વલ્લકી પ્રકરણ 28
કોશા કોમ્પ્લેક્સ આવી ગયા પછી અભિમન્યુ પોલીસની ગાડીમાંથી નીચે ઉતર્યો અને પોતાની પાસેની ચાવીથી એણે નીચેની દુકાન ખોલી નાખી. ત્યાં સામેની દીવાલ પાસે બીજાં આવાં જ ૧૧ બોક્સ વ્યવસ્થિત ગોઠવેલાં હતાં અને એના ઉપર તાડપત્રી ઢાંકેલી હતી.
વલ્લકી નવલકથા
આ બધું કામ તે દિવસે સાંજે જ અભિમન્યુએ ધવલ સાથે મળીને કર્યું હતું. પરંતુ ધવલને આ બોક્સમાં શું છે એના વિશે કંઈ જ ખબર ન હતી.
મુનીરે ગાડીમાં પડેલું બોક્સ નીચે ઉતારવા માટે પોતાના પોલીસ ડ્રાઇવરને સૂચના આપી. મુનીર અને એના ડ્રાઇવરે સાથે મળીને બોક્સ દુકાનમાં મૂકી દીધું. અભિમન્યુએ દુકાનનું શટર ફરી બંધ કરી દીધું.
" મુનીર પાંચ મિનિટ માટે તું ઉપર ઓફિસમાં આવી જા. તને વધારે રોકીશ નહીં." અભિમન્યુ બોલ્યો.
મુનીર અને અભિમન્યુ બંને સાથે ઉપર અભિમન્યુની ઓફિસમાં ગયા.
"જો મુનીર તું મારો અંગત મિત્ર છે અને મારા આ મિશનમાં તારો અને મહેશનો સૌથી મોટો ફાળો છે. ઈશ્વર કૃપાથી પૈસાની મને કોઈ તકલીફ નથી અને કરોડોના હીરા પણ મારી પાસે પડેલા છે. અત્યારે જે ચાર કરોડ આવ્યા છે એમાંથી ૫૦ લાખ તું લઈ જજે અને ૫૦ લાખ હું મહેશને આપી દઈશ. એ પણ મને યાદ કરશે." અભિમન્યુ બોલી રહ્યો હતો.
"તું જ્યારે આવવાનો હોય ત્યારે મને એડવાન્સમાં કહી દેજે એટલે પચાસ લાખ હું અહીં ઉપર ઓફિસમાં લાવી રાખીશ. ૧૦૦ બંડલ નાના બોક્સમાં આરામથી આવી જશે." અભિમન્યુ બોલ્યો.
" અરે અભિમન્યુ આટલી મોટી રકમ મારાથી લેવાય જ નહીં. મેં એક મિત્ર તરીકે મારી ફરજ બજાવી છે અને આપણા બંનેના સંબંધમાં પૈસા ક્યાંય વચ્ચે આવતા નથી. " મુનીર બોલ્યો.
" મુનીર પૈસાની વેલ્યુ સમજતો જા. આ હું તને ગિફ્ટ આપું છું. ના ન પાડીશ. દુનિયાના બધા વ્યવહારો પૈસાથી જ ચાલે છે. અને તારી પાસે પૈસા હશે તો દુનિયા સલામ કરશે. તારી બહેનને પણ ભવિષ્યમાં નાની મોટી મદદ કરી શકીશ." અભિમન્યુ મુનીરને સમજાવી રહ્યો હતો.
"તારી વાત હું સમજુ છું અભિ. પરંતુ આટલી બધી રકમ ના હોય." મુનીર બોલ્યો. જો કે અભિમન્યુની આટલી મોટી ભેટથી મુનીર થોડો ગળગળો ગયો હતો.
" તને જાસ્મીનના સોગંદ. હવે એક શબ્દ પણ બોલીશ નહીં." અભિમન્યુ બોલ્યો.
" કાનાણી શેઠના કંઈ ખબર ? " મુનીરે પૂછ્યું.
"આમ તો ખબર આજે આવવા જ જોઈએ. ગઈ કાલે તો એ આન્ટીને ડાયમંડ બતાવવા માટે એના પોતાના બંગલે જ ગયો હશે. આજે કંઈ પણ થશે એટલે તરત જ તુકારામ સાવંતનો ફોન આવી જશે. આ બધું પતી જાય પછી મારે તુકારામને પણ પાંચ લાખ આપવા છે નવી ટેક્સી લેવા માટે. જો કે હું એને કહી દઈશ કે હું ના કહું ત્યાં સુધી ટેક્સી લેવાની ઉતાવળ ના કરતો." અભિમન્યુ બોલ્યો.
" હા એ બહુ નાનો માણસ છે અને એણે તને ખરેખર દિલથી મદદ કરી છે. " મુનીર બોલ્યો અને ઉભો થયો.
મુનીર ગયા પછી અભિમન્યુએ મહેશને ફોન કર્યો અને પોતાને મળી જવાની સૂચના આપી.
લગભગ દોઢેક કલાક પછી મહેશ અભિમન્યુની ચેમ્બરમાં આવી ગયો.
" મહેશ તારો ડ્રામા પૂરો થઈ ગયો છે એટલે હવે તું આઝાદ છે. દત્તાત્રેય તરીકે અને શીખ સરદારજી તરીકે એમ બંને રોલ તેં ખૂબ સરસ રીતે નિભાવ્યા છે. હું દિલથી તારો આભાર માનું છું. તું જો ના મળ્યો હોત તો મારું આ મિશન આટલી સરસ રીતે પાર પડ્યું ના હોત. મેં તને દોઢ લાખ રૂપિયા આપી દીધા છે અને મેં આપેલા વચન પ્રમાણે મારે તને બીજા દોઢ લાખ આપવાના છે." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" તારો અભિનય જોઈ હું ખરેખર ખૂબ જ ખુશ થઈ ગયો છું અને તને કંઈક વધારે આપવા માગું છું. બોલ તારે કેટલી રકમની જરૂર છે ? આજે તું જે માગીશ એ તને મળશે." અભિમન્યુ હસીને બોલ્યો.
" અરે અભિમન્યુ તેં જે રકમ મને આપી છે એ દોઢ લાખ પણ મારા માટે બહુ છે. બીજા દોઢ લાખ નહીં આપે તો પણ મારા તરફથી કોઈ જ ફરિયાદ નથી. તારી ઈચ્છા હોય એ તું આપી શકે છે. બાકી મારી કોઈ જ ડિમાન્ડ નથી. " મહેશ ભાટિયા બોલ્યો.
" એવું ન ચાલે દોસ્ત. તારા કામની કદર તો મારે કરવી જ જોઈએ. એક કામ કર. તું આવતીકાલે ગમે ત્યારે મારી ઓફિસે આવી જજે. હું તને એક નાનું બોક્સ ગિફ્ટ આપીશ. તારા આ ડ્રામાની કિંમત એ બોક્સમાં હશે. એમાં પચાસ લાખ રૂપિયા રોકડા મુકેલા હશે. બસ જલસા કર. તું એ રકમમાં તો તારી પોતાની ડ્રામા કંપની ઉભી કરી શકે છે. તું પોતે જ નાટકોનો નિર્માતા બની શકે છે ! " અભિમન્યુ હસીને બોલ્યો.
આ વાત સાંભળીને મહેશ ભાટિયા સ્તબ્ધ થઈ ગયો. એને એના કાન ઉપર વિશ્વાસ જ નહોતો આવતો. આ સ્વપ્ન છે કે સત્ય !! મહેશની કલ્પના બહારની આ રકમ હતી. હજુ દસ બાર દિવસ પહેલા તો એ પોતે સંઘર્ષ કરી રહ્યો હતો અને હવે અભિમન્યુ એના હાથમાં આટલી મોટી રકમ આપી રહ્યો હતો !!
" હું સાચું કહું છું મહેશ આ કોઈ મજાક નથી. તેં બહુ મોટું કામ કર્યું છે. મારે તારી કદર કરવી જ જોઈએ. અને જો કાલે બાઈક ઉપર ના આવતો. ટેક્સી કરીને આવજે અને ટેક્સી નીચે ઉભી રાખજે. બોક્સ તૈયાર જ હશે એટલે લઈને નીકળી જજે." અભિમન્યુ બોલ્યો.
મહેશ ભાટિયાથી અભિમન્યુ સામે અનાયાસ બે હાથ જોડાઈ ગયા.
************
કાનાણી હવે ખરેખર ટેન્શનમાં આવી ગયો હતો. સુધીર મ્હાત્રે કોઈપણ સંજોગોમાં માનવા તૈયાર ન હતો અને એક મહિનાથી વધારે સમય આપવા માંગતો જ ન હતો. અને કાનાણી એ પણ જાણતો હતો કે સુધીર બહુ જ ડેન્જરસ માણસ છે. નક્કી કરેલા સમયમાં પૈસા ન અપાય તો લખી આપેલા તમામ ફ્લેટ તો જાય જ સાથે સાથે પોતાનો દસ કરોડનો બંગલો પણ ૨૪ કલાકમાં ખાલી કરી દેવો પડે.
સોનિયા એટલે કે સંધ્યા કદમને એની પાસે મોકલવામાં આવે તો સુધીર એક અઠવાડિયાનો વધારાનો ટાઈમ આપવા તૈયાર હતો. પરંતુ સંધ્યા કદમનો સંપર્ક કરવો કેવી રીતે ? એણે તો પોતાનો નંબર જ બ્લોક કરી દીધો હતો. અને કદાચ એનો સંપર્ક થાય તો પણ એને હવે સુધીર પાસે કેવી રીતે મોકલવી ? સામે યમદૂત જેવો નરવણે હતો !
ગમે તે થાય એકવાર સંધ્યાને મળવું તો પડશે જ. પોતાની ઈજ્જત ઉપર સવાલ આવીને ઉભો રહ્યો હતો. સુધીરને પચાસ કરોડ જેવી રકમ વ્યાજ સાથે પાછી આપવાની હતી.
કાનાણીએ ફોન કરીને પોતાના ડ્રાઇવર સાવંતને ચેમ્બરમાં બોલાવ્યો.
" સવંત તારે ગમે તેમ કરીને સંધ્યા કદમને સમજાવીને એક વાર મારી પાસે લઈ આવવાની છે. આ વખતે મારે એનું બીજું જ કામ છે. તે દિવસની ઘટના પછી એણે મારો ફોન નંબર બ્લોક કરી દીધો છે. હવે તું જ એને સમજાવીને મારી પાસે લાવી શકે તેમ છે. તું ગમે તેમ કર. માત્ર એકવાર મારી ઓફિસમાં લઈ આવ. મારે ખાલી એની સાથે દસ મિનિટ વાત કરવી છે. તું જો સંધ્યાને અહીં લઈ આવીશ તો હું તને તરત જ એક લાખ રૂપિયા રોકડા આપી દઈશ. " કાનાણી મરાઠીમાં બોલ્યો.
" શેઠ હું કોશિશ કરી જોઈશ. મને પણ એક લાખ લેવામાં રસ છે પરંતુ હું ગેરંટી નથી આપતો. હું સંધ્યા દીદીને ઓળખું છું એ પ્રમાણે એ બીજી વાર તમને મળવા નહીં માંગે. છતાં તમારા માટે એમને સમજાવવા પૂરી કોશિશ કરીશ." સાવંત બોલ્યો.
અને એ દિવસે સાંજે તુકારામ સાવંત પોતાના પાડોશમાં રહેતી સંધ્યાના ઘરે પહોંચી ગયો.
" સંધ્યા દીદી મારે તમને એક વાત કહેવાની છે. તમે ગુસ્સે ના થશો. તમે જાણો છો કે હું તો શેઠના ત્યાં નોકરી કરું છું એટલે ચિઠ્ઠીનો ચાકર છું. હું બધું જાણું છું છતાં તમારી પાસે આવ્યો છું. આજે શેઠે મને બોલાવ્યો હતો. એમને તમારું કંઈક અર્જન્ટ કામ લાગે છે. શેઠ મોટા ટેન્શનમાં લાગે છે. મને કહે કે ગમે તેમ કરીને સંધ્યાને દસ મિનિટ માટે ઓફિસ આવી જવાની વિનંતી કર. " સાવંત મરાઠીમાં બોલ્યો.
" ના. એ હવે કદી નહીં બને. મને તમારા શેઠને મળવામાં કોઈ જ રસ નથી. એમની કોઈ વાત મારે હવે સાંભળવી નથી. તમે એમને કહી દેજો." સંધ્યાએ રોકડું પરખાવ્યું.
" પરંતુ દીદી એમને ઓફિસમાં ખાલી મળવામાં શું વાંધો છે ? એમને મોઢા ઉપર જે પણ કહેવું હોય એ કહી દેજો અને બહાર નીકળી જજો. હવે તમારે એમનાથી ડરવાની ક્યાં જરૂર છે ? તમે આવશો તો મારું પણ માન જળવાશે. " તુકારામ વિનંતી કરતો હતો કારણ કે એને લાખ રૂપિયામાં રસ હતો.
" ઠીક છે કાલે સવારે સાડા અગિયાર વાગે આવી જઈશ. " છેવટે સંધ્યા મળવા તૈયાર થઈ.
" હું ગાડી લઈને લેવા આવું ?" સાવંત બોલ્યો.
" ના ના. હું કોઈ વીઆઈપી નથી. હું રિક્ષામાં પહોંચી જઈશ. " સંધ્યા બોલી એટલે તુકારામ ખુશ થઈને બહાર નીકળી ગયો.
પ્રતાપ કાનાણી ખરેખર ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. રાત્રે ઘરે જઈને એણે ફરી શશીકાંતને ફોન લગાવ્યો હતો પરંતુ રાત્રે પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો. ૧૫ દિવસ બીજા જતા રહે તો બાકીના ૧૫ દિવસમાં કોઈપણ પાર્ટી આટલી મોટી રકમ એક સાથે ના આપી શકે. અને આજકાલ કાયદાના હિસાબે રોકડા નો આટલો મોટો વ્યવહાર કરવો બહુ તકલીફવાળું કામ હતું.
કાનાણીને પોતાની જાત ઉપર પણ ગુસ્સો આવ્યો કે શું જોઈને એણે પોતે સુધીર મ્હાત્રે પાસે શરૂઆતમાં માત્ર આઠ દસ દિવસનો ટાઈમ માગ્યો હતો ! શશીકાંત હીરા ભલે સવા સો કરોડમાં વેચી આપે પરંતુ આટલી મોટી રકમ કોઈ દસ બાર દિવસમાં ન આપી શકે ! - કાનાણી મોડી રાત સુધી આવા બધા વિચારોમાં જાગતો રહ્યો.
બીજા દિવસે સવારે તુકારામ એના શેઠને લેવા બંગલે આવ્યો ત્યારે ઓફિસ જતી વખતે રસ્તામાં એણે કાનાણીને સારા સમાચાર આપ્યા કે ગમે તેમ કરીને સંધ્યાને એણે સમજાવી દીધી છે અને આજે સાડા અગિયાર વાગે એ તમારી પાસે આવી જશે.
" ઘણા સારા સમાચાર આપ્યા તેં. હું સંતોષને કહી દઉં છું. તું એની પાસેથી એક લાખ કલેક્ટ કરી લેજે" કાનાણી શેઠ ખુશ થઈને બોલ્યા.
અને સંધ્યા કદમ ખરેખર એના સમય પ્રમાણે શેઠની ચેમ્બરમાં હાજર થઈ ગઈ. શેઠની સામે આખો ભૂતકાળ તાજો થઈ ગયો. ઘણા સમય પછી સંધ્યાને પોતાની સામે જોઈને જ શેઠના શરીરમાં ગરમાટો વ્યાપી ગયો. સંધ્યા અતિ ખૂબસૂરત હતી અને શેઠે એની સાથે છેલ્લા એક વર્ષની અનેક રાતો ગુજારી હતી.
" બેસ સંધ્યા. તારી વિડિયો કલીપ ઉતારીને મેં તારી સાથે બહુ ખરાબ કર્યું હતું અને એના માટે હું શરમિંદો છું. હું તારી માફી માગું છું. ભૂતકાળને મનમાંથી કાઢી નાખ. હું અત્યારે ખૂબ જ ટેન્શનમાં આવી ગયો છું અને એટલા માટે જ તને બોલાવી છે. " કાનાણીએ વાત કરવાની પૂર્વભૂમિકા બાંધી.
" મારાથી એક ખોટું સાહસ થઈ ગયું છે અને એમાં હું કરોડોના ટેન્શનમાં આવી ગયો છું અને આ ટેન્શન સુધીર મ્હાત્રે જ દૂર કરી શકે તેમ છે. સુધીર મને લોન ઉપર રૂપિયા આપવા તૈયાર છે. પરંતુ એની એક જ શરત છે કે સોનિયા મારી સાથે બે ત્રણ દિવસ માટે ગોવા આવે. એને તું બહુ જ પસંદ આવી ગઈ છે. હવે તારી સાથે મારા પહેલાં જેવા સંબંધો નથી રહ્યા એ વાત હું મ્હાત્રેને કહી શકું એમ નથી." કાનાણી બોલી રહ્યા હતા.
" મારાથી હવે તને આવી વાત ન કરાય એ હું સમજુ છું છતાં પણ મારી મજબૂરી છે કે મારે તને વિનંતી કરવી પડે છે. એના માટે તું જે માંગે તે રકમ આપવા હું તૈયાર છું. તેં એને અત્યાર સુધીમાં ચાર પાંચ વાર કંપની આપી છે એટલે એને માત્ર તારામાં જ રસ છે. હું તને બે હાથ જોડું છું. પ્લીઝ છેલ્લી વાર મારું આટલું કામ કરી દે સંધ્યા." અને કાનાણીએ ખરેખર સંધ્યા સામે બે હાથ જોડ્યા.
સંધ્યા હવે ખરેખર મૂંઝાઈ ગઈ. એક તરફ કાનાણીની કોઈપણ વાતમાં નહીં આવવાનો નિર્ણય એણે લીધો હતો તો બીજી તરફ સુધીર મ્હાત્રેનું નામ સાંભળીને એના શરીરના આવેગો સળવળી ઊઠ્યા હતા. સુધીર ૪૮ વર્ષનો હતો અને પાછો હેન્ડસમ પણ હતો. સંધ્યાને એનો સારો અનુભવ હતો એટલે સુધીરનું નામ સાંભળીને એ થોડી વિચલિત થઈ ગઈ.
કાનાણીનો સાથ છોડી દીધા પછી આટલા દિવસ એ સંયમમાં જ રહી હતી. અભિમન્યુએ એના માથે હાથ મૂક્યા પછી એ પોતાની જાતને કાબુમાં પણ રાખી શકી હતી. છતાં એની યુવાની ક્યારેક ક્યારેક ખૂબ જ તરસી થઈ જતી હતી ! સુધીર મ્હાત્રે માટે ના પાડવાનું એને ગમતું ન હતું.
" મને વિચારવાનો સમય આપો. અને હું હા પાડું તો તમે મને શું આપશો ?" સંધ્યા બોલી.
" તું જે માંગે તે. પાંચ લાખ દસ લાખ જે જોઈએ તે લઈ લે પણ પ્લીઝ તું એની સાથે ગોવા જઈ આવ." કાનાણી બોલ્યો.
" કરોડોના ટેન્શનમાંથી છૂટવા માત્ર પાંચ દસ લાખ ? પચીસ લાખની તૈયારી હોય તો હું કદાચ વિચાર કરું. બોલો છે મંજૂર ? " સંધ્યા બોલી.
" પચીસ ઘણા વધારે છે સંધ્યા. ૧૫ સુધી આપવાની મારી તૈયારી છે. " કાનાણી બોલ્યો.
" તમારું માન રાખીને વીસ લાખમાં હું તૈયાર છું. એનાથી ઓછું જરાય નહીં. સાવંતને આ વાત ના કરશો. મારો ફોન આ કામ પૂરતો અનબ્લૉક કરી દઉં છું. જ્યારે પણ જવાનું હોય ત્યારે મારે કેટલા વાગે ક્યાં પહોંચવાનું છે એ મને ફોન ઉપર કહી દેજો. મારી સાથે બીજી કોઈ જ વાત ના કરશો. આપણા સંબંધો પૂરા થઈ ગયા છે. આ છેલ્લી વાર તમારું માન રાખું છું. મારી રકમ મને કેવી રીતે આપો છો ? " સંધ્યા બોલી.
" આવતી કાલે ટેક્સીમાં નીચે આવી જજે. ટેક્સીનો નંબર મને ફોન ઉપર કહી દેજે. સંતોષ નીચે આવીને ટેક્સીમાં પેકેટ આપી દેશે. તું કેટલા વાગે આવીશ એ જો તું મને અત્યારે કહી દે તો એ સમયે તુકારામને હું આઘોપાછો કરી દઉં. " કાનાણી બોલ્યા.
" આ જ ટાઈમ મને અનુકૂળ છે. હું ટેક્સી લઈને સાડા અગિયાર વાગે નીચે આવી જઈશ." સંધ્યા બોલી અને બહાર નીકળી ગઈ.
સંધ્યા ગયા પછી કાનાણીએ તરત જ સુધીર મ્હાત્રેને ફોન કરી દીધો.
" ભાઉ તમારા માટે સોનિયાને તૈયાર કરી દીધી છે. તમે જ્યારે પણ જવા માગો ત્યારે એ તમારી સાથે ગોવા આવશે. મલાડમાં તમે જ્યાં કહેશો ત્યાં એ ટેક્સીમાં આવી જશે. એ પછી તમે એને તમારી ગાડીમાં લઈ લેજો." કાનાણી બોલ્યો.
" બસ તો પછી તમને બીજા સાત દિવસનો ટાઈમ હું આપી દઉં છું. પરંતુ સાત દિવસ એટલે સાત દિવસ. બીજીવાર કોઈ જ એક્સટેન્શન નહીં મળે. " મ્હાત્રે બોલ્યો.
" મને મંજુર છે. " કાનાણી બોલ્યો અને ફોન કટ કર્યો.
ઓફિસમાં જે કેશ રાખી હતી એ બધી ખલાસ થઈ ગઈ હતી એટલે બીજા દિવસે સવારે ઘરે જે છેલ્લા એક કરોડ વધ્યા હતા એમાંથી વીસ લાખનાં ૪૦ બંડલ કાનાણીએ કાઢી લીધાં અને એક નાના બોક્સમાં ગોઠવી દીધાં. ઉપર સેલો ટેપ લગાવી દીધી.
સાવંત આવ્યો એટલે એની પાસે બોક્સ ગાડીમાં મુકાવી દીધું અને ઓફિસે પહોંચ્યા પછી એ બોક્સ પોતાની ચેમ્બરમાં લાવવાની સાવંતને સૂચના આપી.
" સાવંત હવે તું રીક્ષા કરીને આપણી બોરીવલી ગોરાઈ રોડ ઉપર જે નવી સ્કીમ શરૂ થઈ રહી છે ત્યાં પહોંચી જા અને એ સ્કીમનાં જે બ્રોશર તૈયાર થઈ ગયાં છે એમાંથી પચીસ બ્રોશર અહીં લઈ આવ. હમણાં જ નીકળી જા. એક પાર્ટી આવી રહી છે એને બતાવવાનાં છે." કાનાણી બોલ્યો એટલે સાવંત ત્યાથી નીકળી ગયો.
સવા અગિયાર વાગી ગયા હતા અને હવે બોક્સ લેવા માટે ગમે ત્યારે સંધ્યા નીચે આવી જવાની હતી એટલે સાવંતને અહીંથી ભગાડવો જરૂરી હતો.
સાવંતના ગયા પછી પંદરેક મિનિટમાં સંધ્યાનો ફોન આવી ગયો. એ ટેક્સીમાં નીચે આવી ગઈ હતી. એણે પોતાનો ટેક્સી નંબર કાનાણીને આપી દીધો.
કાનાણીએ તરત જ સંતોષને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો અને એને ટેક્સી નંબર આપીને આ બોક્સ એમાં બેઠેલી સોનિયાને આપવાની સૂચના આપી. સંતોષ બોક્સ લઈને નીકળી ગયો. સંતોષ કાનાણીનો એકદમ વિશ્વાસુ માણસ હતો. કાનાણીના ઘણા ગુપ્ત નાણાંકીય વ્યવહારો એ જાણતો હતો પરંતુ એની જબાન હંમેશા બંધ જ રહેતી.
સંતોષ નીચે ગયો. જે નંબર આપ્યો હતો એ ટેક્સી કોમ્પ્લેક્સ પાસે ઊભેલી જ હતી. સંતોષે ટેક્સી પાસે જઈને સોનિયાને એટલે કે સંધ્યાને પેલું બોક્સ આપી દીધું અને ચૂપચાપ નીકળી ગયો.
કાનાણી શેઠના બ્રોશર લેવા માટે નીકળેલો તુકારામ સાવંત માણેકચંદ ખાવા માટે હજુ ત્યાં પાનના ગલ્લા પાસે જ ઊભો હતો. સંતોષે બોક્સ ત્યાં ઊભેલી ટેક્સીમાં કોઈને આપ્યું એ તુકારામે જોઈ લીધું. પરંતુ અંદર કોણ બેઠું છે એને એ જોઈ શક્યો નહીં. જે વજનદાર બોક્સ પોતે શેઠના ઘરેથી લાવ્યો હતો એ જ આ બોક્સ હતું. કંઇક તો ગરબડ છે. શેઠે આ બોક્સ કોને આપ્યું હશે ! સંતોષ પાસેથી જ નામ જાણવું પડશે !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
