વલ્લકી પ્રકરણ 20
દિલ્હીથી હરજોતસિંધે નવું સીમકાર્ડ મોકલાવ્યા પછી અભિમન્યુએ મહેશ ભાટિયા તથા તુકારામ સાવંતને પોતાની ઓફિસે બોલાવ્યા હતા અને મહેશને દત્તાત્રેયનો રોલ કેવી રીતે કરવાનો છે એની વિગતવાર સમજણ આપી હતી.
વલ્લકી નવલકથા
આમ તો વાત લગભગ પૂરી જ થઈ ગઈ હતી અને બંને જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ અભિમન્યુને કંઈક યાદ આવ્યું એટલે એ બોલ્યો.
" તુકારામ તારે મહેશને ટેક્સી ડ્રાઇવરનો એક યુનિફોર્મ પણ આપવો પડશે જેથી કાનાણીને વિશ્વાસ આવે કે ખરેખર એ ટેક્સી ડ્રાઇવર છે. કોઈ કામ કાચું રાખવું નથી. અને કોઈ જાણીતા ડ્રાઇવરનો બિલ્લા નંબર પણ મહેશને આપી રાખજે. શેઠનું ભલું પૂછવું. કરોડોનો મામલો છે એટલે દત્તાત્રેયને બિલ્લા નંબર પૂછે પણ ખરો ! "
" બિલ્લા નંબર ૧૩૧૬. મારો કઝીન બ્રધર કિરણ ટેક્સી ડ્રાઇવર જ છે પરંતુ એને શેઠ સારી રીતે ઓળખે છે. હું રજા ઉપર હોઉં ત્યારે ઘણીવાર મારો એ કઝીન કિરણ જ મારી બદલીમાં આવે છે. એનો બિલ્લા નંબર ૧૩૧૬ છે. " સાવંત હસીને મરાઠીમાં બોલ્યો.
સાવંત ગુજરાતી બરાબર સમજતો હતો. કાનાણી પણ એની સાથે ઘણીવાર આદત મુજબ ગુજરાતીમાં વાત કરતા હતા. પરંતુ સાવંત હંમેશા મરાઠીમાં જ જવાબ આપતો હતો.
" મહેશ આ નંબર તું યાદ રાખી લેજે. મહાદેવની કૃપાથી આપણાં બધાં કામ સરસ રીતે પાર પડી રહ્યાં છે ! " અભિમન્યુ બોલ્યો.
ત્યાં સુધીમાં ધવલ આઈસ્ક્રીમના ત્રણ બાઉલ લઈને અંદર આવ્યો અને દરેકની સામે ટેબલ ઉપર મૂક્યા.
" તમે બંને આવવાના હતા એટલે ધવલને મેં કહી રાખ્યું હતું કે અમારી મીટીંગ ચાલુ થાય પછી બધાં માટે આઈસ્ક્રીમ લઈ આવજે." અભિમન્યુ બોલ્યો.
આઇસ્ક્રીમ પતાવીને મહેશ ઉભો થયો. " હું રજા લઉં અભિમન્યુ. જ્યારે શેઠને મળવા જવાનું હોય ત્યારે મને જાણ કરી દેજે."
" અરે પણ તમે બંને એકબીજાના ફોન નંબર તો લઈ લો. તમે બંને એકબીજાનો કોન્ટેક્ટ કેવી રીતે કરશો ?" અભિમન્યુ બોલ્યો.
" અરે હા સારું યાદ કરાવ્યું. " મહેશ બોલ્યો અને એણે સાવંતનો નંબર લઈ લીધો અને પોતાનો નંબર એને આપી દીધો.
"માની ગયો સર તમને ! તમારું કામ એટલું બધું પ્લાનિંગ વાળું છે કે નાનામાં નાની બાબતનું પણ તમે ધ્યાન રાખો છો ! આ મહેશભાઈની પસંદગી પણ તમે સરસ કરી છે. " સાવંત બોલ્યો.
" હવે બે ત્રણ દિવસમાં જ તું તારું કામ ચાલુ કરી દે. શેઠને કહી દે કે દત્તાત્રેય મુંબઈ આવી ગયો છે. હવે વિલંબ કરવાની કોઈ જરૂર નથી. " અભિમન્યુ બોલ્યો.
" ઓકે સર. મહેશભાઈ તમે પણ તૈયાર રહેજો." સાવંત મહેશ સામે જોઈને બોલ્યો.
" અને મહેશ દિલ્હીથી સરદારજીના નંબરનું નવું સીમ કાર્ડ આવી ગયું છે. એ તું તારી પાસે જ રાખ. જ્યારે તું સરદારજી બને ત્યારે એ નંબર ચાલુ કરી દેવાનો. દત્તાત્રેયનો રોલ પૂરો થઈ જાય એના બીજા દિવસથી તારો સરદારજીનો રોલ ચાલુ થઈ જશે. ના હોય તો બીજો એક મોબાઈલ લઈ લે. એમાં આ નવો નંબર ભરાવી રાખજે. જ્યાં સુધી સોદો પતે ત્યાં સુધી એ નંબર ચાલુ રાખવો પડશે." અભિમન્યુ બોલ્યો અને એણે ડ્રોવરમાંથી સીમકાર્ડ કાઢીને મહેશને આપી દીધું.
"ચાલો મળીએ" કહીને મહેશ ભાટિયા બહાર નીકળી ગયો. એની પાછળ ને પાછળ તુકારામ સાવંત પણ બહાર નીકળ્યો.
આ વાતચીત થયાના બરાબર ત્રણ દિવસ પછી શેઠને ઘરેથી ઓફિસ લઈ જતી વખતે સાવંત બોલ્યો.
" શેઠ દત્તાત્રેય દેશમાંથી પાછો આવી ગયો છે. મેં એને બે ત્રણ મેસેજ કરેલા એટલે આજે સવારે જ મારા ઉપર ફોન હતો. " તુકારામ બોલ્યો.
" તો પછી આજે જ બોલાવી લે ને. એની જોડે વાત કરી લઉં પછી પેલા સરદારજીને પણ રૂબરૂ મળવા બોલાવી લઉં. " કાનાણી બોલ્યા.
" આપણે એને કાલે જ બોલાવીએ શેઠ. એ ટેક્સી ફેરવતો હોય એટલે કયા એરિયામાં હોય એ ખબર ના પડે. અને એણે આપણી ઓફિસ જોઈ નથી. એટલે મારે જ એને લેવા જવું પડશે. કાલે તમને કેટલા વાગે ફાવશે ?" તુકારામ બોલ્યો.
" ઠીક છે. કાલે મને ઓફિસે ઉતારીને તું એને લઈ આવ. બાર વાગે જ રાખીએ. " શેઠ બોલ્યા.
તુકારામે આવતીકાલનો દિવસ એટલા માટે પસંદ કર્યો હતો કે એને કિરણ પાસેથી ટેક્સી ડ્રાઇવરનો ખાખી યુનિફોર્મ પણ લેવાનો હતો અને મહેશ ભાટિયાને પણ જાણ કરવાની હતી.
ઓફિસમાંથી બહાર નીકળીને એણે મહેશને ફોન કર્યો "મહેશભાઈ કાલે બાર વાગે શેઠ સાથે મીટીંગ રાખી છે. એડ્રેસ તો તમારી પાસે છે પરંતુ એ પહેલાં ટેક્સી ડ્રાઇવરનો યુનિફોર્મ મારે તમને પહોંચાડવાનો છે. આજે રાત્રે કઝિન પાસેથી એ હું લઈ લઈશ પરંતુ કાલે સવારે હું તમને ક્યાં પહોંચાડુ? " સાવંત મરાઠીમાં બોલ્યો.
" સવારે સાડા આઠ વાગે બોરીવલી વેસ્ટ સ્ટેશન ઉપર ટિકિટ વિન્ડો પાસે હું ઊભો રહીશ. " મહેશ બોલ્યો.
" તો તો બહુ સારું હું પણ બોરીવલી ગણેશનગરમાં જ રહું છું. મને બહુ નજીક પડશે. " સાવંત બોલ્યો.
"બસ તો પછી કાલે સવારે મળીએ." મહેશ બોલ્યો અને સાવંતે ફોન કટ કર્યો.
તે દિવસે સાંજે તુકારામ એના કઝીન બ્રધર કિરણના ઘરે ગયો અને એનો ટેક્સી ડ્રાઇવરનો ખાખી યુનિફોર્મ એક દિવસ માટે જોઈએ છે કહીને લઈ આવ્યો અને ડ્રેસને રાત્રે ઈસ્ત્રી પણ કરી દીધો.
બીજા દિવસે તુકારામ સવારે લોકલ ટ્રેન પકડીને બરાબર સાડા આઠ વાગે બોરીવલી વેસ્ટ સ્ટેશન પહોંચી ગયો. મહેશ ભાટિયા ત્યાં સાઈડમાં ઉભો જ હતો. તુકારામે યુનિફોર્મનું પેકેટ એના હાથમાં આપી દીધું.
" બરાબર બાર વાગે કાંદીવલી ઓમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવી જજો. આપણે સાથે જ શેઠની ઓફિસે જવું પડશે. તમારું નામ દત્તાત્રેય છે એ ભૂલતા નહીં. જે જે ચર્ચા થઈ ગઈ છે એ પણ બરાબર યાદ કરી લેજો. અને હા તમારે મરાઠીમાં જ વાતચીત કરવાની છે." તુકારામ સાવંત બોલ્યો.
" એમાં તમારે કહેવું નહીં પડે." મહેશ હસીને મરાઠીમાં જ બોલ્યો અને સ્ટેશનની બહાર પોતાની પાર્ક કરેલી બાઈક તરફ ગયો. મહેશ ગયા પછી તુકારામ ટ્રેન પકડવા પાછો વળી ગયો.
" શેઠ આ દત્તાત્રેય. તમે કહેલું એટલે આજે સવારે જ એના ઘરે જઈને પકડી લાવ્યો. " સાવંત મરાઠીમાં બોલ્યો. શેઠની ચેમ્બરમાં શેઠની સામે ગોઠવેલા સોફા ઉપર બેસીને સાવંત બોલ્યો.
" નમસ્કાર શેઠ." મહેશ ભાટિયા બે હાથ જોડીને બોલ્યો. અત્યારે અહીં એ દત્તાત્રેય હતો !
" આ હીરાની શું મેટર છે ? સાવંતે મને કહ્યું કે તારી ટેક્સીમાં બેઠેલા કોઈ સરદારજીએ તને હીરાની વાત કરી છે." કાનાણી શેઠ બોલ્યા.
કાનાણીમાં કોઈ વિવેક નહોતો. મહેશ ભાટિયાને સામાન્ય ટેક્સી ડ્રાઇવર સમજી લીધો હતો એટલે એની સાથે તું તારીથી જ વાત ચાલુ કરી.
"બસ જે માહિતી તુકારામે આપી છે એ સાચી જ છે. સરદારજી હીરા વેચવા માટે તૈયાર છે. સવા સો કરોડની કિંમતના અસલી હીરા એની પાસે છે. એક તો રકમ મોટી છે અને પાછી અજાણી પાર્ટી છે એટલે કોઈ પાર્ટી લેવાલ નથી. સરદારજી ત્રણ વખત મુંબઈ આવી ગયા. આટલી મોટી રકમ મુંબઈમાં જ મળે એટલે મુંબઈના ધક્કા ખાય છે. " મહેશ અસલ મરાઠી કોંકણી ભાષામાં બોલ્યો.
" હમ્ ... તારી પાસે સરદારજીનું કાર્ડ છે ? મારે એની સાથે વાત કરવી પડશે. " કાનાણી બોલ્યા.
" કાર્ડ તો દેશમાં ગયો ત્યાં ક્યાંક મૂકાઈ ગયું છે પણ એમાં લખેલો નંબર મેં મોબાઈલમાં સેવ કરી લીધો છે. દલજીતસિંઘ નામ છે એનું. " મહેશ બોલ્યો અને એણે નંબર શેઠને લખાવી દીધો. શેઠે ત્યાં પડેલા પેડ ઉપર નંબર લખી દીધો.
શેઠે વિના વિલંબે એ નંબર ડાયલ કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો.
" નંબર તો બંધ આવે છે. " શેઠ બોલ્યા.
" ફરી વાર ટ્રાય કરજો ને સાહેબ. સરદારજી મુસાફરી બહુ કરતા હોય છે. ક્યારેક ફ્લાઈટમાં હોય તો ક્યારેક ટ્રેનમાં પણ હોય. એટલે નેટવર્કનો પ્રોબ્લેમ પણ હોઈ શકે. " દત્તાત્રેય એટલે કે મહેશ બોલ્યો.
" ઠીક છે હવે તું જા. હું મારી રીતે વાત કરી લઈશ. અને ખરેખર જો આ સોદો પતી જશે તો તને પણ બે પૈસા મળશે. પછી તારે ટેક્સી ચલાવવી નહીં પડે. " શેઠ મરાઠીમાં જ બોલ્યા.
" ઠીક આહે સાહેબ." મહેશ ભાટિયા બોલ્યો અને તરત બહાર નીકળી ગયો.
" હું જાઉં ? " તુકારામ બોલ્યો.
" હા તું પણ જા. પેલાને આપણી ગાડીમાં જ એના ઘરે મૂકી આવ." શેઠ બોલ્યા.
" ના સાહેબ એ તો એની ટેક્સી લઈને જ આવ્યો છે. એટલે એ તો એની મેળે જતો રહેશે. " તુકારામ બોલ્યો અને શેઠ બીજો કોઈ સવાલ કરે તે પહેલાં પોતે પણ ઝડપથી ઓફિસની બહાર નીકળી ગયો.
મહેશ લિફ્ટમાં દાખલ થયો એની સાથે જ તુકારામ પણ દાખલ થઈ ગયો.
" મેં ટેક્સીની વાત કરેલી છે અને તમે બાઈક ઉપર આવેલા છો એટલે ઝડપથી ફટાફટ નીકળી જાઓ. રાત્રે આઠ વાગે બોરીવલી સ્ટેશને એ જ જગ્યાએ મળીશું. અહીં રોકાવા જેવું નથી." તુકારામ મરાઠીમાં બોલ્યો.
મહેશ ભાટીયા નીચે ઉતરીને પાર્ક કરેલી પોતાની બાઇક પાસે ગયો અને ઝડપથી ત્યાંથી નીકળી ગયો.
તુકારામના મનમાં જે ડર હતો એ સાચો પડ્યો. મહેશ ભાટિયા બાઈક લઈને નીકળી ગયો એ પછી બે મિનિટ પછી બીજી લિફ્ટમાં કાનાણી શેઠ પણ નીચે આવ્યા. જો એ બાઈક ઉપર બેઠેલા મહેશને જોઈ ગયા હોત તો પોતે ખોટો પડત અને મોટો પ્રોબ્લેમ થઈ જાત !
" અરે દત્તાત્રેય જતો રહ્યો ? " શેઠ બોલ્યા.
" હા શેઠ. જસ્ટ હમણાં જ ગયો. આ દૂર પેલી જે ટેક્સી જાય એ એની જ છે. કંઈ કામ હતું ? " તુકારામ બોલ્યો.
" એક વાત યાદ આવી કે તરત નીચે આવ્યો પણ કંઈ નહીં. જવા દે. " શેઠ બોલ્યા અને ફરી ઉપર જવા માટે લિફ્ટ તરફ આગળ વધ્યા.
તુકારામ સમજી ગયો કે શેઠને કોઈ શંકા પડી હતી એટલા માટે જ એ નીચે આવ્યા હતા. શેઠનું માનસ થોડું શંકાશીલ હતું એ સાવંત જાણતો જ હતો એટલે જ એણે મહેશને જલ્દીથી નીકળી જવા સૂચના આપી હતી !
થોડેક દૂર જઈને મહેશ ભાટિયાએ પોતાની બાઈકને સાઈડમાં ઊભી રાખી અને દિલ્હીના નવા નંબરવાળો મોબાઈલ ચાલુ કર્યો. એક મિસ કોલ હતો જે કાનાણી શેઠનો જ હતો એટલે એણે એ નંબર સેવ કરી લીધો. એ પછી એણે શાંતિથી શેઠને ફોન લગાવ્યો.
" હેલો જી... આપ કૌન બોલ રહે હો ? આપકા ફોન થા." મહેશ એકદમ પંજાબી લહેકામાં બોલ્યો.
" યે દિલ્હીવાલે સરદારજીકા નંબર હૈ ?" કાનાણીએ પૂછ્યું.
" હાં જી... સહી બતાયા આપને. મૈં દિલ્હીસે દલજીતસિંઘ." મહેશ બોલ્યો.
"સત શ્રી અકાલ પાજી. " કાનાણી બોલ્યા.
" સત શ્રી અકાલ જી. આપ કહાંસે બોલ રહે હો ?" મહેશ બોલ્યો.
" મૈં મુંબઈસે પ્રતાપ કાનાણી. કુછ દિન પહેલે ટેક્સી ડ્રાઇવર કે સાથ આપને કુછ ડાયમંડ બેચનેકી બાત કી થી. મુઝે ઇન્ટરેસ્ટ હૈ . ક્યા આપ એક બાર મુંબઈ આકે મિલ સકતે હો ?" કાનાણી બોલ્યા.
" અરે શેઠજી ક્યોં નહીં ! જરૂર મિલ સકતા હું. કલ પરસોં તો મૈં જરા બીઝી હું. દો દિન બાદ શનિવાર કો મૈં આ સકતા હું. આપ મુઝે આપકી ઓફિસકા પૂરા એડ્રેસ ઔર લોકેશન વ્હોટસએપ કર દેના. મુંબઈ આકે મૈં આપકો ફોન કર દુંગા." મહેશ અસ્સલ પંજાબી લહેકામાં બોલ્યો.
" વો સબ મૈં અભી સેન્ડ કર દેતા હું." કાનાણી બોલ્યા.
" જી ઠીક હૈ. તો ફિર દો દિન બાદ શનિવારકો મિલતે હૈ." દલજીતસિંગ એટલે કે મહેશ બોલ્યો અને ફોન કટ કર્યો.
વાતચીત પતી ગઈ એટલે મહેશ ભાટિયા સીધો પોતાના ઘરે ગયો અને ડ્રાઇવરનો યુનિફોર્મ કાઢી નાખીને પેન્ટ શર્ટ પહેરી લીધાં. યુનિફોર્મ ગડી કરીને વાળી દીધો અને ફરી પાછો પેકેટમાં મૂકી દીધો.
કાનાણી શેઠ સાથે મીટીંગ બે દિવસ પછી ફાઇનલ થઈ ગઈ હતી એટલે હવે અભિમન્યુને મળવું જરૂરી હતું.
સાંજે પાંચ વાગે એણે અભિમન્યુને ફોન કર્યો અને પછી બાઈક લઈને એને મળવા માટે મલાડ જવા નીકળી ગયો.
" અભિમન્યુ... કાનાણી શેઠે મને દિલ્હીથી અહીં બોલાવ્યો છે. મેં એને બે દિવસ પછીનો સમય આપ્યો છે એટલે શનિવારે મારે એની ઓફિસે જઈને ફરી મળવું પડશે. પરંતુ આ વખતે દત્તાત્રેયના બદલે દલજીતસિંઘ હશે ! " મહેશ હસીને બોલ્યો.
" અભિનંદન. દત્તાત્રેયની પરીક્ષામાં તું પાસ થઈ ગયો. હવે આગળ શું કરવાનું છે એ હું તને સમજાવું છું. તું કાલે મારી પાસેથી એક ડાયમંડ લઈ જા. આ ડાયમંડ ખાસ સાચવજે. એની કિંમત કરોડોમાં થાય છે. તારે એ શેઠને બતાવવાનો છે. શેઠ એ ડાયમંડ જોયા પછી એ અસલી છે કે નકલી અને એની વેલ્યુ શું છે એ જાણવા કોઈ ઝવેરી પાસે જવાની વાત કરશે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.
" તારે કહેવાનું કે જેને પણ બતાવવો હોય એને બતાવો. મને કોઈ જ વાંધો નથી પરંતુ હું સાથે આવીશ. આટલો મોંઘો ડાયમંડ હું તમને આપીશ નહીં. તારે એની સાથે બિન્દાસ જવાનું. એને એ પણ કહેવાનું કે આવા જ બીજા ૧૪ ડાયમંડ છે. પરંતુ જોખમ લઈને બધે ફરાય નહીં એટલે હું એક જ લેતો આવ્યો છું. " અભિમન્યુ બોલી રહ્યો હતો.
" હવે અગત્યનો સવાલ. શેઠ તને એટલે કે સરદારજીને ચોક્કસ પૂછશે કે આ ડાયમંડ તમારી પાસે કેવી રીતે આવ્યા. એનો જવાબ બરાબર સાંભળી લે અને મનમાં યાદ કરી લે. તારો મિત્ર અવતારસિંઘ વર્ષોથી સાઉથ આફ્રિકા જ્હોનિસબર્ગ રહેતો હતો અને હીરાની ખાણોમાંથી નીકળતા કાચા હીરા ખરીદ કરી એક્સપોર્ટ કરતો હતો. સાથે સાથે કાચા હીરાને પોલિશ કરાવી ઇન્ડિયામાં વેચતો હતો." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" અવતારસિંઘ જ્યારે છ મહિના પહેલાં ઇન્ડિયા આવ્યો ત્યારે પ્રીમિયર ક્વોલિટીના ૧૫ કુલીનન ડાયમંડ પોતાની સાથે લઈ આવ્યો હતો. એ દિલ્હીની અશોકા હોટલમાં ઉતર્યો હતો. એ સમયે એણે તને હોટલમાં મળવા બોલાવ્યો હતો અને એના ૧૫ ડાયમંડ ત્રણ ચાર દિવસ માટે તને સાચવવા આપ્યા હતા." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" પરંતુ બે દિવસ પછી અચાનક એને હાર્ટ એટેક આવ્યો અને હોટલમાં જ એ ગુજરી ગયો. એ કુંવારો જ હતો અને એના પરિવારમાં કોઈ હતું નહીં એટલે પછી આ ડાયમંડ તારી પાસે રહી ગયા. એ તારે કોઈ કામના નથી એટલે તું એ હીરા અડધી કિંમતે વેચવા તૈયાર થયો છે." અભિમન્યુએ પોતાની વાત પૂરી કરી. આ સ્ટોરી એણે આજે સવારે જ વિચારી રાખી હતી.
" સ્ટોરી તો સરસ બનાવી છે પરંતુ એ શેઠ બહુ જ શાતિર લાગે છે. છ મહિના પહેલાં કોઈ અવતારસિંઘનું અશોકા હોટલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું કે કેમ એની એ પૂરી તપાસ કરશે તો ?" મહેશ બોલ્યો.
" બિન્દાસ તપાસ કરી શકે છે. મને આ અવતારસિંઘ વિશે ખબર છે અને એટલા માટે જ એનું નામ લેવાની વાત મેં તને કરી છે. અવતારસિંઘ નામનો મારો એક કલાયન્ટ છ મહિના પહેલાં લંડનથી દિલ્હી આવ્યો હતો અને અશોકા હોટલમાં હાર્ટ એટેકથી એનું અવસાન થયું હતું." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" કાનાણી અશોકા હોટલમાં ફોન કરશે તો પણ સાચી માહિતી જ મળશે. અને સાચી માહિતી મળી ગયા પછી કાનાણી દિલ્હી જઈને એ તપાસ નહીં કરે કે અવતારસિંઘ ખરેખર જ્હોનિસબર્ગથી આવ્યો હતો કે લંડનથી !" અભિમન્યુ હસીને બોલ્યો.
"અભિમન્યુ તેં તો જબરદસ્ત પ્લૉટ બનાવ્યો છે યાર ! તું કોઈ નાટકની સ્ક્રીપ્ટ લખે તો પણ નાટક હાઉસફુલ જાય. કેટલા બધા પ્લાનિંગથી તું આગળ વધી રહ્યો છે ! " મહેશ ખુશ થઈ ગયો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
