વલ્લકી પ્રકરણ 23
મહેશ ભાટિયા દલજીતસિંઘ સાહની બનીને પ્રતાપ કાનાણીની ઓફિસે ડાયમંડ બતાવવા ગયો હતો. બીકેસીમાં ડાયમંડ ચેક કરાવ્યા પછી કાનાણી શેઠ તમામ હીરા ખરીદવા માટે તૈયાર થઈ ગયા હતા.
વલ્લકી નવલકથા
લંચ લઈ લીધા પછી બંને વચ્ચે બિઝનેસની વાત શરૂ થઈ હતી અને સરદારજીએ કહ્યું હતું કે દિલ્હીમાં આ ડાયમંડનો ૯૦ કરોડમાં સોદો થયો હતો પરંતુ પૈસા બે ટૂકડે આવતા હોવાથી એણે ના પાડી હતી. પરંતુ પ્રતાપ કાનાણીને એ ૮૦ કરોડ સુધી આપવા તૈયાર થયો હતો.
" સિંઘ સા'બ ૮૦ કરોડ કિંમત બહોત જ્યાદા હૈ. દેખો મૈં પૂરે ડાયમંડ એક સાથ ખરીદ રહા હું ઔર પૂરી કિંમત એક સાથ દે રહા હું તો કુછ કમ કર દો પ્લીઝ. " કાનાણી શેઠ બોલ્યા.
" મૈંને આપ કે લિયે ૧૦ કરોડ કમ કર દિયા. અબ ઇસસે જ્યાદા તો કમ કૈસે હોગા ? ૧૩૦ કરોડ કા માલ હૈ તો આપકો સીધા ૫૦ કરોડ કા ફાયદા હૈ સર જી. ફિર ભી ચલો આપ કી બાત કા માન રખ કે ૭૫ કરોડ તક દેને તૈયાર હું. અબ ઈસસે તો કમ નહીં હો સકતા સર જી." સરદારજી બોલ્યા.
" ચલો ઠીક હૈ તો ફિર ૭૫ મેં સૌદા પક્કા. ઈતની બડી કેશ હૈ તો મુઝે દસ દિન કા વક્ત દે દો. ઔર ઈતની કેશ પૅક કરને કે લિયે ૧૦ સે ૧૧ બોક્સ હો જાયેંગે. આપ કહાંસે કલેક્ટ કરોગે ઓર કૈસે લે જાઓગે ?" કાનાણી બોલ્યા.
હવે આ સવાલ સાંભળીને મહેશ થોડો મૂંઝાઈ ગયો. કરોડો રૂપિયા કેવી રીતે લઈ જવા અને ક્યાં લઈ જવા એ વિશે કોઈ ચર્ચા અભિમન્યુ સાથે થઈ જ ન હતી.
" યે ભી મૈં આપકો બતા દુંગા. પૂરી કેશ કા દિલ્હી હવાલા હો જાયેગા લેકિન પેહલે મુઝે ઇસકા સેટિંગ કરના પડેગા. મૈં આજ શામકી ફ્લાઇટસે દિલ્હી જા રહા હું. કલ વહાં મેરે હવાલે વાલે દોસ્તકો મિલુંગા ઔર ફિર મૈં બતા સકતા હું કી યહાં મુંબઈ મેં કેશ કહાં પહુંચાની હોગી." મહેશ એટલે કે સરદારજી બોલ્યા.
" જી ઠીક હૈ. અગર આપકા સેટિંગ ના હો તો મેરા ભી સેટિંગ હૈ. મૈં ભી દિલ્હી પહોંચા સકતા હું. " કાનાણી બોલ્યા.
" જી. જો ભી હૈ મૈં આપકો બતા દુંગા. " સરદારજી બોલ્યા.
એ પછી દસેક મિનિટ આડીઅવળી વાતો કરીને સરદારજી ઉભા થયા અને ઓફિસની બહાર નીકળી ગયા.
સરદારજી ગયા એટલે કાનાણી શેઠે તરત જ શશીકાંત ઝવેરીને ફોન લગાવ્યો અને ૭૫ કરોડમાં સોદો થઈ ગયો એના ખુશખબર આપ્યા.
" તમારા સિતારા આજકાલ તેજ લાગે છે. ૫૦ કરોડનો ચોખ્ખો નફો છે. ઠીક છે. માલ તમારી પાસે આવી જાય એટલે મારી પાસે લઈ આવજો. હું તમને બે ચાર દિવસમાં જ સવા સો રોકડા અપાવી દઈશ." શશીકાંત બોલ્યા.
નીચે ઉતરીને મહેશે ટેક્સી કરી લીધી અને લેન્ડમાર્ક હોટલે લઈ લીધી. જેવી હોટલ આવી ગઈ કે તરત જ મહેશ પાછો સીબીઆઈ ઓફિસરના મૂડમાં આવી ગયો. આ વખતે એની પાસે બેગ ન હતી એટલે સિક્યુરિટી વાળો દોડીને ના આવ્યો. પરંતુ એણે સલામ જરૂર કરી.
રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને એણે ચાવી લઈ લીધી અને સીધો પોતાના રૂમમાં ગયો. રૂમમાં જઈને એણે અભિમન્યુને ફોન કર્યો.
" અભિમન્યુ કોન્ગ્રેચ્યુલેશન ! ૬૦ ના બદલે ૭૫ કરોડમાં સોદો નક્કી થઈ ગયો છે. હું ત્યાંથી નીકળી ગયો છું અને અત્યારે હોટલે પાછો આવી ગયો છું. " મહેશ બોલ્યો.
" હવે મારે તને કહેવું પડશે કે તુસ્સી ગ્રેટ હો. બહુ સરસ કામ કર્યું મહેશ તેં. મને ખાતરી જ હતી કે કાનાણી આ હીરા લેવા માટે બેચેન બની જશે. આટલી મોટી કિંમતે એ હીરા લેવા માટે તૈયાર થઈ ગયો. આપણું મિશન સફળ રહ્યું. હવે તું હોટલમાંથી નીકળી જા. હમણાં પેલો નંબર ચાલુ જ રાખજે એટલે એને બીજી કોઈ શંકા ના જાય. તું સીધો મારી ઓફિસે આવી જા. ત્યાં ચાવી આપીને નીકળી જજે. કોઈ પેમેન્ટ આપવાનું નથી." અભિમન્યુ બોલ્યો.
એ પછી મહેશે તુકારામ સાવંતને પણ ખુશખબર આપી દીધા. પોતાનું બધું કામ સરસ રીતે પતી ગયું છે એની એને જાણ કરી.
હવે અહીં બીજું કોઈ જ કામ ન હતું એટલે મહેશે થોડું પાણી પી લીધું અને કોશા કોમ્પલેક્ષ જવા માટે કેબ બુક કરી. એ પછી બેલ મારીને બેગ નીચે લઈ લેવા વેઈટરને બોલાવ્યો. વેઈટર તરત જ દોડતો આવ્યો.
" યે બેગ લે લો. નીચે ટેક્સી ખડી હૈ ઉસમે રખ દો. " મહેશ બોલ્યો અને બહાર નીકળીને લિફ્ટ પાસે ગયો. નીચે જઈને રિસેપ્શન ઉપર ચાવી આપી દીધી અને રિસેપ્શનિસ્ટને થેન્ક્સ કહીને બહાર નીકળી ગયો.
વેઇટરે બેગ કેબની અંદર મૂકી દીધી હતી. સરદારજીએ એને સો રૂપિયાની નોટ આપવા કોશિશ કરી પરંતુ સામે મોટા સાહેબ હોવાથી એણે લીધી નહીં. સરદારજીએ એટલે કે મહેશે અંદર બેસીને ગાડી મલાડમાં જ આવેલા કોશા કોમ્પ્લેક્સ લઈ લેવાની સૂચના આપી.
" શેઠે કહ્યું છે કે ૭૫ કરોડનાં લગભગ ૧૦ ૧૧ બોક્સ થશે. આટલા બધા બોક્સ આપણે એક સાથે કેવી રીતે લઈ આવીશું ? મેં તો એને એમ કહ્યું છે કે મારે આ રકમ દિલ્હી હવાલાથી પહોંચાડવાની છે. " મહેશ અભિમન્યુ સાથે વાત કરી રહ્યો હતો.
" હા હવે ૫૦૦ ની નોટો હોવાથી વધારે બોક્સ થાય છે પહેલાં ૨૦૦૦ ની નોટ ચાલુ હતી ત્યારે ત્રણ ચાર બોક્સમાં જ બધી કેશ આવી જતી. નોટો તો અહીં જ લઈ આવવાની છે પરંતુ મારે થોડું વિચારી લેવું પડશે. તારી ઉપર કેશ તૈયાર છે એવો કાનાણીનો ફોન આવે એટલે મને જણાવી દેજે ત્યાં સુધીમાં વ્યવસ્થા કરી દઉં છું. તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. પેલો ૯ કરોડનો ડાયમંડ મને આપી દે અને તું ફરીથી મહેશ ભાટિયા બની જા." અભિમન્યુ હસીને બોલ્યો.
" હું હવે મારા મેકઅપ મેન પાસે જઈશ. દાઢી મૂછ એને પાછાં આપવાં પડશે. ઘરે જઈ કપડાં બદલી ભાડૂતી પાઘડી અને કપડાં પણ પાછાં આપવા જવું પડશે." મહેશ બોલ્યો.
" હા હવે અઠવાડિયા સુધી શાંતિ છે. એનો ફોન તારા ઉપર આવે પછી આપણે એક્શન ચાલુ કરી દઈશું. અત્યારે હું તને બીજા એક લાખ રૂપિયા આપું છું અને બાકીના દોઢ લાખ કેશ આવી ગયા પછી તને મળી જશે." અભિમન્યુ બોલ્યો અને ડ્રોવર માંથી એણે એક લાખ કાઢીને ટેબલ ઉપર મૂક્યા.
"તારો ખૂબ ખૂબ આભાર અભિમન્યુ. આ રકમથી મને ઘણી રાહત થઈ ગઈ છે બાકી ખરેખર અત્યારે કડકી ચાલી રહી હતી. " મહેશ બોલ્યો અને અભિમન્યુને ડાયમંડનું પાઉચ પાછું આપીને બહાર નીકળી ગયો.
સરદારજી ગયા પછી કરોડોનાં સપનામાં રાચતા કાનાણી હવે ૭૫ કરોડના સેટિંગમાં લાગી ગયા. એની પાસે પોતાના બંગલામાં ૨૫ ૩૦ કરોડ જેવી રકમ તો તૈયાર જ હતી. બાકીની રકમની બહારથી વ્યવસ્થા કરવાની હતી. એ પોતે મોટો બિલ્ડર હતો એટલે ગમે ત્યાંથી રકમ તો એને મળી જ જવાની હતી.
કાનાણીએ મલાડના એના જાણીતા પોલિટિશિયન સુધીર મ્હાત્રેને ફોન લગાવ્યો. શિવસેના તરફથી એકવાર એમએલએ રહી ચૂકેલો આ મ્હાત્રે ઘણીવાર કાનાણીને પ્લોટ ક્લિયર કરી આપવામાં મદદ કરતો હતો. કોઈ પ્રોબ્લેમ થાય તો પણ એની જ મદદ કાનાણી લેતો હતો. દરેક વખત મોટી પાર્ટીમાં કાનાણી એને આમંત્રણ આપતો હતો. બે વાર તો એની પાસે સંધ્યાને પણ મોકલી હતી.
" અરે સુધીર ભાઉ કાનાણી બોલું છું. મને ચાર પાંચ દિવસમાં ૫૦ કરોડની વ્યવસ્થા કરી આપો ને ! એકાદ અઠવાડિયામાં જ પાછા મળી જશે. એક મોટો સોદો કરવાનો થયો છે. પ્રોફિટ ઘણો છે. બે કરોડ વ્યાજ તમને પણ મળી જશે. " કાનાણી મરાઠીમાં બોલ્યો.
" આટલી મોટી રકમ ચાર પાંચ દિવસમાં કેવી રીતે મળે કાનાણી ? અને હમણાં માર્કેટમાં કેશના બહુ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. " મ્હાત્રે બોલ્યો.
" અરે ભાઉ તમને હું ક્યાં નથી ઓળખતો ? તમે ખાલી અવાજ કરો અને રૂપિયાનો ઢગલો થઈ જાય. તમારા કેટલા બધા સંપર્કો છે ! ભલે ચાર પાંચ દિવસના બદલે અઠવાડિયાનો ટાઈમ લો પણ મને કરી આપો. " કાનાણી બોલ્યો.
" સામે તમે મને ગેરંટીમાં શું આપો છો ? આટલી મોટી રકમ એમનેમ થોડી મળે કાનાણી ? સામે સિક્યુરિટી પણ જોઈએ ને ? " મ્હાત્રે બોલ્યો.
" ભાઉ તમે તો મને ઓળખો જ છો. હું વચનનો પાક્કો છું. આઠ દસ દિવસમાં જ તમને તમારી તમામ રકમ પાછી મળી જશે. ઉપરથી બે કરોડ પણ આપીશ. છતાં તમારો આગ્રહ હોય તો મારી પાસે બોરીવલીમાં ૧૫ માળનું એક ટાવર તૈયાર છે. એમાં વીસેક ફ્લેટ હજુ વેચાયા નથી. એની કિંમત ૩૦ કરોડ જેવી થાય. એ તમામ ફ્લેટનું વેચાણ ખત તમને કરી આપું. એક સમજૂતી કરાર કરી દઈએ. આટલા વર્ષોનો આપણો સંબંધ છે તો આ ૨૦ ફ્લેટની સામે ૫૦ કરોડ મને કરી આપો. " કાનાણી બોલ્યો.
"૫૦ કરોડની સામે ૩૦ કરોડની પ્રોપર્ટી ઓછી પડે કાનાણી. તમારો મલાડનો બંગલો આજના ભાવે પાંચેક કરોડનો હશે એ પણ મને લખી આપવો પડશે. તમે આ બે પ્રોપર્ટીનું વેચાણખત મારા નામે તૈયાર કરી દો. આઠ દસ દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપું છું. પૈસા પાછા આપવાની તમને વધુમાં વધુ એક મહિનાની મુદત મળશે એ પણ આપણા સંબંધોના કારણે. કોઈ પણ હિસાબે તમારે મને મહિનાની અંદર પૂરેપૂરા બાવન કરોડ એકસાથે જ પાછા આપવા પડશે. જો મંજૂર હોય તો જ આગળ વધીએ. " સુધીર મ્હાત્રે મરાઠીમાં બોલ્યો. એ ખંધો રાજકારણી હતો. સંબંધોની શરમ ભરે તેવો ન હતો.
" મને મંજૂર છે. તમે તો એક મહિનાનો સમય આપો છો પરંતુ દસ જ દિવસમાં તમારી તમામ રકમ પ્રોફિટ સાથે રિટર્ન થઈ જશે ભાઉ. " પ્રતાપ કાનાણી હરખાઈને બોલ્યો અને ફોન કટ કર્યો. અર્જુનને જેમ માછલીની આંખ જ દેખાતી હતી એમ કાનાણીને તો ૫૦ કરોડનો નફો જ દેખાતો હતો.
બે દિવસ પછી સુધીર મ્હાત્રેએ પોતાના એડવોકેટને બોલાવ્યો અને પ્રતાપ કાનાણીને પ્રોપર્ટી ઉપર એક મહિના માટે વ્યાજે લોન આપવાની વાત કરી. અને એના માટે સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ ખત તથા સમજૂતી કરાર તૈયાર કરવાની સૂચના આપી. પ્રોપર્ટીની તમામ વિગતો દસ્તાવેજ સાથે કાનાણીએ મ્હાત્રેને આગલા દિવસે જ પહોંચાડી દીધી હતી.
મ્હાત્રે સાહેબની સૂચના પ્રમાણે એના એડવોકેટે બોરીવલીના નવા બનેલા સૂર્યા ટાવરના વેચાયા વગરના ૨૦ ફ્લેટનું વેચાણખત સ્ટેમ્પ પેપર ઉપર તૈયાર કર્યું. સાથે સાથે મઢ આઇલેન્ડ પાસે આવેલો પ્રતાપ કાનાણીનો સ્વતંત્ર બંગલો પણ સ્ટેમ્પ પેપર ઉપર સુધીર મ્હાત્રેના નામે વેચાણ લખી દેવામાં આવ્યો.
એ વિધિ પતાવ્યા પછી મ્હાત્રેએ પોતાના એડવોકેટ પાસે પોતાની અને પ્રતાપ કાનાણીની વચ્ચેનો એક સમજૂતી કરાર પણ સ્ટેમ્પ પેપર ઉપર ટાઈપ કરાવી દીધો. કરાર નીચે મુજબ હતો :
# જે દિવસે આ સ્ટેમ્પ પેપર ઉપર પ્રતાપ કાનાણી અને સુધીર મ્હાત્રેની સાઇન કરવામાં આવે અને નોટરાઇઝ કરવામાં આવે તે દિવસથી આ સમજૂતી કરાર અમલમાં આવશે અને તે દિવસથી ૩૦ દિવસની અંદર પ્રતાપ કાનાણીએ એને મળેલી તમામ રકમ વ્યાજ સાથે સુધીર મ્હાત્રેને પરત કરવાની રહેશે. જો પ્રતાપ કાનાણી તમામ રકમ પાછી આપવામાં નિષ્ફળ જાય તો વેચાણખતમાં લખેલી તમામ મિલકત આપોઆપ સુધીર મ્હાત્રેની થઈ જશે. એ દિવસ પછી એ મિલકતો ઉપર પ્રતાપ કાનાણીનો કોઈપણ હક દાવો રહેશે નહીં. કરાર મુજબ તમામ રકમ એક સાથે જ પરત કરવાની રહેશે. ઓછી રકમ સ્વીકારવામાં આવશે નહીં.... બંનેની સહી. તા. .....
તમામ પેપર્સ તૈયાર થઈ ગયાં એ પછીના ચોથા દિવસે સુધીર મ્હાત્રેએ ૫૦ કરોડ કેશ ૭ મોટાં બોક્સમાં પૅક કરાવી અને પછી કાનાણીને પોતાની મલાડની ઓફિસે બોલાવ્યો.
સુધીર મ્હાત્રેની ઓફિસે એમનો એડવોકેટ અને નોટરી બંને હાજર હતા. મ્હાત્રેએ બધા સ્ટેમ્પ પેપર ઉપર કાનાણીની સહી કરાવી લીધી અને એ પછી પોતે પણ સહી કરી દીધી. નોટરીએ તમામ સ્ટેમ્પ પેપર નોટેરાઇઝ કરી દીધા.
૫૦ કરોડ મળી ગયા એની ખુશીમાં પ્રતાપ કાનાણી તરફથી બધા માટે આઈસ્ક્રીમ મંગાવવામાં આવ્યો.
" નીચે ટેમ્પો ઉભો છે. તમારી ઓફિસનું એડ્રેસ આપી દીધું છે. ટેમ્પોમાં મારો સિક્યુરિટી પણ સાથે જ છે. તમે નીકળો એટલે તમારી પાછળ પાછળ જ ટેમ્પો આવશે. તમારા માણસોને કહીને બધાં બોક્સ તમારી ઓફિસે ઉપર લઈ જજો. પૂરા ૫૦ કરોડ છે. " મ્હાત્રે મરાઠીમાં બોલ્યો.
એ પછી થોડીક વાતો કરીને બધા ઊભા થયા. વકીલ અને નોટરીની સાથે કાનાણી પણ બહાર નીકળ્યા અને નીચે જઈને પોતાની ગાડીમાં બેઠા. એમની ગાડી નીકળી એની પાછળ પાછળ ટેમ્પો પણ આગળ વધ્યો.
રસ્તામાં જ કાનાણીએ પોતાના બે ખાસ માણસોને નીચે બોલાવી લીધા હતા. ગાડી પહોંચી એ પછી દસેક મિનિટ પછી ટેમ્પો પણ આવી ગયો. કાનાણીના માણસોએ ૭ બોક્સ ઉતારી લીધાં અને ધીમે ધીમે તમામ બોક્સ ઉપર ઓફિસમાં લઈ ગયા. તમામ બોક્સ ઉપર ચડી ગયાં ત્યાં સુધી કાનાણી પોતે નીચે ટેમ્પો પાસે જ ઊભો રહ્યો હતો.
ચાલો ૫૦ કરોડ તો મળી ગયા. હવે બંગલામાં કેટલી કેશ પડી છે એ આજે રાત્રે ઘરે જઈને ગણવી પડશે. એમાંથી ૨૫ કરોડ અલગ કરીને બોક્સમાં ઓફિસે પહોંચાડી દેવા પડશે. - કાનાણી પોતાની ઓફિસમાં પાછો આવીને વિચારી રહ્યો હતો.
એણે પોતાના માણસને મોકલીને ચાર મોટાં બોક્સ બજારમાંથી મંગાવી લીધાં. સાથે પેકિંગ માટે સેલો ટેપ અને પ્લાસ્ટિકની દોરી પણ મંગાવી. એ બધું જ એણે નીચે ગાડીમાં જ મૂકાવી દીધું.
સાંજે સાત વાગે ઘરે પહોંચીને એણે તમામ બોક્સ અને દોરી વગેરે ઘરમાં મૂકવાની સાવંતને સૂચના આપી. એ કામ પતી ગયું પછી સાવંત ત્યાથી બોરીવલીની બસ પકડવા નીકળી ગયો.
રસ્તામાં એણે અભિમન્યુ સાથે વાત કરી.
" કાનાણી શેઠે કેશ માટે અહીંના એમએલએ સુધીર મ્હાત્રે સાથે મોટું સેટિંગ કર્યું છે. આજે ૭ બોક્સ ટેમ્પો ભરીને મ્હાત્રેની ઓફિસથી શેઠની ઓફિસે પહોંચી ગયાં છે. બંને વચ્ચે કંઈક લખાણ પણ થયું હોય એવું લાગે છે કારણ કે શેઠ નીચે ઉતર્યા ત્યારે બે એડવોકેટ પણ સાથે હતા." તુકારામ સાવંત બોલ્યો.
" ચાલો બહુ જ સરસ સમાચાર તેં આપ્યા. હવે કાનાણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. " અભિમન્યુ બોલ્યો અને એણે ફોન કટ કર્યો.
સાવંતનો ફોન આવી ગયા પછી તરત જ અભિમન્યુએ મુનીર વોરાને ફોન કર્યો.
" મુનીર હવે એક્શન ચાલુ કરવાનો સમય શરૂ થઈ ગયો છે. અત્યારે જ તું ગોવિંદ બોરકરને ફોન કરી દે અને સૂચના આપ કે આવતીકાલે જ એ કાનાણી શેઠની ઓફિસે પહોંચી જાય અને આપણે જે રીતે વાતચીત થઈ છે તે પ્રમાણે એ ત્યાં જઈને દસ કરોડની ડિમાન્ડ કરે. અત્યારે કાનાણી હવામાં ઉડે છે એટલે ગમે તેમ કરીને બોરકર સાથે પાંચ કરોડમાં સેટલમેન્ટ કરશે." અભિમન્યુ બોલ્યો.
" સારું થયું તારો ફોન આવી ગયો. હું આજે સાંજે તને ફોન કરવાનો જ હતો. રેકોર્ડ રૂમમાંથી બાવીસ વર્ષ પહેલાંની તારા પિતાજીના મર્ડરની વસઈ પોલીસ સ્ટેશનની ફાઈલ મળી આવી છે. રેકોર્ડ રૂમના ખાસ માણસને સારી એવી રકમ આપીને ફાઈલ શોધી કઢાવી છે. " મુનીર વોરા ઉત્સાહથી બોલ્યો.
" ગ્રેટ ન્યુઝ મુનીર. હવે ઊંટ પહાડ નીચે આવી જશે. મારા પિતાજીનું ડાઈંગ ડેક્લેરેશન એ ફાઇલમાં જ છે. મારે એકવાર એ ફાઈલ જોવી છે. " અભિમન્યુ બોલ્યો.
" હું એ ફાઈલ એક દિવસ માટે લઈ આવીશ તું ચિંતા ના કર. પૈસા વેરવાથી બધાં જ કામ થાય છે. પહેલાં બોરકરને કાનાણી પાસે મોકલીએ. જોઈએ શું થાય છે !" મુનીર બોલ્યો અને ફોન કટ કર્યો.
અભિમન્યુ પોતે ગોવિંદ બોરકરને ફોન કરી શકે એમ હતો પરંતુ જો પોતે ફોન કરે તો ફોનમાં બોરકર પાસે એનું સાચું નામ ' અભિમન્યુ પાઠક ' આવી જાય. જ્યારે બોરકર આગળ તો એણે પોતાની ઓળખાણ ડિટેક્ટિવ આશિષ પાંડે તરીકે આપી હતી. જ્યારે મુનીર વોરાની ઓળખાણ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર વોરા સાહેબ તરીકે આપી હતી એટલે મુનીર વોરા ફોન કરે એ જ યોગ્ય હતું ! અભિમન્યુ દરેક પગલું ખૂબ જ વિચારીને ભરતો હતો !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
