વલ્લકી નવલકથા (Vallaki Novel Part-26)

Related

વલ્લકી પ્રકરણ 26

છેવટે શનિવારનો દિવસ આવી ગયો. રોજ આઠ નવ વાગે ઉઠનારા કાનાણી આજે સાત વાગે ઉઠી ગયા. ૬૩ વર્ષની ઉંમરે પણ એમની તંદુરસ્તી સારી હતી. ઘણા સમય પછી આજે એ દૂર સુધી વૉક કરી આવ્યા.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

" તરલા... ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે આ વખતે શિમલા કુલ્લુ મનાલી જઈ આવીએ. ત્યાંથી કાશ્મીર જવાની તારી ઈચ્છા હોય તો ત્યાં પણ બે દિવસ રોકાશું. ધંધામાં બિલકુલ સમય મળતો નથી તો આ વખતે ધંધાને બાજુમાં મૂકીને અઠવાડિયું ફરવા જવાની ઈચ્છા છે." આઠ વાગે ચા નાસ્તો કરતી વખતે કાનાણી બોલ્યા.

" આજે સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે ? ૪૦ વર્ષ પછી તમે આ વખતે મને સાથે લઈને વેકેશન માણવાની વાત કરો છો ! લગન પછી હનીમૂન માટે આપણે કાશ્મીર ગયાં હતાં એ પછી આજ સુધી તમે મને મુંબઈની બહાર ક્યાંય પણ લઈ ગયા નથી. " તરલાબેન બોલ્યાં.

" હા એટલે જ આ વખતે બધું સાટું વાળી દેવું છે. બહુ કમાઈ લીધું હવે થોડો આરામ કરવાની ઈચ્છા છે. અને આજે સાંજે જમવામાં મારી રાહ ના જોતી. સાંજે હોટલમાં સુધીર મ્હાત્રે સાથે ડીનર પાર્ટી રાખી છે એટલે ઘરે પણ મોડો આવીશ. " કાનાણી બોલ્યા.

" આજે કઈ ખુશીમાં ડીનર પાર્ટી રાખી છે ? મ્હાત્રે તમને જમાડે છે કે તમે મ્હાત્રેને ?" તરલાબેન બોલ્યાં.

" અરે આજનો દિવસ તો મારા જીવનનો સૌથી મોટો દિવસ છે. કાલે તને પણ લંચ ઉપર લઈ જઈશ. તને ખબર છે હું બાબાજીનાં દર્શને ગયો હતો ? એમણે પણ મને આશીર્વાદ આપેલા છે ! જેની હું રાહ જોતો હતો એ દિવસ આજે આવી ગયો. મહેનત કરીને તો ઘણું કમાયો છું પરંતુ આજે તો લોટરી લાગી છે ! આજે મારું કિસ્મત જ બદલાઈ જવાનું છે !" કાનાણી શેઠ બોલ્યા.

" સારું સારું. આટલા બધા હરખમાં આવી જવાની જરૂર નથી. ભગવાને તમને ઘણું આપ્યું છે. બહુ લોભ કરવો સારો નહીં. વધુ કમાઈને છેવટે તો ભોંયરા ભેગા જ કરવાના ને !" તરલાબેન બોલ્યાં.

" તું નહીં સમજે તરલા. જીવનમાં તક મળે ત્યારે માણસે ઝડપી લેવી જોઈએ. " કાનાણી બોલ્યા.

આ બાજુ અભિમન્યુ પણ આજે વહેલી સવારે ચાર વાગે ઉઠી ગયો હતો. આ સમય એવો છે કે સૂર્યના અદ્રશ્ય પ્રોટોન પૃથ્વી ઉપર વરસતા હોય છે અને સીધા મસ્તિષ્ક ઉપર અસર કરતા હોય છે. આ સમયે આપણી અંદરનું રીસીવર ખૂબ જ પાવરફુલ હોય છે અને આપણું ક્રાઉન ચક્ર વધારે એક્ટિવ હોય છે. જે જાગે છે તે પામે છે. યુનિવર્સ સાથે સંબંધ થતો હોય છે અને માગો તે મળે છે.

આજે ખૂબ જ ભાવથી અભિમન્યુએ દાદાજીને યાદ કર્યા. ધ્યાનમાં પ્રગટ થવાનું વારંવાર માનસિક આમંત્રણ આપ્યું. ધ્યાનમાં ખૂબ જ ઊંડો ઉતરી ગયો. છેવટે દાદાજીની વાણી એને અંદરથી સંભળાઈ.

" કેમ આજે તું મને આટલો બધો યાદ કરે છે ? " દાદાજી બોલ્યા.

" તમે તો જાણો જ છો દાદાજી. આજે બહુ મોટું કાર્ય કરવા હું જઈ રહ્યો છું. કાનાણી અંકલે મારા નિર્દોષ પપ્પાનું મર્ડર કરી નાખ્યું. વલ્લકી ઉપર બળાત્કાર કર્યો. આજે એનો બદલો લેવાનો સમય આવી ગયો છે. મારે એના જેવું થવું નથી કે એને મારવો પણ નથી. બસ એને બરબાદ કરી દેવાની મનમાં એક ધૂન છે. મારું આ કાર્ય પાર પડે એના માટે તમારા આશીર્વાદની જરૂર છે. " અભિમન્યુ બોલ્યો.

" બેટા સન્યાસી કદી કોઈને બરબાદ કરવાના આશીર્વાદ આપતા નથી. એને બરબાદ કરનાર એનાં પોતાનાં કર્મો જ છે. એનો સમય પાકી ગયો છે. તું તો નિમિત્ત બને છે. અને તને મેં તારા કાર્યોની સફળતા માટે રુદ્રાક્ષ આપેલો જ છે. તારી ઈચ્છાઓ પૂરી કરવા માટે તું એની મદદ લઈ શકે છે. રુદ્રાક્ષ આપતી વખતે મેં તને શું કહ્યું હતું એ ફરી યાદ કરી લે." દાદાજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

અભિમન્યુ ધ્યાનમાંથી બહાર આવ્યો અને એણે રુદ્રાક્ષની બધી શક્તિઓ ફરી યાદ કરી. રુદ્રાક્ષની મદદથી એ જો ઈચ્છે તો કોઈના મનના વિચારો પણ જાણી શકતો હતો. કોઈનો ભૂતકાળ પણ જાણી શકતો હતો. રુદ્રાક્ષ હાથમાં રાખીને સૂર્યના કિરણોમાંથી ભાવતું ભોજન પણ મેળવી શકતો હતો. ધારે એટલું ધન પણ મેળવી શકતો હતો પરંતુ આ ધન કોઈની મદદ કરવા માટે કે સારાં કાર્યો કરવા માટે જ મળવાનું હતું ! એ સિવાય જે ઈચ્છા પ્રગટ કરો એ ઈચ્છા સિદ્ધ રુદ્રાક્ષ પૂરી કરતો હતો.

અભિમન્યુ મમ્મીના જે રૂમમાં પૂજા થતી હતી ત્યાં ગયો અને પૂજાના કબાટના ડ્રોવરમાંથી રુદ્રાક્ષ બહાર કાઢ્યો અને જમણા હાથમાં લીધો. એ પછી એણે દાદાજીનું સ્મરણ કર્યું.

" આજે પ્રતાપ કાનાણી નામનો મારો શત્રુ સરદારજીના વેશમાં જતા મારા મિત્ર મહેશને ૭૫ કરોડનાં ૧૧ બોક્સ આપવાનો છે. એ કાર્ય સરસ રીતે પાર પડી જાય અને સરદારજી કાનાણીને જે પણ હીરા આપે તે બધા અસલી સાચા હીરા જ છે એવું કાનાણી માની લે અને મહેશ ત્યાંથી મારુતિ વાન લઈને નીકળી જાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ એનો પીછો ના કરે અને કાનાણી પણ કોઈ શંકા ના કરે એવી મારી ઈચ્છા છે અને એ જ પ્રમાણે થાઓ. " મહેશ રુદ્રાક્ષની સામે ત્રાટક કરીને બોલ્યો.

"તારી ઈચ્છા પ્રમાણે જ થશે. કાનાણી કોઈ શંકા નહીં કરે અને સાચા હીરા માનીને લઈ લેશે. " અભિમન્યુના કાનમાં ધીમેથી અવાજ આવ્યો. અભિમન્યુ સમજી ગયો કે હવે ઈશ્વર કૃપાથી કોઈ જ ટેન્શન નથી.

****************

આગળના દિવસે એટલે કે શુક્રવારે સાંજે ચાર વાગે મહેશ ઓફિસે આવીને ૧૫ ડાયમંડ લઈ ગયો હતો. જેમાં એક ડાયમંડ અસલી હતો જે નવ કરોડનો હતો અને બાકીના ૧૪ સિન્થેટિક ડાયમંડ હતા. આ બધા જ ડાયમંડ મરૂન કલરના વેલ્વેટના પાઉચમાં મૂકેલા હતા.

મહેશ નીકળી ગયો પછી પાંચેક વાગે મુનીર વોરા પણ મારુતિ વાન લઈને કોશા કોમ્પ્લેક્સ આવી ગયો હતો. અભિમન્યુ મુનીરની સાથે નીચે જઈને તૈયાર થયેલી વાન જોઈ આવ્યો હતો. અંદરથી તમામ સીટો દૂર કરેલી હતી. નંબર પ્લેટ પણ બદલી નાખી હતી.

" આ ગાડી ભલે અહીં પડી. હું કાલે સવારે ૧૦ વાગ્યા સુધીમાં આસિફને લઈને અહીં આવી જઈશ. આસિફ ડ્રાઇવિંગ સંભાળી લેશે. હું મારી ઓફિસ જવા નીકળી જઈશ." મુનીર બોલ્યો.

" હા. અને મહેશ પણ સવારે દસ વાગ્યા સુધીમાં ફરી સરદારજી બનીને અહીં આવી જશે. હું પણ કાલે સવારે ઓફિસે વહેલો આવી જઈશ. ચાર દિવસ પહેલાં જ આ કોમ્પ્લેક્સમાં નીચે એક ખાલી દુકાન ગોડાઉન તરીકે ભાડે રાખી લીધી છે. બધો માલ પણ એમાં જ ગોઠવી દેવાનો છે. મારી ઓફિસમાં આટલું મોટું જોખમ રાખી શકાય એમ નથી." અભિમન્યુ બોલ્યો.
 
************

" મમ્મી આજે મારું ટિફિન ના બનાવતી. આજે ઓફિસમાં મીટીંગ છે અને ત્યાંથી અમે બારોબાર હોટલમાં જમવા જવાના છીએ." સવારે સાત વાગે ચા પીતી વખતે અભિમન્યુ બોલ્યો.

"ઘણા દિવસ પછી આજે તેં ટિફિન લઈ જવાની ના પાડી. હવે તેં લગ્નનું શું વિચાર્યું ? દોઢ મહિના પછી વૈશાખ મહિનો ચાલુ થઈ જશે. તું હા પાડે તો બધી તૈયારીઓ ચાલુ કરી દઉં. વલ્લકી આ ઘરમાં આવે તો મને પણ કંપની રહે ને ! " કુસુમબેન બોલ્યાં.

" બસ એનો નિર્ણય પણ હું તને થોડા દિવસમાં જ જણાવી દઉં છું. " અભિમન્યુ બોલ્યો.

આજનો દિવસ એના માટે ખૂબ જ અગત્યનો દિવસ હતો. એ રોજ કરતાં વહેલો જ ઓફિસે પહોંચી ગયો. હજુ ધવલ પણ આવ્યો ન હતો. ઓફિસ પણ એણે જાતે જ ખોલી. ૧૫ મિનિટ પછી ધવલ આવી ગયો અને એની પાછળને પાછળ ઓફિસોમાં કચરા વાળીને પોતું કરતી મરાઠી બાઈ પણ આવી ગઈ.

" કેમ સર આજે મારા કરતાં પણ પહેલા આવી ગયા ? " ધવલ બોલ્યો.

" આજે એક બે અગત્યનાં કામ પાર પાડવાનાં છે. થોડીવારમાં મારા સરદારજી મિત્ર પણ આવી જશે." અભિમન્યુ હસીને બોલ્યો. ધવલે એ પછી કોઈ દલીલ કરી નહીં. એ ખૂબ જ આજ્ઞાંકિત યુવાન હતો.

બરાબર દસના ટકોરે સરદારજીના વેશમાં મહેશ પણ આવી ગયો. ધવલ પણ એને ઓળખી શક્યો નહીં. એ સીધો ચેમ્બરમાં જ ગયો.

" સવારથી નીકળી ગયો છું. ગઈકાલે સાંજે ફરી પાછો આ પઠાણી કુર્તો પાયજામો અને પાઘડી ભાડેથી લઈ આવ્યો. આજે સવારે એ પહેરીને સીધો મારા મેકઅપ મેન પાસે ગયો અને દાઢી મૂછ વગેરે લગાવી દીધાં. " મહેશ ખુરશીમાં બેઠક લેતાં બોલ્યો.

" બહુ સાચું કહું છું. તે દિવસની જેમ તું આજે પણ અસલ શીખ સરદારજી લાગે છે ! તારા મેકઅપ મેને બહુ કાળજીથી તને સરદારજી બનાવી દીધો છે. તારા ચહેરામાં મહેશ ખરેખર ખોવાઈ ગયો છે ! " અભિમન્યુએ પ્રશંસા કરી.

" તેં મને આ ડ્રામા કરવાના પેટ ભરીને પૈસા આપ્યા છે પછી મારે પણ મારો રોલ તો સારી રીતે ભજવવો જ પડે ને ! " મહેશ બોલ્યો.

" મારુતિ વાન ગઈકાલે સાંજે જ આવી ગઈ છે. થોડીવારમાં આસિફ પણ આવી જશે. એ ગાડીનું ડ્રાઇવિંગ સંભાળી લેશે. તારે એને કાનાણીની ઓફિસ જ્યાં છે એ કોમ્પ્લેક્સ સુધી ગાઈડ કરવાનો છે. બાકી તો એ આખી કાંદીવલીનો ભોમિયો છે ! એ આવી જાય એટલે હું એને માલ લઈને ક્યાં જવાનું છે એ બધી સૂચના આપી દઈશ. " અભિમન્યુ બોલ્યો.

" હા નીચે મારુતિ વાન મેં જોઈ. આસિફ બધું જાણે છે ? " મહેશ બોલ્યો.

" ના એને કંઈ જ ખબર નથી. અને એને કહેવાની જરૂર પણ નથી. ૧૧ બોક્સમાં કરોડો રૂપિયા ભરેલા છે એ વાતથી એ અજાણ છે. એ બોક્સમાં અગત્યનો માલ છે એટલી જ વાત થયેલી છે. તું આસિફ સાથે પંજાબી ભાષામાં જ વાત કરજે. અને પેલું ડાયમંડનું પાઉચ તારી પાસે જ છે ને ? " અભિમન્યુ બોલ્યો.

" હા મારી સાથે જ છે. મારી આ હેન્ડબેગમાં જ રાખેલું છે. દિલ્હીથી ખાલી હાથે થોડું અવાય ? એટલે હેન્ડબેગ લેતો આવ્યો છું " મહેશ હસીને બોલ્યો.

બરાબર સવા દસ વાગે નીચેથી મુનીર નો ફોન આવી ગયો.

" અભિમન્યુ જીજુ આવી ગયા છે. જરૂરી સૂચનાઓ મેં એમને આપી દીધી છે. ડ્રાઇવિંગમાં ખૂબ જ પારંગત છે. સરદારજી આવી ગયા છે ? " મુનીર બોલ્યો.

" હા સરદારજી આવી ગયા છે. અમે લોકો નીચે જ આવીએ છીએ. તું હવે જઈ શકે છે. કંઈ કામ હશે તો ફોન કરી દઈશ. " અભિમન્યુ બોલ્યો અને એ સાથે જ અભિમન્યુ ઉભો થયો. મહેશ પણ ઉભો થયો.

આસિફ અભિમન્યુને તો ઓળખતો જ હતો. લગ્ન વખતે એણે સારી ગિફ્ટ પણ આપી હતી. પોતાના સાળા મુનીરનો એ ખાસ મિત્ર છે એ પણ આસિફ જાણતો હતો.

અભિમન્યુએ નીચે જઈને આસિફ સાથે હાથ મિલાવ્યા અને એને જરાક બાજુમાં લઈ ગયો.

" આ સરદારજી સાદા ડ્રેસમાં પોલીસ વિભાગના જ છે. એમને લઈને એ બતાવે એ કોમ્પ્લેક્સમાં જવાનું છે. ત્યાં આ ગાડીમાં ૧૧ બોક્સ મૂકવામાં આવશે. એટલા માટે જ સીટો કઢાવી નાખી છે. ટેન્શન કરવાની જરૂર નથી. પોલીસ ડિપાર્ટમેન્ટનું જ આ કામ છે. ગાડીમાં બોક્સ ગોઠવાઈ જાય અને સરદારજી બેસી જાય પછી તમારે ગાડીને અમદાવાદ તરફ જતા વેસ્ટર્ન એક્સપ્રેસ તરફ ભગાવવાની છે અને દહીસર ચેક નાકાથી યુ ટર્ન લઈને ફરી પાછા મારી ઓફિસે લઈ આવવાની છે. નીચે આવીને મને ફોન કરી દેવાનો છે. મારો નંબર તો તમારી પાસે છે ને ?" અભિમન્યુ બોલ્યો.

" હા આપકા નંબર તો હૈ મેરે પાસ." આસિફ એની રોજની આદત મુજબ હિન્દીમાં જ બોલ્યો.

એ પછી અભિમન્યુ મહેશને પણ બાજુમાં લઈ ગયો અને એને પણ સૂચના આપી.

" તારી ઓળખાણ મેં સાદા વેશમાં પોલીસ અધિકારી તરીકે જ આપી છે. તું આસિફ સાથે હિન્દીમાં જ વાત કરજે. બોક્સ મૂકી દીધા પછી આસિફ ગાડીને દહીસર ચેકનાકા સુધી લઈ જશે અને ત્યાંથી યુ ટર્ન લઈને ફરી પાછો અહીં આવી જશે. આપણે બોક્સ ઉતારી લઈશું અને દુકાન ખોલીને એમાં ગોઠવી દઈશું. એ પછી તારી ડ્યુટી ખતમ. ચાલો ઑલ ધ બેસ્ટ ! " બોલીને અભિમન્યુએ વિદાય આપી.

અભિમન્યુ બહુ જ સાવધાનીથી ચાલી રહ્યો હતો. કામ જ એવું કરવાનું હતું કે એમાં કોઈને પણ કંઈ શંકા આવવી જોઈએ નહીં. એણે સરદારજીની ઓળખાણ પોલીસ અધિકારી તરીકે જ આપી હતી જેથી આસિફના મનમાં બીજા કોઈ સવાલો પેદા ના થાય. આસિફનો સાળો મુનીર પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો અને મુનીર પોતે જ એને અહીં લઈ આવ્યો હતો એટલે હવે આસિફ કોઈપણ શંકા નહીં કરે એની એને ખાત્રી હતી.

સરદારજી વાનમાં ગોઠવાઈ ગયા એટલે આસિફે ગાડી સ્ટાર્ટ કરી અને સરદારજીની સૂચના પ્રમાણે કાંદીવલી તરફ એ આગળ વધતો ગયો. છેવટે કાનાણીનું ઓમ પ્લાઝા કોમ્પ્લેક્સ આવી ગયું.

" ગાડી યહાં સાઈડમેં હી ખડી રખ્ખો. મૈ ઉપર જાતા હું. વહાં સે ડિપાર્ટમેન્ટકા કુછ સામાન નીચે આયેગા. વો ગાડીમેં રખવા દેના. " સરદારજી બોલ્યા અને નીચે ઉતરીને લિફ્ટમાં ઉપર ગયા.

આ વખતે રિસેપ્શનિસ્ટની પરવા કર્યા વગર સરદારજી સીધા કાનાણીની ચેમ્બરમાં જ ગયા.

સરદારજી આવ્યા એટલે કાનાણી શેઠ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને એમનું સ્વાગત કર્યું.

" આઈયે આઈયે સિંઘ સા'બ. બસ આપકા હી ઇન્તજાર થા. " કાનાણી બોલ્યા.

" જી. બાત હો ગઈ થી તો મેરે ગેરેજ વાલે દોસ્તને મારુતિ વાન સ્ટેશન પર હી ભેજ દી થી. વાન કી સીટે નીકાલ દી હૈ તાકી આપકે સારે બોક્સ સેટ હો જાયેં. ઇતની બડી રકમ હૈ તો તીન દિન તક યે હવાલા ચલેગા. " સરદારજી બોલ્યા.

" જી મૈં સમઝ સકતા હું." કાનાણી બોલ્યા.

આટલી વાત પૂરી થઈ કે તરત જ સરદારજીએ પોતાની હેન્ડબેગમાંથી મરૂન કલરનું વજનદાર પાઉચ બહાર કાઢ્યું અને શેઠના હાથમાં આપ્યું. આજે પણ પાઉચ હાથમાં પકડતાં કાનણીના શરીરમાંથી હજારો વોલ્ટનો કરંટ પસાર થઈ ગયો.

કાનાણીએ પાઉચ ખોલ્યું. આજે હીરા વધારે હતા એટલે તમામ હીરા છૂટા જ મુકેલા હતા. કાનાણીએ પાઉચમાંથી થોડાક હીરા હાથમાં લીધા. ઝગારા મારતા હીરા જોઈને એ લગભગ ગાંડા જેવા જ થઈ ગયા. એમણે બધા જ હીરા ગણ્યા. ટોટલ ૧૫ હીરા હતા.

" સર જી સારે હીરે ચેક કર લો. કિસીકો દિખાના હો તો ભી દિખા સકતે હો. " સરદારજી બોલ્યા.

" નહીં નહીં સિંઘ સા'બ. ઇતના તો ભરોસા હૈ મુજે. આપકા માલ ભી તૈયાર હૈ. મેરે આદમી આપકી ગાડી મેં રખ દેતે હૈં. પૂરે ૭૫ કરોડ હૈ. કોઈ ભી બોક્સ આપ ચેક કર સકતે હો. કોઈ ડુપ્લીકેટ નોટ નહીં હૈ." કાનાણી શેઠ બોલ્યા.

" અરે યે ક્યા બાત હુઈ સર જી. મુજે કુછ ભી ચેક નહીં કરના. બસ આપ ભી કમા લો. ૧૩૦ આરામ સે મિલ જાયેંગે. ઐસે ડાયમંડ આજકલ મિલતે હી નહીં હૈ. બસ મૈ ભી ખુશ આપ ભી ખુશ. " સરદારજી બોલ્યા.

" સિંઘ સા'બ ચાય પાની આઈસ્ક્રીમ કુછ લેના હૈ ? " કાનાણીએ વિવેક કર્યો.

" નહીં સરજી. ગાડી રાસ્તેમેં ખડી હૈ. બસ આપ સારે બોક્સ ગાડીમેં રખવા દો. " સરદારજી બોલ્યા.

કાનાણીએ સંતોષ અને કમલને અંદર બોલાવ્યા અને તમામ ૧૧ બોક્સ નીચે ઉભેલી મારુતિ વાન પાસે મૂકી દેવાની સૂચના આપી અને પોતે પણ પાઉચને ડ્રોવરમાં મૂકીને ઊભા થયા.

સરદારજીને ખ્યાલ આવી ગયો કે કાનાણીના મનમાં અત્યારે કોઈ ચોરી નથી અને પૈસા એને મળી જ રહ્યા છે એટલે પછી અભિમન્યુએ સૂચના આપી હતી છતાં પણ પાઉચ પાછું લેવાની એણે કોઈ વાત ના કરી.

એક પછી એક તમામ બોક્સ લિફ્ટમાં નીચે ઉતરતાં ગયાં. તમામ બોક્સ નીચે પહોંચી ગયાં પછી કાનાણી પણ સરદારજી સાથે નીચે ઉતર્યા. શેઠે તમામ બોક્સ મારુતિ વાનમાં ગોઠવી દેવાની સૂચના આપી.

સંતોષ અને કમલે ભેગા થઈને તમામ બોક્સ મારુતિ વાનમાં ગોઠવી દીધાં. એ પછી સરદારજીએ કાનાણી સાથે હાથ મિલાવ્યા.

" ચલો સરજી. અબ મૈ નીકલતા હું. મેરા નંબર તો આપ કે પાસ હૈ. મેરે લાયક દિલ્હીકા કોઈ ભી કામ હો તો બેઝીઝક બતા દેના. હમારા રિશ્તા હમેશા બના રહેગા. " સરદારજી બોલ્યા અને વાનમાં ગોઠવાઈ ગયા.

સરદારજી બેસી ગયા એટલે આસિફે ગાડીને સ્ટાર્ટ કરી દીધી અને એસવી રોડ થઈને બને એટલી ઝડપે વેસ્ટર્ન એક્સપ્રેસ તરફ લઈ લીધી.

કાનાણીને સરદારજી ઉપર એટલો બધો વિશ્વાસ આવી ગયો હતો કે મારુતિ વાનનો કોઈ પીછો એમણે ના કરાવ્યો ! હકીકતમાં રુદ્રાક્ષ કામ કરી રહ્યો હતો !!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■