વલ્લકી પ્રકરણ 19
લગભગ સવારે સાડા આઠ વાગે પ્રતાપ કાનાણીની ગાડીએ શહાપુર ક્રોસ કર્યું અને ડાબી બાજુ ટર્ન લઈને નંદીકેશ્વર મઠથી થોડેક દૂર બાબાજીના આશ્રમે પહોંચી ગઈ. બાબાજી પોતે નાથ સંપ્રદાયના એક સંન્યાસી હતા અને કઠોર સાધના કરવાના કારણે કેટલીક સિદ્ધિઓ પણ એમની પાસે હતી.
વલ્લકી નવલકથા
વર્ષોથી બાબાજી આ આશ્રમમાં રહેતા હતા. દસ વર્ષ પહેલાં જ્યારે કાનાણી એમને પહેલી વાર મળ્યા ત્યારે એમની ઉંમર ૬૦ આસપાસ હતી અત્યારે એ ૭૦ આસપાસ પહોંચી ગયા હતા.
પહેલાં તો બાબાજી એક ઝુંપડી જેવી કુટિયામાં જ રહેતા હતા પણ પછી કોઈ મોટા બિલ્ડર ભક્તે એમનો ચમત્કાર અનુભવ્યો એ પછી એણે એમને તમામ સગવડોવાળો નાનકડો આશ્રમ બનાવી આપ્યો હતો. અહીં કમ્પાઉન્ડમાં જ એક ચોકડી હતી અને એમાં પાણીની ડંકી હતી. બાબાજીની સાથે ભગવાં વસ્ત્રધારી બે યુવાન શિષ્યો પણ રહેતા હતા.
પ્રતાપ કાનાણી ગાડીમાંથી નીચે ઉતર્યા અને કમ્પાઉન્ડમાં જઈ ડંકી હલાવીને હાથ પગ ધોઈ નાખ્યા. ત્યાં રસોઈનું કામ સંભાળતા યુવાન સાધુને એમણે બાબાજી વિશે પૂછ્યું તો એણે જવાબ આપ્યો:
"બાબાજી અભી પૂજા મેં હૈં. આપકો આધા ઘંટા બૈઠના પડેગા." યુવાન સાધુ બોલ્યો.
અહીં બેસી રહેવા કરતાં કાનાણીને એસી ગાડીમાં જ બેસી રહેવાનું યોગ્ય લાગ્યું.
" ઠીક હૈ. બાબાજીકો બોલના કી મુંબઈસે એક ભક્ત ઉનકે દર્શનકે લિયે આયે હૈં ઔર બાહર ગાડીમેં ઇન્તજાર કર રહે હૈં. " કાનાણી બોલ્યા.
" જી ઠીક હૈ." સાધુ બોલ્યો એટલે કાનાણી બહાર નીકળીને ગાડીમાં બેસી ગયા.
અડધો કલાક રાહ જોયા પછી યુવાન સાધુ બહાર આવ્યો અને ગાડી પાસે જઈને કાનાણીને અંદર જવાની સંમતિ આપી.
પ્રતાપ કાનાણી ગાડીમાંથી બહાર નીકળ્યા. બાબાજી પાસે આવવાનું હતું એટલે આજે એ લેંઘા ઝભ્ભામાં આવ્યા હતા. એમણે ચંપલ રૂમની બહાર ઉતાર્યાં અને અંદર દાખલ થયા.
ત્યાંના સાધુએ બાબાજીની સામે શેતરંજી પાથરી રાખી હતી એટલે કાનાણી બે હાથ જોડી એના ઉપર બેસી ગયા. સન્યાસી સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના સંસ્કાર તો એમની પાસે હતા જ નહીં.
" નમસ્કાર બાબાજી. મુંબઈ મલાડસે આ રહા હું. પહેલે ભી આપકે પાસ આ ચુકા હું. મેરા નામ પ્રતાપ કાનાણી હૈ." કાનાણી બોલ્યા અને ઝભ્ભાના ખિસ્સામાંથી પાંચ લાખનો એક ચેક કાઢીને બાબાજીના ચરણોમાં મૂક્યો.
" અહીં આવનારા મોટાભાગના ભક્તો ગુજરાતી અને મારવાડી જ હોય છે એટલે મને હવે ગુજરાતી આવડે છે. તમારી ભાષામાં વાત કરી શકો છો." બાબાજી બોલ્યા.
" જી બાબાજી. પાંચ લાખની આ નાનકડી ભેટ લઈને આવ્યો છું. આપ એનો સ્વીકાર કરી લો." કાનાણી બોલ્યા.
"આ દુનિયામાં દરેક માણસ પોતાનાં કર્મોનાં જ ફળ ભોગવી રહ્યો છે શેઠ. તમારા કર્મોનાં ફળને અમે અટકાવી શકતા નથી. એક વાર તો મેં તમને બચાવી લીધા હતા પરંતુ વારંવાર મારી શક્તિઓનો વ્યય હું નહીં કરું. પાપ કરતી વખતે પાછું વળીને જોતા નથી કે આનું શું પરિણામ આવશે અને તમારી શું ગતિ થશે !" બાબાજી બોલ્યા.
" બાબાજી તમે બધું જ કરી શકો છો. તમારી શક્તિઓનો મને અનુભવ છે. મારો સમય ખરાબ ચાલી રહ્યો છે અને નુકસાન ઉપર નુકસાન થઈ રહ્યું છે. બધા સંબંધો પણ ખરાબ થઈ ચૂક્યા છે. મને પ્લીઝ બચાવી લો બાબાજી." કાનાણી બે હાથ જોડીને બોલ્યા.
" કયા સંબંધોની તમે વાત કરી રહ્યા છો શેઠ ? વ્યભિચારના સંબંધો ? તમારી ઑરા કેટલી ગંદી દેખાઈ રહી છે ! તમારો સમય તો હજુ પણ વધારે ખરાબ આવી રહ્યો છે. તમારાં આજ સુધીનાં બધાં જ કર્મો મને દેખાઈ રહ્યાં છે. એક બ્રાહ્મણ વિધવા સ્ત્રીની કરોડોની જમીન ખોટા દસ્તાવેજ બનાવીને તમારા નામે કરી લીધી. એના આઘાતમાં હાર્ટ એટેકમાં એણે જીવ ગુમાવી દીધો. બ્રહ્મહત્યા જેટલું પાપ લાગ્યું છે તમને." બાબાજી બોલી રહ્યા હતા.
" હવે સુધરી જાઓ તો તમારા માટે સારું છે બાકી મારી પાસેથી કંઈ પણ આશા રાખશો નહીં. આશીર્વાદ પણ યોગ્ય વ્યક્તિને મળતા હોય !" બાબા બોલ્યા.
" એવું ના કહો બાબાજી. તમે તો દયાળુ છો. હું એક સામાન્ય માણસ છું અને જીવનમાં ભૂલો તો બધાંથી થતી હોય છે. હવે પછી સુધરવાની કોશિશ કરીશ." કાનાણી બે હાથ જોડીને બોલ્યા.
" શું ઈચ્છા લઈને આવ્યા છો મારી પાસે ? " બાબાજી બોલ્યા.
" એક સરદારજી એના કરોડોના ડાયમંડ લગભગ અડધી કિંમતે વેચી દેવાની કોશિશ કરે છે. એ હીરા મને મળી જાય એવા આશીર્વાદ આપો. આ હીરા મને મળી જાય તો કરોડોનો ફાયદો મને થાય એમ છે બાબાજી. " કાનાણી બોલ્યા.
બાબાજીએ આંખો બંધ કરી દીધી. એ ધ્યાનમાં પોતાની અંદર ઉતરી ગયા. એમને ધ્યાનમાં અભિમન્યુના દાદાજીનાં દર્શન થયાં. સૂક્ષ્મ જગતમાં રહેલા દાદાજીની નજર હંમેશાં પ્રતાપ કાનાણીની હિલચાલ ઉપર રહેતી. કાનાણી કોઈ સંતને મળવા જાય અને દાદાજીનું ધ્યાન ના જાય એવું બને જ નહીં. બાબાજી અને દાદાજી વચ્ચે સૂક્ષ્મ સંવાદો થયા. બાબાજીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.
" એ બધા ડાયમંડ તમારા માટે જ બનેલા છે શેઠ. તમારું ભાવિ પ્રારબ્ધ જ એવું ઈચ્છે છે કે એ ડાયમંડ તમે ખરીદી લો. એ સરદારજી કોણ છે અને શા માટે વેચે છે એ બધી ઊંડી તપાસ કર્યા વગર તમે ખરીદી જ લેજો. કદાચ આ ડાયમંડ જ તમારા કર્મોનું ફળ છે ! " બાબાજી બોલ્યા.
બાબાજીની ડાયમંડ મળી જવાની વાત સાંભળીને કાનાણી એટલા ખુશ થઈ ગયા કે છેલ્લું વાક્ય એમણે ધ્યાનથી સાંભળ્યું જ નહીં !!
" અને બાબાજી મારે તમારાથી શું છુપાવવાનું ! તમે તો મારા મનની વાત પણ જાણી શકો છો. મને કોઈ સારું પાત્ર મળી જાય એવા આશીર્વાદ પણ આપી દો." કાનાણીએ સંકોચ સાથે બોલી જ નાખ્યું.
" અગર મળી જશે તો એ તમને બરબાદ કરીને જશે શેઠ. હવે તમે જઈ શકો છો. અને આ ચેક પણ પાછો લઈ લો. કોઈ ગૌશાળામાં દાન આપી દેજો." બાબાજીના શબ્દોમાં થોડો ગુસ્સો પણ હતો પરંતુ પોતાના જ વિચારોમાં મસ્ત કાનાણીને એ દેખાયો નહીં.
બાબાજીએ પોતાની સામે પડેલો ચેક કાનાણી તરફ પાછો સરકાવી દીધો.
બાબાજીએ કાનાણીને ચેક પાછો આપી દીધો એ એને ગમ્યું તો નહીં પરંતુ એક સંત આગળ એ શું બોલે ! એ ફરી પગે લાગીને ઉભો થયો અને બહાર નીકળી ગયો. બસ એને હીરા મળી જવાના છે એ જ વાતથી એ ખુશ હતો !
કાનાણી શેઠે સાવંતને ગાડી મલાડ લઈ લેવાની સૂચના આપી એટલે સાવંતે ગાડી સ્ટાર્ટ કરી અને થોડી વારમાં જ મુંબઈ તરફ સડસડાટ દોડવા લાગી. ગાડીની ગતિ સાથે જ પ્રતાપ કાનાણી દિવા સ્વપ્નમાં ખોવાઈ ગયા.
માણસનો સમય ખરાબ ચાલતો હોય ત્યારે એની બુદ્ધિ પણ અવળા માર્ગે ચાલતી હોય છે. માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે બાબાજી પાસે ગયેલા પ્રતાપ કાનાણી માત્ર સ્વાર્થની વાતો કરીને પાછા જઈ રહ્યા હતા. હકીકતમાં બાબાજીએ એમને કોઈ જ આશીર્વાદ આપ્યા ન હતા. ઉપરથી બાબાજીએ ઉપદેશ આપ્યો હતો પણ કાનાણીએ ધ્યાનથી એ સાંભળ્યો જ ન હતો. બાબાજી જે પણ બોલ્યા એનું એમણે પોતાની બુદ્ધિ પ્રમાણે જ અર્થઘટન કર્યું !
બાબાજીની વાત સાંભળીને એમને સો ટકા ખાત્રી થઈ ગઈ કે કરોડોના હીરા ચોક્કસ મારી પાસે જ આવે છે. મારા માટે જ બનેલા છે. એટલે મારે એ બાબતમાં સરદારજી વિશે કોઈ તપાસ કરવાની જરૂર નથી. સરદારના વિચારો બદલાય એ પહેલાં અડધી કિંમતે આ હીરા લઈ જ લેવા છે. ડબલ ભાવે વેચી નાખીશ એટલે મને કરોડોનો ફાયદો થઈ જશે.
પોતાના જીવનમાં બીજું કોઈ પાત્ર આવશે એનો જવાબ પણ બાબાજી એ આપી દીધો. બાબાજીનો જવાબ સ્પષ્ટ હતો કે અગર કોઈ પાત્ર મળશે તો એ બરબાદ કરીને જશે પરંતુ કાનાણીને તો મનગમતું ભોગ સુખ મળતું હોય તો બરબાદીની કોઈ ચિંતા ન હતી.
બાબાજીએ એનાં પાપ કર્મો વિશે ઘણું બધું સંભળાવ્યું અને સુધરવા માટે પણ સલાહ આપી પરંતુ જ્યારે બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ હોય ત્યારે શેઠની શિખામણ ઝાંપા સુધી ! સંતો તો આવી સલાહો આપ્યા જ કરે !!
" સાવંત તારે પેલા ડ્રાઇવર દત્તાત્રેય સાથે કોઈ વાત થઈ ? એ ક્યારે આવવાનો છે ? " શેઠ બોલ્યા.
" ના સર. એ દેશમાં રત્નાગીરી ગયો છે એટલે ત્યાં એના નાનકડા ગામમાં નેટવર્ક જ નથી. મેં મેસેજ મૂકી દીધો છે એટલે જેવો મુંબઈ આવશે કે તરત મારો સંપર્ક કરશે. " સાવંત બોલ્યો અને મનમાં હસ્યો.
" સારું વાંધો નહીં. એ આવે એટલે મારી પાસે લઈ આવજે. મારે એની સાથે વાત કરીને જાણવું છે કે એની સાથે સરદારજીએ શું વાત કરી છે. એ પછી જ હું સરદારજીને ફોન કરીશ. " કાનાણી શેઠ બોલ્યા.
" હો શેઠ. " સાવંત બોલ્યો અને એણે ડ્રાઇવિંગ ઉપર ધ્યાન આપ્યું કારણ કે ટ્રાફિક બહુ જ હતો.
શેઠને એમના બંગલે ઉતારીને સાવંત મલાડ સ્ટેશને પહોંચી ગયો અને ત્યાંથી લોકલ ટ્રેનમાં બેસીને બોરીવલી જવા નીકળી ગયો. આજે રવિવાર હતો એટલે શેઠને મૂકવા એમની ઓફિસે જવાનું ન હતું. બોરીવલી ઉતરીને એણે ઘરે જતી વખતે રસ્તામાં અભિમન્યુને ફોન કર્યો.
" સર સાવંત બોલું. આજે રવિવારે શેઠ નાસિક રોડ ઉપર શહાપુરથી આગળ એક બાબાજીના આશ્રમમાં ગયા હતા. ૧૫ મિનિટ બાબાજી સાથે ચર્ચા કરીને બહાર નીકળી ગયા. ત્યાં શા માટે ગયા હતા અને શું વાતચીત થઈ એની મને કંઈ જ ખબર નથી. પરંતુ મેં ફોન બીજા કારણથી કર્યો છે." સાવંત બોલ્યો.
" હમ્... બોલ." અભિમન્યુ બોલ્યો.
" આજે વળતી વખતે ગાડીમાં શેઠે ફરી સરદારજીની વાત કાઢી. એમને હીરા ખરીદવામાં રસ પડી ગયો છે. મેં તે દિવસે એમની આગળ મારા ટેક્સી ડ્રાઇવર મિત્ર દત્તાત્રેયની વાત કરી હતી. પણ શેઠ હવે એ દત્તાત્રેયને જ રૂબરૂ મળવા માગે છે અને જાણવા માંગે છે કે ખરેખર શું વાત થઈ હતી. એ પછી જ શેઠ સરદારજી સાથે વાત કરશે. હવે મારા મિત્ર દત્તાત્રેય પાસે કોઈ જ ટેક્સી નથી. એનો તો પાનનો ગલ્લો છે !" સાવંત મરાઠીમાં બોલ્યો.
" આ કોઈ મોટો પ્રોબ્લેમ નથી. તું એ દત્તાત્રેય સાથે વાત કરી જો. એને આપણે પાંચ મિનિટ વાત કરવાના ૧૦૦૦૦ આપી દઈશું. છતાં તને એમ લાગે કે એ સરખી વાત નહીં કરી શકે અને લોચા મારશે તો પછી ભાડૂતી દત્તાત્રેય મળી રહેશે. એ ચિંતા તું મારા ઉપર છોડી દે. " અભિમન્યુ બોલ્યો.
" હા સર કોઈ બીજો ડ્રાઇવર શોધવો જ પડશે. દત્તાત્રેય સાવ ઢીલો છે. એ આ નાટક નહીં ભજવી શકે. શેઠ જો કોઈ સવાલ પૂછશે તો એ ગભરાઈ જશે. એ આખો ખેલ બગાડી શકે છે." સાવંત બોલ્યો.
" બસ તો રહેવા દે. એ બધું મારા ઉપર છોડી દે. મને દત્તાત્રેય મળી જાય એટલે હું તને ફોન કરી દઈશ. તું મારી ઓફિસે આવી જજે. તમે બંને એકબીજાને ઓળખી લો એ જરૂરી છે. " અભિમન્યુ બોલ્યો.
" ઠીક આહે સાહેબ." સાવંત બોલ્યો અને ફોન કટ કર્યો.
સાવંત સાથેની વાતચીત દરમિયાન જ અભિમન્યુના મનમાં મહેશ ભાટિયા રમતો હતો. ખાખી કપડાં પહેરેલો અને મરાઠી ભાષા બોલતો ટેક્સી ડ્રાઇવર તથા પંજાબી ભાષા બોલતો દાઢી અને પાઘડીવાળો સરદારજી બંને રોલ મહેશ ભાટિયા સારી રીતે ભજવી શકશે એનો અભિમન્યુને વિશ્વાસ હતો.
સાવંત સાથે વાત પૂરી થયા પછી અભિમન્યુએ દિલ્હી હરજોતસિંઘને ફોન લગાવ્યો.
" સત શ્રી અકાલ પાજી. મુંબઈ સે અભિમન્યુ બોલ રહા હું. વો સીમ કાર્ડ કે લિયે ફોન કિયા થા."
" વો કાર્ડ તો કલ હી કુરિયર કર દિયા હૈ. આજ શામ તક આપકો મિલ જાના ચાહિયે. નયા નંબર ચાલુ ભી હો ગયા હૈ." હરજોતસિંઘ બોલ્યો.
" ચલો ફિર ઠીક હૈ પાજી. બહોત બહોત શુક્રિયા." અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.
અને એ જ દિવસે સાંજે અભિમન્યુને દિલ્હીના નંબરનું સીમ કાર્ડ મળી ગયું.
સીમ કાર્ડની સાથે એક કાગળ ઉપર હરજોતસિંઘે નવો નંબર પણ લખેલો જ હતો. એનું કામ ચોક્કસ હતું.
દિલ્હીનો નંબર મળી ગયો એટલે બે દિવસ પછી અભિમન્યુએ ફરીથી મહેશ ભાટિયાને પોતાની ઓફિસમાં સાંજે પાંચ વાગે બોલાવ્યો. મહેશ ભાટિયાને ત્રણ લાખ રૂપિયા મળવાના હતા એટલે એ તો કંઈ પણ કરવા તૈયાર હતો ! એ સાંજે પાંચ વાગે હાજર પણ થઈ ગયો.
" મહેશ તારે દસ મિનિટનો એક નાનકડો બીજો રોલ પણ ભજવવાનો છે. તારો હીરા વેચવાનો સરદારજીનો જે રોલ છે એના ભાગરૂપે જ આ રોલ પણ છે. તારે મુંબઈના ટેક્સી ડ્રાઇવર બની જવાનું છે. તને યૂનિફોર્મ મળી જશે. જેને હીરા વેચવાના છે એ જ પ્રતાપ કાનાણીની ઓફિસમાં જવાનું છે. તારી સાથે કાનાણીનો ડ્રાઇવર સાવંત પણ આવશે. તારે ત્યાં જઈને શું બોલવાનું છે એ બધું જ તને સાવંત સમજાવી દેશે. " અભિમન્યુ બોલ્યો અને એણે કોશા કોમ્પ્લેક્સમાં નીચે ઊભા રહેલા સાવંતને ફોન કર્યો.
" સાવંત આપણો દત્તાત્રેય આવી ગયો છે. તું ફટાફટ ઉપર આવી જા." અભિમન્યુ બોલ્યો.
હકીકતમાં અભિમન્યુએ મહેશ ભાટિયાને સાંજે પાંચ વાગે ઓફિસે આવવાની સૂચના આપી ત્યારે એણે સાવંતને પણ ફોન કરી દીધો હતો કે એ પણ પાંચ વાગ્યે આવીને નીચે ઉભો રહે જેથી બંનેને એકબીજાનો પરિચય કરાવી શકાય.
પાંચ જ મિનિટમાં તુકારામ સાવંત અભિમન્યુની ઓફિસમાં આવી ગયો અને મહેશ ભાટિયાની બાજુની ખુરશીમાં બેઠો.
" તુકારામ આ મારો ખાસ મિત્ર મહેશ ભાટિયા છે અને એ ગુજરાતી નાટકોમાં કામ કરે છે. અને મહેશ જે સાવંતની મેં વાત કરી હતી એ આ જ સાવંત ! એ કાનાણી શેઠનો ડ્રાઇવર છે. " અભિમન્યુ બોલ્યો.
" હવે મારે શું કરવાનું છે એ મને સમજાવો." મહેશ બોલ્યો.
" તારું નામ દત્તાત્રેય છે. તું મુંબઈમાં ટેક્સી ચલાવે છે. આ સાવંત તારો ખાસ મિત્ર છે. તું છેલ્લા દસ દિવસથી તારા વતન રત્નાગીરી બાજુ ગયો હતો. બસ આટલું તારે બરાબર યાદ રાખવાનું છે બાકી તારે શું કહેવાનું છે એ આ સાવંત તને સમજાવશે. " અભિમન્યુ બોલ્યો.
અને સાવંતે જે પ્રમાણે અભિમન્યુએ એને સમજાવ્યું હતું એ પ્રમાણે આખી વાત વિગતવાર મહેશને કરી. એટલું જ નહીં એણે પોતે કાનાણી શેઠને શું કહ્યું છે અને કાનાણી શેઠે એને શું શું સવાલો કર્યા છે એ બધી જ વાત કરી જેથી મહેશે શું કરવાનું છે એ આખો રોલ એને સમજાઈ જાય.
" ઠીક છે હું શેઠ સાથે મરાઠીમાં જ વાત કરીશ. હું દેશમાં ગયો હતો અને મારું ગામ રત્નાગીરી પાસે એક નાનકડું ગામડું છે એટલે ત્યાં નેટવર્ક નથી આવતું. તુકારામ મારો જુનો દોસ્ત છે અને એ તમારા ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે એટલે હું તમને સારી રીતે ઓળખું છું. તમારી ઘણી સ્કીમો અહીં ચાલે છે એ વાત પણ તુકારામે મને કરી છે." મહેશ બોલી રહ્યો હતો.
" સરદારજીએ મારી ટેક્સીમાં કોઈની સાથે કરોડોના હીરાની વાત કરી એ બધી જ મેં ધ્યાનથી સાંભળી હતી. એના કરોડોના હીરા લેવા કોઈ તૈયાર નથી એટલે પછી તમારી યાદ આવતાં મેં સરદારજીને વાત કરી કે મારા ધ્યાનમાં એક પાર્ટી છે જે કરોડો રૂપિયા ખર્ચીને તમારા હીરા લઈ શકે. બસ પછી એણે એનું કાર્ડ મને આપ્યું અને કહ્યું કે મને ફોન ઉપર તારી પાર્ટી સાથે વાત કરાવજે. " મહેશ પોતાનો સંવાદ બોલી ગયો.
" શાબાશ. બરાબર યાદ રાખી લીધું તેં. હવે સરદારજીના વીઝીટીંગ કાર્ડની તેં વાત કરી તો કાનાણી તારી પાસે વીઝીટીંગ કાર્ડ માગશે તો ? " અભિમન્યુ હસીને બોલ્યો.
" વીઝીટીંગ કાર્ડ તો દેશમાં ગયો ત્યારે ત્યાં જ ખોવાઈ ગયું છે પરંતુ એ સરદારજીનો નંબર મેં મોબાઈલમાં સેવ કરી લીધો છે. તમે અત્યારે પણ એની સાથે વાત કરી શકો છો. " મહેશ પણ હસીને બોલ્યો.
" અરે ગાંડા એવી ભૂલ ના કરતો. તું અત્યારે જ વાત કરવાનું એને કહીશ એટલે કાનાણી તરત ફોન લગાવશે અને સરદારજી તરીકે તો તું પોતે જ ત્યાં બેઠો હોઈશ ! " અભિમન્યુ ખડખડાટ હસીને બોલ્યો.
"અરે ભાઈ સરદારજીનો ફોન ક્યારેક તો બંધ રહે કે નહીં ? ફોન સ્વીચ ઓફ આવશે. તું શું કામ ચિંતા કરે છે ? તારી સામે કલાકાર બેઠો છે. મારું કોઈ કામ કાચું નથી હોતું. " મહેશ ભાટીયા બોલ્યો અને તુકારામ પણ હસી પડ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
