર હાથ મૂકી દીધો પણ બંનેની આંખમાં એક ચિંતાની લકીર ઉપસી આવી.

અનિલાબેને મહારાજને ઘરે બોલાવ્યા હતા. હર્ષદરાય, રાજન અને નિશાના પપ્પા બેઠા હતા. મહારાજ કુંડળીઓનો મેળાપ કરવા લાગ્યા. આંગળીના વેઢા ગણવા લાગ્યા. થોડીવાર રહીને બોલ્યા, “અનીલાબેન ગોળ ધાણા ખવડાવો. કુંડળી મળી ગઈ છે. આ છોકરી અને તમારો રાજન ખુબ નસીબદાર છે.” અને બધાના મોં ઉપર ખુશી છલકાઈ. અનીલાબેન રસોડામાંથી ગોળ ધાણા લઇ આવતા જ હતાને એમના કાને મહારાજના શબ્દો અથડાયા.

રાજન બેટા.. નિશાની જન્મતિથી અમાસ છે તેથી નામ “નિશા” છે. પણ બેટા રૂપમાં તો નિશા પુનમનો ચાંદ છે. ખુબ સુંદર દેખાય છે. “ એમ કહી નિશાનો ફોટો હર્ષદરાય ને આપ્યો.

બસ આટલું જ સાંભળતા અનીલાબેન તાડૂક્યા, “ નહિ..નહિ.. મારા ઘરમાં અમાસે જન્મેલી છોકરી નહિ ચાલે. રૂપનું શું કરવાનું છે? મારા ઘરમાં અંધકાર થઇ જશે. હવે આ લગ્ન નહિ થાય. “હવે રાજન બોલ્યો,” મમ્મી તમે કહ્યું હતું ને કે કુંડળી મળી જશે તો જ લગ્ન થશે. હવે તો નિશા સાથે જ લગ્ન કરીશ. નહિ તો હું લગ્ન નહિ કરું.” હર્ષદરાય પણ બોલી ઉઠ્યા,” શું કામ દીકરાની ખુશીને આડે આવે છે ? નિશા જ આપણા ઘરમાં વહુ બનીને આવશે. ચાલો સગાઈની તારીખ નક્કી કરવાની છે.” અનિલાબેને કચવાતા મને ગોળ ધાણા ખવડાવ્યા. મનમાં એક ડંખ રહી ગયો. એમનું ધાર્યું ના થયું.

પછી તો રાજન નિશાના ધૂમધામથી લગ્ન થઇ ગયા અને નિશા વહુ બનીને ઘરમાં આવી ગઈ પણ અનીલાબેન તેની સાથે ક્યારેય સારી રીતે વાત ન કરતા. ગમેતેમ બોલતા. તોછડું વર્તન કરી ઉતારી પાડતા. એકવાર તો ગુસ્સામાં બોલી પડ્યા, “ઓ અમાસે અવતરેલી અભાગણ, તને મારો જ દીકરો મળ્યો ???” અને નિશા રડી પડી.

હર્ષદરાય નિશા પાસે આવ્યા અને બોલ્યા,” દીકરી શું કામ રડે છે? મા છે, બોલ્યા કરે. સાંભળવાનું નહિ. કે દુઃખ નહિ લગાડવાનું.” ધીમે ધીમે અનીલાબેનનો ત્રાસ વધવા લાગ્યો. નિશા નોકરીએ જતી ત્યારે જ એને કૈક કામ સોંપતા. રાજન ચુપચાપ જોતો કે મા નિશાને હેરાન કરે છે. પણ એ ચુપ રહેતો. રાતે નિશાને ખુબ પ્યારથી કહેતો, “તને મારી સાથે લગ્ન કરીને પસ્તાવો થાય છે? “ નિશા રાજનની આંખમાં આંખ નાખી કહેતી,” રાજ હું ખુબ ખુશ છું.” એમ કહીને રાજનની બાહોમાં સમેટાઈ જતી.

અનીલાબેન વહેલા ઉઠી પૂજા કરવા બેસતા ને અચૂક બુમ પાડતા ,” ઓ નિશા ક્યાં મરી ગઈ ? ચા થઇ કે નહિ ??” હવે તો અડોશ પડોશમાં વાતો થવા લાગી કે અનીલાબેન આટલી ડાહી, ગભરુ પારેવડા જેવી વહુને હેરાન કરે છે. સમય વીતવા લાગ્યો. નિશા ઘરનું કામ, નોકરી કરતી હતી. ક્યારેય કોઈની સામે ન થતી કે ઊંચા અવાજે ન બોલતી. લગ્નને એક વર્ષ પૂરું થયું. નિશા સવારે ઉઠી ચા મુકતી હતી ને અનિલાબેને બુમ પાડી “ઓ નિશા ???” ને નિશાએ ચાનો કપ ધરી દીધો ને અચાનક ઉલટી જેવું લાગતા દોડી. ખુબ ઉલટી થઇ. ત્યારે પણ અનીલાબેન બોલ્યા,” આખો દિવસ ખા ખા કરતી હોય છે પછી ઉલટી જ થાય ને??”

એ દિવસે હર્ષદરાયે માથું પછાડ્યું ને ઘાંટો પાડ્યો,” અનિલા? તને ભાન છે શું બોલે છે? એક સ્ત્રી થઈને તને ખબર નથી પડતી કે ઉલટી ક્યારે થાય? મારી દીકરી જેવી વહુ તને દાદી બનાવવાની છે અને તું ગમે તેમ બકવાસ કરે છે, જરાક તો શરમ કર.” અનીલાબેન ભોંઠા પડી ગયા. નિશાને બોલાવી કહ્યું:” કેમ? મને નથી કહેવાતું? અભિમાન તો નાક ને ટેરવે જ બેઠેલું છે. “ અને હર્ષદરાયએ કહ્યું,” તું નહિ સુધરે..”

પુરા નવ મહીને નિશાએ દીકરાને જન્મ આપ્યો. અનીલાબેન ખુશ થઇ ગયા પણ નિશા સાથેનું વર્તન ન સુધર્યું. રાજનનો દીકરો ગોરો, ભૂખરા વાળ ને રૂપાળો હતો. દીકરાનું નામ નીલ પાડ્યું. જોતજોતામાં નીલ ચાર વર્ષનો થઇ ગયો. ધીમે ધીમે સમય સરતો રહ્યો. હવે નિશાને ઘર, નોકરી અને નીલને.. બધું જ સંભાળવું પડતું હતું પણ અનીલાબેનને જરા પણ દયા ન આવતી હતી. એજ રોજની કચકચ.. પણ નિશાને કોઈ ફરિયાદ નહોતી.

તહેવારના દિવસો હતા ને શની રવિની રજા આવતી હતી. રાજને કહ્યું;” ચાલ નિશા, ક્યાંક ફરી આવીએ “ ને અનિલાબેને સાંભળ્યું એટલે ચીસ પાડી.ને બોલ્યા,” ઓ...મા મરી ગઈ...” ને રાજન મા પાસે દોડ્યો, હર્ષદરાય ને નિશા પણ આવ્યા. રાજને પૂછ્યું,” મા શું થયું?” અનિલાબેને કહ્યું,” બહુ પેટમાં દુખે છે. નથી રહેવાતું..ઓ..મા “ કરીને નાટક કરવા લાગ્યા.

નિશાએ કહ્યું,” રાજન મમ્મીની તબિયત સારી નથી. મારાથી ફરવા નહિ અવાય. તમે તમારા મિત્રો સાથે ફરી આવો. આપણે બીજી વાર જઈશું.” ને અનીલાબેન ઊંધું ફરીને હસવા લાગ્યા.

શનિવારે સવારે રાજન અને તેના મિત્રો આબુ જવા નીકળી ગયા. આખો દિવસ હરીફરી ને હોટેલ પર આવ્યા. જમીને બધા રૂમ પર આરામ કરતા હતા. એવામાં એક મિત્ર બોલ્યો,” રાજન, ચાલ બહાર ફરી આવીએ, સરસ પવન નીકળ્યો છે. અહીં પણ તમે લોકો મોબાઈલ ને ટીવી સામે બેસી ગયા. ચાલો યાર ઉઠો બધા..” રાજન અને બીજા ત્રણ મિત્રો તૈયાર થઈને બહાર નીકળ્યા.

ચાલતા ચાલતા દુર નીકળી ગયા. શિયાળો હતો એટલે અંધારું પણ હતું. રાજને કહ્યું, “ચાલો હવે પાછા ફરીએ. થાક લાગ્યો છે” ને બધા પાછા આવવા લાગ્યા. હજુ થોડે દુર ગયાને એક કાર ધસમસતી આવી ગઈ. હજુ તો કોઈ કઈ વિચારે અને અંદર ખસે એ પહેલા જ રાજનને કચડીને ઝડપથી જતી રહી. રાજન થોડીવારમાં જ તરફડીને શાંત થઇ ગયો. 

બધા મિત્રો ખુબ જ ગભરાઈ ગયા. સૌથી પહેલા હોટેલ પર મિત્રોને જાણ કરી. રાજનના ઘરે ફોન કરવાની કોઈની હિમત ના ચાલી. હોટેલના માલિક અને મિત્રો રાજનને લઇ હોસ્પિટલ ગયા ત્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો.

હવે તો રાજનના ઘરે જાણ કરવી જ પડશે. એક મિત્રે ફોન કર્યો કે રાજનનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. અમે એને ઘરે લાવીએ છીએ.

ફોન હર્ષદરાય એ લીધો હતો. એમના હાથમાંથી ફોન છટકી ગયો. અનિલાબેને જોયું. પણ એ કશું બોલી ના શક્યા. અનિલાબેને ફરી ફોન જોડ્યો અને રાજનના મિત્રોએ બધી વાત કરી. અનીલાબેન ત્યાં જ બેભાન થઇ ઢળી પડ્યા. હજુ નિશા જાણતી નહોતી. એ રસોડામાંથી બહાર આવી ને એ સાસુ સસરાની હાલત જોઇને ગભરાઈ ગઈ. જલ્દી પાણી લાવી એમના મો પર છાંટ્યું . હર્ષદરાય હોશમાં આવ્યા. 

નિશા અનીલાબેનને ભાનમાં લાવવાની કોશિશ કરતી હતી. થોડું વધારે પાણી છાંટ્યું એટલે અનીલાબેન ભાનમાં આવ્યા. એમણે બાજુમાં નિશાને બેઠેલી જોઈને જોરથી ધક્કો મારી દીધો અને નિશાના કપાળનો ચાંદલો ભુસતા ગુસ્સામાં બોલી ઉઠ્યા, “અભાગણી મારા દીકરાને ભરખી ગઈ.” કહીને જોર જોરથી રડવા લાગ્યા. હવે નિશાને સમજાયું. એ દોડીને સસરા પાસે ગઈ અને પૂછ્યું,” પપ્પા પપ્પા શું થયું ??? શું થયું મારા રાજ ને?? બોલો પપ્પા રાજ ક્યાં છે...???

હર્ષદરાય નિશાના માથે હાથ મૂકી કહ્યું;” બેટી રાજન હવે આપણી વચ્ચે નથી રહ્યો. આબુમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. “ અને નિશા ચક્કર ખાઈને જમીન ઉપર ફસડાતી હતી… અનિલાબેને જોયું, અને દોડતા જઈ નિશાને ઝીલી લીધી. હર્ષદરાય અવાચક બની બંને તરફ જોઈ રહ્યા. ધીમે ધીમે આજુબાજુમાં અને સગાવહાલાને ખબર કરવામાં આવી. અને લોકો ધીમે ધીમે એકઠા થવા લાગ્યા.

રવિવારે બપોરે એક વાગે રાજનનું નિશ્ચેતન શરીર લઈને શબ વાહિની આવી પહોંચી. જુવાન જોધ દીકરાનું શબ જોઈને માબાપે હૈયાફાટ રુદન કર્યું ને લોકો પણ રડી પડ્યા. નિશા…. એને તો કઈ ભાન જ નહોતું એની આંખો કોરી ધાકોર હતી. એ શૂન્યમનસ્ક બની ગઈ હતી.

રાજનના અંતિમ સંસ્કારની તૈયારી કરી ને બધાએ નિશાને સુહાગણ બનાવી, તૈયાર કરી બહાર લાવવાનું કહ્યું. આજુબાજુની સ્ત્રીઓએ નિશાને પકડીને રાજનની બાજુમાં બેસાડી. બીજી સ્ત્રીઓ અનીલાબેનને જોઇને ગુસપુસ કરવા લાગી. બિચારી નિશાનું હવે આવી બન્યું. અનીલાબેન ન જાણે હવે એની સાથે શું કરશે??

એટલામાં મહારાજે કહ્યું,” અનીલાબેન વહુને ચાર રસ્તે લઇ જવા ઉભી કરો. અને હા જે વિધવા બહેનો છે તે વહુને નનામી પાછળ લઇ જઈને ચાર રસ્તા પર તેની ચૂડી ઉતારી ને કપાળ પરનો ચાંદલો ભૂંસે.” ને નિશાને માથે હાથ મૂકી ને બોલ્યા, “ મને માફ કર બેટી, હું એજ ગોર મહારાજ છુ જેણે તારા લગ્ન કરાવીને માથામાં સિંદુર પુરાવ્યું હતું. અને આજે હું જ....” કહી ને રડી પડ્યા.

રાજનને કાંધે ઉપાડીને “રામનામ સત્ય હૈ” બોલતા ડાઘુઓ ચાર રસ્તે ઉભા રહ્યા. સ્ત્રીઓ નિશાને ઘસડતી હોય તેમ ચાર રસ્તે લાવ્યા.

અનીલાબેન દુર ઉભા જોઈ રહ્યા હતા. એક સ્ત્રીએ ડોલમાંથી પાણી લઇ નિશાના માથા ઉપર રેડ્યું. નિશાના માથેથી સિંદુર રેલાઈ રહ્યું. બીજી એક જણ તેના હાથમાંની બંગડી તોડવા હાથ પકડ્યો ને અનીલાબેન દોડતા, ધસમસતા ત્યાં આવી પહોંચ્યા. નિશાનો હાથ છોડાવી ત્રાડ પાડી, “ ખબરદાર, જો કોઈએ નિશાને હાથ પણ લગાડ્યો છે તો મારાથી ખરાબ કોઈ નહિ થાય. “ એમ કહી ફરીથી નિશાના સેંથામાં સિંદુર પૂર્યું. “ મારી નિશા બંગડી નહિ ઉતારે.”

આ સાંભળી લોકો સ્તબ્ધ થઇ ગયા. અનિલાબેને તેને હૈયા સરસી ચાંપી અને નિશા સામે બે હાથ જોડી ઉભા રહી ગયા. પોતાના પૌત્રને નિશાને આપ્યો. નિશા અનીલાબેનને ભેટીને હૈયાફાટ રુદન કરવા લાગી. ડાઘુઓએ રાજનના પાર્થિવ શરીરને લઈને અંતિમ પડાવે જવા પગ ઉપાડ્યા ને બોલી ઉઠ્યા,” રામનામ સત્ય હૈ” અનીલાબેન બોલ્યા;” નિશા, બેટી મારો દીકરો તો નિર્મોહી બની આપણને છોડીને ચાલ્યો ગયો છે. બેટી ..હવે તું જ મારો દીકરો. નિશા, તું મારા ઘરમાં “અમાસે ઉગેલો ચાંદ”છે.

રીટા મેકવાન “પલ” (સુરત)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ વધુ વાંચન માટે નવલકથાઓ વાંચવી ગમતી હોય તો આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."