'મહાભારતની અંતિમ રાત'
મહાભારતના યુદ્ધની એ અંતિમ રાત હતી. અઢાર દિવસ સુધી ચાલેલા ભયંકર સંગ્રામ પછી આજે કુરુક્ષેત્રના મેદાનમાં એક ડરામણી શાંતિ છવાયેલી હતી.મહાભારતની અંતિમ રાત - બોધકથા
જ્યાં એક સમયે યોદ્ધાઓની ગર્જના અને શંખનાદ ગુંજતા હતા, ત્યાં આજે ફક્ત હાર અને જીત બંનેની ભયાનક નીરવતા હતી. જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા પડ્યા હતા.
ચારે તરફથી ઘાયલ સૈનિકોના કણસવાના નિસાસા અને સળગતી ચિતાઓની ગરમી અનુભવાઈ રહી હતી. આખી ધરતી જાણે પોતાના જ સંતાનોના મોત પર શોકમાં ડૂબેલી હતી.
આ એ જ દિવસ હતો જ્યારે પાંડવોને અંતે યુદ્ધમાં જીત મળી હતી. કૌરવોનો સંપૂર્ણ નાશ થયો હતો અને હસ્તિનાપુરનું શાસન હવે પાંડવોના હાથમાં આવવાનું નક્કી હતું.
પણ ધર્મરાજ યુધિષ્ઠિરના મનમાં કોઈ જ ખુશી કે ઉત્સાહ નહોતો. તેઓ પોતાની છાવણીની બહાર જમીન પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા.
તેમનું મન એકદમ શૂન્ય થઈ ગયું હતું. જે જીત માટે તેઓ વર્ષો સુધી લડ્યા, તે જીત આજે તેમને સાવ ખાલીપો આપી રહી હતી.
એ જ વખતે અંધારામાંથી શાંત પગલે ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા. તેમણે હળવેકથી યુધિષ્ઠિરના ખભા પર હાથ મૂક્યો.
યુધિષ્ઠિરની આંખોમાં વહેતા આંસુ જોઈને કૃષ્ણ એકદમ સહજ સ્વરે બોલ્યા, "ધર્મરાજ, તમે તો આ મહાયુદ્ધમાં જીતી ગયા છો. તમારો વિજય થયો છે અને હવે આખું સામ્રાજ્ય તમારું છે. તો પછી આ વિજયના સમયે તમે રડી કેમ રહ્યા છો?"
યુધિષ્ઠિરે ધ્રૂજતા અવાજે અને ભરેલી આંખે કૃષ્ણ સામે જોયું. તેમના ગળામાં ડૂમો ભરાયેલો હતો.
તેમણે કહ્યું, "માધવ, કૃપા કરીને મને કહો કે આ ખરેખર કોઈ જીત છે કે પછી મને મળેલી કોઈ બહુ મોટી સજા? મેં મેદાનમાં જેમને હરાવ્યા, જેમનો વધ કર્યો... એ બધા મારા પોતાના જ હતા. અને આ યુદ્ધમાં મેં જેમને કાયમ માટે ગુમાવ્યા, એ પણ મારા પોતાના જ હતા ને!"
"ક્યાં છે મારો આખો પરિવાર? મારો વહાલસોયો નાનકડો અભિમન્યુ જતો રહ્યો, મારો ઘટોત્કચ ના રહ્યો. જે દ્રોણાચાર્યએ અમને વિદ્યા આપી એ ગુરુ પણ ગયા અને જેમના ખોળામાં રમીને અમે મોટા થયા એ ભીષ્મ પિતામહ પણ હવે રહ્યા નથી!"
યુધિષ્ઠિરે જમીન પરથી એક મુઠ્ઠી ધૂળ હાથમાં લીધી અને નિસાસો નાખતા કહ્યું, "માધવ, જ્યારે મારી ખુશીમાં સામેલ થવાવાળા જ કોઈ નથી રહ્યા, તો પછી આ સોનાના સિંહાસનનો શું અર્થ છે?"
"આ સત્તા અને આ પદ કયા કામનું, જ્યારે એને વહેંચવાવાળા મારા અંગત લોકો જ મારી સાથે નથી? આ લોહીથી ખરડાયેલી ગાદી પર બેસીને હું શું કરીશ?"
યુધિષ્ઠિરની આ ઊંડી વેદના સાંભળીને કૃષ્ણના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. તેમણે બહુ જ ઊંડો અર્થ સમજાવતા શાંત અવાજે કહ્યું, "યુધિષ્ઠિર! આ જ તો દુનિયાની સૌથી મોટી માયા છે અને જીવનની અસલી વાસ્તવિકતા પણ આ જ છે."
"માણસ પોતાની આખી જિંદગી કંઈક મેળવવા માટે, કોઈ લક્ષ્ય પૂરું કરવા માટે એક આંધળી દોટમાં ભાગતો રહે છે. આ સંઘર્ષના સમયમાં એ પોતાના ધ્યેય પાછળ એટલો પાગલ હોય છે કે પોતાના લોકોને, પોતાના પરિવારને અને નાના નાના સુખોને ક્યાંક પાછળ છોડી દે છે."
"એને લાગે છે કે મંઝિલ મળશે એટલે બધું જ બરાબર થઈ જશે. પણ સાચી વાસ્તવિકતા ત્યારે સમજાય છે, જ્યારે એને પોતાની મનગમતી વસ્તુ આખરે મળી જાય છે."
"એ સફળતાના શિખર પર પહોંચીને જ્યારે માણસ પાછું વળીને જુએ છે, ત્યારે એને સમજાય છે કે એ મંઝિલ સુધી પહોંચવામાં એણે જે સંબંધો, જે અંગત લોકો અને જે કીમતી સમય ગુમાવી દીધો છે... એ તો આ મેળવેલી વસ્તુ કરતાં ક્યાંય વધારે મૂલ્યવાન હતો!"
"જીતનો નશો ક્યારેય ગુમાવેલા સંબંધોની જગ્યા ન લઈ શકે."
કૃષ્ણની આ વાતમાં માત્ર યુધિષ્ઠિર માટે જ નહીં, પણ આજના આપણાં સૌની દોડધામ ભરેલી જિંદગી માટે એક બહુ મોટો સંદેશ છુપાયેલો હતો. હોદ્દા અને પૈસાની હરીફાઈમાં જીતવાની લ્હાયમાં આપણે ક્યાંક આપણા જ લોકોનો સાથ તો નથી છોડી રહ્યા ને!?
■ હરેકૃષ્ણ જાની ..(વોટસએપ કોન્ટેક્ટ: 7878222218)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
