વલ્લકી પ્રકરણ 31
" હેં.. !! તું શું વાત કરે છે !!!" વલ્લકીની વાત સાંભળીને શાલિની ચમકી ગઈ." મમ્મી મારાથી આ વિશે વધારે કોઈ વાત નહીં થાય. મારી ઉપર શું વીત્યું છે એ હું જ જાણું છું. એ માણસ નરાધમ છે. આટલામાં જ તું બધું સમજી જા. " વલ્લકી બોલી.

વલ્લકી નવલકથા
" ના. તારે મને બધી સાચી વાત કરવી જ પડશે બેટા. હું તારી મા છું. તને મારા સોગંદ છે. મારે એનું સત્ય જાણવું જ પડશે. " શાલિની બોલી.
" મમ્મી પહેલેથી જ એની નજર મારી ઉપર ખરાબ હતી અને એટલા માટે જ એણે મને ઊંચા પગારની નોકરી આપી હતી. પહેલાં એણે મારો વિશ્વાસ જીતી લીધો. રાત્રે પણ હું મોડે સુધી બેસતી. એકવાર વિદેશી મહેમાનો આવેલા ત્યારે હંમેશની જેમ રાત્રે ડીનર વખતે ડ્રીંકની પાર્ટી રાખેલી. પાર્ટીમાં મને પણ જબરદસ્તી વાઇન લેવાનો આગ્રહ રાખ્યો અને મારે ડ્રિંક લેવું પડ્યું." વલ્લકી બોલી રહી હતી.
" એ રાત્રે મોડું થઈ ગયું હતું અને હું સરખું ચાલી શકતી પણ ન હતી એટલે એણે મને ઓફિસમાં આરામ કરવાનો જે રૂમ છે ત્યાં સૂઈ જવાની વાત કરી. મને તો એના ઉપર ભરોસો હતો એટલે હું લથડિયાં ખાતી એની સાથે એ રૂમમાં ગઈ અને એ જ વખતે એણે મારાં તમામ કપડાં કાઢીને આખી રાત મારા ઉપર જબરદસ્તી બળાત્કાર કર્યો મમ્મી. એટલું જ નહીં મારી વીડિયો ક્લિપ ઉતારી અને મારા નગ્ન ફોટા પાડ્યા. " બોલતાં બોલતાં વલ્લકી રડી પડી.
વલ્લકીની આ દર્દનાક વાત સાંભળીને શાલિની એટલી બધી હેબતાઈ ગઈ કે એને બે ક્ષણ માટે ચક્કર આવી ગયા. એણે પોતાની જાતને સંભાળી લીધી અને પછી વલ્લકીને બાથમાં લઈ લીધી.
" બેટા તારી સાથે આટલું બધું બની ગયું અને છતાં તેં આજ સુધી મને પણ વાત ના કરી ? " શાલીની એના માથા ઉપર હાથ ફેરવતાં ફેરવતાં બોલી.
" કયા મોઢે આવી વાત કરું મમ્મી ? પપ્પા એના આટલા બધા વખાણ કર્યા કરે છે, ઉપકારની વાતો કર્યા કરે છે એટલે ના છૂટકે મારાથી આજે આ વાત થઈ ગઈ. એ તો રોજ રાત્રે મને બ્લેકમેલ કરીને વીડિયો કોલ કરતો હતો. રોજ રાત્રે ગંદી વાતો કરતો હતો. ક્યારેક તો મારા બેડરૂમમાં મારે એની સામે નગ્ન પણ થવું પડતું હતું. નીચ માણસ છે મમ્મી. અભિમન્યુ મારા જીવનમાં ન આવ્યા હોત તો આજે પણ મારી આ જ હાલત હોત ! એમણે જ મને બચાવી અને એમણે જ મારી બધી વીડિયો ક્લિપ ડિલીટ કરાવી દીધી. " વલ્લકી બોલી.
" અભિમન્યુ આ બધું જાણે છે ? તેં એને પણ આ બધી વાત કરી છે ? " શાલિની આશ્ચર્યથી બોલી.
" હા મમ્મી. આખી રાત મારી ઉપર બળાત્કાર થયો હોય અને આ વાત હું એમનાથી છાની રાખું એ મારા માટે શક્ય જ નથી. હું હવે વર્જિન નથી રહી એ બધું જ મેં એમને કહી દીધું. અને તેમ છતાં પણ એ દેવપુરુષ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે મમ્મી. એને મારા પપ્પા સાલો કહીને બોલાવે છે ! ઉપરથી મને કહે છે કે તેં એને તમાચો માર્યો એ લાગનો જ છે." વલ્લકી ફરી ગુસ્સામાં આવી ગઈ.
" તું શાંત થઈ જા બેટા. આ વાત ભલે તેં મને કહી પરંતુ હવે કોઈને કહીશ નહીં. દાદાને ભૂલેચૂકે ખબર પડશે તો એમને તો એટેક જ આવી જશે. હવે જે કરવાનું છે એ હું એકલી કરીશ. હું એ નરાધમને જોઈ લઈશ. " શાલિની બોલી.
" તારે કંઈ જ કરવાની જરૂર નથી મમ્મી. અભિમન્યુ હવે એની પાછળ પડી જ ગયા છે. એને રસ્તા ઉપર લાવી દેશે. મારી ઉપર એણે જે કર્યું છે એનો બદલો અભિમન્યુ લઈ રહ્યા છે. કોઈ છોકરીને લઈને એ નરાધમ એક હોટલમાં સૂતો હતો ત્યારે એ જ રાત્રે અભિમન્યુએ પોલીસની રેડ પડાવી હતી અને એને રંગે હાથ પકડ્યો હતો. એક કરોડ રૂપિયા પોલીસને આપવા પડ્યા હતા ત્યારે એનો છુટકારો થયો હતો. અભિમન્યુ એને છોડવાના નથી." વલ્લકી બોલી.
" સારું સારું. હવે તારે શું કરવાનું છે ? એમ આપણાથી કોર્ટમાં જઈને મેરેજ ના કરાય બેટા. તારા દાદા જ તને આ ઘરમાં લઈ આવ્યા છે અને એમને તારું લગન જોવાનો બહુ જ હરખ છે." શાલિની બોલી.
" હું જાણું છું મમ્મી. મારી એક જ શરત છે કે મારું કન્યાદાન મારા દાદા આપે. વૈશાખ મહિનામાં લગનનું મૂરત તમે જોવડાવી દો. લગન થાય ત્યાં સુધી હું અહીં એક મહેમાનની જેમ રહીશ. મારા પપ્પા સાથે હું બિલકુલ વાત નહીં કરું. એમને પણ તમે કહી દેજો કે મારી સાથે બિલકુલ વાત ના કરે. અને મારા લગનમાં એમણે એક પણ રૂપિયો વાપરવાનો નથી. મારા કબાટમાં પાંચ લાખ રૂપિયા પડ્યા છે એમાંથી જ ખર્ચ કરવાનો. ખૂટશે તો અભિમન્યુ મોકલાવી દેશે. " વલ્લકી બોલી.
" અરે એવું ના કરાય બેટા. અમારો પણ તને પરણાવવાનો અને તારા માટે દાગીના બનાવવાનો અને બીજા ખર્ચા કરવાનો હરખ હોય ને ! અને આ રીતે તારા પપ્પા સાથે તારે બોલવાના પણ સંબંધો ના રહે એ મને પણ ના ગમે. તું આ ઘરમાં થોડા દિવસની મહેમાન છે. બધાંને માફ કરી દેવાના બેટા. " શાલિની બોલી.
"ના મમ્મી.. મારા લગ્ન માટે તમારે કોઈપણ જાતનો ખર્ચો કરવાની જરૂર નથી. પૈસા હશે તો તમારે જ કામ આવશે. અભિમન્યુએ મારા નામે પચાસ લાખ રૂપિયા ડિપોઝિટ કર્યા છે. દર મહિને ૫૦૦૦૦ વ્યાજ મારું જમા થાય છે. તમને જોઈએ તો હું મદદ કરીશ. મારે પપ્પાનો એક રૂપિયો લેવો નથી. આવા હબસી જેવા કાળીયા અને જાડિયા સાથે પરણી જવાનું મને દબાણ કરતા હોય એ પપ્પાના દિલમાં મારા માટે લાગણી ક્યાંથી હોય ! " વલ્લકી આજે ખૂબ જ ગુસ્સામાં હતી.
શાલિની પછી કંઈ બોલી નહીં. એને લાગ્યું કે વલ્લકી એની રીતે સાચી હતી. આટલા સમયથી એ કેટલું બધું સહન કરી રહી હતી છતાં પણ ઘરમાં કોઈને વાત કરી ન હતી. કાલે રાત્રે અભિમન્યુ સાથે જમીને આવતાં થોડું મોડું થયું એમાં તો એને બિચારીને ખખડાવી નાખી.
પરંતુ આજે ખખડી જવાનો વારો તો પ્રતાપ કાનાણીનો હતો. બપોરના સવા બાર વાગ્યાની આસપાસ કાનાણી શશીકાંત ઝવેરીની ઓફિસે પહોંચી ગયા.
" આવો આવો શેઠ. હું તમારી જ રાહ જોતો હતો. આજે રાત્રે મારે પાછું ભાવનગર જવા નીકળી જવું છે. તમારા ડાયમંડ જરા જોઈ લઉં એટલે પછી મારી પાર્ટીઓને હું ફોન ઉપર વાત કરી દઉં. રૂપિયાનો કોઈ પ્રોબ્લેમ નથી. આ મુંબઈમાં રોજ કરોડોની હેરાફેરી થાય છે. કોઈને ગંધ પણ આવતી નથી. સવા સો કરોડ તો કંઈ નથી શેઠ. " શશીકાંત બોલ્યા.
" તમે છો એટલા માટે જ મેં આટલું મોટું સાહસ કર્યું છે શશીભાઇ. ડાયમંડ ખરીદવા માટે આટલી મોટી રકમ તો ઘરમાં ના જ હોય એટલે મારે એક મહિનાના વ્યાજે પૈસા લેવા પડ્યા છે." કાનાણી બોલ્યા.
" હું સમજી શકું છું શેઠ. પરંતુ સામે પચાસ કરોડનો ચોખ્ખો નફો પણ છે ને ! અને સાહસ કર્યા વગર તો જગતમાં કંઈ મળતું જ નથી. " શશીકાંત બોલ્યા.
" તમારી વાત સાચી છે શશીભાઈ. મારા જીવનમાં પણ મેં ઘણા સાહસો કર્યાં છે." કાનાણી બોલ્યા.
" ચાલો હવે તમે તમારા તમામ ડાયમંડ આ વેલ્વેટ ટ્રે ઉપર ઠાલવી દો. આપણે એક પછી એક તમામ ડાયમંડ તપાસી લઈએ અને દરેકનું વજન પણ કરી લઈએ. " શશીકાંત ઝવેરી બોલ્યા.
કાનાણી શેઠે પોતાની બ્રીફકેસ ખોલી અને અંદર મૂકેલું પાઉચ બહાર કાઢ્યું અને એની અંદર રહેલા તમામ ડાયમંડ બ્લુ વેલ્વેટ ટ્રે માં ઠાલવી દીધા.
શશીકાંતભાઈએ તમામ ડાયમંડ ગણ્યા તો ૧૫ ના બદલે માત્ર ૧૪ ડાયમંડ હતા.
" શેઠ તમે તો ૧૫ ડાયમંડની વાત કરતા હતા જ્યારે આમાં તો માત્ર ૧૪ ડાયમંડ છે. તમે જાતે જ ગણી લો. " શશીકાંત બોલ્યા.
કાનાણી શેઠે પોતાનું પાઉચ ફરી બરાબર ચેક કર્યું. અંદર એક પણ ડાયમંડ ન હતો. એક ડાયમંડ ક્યાં પડી ગયો હશે ! શેઠ થોડા ટેન્શનમાં આવી ગયા કારણ કે ૯ કરોડ પણ ઘણી મોટી રકમ હતી.
" ખબર નથી પડતી આવું કેમ થયું. એક ડાયમંડ ઓફિસમાં પડી ગયો કે પછી ઘરે પડી ગયો કંઈ સમજાતું નથી. મારે તપાસ કરવી પડશે. કંઈ વાંધો નહીં બાકીના જે છે એ તો તમે ચેક કરી લો." કાનાણી શેઠ બોલ્યા.
હકીકતમાં શુક્રવારે સાંજે મહેશને એટલે કે સરદારજીને અભિમન્યુએ જે પાઉચ આપ્યું એમાં માત્ર ૧૪ ડાયમંડ મૂકેલા હતા. અસલી ડાયમંડ એણે કાઢી લીધો હતો. ૯ કરોડ કંઈ નાની રકમ ન હતી. એણે રુદ્રાક્ષને પ્રાર્થના પણ કરી હતી કે કાનાણી તમામ ડાયમંડ ગણ્યા વગર જ લઈ લે. અને ખરેખર એમ જ થયું હતું. સરદારજીએ જ્યારે કાનાણીને પાઉચ આપ્યું ત્યારે વધુ પડતા ઉત્સાહમાં શેઠે ડાયમંડ હાથમાં લઈને જોયા જરૂર હતા પરંતુ ગણ્યા ન હતા.
શશીકાંત ઝવેરીને સાઈઝમાં મોટા દેખાતા ડાયમંડ વજનમાં થોડા હલકા લાગ્યા. ૨૦ ૨૧ કેરેટનું વજન તો તરત ખબર પડી જાય. શશીકાંત ઝવેરીનો વર્ષોથી ડાયમંડનો બિઝનેસ જ હતો એટલે એમના હાથ પણ ટેવાયેલા હતા.
" શેઠ થોડીક ગરબડ લાગે છે મને." શશીકાંત ઝવેરી એમની સામે બેઠેલા કાનાણી શેઠ સાંભળે નહીં એટલા ધીમેથી બોલ્યા. એમણે ડાયમંડને બરાબર ચેક કર્યો. આઈ ગ્લાસથી પણ ચારે બાજુ તપાસી લીધો.
એક ડાયમંડ ચેક કર્યો. બીજો ડાયમંડ ચેક કર્યો. ત્રીજો ચેક કર્યો. ચોથો ચેક કર્યો અને છેલ્લે ચૌદમો ડાયમંડ ચેક કર્યો. તમામ ડાયમંડનું વજન પણ કરી દીધું. શશીકાંત ઝવેરી સમજી ગયા કે શેઠને કોઈએ ચૌદમું રતન ચખાડી દીધું છે. બધા જ ડાયમંડ સિન્થેટિક એટલે કે ડુપ્લીકેટ હતા. આટલા મોટી સાઈઝના સિન્થેટિક ડાયમંડ કોઈ ખરીદે પણ નહીં.
શેઠ સવાસો કરોડની ગણત્રી રાખીને બેઠા છે અને બહારથી એક મહિનાની મુદત માટે વ્યાજે પૈસા લાવીને ૭૫ કરોડમાં આ બનાવટી ડાયમંડ ખરીદી લીધા છે. શેઠે કોઈ જાણકાર ઝવેરીને વચ્ચે રાખ્યા વગર આટલા બધા ડાયમંડનો સોદો શા માટે કર્યો હશે એ જ એમને સમજાતું ન હતું. હવે શેઠને સાચી વાત પણ કઈ રીતે કરવી ? સાચી વાત જાણ્યા પછી શેઠને મારી ઓફિસમાં જ હાર્ટ એટેક આવી જશે ! ના ના એ જોખમ ના જ લેવાય !!
" શેઠ જે પાર્ટીએ તમને આ ડાયમંડ આપ્યા છે એમની સાથે વાત કરાવી શકો ? આવા બીજા ડાયમંડ હોય તો મારે પણ ખરીદવાનો વિચાર છે. " ઝવેરી બોલ્યા.
" હા હા કેમ નહીં ! ત્રણ ચાર દિવસ નીકળી ગયા છે એટલે સરદારજી દિલ્હી પહોંચી ગયા હશે. છતાં વાત ચોક્કસ કરાવી શકું. " કાનાણી શેઠ ઉત્સાહથી બોલ્યા અને એમણે સરદારજીને ફોન લગાવ્યો. ફોન સ્વીચ ઓફ આવતો હતો.
" અત્યારે તો એમનો ફોન સ્વીચ ઓફ આવે છે. પરંતુ હું તમને એમનો નંબર આપી રાખું છું. તમે એમની સાથે ડાયરેક્ટ વાત કરી લેજો. હું માનું છું ત્યાં સુધી આવા બીજા ડાયમંડ એમની પાસે નહીં હોય કારણ કે એમના મિત્રએ એમને ૧૫ ડાયમંડ જ આપેલા હતા. " કાનાણી બોલ્યા.
શશીકાંત ઝવેરી સમજી ગયા હતા કે સરદારજીનો ફોન ક્યારે પણ ચાલુ થવાનો ન હતો. શેઠને કોઈએ આસાનીથી બાટલામાં ઉતારી દીધા છે.
" સારું મને નંબર લખાવી દો. હું મારી રીતે વાત કરી લઈશ. અને અત્યારે તમારી સાથે બીજું કોઈ આવ્યું છે ? " શશીકાંત બોલ્યા.
" ના. નીચે ગાડીમાં મારો ડ્રાઈવર છે. તમારે કંઈ કામ હતું ? " કાનાણી બોલ્યા.
" ના ના મેં તો અમસ્તું જ પૂછ્યું." શશીકાંત ઝવેરી બોલ્યા. એ અવઢવ માં હતા કે શેઠને સાચી વાત કરવી કે નહીં.
" બધા ડાયમંડ બરાબર ચેક કરી લીધા ? કેટલી રકમ આવે એવી છે ?" શેઠ બોલ્યા.
" હા ડાયમંડ તો બધા ચેક કરી લીધા છે. પરંતુ ફાઇનલ ફીગર હું તમને આજે રાત્રે તમે ઘરે પહોંચી જાઓ પછી આપીશ. અત્યારે આટલા ભારે વજનના ડાયમંડનો ઇન્ટરનેશનલ માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે એ બધી તપાસ કર્યા પછી હું તમને રાત્રે ફોન ઉપર કહી દઈશ. એ પછી મારી પાર્ટીઓ સાથે પણ વાત કરી લઈશ. આજે રાત્રે તો ભાવનગર જાઉં છું એટલે થોડા દિવસ શાંતિ રાખજો." શશીકાંત ઝવેરી બોલ્યા અને એમણે તમામ ડાયમંડ પાઉચમાં ભરી દીધા અને પાઉચ શેઠના હાથમાં પાછું આપ્યું.
" તમારો ખૂબ ખૂબ આભાર શશીભાઈ. મારા માટે તમે આ જે સેવાઓ આપો છો એનો જે પણ ચાર્જ થતો હોય એ બધો જ તમે મને કહી દેજો. મારો માણસ અહીં આવીને આપી જશે. " કાનાણી શેઠ બોલ્યા અને પાઉચ બ્રિફકેસમાં મૂકી દીધું.
" શેઠ તમારા અને મારા સંબંધો ક્યાં આજ કાલના છે ? મિત્રતામાં પૈસાની કોઈ વાત આવે જ નહીં. મારે કંઈ જ લેવાનું નથી. પેલા સરદારજીનો નંબર તો ઠીક છે પરંતુ એમનું એડ્રેસ છે તમારી પાસે ? એમણે તમને કોઈ કાર્ડ આપેલું છે ? " ઝવેરી બોલ્યા.
" ના એડ્રેસ તો મેં પૂછ્યું જ નથી. એ દિલ્હીથી આવેલા. ત્યાં એમની ઓફિસ છે એવી પણ વાત થયેલી. બહુ જ પ્રમાણિક માણસ છે એટલે બીજી કોઈ ઇન્કવાયરી મેં કરી જ નથી. તમે વાત કરશો એટલે તમને પણ ખ્યાલ આવી જ જશે. " શેઠ બોલ્યા.
હવે આ શેઠને મારે શું કહેવું ! પોતે આટલા મોટા બિલ્ડર છે, જમીનોના કરોડોના સોદા કરી ચૂક્યા છે છતાં કરોડોના ડાયમંડ ખરીદતી વખતે પેલા સરદારજીનું એડ્રેસ પણ લીધું નથી. એના વિશેની કોઈ જ માહિતી એમની પાસે નથી. એમને મૂર્ખ કહેવા કે શું કહેવું ! ૫૦ કરોડના લોભે એમને સાવ આંધળા બનાવી દીધા. કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે !
" સારું તો પછી આ ડાયમંડ ઘરે સાચવીને રાખજો. હું રાત્રે મારી અનુકૂળતાએ ફોન કરી દઈશ. તમે સામેથી મને ફોન ના કરશો." ઝવેરી બોલ્યા.
કાનાણી શેઠ ઉભા થઈ ગયા અને બ્રિફકેસ લઈને ઝવેરીના શોરૂમની બહાર નીકળી ગયા. અત્યારે તો એમની ચાલમાં પણ થનગનાટ દેખાતો હતો.
શેઠ લગભગ અડધી કલાક સુધી શશીકાંત ઝવેરીના શોરૂમમાં હતા ત્યાં સુધીમાં તુકારામ સાવંતે અભિમન્યુને ફોન કરીને બધી જ માહિતી આપી દીધી હતી.
" સર અત્યારે અમે બીકેસીમાં છીએ અને શેઠ અત્યારે એમના પેલા જાણીતા ઝવેરીના શો રૂમમાં બેઠા છે. કદાચ અત્યારે જ ધડાકો થઈ જશે. શેઠને હાર્ટ એટેક ના આવે તો સારું." તુકારામ બોલ્યો.
"સવા સો કરોડના અસલી ડાયમંડનો સોદો થયેલો હોય ત્યારે બધા જ ડાયમંડ નકલી છે એ જાણ્યા પછી સાચો ઝવેરી મોઢામોઢ શેઠને સાચી વાત ના કરે. એ ગોળગોળ વાત જ કરશે. પરંતુ શેઠને આજકાલમાં ખબર પડ્યા વગર નહીં રહે. જે પણ હોય મને અપડેટ કરતો રહેજે." અભિમન્યુ બોલ્યો.
આ વાતને અડધો કલાક થઈ ગયો એ પછી અભિમન્યુએ મહેશને ફોન લગાવ્યો.
"મહેશ... અરજન્ટ એક કામ કર. તારો સરદારજીના નંબરનો જે બંધ મોબાઇલ છે એ લઈને તું મલાડ પહોંચી જા. મલાડ સ્ટેશને જઈને એ મોબાઈલ ચાલુ કરી દે. કોઈનો ફોન આવે તો ઉપાડતો નહીં. એ પછી તું રિક્ષામાં કે ટેક્સીમાં મઢ આઇલેન્ડના દરિયા કિનારે પહોંચી જા. મઢ બીચ ઉપર છેક દરિયા સુધી ચાલતો જા. એ પછી સરદારજીના મોબાઈલ નંબરનું એ સીમકાર્ડ કાઢીને દરિયામાં પધરાવી દે. સરદારજીના નંબરનું છેલ્લું લોકેશન મઢ આઇલેન્ડનું દેખાવું જોઈએ. બસ હવે તારી ડ્યુટી પણ ખતમ ! અને છેલ્લે મારી વાત સાંભળી લે. તું ભવિષ્યમાં કોઈ પણ નાટક કરે એમાં આજ પછી સરદારજીનો રોલ કદી પણ ના કરતો." અભિમન્યુએ સૂચના આપી.
અભિમન્યુનો આદેશ માથે ચડાવીને મહેશ પોતાના બાઈક ઉપર જ મલાડ જવા માટે નીકળી ગયો. એને તો લાંબા અંતર સુધી બાઈક ચલાવવાની પ્રેક્ટિસ જ હતી !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
