આવર્તન - કર્મનું રહસ્યમયી ચક્ર

Related

આવર્તન - કર્મનું રહસ્યમયી ચક્ર!

સમય એ એક એવી અદ્રશ્ય નદી છે, જેના વહેણમાં માણસ ક્યારે, ક્યાં અને કોની સાથે બંધાઈ જાય છે, તેની જાણ કોઈને હોતી નથી. જીવનના આ વિશાળ રંગમંચ પર દરેક મુલાકાત કોઈ અકળ યોજનાનો ભાગ હોય છે. આને જ આપણૅ ઋણાનુબંધ કહીએ છીએ.

આવર્તન - કર્મનું રહસ્યમયી ચક્ર!
આવર્તન - કર્મનું રહસ્યમયી ચક્ર!

આજથી બરાબર ત્રીસ વર્ષ પહેલાંની એ શ્રાવણ મહિનાની કાળી ડરામણી રાત હતી. આકાશમાંથી વરુણદેવ પોતાનો બધો જ ક્રોધ ધરતી પર ઠાલવી રહ્યા હોય તેમ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.

ડૉક્ટર હેમંતના નાના એવા દવાખાનામાં માટીના દીવાની જ્યોત પવનથી ફફડી રહી હતી. ચારેય તરફ ઘોર અંધકાર અને વરસાદી તોફાન સાથે વીજળીનો ભયાનક અવાજ છવાયેલો હતો.

એવા સમયે મધ્યમવર્ગીય છતાં અકાળે પતિના અવસાનથી સમયના એવા પછડાટે ગરીબીમાં ધકેલાઈ ગયેલી એક સ્ત્રી પોતાની સાત વર્ષની દીકરી ગૌરીને છાતીએ વળગાડીને દોડતી આવી. બાળકીનું શરીર તાવથી ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. બાળકીના નાના શ્વાસ ટૂંકા થઈ રહ્યા હતા અને તેની હાલત અત્યંત ગંભીર હતી.
ડૉક્ટર હેમંતની આંખોમાં એ સમયે કોઈ સામાન્ય દર્દી નહીં, પણ એક તરફડતો જીવ દેખાઈ રહ્યો હતો.

જગતની તમામ મોહમાયાથી પર થઈને આખી રાત તેમણે એ બાળકીના ઓશિકે બેસીને તેની માવજત કરી. તેઓ એક ક્ષણ માટે પણ પોતાની ખુરશી પરથી ઊભા ન થયા.

બહાર તોફાન ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું અને અંદર બાળકીના શ્વાસ નિયમિત થઈ રહ્યા હતા. દવાઓની સાથે ડૉક્ટરની અખૂટ મહેનત અને પ્રાર્થના રંગ લાવી હતી.

પરોઢના પ્રથમ કિરણ સાથે ગૌરીએ ધીમેથી પોતાની આંખો ખોલી. તેની ગરીબ મા પાસે ડૉક્ટરને આપવા માટે ફીના પૈસા નહોતા, માત્ર કૃતજ્ઞતાના ભીના આંસુ હતા. પળવારમાં ડોકટર હેમંતે એ આંસુ વાંચી લીધા!

ડૉક્ટરે બાળકીના માથા પર હાથ મૂકી હળવેથી સ્મિત કરતા કહ્યું હતું કે, “બહેન, જીવન આપનાર તો ઈશ્વર છે, હું તો માત્ર નિમિત્ત છું. તમે મારા ફી ના પૈસાની બિલકુલ ચિંતા ના કરો અને ઘરે જાઓ, દીકરી હવે એકદમ હેમખેમ અને સંપૂર્ણ સુરક્ષિત છે.” અને આંખોમાં આભારના આંસુ સાથે તે સ્ત્રીએ ત્યાંથી વિદાય લીધી.

દિવસો વીતતા ગયા અને ઋતુઓ બદલાતી ગઈ. વસંત અને પાનખરના અનેક ચક્રો સમયના વહેણની સાથે ખૂબ જ શાંતિથી પસાર થઈ ગયા.

નદીના પ્રવાહની જેમ ત્રીસ વર્ષ ક્યાં વહી ગયા તેની કોઈને ખબર જ ન પડી. અને સમયની ક્રૂર થપાટોએ ડૉક્ટર હેમંતના યુવાન ચહેરા પર ઊંડી કરચલીઓ પાડી દીધી હતી.

જે મજબૂત હાથોએ આખી જિંદગી હજારો અજાણ્યા દર્દીઓને નવું જીવન આપ્યું હતું, તે હાથ હવે ઉંમરના ભારને કારણે ધ્રૂજવા લાગ્યા હતા.

પંચોતેર વર્ષની ઉંમરે ડૉક્ટર હેમંત જાણે પોતાના જીવનની આખરી સંધ્યાએ ઊભા હતા. તેમના હૃદયની બીમારી અચાનક એટલી ગંભીર બની ગઈ કે બધા ચિંતિત થઈ ગયા.

શહેરના મોટા અને નામાંકિત તબીબોએ પણ લાંબી તપાસ કર્યા પછી હવે આશા છોડી દીધી હતી. તેમને શહેરની એક અત્યાધુનિક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા.

ડૉક્ટર હેમંતને પણ હવે અંદરથી અહેસાસ થવા લાગ્યો હતો કે આ માટીના ખોળિયાને છોડવાનો અને આ દુનિયામાંથી વિદાય લેવાનો સમય હવે સાવ નજીક છે.

પણ કહેવાય છે ને કે જ્યારે જિંદગીનું પાનું પૂરું થવાનું હોય, ત્યારે વિધાતા પોતે જ પૂર્વજન્મના અધૂરા હિસાબો સરભર કરવા માટે કોઈને કોઈ માધ્યમ મોકલે છે.

લંડનથી એક અત્યંત પ્રખ્યાત અને કાબેલ હાર્ટ સર્જન તે જ અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે આ જટિલ કેસ વિશે સાંભળ્યું અને ઓપરેશનનો નિર્ણય લીધો. એ સ્ત્રી સર્જને ડૉક્ટર હેમંતનો કેસ સંપૂર્ણપણે પોતાના હાથમાં લીધો. એક અત્યંત લાંબી, કપરી અને જોખમી સર્જરી હોસ્પિટલના સ્પેશિયલ ઓપરેશન થિયેટરમાં શરૂ થઈ.

કલાકોની ભારે જહેમત અને જટિલ સર્જરી પછી ઓપરેશન સફળ રહ્યું. જ્યારે ડૉક્ટર હેમંતે ધીમેથી ભાનમાં આવીને આંખો ખોલી, ત્યારે ચમત્કાર થઈ ચૂક્યો હતો. તેમની સામે શ્વેત વસ્ત્રોમાં એક અત્યંત સૌમ્ય ચહેરો સ્મિત સાથે ઊભો હતો. એ વિદેશી સ્ત્રી સર્જનની આંખોમાં એક અલગ પ્રકારની ભીનાશ અને અદભુત આત્મીયતા હતી. તે સર્જને ડૉક્ટર હેમંતનો કમજોર અને ધ્રૂજતો હાથ અત્યંત વહાલ અને આદરથી પોતાના હાથમાં લીધો. તેમણે ખૂબ જ ધીમા અને ભાવુક સ્વરે વાત શરૂ કરી.

તેમણે કહ્યું, “ડૉક્ટર સાહેબ, આજથી બરાબર ત્રીસ વર્ષ પહેલાં એક ભયાનક તોફાની રાત્રે તમે એક ગરીબ બાળકીને મૃત્યુના મુખમાંથી ખેંચીને નવું જીવન આપ્યું હતું. …જો તે રાત્રે તમારી સેવાનો નિઃસ્વાર્થ પ્રેમ ન હોત, તો આજે આ ગૌરી લંડનની મોટી સર્જન બનીને તમારી જિંદગી બચાવવા માટે તમારી સામે ન ઊભી હોત.”

આ શબ્દો સાંભળતા જ ડૉક્ટર હેમંતની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. આજે એમને લાગી રહ્યું હતું કે, “જીવન અને મૃત્યુ વચ્ચેનો નાતો કેટલો ગૂઢ છે.”
આ તો કર્મનું એક એવું અદભુત અને રહસ્યમયી ચક્ર છે, જેમાં માણસે વાવેલું નાનકડું સેવાનું બીજ સમય આવ્યે તેને જ છાંયડો આપવા વટવૃક્ષ બની જાય છે.

જે જીવન તેમણે એક સમયે નિઃસ્વાર્થ ભાવે બચાવ્યું હતું, તે જ જીવન આજે સમયના વળાંકે તેમનું રક્ષણ કરવા પાછું ફર્યું હતું.
....આ જ તો જીવનચક્ર છે.!!

જીવનના સારા કે નબળા દરેક કરમ, એક દિવસ તમારી પાસે વહેલાં - મોડા જરૂર પાછા આવે છે એમાં કોઈ મીનમેખ નથી! આ એક એવો હિસાબ છે જે કોઈ ચોપડે નથી લખાતો પણ સમય આવ્યે ચૂકવણી ચોક્કસ કરાવે છે.!

■ હરેકૃષ્ણ જાની 
©આ વાર્તાના તમામ રાઇટ્સ લેખકના છે.

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

2 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■