અસહાય પિતા
ઘણા સમય થી મારુ મન વ્યગ્ર રહેતું હતું...હરતું ફરતું મારુ શરીર જાણે લાશ બની ફરતું હતું....ઉતાવળ માં બોલેલ શબ્દો કાંટા ની જેમ વાગતા હતા.....અસહાય પિતા - લઘુકથા
મૃત્યુ પામેલ વ્યક્તિ ને ભૂલવાનો પ્રયત્ન કરીએ પણ જે વ્યક્તિ મૃત્યુ પામેલ નથી..પણ નજર થી દુર થઇ ગઇ એ વ્યક્તિ ને કેમ ભુલાય?
મારી પત્ની ડિમ્પલ દેખાવડી હતી પણ તેનો સ્વભાવ કતરજોડ હતો.....અમારા લવ મેરેજ હતા
તુષ્ટીગુણનો એક નિયમ છે..તુષ્ટીગુણ મતલબ સંતોષ,
સંતોષ પૂર્ણ થતાની સાથે એ ભોજન હોય કે વ્યક્તિ આપણા માટે નિરાશાજનક બની જાય છે
જ્યારે કોઈ પણ સબંધમા અતિરેક થાય ત્યારે એ વ્યક્તિ ને જોઈ ને પણ આપણે વોમીટ થવા નો અનુભવ કરીએ છીયે...ડિમ્પલ ના કેસમાં મારે આવું જ થયું હતું..
ડિમ્પલ નું રૂપ જોઈ હું પ્રેમ માં પડ્યો હતો...તેનો અતિરેક મને તેના સ્વભાવ ને કારણે થયો હતો.. ડિમ્પલ મારો ગેરલાભ ડગલે અને પગલે ઉઠાવી રહી હતી...ઝઘડા થી હું થાકી જતો એટલે ઘણી વખત હું મૌન બની જતો હતો મારા મૌન ને તે મારુ નિર્માલ્યપણું સમજી બેઠી હતી.
રૂપ નો નશો ધીરે ધીરે ઉતરવા લાગ્યો પછી જાણે હાડમાંસ અને ચામડા ને ચૂંથવા અમે સાથે રહેતા હોય તેવું મને લાગતું હતું...
જ્યારે ડિમ્પલ ના પ્રેમ માં હું પડ્યો ત્યારે મારી જાત ને સંસાર નો સૌથી સુખી અને નસીબદાર વ્યક્તિ ગણતો હતો...પણ લગ્ન ના છ મહિના માં હું ડિમ્પલ થી થાકી ગયો....વ્યક્તિ નું રૂપ નહિ સ્વભાવ જોઈ સાથે બેસવું ગમે..એ કડવી વાસ્તવિકતા નું મને જ્ઞાન હવે થયું.
વાતેવાતે કટાક્ષ, ઊંચા અવાજે વાતો કરી સામે ની વ્યક્તિ ને બોલતી બંધ કરવી....મોટા નાનાનું ભાન નહિ...કોઈ નું અપમાન કરવું એ ધીરે ધીરે તેની આદત બનતી જતી હતી..આવા સંસ્કાર વગરના રૂપ ને શુ કરવાનું..એ ભાન મને જ્યારે થયું ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું...
કહેવાય છે ને ઈશ્વર સાક્ષાત કોઈ ને પ્રેમ કરવા કે સજા કરવા આવતો નથી....તેથી તેણે સ્ત્રી નું સર્જન કરી એક સ્વરૂપ માઁ નું બનાવ્યું અને બીજું પત્ની નું.
ડિમ્પલ જાણે ગત જન્મના મારા કર્મ ની સજા દેવા આવી હોય તેવું મને વારંવાર લાગતું હતું..
ઘણી વખત ડિમ્પલ ના ઝઘડાખોર સ્વભાવ ને કારણે...
ડિમ્પલ નો વાંક હું જાણતો હોવા છતાં બે કડવા શબ્દો ઉતાવળ માં પપ્પા સાથે ઘણી વખત મારા થી બોલાઈ જતા હતા..
માઁ ના ગયા પછી પપ્પા નું ખેંચનાર આ સંસાર માં કોઈ ન હતું..એ હું જાણતો હોવા છતાં...મારાથી અસભ્ય વર્તન વ્યવહાર પપ્પા જોડે થઈ જતું હતું..
કોઈ વ્યક્તિ જ્યારે પ્રતિકાર કરવા નું છોડી સંજોગો સામે ઝૂકી જાય..ત્યારે આપણને વધારે દુઃખ થાય..પપ્પા એ પ્રતિકાર કરવા નું છોડી દીધું..બસ એજ વાત નું મને દુઃખ હતું...નિર્બળ, અસહાય, અને બાળક ઉપર જુલમ કરનાર કદી સુખી ન થાય એવું પપ્પા જ મને શીખવાડતા હતા...આજે હું એજ કરી રહ્યો હતો.
ઘણી વખત હું મંદિર જઇ એકલો બેઠો બેઠો ભગવાન સામે રડી પડતો.. સંસાર છોડી ભાગવાનો વિચાર પણ ઘણી વખત આવતો...પણ આ કતરજોડ ડિમ્પલ ના ભરોસે પપ્પા ને ન મુકાય એવું વિચારી મન ને વાળી લેતો હતો લગ્ન પછી દીકરી કરતા દીકરા ની મનોવ્યથા ખુબજ ખરાબ હોય છે...એ મને અનુભવ થઈ ગયો.
સામે પ્રવાહે તરવા કરતા પપ્પા એ ઘણા સમય થી મૌન ધારણ કરી લીધું હતું..ગમ ખાવ કમ ખાવ જેવી જિંદગી તેઓ જીવતા હતા.
તેઓ વધારે પડતો સમય પૂજા માં અને બાકી નો સમય પોતાના રૂમમાં ભજન સાંભળવામાં અને કોઈ કોઈ વખત પોતે જાતે ભજન ગાવા માં પણ સમય પસાર કરતા .પપ્પા નો અવાજ પહાડી અને મીઠો હતો..કોઈ વખત તો હું પણ ધ્યાન થી તેમને સાંભળી લેતો..આનંદી અને બોલકી વ્યક્તિઓ જ્યારે મૌન ધારણ કરે ત્યારે સમજી લેવું સંબધો આને સંસાર તરફ તેને નફરત થઈ ગઈ છે
એક દિવસ...ડિમ્પલ ને કારણે પપ્પા સાથે અપશબ્દો મારા થી બોલાઈ ગયા..
"તમારા કારણે અમારા બન્ને ને ઘર માં ઝઘડા થાય છે..."
પપ્પા ભીની આંખે સામે પ્રત્યુતર આપ્યા વગર તેમના રૂમ માં જતા રહ્યા...
સવારે જ્યારે અમે ઉઠયા ત્યારે ઘર નો મુખ્ય દરવાજો ખુલ્લો હતો..મેં પપ્પા ના રૂમ તરફ જોયું..પપ્પા રૂમ માં ન હતા...હું દોડી રૂમ ની અંદર ગયો...ટેબલ ઉપર એક ચિઠ્ઠી લખેલ પડી હતી.
બેટા દેવાંગ..
જીવન માં જુદા પડવા માટે સમય, સંજોગ અને સ્થળ નિમિત્ત બને છે..આ ઘર અને તમારી સાથે મારા ઋણાનુબંધ અહીં પુરા થાય છે..મને શોધવા નો પ્રયત્ન કરતો નહિ...
તું તારી જાત ને દોષિત ગણતો નહિ..આ કુદરત નો ઘટનાક્રમ સમજી ભૂલી જજે....હવે પછી નો મારો નવો અવતાર હશે...આમ તો તારી માઁ ના ગયા પછી મારે આ પગલું લેવાનું હતું..પણ માયા ના બંધને મને જકડી રાખ્યો હતો ..આજે માયા ના આ તમામ બંધોનો ને છોડી હું જઈ રહ્યો છું.
તમે સદા સુખી અને આનંદ માં રહો..
લી. પપ્પા ના આશીર્વાદ
હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. મારી જાત ઉપર ધિક્કાર થયો, મારી માઁ વગર નો મારો બાપ એક લાચાર પુરુષ હતો જેને હું સાચવી શક્યો નહિ..ધિક્કાર છે મારા જેવા સંતાન ઉપર...જે ઘરડા માઁ બાપ ને ઈજ્જત નો રોટલો કે ઓટલો જતી અવસ્થા માં આપી ન શકયો..
મેં ડિમ્પલ ને બુમ મારી બોલાવી...
ચિઠ્ઠી હાથ માં મુકતા કીધું..આ જે પણ થયું છે..તારા કારણે જ થયું છે....મારુ શરીર વાતો કરતા આજે કંપારી અનુભવી રહ્યું હતું..
ત્યાં ડિમ્પલ ઉચ્ચા અવાજે બોલી..
શાંતિ....થઈ ગઈ..તેમાં આટલા ઊંચા નીચા શું થાવ છો ?
મેં મારી જાત ઉપર નો કન્ટ્રોલ ગુમાવી દીધો હતો...મેં એક થપ્પડ ડિમ્પલ ના ગાલ ઉપર ઠોકી કીધું..ઇનફ...
એક શબ્દ આગળ નહિ...અને અવાજ નિચો...સમજી શુ ગઈ છે તારા મન માં...મારો બાપ તારા બાપ ના રોટલા ખાતો હતો ?
અચાનક આટલા વર્ષો પછી..મારુ રોદ્ર સ્વરૂપ જોઈ ડિમ્પલ ડઘાઈ ગઈ
એ બોલી.. તમે મારા ઉપર હાથ ઉપાડયો..
મેં કીધું..હા જે કામ મારે બે વર્ષ પહેલાં કરવાનું હતું એ મેં આજે કર્યું...જેનો મને પસ્તાવો છે..
તું એ ભ્રમ માં કદી ન રહેતી...કે હું તારા વગર જીવી નહિ શકું.
જે ઈશ્વર મને સુંદર કાયા આપી મનુષ્ય અવતાર આપ્યો એ ઈશ્વર ને પણ હું ભૂલી ગયો..તો તારા જેવી ની તો કોઈ હેસિયત જ મારી નજર માં નથી સમજી...
ડિમ્પલ સમજી ગઈ..દેવાંગ બે વર્ષ પહેલાં નો હવે નથી...તે પોતાનો સ્વભાવ સુધારવા લાગી..પોતાના કારણે પપ્પા એ ઘર ત્યાગવું પડ્યું તેનું દુઃખ તેને પણ ધીરે ધીરે થવા લાગ્યું..
આ વાત ને બે વર્ષ થઈ ગયા..પપ્પા નો કોઈ સંપર્ક થતો ન હતો.. જીવતા છે..કે આત્મહત્યા કરી લીધી છે..એ પણ ખબર પડતી ન હતી....મન ભારે લાગતું હતું....પાપ નું પ્રાયશ્ચિત કેમ કરવું એ સમજાતું ન હતું..
ડિમ્પલ ને પણ પોતાની ભૂલ સમજાણી હતી..
તેણે પાપો નુ પ્રાયશ્ચિત કરવા અને મન ની શાંતિ માટે હરદ્વાર જવાની સલાહ મને આપી.
અમે હરિદ્વાર એક આશ્રમ માં થોડા સમય માટે રોકાયા હતા....ત્યાં સાંજે એક દિવસ ભજન નો ભવ્ય કાર્યક્રમ હતો. આશ્રમ માં તૈયારી પણ જોરદાર ચાલતી હતી..
મેં પૂછ્યું...ભજન ગાવા કોણ આવવા નું છે ?
આશ્રમ માં રહેતા એક સ્વંસેવક બોલ્યો...પરમાનંદજી મહારાજ.
તેમના ભજન સાંભળવા નો મોકો ન ચુકાય..ગજબ ની મીઠાશ છે...અંદર નો થાકેલો જીવડો તેમના ભજન સાંભળી પ્રફુલ્લિત થઈ જાય..
રાત્રી ના નવ વાગ્યા... હું અને ડિમ્પલ રૂમ માં આરામ કરતા હતા.....રૂમ માં બેઠા બેઠા ભજન સાંભળવા નો નિર્ણય અમે કર્યો હતો..
ત્યાં..અચાનક અવાજ આવ્યો
શબ્દ ઐસા બોલીયે, તનકા આપા ખોય,
ઔરનકો શિતલ કરે, આપનકો સુખ હોય.
શબ્દ વિચારી બોલિયે મન રાખી ધારણ ધીર
પાછા કદી ફરતા નથી કમાને થી છુટેલા તીર
હું પલંગ માં બેઠો થઈ ગયો...
ત્યાં ભજન નો મીઠો અવાજ મારા કાને અથડાયો...
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી...
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની..
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની…
હું પગ માં ચપ્પલ પહેર્યા વગર સીડી ઉતરી મંચ તરફ દોડ્યો...આતો મારો પરિચિત અવાજ....પપ્પા નો જ છે..આંખ માં પ્રાયશ્ચિત ના આસું...મારી તરસી આંખોને પપ્પા ના દર્શન કરવાની તરસ લાગી હતી
ભજન પુરા ન થયા ત્યાં સુધી મને સ્ટેજ ઉપર ત્યાંના સ્વયંસેવકોએ જવા ન દીધો..પ્રોગ્રામ પૂરો થયો પછી...હું દોડી બાપજી ના પગ પકડી બોલ્યો ...પપ્પા તમારો દેવાંગ...ઓળખ્યો મને...
બેટા... બાપ છું..ઓળખું કેમ નહિ
ચાલો ઘરે...પપ્પા અમને નથી ગમતું...
અસંભવ....મેં તને ચિઠ્ઠી માં લખ્યું હતું..હવે પછી મારો નવો જન્મ હશે....બેટા હું આધ્યાત્મિક રસ્તે એટલો આગળ નીકળી ગયો છું..હવે પાછું વળવું...મારા માટે માત્ર અશક્ય નહિ અસંભવ છે. મને કોઈ તમારા તરફ ફરિયાદ નથી..તમે તમારી રીતે આનંદ કરો..મને મારી રીતે આનંદ કરવા દયો..ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો પણ પપ્પા ન સમજ્યા...
સવારે હું જ્યારે ઉઠ્યો ત્યારે આશ્રમ માં ભીડ ભેગી થઈ ગઈ હતી..હું દોડી ને ત્યાં ગયો...તો પપ્પાનો દેહ ખાટલા માં પડ્યો હતો..આત્મા રૂપી હંસલો ઉડી ગયો હતો..
તેમણે ચિઠ્ઠી માં લખ્યું હતું..ફરી મારા દેહ ને માયા અભડાવી ગઈ....હે ઈશ્વર ફરી થી મારે સંસાર તરફ નથી જવું...તું તારા શરણ માં લઇ લે.
તેમના ચરણ પકડી હું અને ડિમ્પલ ખૂબ રડ્યા...
પ્રાયશ્ચિત ના આંસુ વ્યક્તિ જીવતા હોય ત્યારે વહે એજ કામનું છે પછી..આ આસું ની કોઈ કિંમત હોતી નથી..
પપ્પા ના ગઈ કાલ રાત્રી ના ભજન ના શબ્દો મને હજુ મારા કાને અથડાતા હતા...
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને અબ તારા નામની…
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની....
મિત્રો, બદલાતા લોકો, બદલાતા સંબંધો અને બદલાતી ૠતુ..આ ત્રણ દેખાતા નથી પણ મહેસુસ જરૂર થાય છે. કોઈ બેઇજ્જત થઈ જીવન પૂરું કરે...તો કોઈ હરિ નો માર્ગ શોધી જીવન પૂરું કરે છે.
"શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ વ્યક્તિ હાથ માંથી સરકી ગઈ તો એ કદી પાછી આવતી નથી."
• પાર્થિવ નાણાવટી
• પાર્થિવ નાણાવટી
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
