વલ્લકી નવલકથા (Vallaki Novel Part-32)

Related

વલ્લકી પ્રકરણ 32

" પપ્પાજી વલ્લીએ અભિમન્યુ સાથે લગ્ન કરવાનું નક્કી કરી દીધું છે. લગ્ન માટે અભિમન્યુ તૈયાર છે. કુસુમબેને પણ વલ્લીને પુત્રવધુ તરીકે સ્વીકારી લીધી છે. એ લોકોનો વિચાર વૈશાખ મહિનામાં જ લગન લેવાનો છે. તમે પંડીતજીને પૂછીને કોઈ સારું મુહૂર્ત કઢાવી લો." સવારે ચા પીતી વખતે શાલિનીએ રાજેશ બેઠો હતો છતાં પણ સીધી ધરમશીભાઈ સાથે જ વાત કરી.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

" આ તો તેં બહુ સારા સમાચાર આપ્યા શાલુ. આ બધું અચાનક ક્યારે નક્કી થયું ? " ધરમશી બોલ્યા.

" પરમ દિવસે રાત્રે અભિમન્યુએ જ વલ્લીને બોરીવલી સાગર ડાઇનિંગ હોલમાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એ વખતે જ એમણે વલ્લીને આ બધી વાતો કરી. જમાઈ છેક એકતા ટેરેસના ગેટ સુધી મૂકવા આવ્યા હતા. એમણે લગનના ખર્ચા પેટે વલ્લીને પાંચ લાખ રૂપિયાનું પેકેટ પણ આપ્યું છે." શાલિની બોલી.

" તો એણે મને રાત્રે આવીને સાચી વાત કેમ ના કરી ? " હવે રાજેશ બોલ્યો.

" તમારી સાથે શું વાત કરે ? બિચારી હજુ તો ઘરમાં પગ મૂકે છે ત્યાં તો તમે એના ઉપર ગુસ્સાથી આટલી મોડી રાત્રે ક્યાં રખડવા ગઈ હતી એવો સવાલ પૂછ્યો એને ! મારી દીકરી કદી રખડવા ગઈ છે ? ઉપરથી હુકમ કરી દીધો કે કાલે જે છોકરો તને જોવા માટે આવે એને તારે હા જ પાડવાની છે. જાણે તમારી ગુલામ હોય ! ૨૫ ૨૬ વર્ષની છોકરી સાથે કેવી રીતે વાત કરાય એનું પણ તમને ભાન નથી. વલ્લકી તો હવે તમારી સાથે વાત પણ કરવા નથી માગતી. એ તો કોર્ટ મેરેજ કરવાની હતી. મેં જ એને સમજાવી છે. " શાલિની ગુસ્સાથી બોલી.

" અરે પણ ઉમેશને ના પાડીને પેલા અભિમન્યુ સાથે લગન કરશે તો પ્રતાપ જીજુને ખોટું નહીં લાગે ? " રાજેશ બોલ્યો.

" જીજુ જીજુ જીજુ ! જ્યારે પણ હોય ત્યારે જીજુ ! મેં મારી દીકરીની જિંદગી એને લખી આપી છે કે જીજુ જ બધા નિર્ણય લેશે ? ભાડમાં જાય તમારો જીજુ ! મને વધારે બોલાવશો નહીં અત્યારે. અને તમારે લગનમાં હાજર પણ નથી રહેવાનું. પપ્પાજી કન્યાદાન આપશે." શાલિની ભયંકર ગુસ્સાથી બોલી.

" જીજુએ તારું શું બગાડ્યું છે કે તું આવી રીતે વાત કરે છે ? ઉપરથી એમણે તો વલ્લીને સારામાં સારા પગારની નોકરી આપી. અભિમન્યુને પણ એ જ શોધી લાવ્યા હતા ને ! આપણા કરતાં પણ એમને વલ્લીની વધારે ચિંતા છે. " રાજેશ બોલ્યો.

"હા વલ્લીની વધારે ચિંતા છે કારણ કે એનો ડોળો વલ્લી ઉપર છે. પપ્પા જી વલ્લી ઉપર એ હરામીની ગંદી નજર હતી અને આજે પણ છે. મારી દીકરીએ એમનેમ નોકરી છોડી નથી. પેલો એને ફસાવવા માગતો હતો. વલ્લીને જેવી ખબર પડી કે તરત જ નોકરી છોડી દીધી. " શાલિનીએ મર્યાદામાં રહીને વાત કરી. સાચી વાત એ કહી શકે તેમ ન હતી.

" તું એમના વિશે આ રીતે વાત ના કર. નોકરી કરવી ન હતી એટલે તારી છોકરી આવાં બહાનાં કાઢે છે અને જીજુને બદનામ કરે છે. હું જીજુને બહુ સારી રીતે ઓળખું છું. " રાજેશ બોલ્યો.

" તો પછી રોજ જીજુની આરતી ઉતારો. તમારા માટે તો એ ભગવાન છે પરંતુ મારી વલ્લી માટે તો એ રાક્ષસ છે. એ ગંદો માણસ રોજ રાત્રે વલ્લીને ગંદા ફોન કરતો હતો. એ તો સારું થજો અભિમન્યુનું કે એમણે જ એને બચાવી લીધી. મને હવે વધારે ના બોલાવશો. " શાલિની બોલી અને પોતાનો ચા નો કપ લઈને ડાઇનિંગ ટેબલ છોડી સીધી રસોડામાં જતી રહી.

" રાજેશ તારામાં અક્કલ ક્યારે આવશે ? શાલુ આટલું બધું કહે છે તોય તને સમજણ નથી પડતી ? વલ્લીએ પોતે કહ્યું કે એની નજર ખરાબ છે એને પણ તું બહાનું ગણે છે !! આટલી હદ સુધી એની ભક્તિ કરવાની ? તું ઓળખે એના કરતાં વધારે તો હું પ્રતાપને ઓળખું છું. હવે માથાકૂટ મૂકી લગનની તૈયારી કરો. એક મહિનો જ બાકી રહ્યો છે. " ધરમશી બોલ્યા.
 
***********

એક આશા લઈને પ્રતાપ કાનાણી લિફ્ટમાં નીચે ઉતર્યા અને બહાર ઊભેલી પોતાની ગાડીમાં જઈને બેઠા. તુકારામને એમણે ગાડી પોતાની ઓફિસ લઈ લેવાની સૂચના આપી.

આજે કામ કરવાનો કોઈ મૂડ ન હતો. બપોરે જમીને એ રેસ્ટ રૂમમાં જઈને એસી ચાલુ કરી સૂઈ ગયા. સૂતાં સૂતાં વળી પાછા સંધ્યા કદમના વિચારોમાં ચડી ગયા. એમને સુધીર મ્હાત્રેની ઈર્ષ્યા આવી. તે દિવસે પોલીસની રેડ ના પડી હોત તો આજે એ પોતે પણ સંધ્યા સાથે જલસા કરતા હોત. લગભગ આખું જીવન ઐયાશીમાં જીવ્યા હતા પરંતુ આજ સુધી સંધ્યા જેવી છોકરી એમને મળી ન હતી.

શશીકાંત ઝવેરીનો ફોન છેક રાત્રે આવવાનો હતો પરંતુ એમની બેચેની અત્યારથી જ વધી ગઈ હતી. એક બાજુ ખુશી હતી તો સાથે સાથે બીજી બાજુ અકારણ એક જાતનો અજંપો પણ એમને ઘેરી વળતો હતો.

આજે સાંજે એ સાડા છ વાગ્યે જ ઘરે જવા માટે નીકળી ગયા. એ ઘરે જવા નીકળ્યા બરાબર એ જ સમયે શશીકાંત ઝવેરી પણ ભાવનગર જતી ટ્રેન પકડવા બોરીવલી જવા નીકળી ગયા. બોરીવલીથી એક માત્ર ટ્રેન સાડા સાત વાગે ભાવનગર જવા માટે ઉપડતી હતી.

છેક બોરીવલી સ્ટેશન સુધી પહોંચ્યા ત્યાં સુધી શશીકાંત ઝવેરી એ જ અવઢવમાં હતા કે નકલી ડાયમંડ લઈને છેતરાઈ ગયેલા કાનાણીને કરોડોના નુકસાનની સાચી વાત કરવી કે નહીં.

એમને થયું કે પોતે ફોન ઉપર આવા માઠા સમાચાર પોતાના ખાસ મિત્ર કાનાણીને નહીં જ આપી શકે એટલે છેવટે એમણે એક ટપાલ લખીને આ વાત જણાવવાનું નક્કી કર્યું. ભલેને બે દિવસ પછી સમાચાર મળે.

બોરીવલી સ્ટેશને ટ્રેન આવી ગઈ એટલે એમાં બેસી ગયા પછી શશીકાંત ઝવેરીએ કાનાણી શેઠને ફોન કર્યો.

" પ્રતાપભાઈ શશીકાંત બોલું છું. ભાવનગર જવા ટ્રેનમાં બેસી ગયો છું. સોરી તમારું કામ આજે થઈ શક્યું નથી. એક દિવસ માટે જ મુંબઈ આવ્યો હતો એટલે આખો દિવસ વ્યસ્ત હતો. હીરા ખરીદનારી મારી બે મુખ્ય પાર્ટીમાંથી એક પાર્ટી તો દુબઈ ગયેલી છે. બીજી પાર્ટી કોઈ પ્રસંગમાં બીઝી છે એટલે હીરાની કોઈ વાત થઈ શકી નથી. તમે ચિંતા ના કરશો. બે ત્રણ દિવસમાં જ તમને બધી માહિતી આપી દઈશ. " શશીકાંત બોલ્યા.

" કંઈ વાંધો નહીં શશીભાઈ. એક બે દિવસમાં કંઈ ખાટું મોળુ થતું નથી. તમે છો પછી મને કોઈ જ ચિંતા નથી. આમ પણ તમે મુંબઈ પાછા આવો પછી જ કામ થવાનું છે. " કાનાણી બોલ્યા.

બીજા દિવસે સવારે નાહી ધોઈને શશીકાંત ઝવેરીએ કાનાણી શેઠને સંબોધીને પત્ર લખી નાખ્યો.

# પ્રતાપભાઈ...આજે તમને કાનાણી શેઠના બદલે આપણી જૂની મિત્રતાને યાદ રાખીને પ્રતાપભાઈનું જૂનું સંબોધન કરી રહ્યો છું. જીવનમાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. અને એ ભૂલો આપણો સમય જ આપણી પાસે કરાવતો હોય છે. સમય ખરાબ ચાલતો હોય ત્યારે ભલભલા બુદ્ધિશાળી માણસો પણ ગોથું ખાઈ જતા હોય છે. તમે તો જીવનમાં ઘણું સુખ ભોગવી ચૂક્યા છો. છતાં સમય હંમેશાં બદલાતો જ રહે છે. દરેક પરિસ્થિતિ માટે માણસે તૈયાર રહેવું જોઈએ અને ખરાબ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ.

આ બધું એટલા માટે લખવું પડે છે પ્રતાપભાઈ કે તમે આટલા બુદ્ધિશાળી હોવા છતાં પણ ભયંકર ખરાબ રીતે છેતરાઈ ગયા છો. તમે કઈ રીતે આ દિલ્હીના ઠગની વાતોમાં આવી ગયા અને ૭૫ કરોડ જેવી માતબર રકમ એ સરદારજીને આપી દીધી એ જ મારા મગજમાં બેસતું નથી.

હું તમને ગઈકાલે મારી ઓફિસમાં જ કહેવાનો હતો પરંતુ મારી જીભ ઉપડી નહીં. આ તમામ ૧૪ ડાયમંડ એકદમ નકલી છે જેની કિંમત આમ જોવા જઈએ તો કોડીની પણ નથી. તમે જે ડાયમંડ મને બતાવ્યો હતો એ ડાયમંડ એકદમ અસલી અને નવ કરોડનો હતો પરંતુ એ ડાયમંડ આમાં હતો જ નહીં. વ્યવસ્થિત રીતે તમારી સાથે બહુ મોટું ચીટિંગ કરવામાં આવ્યું છે.

હવે તમે આગળ પગલાં લઈ શકો છો. પરંતુ હું માનું છું ત્યાં સુધી તમારે ૭૫ કરોડ નાહી નાખવા જ પડશે. તમે પોલીસ કેસ કરશો તો પણ એ સરદારજી નહીં જ પકડાય. કારણ કે તમારી પાસે એનું એડ્રેસ પણ નથી. તમારા પૈસા લઈને ક્યાં ગયો એ પણ તમે જાણતા નથી. આટલો બધો આંધળો વિશ્વાસ એના ઉપર તમે કઈ રીતે મૂકી શક્યા !! જે થવાનું હતું તે થઈ ગયું છે. હવે હિંમતથી કામ લેજો... તમારો શુભચિંતક શશીકાંત.
 
**********

"મહેશ તારી સાથે થોડી વાત કરવી છે તને ટાઈમ હોય તો આજે સાંજે મારી ઓફિસે આવી જા ને. " સવારે ઓફિસ આવીને અભિમન્યુએ મહેશ ભાટિયાને ફોન કર્યો.

" ઠીક છે. હું ચાર વાગે તારી ઓફિસ આવી જઈશ. " મહેશ બોલ્યો.

એ પછી અભિમન્યુએ તુકારામને ફોન કર્યો.

" તુકારામ તું સાંજે ચાર વાગે મારી ઓફિસ આવી જજે. મહેશને પણ બોલાવી લીધો છે. " અભિમન્યુ મરાઠીમાં બોલ્યો.

અને આ રીતે તુકારામ સાવંત અને મહેશ ભાટિયા સાંજે ચાર વાગે અભિમન્યુની ઓફિસમાં ભેગા થઈ ગયા.

" જુઓ તમને બંનેને ખાસ કારણોથી મેં બોલાવ્યા છે. શેઠને આજકાલમાં હવે ખબર પડી જવાની છે કે પોતે બહુ ખરાબ રીતે છેતરાઈ ગયા છે અને સરદારજીએ નકલી હીરા પધરાવી દીધા છે. ૭૫ કરોડનો ફ્રોડ થયો છે એટલે કાનાણી ચુપ તો નહીં બેસી રહે. પોલીસ ફરિયાદ થવાની જ છે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

" પોલીસ ફરિયાદ થાય એટલે પોલીસ તમને બંનેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવે જ. તેં દત્તાત્રેયની ઓળખાણ કરાવેલી એટલે તારું સ્ટેટમેન્ટ પણ લેશે અને દત્તાત્રેયની એટલે કે મહેશની પણ પૂછપરછ થશે. તમારે બંનેએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફરિયાદ કાંદીવલી પોલીસ સ્ટેશન થશે અને ત્યાં પીએસઆઇ તરીકે મુનીર જ છે એટલે એ બધી બાજી સંભાળી લેશે. છતાં તમારા બંનેનું સ્ટેટમેન્ટ લેવાશે." અભિમન્યુ બોલ્યો.

" હા પણ અમારે ત્યાં શું કહેવાનું છે ? " મહેશ બોલ્યો.

" તુકારામ તારે તો જરા પણ મૂંઝાવાની જરૂર નથી. તને તો દત્તાત્રેયે સરદારજીની વાત કરી હતી એટલે તેં શેઠને વાત કરી. વધારે પૂછપરછ મહેશની થઈ શકે. એટલે તારે એના માટે ટેક્સી ડ્રાઇવરનો ડ્રેસ ફરી લઈ આવવો પડશે. આમ તો સાદા ડ્રેસમાં એ પોલીસ સ્ટેશન જઈ શકે છે છતાં યુનિફોર્મ તૈયાર રાખવો સારો." અભિમન્યુ બોલી રહ્યો હતો.

" મહેશ તારે એટલું જ કહેવાનું છે કે સરદારજીને એરપોર્ટથી લઈને હું બીકેસી સુધી મૂકવા ગયો હતો અને મેં સરદારજીની બધી વાતો સાંભળી હતી. એના કરોડોના હીરા કોઈ ખરીદતું ન હતું એટલે મને તુકારામના શેઠ યાદ આવ્યા હતા. મેં સરદારજીનું કાર્ડ લઈ લીધું અને તુકારામને વાત કરી. બાકી હું તો સરદારજીને ઓળખતો પણ નથી. કાર્ડમાં જે નંબર હતો એ મેં શેઠને આપ્યો હતો. બસ આનાથી વધારે તારે કંઈ બોલવાનું નથી. બાકી બધું મુનીર સંભાળી લેશે. " અભિમન્યુએ વાત પૂરી કરી.

" આ તો વળી નવી ઉપાધિ. આવું થશે એ તો મેં વિચાર્યું જ ન હતું. પોલીસ સ્ટેશનથી મને હંમેશાં ડર લાગે છે. પોલીસ તો મારી ટેક્સીની પણ તપાસ કરી શકે. મારો બિલ્લા નંબર પણ ચેક કરી શકે. " મહેશ બોલ્યો.

" તારે એ બધી ચિંતા કરવાની કે ડરવાની કોઈ જ જરૂર નથી. તું બસ જોયે રાખ. મારું કામ કદી પણ કાચું હોતું નથી. અને તું તો જન્મજાત કલાકાર છે મહેશ. જે દિવસે તમને બંનેને બોલાવવામાં આવે એ દિવસે મુનીર ડ્યુટી ઉપર હાજર જ હશે એટલે વાત આગળ વધવા જ નહીં દે. કાનાણી શેઠે કોઈપણ જાતની તપાસ કર્યા વગર આટલો મોટો સોદો કર્યો તો વાંક એનો છે." અભિમન્યુ બોલ્યો.

અભિમન્યુ ઉપર મહેશને ખૂબ જ વિશ્વાસ હતો અને અત્યાર સુધી એણે અનુભવ પણ કર્યો હતો એટલે એણે રાહતનો શ્વાસ લીધો. બંને માટે અભિમન્યુએ આઇસ્ક્રીમ મંગાવ્યો અને પછી મહેશ અને સાવંતે રજા લીધી.

એ જ દિવસે સાંજે એણે મુનીરને પોલીસ સ્ટેશનની ડ્યુટી પૂરી કર્યા પછી પોતાની ઓફિસે આવવાનો ફોન કરી દીધો. મુનીર સાંજે સાત વાગે અભિમન્યુની ઓફિસે પહોંચી ગયો.

" જો મુનીર હવે છેલ્લે તારો રોલ શરૂ થશે. આજકાલમાં જ ધડાકો થવાનો છે. કાનાણી રાતોરાત રસ્તા ઉપર આવી જશે. આટલો મોટો ફ્રોડ થયો છે એટલે પોલીસ સ્ટેશને તો એ જાણ કરવાનો જ છે. કાનાણીની ઓફિસ કાંદીવલીમાં છે અને ત્યાં જ ફ્રોડ થયો છે એટલે તારા પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ થશે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

" સરદારજીની ઓળખાણ દત્તાત્રેયે કરાવી હતી એટલે દત્તાત્રેય બનીને મહેશે તારા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડે. એનું જે પણ સ્ટેટમેન્ટ લેવાનું હોય એ લઈ લેવાનું પણ પછી ટેક્સી ડ્રાઇવર તરીકેનું એનું લાયસન્સ કે એનો બિલ્લા નંબર કે એની ટેક્સીનું કોઈ ચેકિંગ ના થવું જોઈએ કારણ કે મહેશે તો મારા કહેવાથી દત્તાત્રેયનો રોલ ભજવેલો છે. બસ છેલ્લે છેલ્લે આટલી મદદ તારે કરવાની છે." અભિમન્યુ બોલ્યો.

મુનીર પોતે પણ આ આખી ઘટનાનો સાક્ષી હતો. એ પોતે પણ મહેશને ઓળખતો હતો અને કાનાણી શેઠને ફસાવવામાં એણે પણ સપોર્ટ આપ્યો હતો. આ બધા સપોર્ટના બદલામાં અભિમન્યુએ પચાસ લાખ જેવી માતબર રકમ પણ એને ગિફ્ટ આપી હતી એટલે મુનીર અભિમન્યુ માટે જાન કુરબાન કરવા પણ તૈયાર હતો.

" અભિમન્યુ એ ચિંતા તું છોડી દે. એફઆઇઆર થશે અને દત્તાત્રેયને બોલાવશે ત્યારે હું પોતે ત્યાં હાજર રહીશ અને હું પોતે એવું જ કહીશ કે આ દત્તાત્રેયને તો હું બહુ સારી રીતે ઓળખું છું. બસ આ એક જ વાક્ય ચમત્કાર કરી દેશે. એની બીજી કોઈ જ તપાસ કરવામાં નહીં આવે એની મારી ગેરંટી ! " મુનીર હસીને બોલ્યો.

" આનું નામ સાચો દોસ્ત ! તેં મારી બધી જ ચિંતા દૂર કરી દીધી. હવે સાચી હકીકત જાણ્યા પછી કાનાણી શેઠની શું હાલત થાય છે એ જોવાનું બાકી છે ! " અભિમન્યુ બોલ્યો.

શશીકાંત ઝવેરીએ લખેલો પત્ર ત્રીજા દિવસે પ્રતાપ કાનાણીના બંગલે પહોંચી ગયો. પોસ્ટમેન ટપાલ આપી ગયો ત્યારે કાનાણી શેઠ ઓફિસમાં હતા.

કાનાણી રાત્રે ૯ વાગે ઘરે પહોંચ્યા. રોજની આદત મુજબ ઘરે જઈને એમણે નાહી લીધું. એ પછી એક બે ફોન અટેન્ડ કર્યા. જમવા બેઠા ત્યારે પોણા દસ વાગી ગયા હતા.

સાંજના ભોજનમાં હંમેશા એ ભાખરી શાક અને દૂધ જ પસંદ કરતા. સાથે છેલ્લે ખીચડી લેવાની. બહાર ક્યાંય ડીનરમાં ના જવાનું હોય તો આ એમનું રોજનું ભોજન હતું.

" આજે સ્પીડ પોસ્ટમાં તમારી બે ટપાલ આવેલી છે." જમતી વખતે તરલાબેન બોલ્યાં.

" ઘરના સરનામે સ્પીડ પોસ્ટમાં વળી કોણે ટપાલ મોકલી ?" કાનાણી બોલ્યા.

" એક તો બેંકની ટપાલ છે એટલે અંદર કદાચ ચેક બુક હશે. બીજાની મને ખબર નથી. " તરલાબેન બોલ્યાં.

" હા તો પેલી સ્પીડ પોસ્ટથી આવેલી ટપાલ લઈ આવ. જોઉં તો ખરો કે ઘરના સરનામે સ્પીડ પોસ્ટથી ટપાલ કોણે મોકલી ! " કાનાણી બોલ્યા.

તારાબેન જમતાં જમતાં ઊભાં થયાં અને બંને ટપાલ લાવીને શેઠના હાથમાં મૂકી.

એક ટપાલ તો ચેકબુકની જ હતી જ્યારે બીજું કવર ભાવનગરથી શશીકાંત ઝવેરીનું હતું. એમને આશ્ચર્ય થયું કે શશીકાંત ઝવેરીએ એમને ટપાલ શા માટે મોકલી હશે !

કાનાણીએ ચેકબુકનું કવર બાજુમાં મૂક્યું અને શશીકાંતનું કવર ઝડપથી ખોલી નાખ્યું અને અંદર મૂકેલો કાગળ બહાર કાઢીને વાંચવાનો શરૂ કર્યો.

શશીકાંતનો પત્ર પૂરેપૂરો વંચાઈ જાય એ પહેલાં જ કાનાણીને ચારે બાજુ બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. હૃદયમાં એક જોરદાર આંચકો આવ્યો. હાથનો કોળિયો હાથમાં જ રહી ગયો અને એ ખુરશી ઉપર ઢળી પડ્યા. બ્રેઈન સ્ટ્રોક હતો એટલે તરત જ બેહોશ થઈ ગયા !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■