વલ્લકી પ્રકરણ 21
અભિમન્યુ પાસે બેસીને બધું સમજી લીધા પછી મહેશ ભાટિયા ત્યાંથી નીકળી ગયો અને પોતાના ઘરે ગયો. રાત્રે આઠ વાગે એને બોરીવલી સ્ટેશન ઉપર તુકારામ સાવંતને મળવાનું હતું. સાંજના સાડા છ તો થઈ જ ગયા હતા.
વલ્લકી નવલકથા
એણે સાડાસાત વાગે યુનિફોર્મનું પેકેટ હાથમાં લીધું અને બહાર જઈને બાઈક સ્ટાર્ટ કરી. તુકારામે જે સમય આપ્યો હતો એની પાંચ મિનિટ પહેલાં જ એ સ્ટેશન ઉપર પહોંચી ગયો અને અગાઉ જ્યાં ઊભો રહ્યો હતો ત્યાં જ ઉભો રહ્યો.
દસેક મિનિટમાં સાવંત આવી ગયો એટલે મહેશે પેકેટ એના હાથમાં પાછું આપી દીધું.
" શેઠ સાથે વાત થઈ ગઈ છે અને આપણા પ્લાન પ્રમાણે શનિવારે સવારે હું દિલ્હીથી આવી જઈશ અને હોટલમાં ઉતરીને સરદારજી તરીકે શેઠને હું ફોન કરીશ. એ પછી એ જે સમય આપે તે પ્રમાણે હું શેઠની ઓફિસે પહોંચી જઈશ. શેઠ સમય આપે એટલે હું તમને પણ ફોન કરી દઈશ. તમે પણ એ મિટિંગમાં આવી શકો છો." મહેશ ભાટિયા મરાઠીમાં બોલ્યો.
" મારાથી મિટિંગમાં નહીં અવાય. હું બહુ નાનો માણસ છું. તમે જ્યારે દત્તાત્રેય બનીને શેઠને મળવા આવ્યા ત્યારે હું તમારી સાથે હતો એ વાત અલગ હતી. કારણ કે એ મીટીંગ મેં પોતે જ કરાવી હતી એટલે તમારી સાથે મિટિંગમાં હું પણ હાજર હતો. જ્યારે આ તમારી અને શેઠની બિઝનેસ મીટીંગ છે. જ્યાં ડાયમંડની કરોડોની વાત ચાલતી હોય એમાં શેઠ મને સાથે રાખવાનું પસંદ ના કરે. મીટીંગ થઈ ગયા પછી શું વાત થઈ એ તમારે મને કહેવું હોય તો કહી શકો છો. " તુકારામ બોલ્યો.
" હમ્ .. ઠીક છે. મીટીંગ થઈ જાય પછી હું તમને જણાવીશ. " મહેશ બોલ્યો અને બંને છૂટા પડ્યા.
આ બાજુ અભિમન્યુ પાઠક ખૂબ જ હોશિયાર હતો. એ પ્રતાપ કાનાણીને પગથી માથા સુધી ઓળખતો હતો. સરદારજી સાથેની મીટીંગનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો એટલે એણે બીજા જ દિવસે સવારે મુનીર વોરાને ફોન કર્યો.
" મુનીર અભિમન્યુ બોલું. તારે બીજું પણ એક નાનકડું કામ કરવાનું છે. તું કાંદીવલી પોલીસ સ્ટેશનમાં છે એટલે કાંદીવલીની કોઈપણ સારી હોટલ શોધી કાઢ અને ત્યાં પહોંચી જા. ત્યાં હોટલ મેનેજરને એમ કહે કે દિલ્હીથી સીબીઆઇના એક ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર દલજીતસિંધ શનિવારે સવારે મુંબઈ આવી રહ્યા છે અને એ તમારી હોટલમાં ઉતરશે." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" બહુ મોટા સાહેબ છે અને આ એમની અનઓફિસિયલ અને પ્રાઇવેટ વિઝીટ છે એટલે એમણે સરકીટ હાઉસમાં ઉતરવાના બદલે અમને પ્રાઇવેટ હોટલ બુક કરાવવાનું કહ્યું છે. એમના માટે એક ડીલક્ષ રૂમ ખાલી રાખજો. એ એમની પોતાની કોઈ ઓળખ એટલે આઈડી નહીં આપે. તમારે એમને કોઈ પણ પ્રશ્ન પૂછવો નહીં. બસ ચાવી આપી દેવાની. એમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ. " અભિમન્યુ બોલ્યો.
" થઈ જશે અભિમન્યુ. તારું કામ આજે જ થઈ જશે. જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે જાય અને સીબીઆઇ ઓફિસર આવવાના હોય પછી કાંદીવલીમાં પણ રૂમ બુક થાય અને મલાડમાં પણ થાય. એ લોકોને હોટલ ચલાવવાની છે. પોલીસને તો સાચવવી જ પડે." મુનીર બોલ્યો. એ મનમાં બધું જ સમજી ગયો હતો કે મુંબઈના જ કોઈ સરદારજી મુંબઈની જ હોટલમાં રોકાવાના હશે !
અને ખરેખર બપોરે ત્રણ વાગે મુનીર વોરાનો અભિમન્યુ ઉપર ફોન આવી ગયો.
" સીબીઆઇ ઓફિસર માટે મલાડ વેસ્ટમાં એસએનડીટી કોલેજની સામે લેન્ડમાર્ક હોટલમાં ૩૦૧ નંબરનો રૂમ બુક થઈ ગયો છે. મુનીર વોરા પોતે જ્યારે હોટલમાં જાય પછી કામ ના થાય એવું તો બને જ નહીં. તારા એ દલજીતસિંઘને વીઆઈપી ટ્રીટમેન્ટ મળશે. એમને કહેજે કે કોઈ આઈડી બતાવવાની જરૂર નથી. બસ એટલું જ કહેવાનું કે - દલજીતસિંઘ ફ્રોમ દિલ્હી !" મુનીર બોલ્યો.
મુનીર વોરાની પર્સનાલિટી ગજબ હતી. પડછંદ શરીર અને ઊંચાઈ પણ સારી હતી. દેખાવે એનો ચહેરો પણ કડક હતો. હતો તો એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ એનો રૂઆબ પોલીસ ઇન્સ્પેક્ટરથી કમ ન હતો. એક વર્ષની નોકરીમાં એણે પોતાની સારી ધાક જમાવી હતી.
" મને ખાત્રી જ હતી કે મુનીર જાય એટલે કામ પાર પાડીને જ આવે. છેક મલાડની હોટલ કેમ બુક કરી ? એ પણ તારા જ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ?" અભિમન્યુ બોલ્યો.
" અરે અભિમન્યુ કાંદીવલીમાં બહુ સારી કહી શકાય એવી હોટલો ખાસ નથી. સૌથી સારી હોટલો જુહુ અને અંધેરીમાં છે. એ સિવાય થોડીક ગોરેગાંવ અને થોડીક મલાડમાં છે. મલાડની હોટલ અમારી હદમાં નથી આવતી પરંતુ પોલીસ જાય પછી હોટલવાળા એમ ના પૂછે કે તમે કયા પોલીસ સ્ટેશનમાં છો ! અને હોટલ લેન્ડમાર્કમાં અમારા એક પોલીસ ઓફિસર માટે અગાઉ પણ રૂમ બુક કરાવેલો છે એટલે મેનેજર મને સારી રીતે ઓળખે છે." મુનીર બોલ્યો.
" તારા કામમાં કંઈ કહેવાપણું હોય જ નહીં. તને મારી સાથે જોઈને પેલો ગોવિંદ બોરકર પણ થથરી ગયો હતો. થેન્ક્સ મુનીર. આ મારું બીજું મિશન છે. ક્યારેક રૂબરૂ મળીશું ત્યારે હું બધી વાત કરીશ." અભિમન્યુ બોલ્યો અને પછી એણે તરત જ મહેશ ભાટિયાને ફોન લગાવ્યો.
" મહેશ તારે હવે ત્રીજો એક નવો રોલ ભજવવાનો છે. પણ આ નવા રોલમાં તારે કંઈ જ કરવાનું નથી કે કંઈ પણ બોલવાનું નથી. તારા માટે મલાડ વેસ્ટમાં એસએનડીટી કોલેજની સામે લેન્ડમાર્ક હોટલનો ૩૦૧ નંબરનો રૂમ બુક થઈ ગયો છે. તું દિલ્હીથી આવે છે એટલે હોટલમાં જ રોકાવું પડે ને !" અભિમન્યુ હસીને બોલ્યો.
" હા તારી એ વાત પણ સાચી છે. શેઠ મને પૂછે કે તમે ક્યાં ઉતર્યા છો તો એનો પણ મારે જવાબ આપવો પડે. એવું તો મારાથી કહેવાય નહીં કે અલ્યા ભઈ હું તો બોરીવલીમાં જ રહું છું." મહેશ પણ હસીને બોલ્યો.
" હા એટલા માટે જ આ બધું પ્લાનિંગ કર્યું છે. તારો આ હોટલમાં રોલ અલગ છે. કાંદીવલીનો પોલીસ ઇન્સ્પેક્ટર મારો ખાસ મિત્ર છે અને એણે જ તારા માટે હોટલમાં ખાસ વ્યવસ્થા કરી છે. આજકાલ તું વીઆઇપી છે મહેશ. કરોડોના હીરા તારી પાસે હશે. તારું ધ્યાન તો મારે રાખવું જ પડે ને ! હવે મારી વાત ધ્યાનથી સાંભળ." અભિમન્યુ બોલ્યો.
" તારે હોટલમાં આઈડી બતાવવાનું નથી. રિસેપ્શનમાં તને એક પણ સવાલ પૂછવામાં નહીં આવે. તું પોતે સીબીઆઇનો ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે અને અહીં સાદા વેશમાં ખાસ ઇન્વેસ્ટિગેશન માટે આવેલો છે. તારે એ હોટલમાં સીબીઆઇ ઓફિસર તરીકે બિન્દાસ કાઉન્ટર ઉપર જવાનું અને ૩૦૧ નંબરના રૂમની ચાવી માગી લેવાની. રૂઆબથી જ વાત કરવાની. તને ત્યાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળશે." અભિમન્યુ બોલ્યો.
" તારું કામ ખરેખર ગજબનું છે અભિમન્યુ. યુ આર રીયલી જીનીયસ ! કેટકેટલા પ્લાનિંગથી તું આગળ વધી રહ્યો છે ! નાનામાં નાની બાબતોનું પણ તું ધ્યાન રાખે છે. હોટલનું આયોજન કર્યું એ મને ખૂબ જ ગમ્યું. પરંતુ મારે સીબીઆઈ ઓફિસર કેમ બનવાનું છે એ મને ના સમજાયું. " મહેશ ભાટીયા બોલ્યો.
" અરે મહેશ.... અત્યારના કાયદા પ્રમાણે કોઈપણ હોટલમાં રૂમ લેવો હોય તો તમારે તમારું આઈડી બતાવવું જ પડે. તમારું નામ એડ્રેસ ફોન નંબર બધું જ રજીસ્ટરમાં લખાવવું પડે. હવે તારે જો સરદારજી બનીને હોટલમાં જ ઉતરવાનું હોય તો પછી મહેશ ભાટિયાનું આઈડી કેવી રીતે બતાવી શકે ? અને તારું મુંબઈનું એડ્રેસ કેવી રીતે લખાવી શકે ? " અભિમન્યુ બોલી રહ્યો હતો.
" અને બીજી વાત. પ્રતાપ કાનાણી બહુ શાતિર માણસ છે. કરોડોનો સોદો થવાનો છે. એ કદાચ પોતાની ઓફિસના બદલે તારી હોટલમાં જ મિટિંગ રાખવાનું કહે અને તારી રૂમમાં આવતાં પહેલાં એ રિસેપ્શન કાઉન્ટર ઉપર રજીસ્ટર ચેક કરે તો રજીસ્ટરમાં પણ દલજીતસિંઘ લખેલું હશે અને એડ્રેસમાં પણ દિલ્હી જ લખેલું હશે. કારણકે સીબીઆઇ ઓફિસરની આ પ્રાઇવેટ વિઝીટ છે. એટલે હવે શનિવારે સવારે આઠ વાગે લેન્ડમાર્ક પહોંચી જજે કારણકે દિલ્હીનું એક ફ્લાઈટ સવારે સવા સાત વાગે આવે છે. યાદ રાખ તું એરપોર્ટથી આવી રહ્યો છે માટે ટેક્સીમાં જ જજે." અભિમન્યુ બોલ્યો.
" માની ગયો ઉસ્તાદ તને. ખરેખર તું સ્ક્રિપ્ટ પણ સારી લખી શકે છે અને તારું ડાયરેક્શન પણ અદભૂત છે." મહેશ બોલ્યો.
" અને હા શનિવારે સવારે નવ વાગે હું તને લેન્ડમાર્ક હોટલમાં મળવા આવું છું. એ વખતે તને ડાયમંડ આપી દઈશ. ડાયમંડ મળી જાય એ પછી શેઠને ફોન કરવાનો છે." અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કરી દીધો.
છેવટે શનિવારનો એ દિવસ આવી ગયો. મહેશ ભાટિયા મૂળ નાટકનો કલાકાર હતો એટલે ભાડેથી ડ્રેસ ક્યાં મળે છે એ બધું જ એ જાણતો હતો. શુક્રવારે સાંજે જ એ પોતાને ફિટ બેસે એવો શીખ લોકો પહેરે છે એવો કુર્તો પાયજામો અને એવી જ પાઘડી ભાડેથી લઈ આવ્યો હતો. એના જાણીતા મેકઅપ મેન પાસે વહેલી સવારે જઈને નકલી દાઢી મૂછ પણ લગાવી દીધાં હતાં. વહેલી સવારે આ કામ કરવાના એણે એક્સ્ટ્રા પૈસા પણ આપ્યા હતા.
ઘરેથી અસલ શીખ ઓફિસર બનીને જ એ ટેક્સીમાં મલાડ જવા નીકળી ગયો. બરાબર આઠ અને દસ મિનિટે એ હોટલ લેન્ડમાર્ક પહોંચી ગયો.
હોટલના સિક્યુરિટીવાળાએ દોડીને એની બેગ લઈ લીધી અને છેક રિસેપ્શન સુધી મૂકી ગયો. રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને મહેશે માત્ર એટલું જ કહ્યું : "દલજીતસિં સાહની ફ્રોમ દિલ્હી"
" જી સર. વેલકમ સર. હેવ આ ગુડ ડે . " રિસેપ્શનિસ્ટ બોલ્યો અને તરત ૩૦૧ નંબરના રૂમની ચાવી આપી દીધી. એ સાથે જ ત્યાં ઉભેલો વેઇટર પણ સાહેબની બેગ ઉપાડીને એમની સાથે લિફ્ટમાં ગયો.
સીબીઆઈ ઓફિસરે એટલે કે મહેશ ભાટિયાએ રૂમ ખોલ્યો એટલે વેઇટરે બેગ અંદર ગોઠવી દીધી. એ પછી એ પાણીનો જગ મૂકી ગયો.
" સર... ચાય કોફી ? " વેઇટર બોલ્યો.
" નો થેન્ક્સ. " દલજીતસિંઘ એટલે કે મહેશ ભાટિયા બોલ્યો. વેઇટર સલામ કરીને જતો રહ્યો.
મહેશ ભાટિયાને પોતાની સાથે જે થઈ રહ્યું હતું એના ઉપર વિશ્વાસ નહોતો આવતો. આ હોટલમાં એને કેટલું બધું માન મળ્યું હતું ! અભિમન્યુ આટલો બધો પહોંચેલો છે એ એને હવે ખબર પડી. એના કોઈપણ કામમાં કચાશ ન હતી. પોતે ટેક્સીમાંથી ઉતર્યો અને પોતાને જોયો કે તરત જ સિક્યુરિટીવાળો દોડીને બેગ લેવા માટે આવી ગયો હતો. વેઈટર પણ એને સલામ કરતો હતો !
ચા નાસ્તો ઘરેથી કરીને જ આવ્યો હતો એટલે અહીંથી કંઈ પણ લેવાની એની ઈચ્છા ન હતી. અભિમન્યુ આવે ત્યાં સુધી બસ રાહ જોવાની હતી.
બરાબર નવ વાગે અભિમન્યુ પાઠક હોટલમાં હાજર થઈ ગયો. રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને એ બોલ્યો.
" દલજીતસિંઘ સર સે મિલના હૈ. મેરી ઉનકે સાથ નૌ બજેકી મિટિંગ હૈ. ઉનકો બોલો કી અભિમન્યુ પાઠક આ ગયે હૈં." અભિમન્યુ બોલ્યો.
" જી સર. " રિસેપ્શનિસ્ટ બોલ્યો અને એણે તરત જ ૩૦૧ નંબરમાં રીંગ આપી.
" સરજી કોઈ અભિમન્યુ સર આપકો મિલને આયે હૈં"
" હાં હાં ભેજો ઉનકો." મહેશ ભાટિયા બોલ્યો.
" સર આપ જા સકતે હો. ૩૦૧ નંબર હૈ સરજી કા." રિસેપ્શનિસ્ટ બોલ્યો એટલે અભિમન્યુ લિફ્ટ તરફ આગળ વધ્યો અને ત્રીજા માળનું બટન દબાવ્યું. રૂમ પાસે પહોંચીને ટકોરા માર્યા એટલે મહેશે દરવાજો ખોલ્યો.
" ઓયે પાપે ! અસ્સલ શીખ લાગે છે તું તો ! " રૂમમાં દાખલ થયા પછી સરદારજીને જોઈને જ અભિમન્યુથી બોલાઈ જવાયું.
"નાટકનો અવ્વલ દરજ્જાનો કલાકાર છું અભિ. નાટકોમાં જાતજાતના રોલ કરવાના આવે એટલે આ બધી ફાવટ આવી ગયેલી છે. " મહેશ બોલ્યો.
અભિમન્યુએ સમય ગુમાવ્યા વગર પોતાના ખિસ્સામાંથી મરૂન કલરનું વેલ્વેટ પાઉચ કાઢ્યું અને મહેશના હાથમાં મૂક્યું.
"હવે તારે શેઠ સાથેની મીટીંગમાં શું બોલવાનું છે એ બરાબર યાદ રાખી લે. - આ ૨૧ કેરેટ આસપાસનો સાઉથ આફ્રિકાનો પ્રીમિયમ ક્વોલીટીનો કુલીનન ડાયમંડ છે. આવા જ બીજા ૧૪ ડાયમંડ મારી પાસે પડેલા છે. ટોટલ વેલ્યુ લગભગ સવા સો કરોડ જેવી થાય છે. તમે ગમે તે ઝવેરી પાસે એનું વેલ્યુએશન કરાવી શકો છો. હું છૂટક ડાયમંડ વેચવા માગતો નથી. એક સાથે જ બધા લેવાની તૈયારી હોય તો જ આ સોદો થશે. તમામ રકમ મને રોકડમાં જોઈએ. " અભિમન્યુએ વાત પૂરી કરી.
" સમજી ગયો. એ જ રીતે વાત થશે. મારે માત્ર કુલીનન શબ્દ ગોખી નાખવો પડશે. બાકી વાત કરવામાં તો મને કોઈ વાંધો નહીં આવે. " મહેશ બોલ્યો.
" આ ડાયમંડ સંભાળીને રાખજે. એને કોઈ જગ્યાએ બતાવવો હોય તો તું પણ એની સાથે જજે. આ એક જ હીરાની કિંમત આઠ થી નવ કરોડની છે માટે ધ્યાન રાખજે. હવે તું શેઠને તારા મોબાઈલથી ફોન કર." અભિમન્યુ બોલ્યો.
" હોટલના લેન્ડલાઈન નંબરથી ફોન કરીએ તો ? એને ખબર પણ પડે ને કે હું લેન્ડમાર્ક હોટલમાં ઉતર્યો છું." મહેશ બોલ્યો.
"તું કલાકાર સાચો પણ આ ક્રાઈમ ડ્રામામાં થોડો કાચો પડે છે મહેશ." અભિમન્યુ બોલ્યો.
" હું સમજ્યો નહીં. " મહેશ બોલ્યો.
" તું આ હોટલના લેન્ડલાઈન નંબરથી વાત કરીશ એટલે કાનાણી શેઠ પાંચ મિનિટ પછી તરત જ હોટલમાં ફોન કરશે અને સરદારજીની એટલે કે તારી ઇન્કવાયરી કરશે. એ કહેશે કે - હમણાં જ તમારી હોટલમાંથી મારા ઉપર કોઈ સરદારજીનો ફોન હતો તો એ કયા નંબરમાં ઉતર્યા છે ? એટલે ઓપરેટર તરત કહેશે કે રૂમ નંબર ૩૦૧ માંથી સીબીઆઈ ઓફિસર દલજીતસિંઘ તમારી સાથે વાત કરી રહ્યા હતા. બોલ પછી પેલો કાનાણી આપણા ખેલનું બેન્ડ બજાવે કે નહીં ? પછી તારી સાથે એ સોદો કરે ખરો ?" અભિમન્યુ હસીને બોલ્યો.
અભિમન્યુનો જવાબ સાંભળીને મહેશ ભાટિયા ચક્કર ખાઈ ગયો. એ ઉભો થઈ ગયો અને નીચા નમીને સોફામાં બેઠેલા અભિમન્યુના પગ પકડી લીધા. "તુસ્સી ગ્રેટ હો યાર !"
" આ બધી સાવધાની રાખવી જરૂરી છે મહેશ. જેટલું કામ મોટું એટલી સાવધાની વધારે ! હવે હું શાંતિથી બેઠો છું. તું એકવાર શેઠ સાથે વાત કરી લે પછી હું નીકળું. અને શેઠ જો કહે કે હું હોટલમાં જ આવું છું તો ચોખ્ખી ના પાડી દેવાની. તારે એમ જ કહેવાનું કે હું જ તમારી ઓફિસે આવીશ. મારી સાથે મારો મિત્ર પણ આવેલો છે એટલે હોટલમાં નહીં ફાવે. તમારી ઓફિસ સિવાય બહાર બીજે ક્યાંય મળવું હોય તો પણ મને વાંધો નથી " અભિમન્યુ બોલ્યો.
" મીટીંગ વખતે એ મને કઈ હોટલમાં ઉતર્યા છો એમ પૂછે તો લેન્ડમાર્કનું નામ તો દેવું પડશે ને !" મહેશ બોલ્યો.
" આ ડાયમંડ જોયા પછી અને એને હાથમાં પકડ્યા પછી એ એવો તો અંજાઈ જશે કે એ તારી કોઈ પણ ઇન્કવાયરી નહીં કરે. કઈ હોટલમાં ઉતર્યો છે એ પણ નહીં પૂછે. એ સીધી સોદાની જ વાત કરશે. " અભિમન્યુ હસીને બોલ્યો.
હકીકતમાં આજે વહેલી સવારે ઊઠીને રૂદ્રાક્ષને હાથમાં લઈને અભિમન્યુએ ડાયમંડ ઉપર ત્રાટક વિદ્યા અજમાવી હતી. રુદ્રાક્ષ તો એકદમ જાગૃત હતો અને જે માંગો તે મળી જાય એવી એનામાં શક્તિ હતી. એણે રુદ્રાક્ષ પાસે એટલું જ માગ્યું હતું કે આ ડાયમંડ હાથમાં લીધા પછી પ્રતાપ કાનાણી તમામ ડાયમંડ ખરીદવા માટે બેચેન બની જાય. એ સરદારજી બનેલા મહેશ ભાટિયા વિશે કોઈ તપાસ ના કરે !
ત્રાટક વિદ્યા અજમાવ્યા પછી એણે દાદાજીને પણ પ્રાર્થના કરી હતી કે કોઈ પણ સંજોગોમાં પ્રતાપ કાનાણી તમામ ૧૫ ડાયમંડનો સોદો કરી લે એવા આશીર્વાદ આપો. મારે પિતાજીના ખૂનનો બદલો લેવો છે અને એમાં આપની મદદની જરૂર છે !
પરંતુ મહેશ તો આ બધી બાબતોથી સાવ અજાણ હતો. એ અભિમન્યુની વાત આશ્ચર્યથી સાંભળી રહ્યો હતો. અભિમન્યુની દરેક વાતમાં કેટલો બધો આત્મવિશ્વાસ હતો !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
