વલ્લકી નવલકથા (Vallaki Novel Part-29)

Related

વલ્લકી પ્રકરણ 29

છેલ્લા ૧૫ દિવસથી કાનાણીના મામલામાં અભિમન્યુ એટલો બધો વ્યસ્ત થઈ ગયો હતો કે વલ્લકી સાથે એક પણ વાર એણે વાત નહોતી કરી. મમ્મી તો વૈશાખ મહિનામાં લગ્ન લેવાની વાત કરતાં હતાં અને હજુ તો ગોળધાણા પણ ખાધા ન હતા.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

" વલ્લકી અભિમન્યુ બોલું. આજે રાત્રે સાડા આઠ વાગે બોરીવલી ચંદાવરકર રોડ ઉપર સાગર ડાઇનિંગ હોલમાં આવી જા. ઘણા સમયથી વાત થઈ નથી તો આજે ડીનર સાથે લઈશું. " અભિમન્યુએ સાંજે ચાર વાગે પોતાની ઓફિસમાંથી વલ્લકીને ફોન કર્યો.

" જેવો આપનો હુકમ. હું સમયસર પહોંચી જઈશ." વલ્લકી બોલી.

આજે અચાનક આવેલા અભિમન્યુના ફોનથી વલ્લકી ખૂબ જ ખુશ થઈ ગઈ. સાંજના પાંચ વાગ્યા હતા છતાં અત્યારથી જ એણે તૈયાર થવાનું શરૂ કરી દીધું. ઘણા દિવસો પછી આજે પોતાના પ્રિયતમને મળવા જવાનું હતું.

" મમ્મી હું આજે મારી ફ્રેન્ડ સાથે બહાર જમવાની છું એટલે મારી રસોઈ ના બનાવતી."

વલ્લકીએ એની મમ્મીને જાણ કરી દીધી. અભિમન્યુએ ના પાડી હતી એટલે હવે એ અભિમન્યુ સાથેના પોતાના સંબંધની વાત ઘરમાં કોઈને પણ કરતી ન હતી.

રાત્રે આઠ વાગે એ નીચે આવી અને એકતા ટેરેસથી એણે રીક્ષા જ પકડી લીધી. પચીસ મિનિટમાં એ ડાઇનિંગ હોલ પહોંચી ગઈ. અભિમન્યુ બહાર જ ઉભો હતો.

" વેલકમ ડાર્લિંગ. ચાલો આપણે ઉપર જઈએ." અભિમન્યુએ વલ્લકીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આજે તૈયાર થઈને આવેલી વલ્લકી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

" આજે તો ઘણા દિવસે મારી યાદ આવી ! " ટેબલ ઉપર બેઠા પછી વલ્લકી બોલી.

" યાદ તો રોજ આવતી હતી પરંતુ હમણાં થોડો વધારે પડતો વ્યસ્ત હતો એટલે ફોન કરવાનો સમય મળતો ન હતો. ગઈકાલથી થોડો ફ્રી થયો છું એટલે એમ થયું કે આપણે સાથે જ જમીએ. " અભિમન્યુ બોલ્યો.

" મને બહુ સારું લાગ્યું. બોલો હવે મારા માટે શું હુકમ છે ? " વલ્લકી બોલી.

" મમ્મી તને હવે જલ્દી જલ્દી ઘરમાં લાવવા માંગે છે. એ વૈશાખ મહિનામાં આપણાં લગ્ન લેવાની વાત કરે છે એટલે હવે કાયદેસર રીતે સગાઈની જાહેરાત કરવી જ પડશે. તું હવે ઘરે વાત કરી શકે છે. સારો દિવસ જોઈને સગાઈના ગોળધાણા ખાવા તારાં મમ્મી પપ્પા મારા ઘરે આવી શકે છે. હવે કાનાણી અંકલને ખબર પડે તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી." અભિમન્યુ બોલ્યો.

સગાઈની વાત સાંભળીને વલ્લકીની આંખો ઉભરાઈ આવી. છેવટે એની ઈચ્છા પૂરી થઈ હતી.

" અરે... તું રડે છે વલ્લકી !! " અભિમન્યુ બોલ્યો.

" હું રડતી નથી અભિ. આ હરખનાં આંસુ છે. મારા જીવનમાં જે બન્યું એ પછી મેં તો લગ્નની આશા જ છોડી દીધી હતી. મને કલ્પના જ ન હતી કે મને તમારા જેવા હસબન્ડ મળશે !" વલ્લકી અભિમન્યુનો હાથ પકડીને બોલી.

" આપણે બંને કદાચ ગયા જનમના ઋણાનુબંધથી જોડાયેલાં છીએ. મને તારા જેવી સુંદર અને સંસ્કારી પત્ની મળી એના માટે હું પણ ગર્વ અનુભવું છું. સમય હવે ટૂંકો છે એટલે તમે લોકો લગ્નની ખરીદી ચાલુ કરી દેજો. હું તને તારા ઘર સુધી મૂકી જઉં છું. ગાડીમાં પાંચ લાખનું પેકેટ પડ્યું છે એ તું ઘરે લઈ જજે. આ તો જસ્ટ ટોકન છે. તારા શોપિંગનો જે પણ ખર્ચો થાય એ બધો જ તને મારા તરફથી મળી જશે. " અભિમન્યુ બોલ્યો.

" લગ્ન પછી તમારે મારા માટે જે પણ ખર્ચો કરવો હોય એ કરજો પરંતુ લગ્ન પહેલાંનો બધો ખર્ચો તો મમ્મી પપ્પા જ કરે અભિ. એમને પણ એકની એક દીકરી પરણાવવાનો હરખ હોય ને ! " વલ્લકી બોલી.

" તારી એ વાત પણ ખોટી નથી. છતાં એ પાંચ લાખ તું ઘરે લઈ જજે. જરૂર પડે અને ખૂટતા હોય તો કામ લાગશે." અભિમન્યુ બોલ્યો.

આ રીતે વાતો કરતાં કરતાં બંનેએ જમી લીધું. કાઉન્ટર ઉપર બિલ ચૂકવીને અભિમન્યુ વલ્લકીને લઈને બહાર નીકળ્યો.

નીચે જઈને અભિમન્યુએ ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી. વલ્લકી એની બાજુમાં જ બેસી ગઈ. અભિમન્યુએ ગાડીને કાંદીવલી મહાવીરનગર તરફ લઈ લીધી.

લગભગ રાત્રે સવા દસ વાગે એકતા ટેરેસ પાસે વલ્લકીને નીચે ઉતારીને અભિમન્યુ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.

" વલ્લી બનીઠનીને આટલી મોડી રાત્રે તું ક્યાં રખડવા ગઈ હતી ? અને તારા હાથમાં આ શાનું પેકેટ છે ? " ઘરમાં પ્રવેશ કરતાં જ રાજેશ બોલ્યો.

" કેમ પપ્પા આજે આવો સવાલ કરો છો ? આટલા મહિનાઓ પછી પહેલીવાર હું મારી ફ્રેન્ડ સાથે સાગર હોટલમાં ડીનર લેવા ગઈ હતી. અને હું મમ્મીને કહીને જ ગઈ હતી. અને આ તો મારી ફ્રેન્ડે આપેલી ગિફ્ટ છે." વલ્લકીને પપ્પાનો આવો સવાલ ગમ્યો નહીં.

" સવાલ તો પૂછી જ શકું ને ! હું તારો બાપ છું. રાત્રે છેક સાડા દસ વાગે તું ઘરે આવે. યુવાન છોકરીના મા બાપને કેટલી ચિંતા હોય ! અને આજ સુધી તારી એવી કોઈ ફ્રેન્ડ આપણા ઘરે આવી નથી કે તું કોઈના ઘરે ગઈ નથી." રાજેશ બોલ્યો.

" મારી અંગત કહી શકાય એવી માત્ર બે જ ફ્રેન્ડ છે. મેં કોઈને આપણા ઘરનું એડ્રેસ આપ્યું નથી પછી કેવી રીતે આવે ? અમારે ફોન ઉપર રોજ વાતો થતી જ હોય છે. " વલ્લકી બોલી.

" ઠીક છે ઠીક છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. કાલે એક છોકરો તને જોવા આવવાનો છે. ઉમેશ નામ છે એનું. એ તો તને પસંદ કરવાનો જ છે પરંતુ તારે પણ એને હા જ પાડવાની છે. પેલો સાલો અભિમન્યુ તો લગનની હા પાડીને ફરી ગયો. તેં એને તમાચો માર્યો એ લાગનો જ હતો ! એને હવે ભૂલી જા. કાલે જે છોકરો તને જોવા આવે એની સાથે નક્કી કરી દઉં છું. મારે હવે કુંડળી પણ મેળવવી નથી. " રાજેશ સહેજ ગુસ્સાથી બોલ્યો.

ઘરમાં પગ મુક્યો ત્યાં જ અચાનક પપ્પાની આવી વાત સાંભળીને વલ્લકી તો સ્તબ્ધ જ થઈ ગઈ. એક બાજુ અભિમન્યુ સાથે સગાઈના ગોળધાણાની વાત આજે ઘરમાં બધાંની સાથે કરવાની હતી ત્યાં પપ્પા તો વળી બીજા મુરતિયાની વાત કરી રહ્યા હતા.

" પપ્પા એ ઉમેશ હોય કે ગમે તે હોય... તમે એને ના પાડી દેજો. મને જોવા માટે ના આવે. અભિમન્યુ સિવાય હું કોઈની પણ સાથે લગ્ન કરવાની નથી. " વલ્લકી પણ એટલા જ ગુસ્સાથી બોલી અને પોતાના બેડરૂમમાં જતી રહી.

બાપ દીકરીની આ વાત સાંભળીને શાલિની પણ પોતાના બેડરૂમમાંથી બહાર આવી.

" સાંભળ તારી વલ્લીની વાત. બહુ મોઢે ચડાવી છે તેં એને ! એ તો પેલા છોકરાને જોવાની જ ના પાડે છે. કહે છે કે લગન કરશે તો માત્ર અભિમન્યુ સાથે. બાકી કોઈને જોવા પણ તૈયાર નથી. પેલા લોકો આવતી કાલે સાંજે વલ્લીને જોવા માટે આવવાના છે અને આ અત્યારે આવી વાતો કરે છે." રાજેશ બોલ્યો.

" હું સમજાવું છું. તમે એના ઉપર આટલા ગુસ્સે ના થાઓ. એ કઈ નાની નથી હવે. " શાલીની બોલી અને વલ્લકીના બેડરૂમમાં ગઈ.

" બેટા મારી વાત સાંભળ. યુવાન દીકરીના મા-બાપને ચિંતા હોય જ. તારી હવે પરણવાની ઉંમર થઈ ગઈ છે. અભિમન્યુ તો ટાઇમપાસ કરી રહ્યો છે. અમે તને ક્યાં સુધી કુંવારી રાખી શકીએ ? દીકરી હંમેશા સાસરે જ શોભે. પ્રતાપ જીજુએ જ આ છોકરો બતાવ્યો છે. એમને તારી ચિંતા છે." શાલિની બોલી રહી હતી.

" જીજુ કહેતા હતા કે છોકરો થોડો શ્યામ છે. એના પિતા કોન્ટ્રાક્ટર હતા પણ બે વર્ષ પહેલાં ગુજરી ગયા છે. અત્યારે સ્થિતિ સાધારણ છે પરંતુ પ્રતાપ જીજુ એને કોન્ટ્રાક્ટર તરીકે બેઠો કરવા તૈયાર છે. જીજુ એને બધી મદદ કરશે એટલે તને વાંધો નહીં આવે. દરેક વખતે આપણે પ્રતાપ જીજુને નારાજ ના કરી શકીએ બેટા." શાલિની બોલી.

" તમારા પ્રતાપ જીજુ કહે એટલે એ જ્યાં બતાવે ત્યાં બેસી જવાનું ? મારામાં શું ખામી છે કે મારે આવા કાળીયા અને બીજાના સહારે આગળ વધતા છોકરા સાથે લગન કરવાનાં !! અને અચાનક આજે આ વાત કેવી રીતે આવી ? " વલ્લકી સહેજ ગુસ્સામાં બોલી.

"અચાનક નથી આવી. ચાર પાંચ દિવસથી પ્રતાપ જીજુએ તારા પપ્પાને વાત કરી છે. જીજુએ અઠવાડિયા પહેલાં જ પોતાની ઓફિસમાં આ છોકરાને બોલાવ્યો હતો અને તારી સાથે લગન કરવા સમજાવ્યો હતો. જીજુના મિત્રનો જ દીકરો છે. જીજુ એને પોતાના ધંધામાં સાથે લઈ લેશે પછી તારે શું ચિંતા છે ! તું હવે શાંતિથી સૂઈ જા. એકવાર છોકરાને મળી તો લે. " શાલિની બોલી.

વલ્લકીનો અભિમન્યુ સાથે સગાઈની વાત કરવાનો આખો મૂડ જ ખલાસ થઈ ગયો. એક તરફ અભિમન્યુ બિચારા મારું સત્ય જાણ્યા પછી પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા છે. લગ્નનો બધો ખર્ચો ઉપાડવા માટે તૈયાર થઈ ગયા છે. મને સાચા દિલથી પ્રેમ કરે છે અને આ લોકો હજુ પણ જીજુ જીજુ નાં ગાણાં ગાય છે !

એક વિચાર તો એવા આવ્યો કે મમ્મી પપ્પાને એ નરાધમ જીજુની સાચી ઓળખાણ આપી દઉં પણ પોતાની એબ ઉઘાડી પડે એટલે એ ચૂપ રહી. હવે તો અભિમન્યુ સાથે ભાગીને જ લગ્ન કરવાં પડશે. પોતે સગી દીકરી નથી એટલા માટે જ મારો બાપ આવા કાળીયા માટે તૈયાર થઈ ગયો છે !

" ઠીક છે એને આવવા દો. હું પણ એને જોઉં તો ખરી કે પ્રતાપ ફુવાની પસંદગી કેવી છે ! હું એના માટે કોઈ તૈયાર થવાની નથી. જેવી છું એવી જ એની સાથે મીટીંગ કરીશ." વલ્લકી બોલી.

મમ્મી તો શિખામણ આપીને ચાલી ગઈ પરંતુ વલ્લકી બહુ જ અપસેટ થઈ ગઈ. રાતના અગિયાર વાગવા આવ્યા હતા. એ ઊભી થઈ. પેલું પાંચ લાખનું પેકેટ એણે પોતાના કબાટમાં કપડાંની નીચે સંતાડી દીધું. નાઈટ ડ્રેસ પહેરી લીધો અને બેડ ઉપર આડી પડી.

વલ્લકીને હવે ધીમે ધીમે પ્રતાપ કાનાણીનો આખો પ્લાન સમજાતો ગયો. પેલાને મોટી આર્થિક મદદ કરી એને કોન્ટ્રાક્ટર બનાવી એ ધાર્યું કરી શકે. પેલો સંપૂર્ણપણે એના કંટ્રોલમાં હોય એટલે સામ દામ દંડ ભેદ અજમાવી એકાદ વર્ષમાં જ એ મને કાયમ માટે ફસાવી શકે. પ્રતાપની મેલી મુરાદ વલ્લકી બરાબર સમજી ગઈ.
 
*************

સરદારજી સાથે ૭૫ કરોડમાં જ્યારે ડીલ થઈ ગયું ત્યારે પ્રતાપ કાનાણી આકાશમાં ઉડવા લાગ્યો હતો. એને પચાસ કરોડનો ફાયદો દેખાતો હતો. અઢળક પૈસો હાથમાં આવે એટલે માણસનું દિમાગ થોડું શેતાની બની જતું હોય છે. બે નંબરનો પૈસો હંમેશાં ઐયાશી તરફ ખેંચતો હોય છે.

ડીલ થયું એ રાત્રે સુધીર મ્હાત્રે સાથે ડ્રીંક અને ડીનર લીધા પછી ઘરે જઈને કાનાણી પોતાના બેડરૂમમાં સૂઈ ગયો હતો. બેડ ઉપર સૂતા પછી એનામાં ફરી પાછો શેતાન જાગી ગયો હતો. આજે એને ફરી સંધ્યા કદમ અને વલ્લકી યાદ આવી ગઈ હતી.

કાનાણીને બાબાજીએ આપેલા આશીર્વાદ અત્યારે યાદ આવી ગયા. કોઈ પાત્ર એને મળી જાય એના માટે એણે બાબાજીને વિનંતી કરી હતી અને બાબાજીએ એને કહ્યું હતું કે અગર કોઈ પાત્ર મળી જશે તો એ એને બરબાદ કરવા જ મળશે. પરંતુ બરબાદ થવાનો સાચો અર્થ કાનાણી સમજ્યો ન હતો. એણે તો પોતાની રીતે જ અર્થઘટન કર્યું હતું.

બાબાજીએ કહ્યું છે એટલે પાત્ર તો મળી જ જશે એટલી જ વાત એણે યાદ રાખી હતી. વલ્લકી જો મળી જાય તો એના જેવી રૂપસુંદરી બીજી કોઈ ન હતી પરંતુ વલ્લકીને મેળવવી હોય તો ફરી કોઈ ચાલ ચાલવી પડે. અભિમન્યુ તો માનતો ન હતો એટલે હવે બીજે ક્યાંક એનું ચોકઠું ગોઠવવું પડશે. અને અચાનક એના શેતાની મગજમાં પોતાના એક સમયના કોન્ટ્રાક્ટર કિશોરભાઈ તન્નાનું નામ ઝબકી ગયું.

કિશોરભાઈ તન્ના ખાધે પીધે ઘણા સુખી હતા પરંતુ બે વર્ષ પહેલાં એમને કેન્સર થયું એમાં ઘણા રૂપિયા ખર્ચાઈ ગયા હતા એટલે એમના મૃત્યુ પછી એમનો પરિવાર મધ્યમવર્ગીય બની ગયો હતો. પરિવારમાં એમની પત્ની હીના અને ૩૦ વર્ષનો દીકરો ઉમેશ હતાં.

ઉમેશ ભણવામાં એટલો બધો હોશિયાર ન હતો એટલે સામાન્ય બી.કોમ ની ડીગ્રી એણે મેળવી હતી. સ્વભાવે થોડો દાધારંગો અને ડરપોક હતો. દેખાવમાં પણ ખૂબ ભારે શરીર અને રંગ કાળો હોવાથી એના લગનનું ઠેકાણું પડતું ન હતું.

જો આ છોકરાને પોતાના ત્યાં જ કોઈ કામ આપીને રાખી લેવામાં આવે અને એને ૨૫ ૫૦ લાખની મદદ કરવામાં આવે તો સંપૂર્ણપણે ઉમેશ એના ગુલામની જેમ રહે. ધીમે ધીમે એને વિશ્વાસમાં લઈને વલ્લકીને પણ ભવિષ્યમાં પોતાની કરી શકાય.

બીજા દિવસે સવારે જ એણે ફોન કરીને હીનાબેન અને ઉમેશને પોતાની ઓફિસે બોલાવી લીધાં. એમના તરફ ખૂબ જ લાગણી બતાવી વલ્લકીની વાત કરી.

" હીનાબેન મારા અને કિશોરભાઈના સંબંધો વિશે તો તમે જાણો જ છો. એ મારા નાના ભાઈ જેવો હતો. તમે લોકો તકલીફમાં આવી ગયાં છો એ પણ મને ખબર છે. મેં તમને અત્યારે એક ખાસ કામ માટે બોલાવ્યાં છે. મારા સાળાની દીકરી હજુ કુંવારી છે ખૂબ જ દેખાવડી છે." કાનાણીએ વાત શરૂ કરી.

" મારી ઈચ્છા છે કે તમારા ઉમેશ સાથે એનાં લગ્ન કરાવી દઉં. છોકરી પૈસાદાર ઘરમાં ઉછરી છે એટલે તમને પણ ૨૫ ૫૦ લાખની મદદ કરું જેથી મારી ભત્રીજીને કોઈ તકલીફ ના પડે. અને ઉમેશને પણ મારા કોન્ટ્રાક્ટરના હાથ નીચે ગોઠવી દઉં એટલે એ પણ કામકાજ શીખી જાય અને એકાદ વર્ષ પછી કોન્ટ્રાક્ટર બની જાય." કાનાણી બોલ્યો.

" અરે પ્રતાપભાઈ તમે તો અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. મારા ઉમેશનાં લગ્ન થતાં હોય તો એનાથી વધારે અમારે બીજું શું જોઈએ ? તમે અમારા તરફ એટલી બધી લાગણી બતાવી છે કે મારી પાસે કોઈ શબ્દો નથી. તમે કહ્યું એટલે અમે સ્વીકારી લીધું. અમારે છોકરી જોવી પણ નથી. " હીનાબેન બોલ્યાં.

" ના ના એમ ના ચાલે. હું મારા સાળા રાજેશનો ફોન નંબર અને એનું એડ્રેસ તમને લખી આપું છું. મારે પણ એ લોકોની સાથે વાત કરવી પડશે. હું તમને ફોન કરું એ દિવસે તમે ઉમેશને લઈને એના ઘરે જઈ આવજો અને છોકરી સાથે મીટીંગ કરી દેજો." કાનાણી બોલ્યો.

કાનાણી શેઠનો આભાર માનીને હીનાબેન અને ઉમેશ ઘરે જવા નીકળી ગયાં.

એ પછી બીજા ચાર દિવસ નીકળી ગયા. ગુરુવારે કાનાણી ઉપર મહેશનો એટલે કે સરદારજીનો જેવો ફોન આવ્યો કે એ આવતીકાલે શુક્રવારે હીરા લઈને મુંબઈ આવવા માટે નીકળે છે એ જ દિવસે કાનાણીએ રાજેશને ફોન કર્યો.

" રાજેશ હું કાનાણી બોલું છું. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. પેલો અભિમન્યુ તો વલ્લકી સાથે લગ્ન કરવાનો નથી અને હવે વલ્લકીની ઉંમર મોટી થતી જાય છે. તારી દીકરીની ચિંતા મને પણ છે." કાનાણી બોલી રહ્યો હતો.

" મારા ધ્યાનમાં એક છોકરો છે. ઉમેશ તન્ના નામ છે. એના પિતા મારા ત્યાં જ કોન્ટ્રાક્ટર હતા પરંતુ બે વર્ષ પહેલાં એમનું અવસાન થઈ ગયું છે. ઘરમાં માત્ર મા દીકરો છે. છોકરો શરીરે શ્યામ છે અને એનું વજન થોડું વધારે છે. એ છોકરાને હું પોતે જ મારી ઓફિસમાં કોન્ટ્રાક્ટર તરીકે લઈ લેવાનો છું અને એને ૪૦ ૫૦ લાખની મદદ પણ કરવાનો છું જેથી વલ્લકીને વાંધો ના આવે. એને સુખી જોવાની મારી પણ ફરજ છે. " કાનાણી બોલી રહ્યો હતો.

" તારી દીકરીને સમજાવી દેજે કે એ લગન માટે હવે કોઈ નખરાં ના કરે. લગન કર્યા પછી એને કોઈ તકલીફ નહીં પડે એની જવાબદારી મારી. જેટલી પણ જરૂર હશે એટલા પૈસા હું એને આપતો રહીશ. કારણ કે આ લગન હું કરાવું છું. ક્યાં સુધી એને ઘરમાં બેસાડી રાખશો ? " કાનાણી બોલ્યો.

" તમે અમારા માટે આટલું બધું વિચારો છો એ જ અમારા માટે ઘણું છે. તમે ચિંતા નહીં કરો જીજુ. ગમે તેમ કરીને અમે એને લગન માટે સમજાવીશું. " રાજેશ બોલ્યો.

" બસ તો પછી આવતા મંગળવારે એકાદશી છે. દિવસ સારો છે. એ દિવસે સાંજે ઉમેશ અને એની મમ્મી તમારા ઘરે આવી જશે. વલ્લકી સાથે મીટીંગ ગોઠવી દેજો. આ વખતે બધું ફાઈનલ જ કરવાનું છે. લગનનો ખર્ચો પણ હું આપીશ. " કાનાણી બોલ્યો.

" તમે ચિંતા નહીં કરો જીજુ. આ વખતે વલ્લકીનું કંઈ નહીં ચાલે. એનાં લગ્ન ઉમેશકુમાર સાથે જ થશે. " રાજેશ બોલ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■