વલ્લકી નવલકથા (Vallaki Novel Part-18)

Related

વલ્લકી પ્રકરણ 18

અભિમન્યુ એના મિત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુનીર વોરાને લઈને વિરાર વિશ્વનગરી કોલોનીમાં આવ્યો હતો અને ત્યાં પોતાના પિતાની હત્યામાં કાનાણીના ભાગીદાર રહેલા ગોવિંદ બોરકરના ફ્લેટ ઉપર આવ્યો હતો.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

અભિમન્યુએ પોતાની ઓળખાણ ડિટેક્ટિવ આશિષ પાંડે તરીકે આપી હતી જ્યારે મુનીરની ઓળખાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બદલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વોરા સાહેબ તરીકે કરાવી હતી.

અભિમન્યુએ વાત જ એવી રીતે કરી હતી કે ગોવિંદ બોરકર ઢીલો થઈ ગયો હતો અને એણે વટાણા વેરી નાખ્યા હતા. એણે કબુલાત કરી દીધી હતી અને બાવીસ વર્ષ પહેલાં બનેલી આખી ઘટનાનું વર્ણન અભિમન્યુ અને મુનીર વોરા સામે કર્યું હતું !

ચર્ચા પૂરી થયા પછી અભિમન્યુએ મર્ડરમાં વાપરેલી પિસ્તોલ લઈ આવવાનું બોરકરને કહ્યું હતું અને એ માળિયામાં છૂપાવી રાખેલી પિસ્તોલ લઈ આવ્યો હતો અને પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલી પિસ્તોલ અભિમન્યુના હાથમાં આપી હતી.

પોતાના પિતાની હત્યા કરનાર એ પિસ્તોલ સામે અભિમન્યુ ભારે હૃદયે બે મિનિટ જોઈ રહ્યો. એ પછી એ સ્વસ્થ થઈ ગયો. ત્યાં સુધીમાં ત્રણ જણાની ચા આવી ગઈ હતી એટલે ત્રણેએ ચા પી લીધી.

" આ પિસ્તોલ અમે લઈ જઈએ છીએ. હવે અમે અમારી એક્શન ચાલુ કરી દઈશું. તમારે ભૂલે ચૂકે પણ કાનાણી શેઠને કોઈ જ વાત કરવાની નથી. એણે તમને ખૂની તરીકે ફસાવવાની કોશિશ કરી છે તો હવે આપણે એ સાચા ગુનેગારને જ એરેસ્ટ કરીશું. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

" અમે તમને બોલાવીએ ત્યારે તમે વસઈ પોલીસ સ્ટેશન આવી જજો અને અમારી સાથે અત્યારે જે પણ વાત કરી એ બધી જ વાત તમે તમારા લેખિત સ્ટેટમેન્ટમાં લખાવી દેજો એટલે તમે બચી જશો અને આ કેસના તમે મુખ્ય સાક્ષી બની જશો ! હવે અમે તમને બચાવી લઈએ એના માટે તમે અમને શું આપો છો ? " અભિમન્યુ બોલ્યો.

" સાહેબ મારી પાસે આપવા જેવું કંઈ જ નથી. શેઠે જે પૈસા મને આપ્યા હતા એમાંથી આ ફ્લેટ અને ગેરેજની જગ્યા ખરીદી લીધી. હું બહુ નાનો માણસ છું સાહેબ. મેં ખરેખર મર્ડર નથી કર્યું. મને તમે બચાવી લો સાહેબ." ગોવિંદ બોરકર ફરીથી હાથ જોડીને વિનંતી કરતો હતો.

" તમારે આ કેસ દબાવવા માટે બહુ મોટી રકમ અમને આપવી પડશે અને એ રકમ તમારે શેઠ પાસેથી લઈને જ આપવી પડશે. શેઠ મોટા બિલ્ડર છે અને એમની પાસે કરોડો રૂપિયા છે. દર મહિને તમને એક એક કરોડ આપે તો પણ કાનખજુરાના પગ જેવું છે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

" શેઠને જઈને તમારે એમ કહેવાનું કે --તમે બાવીસ વર્ષ પહેલાં જયદેવ પાઠકનું મર્ડર કર્યું હતું એની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ મારા ઘરે આવી હતી. તમે બચવા માટે મને ફસાવી દીધો છે શેઠ. તમે બધું જાણો જ છો કે જે રાત્રે લાશને ખાડીમાં ફેંકી દીધી હતી એ રાત્રે પેટ્રોલિંગ કરતી વસઈ પોલીસ તમારી ગાડીને જોઈ ગઈ હતી અને પીછો પણ કર્યો હતો." અભિમન્યુ કાનાણી આગળ કઈ રીતે વાત કરવી એ વિગતવાર સમજાવી રહ્યો હતો.

" લાશ સમજીને જયદેવ પાઠકને આપણે ખાડીમાં ફેંક્યા ત્યારે એ જીવતા હતા એટલે એમને પોલીસે લોકલ માણસોની મદદથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરેલા.
હોસ્પિટલમાં મરતાં પહેલાં એમણે તમારું નામ દીધું એટલે તમને પોલીસે એરેસ્ટ કર્યા હતા." અભિમન્યુ બોલી રહ્યો હતો. બંને વચ્ચે બધી વાત મરાઠીમાં જ થતી હતી.

"તમે વસઈ પોલીસ સ્ટેશન ગયા હતા અને મોટો વહીવટ કરીને આખો કેસ દબાવી દીધો હતો. પણ એ ફાઈલ હવે ખુલી ગઈ છે. તમે એ ફાઈલમાં મારું નામ લખાવ્યું હોવાથી પોલીસ મને શોધતી મારા ઘરે આવી. ક્રાઈમ બ્રાન્ચ કેસ દબાવી દેવા માટે દસ કરોડ માગે છે અને હું એ લેવા તમારી પાસે આવ્યો છું. " અભિમન્યુએ વાત પૂરી કરી.

" દસ કરોડ !! સાહેબ બહુ મોટી રકમ છે." રકમ સાંભળીને ગોવિંદ બોરકરના જ હોશ ઉડી ગયા.

" પૈસાના જોરે ખોટા દસ્તાવેજો બનાવીને ગરીબોની કરોડોની જમીનો હડપ કરી છે. દસ માગશો તો છેવટે પાંચ આપવા તૈયાર થઈ જશે. અને પાંચ કરોડ મળી ગયા પછી પણ જેલ તો એને થવાની જ છે. નિર્દોષ માણસના ખૂનીને કદી માફ ના કરાય." અભિમન્યુ ગુસ્સાથી બોલ્યો.

" બરા સાહેબ " બોરકર બોલ્યો.

" હવે તમને આ બધી વાત યાદ તો રહેશે ને ? મેં જે રીતે વાત કરી એ જ પ્રમાણે તમારે કાનાણી આગળ બોલવાનું છે. આખી ઘટના કઈ રીતે બની એ મેં તમને સમજાવી દીધું છે." અભિમન્યુ બોલ્યો.

" બરાબર યાદ રહી ગયું સાહેબ. " બોરકર મરાઠીમાં બોલ્યો.

" પહેલાં તો કાનાણી આ વાત માનશે જ નહીં પરંતુ તમારે કહી દેવાનું કે પિસ્તોલ મારી પાસે હતી અને એના ઉપર તમારા આંગળાની છાપ હતી એટલે મારી સચ્ચાઈ માટે મારે એ પિસ્તોલ પોલીસને સોંપી દેવી પડી છે. તમારે બચવું હોય તો દસ કરોડ આપો નહીં તો હું કોર્ટમાં સાક્ષી બની જઈશ. " અભિમન્યુ બોલ્યો.

" હું ચોક્કસ એ (ગાળ) કાનાણીની (ગાળ ). રૂપિયા તો એના બાપે પણ આપવા પડશે. સાલાએ મર્ડરનો આરોપ મારા ઉપર નાખી દીધો. હું એને છોડીશ નહીં. એ નહીં આપે તો હું જ એનું મર્ડર કરી દઈશ. આમ પણ મર્ડરનો આરોપ મારા ઉપર લાગેલો જ છે. " બોરકર એના અસલી સ્વરૂપમાં આવી ગયો અને ગુસ્સાથી બોલ્યો.

" ના ના તમારે કોઈનું મર્ડર કરવાની જરૂર નહીં પડે. પાંચ કરોડ એના માટે કંઈ નથી. હવે આ મહિનામાં તમે તમારી એક્શન ચાલુ કરી દો. તમે એને રૂબરૂમાં જઈને જ મળજો. ફોન ઉપર કોઈ ચર્ચા કરશો નહીં. અમે હવે જઈએ છીએ. તમને જ્યારે બોલાવવામાં આવે ત્યારે વસઈ પોલીસ સ્ટેશન આવી જજો અને અમે ના કહીએ ત્યાં સુધી તમે પોલીસ સ્ટેશન બાજુ આવતા પણ નહીં." અભિમન્યુ બોલ્યો અને બંને ઊભા થઈને બહાર નીકળી ગયા.

" માની ગયો અભિમન્યુ તને ! તારે પણ મારી જેમ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન થવા જેવું હતું. તું ડિટેક્ટિવ નો રોલ પણ સારો કરી શકે છે. તેં તો માત્ર પંદર મિનિટની વાતચીતમાં એને ઢીલો કરી દીધો. બિચારો ધ્રૂજી ગયો છે." નીચે ઉતરીને ગાડીમાં બેઠા પછી મુનીર બોલ્યો.

" હા પણ આપણું લક્ષ્ય પ્રતાપ કાનાણી છે. ગોવિંદ બોરકરને આપણે કંઈ જ કરવાનું નથી. અને મેં જે કહ્યું એ કોઈ સ્ટોરી નથી મુનીર પણ સત્ય હકીકત છે. આજે વહેલી પરોઢે સપનામાં મને આખી ઘટના દેખાઈ કે તે દિવસે ખરેખર શું બન્યું હતું ! મારા પપ્પાને ખાડીમાં ફેંકી દીધા ત્યારે એ જીવતા હતા." અભિમન્યુ બોલી રહ્યો હતો.

"પોલીસ એમને હોસ્પિટલ લઈ ગઈ હતી પરંતુ એ બચી શક્યા નહીં. છેલ્લે છેલ્લે ભાનમાં આવીને એમણે કાનાણીના નામનું પોલીસને ડાઈંગ ડેક્લેરેશન પણ આપ્યું હતું. વસઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ થયેલો છે અને બંધ કરેલી ફાઈલ પણ પડી જ હશે. તારે ગમે તેમ કરીને એ શોધી કાઢવાની છે." અભિમન્યુ બોલ્યો.

હકીકતમાં અભિમન્યુને કોઈ સપનું નહોતું આવ્યું પણ સવારે ધ્યાનમાં જ્યારે એણે દાદાજીને સાચા દિલથી પ્રાર્થના કરી ત્યારે એની નજર સામે આ આખી ઘટના એક ચલચિત્રની જેમ દેખાઈ હતી !

" ઠીક છે. થોડો સમય લાગશે પરંતુ ગમે તેમ કરીને ૨૨ વર્ષ પહેલાંની એ ફાઈલ હું શોધી કાઢીશ. મારે વસઈ પોલીસ સ્ટેશનમાં કોઈને પકડવો પડશે. આટલાં બધાં વર્ષો પહેલાંની ફાઈલ શોધી કાઢવી એટલું બધું સહેલું નથી. એ ફાઈલ રેકોર્ડ રૂમમાં ચાલી ગઈ હશે. ત્યાં પણ અમુક વર્ષો પહેલાંની ફાઈલોનો નાશ કરવામાં આવે છે. " મુનીર બોલ્યો.

"તું નહીં સમજે પણ સન્યાસી બની ગયેલા મારા દાદાજી સૂક્ષ્મ જગતમાંથી મને મદદ કરી રહ્યા છે એટલે તું તારી કોશિશ ચાલુ કરી દે. દાદાજીના આશીર્વાદથી એ ફાઈલ તને મળી જ જશે." અભિમન્યુ એકદમ આત્મવિશ્વાસથી બોલ્યો.

અભિમન્યુ મુનીર વોરાને કાંદીવલી પોલીસ સ્ટેશન ઉતારીને પોતાની ઓફિસે ગયો. આજે એક કામ સરસ રીતે પાર પડી ગયું એના માટે એણે મનોમન દાદાજીને યાદ કરી આભાર માન્યો.
 
*************

હવે પછીનું કામ ગમે તેમ કરીને મહેશ ભાટિયાને શોધી કાઢવાનું હતું. મહેશ ભાટિયા એની સાથે કોલેજમાં ભણતો હતો અને કોલેજના નાટકોમાં પણ ભાગ લેતો હતો. ૨૭ વર્ષનો મહેશ પડછંદ શરીર હોવાથી ઉંમરમાં ૩૪ ૩૫ વર્ષનો લાગતો હતો અને એ જ એની પર્સનાલિટી હતી !

મહેશ ભાટિયા એનો અંગત મિત્ર ન હતો પરંતુ સાથે એક જ ક્લાસમાં ભણ્યા હોવાથી બંને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. મહેશનો સંપર્ક કેવી રીતે કરવો એ મોટો પ્રશ્ન હતો.

એણે સૌથી પહેલાં આલાપને ફોન કર્યો. આલાપ બેંકમાં જોબ કરતો હતો. એની પાસે કદાચ મહેશનો નંબર હોય !

" આલાપ અભિમન્યુ બોલું છું. તારી પાસે પેલા મહેશ ભાટિયાનો નંબર છે ? આપણી કોલેજનાં નાટકોમાં ભાગ લેતો હતો અને કાજલ સાથે જેનું ચક્કર ચાલતું હતું એ મહેશ ! " અભિમન્યુએ વિસ્તારથી પરિચય આપ્યો.

"મારી યાદશક્તિ એટલી બધી નબળી નથી કે તારે મહેશનો આટલો લાંબો પરિચય આપવો પડે. તું ખાલી મહેશ ભાટિયા કહે તો પણ હું ઓળખી જાઉં. મારી પાસે તો એનો નંબર નથી પરંતુ કેતકી પાસેથી તને મળી જશે. કેતકીને પહેલેથી જ બધાના નંબર સેવ કરી રાખવાની આદત છે અને વળી પાછી એ ન્યુઝ ચેનલમાં છે ! " આલાપ બોલ્યો.

" હા તારી એ વાત સાચી છે. કેતકી પાસે ચોક્કસ એનો નંબર હશે. " અભિમન્યુ બોલ્યો અને એણે ફોન કટ કર્યો. એ પછી એણે તરત જ કેતકીને ફોન કર્યો.

" કેતકી અભિમન્યુ બોલું. આપણી કોલેજમાં સાથે ભણતા પેલા મહેશ ભાટિયાનો નંબર મારે જોઈતો હતો."

"કેમ તને પણ નાટકનો શોખ જાગ્યો કે શું ? " કેતકી હસી પડી.

" ના મને તો કોઈ જ રસ નથી પરંતુ એની પાસે નાટક કરાવવું છે. મેં એક સ્ક્રિપ્ટ લખી છે જેમાં હીરો તરીકે મારે મહેશને લેવો છે. અગાઉ પણ એક સ્ક્રિપ્ટ લખી હતી જેમાં નરવણે સાહેબ હીરો હતા." અભિમન્યુ હસીને બોલ્યો.

" હમ્... સમજી ગઈ. હું તને એનો નંબર મેસેજ કરી દઉં છું. આ નવી સ્ક્રીપ્ટમાં પણ મારી જરૂર હોય તો કહી દેજે. વિડીયો કેમેરા લઈને આવી જઈશ. " કેતકી હસીને બોલી.

મહેશ ભાટિયાનો નંબર મળ્યા પછી અભિમન્યુએ બીજા દિવસે એને પોતાની ઓફિસે બોલાવ્યો.

" વેલકમ મહેશ." મહેશ ભાટિયા જેવો ઓફિસમાં દાખલ થયો કે અભિમન્યુએ ઊભા થઈને એનું સ્વાગત કર્યું અને હાથ મિલાવ્યા.

" તારો નંબર મારે કેતકી પાસેથી લેવો પડ્યો." અભિમન્યુએ વાતની શરૂઆત કરી.

" હા કેતકીને નાટકનો શોખ છે એટલે એની પાસે મારો નંબર હોય. કોલેજ છોડ્યા પછી પહેલીવાર આપણે મળી રહ્યા છીએ. તને તો નાટકનો કોઈ શોખ જ નથી. નહીં તો મારાં ત્રણ ચાર નાટકો ભાઈદાસ હૉલ અને દીનાનાથ મંગેશકર હૉલમાં ભજવાઈ ચૂક્યાં છે. જો કે મારો રોલ સાઈડ હીરોનો હોય છે. " મહેશ બોલ્યો.

" સાચી વાત છે મને શોખ ઓછો છે. હવે મૂળ વાત ઉપર આવું. મેં એક સ્ક્રિપ્ટ લખી છે અને એમાં તારે એક રોલ ભજવવાનો છે ! " અભિમન્યુ બોલ્યો.

" વાઉ ! ડ્રામાની સ્ક્રિપ્ટ લખી છે ? " મહેશ ઉત્સાહથી બોલ્યો.

" ના અસલી જીવનનો ડ્રામા છે. તારે સરદારજી બનવાનું છે. મારી એક પાર્ટીને તારે ડાયમંડ વેચવાના છે. ડાયમંડ તને મળી જશે. એમાં કરોડો રૂપિયાનો વ્યવહાર થવાનો છે. એ ડાયમંડ વેચાઈ જાય અને પૈસા આવી જાય એટલે સરદારજી હવામાં ઓગળી જશે." અભિમન્યુ બોલ્યો.

" પણ અભિમન્યુ ડાયમંડ વેચવાનું કામ મને ના ફાવે. હું કોઈ વ્યાપારી નથી. " મહેશ બોલ્યો.

" તું તો જન્મજાત કલાકાર છે મહેશ. કોઈપણ રોલ નિભાવી શકે. હું તને એક ડાયરેક્ટર તરીકે દરેક સીન સમજાવતો રહીશ અને એ જ પ્રમાણે તારે અભિનય કરવાનો છે. બસ તારે સરદારજીની ભાષામાં જ બોલવું પડશે." અભિમન્યુ હસીને બોલ્યો.

" ભાષાની ચિંતા તું છોડી દે. અસલ સરદારજી પણ ચક્કર ખાઈ જાય એવો મારો સરદારજીનો રોલ હશે પાજી. " મહેશ ભાટિયા બોલ્યો.

" તને એક નાટક કરવાના કેટલા પૈસા મળે છે ? સોરી. મારે સાચો ફિગર જાણવો નથી. હું તને આ નાનકડા રોલના ત્રણ લાખ રૂપિયા રોકડા આપી દઈશ. " અભિમન્યુ હસીને બોલ્યો.

" ત્રણ લાખમાં તો મારો જાન પણ આપી દઈશ. આજકાલ નાટકોમાં પણ મારા રોલ ઓછા થઈ ગયા છે એટલે થોડી કડકી પણ ચાલે છે. " મહેશ બોલ્યો.

"ઠીક છે. તો પછી સરદારજી બનવાની પ્રેક્ટિસ ચાલુ કરી દે. મારા ફોનની રાહ જો. અત્યારે તારી કડકી દૂર કરવા ૫૦૦૦૦ એડવાન્સ આપી દઉં છું. " અભિમન્યુ બોલ્યો અને એણે ડ્રોવરમાંથી પચાસનું બંડલ બહાર કાઢીને ટેબલ ઉપર મૂક્યું અને મહેશ તરફ સરકાવ્યું.

એ પછી આઈસ્ક્રીમ ખાઈને મહેશ ભાટિયા રવાના થઈ ગયો એટલે અભિમન્યુએ દિલ્હીનો એક નંબર લગાવ્યો.

અભિમન્યુ પોતે સ્ટોક એક્સચેન્જનો રજીસ્ટર્ડ શેર બ્રોકર પણ હતો. જો કે એ બહુ લિમિટેડ ક્લાયન્ટોનું કામ જ કરતો હતો. મોટી મોટી પાર્ટીઓનું ઇન્વેસ્ટમેન્ટ જ એની પાસે હતું. રોજે રોજના ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં એને રસ ન હતો. આવી જ એક મોટી પાર્ટી એની પાસે દિલ્હીની પણ હતી. એનું નામ હતું હરજોતસિંગ ! એના ત્રણ કરોડ અભિમન્યુ પાસે હતા. દર વર્ષે સારો એવો પ્રોફિટ અભિમન્યુ એને કમાઈ આપતો.

" સત શ્રી અકાલ પાજી. મૈં મુંબઈ સે અભિમન્યુ " અભિમન્યુએ પોતાના જૂના ક્લાયન્ટ હરજોતસિંગને ફોન લગાવ્યો.

" સત શ્રી અકાલ સર જી. બોલો આપકી ક્યા સેવા કર સકતા હું ? "

" મુજે દિલ્હીકા એક નયા સીમકાર્ડ ચાહીએ. આપકે નામ કા મત લેના. થોડા દો નંબર કા કામ હે તો ઐસે હી કોઈ નંબર ચાહિયે ! " અભિમન્યુ બોલ્યો.

" યે દિલ્લી હૈ સર જી ! સબ કામ હો જાતા હૈ. જિસકા ભી નામ બોલો ઉસકે નામકા સીમકાર્ડ આપકો મિલ જાયેગા." હરજોતસિંગ બોલ્યો.

" ઠીક હૈ તો ફિર દલજીતસિંગ કે નામકા કાર્ડ લે લો. ઔર મુઝે કુછ દિનોં કે લિયે દિલ્હીમેં કિરાયેકી એક ઓફિસ ભી ચાહિયે થી." અભિમન્યુ બોલ્યો.

" મિલ ગઈ સમજો. મેરી હી એક ઓફિસ માયાપુરી સર્કલ પાયલ માર્ગ પે ખાલી પડી હૈ. જબ ભી માંગો ચાબી મિલ જાયેગી." હરજોતસિંગ બોલ્યો.

"પાજી આપને તો મેરા કામ બહોત આસાન કર દિયા. ઓફિસ જરા સાફ કરા કે રખના. ઓફિસ કી જરૂરત તો વૈસે નહીં પડેગી ફિર ભી દિલ્હી મેં એક ઓફિસ ભી રખનેકા સોચ રહા હું. " અભિમન્યુ બોલ્યો.

"ઠીક હૈ સર જી. મેરી ઓફિસ મૈં આપકે લિયે તૈયાર કરવા દુંગા. " સરદારજી બોલ્યા.

અભિમન્યુ કોઈપણ કામ કાચું રાખવા માગતો ન હતો. પ્રતાપ કાનાણી ખૂબ જ શાતીર માણસ હતો. એની પાસેથી કરોડો રૂપિયા લેવા એ એટલું આસાન કામ ન હતું. બધી તપાસ કર્યા વગર એ આટલો મોટો સોદો ના કરે એ એને ખબર હતી.

હવે થોડા દિવસ શાંતિથી બેસી રહેવાનું હતું. ઉતાવળે આંબા ના પાકે એ કહેવત એ જાણતો હતો. એક પછી એક શતરંજની ચાલ ચાલવાની હતી અને પ્યાદાં ગોઠવવાનાં હતાં !

આ બાજુ પ્રતાપ કાનાણીના મનને પણ શાંતિ ન હતી. એણે જે વિચાર્યું હતું એનાથી બધું ઊંધું જ થઈ રહ્યું હતું. વલ્લકીના ફોટા અને વિડિયો ક્લિપ ડીલીટ થઈ ગઈ હતી એટલે એ અભિમન્યુ સાથે લગ્ન કરે તો પણ એને બ્લેકમેલ કરીને એની પાસેથી હીરા તો લઈ શકાય એમ હતા નહીં. એટલે હવે વલ્લકી અભિમન્યુ સાથે લગ્ન કરે કે ના કરે એને પોતાને કોઈ ફાયદો થવાનો ન હતો !

સંધ્યા કદમ જેવી રૂપસુંદરી પણ પોતાના હાથમાંથી ચાલી ગઈ હતી. રોજ રાત્રે એની ઊંઘ ઉડી જતી હતી. વિષયી વિચારો એને ઘેરી વળતા હતા. રંગીલો ભૂતકાળ રોજ યાદ આવતો હતો. હજુ પણ સંધ્યાને ગમે તેમ લાલચ આપીને પાછી બોલાવી શકે તેમ હતો પણ પછી નરવણે જેવો કડક પોલીસ ઓફિસર એને છોડે એમ ન હતો એટલે સંધ્યાને તો હવે ભૂલી જવાની જ હતી ! હોટલનો એનો રૂમ પણ કાયમ માટે બંધ થઈ ગયો હતો એટલે ત્યાં પણ કોઈને બોલાવી શકાય એમ ન હતું.

એણે ઘણી કોશિશો કરી પરંતુ એની હોટલ ઉપર રેડ કોણે પડાવી એ નામ પણ હજુ સુધી એને મળ્યું ન હતું.

પ્રતાપ કાનાણીને ખ્યાલ આવી ગયો હતો કે એનો સમય બરાબર ચાલતો નથી. બધા સંપર્કો તૂટી ગયા અને ઉપરથી એક કરોડનું નુકસાન થયું !

કાનાણીને આ સમયે મુંબઈથી નાસિકના રસ્તે શહાપુરથી આગળ નંદીકેશ્વર મઠ પાસે એક આશ્રમમાં રહેતા બાબાજી યાદ આવી ગયા. દસ વર્ષ પહેલાં જ્યારે એકવાર ધંધામાં તકલીફ પડી હતી ત્યારે કોઈ એને એ બાબાજી પાસે લઈ ગયું હતું.

બાબાજીએ સચોટ આગાહી કરી હતી અને કેટલાક ઉપાયો પણ બતાવ્યા હતા. એ ઉપાયો કર્યા પછી ફરી પાછી એની ઝડપી પ્રગતિ થઈ હતી.

પ્રતાપ કાનાણીએ ઝડપથી બાબાજીને મળવાનો નિર્ણય લઈ લીધો અને રવિવારે વહેલી સવારે ૭ વાગે જ સાવંતને બોલાવીને ગાડીમાં શહાપુર થઈને બાબાજીના આશ્રમે જવા નીકળી ગયો.

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■