વલ્લકી પ્રકરણ 27
૧૧ બોક્સ અંદર ગોઠવાઈ ગયાં અને સરદારજી બેસી ગયા એટલે આસિફે ગાડી સ્ટાર્ટ કરી અને એસ વી રોડ તરફ લઈ લીધી. આગળ જઈને એણે ફ્લાય ઓવર તરફ ટર્ન લીધો અને ગાડીને સીધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર લઈ લીધી.
વલ્લકી નવલકથા
અભિમન્યુએ સૂચના આપી હતી એટલે આસિફે દહીસર ચેક નાકા સુધી ગાડી ફૂલ સ્પીડમાં જવા દીધી અને ત્યાંથી યુ ટર્ન લઈને ગાડીને ફરી પાછી મલાડ તરફ લઈ લીધી. કોશા કોમ્પ્લેક્સ પહોંચીને આસિફે અભિમન્યુને ફોન કરી દીધો.
ગાડી કોશા કોમ્પ્લેક્સ પહોંચી ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. આસિફે નીચેથી અભિમન્યુને ફોન કરી દીધો કે ગાડી આવી ગઈ છે.
જેવો ફોન આવ્યો કે તરત જ અભિમન્યુ નીચે આવી ગયો. એણે દુકાનનું શટર ખોલી નાખ્યું. આખી દુકાન ખાલી હતી. આસિફ અને અભિમન્યુએ ભેગા થઈને તમામ બોક્સ નીચે ઉતારી દીધાં. સરદારજી ને ઈશારો કરી આ કામથી દૂર રાખ્યા કારણ કે આસિફ આગળ તો એ પોલીસ ઓફિસર હતો.
તમામ બોક્સ અંદર ગોઠવાઈ ગયાં એટલે અભિમન્યુએ આસિફને ગાડી એના વિરારના ગેરેજમાં જ લઈ જવાની સૂચના આપી.
" ગાડી તમારા ગેરેજમાં જ પાછી લઈ જાઓ. ઓરીજનલ નંબર પ્લેટ લગાવી દેજો અને સીટો પણ પાછી ફીટ કરી દેજો. હવે અમારે વાનનું કોઈ કામ નથી. ગાડીનું શું કરવાનું છે એની સૂચના મુનીર તમને આપશે." અભિમન્યુ બોલ્યો એટલે આસિફ ગાડી લઈને વિરાર તરફ રવાના થઈ ગયો.
આસિફ ગયો એટલે અભિમન્યુએ તરત જ મુનીરને ફોન કરી દીધો.
" મુનીર આપણું કામ સરસ રીતે પતી ગયું છે. આસિફ વિરાર જવા માટે રવાના થઈ ગયો છે. આસિફને કહી દેજે કે ગાડી કલર કરાવીને નવા જેવી બનાવી દે અને એ પોતે જ વાપરે. આપણા તરફથી એ ગાડી એને ભેટ છે. જેટલો પણ ખર્ચો થાય એ બધો હું આપી દઈશ. " અભિમન્યુ બોલ્યો.
" તારું દિલ ખરેખર બહુ જ ઉદાર છે અભિમન્યુ. તારી સાથે કામ કરવાની પણ એક મજા છે ! હવે આગળનો શું પ્રોગ્રામ છે ? " મુનીર બોલ્યો.
" લંચ લેવાનું બાકી છે એટલે હું અને સરદારજી એવરશાઈન નગરમાં મીની પંજાબ રેસ્ટોરન્ટમાં લંચ લેવા માટે જઈ રહ્યા છીએ. તારે જમવાનું બાકી હોય તો યુ કેન ઓલ્સો જોઈન. " અભિમન્યુ બોલ્યો.
" હા મારે જમવાનું બાકી જ છે. હું અહીં દોઢ વાગ્યા પછી ડબ્બો ખોલતો હોઉં છું. ચાલો હું પણ આવું છું. હું વીસેક મિનિટમાં પહોંચી જઈશ. મારે બીજી પણ એક વાત તને કરવાની છે. " મુનીર બોલ્યો.
" હા બોલ ને. " અભિમન્યુ બોલ્યો.
" આજે સવારે ગોવિંદ બોરકરનો ફોન આવ્યો હતો. મને સર સર કહીને વાત કરતો હતો. એની પાસે પાંચ કરોડ આવી ગયા છે. તમામ પૈસા એક બોક્સમાં ગોઠવેલા છે. એ ક્યાં પહોંચાડવાના છે એ પૂછતો હતો. અને પોતાને નિર્દોષ છોડી દેવાની વિનંતી પણ કરતો હતો. " મુનીર બોલ્યો.
" તું એક કામ કર. કાલે સવારે તારી પોલીસની ગાડીમાં આપણે બંને એ જ્યાં રહે છે એ સોસાયટીના ગેટ પાસે જઈશું. એને ત્યાં જ બોલાવી લઈશું અને બોક્સ તારી ગાડીમાં મુકાવી દઈશું." અભિમન્યુ બોલ્યો.
" ઠીક છે. હવે આપણે આ બાબતની ચર્ચા હોટલમાં નહીં કરીએ." મુનીર બોલ્યો અને ફોન કટ કર્યો.
ધવલને પણ સાથે લેવાની ઈચ્છા હતી પરંતુ એની હાજરીમાં આ બધી વાતો નહીં થઈ શકે એટલે એ વિચાર માંડી વાળ્યો.
છેવટે અભિમન્યુ, મહેશ અને મુનીર વોરા પોણા બે વાગે મીની પંજાબ રેસ્ટોરન્ટમાં ભેગા થઈ ગયા. મુનીર પોતાના સબ ઇન્સ્પેક્ટરના ડ્રેસમાં જ આવ્યો હતો.
" મુનીર આ દલજીતસિંઘને તું ઓળખે છે ?" ટેબલ ઉપર બેઠા પછી અભિમન્યુએ મુનીરને પૂછ્યું.
" ના મને સાચે જ ઓળખાણ નથી પડતી. મને એટલું યાદ છે કે એમના માટે લેન્ડમાર્ક હોટલમાં ઉતરવાની વ્યવસ્થા કરી આપી હતી. " મુનીર બોલ્યો.
" અલ્યા ગાંડા આ તો આપણો પેલો મહેશ છે ! આપણી કોલેજમાં નાટકોમાં ભાગ લેતો હતો અને પેલી કાજલ સાથે જેનું ચક્કર ચાલતું હતું !" અભિમન્યુ બોલ્યો.
" અરે ભાઈ તું અત્યારે કાજલને ક્યાં યાદ કરે છે ! એ તો બધો ભૂતકાળ થઈ ગયો. " સરદારજી બોલ્યા.
" વ્હોટ !! આપણી કોલેજનો મહેશ ભાટિયા !!!" મુનીર ખરેખર ચક્કર ખાઈ ગયો.
" હા એ જ મહેશ. અને મહેશ તું આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ઓળખે છે ? " હવે અભિમન્યુએ મહેશને પૂછ્યું.
" તેં મુનીર નામ કહ્યું એટલે નામ તો સાંભળેલું હોય એવું લાગે છે પણ હજુ ઓળખાણ પડતી નથી. " મહેશે કબુલ કર્યું.
" અરે મારા ક્લાસમાં ભણતો હતો એ મુનીર વોરા. પેલી સંજનાને હેરાન કરનાર આશિષને જાહેરમાં માર્યો હતો એ મુનીર. આખી કોલેજમાં આના નામની ચર્ચા ચાલી હતી. હવે યાદ આવે છે ? " અભિમન્યુ બોલ્યો.
" બિલકુલ ઓળખી ગયો. અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરના ડ્રેસમાં છે એટલે મને ટ્યુબલાઈટ ના થઈ. મુનીર વોરા તો એ વખતે આખી કોલેજમાં ફેમસ થઈ ગયો હતો. " મહેશ બોલ્યો.
" મુનીર અત્યારે કાંદીવલી પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર છે અને સીબીઆઈ ઓફિસર તરીકે લેન્ડમાર્ક હોટલમાં તારા રૂમનું બુકિંગ એણે જ કરાવી આપ્યું હતું. તું જે મારુતિ વાનમાં ગયો હતો એ જૂની મારુતિ વાન પણ એણે જ બે દિવસ પહેલાં ખરીદી હતી. મારો જીગરજાન દોસ્ત છે અને એણે મને બહુ જ મદદ કરી છે. એ ના હોત તો મારું મિશન ક્યારેય પણ પૂરું ના થાત ! " અભિમન્યુ ગર્વથી બોલ્યો.
" ગર્વ તો તારા મિત્ર હોવાનું અમને બધાને છે. તારા જેવો દિલદાર મિત્ર મેં આજ સુધી જોયો નથી. " મુનીર બોલ્યો.
" તમારી વાતને હું પણ ટેકો આપું છું મુનીર ભાઈ. અભિમન્યુ દિલદાર તો છે જ. " મહેશે મુનીરને ભાઈ કહીને બોલાવ્યો કારણકે હવે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો અને એ એનો કોઈ ખાસ ફ્રેન્ડ ન હતો.
" મુનીર આ મહેશ અત્યારે નાટકોમાં જ કામ કરે છે અને એનાં ઘણાં ગુજરાતી નાટકો ભજવાઇ ચૂક્યાં છે. એટલા માટે જ મેં એને આપણા કામમાં પસંદગી કરી અને તું જોઈ શકે છે કે સરદારજીનો રોલ એણે અદભુત રીતે ભજવ્યો છે. કાનાણી આગળ અસલ પંજાબી લહેકામાં એણે વાત કરી છે. " અભિમન્યુ બોલ્યો.
" અરે સર જી ઇતના ભી મુઝે સર પે મત ચઢાઓ. મૈંને જો ભી કિયા બસ આપકા હી ડાયરેક્શન થા. તુસ્સી હી ગ્રેટ હો સરજી. " સરદારજી અસ્સલ પંજાબી લહેકાથી બોલ્યા અને બંને મિત્રો હસી પડ્યા.
મુનીરને પણ લાગ્યું કે મહેશ ખરેખર અદભુત અભિનય કરી શકતો હતો. એને તો કલ્પના જ ન હતી કે જે સરદારજીની વાત અભિમન્યુ કરી રહ્યો હતો એ આ મહેશ જ હતો !
એ પછી ત્રણેય મિત્રોએ પોતપોતાની પસંદગી પ્રમાણે ઓર્ડર આપ્યો અને વાતો કરતાં કરતાં જમી લીધું.
" કાનાણી શેઠ હીરા લઈને બીકેસી પહોંચી ગયા હશે. અત્યાર સુધીમાં તો એમને સાચી વાતની ખબર પડી ગઈ હશે ! " જમી લીધા પછી મહેશ બોલ્યો.
" ના. શેઠને તારી વાત ઉપર એટલો બધો વિશ્વાસ આવી ગયો છે કે હવે એ આજને આજ બીકેસી નહીં જાય. કાનાણીને હું બરાબર ઓળખું છું. મહિનાનો ટાઈમ મળ્યો છે એટલે એ ખોટી ઉતાવળ નહીં કરે. હીરાને આજે એ ઘરે લઈ જશે. તરલા આન્ટીને પણ બતાવશે. આવતી કાલે જ એ બીકેસી જશે." અભિમન્યુ બોલ્યો.
અને ખરેખર અભિમન્યુની વાત સાચી હતી. હીરા હાથમાં આવી ગયા પછી કાનાણી શેઠ એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા.
સરદારજી ગયા પછી એમણે સુધીર મ્હાત્રેને ફોન કર્યો.
" કાનાણી બોલું ભાઉ. રાત્રે સાથે ડીનર લેવાની ઈચ્છા છે. અનુકૂળતા હોય તો સુંદરનગર મહાનગર પેટ્રોલ પંપ પાસે, વેરહાઉસ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં જઈએ." કાનાણી બોલ્યા.
" ભલે આવી જઈશ. રાત્રે બીજી કોઈ વ્યવસ્થા કરી છે ?" મ્હાત્રે બોલ્યો.
" એ પણ થઈ જશે ભાઉ . પરંતુ આજે તો માત્ર ડીનર. રાત્રે સાડા આઠ વાગે ત્યાં તમારી રાહ જોઈશ." કાનાણી મરાઠીમાં બોલ્યા અને ફોન કટ કર્યો.
રાત્રે સાડા આઠ વાગે સુધીર મ્હાત્રે વેરહાઉસ પહોંચી ગયો. કાનાણી અંદર બેસીને એમની રાહ જ જોતા હતા.
" આજે કેમ અચાનક ડીનરનો પ્રોગ્રામ બનાવ્યો શેઠ ? " મ્હાત્રે બોલ્યો.
" બસ એમ જ ઈચ્છા થઈ ગઈ. મારો સોદો પાર પડી ગયો. તમને પણ આઠ દસ દિવસમાં વ્યાજ સાથે તમામ રકમ પાછી મળી જશે. બસ એની ખુશીમાં જ તમને બોલાવ્યા." કાનાણી બોલ્યા.
" હા પણ સોનિયા વગર ડીનર પાર્ટીમાં એટલી મજા ના આવે. એની બાજુમાં બેસીને પીવાની અને જમવાની મજા જ કંઈ ઑર છે ! આજે એની ગોઠવણ કરી હોત તો વધારે સારું હતું. " મ્હાત્રે બોલ્યો.
" અરે એ પણ વ્યવસ્થા થઈ જશે. ફરીવાર એના માટે સ્પેશિયલ પાર્ટી ગોઠવીશું. " કાનાણી બોલ્યા અને વેઇટરને બોલાવી ડ્રીન્કસનો ઓર્ડર આપ્યો.
રાત્રે દસ વાગ્યા સુધી બંને મિત્રોની ડીનર પાર્ટી ચાલી. બહાર ગાડીમાં બેસીને રાહ જોતો તુકારામ સાવંત બેઠો બેઠો કંટાળતો હતો.
તુકારામે આજે મારુતિ વાન પણ જોઈ હતી અને એમાં ૧૧ બોક્સ રવાના થઈ ગયા એ પણ એ જાણતો હતો. એ આજે ખૂબ જ ખુશ હતો. અભિમન્યુ સરે ખૂબ જ સફળતાથી પોતાનું કામ પાર પાડ્યું હતું. બંને બાઈકમાં પંકચર કરી દીધાં હતાં પણ કોઈ પાછળ ગયું ન હતું !
દસ વાગે શેઠ બહાર આવ્યા એટલે સાવંત એમને લઈને મઢ આઇલેન્ડ એમના બંગલે મૂકવા ગયો. બંગલો આવી ગયો એટલે પોતાની બ્રીફકેસ લઈને શેઠ નીચે ઉતર્યા. હીરાનું પાઉચ એમણે આ બ્રીફકેસમાં જ રાખ્યું હતું !
રાત્રે તો મોડું થઈ ગયું હતું અને કાનાણી શેઠ થોડા નશામાં પણ હતા એટલે ઘરે જઈને તરત જ સૂઈ ગયા પરંતુ સવારે ચા પીતી વખતે એમણે તરલાબેન સામે ડાયમંડ ભરેલું પાઉચ મૂક્યું.
" જો તરલા. આમાં અસલી હીરા ભરેલા છે. આજે જ સોદો કર્યો. એક એક હીરો આઠ થી નવ કરોડનો છે. આ હીરા ખરીદનાર પાર્ટી પણ તૈયાર છે. મેં જેટલામાં ખરીદ્યા એના કરતાં અનેકગણા ભાવ મને મળે છે. મને તો લોટરી જ લાગી ગઈ છે. " કાનાણી શેઠ બોલ્યા.
તરલાબેને ત્રણ ચાર ડાયમંડ હાથમાં લઈને જોયા. બધા ડાયમંડ ઝગારા મારતા હતા. આટલા મોટા ડાયમંડ એમણે પહેલીવાર જોયા હતા.
" મને તો આમાં કંઈ જ સમજ નથી પડતી પ્રતાપ. બધા જ એક સરખા લાગે છે. અસલી અને નકલીમાં શું ફેર હોય એ જ મને તો સમજ નથી." તરલાબેન બોલ્યાં.
" બધા એક જ સરખા છે અને લગભગ સરખા વજનના જ છે. અને નકલી ડાયમંડ આવા ના હોય. એ તો તરત જ ઓળખાઈ જાય. તું આની ચમક તો જો ! " કાનાણી બોલ્યા અને એમણે બધા ડાયમંડ પાછા પાઉચમાં મૂકી દીધા.
આજે શશીકાંત ઝવેરીને ડાયમંડ બતાવવાના હતા અને ૧૫ ડાયમંડની ટોટલ કિંમત પણ કઢાવવાની હતી એટલે ડાયમંડનું એ પાઉચ એમણે પોતાની બ્રિફકેસમાં જ પાછું મૂકી દીધું.
ઓફિસે પહોંચીને કાનાણીએ સાડા અગિયાર વાગે બીકેસીમાં શશીકાંત ઝવેરીને ફોન કર્યો. એ ત્યાં ઓફિસમાં હાજર હોય તો પોતે ડાયમંડ લઈને નીકળે. પરંતુ શશીકાંતનો ફોન સ્વીચ ઓફ આવ્યો. ફરી એમણે બપોરે અઢી વાગે કર્યો. ત્યારે પણ ફોન સ્વીચ ઓફ આવ્યો.
હવે કાનાણી ટેન્શનમાં આવી ગયા. સામાન્ય રીતે આટલા મોટા ડાયમંડ ડીલર પોતાનો ફોન બંધ ના રાખે. કદાચ ફોન જ બગડ્યો હશે એમ માનીને એ જાતે જ બીકેસી જવા નીકળ્યા.
બીકેસી પહોંચીને સી વિંગ પાસે ગાડી ઉભી રખાવી અને પોતે લિફ્ટમાં પાંચમા માળે પહોંચી ગયા. ઓફિસ ખુલ્લી જ હતી. એમને હાશકારો થયો.
એ દરવાજો ખોલીને અંદર ગયા તો શશીકાંત ન હતા પરંતુ બાજુની કેબિનમાં એમનો એક માણસ બેઠેલો હતો.
" અરે શશીકાંતભાઈ નથી ? મેં બે ત્રણ વાર ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવે છે." કાનાણી બોલ્યા.
" ગઈ કાલે એમનાં સાસુ ગુજરી ગયાં છે એટલે ૧૨ ૧૩ દિવસ માટે દેશમાં ભાવનગર ગયા છે. " સ્ટાફનો માણસ બોલ્યો.
પ્રતાપ કાનાણીને ૧૦૦ મણનો નિઃસાસો પડ્યો. હીરા વેચવાની બધી જ વાત શશીકાંત સાથે જ થઈ હતી. બીજા કોઈ ઝવેરીને તો એ ઓળખતા જ ન હતા. ૧૫ દિવસનો સમય બહુ લાંબો ગાળો છે કારણ કે પોતાની પાસે માત્ર ૩૦ દિવસ છે. હવે જો પંદર દિવસ પછી શશીકાંત આવે અને હીરા વેચવાની કોશિશ કરે તો પણ આટલા બધા હીરા કંઈ બે ચાર દિવસમાં થોડા વેચાઈ જાય ! આટલી મોટી રકમની વ્યવસ્થા કરવા માટે ખરીદનાર પણ સમય તો માગે જ ને ! કાનાણી ખરેખર ભયંકર ટેન્શનમાં આવી ગયા.
નિરાશ વદને કાનાણી શશીકાંતની ઓફિસમાંથી બહાર નીકળ્યા અને નીચે જઈને ગાડી ઓફિસ લઈ લેવાની સૂચના આપી.
હવે શું કરવું ! ગાડીમાં પણ કાનાણીનું મનોમંથન ચાલુ જ હતું. એ ભયંકર ટેન્શનમાં આવી ગયા હતા. આવતી વખતે જેટલો ઉત્સાહ હતો એટલી જ નિરાશા ઓફિસ જતી વખતે હતી. એમણે સુધીર મ્હાત્રેને ફોન લગાવ્યો.
" અરે ભાઉ એક રિક્વેસ્ટ હતી. તમે મને એક મહિનાનો સમય આપ્યો છે પરંતુ પાર્ટી ૧૫ દિવસ માટે બહારગામ ગઈ છે તો મને થોડોક વધારે સમય જોઈએ છે. વધારાનું વ્યાજ પણ મળી જશે. સોદો તો પાર પડી ગયો છે પરંતુ રકમ બહુ મોટી છે એટલે ભેગી કરવામાં થોડો સમય લાગે એમ છે. પ્લીઝ." કાનાણી મરાઠીમાં બોલ્યા.
" કાનાણી સંબંધો એની જગ્યાએ છે. નાણાકીય બાબતોમાં હું કોઈ જ સમાધાન કરતો નથી. મારો સ્વભાવ બહુ કડક છે. તમે તો પંદર દિવસ માગ્યા હતા. મેં જ એક મહિનો આપ્યો હતો. હવે એક મહિનો એટલે એક મહિનો. જે તારીખ સમજૂતી કરારમાં લખેલી છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. છતાં છેલ્લી વાર હું સાત દિવસનો બીજો ટાઈમ આપવા તૈયાર છું. શરત એક જ છે કે સોનિયાને મારી પાસે મોકલવી પડશે. સોનિયાને હું ગોવા લઈ જઈશ. એ જો મંજૂર હોય તો સાત દિવસ મંજૂર ! " મ્હાત્રે બોલ્યો અને ફોન કટ કર્યો.
હવે કાનાણી ખરેખર ટેન્શનમાં આવી ગયા. સોનિયા એટલે કે સંધ્યા કદમને હવે ક્યાંથી લાવવી ? એને મોં માગ્યા રૂપિયા આપીને કદાચ મનાવી શકાય પરંતુ સામે નરવણે હતો. સંધ્યા જો નરવણેને વાત કરે તો આ વખતે નરવણે એને છોડે નહીં. શું કરવું એ સમજ પડતી ન હતી.
*************
બીજી બાજુ અભિમન્યુ અને મુનીર વોરા આજે સવારે પોલીસની ગાડીમાં વિરાર ગયા હતા. ગોવિંદ બોરકર પાસે પાંચ કરોડ આવી ગયા હતા અને એણે જ ફોન કરીને મુનીર વોરાને કહ્યું હતું કે મારે તમને આ રકમ ક્યાં પહોંચાડવી.
વિરાર આવી ગયા પછી મુનીરે એના ડી સ્ટાફના પોલીસ ડ્રાઇવરને વિરાર ઈસ્ટમાં આવેલી અજમેરા વિશ્વનગરી તરફ ગાડી લેવાનું કહ્યું. સોસાયટી આવી ગયા પછી પોલીસની ગાડીને એના ગેટ ઉપર જ સાઈડમાં ઊભી રાખી અને મુનીરે ગોવિંદ બોરકરને ફોન કર્યો.
" અમે લોકો તમારી સોસાયટીના ગેટ ઉપર આવી ગયા છીએ. અમે અંદર નથી આવતા. તમારી પાસે જે બોક્સ છે એમાંથી એક કરોડ તમે કાઢી લો. બાકીના ચાર કરોડનું બોક્સ લઈને તમે બહાર આવો." મુનીર ગાડીમાંથી બહાર નીકળીને થોડેક દૂર જઈને મરાઠીમાં બોલ્યો.
" જી સર. મને દસેક મિનિટનો ટાઈમ આપો. " બોરકર બોલ્યો.
" ઠીક છે. જેમ બને એમ જલ્દી આવી જાઓ. " મુનીર બોલ્યો અને ફોન કટ કર્યો.
દસ બાર મિનિટ પછી ગોવિંદ બોરકર એની પોતાની ગાડીમાં બેસીને ગેટની બહાર આવ્યો. પોલીસની ગાડી એણે જોઈ. એની પાછળ જ એણે પોતાની ગાડી ઉભી રાખી.
અભિમન્યુ અને મુનીર એની ગાડી પાસે ગયા. મુનીર પોતાના સ્ટાફની હાજરીમાં કોઈ વાતચીત કરવા માગતો ન હતો.
" સર બોક્સ લઈ આવ્યો છું. તમે કહ્યું હતું એટલે એક કરોડ કાઢી લીધા છે. મેં કાનાણી શેઠ પાસે દસ કરોડની માગણી કરી છે. આઠ કરોડ સુધી આપવા તૈયાર થયા છે." બોરકર મરાઠીમાં બોલ્યો.
" કંઈ વાંધો નહીં. આપણે બાકીના ત્રણ કરોડ જોઈતા નથી. અને તમે જે એક કરોડ કાઢી લીધા છે એ તમારા માટે જ છે. તમે જ રાખી લેજો. ચાર કરોડથી અમને સંતોષ છે. અમે આ કેસ ક્લોઝ કરી દઈએ છીએ. બાવીસ વર્ષ જૂનો કેસ છે એટલે હવે કોઈને હેરાન કરવા નથી. તમે હવે કોઈ ટેન્શન ના લેશો. બીજા એની પાસે માગતા પણ નહીં. આ બોક્સ તમે અમારી ગાડીમાં મૂકી દો. " મુનીરે જ આ બધી વાત કરી.
મુનીરની વાત સાંભળીને ગોવિંદ બોરકર એકદમ ખુશ થઈ ગયો. એને કલ્પના પણ ન હતી કે એને પોતાને પણ એક કરોડ આમાંથી મળશે. એક કરોડ પણ એના માટે ઘણી મોટી રકમ હતી !
" થૅન્ક યુ થૅન્ક યુ સા'બ. ખૂપ ખૂપ ધન્યવાદ. તમારા માટે ચા કે ઠંડું કંઈ લઈ આવું ?" ગોવિંદ બોરકર બોલ્યો.
" નહીં નહીં. અમે લોકો જઈ રહ્યા છીએ. તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ બોક્સ અમારી ગાડીમાં મૂકી દો. " મુનીર બોલ્યો.
ગોવિંદ બોરકરે પોતાની ગાડીમાંથી વજનદાર બોક્સ કાઢીને પોલીસની બોલેરો ગાડીમાં મૂકી દીધું.
બોક્સ મુકાઈ ગયું એટલે મુનીરે ગાડી ફરી મલાડ કોશા કોમ્પ્લેક્સમાં લઈ લેવાની પોતાના ડ્રાઇવરને સૂચના આપી.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
