વલ્લકી પ્રકરણ 25
૭૫ કરોડ જેવી બે નંબરની મોટી રકમ કાનાણીની ઓફિસથી કલેક્ટ કરીને ક્યાં લઈ જવી અને કેવી રીતે લઈ જવી એનું સૌથી મોટું ટેન્શન મહેશ ભાટિયાને હતું. પરંતુ અભિમન્યુ તો હંમેશાં બે ડગલાં આગળનું જ વિચારતો.
વલ્લકી નવલકથા
૫૦ કરોડ જેવી રકમ ૭ બોક્સમાં કાનાણીની ઓફિસમાં એક ટેમ્પો દ્વારા લાવવામાં આવી છે એવી ખબર અભિમન્યુને પડી કે તરત જ એ એક્ટિવ થઈ ગયો હતો. હવેનો રોલ ઘણો અગત્યનો હતો. એણે ગણતરી કરી કે ૫૦ કરોડમાં સાત બોક્સ થાય તો ૭૫ કરોડમાં નહીં નહીં તો પણ ૧૧ ૧૨ બોક્સ તો થઈ જ જાય.
એમએલએના પૈસા હતા એટલે એણે પૂરી સિક્યુરિટી સાથે આ રકમ કાનાણીની ઓફિસે પહોંચાડી હોય. પરંતુ ૭૫ કરોડ જેવી રકમ લઈને મહેશે નીકળવું હોય તો પૂરી સિક્યુરિટી રાખવી જ પડે. કોઈપણ જગ્યાએ જો ચેકિંગ ચાલતું હોય તો પકડાઈ જવાની પૂરી શક્યતા હતી. એટલે આ કામમાં પોલીસની મદદ લેવી જ પડે.
અભિમન્યુએ તરત જ પોતાના ખાસ મિત્ર મુનીર વોરાને કાંદીવલી પોલીસ સ્ટેશન ફોન કર્યો.
" મુનીર અડધો કલાકનો સમય કાઢીને તું એક બે કલાકમાં જ મારી ઓફિસે આવી જા." અભિમન્યુ બોલ્યો.
" એટલું બધું અર્જન્ટ કામ પડ્યું છે ? લેન્ડમાર્ક હોટલમાં સરદારજીએ તો કોઈ લોચો નથી માર્યો ને ? " મુનીર બોલ્યો.
" ના ના. એણે તો પોતાનો રોલ સરસ રીતે ભજવી દીધો હતો. એણે તો પાંચ દિવસથી હોટલ ખાલી પણ કરી દીધી છે. હવે આગળના પ્લાન માટે તારી મદદની ખાસ જરૂર પડશે." અભિમન્યુ બોલ્યો.
" ઠીક છે તો પછી હું અડધી કલાક પછી આવું છું." મુનીર બોલ્યો.
બરાબર સાડા ત્રણ વાગે મુનીર વોરા અભિમન્યુની ઓફિસે પહોંચી ગયો.
" બોલ હવે શું કામ પડ્યું મારું ? " મુનીરે વાત શરૂ કરી.
" એક જૂની મારુતિ વાન બે દિવસ માટે જોઈએ છે. જો ભાડે ના મળે તો ખરીદવાની પણ તૈયારી છે. આ કામ અર્જન્ટ કરવાનું છે. જૂની ગાડીઓની લે વેચ કરતા કોઈ શો રૂમમાંથી વાન મળી જશે. આ કામ તું જ કરી શકે. પોલીસ જઈને વાત કરે એટલે કામ જલ્દી થઈ જાય. વાન લીધા પછી તારા જીજાજીને કહીને એની અંદરની તમામ સીટો કાઢી નાખવાની છે અને વાનની નંબર પ્લેટ પણ બદલી નાખવાની છે." અભિમન્યુ બોલ્યો.
" પણ આ બધું શું કામ કરવાનું છે ?" મુનીર બોલ્યો.
" અરે પ્રતાપ કાનાણી ૭૫ કરોડ જેવી રકમ આપણને દાન કરે છે. આટલી મોટી રકમ આપણી પાસે લઈ આવવા માટે ગાડી તો જોઈએ ને ! અને આ તો પાછા બે નંબરના પૈસા ! " અભિમન્યુ હસીને મજાકમાં બોલ્યો.
અભિમન્યુએ મુનીરને નકલી હીરાથી શરૂઆત કરીને કાનાણીની ઓફિસમાં ૭૫ કરોડ આવી ગયા ત્યાં સુધીની બધી વાત વિગતવાર સમજાવી.
" જબરદસ્ત પ્લાન બનાવ્યો છે તેં તો અભિમન્યુ ! તું આટલું બધું વિચારી શકે છે એની જ મને નવાઈ લાગે છે. તારા પપ્પાના મર્ડરનો આટલો સરસ રીતે તું બદલો લઈશ એની તો મને કલ્પના પણ નહોતી. ક્રાઈમ બ્રાન્ચ વાળા પણ આટલો સરસ પ્લાન બનાવી ના શકે. મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે કાનાણી જેવો શાતીર માણસ સરદારજીની વાતોમાં આવીને ૭૫ કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયો !! " મુનીર વોરા બોલ્યો.
" એનો અડધો યશ તો મહેશને જાય છે. ભલે પ્લાન મેં બનાવ્યો પરંતુ એણે બંને રોલમાં જે અભિનય કર્યો એ દાદ માગી લે એવો છે. દત્તાત્રેય બનીને અસલ કોંકણી ભાષામાં વાત કરવી અને શીખ સરદારજી બનીને થોડો અવાજ બદલીને પંજાબી લહેકાથી વાત કરવી એ જ એની કળા છે." અભિમન્યુ બોલ્યો.
"સમજી ગયો. હવે કેવી રીતે આગળ વધવું છે ? " મુનીર બોલ્યો.
" એ તો મેં તને શરૂઆતમાં જ કહી દીધું. કોઈ જૂની ગાડીઓ લે વેચ કરનારા પાસેથી જૂની વાન મળે તો જૂની અને ના મળે તો છેવટે નવી મારુતિ વાન લેવી છે. જૂની મળે તો વધારે સારું. તારા જીજુને બોલાવીને એ વાન સોંપી દે જેથી ગેરેજમાં જઈને બે દિવસ માટે સીટો ખોલીને બહાર કાઢી દે. નંબર પ્લેટ પણ ખાસ બદલી નાખવાની છે. ભૂલેચૂકે પણ તું ગેરેજમાં ના જતો. " અભિમન્યુ બોલ્યો.
"હા. એ ગેરેજ તો ગોવિંદ બોરકરનું છે એટલે મારાથી ત્યાં ન જવાય. અને જીજુ હોંશિયાર છે એટલે એ બે કામ તો થઈ જશે. જૂની વાનની તપાસ આજથી જ ચાલુ કરી દઉં છું. આવડા મોટા મુંબઈમાં ક્યાંકથી તો જૂની મારુતિ વાન મળી જ જશે. " મુનીર બોલ્યો.
એ પછી અભિમન્યુની ચા પીને મુનીર ત્યાંથી નીકળી ગયો.
બીજા દિવસે સવારે દસ વાગે જ મુનીરનો ફોન આવી ગયો.
મુનીરે પોતાના પોલીસ ડિપાર્ટમેન્ટના સંપર્કોનો ઉપયોગ કરી જૂની ગાડીઓની લે વેચ કરતો એક શોરૂમ શોધી કાઢ્યો હતો અને સાંજે મુનીર સાદા વેશમાં ત્યાં પહોંચી ગયો હતો. એણે મારુતિ વાન બે ત્રણ દિવસ માટે ભાડે લેવાની વાત કરી હતી.
મારુતિ વાન જૂની હતી અને બોડી પણ ઘણી ઘસાઈ ગયેલી હતી એટલે જલદી વેચાતી ન હતી. શો રૂમનો માલિક મુનીરને માત્ર ૫૦ હજારમાં ગાડી ખરીદી લેવા સમજાવતો હતો. પરંતુ વાનનો ઉપયોગ માત્ર બે દિવસ માટે જ કરવાનો હતો એટલે મુનીર ભાડે લેવાનું જ વિચારી રહ્યો હતો.
" ઠીક છે. હું ઘરે ચર્ચા કરીને કાલે સવારે આવી જઈશ. " કહીને મુનીર ત્યાંથી નીકળી ગયો અને બીજા દિવસે સવારે અભિમન્યુ સાથે ફોન ઉપર બધી વાત કરી.
" અરે ગાંડા જો પચાસ હજારમાં મળતી હોય તો ખરીદી જ લેવાની. તારા જીજુ તો ગેરેજમાં જ નોકરી કરે છે. આપણું કામ પતી જાય પછી એમને ગિફ્ટ આપી દઈશું. એ તો પોતે મિકેનિક છે. આખી ગાડી નવી બનાવી દેશે અને વાપરશે. ધવલ સાથે પચાસ મોકલી દઉં છું. તારા જીજુને લઈને સાંજે જજે અને રોકડા આપીને ગાડી ખરીદી લેજે." અભિમન્યુ બોલ્યો.
" અરે અભિમન્યુ આટલા બધા પૈસા ખર્ચી નાખવાની કોઈ જરૂર નથી. માત્ર પાંચ કે દસ હજારમાં ગાડી ભાડે મળી જશે." મુનીર બોલ્યો.
" તારા જીજુ પાસે અત્યારે કોઈ ગાડી છે ? " અભિમન્યુએ પૂછ્યું.
"ના ગાડી તો ક્યાંથી હોય ? અત્યારે એ બાઈક વાપરે છે." મુનીર બોલ્યો.
" એટલા માટે તો કહું છું કે ગાડી આપણે એમને ગિફ્ટ આપી દઈશું. એ તો પોતે જ ગાડીઓના મિકેનિક છે. ૨૫ ૫૦ નો ખર્ચો કરશે એટલે સર્વિસ પણ થઈ જશે અને નવો કલર પણ થઈ જશે. પેટીપેક મારુતિ વાન એમની પાસે આવી જશે. અને તારે વાપરવી હોય તો તું વાપરજે." અભિમન્યુ હસીને બોલ્યો.
" તને મારે શું કહેવું અભિમન્યુ ? ઠીક છે. જીજુને જ આપી દઈશું. હું તો ચાર છ મહિના પછી નવી લેવાનું જ વિચારું છું." મુનીર બોલ્યો.
" બસ તો પછી આજે જીજુને સાથે લઈને વાન છોડાવી લે અને એમને કહી દે કે થોડી સર્વિસ કરી દે. ગાડી ભગાવવાની છે. અંદરની બધી સીટો કાઢી નાખે અને કાલ સુધીમાં નંબર પ્લેટ પણ બદલી નાખે." અભિમન્યુ બોલ્યો.
" ઠીક છે. " મુનીર બોલ્યો અને ફોન કટ કર્યો.
છેવટે ગાડીનો સોદો થઈ ગયો. મુનીરે પોતાના નામે જ ગાડી લઈ લીધી અને અભિમન્યુએ ધવલ સાથે મોકલાવેલા પચાસ હજાર ચૂકવી દીધા.
એ પછી મુનીરે પોતાના જીજુને ગાડી સર્વિસ કરીને એકદમ ઓકે કરવાની સૂચના આપી અને બે દિવસ માટે તમામ સીટો કાઢી નાખવાની તથા નંબર પ્લેટ બદલી નાખવાની પણ વાત કરી. આસિફને આશ્ચર્ય તો થયું પરંતુ પોતાનો સાળો પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો એટલે એણે કોઈ સવાલ ના કર્યો.
આસિફ ગાડી લઈને ગયો એટલે મુનીરે તરત જ અભિમન્યુને જાણ કરી દીધી કે પરમ દિવસે સાંજ સુધીમાં ગાડી ડુપ્લીકેટ નંબર પ્લેટ સાથે એકદમ તૈયાર થઈ જશે.
હવે ફરી મહેશનું કામ શરૂ થવાનું હતું એટલે અભિમન્યુએ તરત જ મહેશને ફોન કરી દીધો અને કાલે સવારે ૧૧ વાગે રૂબરૂ આવવાની સૂચના આપી.
સુચના પ્રમાણે મહેશ અભિમન્યુની ઓફિસમાં સવારે હાજર થઈ ગયો.
" તું હવે કાનાણીને ફોન કરી શકે છે. આજે બુધવાર થયો. તું શનિવારનો ટાઈમ આપી દે. અને હવે તારે હોટલમાં ઉતરવાની કોઈ જરૂર નથી. તારા માટે ડ્રાઇવર સાથે મારુતિ વાન તૈયાર જ હશે. શુક્રવારે સાંજે મારી પાસેથી તમામ ડાયમંડ કલેક્ટ કરી લે. મોટું પાઉચ તૈયાર જ છે." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" તું એમ કહી દેજે કે શુક્રવારની સાંજે સાડા ચારની સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસની ટિકિટ મળી ગઈ છે એટલે શનિવારે સવારે ૯:૩૦ વાગે મુંબઈ પહોંચી જઈશ." અભિમન્યુ બોલ્યો. મહેશ આવ્યો એ પહેલાં અભિમન્યુએ ટ્રેઈનના ટાઈમિંગ જોઈ લીધા હતા !
" કાલે રાત્રે જ કાનાણી શેઠનો ફોન આવ્યો હતો અને ક્યારે આવો છો એમ પૂછતો હતો. એણે મને કહ્યું કે એની ઓફિસમાં આટલી મોટી રકમ પડી છે એટલે એને ઇન્કમટેક્સનો ડર છે એટલે જેમ બને તેમ જલ્દી આવી જવાનું કહે છે. " મહેશ બોલ્યો.
" બહુ સરસ. મતલબ કે આપણા કરતાં પણ એને ઉતાવળ વધારે છે. બસ બે દિવસ પછી એનો ખેલ પૂરો થઈ જશે. " અભિમન્યુ બોલ્યો.
" હવે મારે પરમ દિવસે કેવી રીતે આગળ વધવાનું છે ?" મહેશે પૂછ્યું.
" તારે વાન લઈને જ એની ઓફિસે જવાનું છે. આસિફ નામનો ડ્રાઇવર ગાડી ચલાવતો હશે. વાનની અંદર તમામ સીટો કાઢી નાખેલી હશે એટલે જેટલાં પણ બોક્સ હશે એ બધાં જ એમાં આરામથી આવી જશે. વાનની નંબર પ્લેટ પણ બદલી નાખેલી હશે એટલે એ નંબર નોંધી લે તો પણ કોઈ ચિંતા નથી. " અભિમન્યુ બોલતો હતો.
" તારે વાન ઓમ પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરીને ઉપર શેઠની ઓફિસે જવાનું. તમામ ૧૫ ડાયમંડ પાઉચમાં હશે. એને ડાયમંડ જોવાની છૂટ છે અને ગણવાની પણ છૂટ છે. કાનાણીને બધા જ ડાયમંડ એક સરખા જ લાગશે. ડાયમંડ એનો વિષય નથી એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી." અભિમન્યુ બોલ્યો.
" તારી વાત ઉપર મને પૂરો વિશ્વાસ છે. પરંતુ માની લો કે એણે ડાયમંડ ચેક કરવા માટે પેલા ઝવેરીને પોતાની ઓફિસે બોલાવી રાખ્યો હશે તો ? " મહેશે પોતાનો ડર વ્યક્ત કર્યો.
" તારો ડર સાચો છે. પણ કાનાણીની ચેમ્બરમાં એના સિવાય કોઈ જ નહીં હોય એની જવાબદારી મારી. અને માનો કે ઝવેરી હોય અને તું પકડાઈ જાય તો બિન્દાસ મારું નામ દઈ દેજે. હું એને બોલતો બંધ કરી દઈશ. હું તને આંચ પણ નહીં આવવા દઉં." અભિમન્યુ પૂરા આત્મવિશ્વાસથી બોલ્યો.
" સારું. ડાયમંડનું પાઉચ આપીને મારે ગાડી લઈને ક્યાં જવાનું છે ? " મહેશ બોલ્યો.
" કાનાણી બધા ડાયમંડ ચેક કરી લે એ પછી પાઉચ તારે પોતાના હાથમાં લઈ લેવાનું. ૧૩૦ કરોડનો માલ છે એમાં. એટલે સીધું એના હાથમાં આપી ન દેવાય. તારે કહી દેવાનું કે હું મારા મિત્રની વાન લઈને આવ્યો છું. બધા બોક્સ એમાં ગોઠવી દો એટલે તમને તમારો માલ નીચે જ મળી જશે. " અભિમન્યુ બોલ્યો.
અભિમન્યુએ વાત પૂરી કરી એટલે મહેશે અભિમન્યુની ઓફિસમાંથી જ કાનાણીને ફોન કર્યો.
" સત શ્રી અકાલ સર જી. દિલ્હીસે દલજીતસિંઘ. કલ શુક્રવાર શામકી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસકી ટિકિટ મીલ ગઈ હૈ. શનિવાર સુબહ સાઢે નૌ બજે મુંબઈ પહોંચ જાતા હું ઔર સાઢે દસ બજે તક આપકી ઓફિસ ભી પહોંચ જાઉંગા." મહેશ ફરી પાછો પંજાબી સ્ટાઈલથી બોલ્યો.
" વેલકમ સિંઘ સા"બ. બસ આપકા હી ઇન્તેઝાર હૈ. પૈસે રેડી હૈં. કૈસે લે જાઓગે ? " કાનાણી બોલ્યો.
" જી મૈંને ઇન્તેજામ કર દિયા હૈ. મેરે એક રિલેટિવ કા ગેરેજ હૈ તો વો સીટેં નિકાલકે એક પુરાની મારુતિ વાન લે આયેગા ઔર જહાંસે હવાલા ઉઠાના હૈ વહાં લે જાયેગા. આપકો ડાયમંડ મિલ ગયે ફિર આપકી જિમ્મેદારી ખતમ ! પૈસે કહાં કૈસે લે જાને હૈં વો સબ મેરા ટેન્શન હૈ." સરદારજીની ભાષામાં મહેશ બોલ્યો.
" ઠીક હૈ આ જાઓ." કાનાણી બોલ્યો અને વાતચીત પૂરી થઈ.
મહેશની વાતચીતથી અભિમન્યુ ખુશ થઈ ગયો. મહેશ પોતાનો રોલ બહુ સરસ રીતે ભજવતો હતો. અમુક વાતચીત તો એ પોતાની રીતે જ કરી લેતો હતો. કાનાણી સાથે કેવી રીતે વાતચીત કરવી એની બરાબર ફાવટ મહેશને આવી ગઈ હતી.
" બસ તો હવે પરમ દિવસે શનિવારે તારા આ ડ્રામાનો છેલ્લો દિવસ હશે અને એ દિવસે તને તારી બાકીની રકમ પણ મળી જશે. આવતીકાલે સાંજે મારી પાસેથી ડાયમંડનું મોટું પાઉચ કલેક્ટ કરી લેજે. સાચવીને લઈ જજે કારણ કે એમાં ૯ કરોડનો એક અસલી હીરો પણ છે. " અભિમન્યુ હસીને બોલ્યો.
એ પછી મહેશ ભાટિયા ઉભો થયો અને બહાર નીકળી ગયો.
એના ગયા પછી અભિમન્યુએ તરત જ તુકારામ સાવંતને ફોન કર્યો.
" પરમ દિવસે સવારે લગભગ સાડા દસ વાગે મહેશ મારુતિ વાન લઈને તારા શેઠનો માલ લેવા માટે ઓફિસે આવી જશે. મને શંકા છે કે મહેશ મારુતિ વાનમાં આટલી મોટી કેશ લઈને નીકળે ત્યારે કાનાણી એ વાન ક્યાં જાય છે એ જોવા માટે પાછળ ને પાછળ એના કોઈ માણસને બાઈક ઉપર દોડાવે પણ ખરો." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" શેઠની ઓફિસમાં એમના સ્ટાફમાં એમનું અંગત કહી શકાય એવું કોણ છે કે જેને શેઠ આ કામ સોંપી શકે ?" અભિમન્યુ બોલ્યો.
" સર શેઠની ઓફિસમાં આમ તો આઠ જણનો સ્ટાફ છે. પરંતુ બાઈક લઈને આવનારા માત્ર બે જણા જ છે. એક સંતોષ અને બીજો કમલ. બાકીનો સ્ટાફ તો ટ્રેનમાં આવે છે કાં તો બસમાં આવે છે. " તુકારામ બોલ્યો.
" બસ તો તારે એક છેલ્લું કામ કરવાનું છે. આવતી કાલે એ બંને સવારે ઓફિસે આવે ત્યારે અથવા તો આજે કોઈ કામથી બહાર જાય ત્યારે અથવા સાંજે ઘરે જાય ત્યારે એમની બાઈકનો નંબર તું નોંધી લે." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" કાલે સવારે શેઠને લઈને તું ઓફિસે આવે ત્યારે શેઠ ઉપર જાય પછી ગાડી પાર્ક કરીને એ બંને બાઈકને પંકચર કરી દે. ન રહેગા બાંસ ના બજેગી બાંસુરી ! સાવધાની રાખજે કે કોઈ જોઈ ના જાય. તને પણ હું ખુશ કરી દેવાનો છું. તારે ટેક્સી જોઈતી હોય તો નવી ટેક્સી લઈ આપીશ. તેં મને ખૂબ જ મદદ કરી છે." અભિમન્યુ બોલ્યો.
" અરે સર મારા ઉપર તમારા ઘણા ઉપકાર છે. તમે ચિંતા નહીં કરો. સંતોષના બાઇકને તો હું સારી રીતે ઓળખું છું કારણ કે એની પાછળ બેસીને શેઠના કામ માટે ઘણી વાર બહાર ગયેલો છું. મારે માત્ર કમલના બાઈકને ઓળખી લેવાનું છે. પરંતુ હું માનું છું ત્યાં સુધી શેઠને જો પીછો કરવાનો વિચાર આવશે તો સંતોષને જ મોકલશે કારણ કે એ એમનો ખાસ વિશ્વાસુ છે. કમલ એકાઉન્ટન્ટ છે એટલે એને વાનની પાછળ મોકલે એવી શક્યતા ઓછી છે. " તુકારામ મરાઠીમાં બોલ્યો.
" તારી કોઠાસૂઝ માટે મને માન છે. છતાં પણ કમલના બાઈકની હવા પણ કાઢી નાખજે. કારણ કે સંતોષ પોતાના બાઈકમાં પંકચર જોશે એટલે તરત જ દોડીને કમલ પાસે જશે અને એના બાઈકની ચાવી માગશે. " અભિમન્યુ બોલ્યો.
" વાહ સર જી વાહ. માની ગયો તમને !! "
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
