વલ્લકી નવલકથા (Vallaki Novel Part-30)

Related

વલ્લકી પ્રકરણ 30

સંતોષે નીચે ઉભેલી ટેક્સીમાં કોઈને શેઠના બંગલેથી લાવેલું બોક્સ આપ્યું એ જોઈને ત્યાં પાનના ગલ્લે ઉભેલો તુકારામ વિચારમાં પડી ગયો. એને થોડો ખ્યાલ તો આવી જ ગયો હતો કે બંગલેથી લાવેલા આ બોક્સમાં લાખો રૂપિયા જ હશે. કારણ કે શેઠ ભૂતકાળમાં પણ રોકડ રકમનાં આવાં નાનાં મોટાં બોક્સ ઘરે લઈ જતા હતા અને ઓફિસ લાવતા હતા.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

તુકારામ ગોરાઈ જઈને શેઠે મંગાવેલાં બ્રોશર લઈને દોઢ કલાકમાં પાછો આવી ગયો. બ્રોશર શેઠને ચેમ્બરમાં આપીને તુકારામ સંતોષ પાસે ગયો.

"અરે સંતોષ હમણાં તું નીચે પેલી ટેક્સીમાં કોઈને બોક્સ આપી આવ્યો તો અંદર કોણ બેઠું હતું ? અને કોને આટલા બધા રૂપિયા આપ્યા ? " સાવંત મરાઠીમાં બોલ્યો.

" એક મિનિટ. એક મિનિટ. આટલા બધા રૂપિયા એટલે ? તું જાણે છે કે એ બોક્સમાં રૂપિયા હતા ? " સંતોષ બોલ્યો.

"ના ના. મેં તો જસ્ટ કલ્પના કરી. કારણ કે ભૂતકાળમાં પણ પૈસાના વ્યવહારો શેઠે બોક્સમાં જ કરેલા છે એટલા માટે પૂછ્યું. " સાવંત થોડો ઝંખવાણો પડી ગયો.

" અરે બોક્સમાં કોઈ ગિફ્ટ પણ હોઈ શકે છે. પુસ્તકો પણ હોઈ શકે છે. રૂપિયાનાં બંડલો જ હશે એવી કલ્પના તું કેવી રીતે કરી શકે ? અને અંદર કોણ બેઠું છે એ જોવાની મારે શી જરૂર ? શેઠનો હુકમ એટલે અંદર જે પણ બેઠું હોય, પેકેટ આપી દેવાનું. આપણને પૂરો પગાર મળે છે પછી આ બધું જાણવાની શી જરૂર ? " સંતોષે રોકડું પરખાવ્યું. એ શેઠનો એકદમ વફાદાર માણસ હતો.

"તારી વાત સાચી છે. મને તો જસ્ટ થોડું કુતુહલ થયું એટલા માટે તને પૂછવા આવ્યો. ચાલો ટેક્સીમાં જે પણ બેઠું હોય આપણે શું ? " કહીને સાવંત બહાર નીકળી ગયો.

સંધ્યા કદમ સાથે વાતચીત થઈ ગઈ એના બીજા જ દિવસે સુધીર મ્હાત્રે ચાર દિવસ માટે સંધ્યાને પોતાની સાથે ગોવા લઈ ગયો. સુધીર ગોવા ગયો બરાબર એ જ દિવસે સાંજે ભાવનગરથી શશીકાંત ઝવેરીનો ફોન પ્રતાપ કાનાણી ઉપર આવી ગયો.

" અરે શેઠ શશીકાંત બોલું છું. તમારા ઘણા બધા મિસ કોલ જોયા. મારાં સાસુ ગુજરી ગયાં હોવાથી મારે અચાનક ભાવનગર આવવું પડ્યું છે. પરંતુ તમે ચિંતા ના કરો. જો તમારી પાસે ડાયમંડ આવી ગયા હોય તો એ લઈને આવતી કાલે બપોરે બાર વાગે બીકેસીની ઓફિસ આવી જાઓ. આપણે જોઈ લઈએ. મારી જે બે ત્રણ પાર્ટીઓ છે એમની સાથે પણ તમારી હાજરીમાં જ વાત કરી લઉં." શશીકાંતભાઈ બોલ્યા.

"તમારો ફોન સ્વીચ ઓફ આવતો હતો એટલે હું ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. હીરા ખરીદવા માટે ઘણી મોટી રકમ એક મહિનાની મુદત માટે બહારથી વ્યાજે લેવી પડી છે. તમારા માણસે મને કહ્યું કે શેઠ પંદર દિવસ પછી આવશે એટલે મને ખૂબ જ ચિંતા થઈ હતી. કારણ કે સવા સો કરોડ જેટલી મોટી રકમ કોઈ આઠ દસ દિવસમાં થોડી આપે ?" કાનાણી બોલ્યા.

" તમારી વાત સાચી છે. પરંતુ કાલે આપણે ડાયમંડ જોઈ લઈએ. હું તમારા માટે જ એક દિવસ માટે મુંબઈ પાછો આવું છું. કાલે પાર્ટી સાથે વાતચીત થઈ જાય એટલે તમને તમારી મુદત પહેલા તમારી રકમ મળી જશે. મારી પાર્ટીઓ બહુ મોટી છે કાનાણી શેઠ." શશીકાંત બોલ્યા.

શશીકાંત ઝવેરીનો ફોન આવ્યા પછી પ્રતાપ કાનાણી એકદમ હળવા ફૂલ થઈ ગયા. એમને પસ્તાવો થવા લાગ્યો કે ખોટા મારે સંધ્યા કદમને વીસ લાખ આપી દેવા પડ્યા ! પેલો ત્યાં હવે સંધ્યા સાથે જલસા કરતો હશે !

બીજા દિવસે સવારે કાનાણી એકદમ ખુશ હતા. આજે ડાયમંડનો સોદો થઈ જવાનો હતો અને શશીકાંતે કહેલું છે કે એની પાસે ઘણી મોટી પાર્ટીઓ છે એટલે આપેલી મુદતમાં સવા સો કરોડ જેવી રકમ પણ મળી જવાની હતી !

કાનાણી શેઠ બ્રિફકેસમાં ડાયમંડનું પાઉચ મૂકીને સાડા અગિયાર વાગે જ બીકેસી જવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચીને લિફ્ટમાં સીધા ઉપર જઈને શશીકાંત ઝવેરીના શો રૂમમાં એમણે પ્રવેશ કર્યો.
 
*************

" વલ્લી સાડા ચાર વાગી ગયા છે. તું હજુ સુધી કેમ તૈયાર થતી નથી બેટા ? " શાલિની બોલી.

" હું તૈયાર થવાની જ નથી મમ્મી. જેવી છું તેવી જ પ્રદર્શનમાં ઉભી રહીશ. હું કોઈ કાળે તમારા પ્રતાપ જીજુએ બતાવેલા છોકરા સાથે લગ્ન કરવાની નથી. હું એમની સગી દીકરી નથી એટલા માટે પપ્પા મારા ઉપર આટલું દબાણ કરી રહ્યા છે." વલ્લકી બોલી.

"તું આજે આવું કેમ બોલે છે બેટા ? તને અમે લાડકોડમાં જ ઉછેરી છે. તારા પપ્પાએ પણ તને સગી દીકરી જેવો પ્રેમ આજ સુધી આપ્યો છે. અમારી ઈચ્છા તો અભિમન્યુ સાથે જ તારાં લગન કરાવવાની હતી પરંતુ એમણે છેવટે ના પાડી દીધી. તારી પણ ઉંમર થઈ છે. અને પ્રતાપ જીજુના આપણા ઉપર ઘણા ઉપકાર છે. એમને આપણે નારાજ કરી શકીએ એમ નથી બેટા. તું એકવાર છોકરાને જોઈ તો લે." શાલિની સમજાવવા લાગી.

" જોવાની મેં ના નથી પાડી. પરંતુ એની સાથે લગ્ન હું નહીં કરું. અને જેવી છું તેવી જ એની સામે હાજર થઈ જઈશ. " વલ્લકી મક્કમતાથી બોલી.

અને ખરેખર વલ્લકીએ કોઈ મેક અપ કર્યો જ નહીં. મમ્મીએ જબરદસ્તી સમજાવીને એના ગોરા રંગને શોભે એવી સારી સાડી પહેરાવી.

બરાબર સાડા પાંચ વાગે ઉમેશ તન્ના અને હીનાબેન વલ્લકીના ઘરે પહોંચી ગયાં. રાજેશે અને શાલિનીએ બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. બંનેએ સોફા ઉપર બેઠક લીધી. શાલિની બંને માટે પાણીના ગ્લાસ લઈ આવી.

મુરતિયાને જોઈને એક મા તરીકે શાલિનીનો ચહેરો ઝંખવાઈ ગયો. પોતાની રૂપ રૂપના અંબાર જેવી દીકરી માટે જીજુએ આવો છોકરો શોધી કાઢ્યો !! વલ્લકીનાં લગ્ન આવા છોકરા સાથે કરવાનાં ! વલ્લકી એને ક્યારે પણ પસંદ નહીં કરે. વલ્લકીના દાદા ધરમશીભાઈ પણ છોકરાને જોઈને એકદમ નિરાશ થઈ ગયા.

વલ્લકી તો ડ્રોઈંગ રૂમમાં આવવાની જ ન હતી એટલે છેવટે શાલિનીએ મહેમાનોને ચા નાસ્તો કરાવ્યો.

" તમારી દીકરી વલ્લકી કેમ દેખાતી નથી ? પ્રતાપ શેઠે તો એનાં બહુ વખાણ કર્યાં છે. એને જોવા તો અમે આવ્યાં છીએ. " હીનાબેન બોલ્યાં.

" એ એના બેડરૂમમાં છે. ઉમંગ કુમાર સાથે મીટીંગ થઈ જાય પછી એ પણ બહાર આવશે. " રાજેશ બોલ્યો.

" તમારે વલ્લકી સાથે વાતચીત કરવી હોય તો અંદર બેડરૂમમાં જઈ શકો છો." શાલિની બોલી અને તરત બેડરૂમમાં જઈને વલ્લકીને પણ સાવધાન કરી.

" તને ગમે કે ના ગમે પરંતુ એની સાથે વાત શાંતિથી કરજે." આટલું બોલીને શાલિની બહાર નીકળી ગઈ.

ઉમેશ ઉભો થયો અને કપડા થોડાં વ્યવસ્થિત કરીને બેડરૂમ તરફ ગયો. ખૂબ જ ભારે શરીર હોવાના કારણે એની ચાલ પણ હાથી જેવી જ હતી !

ઉમેશે બેડરૂમમાં પ્રવેશ કર્યો અને બેડ ઉપર લાંબા પગ કરીને બેઠેલી વલ્લકીને જોઈ જ રહ્યો. વલ્લકીના સૌંદર્ય ભર્યા શરીરને જોઈને ઉમેશ અવાચક થઈ ગયો. શું બોલવું એ જ એને સમજણ નહોતી પડતી. એ બેડરૂમમાં જઈને બાઘાની જેમ ઉભો રહ્યો.

" આ સામે સોફા છે. બેસવાની ઈચ્છા નથી ? " વલ્લકી બોલી.

એ તો આ હબસી જેવા કાળા અને જાડિયા મુરતીયાને જોઈને જ હબકી ગઈ હતી. પેલા નરાધમ ફુવાએ મારા માટે આને પસંદ કર્યો છે !! શું જોઈને મારા પપ્પા આની સાથે લગ્ન કરવા માટે મને દબાણ કરી રહ્યા છે !! મન તો એવું થતું હતું કે અપમાન કરીને એને બેડરૂમની બહાર મોકલી દઉં. પરંતુ એમાં આ નમાલા મુરતિયાનો કોઈ વાંક જ ન હતો ! એ તો ચિઠ્ઠીનો ચાકર હોય એમ પેલા કાનાણીએ મોકલ્યો એટલે આવી ગયો !

" શું નામ તમારું ? " પેલો સોફા ઉપર બેઠો નહીં એટલે વલ્લકીએ ફરી પૂછ્યું.

" મારું નામ ઉમેશ કિશોરભાઈ તન્ના. મને કાનાણી શેઠે તમને જોવા મોકલ્યો છે. " ઉમેશ બોલ્યો અને ધીમે રહીને સોફામાં બેઠો.

"જોઈ લીધી મને ? કંઈ પૂછવું છે ?" વલ્લકી બોલી.

" ના મારે કંઈ પૂછવું નથી. મમ્મીને પૂછવું હશે તો તમે બહાર આવો ત્યારે પૂછશે. મારા તરફથી હા છે. " ઉમેશ માંડ માંડ આટલું બોલી શક્યો.

" ઠીક છે તમે બહાર જઈને બેસો." છેવટે વલ્લકી બોલી. આ માણસની સામે જોઈને જ એને કંઈક થઈ જતું હતું.

" તમારી હા જ છે ને ? " ઉમેશ ઉભો થઈને બોલ્યો.

" એનો જવાબ બહુ જલ્દી મળી જશે. તમે જાઓ હવે." વલ્લકી બોલી એટલે ઉમેશ ઝડપથી બહાર નીકળીને પાછો ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેસી ગયો.

" કેમ તમારી દીકરી બહાર નથી આવતી ?" હીનાબેન છેવટે અકળાઈને બોલ્યાં.

" શાલિની તું અંદર જઈને વલ્લીને બહાર બોલાવી લાવ. આટલું બધું શરમાવાનું થોડું હોય !" રાજેશ બોલ્યો.

" બેટા તું પાંચ મિનિટ માટે બહાર આવીને બેસ. હું પોતે જ તારાં લગ્ન આની સાથે નહીં થવા દઉં. મને પણ આ છોકરો ગમ્યો નથી. પ્રતાપ જીજુ ઉપર મને પણ ગુસ્સો આવ્યો છે. પણ આપણું ખરાબ ના દેખાય એટલા માટે તારે બહાર આવવું જોઈએ. " શાલિની બોલી.

મમ્મીની સહાનુભૂતિ સાંભળ્યા પછી વલ્લકીને થોડી ધરપત થઈ અને એ ઊભી થઈ. મમ્મીની સાથે જ બહાર આવી.

"લો આ આવી ગઈ અમારી વલ્લકી. એનામાં કંઈ પણ કહેવાપણું નથી. પ્રતાપ જીજુએ કહ્યું છે એટલે અમારે પણ તમારા વિશે કંઈ જાણવું નથી. આજથી એ તમારી થઈ ગઈ. " રાજેશ બોલ્યો.

" તમારી દીકરી ચાંદનો ટુકડો છે રાજેશભાઈ. ઉમેશના નસીબમાં એ જ લખેલી હશે એટલે એને ૩૦ વર્ષ થયાં છતાં એનું ક્યાંય નક્કી નથી થયું. અમને પણ આ સંબંધ મંજૂર છે. સારું મૂરત જોઈને અઠવાડિયામાં સગાઈ કરી દઈએ અને વૈશાખમાં બંનેનાં લગન લઈ લઈએ. હું ઘરેથી પેંડાનું પેકેટ લઈને જ આવી છું. આજે દિવસ પણ સારો છે તો બધાં મોઢું મીઠું કરી લઈએ." હીનાબેન બોલ્યાં અને પોતાની મોટી પર્સમાંથી પેંડાનું પેકેટ બહાર કાઢ્યું.

" એક મિનિટ હીનાબેન. આટલી ઉતાવળ ના કરશો. હજુ આજે તો મીટીંગ થઈ છે. મારે મારી દીકરીને પણ પૂછવું પડશે. એની હા હશે તો જ આ સંબંધ આગળ વધશે. વલ્લકી નાની નથી. લગ્ન એ આખી જિંદગીનો સવાલ છે. એની પોતાની ઈચ્છા શું છે એ પણ અમારે જાણવી જોઈએ. પ્રતાપ જીજુએ તમને મોકલ્યાં છે એટલે અમે તમારો આદર કરીએ છીએ પરંતુ ગોળધાણા ખાવાની ઉતાવળ ના કરશો." શાલિની બે હાથ જોડીને બોલી.

હીનાબેન શાલિનીની આવી વાત સાંભળીને છોભીલાં પડી ગયાં. એમને તો કલ્પના જ ન હતી કે અહીંથી આવો જવાબ મળશે. કાનાણી શેઠે તો એમ જ કહ્યું હતું કે ઉમેશનાં લગ્ન ત્યાં જ થશે. જ્યારે અહીં તો ઉલટી ગંગા વહી રહી છે !

" ઠીક છે બેન. મહેમાનગતિ માટે તમારો આભાર. કાનાણી શેઠે ખૂબ આગ્રહ કર્યો હતો એટલા માટે જ અમે અહીં આવ્યાં. ચાલ ઉમેશ." કહીને હીનાબેન ઊભાં થઈ ગયાં અને ગુસ્સાથી સડસડાટ બહાર નીકળી ગયાં. ઉમેશ પણ પાછળ ને પાછળ બહાર ગયો.

" તેં આ શું કર્યું શાલિની ? તને કંઈ ભાન છે ? આ તો તેં પ્રતાપ જીજુનું અપમાન કર્યું. એમના આપણા ઉપર કેટલા ઉપકાર છે ! લગનનો બધો ખર્ચો આપવા માટે જીજુ તૈયાર હતા. હવે મારે જીજુને શું જવાબ આપવો ?" રાજેશ ભયંકર ગુસ્સાથી બોલ્યો.

" શાલિનીએ બરાબર કર્યું છે. તું એના ઉપર ખોટો ગુસ્સો ના કર રાજેશ. મારી ફુલ જેવી દીકરીને આ કાળીયા સાથે પરણાવવાની ? જમાઈ તરીકે આપણા ઘરમાં એ જરા પણ શોભે એવો છે ? તારી અક્કલ ચરવા ગઈ છે ? હજુ પણ માની આંગળી પકડીને ચાલે છે. અને પ્રતાપના તારા ઉપર એવા તો કેવા ઉપકાર છે કે તું એની સામે ગરીબ ગાય બની જાય છે !!" હવે ધરમશીભાઈ એના ઉપર બગડ્યા.

" કેમ વલ્લીને એમણે પોતાની ઓફિસમાં ઊંચા પગારની નોકરી નહોતી અપાવી ? પેલા અભિમન્યુને પણ એ જ લઈને આવેલા ને ! બીજું કોઈ છે વલ્લીની ચિંતા કરવાવાળું ? અને લગનનો બધો ખર્ચો પણ એ જ કાઢવાના હતા. એમના ઉપકાર આપણે ભૂલવા ના જોઈએ પપ્પા." રાજેશ બોલ્યો.

" એણે નોકરી અપાવી એટલે એના કહેવાથી દીકરીને ઉકરડે નાખવાની ? અને લગનનો ખર્ચો આપે છે એમાં શું નવાઈ કરે છે ? બે નંબરના કરોડો રૂપિયા છે અને લાખો રૂપિયા મોજ શોખમાં ઉડાવે છે. આ કાળિયાનું સેટિંગ કર્યું છે તો એમાં પણ એનો કોઈ સ્વાર્થ હશે. હું જેટલો પ્રતાપને ઓળખું છું એટલો તું નથી ઓળખતો ! " ધરમશીભાઈ બોલ્યા.

" પપ્પાને મારી જિંદગીની કોઈ પડી નથી દાદા. મારા ભવિષ્ય સાથે એમને કોઈ લેવા દેવા જ નથી. મેં પણ નિર્ણય લઈ લીધો છે. અભિમન્યુ અને હું હવે કોર્ટમાં મેરેજ કરી લઈશું. અભિમન્યુના મમ્મીએ પણ મને વહુ તરીકે સ્વીકારી લીધી છે. ગઈકાલે રાત્રે અભિમન્યુએ મને બોરીવલી સાગર ડાઇનિંગ હોલમાં જમવા માટે બોલાવી હતી અને વૈશાખ મહિનામાં લગ્નની વાત પણ કરી દીધી છે. મારા લગ્નના ખર્ચા પેટે પાંચ લાખ રૂપિયા રોકડા મને આપ્યા છે. મારા કબાટમાં જ રૂપિયાનું પેકેટ મૂક્યું છે. પણ હવે મારે મારા લગ્નમાં તમારા આશીર્વાદ જોઈતા જ નથી પપ્પા." વલ્લકી આજે ખૂબ જ ગુસ્સાથી બોલી અને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ.

વલ્લકીની વાત સાંભળીને રાજેશ તો સ્તબ્ધ થઈ ગયો ! અભિમન્યુએ હા પાડી છે અને લગ્નના ખર્ચા પેટે પાંચ લાખ રૂપિયા રોકડા પણ આપ્યા છે એ વાતનું એને ખૂબ જ આશ્ચર્ય થયું. વલ્લકી ગઈકાલે બહાર જમીને આવી ત્યારે એ અભિમન્યુ વિશે ગમે તેમ બોલ્યો હતો. વલ્લકીને પણ ઘણું બધું સંભળાવ્યું હતું. બધાની વચ્ચે આજે એ છોભીલો પડી ગયો હતો !

" બોલો હવે ! તમારા આશીર્વાદની પણ હવે વલ્લકીને જરૂર નથી. કેવા બાપ છો તમે ? આવા મદનીયા જેવા છોકરા સાથે તમે મારી દીકરીને પરણાવવા તૈયાર થઈ ગયા ? દીકરી તમને નફરત કરતી થઈ ગઈ. દીકરીનાં લગ્ન કરાવવા માટે હું અને પપ્પાજી એની સાથે કોર્ટમાં જઈશું. રહેજો તમે એકલા ઘેર. " શાલિની પણ ગુસ્સાથી બોલી.

" તારી વાત સાચી છે શાલુ. હું પણ તારી સાથે આવીશ અને વરકન્યાને આશીર્વાદ આપીશ. આને તો દીકરીના સુખની કોઈ પડી જ નથી. એને તો પેલો પ્રતાપ જ દેખાય છે." ધરમશીભાઈ બોલ્યા અને પોતાના રૂમમાં જતા રહ્યા.

શાલિની વલ્લકીના રૂમમાં ગઈ. એણે પોતાની દીકરીને શાંત પાડવા કોશિશ કરી.

" તું ચિંતા કરીશ નહીં બેટા. તારી ઈચ્છાથી વિરુદ્ધ હું કંઈ જ નહીં થવા દઉં. અભિમન્યુએ તને લગ્ન માટે હા પાડી છે એ તારે મને ગઈકાલે જ રાત્રે કહેવાની જરૂર હતી. તો હું આ લોકોને આપણા ઘરે આવવા જ ના દેત ! છોકરામાં કંઈ ઠેકાણું છે નહીં અને પેંડાનું પેકેટ લઈને આવી ગયાં." શાલિની બોલી.

" કાલે રાત્રે કેવી રીતે વાત કરું મમ્મી ! ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં જ પપ્પા મારી ઉપર તૂટી પડ્યા. સીધી આ મુરતિયાની વાત કરી દીધી અને અભિમન્યુની વાત કરવાનો મારો મૂડ જ ખલાસ કરી દીધો. એમણે તો અભિમન્યુને સાલો કહી દીધો. અરે એમ પણ કહ્યું કે તેં એને તમાચો માર્યો એ લાગનો જ છે એ. આવી વાત કર્યા પછી હું અભિમન્યુની વાત તને કઈ રીતે કરું !" વલ્લકી બોલી.

" તારા પપ્પાને બોલવાનું ભાન નથી બેટા. એમને તો બસ પ્રતાપ જીજુ જ દેખાય છે. તને નોકરી આપી એમાં તો બહુ મોટો ઉપકાર કરી દીધો હોય એવું તારા પપ્પા માને છે. તેં નોકરી છોડી દીધી ત્યારે પણ તને કેટલું બધું બોલ્યા હતા ? " શાલિની બોલી.

" આટલા સારા પગારની નોકરી હું શા માટે છોડી દઉં મમ્મી ! તમારો એ પ્રતાપ જીજુ એક નરાધમ આદમી છે. પહેલી વાર મારે તારી સામે આજે મ્હોં ખોલવું પડે છે. એની નજર મારી ઉપર બહુ જ ખરાબ હતી મમ્મી. હું આનાથી વધારે તને કંઈ કહી શકું તેમ નથી ! " આવેશમાં આવીને વલ્લકીથી બોલાઈ ગયું.

" હેં.. !! તું શું વાત કરે છે !!!" શાલિની આઘાતથી સ્તબ્ધ થઈ ગઈ.

અશ્વિન રાવલ (અમદાવાદ)
"વલ્લકી" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■