વલ્લકી નવલકથા (Vallaki Novel Part-24)

Related

વલ્લકી પ્રકરણ 24

રાત્રે જમી લીધા પછી પ્રતાપ કાનાણી પોતાના બંગલામાં પાછળના ભાગમાં બનાવેલા છૂપા ભોંયરામાં ગયો. આ બંગલો સ્વતંત્ર પ્લોટમાં એણે પોતે જ બનાવેલો હતો અને તેથી બે નંબરની કેશ રાખવા માટે નીચે એક ભોંયરુ પણ બનાવ્યું હતું.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

ભોંયરાની અંદર જવાનો રસ્તો દિવાલમાં જ બનાવેલો હતો અને જ્યાં ભોંયરાની એન્ટ્રી હતી ત્યાં એક ફૂલ સાઈઝનું ફ્રેમ કરેલું પેઇન્ટિંગ મૂકી દેવામાં આવ્યું હતું. જ્યારે પણ એનો દરવાજો ખોલવો હોય ત્યારે પેઇન્ટિંગ ઉપાડીને બાજુમાં મૂકી દેવામાં આવતું હતું.

કાનાણીની ફેમિલીમાં એની પત્ની અને એક દીકરી હતી. ૩૫ વર્ષની દીકરી તો લગ્ન કરીને અમેરિકા સેટલ થઈ ગઈ હતી. ઘરમાં એક કામવાળી બાઈ હતી જે ચોવીસ કલાક ઘરમાં જ રહેતી હતી. પોતાના સિવાય કોઈને પણ ભોંયરાની અંદર જવાની પરવાનગી નહોતી.

કાનાણી જમ્યા પછી મોડી રાત્રે આ ભોંયરાની અંદર ગયો અને ચાવીથી મોટી તિજોરી ખોલી. ૧૦ ૧૫ મિનિટ સુધી ત્યાં રાખેલાં તમામ બંડલો એણે ગણ્યાં. ૩૧ કરોડ જેવી રકમ હતી. એ પછી એ ફરીથી ઉપર ગયો અને ઓફિસથી લાવેલાં ચાર બોક્સ, દોરી અને સેલોટેપ લઈને ફરી ભોંયરાની અંદર ગયો અને ત્રણ બોક્સમાં એણે છ કરોડની નોટો ગોઠવી અને એક બોક્સમાં સાત કરોડ ગોઠવ્યા. એ પછી દરેક બોક્સ બંધ કરીને એના ઉપર સેલોટેપ લગાવી દીધી અને ચારે બાજુ પ્લાસ્ટિકની દોરી બાંધી દીધી.

એ પછી એણે બોક્સ ઉપાડવા કોશિશ કરી પરંતુ વજન વધારે હોવાથી એકલાથી ઉપડે તેમ ન હતું. ના છૂટકે એણે એની પત્નીને નીચે આવવા કહ્યું. તરલાબેન નીચે ગયાં અને બંનેએ સાથે મળીને દરેક બોક્સ ભોંયરામાંથી બહાર કાઢ્યું અને તમામ બોક્સ એક ખૂણામાં વ્યવસ્થિત રીતે ગોઠવી દીધાં.

" તમે આટલી બધી રકમ કેમ બહાર કાઢી છે ? કોને આપી રહ્યા છો ? " તરલાબેન બોલ્યાં.

" હું જે કરું છું તે કરવા દે. તું મારા કામમાં માથું મારીશ નહીં અને મને ટોકીશ પણ નહીં. " કાનાણી બોલ્યા.

" અરે પણ મને વાત તો કરો ! હું તમારી પત્ની છું. આમાં કરોડો રૂપિયા હશે. આટલી બધી રકમનું તમે શું કરી રહ્યા છો ? મારો જીવ મુંજાય છે. " તરલાબેન બોલ્યાં.

" અરે આ જે બોક્સ અહીં પડ્યાં છે એનાથી ડબલ બોક્સ ઘરમાં પાછાં આવશે તરલા. આપણાં નસીબ ખુલી ગયાં છે. તું બસ જોયા કર." કાનાણી બોલ્યા.

" આટલા બધા રૂપિયા તો આપણી પાસે છે. વધારે રૂપિયા કમાઈને શું કરવું છે પ્રતાપ ? શાંતિથી આપણે જીવન જીવીએ છીએ. લોભનો કોઈ અંત જ નથી હોતો. મારું કહ્યું માનો અને ખોટું સાહસ કરવાનું રહેવા દો." તરલાબેન બોલ્યાં.

" જીવનમાં તક મળે ત્યારે ઝડપી લેવી જોઈએ તરલા. તું મને હવે વધારે શિખામણ ના આપ. ધંધાની વાતોમાં તને સમજણ ના પડે." કાનાણી બોલ્યા અને ભોંયરાને લૉક કરી પેઇન્ટિંગ ફરી પાછું ત્યાં ગોઠવી દીધું.

સવારે દસ વાગે તુકારામ સાવંત એમને ઓફિસ લઈ જવા બંગલે આવ્યો એટલે કાનાણીએ તુકારામની મદદથી ચાર બોક્સ એની એસયુવી ગાડીમાં જ ગોઠવી દીધાં અને તમામ બોક્સ ઓફિસે લઈ લીધાં. તુકારામ તો સમજી જ ગયો હતો કે બીજા ખૂટતા પૈસા શેઠે ઘરમાંથી લઈ લીધા છે.

ગઈકાલનો દિવસ જેટલો ખુશીઓથી ભરેલો હતો એટલો જ આજનો દિવસ ઓફિસમાં કાનાણી માટે ખરાબ ગયો.

બપોરના બરાબર બાર વાગે ગોવિંદ બોરકર એની સામે આવીને બેસી ગયો. એને જોઈને જ પ્રતાપ કાનાણી ચમકી ગયો. એના પેટમાં ફાળ પડી. બાવીસ વર્ષ પછી આ માણસ અચાનક મારી ઓફિસમાં !!

જો કે ગોવિંદ બોરકરનો આખો દેખાવ બદલાઈ ગયો હતો. પહેલાં કરતાં શરીર થોડું સ્થૂળ છતાં કસાયેલું લાગતું હતું. ગેરેજમાં સતત કામ કરવાના કારણે રંગ થોડો શ્યામ થઈ ગયો હતો. ચહેરો બદલાયો ન હતો પરંતુ ચહેરા ઉપર કરચલીઓ દેખાતી હતી.

"ઓળખતા કા શેઠ ?" બોરકર મરાઠીમાં બોલ્યો.

" ગોવિંદ બોરકર તો નહીં ? ચહેરો ઘણો બદલાઈ ગયો છે તારો તો. કેમ આટલાં વર્ષો પછી આવવું પડ્યું ? " કાનાણી બોલ્યો.

" તમારા ભાગીદારનું ખૂન તમે કર્યું અને ખૂની મને બનાવી દીધો ? વસઈ પોલીસ સ્ટેશનમાં પૈસા ખવડાવીને ખૂની તરીકે મારું નામ લખાવી દીધું અને મને થોડા રૂપિયા આપીને ખુશ કરી દીધો. વાહ શેઠ વાહ ! " ગોવિંદ બોરકર મરાઠીમાં થોડા ગુસ્સાથી વાત કરી રહ્યો હતો.

" અરે આવી ખોટી માહિતી તને કોણે આપી ગાંડા ? તું જાણે જ છે કે તારી પિસ્તોલથી પાઠકને ગોળી મેં જ મારી હતી પછી ખૂની તરીકે તારું નામ હું શું કામ લખાવું ? અને પોલીસને કોઈ જાણ જ નથી પછી નામ લખાવવાનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે ? લાશને આપણે બંનેએ ભેગા થઈને વસઈની ખાડીમાં નાખી દીધી ત્યાં જ આખી વાત પૂરી થઈ ગઈ. " કાનાણી હસીને બોલ્યો.

પરંતુ કાનાણીને ખબર ન હતી કે એની આ કબુલાત બોરકરે ટેબલ ઉપર પોતાની સામે મુકેલા મોબાઈલમાં રેકોર્ડ થઈ રહી હતી. ગોવિંદ બોરકર હોંશિયાર હતો અને બધી તૈયારી સાથે જ આવ્યો હતો.

" પાપ ગમે ત્યારે છાપરે ચઢીને પોકારે છે શેઠ. તમે બાવીસ વર્ષ પહેલાં તમારા ભાગીદાર પાઠકનું મર્ડર કર્યું હતું એની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ મારા ઘરે આવી હતી. તમે બચવા માટે મને ફસાવી દીધો છે શેઠ. તમે બધું જાણો જ છો કે જે રાત્રે લાશને ખાડીમાં ફેંકી દીધી હતી એ રાત્રે પેટ્રોલિંગ કરતી વસઈ પોલીસ તમારી ગાડીને જોઈ ગઈ હતી અને પીછો પણ કર્યો હતો." બોરકર બોલી રહ્યો હતો અને પ્રતાપ કાનાણીના હોશ ઉડી રહ્યા હતા.

" લાશ સમજીને પાઠકને આપણે ખાડીમાં ફેંક્યા ત્યારે એ જીવતા હતા એટલે એમને પોલીસે લોકલ માણસોની મદદથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરેલા એ બધું જ તમે જાણો છો. હોસ્પિટલમાં મરતાં પહેલાં એમણે તમારું નામ દીધું એટલે તમને પોલીસે એરેસ્ટ કર્યા હતા." બોરકર મરાઠીમાં બોલી રહ્યો હતો.

"તમે વસઈ પોલીસ સ્ટેશન ગયા હતા અને મોટો વહીવટ કરીને આખો કેસ દબાવી દીધો હતો. પણ એ ફાઈલ હવે ખુલી ગઈ છે. તમે એ ફાઈલમાં મારું નામ લખાવ્યું હોવાથી પોલીસ મને શોધતી મારા ઘરે આવી. ક્રાઈમ બ્રાન્ચ કેસ દબાવી દેવા માટે દસ કરોડ માગે છે અને હું એ લેવા તમારી પાસે આવ્યો છું. " ગોવિંદ બોરકરે ઠંડા કલેજે વાત પૂરી કરી.

આખી વાત સાંભળીને એસીમાં પણ કાનાણીને પરસેવો છૂટી ગયો. એ અંદરથી ગભરાઈ ગયો હતો પરંતુ બોરકર આગળ પોતાનો ગભરાટ દેખાવા દેતો ન હતો.

"બાવીસ વર્ષ પહેલાંની વાત છે. એ વખતે ખરેખર શું થયું હતું એ તો અત્યારે મને પણ યાદ નથી. અને મરતી વખતે મને ફસાવવા માટે એણે આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય. આપણે એનાથી ડરી જવાની કોઈ જરૂર નથી. ખૂન મેં કર્યું છે એનું કોઈ જ પ્રૂફ એ લોકો પાસે નથી." કાનાણી બોલ્યો.

" પરંતુ મારી પાસે તો છે ને ? અને એ લોકો પાસે પણ પ્રૂફ છે શેઠ. તમે જે પિસ્તોલથી પાઠકને બે ગોળી મારી એ પિસ્તોલ ઉપર તમારા આંગળાનાં નિશાન છે. અને એ પિસ્તોલ મેં એક પ્લાસ્ટિકની કોથળીમાં સાચવી રાખી હતી એ ક્રાઈમ બ્રાન્ચવાળા લઈ ગયા છે. હું ફાંસીએ ચડવા નથી માગતો. મેં તમારું નામ દઈ દીધું છે. બચવું હોય તો દસ કરોડ રોકડા જોઈશે." ગોવિંદ બોરકર બોલ્યો.

હવે પ્રતાપ કાનાણી ખરેખર મુંજાઈ ગયો. બાવીસ વર્ષ પછી ક્રાઈમ બ્રાન્ચ ના હાથમાં ફાઈલ આવી ગઈ હતી અને હવે તો પિસ્તોલ પણ એ લોકો પાસે હતી ! ગોવિંદ બોરકર પોતાની વિરુદ્ધ સાક્ષી આપે તો પોતાને જેલમાં જવાનો વારો તો આવે જ.

પ્રતાપ કાનાણી આવા વિચારો કરી રહ્યો હતો ત્યાં જ ગોવિંદ બોરકરે પોતાના મોબાઈલમાં કરેલું રેકોર્ડિંગ મોટા અવાજે પ્લે કરવાનું ચાલુ કરી દીધું. કાનાણી અત્યાર સુધી જે પણ બોલ્યો હતો એ શરૂ થી અંત સુધી કાનાણીએ પોતે સાંભળી લીધું. હવે એના હોશ ખરેખર ઉડી ગયા. પૈસા આપ્યા વગર છૂટકો જ ન હતો.

" જો એ લોકોને ખાત્રી થઈ ગઈ હોય કે ખૂન મેં જ કર્યું છે. તો પછી એ લોકો મારી પાસે કેમ નથી આવતા ? તને શા માટે પકડે છે ? " કાનાણી બોલ્યો.

" શેઠ ગભરાટમાં તમારી બુદ્ધિ કામ જ નથી કરતી. એ લોકોને હજુ ક્યાં ખબર છે કે ખૂન તમે કર્યું છે ? વસઈ પોલીસ સ્ટેશનની ફાઈલમાં તો મારું નામ છે. એ લોકો તો મને જ પકડવા આવ્યા હતા અને દસ કરોડની ડિમાન્ડ કરીને જતા રહ્યા ! " ગોવિંદ બોરકર ઠંડા કલેજે બોલી રહ્યો હતો.

" હવે હું જ્યારે ક્રાઈમ બ્રાન્ચમાં જઈને સાચી વાત કરીશ અને આ રેકોર્ડિંગ સંભળાવીશ એટલે પોલીસને મારી વાત ઉપર વિશ્વાસ આવશે. એ પછી પિસ્તોલની લેબોરેટરીમાં તપાસ થશે એટલે તરત પોલીસ તમને એરેસ્ટ કરીને તમારા આંગળાની ફરી છાપ લેશે. એ પછી તમે ખૂની તરીકે સીધા જેલમાં ! છાપામાં બદનામ થઈ જશો એ અલગ !! " બોરકર બોલ્યો અને ખડખડાટ હસ્યો. એ સાથે જ કાનાણીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું !!

કાનાણી સમજી ગયો કે હવે બચવું હોય તો રૂપિયા ખવડાવ્યા વગર ચાલે એમ છે જ નહીં !

" તમારી ઈચ્છા હોય તો ક્રાઈમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટરને તમારી ઓફિસે મોકલી આપું. તમે જ એની સાથે પતાવટ કરજો." બોરકર બોલ્યો.

" ના ના. મારી ઓફિસે મોકલવાની કોઈ જરૂર નથી. મારી ઓફિસે ક્રાઈમ બ્રાન્ચવાળા આવે એ મને પસંદ નથી. પરંતુ પૈસા આપ્યા પછી આ ફાઇલ દબાઈ જશે એની શું ખાત્રી ?" કાનાણી બોલ્યો.

" પોલીસ અધિકારીઓને પણ ઈમાન હોય છે શેઠ. એ વખતે તમારી ફાઈલ પણ દબાઈ જ ગઈ હતી ને ! આટલી મોટી રકમ મળે પછી એમને તમને પકડવામાં શું રસ હોય ? એમણે કહ્યું છે કે આટલી જૂની ફાઈલ છે અને બીજા કોઈને ખબર નથી એટલે આ જૂની ફાઇલ ફાડી નાખવામાં આવશે." બોરકરે હવે વાર્તા કરી.

" પણ રકમ વધારે નથી ? દસ કરોડ તો ઘણી મોટી રકમ કહેવાય. તું એક વાર એમની સાથે મીટીંગ કર અને રકમ ઓછી કરાવી દે." કાનાણી બોલ્યો.

આમ જોવા જઈએ તો કાનાણી અત્યારે એકદમ ફોર્મમાં હતો. એને ૫૦ કરોડનો મોટો પ્રોફિટ દેખાતો હતો અને ઘરમાં પણ છ કરોડ રોકડા પડ્યા હતા. આઠ દસ કરોડ આપવા પડે અને આ કેસમાંથી બચી જવાય તો પણ ૪૦ કરોડ તો બચવાના જ છે !

" શેઠ તાત્કાલિક પાંચેક કરોડ તો આપવા જ પડશે. એ આપ્યા પછી જ હું બાકીની રકમ માફ કરવા માટે એમને વિનંતી કરું. પછી જે ઓછા કરે તે. મને લાગે છે કે સાત આઠ કરોડથી ઓછું નહીં માને. " બોરકર બોલ્યો.

" ઠીક છે. તું શુકન જોઈને આવ્યો લાગે છે કારણ કે પાંચ કરોડ અત્યારે મારી પાસે ઓફિસમાં જ રોકડા પડ્યા છે. એ તને આપી દઉં છું. પણ એ લોકો પેલી ફાઈલ ફાડી નાખે એની જવાબદારી તારી. ભવિષ્યમાં આ કેસ હવે કાયમ માટે દફન થઈ જવો જોઈએ. " કાનાણી બોલ્યો.

કાનાણીએ ઘરેથી લાવેલા છ કરોડના એક બોક્સમાંથી એક કરોડ ઓછા કરી એ આખું બોક્સ બોરકરને આપવાનું નક્કી કર્યું. ઘરે આમ પણ છ કરોડ પડેલા જ છે તો એમાંથી પાંચ કરોડ કાલે ફરી ઓફિસ લાવી દેવાશે.

કાનાણીએ પોતાના અંગત માણસ સંતોષ રાણેને અંદર બોલાવ્યો.

" સંતોષ સાંભળ. બહાર જે ચાર બોક્સ આજે આવ્યાં છે એમાંથી જેના ઉપર ચોકડી ના કરી હોય એવું એક બોક્સ અંદર લઈ આવ. જેના ઉપર ચોકડી કરી છે એમાં વધારે રકમ છે." કાનાણી મરાઠીમાં બોલ્યો.

સંતોષ વજનદાર બોક્સને હાથેથી ધક્કો મારીને ચેમ્બરમાં લઈ આવ્યો. સંતોષ ગયો પછી કાનાણીએ જાતે જ એ બોક્સ ખોલી એમાંથી એક કરોડ બહાર કાઢી લીધા અને બોરકરને જ એ બોક્સ ફરી દોરી બાંધીને બંધ કરવાની સૂચના આપી. એમાં રોકડા પાંચ કરોડ હતા.

બોરકરે બોક્સ બંધ કરીને ફરી એના ઉપર દોરી બાંધી દીધી.

" ઠીક છે શેઠ હું જાઉં છું. રકમ બને એટલી ઓછા કરાવવા કોશિશ કરું છું. છતાં બીજા ત્રણેક કરોડની તૈયારી રાખજો." બોરકર બોલ્યો અને એકલા હાથે જ એણે આખું બોક્સ ઊંચકી લીધું અને બહાર નીકળી ગયો.

ગોવિંદ બોરકર ગયા પછી કાનાણીએ રાહતનો શ્વાસ લીધો. થોડીવાર માટે તો એ બહુ મોટા ટેન્શનમાં આવી ગયો હતો અને ગભરાઈ ગયો હતો પરંતુ પૈસા વેરીને મામલો શાંત થયો એનો એને આનંદ હતો. આટલા બધા પૈસાનો નફો થતો હતો તો પાંચ સાત કરોડ ભૂલી જવાના !

મ્હાત્રેએ એક મહિનાની મુદત આપી હતી એટલે બને એટલો વહેલો આ સોદો પતાવી દેવાનો હતો. આટલી મોટી રકમ ઓફિસમાં રાખવી એ પણ જોખમ હતું. કોઈ જાણભેદુ જો ઇન્કમટેક્સની રેડ પડાવી દે તો મારે આપઘાત કરવાનો વારો આવે !

એણે તરત જ દિલ્હી દલજીતસિંઘને ફોન કર્યો. મહેશ ભાટિયાએ તરત જ ફોન ઉપાડી લીધો.

" બોલો સર જી. " મહેશ બોલ્યો.

" અરે સિંઘ સા'બ કેશ એકદમ રેડી હૈ. આપ જલ્દ સે જલ્દ આ જાઓ. ઈતની બડી કેશ જ્યાદા દિન તક મૈં ઓફિસમેં નહીં રખ સકતા. અગર કલ હી આ સકતે હો તો બેહતર હોગા. " કાનાણી બોલ્યા.

"કલ તો નહીં શેઠજી લેકિન પરસોં શુક્રવાર કો મૈં યહાંસે નિકલુંગા. કરોડોં કે ઇતને સારે ડાયમંડ અપને સાથ લેકે મૈં ફ્લાઈટમેં નહીં બૈઠ સકતા. વહાં સિક્યુરિટી ચેકિંગ બહોત કડક હોતા હૈ. મુઝે તત્કાલકી ટિકટ લેકર ટ્રેઈનસે હી આના હોગા. શનિવાર સુબહ મુંબઈ પહુંચ જાઉંગા" મહેશ પંજાબી અંદાજથી બોલ્યો.

" હાં. યે બાત ભી આપકી સહી હૈ. ચલો ઠીક હૈ. મુંબઈ પહોંચકે તુરંત મુઝે ફોન કર દેના." કાનાણી બોલ્યો અને ફોન કટ કર્યો.

પ્રતાપ કાનાણીનો ફોન આવી ગયા પછી મહેશ ભાટિયાએ તરત જ અભિમન્યુનો સંપર્ક કર્યો.

" અભિમન્યુ કાનાણી શેઠનો ફોન આવી ગયો છે. એ તો કાલે જ બોલાવતા હતા પરંતુ મેં કહ્યું કે શેઠ કરોડોના આટલા બધા ડાયમંડ હું ફ્લાઈટમાં લઈને આવી ના શકું. સિક્યુરિટી ચેકિંગમાં ફસાઈ જાઉં. એના કરતાં ટ્રેઈનની તત્કાલ ટિકિટ લઈને શનિવારે સવારે મુંબઈ પહોંચી જઈશ. " મહેશ બોલ્યો.

" તું ખરેખર હાજર જવાબી છે મહેશ. સરસ જવાબ આપ્યો તેં. ખરેખર આટલા બધા ડાયમંડ લઈને ફ્લાઇટમાં ના જઈ શકાય. ઘણી બધી પૂછપરછ થાય. તેં એમ કહ્યું હોત કે હું ફ્લાઇટમાં આવ્યો તો શેઠને શંકા જાત કે સિક્યુરિટી ચેકિંગમાં આટલા બધા ડાયમંડ કેવી રીતે લાવવા દીધા ! બહુ મોટો લોચો થઈ જાત. કાનાણી બહુ શાતીર છે." અભિમન્યુ બોલ્યો.

" હા મને એ વખતે એ જ વિચાર આવ્યો. એટલે તરત જ ટ્રેઈનની વાત કરી દીધી. ટ્રેઈનની વાતથી એને ભરોસો પણ બેઠો કે મારી પાસે ખરેખર કરોડોના ડાયમંડ હશે જ." મહેશ બોલ્યો.

" હા. હવે તું આજે સાંજે મારી ઓફિસે આવી જા. આગળનો પ્રોગ્રામ આપણે વિચારવો પડશે. " અભિમન્યુ બોલ્યો.

અને વાત થયા મુજબ લગભગ સાડા પાંચ વાગે મહેશ અભિમન્યુની ચેમ્બરમાં હાજર થઈ ગયો.

" જો હવે આ આપણો છેલ્લો દાવ છે. તારે હવે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. કાનાણીની ઓફિસમાં ૭૫ કરોડ પહોંચી ગયા છે એની મને ખબર છે. તુકારામ સાવંત મને રિપોર્ટિંગ કરતો રહે છે. ૫૦ કરોડ મલાડમાં રહેતા એમ.એલ.એ પાસેથી એક મહિના માટે ઉધાર લીધા છે. બાકીની રકમ એ પોતાના બંગલેથી લઈ આવ્યો છે. કુલ ૧૧ બોક્સ છે." અભિમન્યુ બોલી રહ્યો હતો.

" ૭ બોક્સ એ ટેમ્પોમાં લઈ આવ્યો પરંતુ આપણાથી ટેમ્પો નહીં કરાય. આપણે એક મારુતિ વાન લેવી પડશે અને એની અંદરની સીટો દૂર કરી દેવી પડશે. એની નંબર પ્લેટ પણ બદલી નાખવી પડશે. જૂની ગાડીઓ લે વેચ કરનારા પાસેથી બે દિવસ માટે વાન ભાડે લેવી પડશે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

"કાનાણી પોતે પણ પાકો ખેલાડી છે. મને લાગે છે કે એ આપણી ગાડીની પાછળ પોતાના કોઈ માણસને બાઈક ઉપર દોડાવશે. આપણી ગાડી ક્યાં જાય છે એની વૉચ રાખશે. હવે ટેમ્પો વધારે સ્પીડ નહીં પકડી શકે. મારુતિ વાન હશે તો ૧૦૦ ૧૨૦ ની ઝડપથી ભગાવી શકાશે અને બાઇકને ચકમો આપી શકાશે." અભિમન્યુ બોલ્યો.

" પરંતુ શનિવારે તો મારે કેશ ઉઠાવવાની છે. આ બધું કરવાનો આપણી પાસે સમય જ ક્યાં છે અભિમન્યુ ? બે દિવસમાં એવી મારુતિ વાન મળવી પણ જોઈએ ને ?" મહેશ બોલ્યો.

" અભિમન્યુનું કામ કાચું નથી હોતું મહેશ. ૧૧ બોક્સની ખબર પડી ત્યારે જ મેં મારા એક મિત્ર દ્વારા મારુતિ વાનની તપાસ કરાવી હતી. મલાડમાં જ જૂની ગાડીઓ વેચનારા પાસે એક મારુતિ વાન પડી છે. મારી વાત પણ થઈ ગઈ છે. નંબર પ્લેટ પણ બદલાઈ જશે. આ તો હું તને જસ્ટ જણાવું છું." અભિમન્યુ હસીને બોલ્યો.

મહેશ તો આભો બનીને અભિમન્યુ સામે જોઈ જ રહ્યો !!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■