વલ્લકી પ્રકરણ 17
વાત થયા મુજબ રવિવારે મુનીર વોરા સવારે નવ વાગે જ અભિમન્યુના ઘરે આવી ગયો. આવીને તરત એણે કુસુમબેનના ચરણ સ્પર્શ કર્યા.
વલ્લકી નવલકથા
" અરે મુનીર... તને તો આજે કેટલાં વર્ષો પછી જોયો ! કોલેજમાં ભણતો ત્યારે બે ત્રણ વાર ઘરે આવેલો." કુસુમબેન બોલ્યાં.
" હા માસી. તમારા ઘરે તો હું જમેલો પણ છું. ડિગ્રી મળી ગઈ એટલે પછી ઘરે આવવા જવાનું ઓછું થઈ ગયું. હું અને અભિમન્યુ તો મળતા જ રહીએ છીએ. " મુનીર બોલ્યો.
"હા એ તો મને ખબર છે. અભિમન્યુ તને મળવા ક્યારેક કાંદીવલી પોલીસ સ્ટેશન આવે છે એ પણ હું જાણું છું. ચાલો તને સરસ નોકરી મળી ગઈ. ઘરે બધાં મજામાં છે ?" કુસુમબેન બોલ્યાં.
" હા માસી. સિસ્ટરનાં હમણાં થોડા દિવસ પહેલાં જ મેરેજ કરી દીધાં. " મુનીર બોલ્યો.
" હવે તારે તારો વિચાર પણ કરવો પડશે ને ! તારી અમ્મીને આરામ આપવા માટે હવે તું પણ જલ્દી લગ્ન કરી લે." કુસુમબેને કહ્યું.
" અમારા પરિવારની એક છોકરી ધ્યાનમાં છે જ માસી. આવતા વર્ષે મારો પણ નંબર લાગી જશે." મુનીર બોલ્યો. ત્યાં સુધીમાં અભિમન્યુ પણ તૈયાર થઈ ગયો.
" ચાલો નીકળીશું ? " અભિમન્યુ બોલ્યો.
અને એ સાથે જ બંને મિત્રો બહાર નીકળ્યા અને નીચે પાર્કિંગમાં જઈને ગાડીમાં બેઠા.
" આપણે કેવી રીતે આગળ વધવું છે ? આસિફ એ જ ગેરેજમાં છે એટલે મારાથી તો ત્યાં નહીં અવાય." ગાડી ઠાકુર મૉલ પહોંચી પછી મુનીર બોલ્યો.
" તું ગાડીમાં જ બેસી રહેજે. હું ગેરેજમાં જઈને એને એક વાર જોઈ તો લઉં. હું શું કરું છું બસ જોયા કર. તારો રોલ આવે ત્યારે હું તને કહીશ. અત્યારે તો તારે માત્ર જોવાનું છે. " અભિમન્યુ હસીને બોલ્યો.
વિરાર આવી ગયા પછી અભિમન્યુએ મોબાઇલમાં બોરકર ઓટોમોબાઇલ્સ અજમેરા વિશ્વનગરીનું લોકેશન મૂકી દીધું અને પંદર મિનિટમાં જ ગાડી એના લોકેશન ઉપર આવી ગઈ.
ગેરેજથી થોડેક દૂર અભિષેકે ગાડી ઉભી રાખી. બંને મિત્રો ગાડીમાંથી નીચે ઉતર્યા. મુનીરે દૂરથી જોયું કે અત્યારે આસીફ ગેરેજમાં દેખાતો નથી. જો કે આટલો વહેલો કદાચ એ ગેરેજમાં નહીં આવતો હોય.
" જીજા તો ગેરેજમાં દેખાતા નથી એટલે હું પણ તારી સાથે આવું છું. " મુનીર બોલ્યો અને બંને મિત્રો ચાલતા ચાલતા ગેરેજ સુધી ગયા. ગેરેજ ઘણું મોટું હતું અને ત્રણ ચાર ગાડીઓ ગેરેજ આગળ સર્વિસ માટે ઉભી હતી.
અત્યારે ગેરેજમાં ત્રણ જણા હતા. બે મિકેનિક બે ગાડીઓ ખોલીને બેઠા હતા. ગેરેજના માલિક જેવો એક યુવાન અંદર ખુરશી ઉપર બેઠો હતો.
" અરે ભૈયા ગોવિંદભાઉ નહીં હૈ ક્યા ? " અભિમન્યુ એ યુવાનની પાસે જઈને બોલ્યો.
" નહીં. બાબાકી તબિયત ઠીક નહીં હૈ તો અભી ઘર પે હૈં. આપ કૌન ?" પેલો યુવાન બોલ્યો. એની વાતચીત ઉપરથી એ ગોવિંદ બોરકરનો દીકરો લાગતો હતો.
" તબિયત ઠીક નહી હૈ મતલબ કુછ સિરિયસ હૈ ક્યા ? " અભિમન્યુ લાગણી બતાવતો હોય એમ બોલ્યો.
" નહીં નહીં. કલ સે થોડા બુખાર હૈ તો આજ ગેરેજ પે નહીં આયે. " યુવાને જવાબ આપ્યો.
" મેરી ભાઉસે પુરાની જાન પહેચાન હૈ. એક બાર આપકે ઘર ભી મૈં આ ગયા હું. યહાં તક આયા હું તો એક બાર ઘર જા કે ખબર પૂછ લેતા હું. આપ લોગ ડી ટાવરમેં ૪૦૩ નંબરમેં હી રહેતે હો ના ? " અભિમન્યુએ એવી રીતે વાત કરી કે જાણે વર્ષોથી ગોવિંદ બોરકરને ઓળખતો હોય !
" જી ભાઈસા'બ." પેલો યુવાન બોલ્યો. એને ખાતરી થઈ ગઈ કે આ લોકો બાબાને બહુ સારી રીતે ઓળખે છે.
આ બધી વાતચીતથી મુનીર બહુ જ પ્રભાવિત થઈ ગયો.
" ખરેખર અભિમન્યુ તું બહુ સરસ અભિનય કરી શકે છે ! હવે આગળ શું કરવું છે ? " બહાર નીકળીને મુનીર બોલ્યો.
" બસ એક વાર ગોવિંદ બોરકરનો ચહેરો જોવો છે. હવે મારી વાત સાંભળ. તારી પોતાની બોડી અને દેખાવ પહેલવાન જેવા જ છે અને તું પાછો પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ છે. આજે તું કાંદીવલીનો પોલીસ સબ ઇન્સ્પેક્ટર નહીં પરંતુ ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ ઇન્સ્પેક્ટર છે. મોટા ભાગે હું જ બોલીશ છતાં જરૂર પડે તો તું વચ્ચે બોલી શકે છે." અભિમન્યુ બોલ્યો અને ગાડીમાં બેઠો.
ગાડી ડી બ્લોક આગળ જઈને ઉભી રાખી અને બંને મિત્રો ફરી પાછા નીચે ઉતરી ગયા.
સીડી ચઢીને બંને ચોથા માળે પહોંચી ગયા અને ૪૦૩ નંબરના ફ્લેટ પાસે જઈને ડોરબેલ દબાવ્યો.
આધેડ ઉંમરની એક બાઈએ અડધો દરવાજો ખોલ્યો. એ કદાચ ગોવિંદ બોરકરની પત્ની હતી.
" હમેં ગોવિંદભાઉસે મિલના થા." મુનીર બોલ્યો.
" આઈયે " કહીને બાઈએ દરવાજો ખોલી નાખ્યો એટલે બંને મિત્રો અંદર દાખલ થયા અને સામેના સોફા ઉપર બેઠા.
" અરે ઐક ના. તુમ્હાલા ભેટાયલા કોણીતરી આલે આહે." બાઈએ મરાઠીમાં બેડરૂમમાં આરામ કરી રહેલા એના પતિને જાણ કરી કે કોઈ મળવા આવ્યું છે.
" આજ સકાળી સકાળી કોણ આલે આહે ? " ગોવિંદ બોરકર બબડતો બબડતો એના બેડરૂમમાંથી બહાર આવ્યો. દેખાવ ઉપરથી એ અત્યારે ૬૫ વર્ષ આસપાસની ઉંમરનો લાગતો હતો. એના કરચલીવાળા ચહેરા ઉપર આછી આછી દાઢી હતી. દેખાવ થોડો રફ ટફ હતો.
" અમે તમને મળવા માટે છેક મલાડથી આવ્યા છીએ ભાઉ. અમે ગેરેજમાં ગયા હતા પરંતુ ત્યાંથી સમાચાર મળ્યા કે તમારી તબિયત સારી નથી એટલે ખબર પૂછવા માટે ઘરે આવ્યા." અભિમન્યુ શુદ્ધ મરાઠીમાં બોલ્યો.
" આ બે દિવસથી થોડો તાવ આવે છે. ડોક્ટરની દવા ચાલુ છે. આજે થોડું સારું છે છતાં આરામ કરવા ઘરે રોકાયો છું. પણ તમારી ઓળખાણ ના પડી. " ગોવિંદ બોરકર મરાઠીમાં બોલ્યો.
" અરે તમને તો હું છેલ્લા બાવીસ વર્ષથી શોધું છું ભાઉ. મારું નામ ડિટેક્ટીવ આશિષ પાંડે અને આ છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વોરા સાહેબ. " અભિમન્યુ બોલ્યો.
બંનેનો પરિચય સાંભળીને ગોવિંદ બોરકર એક ક્ષણ માટે તો અંદરથી થથરી ગયો પરંતુ એને હજુ બરાબર સમજાયું નહીં. ડિટેક્ટિવ અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના ઘરે કેમ આવ્યા હશે એ એને સમજાતું ન હતું.
" તમને શું ફાવશે ? ગરમ કે ઠંડુ ?" બોરકર બોલ્યો.
" અમને ગરમ કરવા કે ઠંડા કરવા એ તમારા હાથમાં જ છે ભાઉ. " હવે મુનીર વોરા બોલ્યો.
" હું કંઈ સમજ્યો નહીં સાહેબ. મને કંઈ સ્પષ્ટ વાત કરો તો સમજાય." બોરકર બોલ્યો.
મામલો કંઈક ગંભીર લાગે છે અને સામે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડિટેક્ટિવ બેઠા છે એટલે એણે હવે સાહેબ કરીને વાત ચાલુ કરી.
" તમારા ઉપર જયદેવ પાઠકના ખૂનનો આરોપ છે. તમારું એરેસ્ટ વોરંટ કઢાવતાં પહેલાં અમે તમને મળવા માટે આવ્યા છીએ. ભલે ફાંસી ના મળે પરંતુ આજીવન કેદ તો તમારા નસીબમાં લખાયેલી જ છે ભાઉ. " અભિમન્યુએ ધીમા અવાજે ધડાકો કર્યો.
" જયદેવ પાઠકનું ખૂન !! હું કંઈ સમજ્યો નહીં સાહેબ. મેં કોઈનું ખૂન નથી કર્યું. " બોરકર બોલ્યો.
" કંઈ વાંધો નહીં. થર્ડ ડિગ્રી રિમાન્ડ ઉપર લઈશું એટલે બધું બહાર આવી જશે. વોરંટ તૈયાર જ છે ખાલી સહી કરવાની બાકી છે. હું અહીં જ બેસી રહીશ અને આ વોરા સાહેબ પોલીસ સ્ટેશન જઈને હાથકડી સાથે પોલીસ વાન લઈને આવી જશે. " અભિમન્યુ બોલ્યો.
" સાહેબ તમે કોની વાત કરી રહ્યા છો ? ખરેખર જયદેવ પાઠકનું ખૂન મેં નથી કર્યું. એ નામ વિશે હું કંઈ જાણતો જ નથી. મેં મારી જિંદગીમાં કોઈનું ખૂન નથી કર્યું." બોરકર બોલ્યો.
" જાણીતા બિલ્ડર પ્રતાપ કાનાણીને ઓળખો છો ? વસઈના સુમસામ ફ્લેટમાં તમે તમારી પિસ્તોલથી એના પાર્ટનર જયદેવ પાઠકનું ખૂન નહોતું કર્યું ? અમાવસ્યાની એ અંધારી રાત્રે તમે લાશને વસઈની ખાડીમાં ફેંકી હતી કે નહીં ? હજુ પણ યાદ નથી આવતું ?" અભિમન્યુ સહેજ ગુસ્સે થઈને બોલ્યો.
" પાંડે સાહેબ. હવે મને બધું યાદ આવી ગયું. પણ એ ખૂન મેં નહોતું કર્યું. શેઠે એમના કોઈ પાર્ટનરને ફ્લેટ ઉપર બોલાવ્યા હતા અને વારંવાર હીરાની માગણી કરતા હતા. શેઠના કહેવાથી મેં એમને તમાચો પણ માર્યો હતો. છતાં પેલા ભાઈ માનતા જ ન હતા એટલે મારા હાથમાંથી પિસ્તોલ છીનવીને શેઠે જ મર્ડર કરી નાખ્યું હતું. હા એ રાત્રે લાશને ખાડીમાં ફેંકવા માટે હું એમની મદદમાં ગયો હતો. હું મારા એકના એક દીકરાના સોગંદ ખાઈને કહું છું કે મેં મારી જિંદગીમાં કોઈનું ખૂન નથી કર્યું." બોરકર બે હાથ જોડીને બોલ્યો. એ હવે ખરેખર ગભરાઈ ગયો હતો.
અભિમન્યુ જાણતો જ હતો કે ગોવિંદ બોરકર સાચું જ બોલતો હતો અને ખૂન પ્રતાપ કાનાણીએ પોતે જ કર્યું હતું છતાં અત્યારે એ એના પ્લાન પ્રમાણે આગળ વધી રહ્યો હતો.
" તો પછી પ્રતાપ કાનાણીએ વસઈ પોલીસ સ્ટેશનમાં શા માટે એવું સ્ટેટમેન્ટ લખાવ્યું છે કે જયદેવ પાઠકનું મર્ડર તો ગોવિંદ બોરકરે જ કરેલું છે. એણે તો ત્યાં સુધી લખાવ્યું છે કે ગોવિંદ બોરકર તો પ્રોફેશનલ હત્યારો છે. મેં ના પાડી છતાં પણ ગુસ્સે થઈને એણે ગોળી મારી દીધી." અભિમન્યુ ઠંડા કલેજે બોલ્યો.
" કાનાણી શેઠે પોલીસ સ્ટેશનમાં આવું સ્ટેટમેન્ટ લખાવ્યું છે ? ખૂન એણે કર્યું અને નામ મારું લખાવ્યું છે ?" બોરકર આશ્ચર્ય અને આઘાતથી બોલ્યો.
" હા. આ કેસ ૨૨ વર્ષ જૂનો છે. હવે આટલાં વર્ષો પછી એ ખૂનનો ભેદ ઉકેલાઈ ગયો છે. પાપ ગમે ત્યારે છાપરે ચઢીને પુકારે છે. તમે તો એ જયદેવ પાઠક મૃત્યુ પામ્યા છે એમ સમજીને લાશને ખાડીમાં ફેંકી દીધી હતી પરંતુ ત્યારે એ બેહોશ હતા. તમે એમને ખાડીમાં ફેંકી દીધા એ રાત્રે પેટ્રોલિંગ કરતી પોલીસ તમને જોઈ ગઈ હતી. એણે તમારો પીછો કર્યો પરંતુ તમે ઘણા દૂર નીકળી ગયા હતા એટલે પકડી શક્યા નહીં." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" વસઈ પોલીસે પોતાના સ્ટાફ તથા ત્યાંના લોકલ માણસોની મદદથી બેહોશ પાઠકજીને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. પેટમાં અને ફેફસામાં પાણી ભરાઈ ગયું હોવાથી એ જ દિવસે એમણે દેહ છોડી દીધો પણ મરતાં પહેલાં પ્રતાપ કાનાણીનું નામ એમણે આપ્યું. " અભિમન્યુ બોલી રહ્યો હતો.
" પોલીસે ત્રણ જ દિવસમાં પ્રતાપ કાનાણીને શોધી કાઢ્યા. કાનાણીને પોલીસ સ્ટેશનમાં બહુ જ મોટો વ્યવહાર કરવો પડ્યો અને ફાઈલ તો દબાવી દીધી પરંતુ સ્ટેટમેન્ટમાં એમણે તમારું નામ લખાવી દીધું. એમણે લખાવ્યું કે મેં ના પાડી તેમ છતાં પણ ગોવિંદ બોરકરે એમની છાતીમાં બે ગોળી મારી એટલે બોરકરને બચાવવા માટે મારે લાશને ખાડીમાં ફેંકી દેવી પડી." અભિમન્યુથી બોલાઈ ગયું. કદાચ દાદાજી જ બોલાવી રહ્યા હતા.
"મને મળેલી એક માહિતીના આધારે હું છેલ્લા બાવીસ વર્ષથી તમને શોધી રહ્યો હતો પણ કોઈ કડી જ મળતી ન હતી. છેવટે મેં ક્રાઈમ બ્રાન્ચમાં આ કેસ સોંપી દીધો અને મારા મિત્ર આ પોલીસ ઇન્સ્પેક્ટર વોરા સાહેબે અંગત રસ લઈને વસઈ પોલીસ સ્ટેશનમાં જઈને જૂની બધી ફાઈલો ખોલાવી. બે દિવસ પહેલાં જ એ ફાઈલ અમને મળી આવી જેમાં કાનાણીનું લેખિત સ્ટેટમેન્ટ છે કે જયદેવ પાઠકનું મર્ડર ગુસ્સામાં આવીને ગોવિંદ બોરકરે કર્યું છે. " અભિમન્યુએ પોતાની વાર્તા પૂરી કરી.
હકીકતમાં સવારે અભિમન્યુ જ્યારે ધ્યાનમાં બેઠો હતો ત્યારે એણે પોતાના દાદાજીને ખૂબ જ પ્રાર્થના કરી હતી અને એ પછી જ આ આખી ઘટના અચાનક એની નજર સામે આવી ગઈ હતી.
" સાહેબ હું સાચું કહું છું કે પોતાની જાતને બચાવવા માટે એ હરામીએ મારું નામ લખાવી દીધું અને મને ફસાવી દીધો. હવે તમે જ મને બચાવી શકો એમ છો. મેં મારા દીકરાના સોગંદ ખાધા છે કે એ મર્ડર મેં નથી કર્યું. " ગોવિંદ બોરકર ખૂબ જ ઢીલો પડી ગયો હતો અને હવે લગભગ કરગરતો હતો.
" બે જ રસ્તા છે. જો આ મર્ડર ખરેખર પ્રતાપ કાનાણીએ જ કર્યું હોય તો એને પકડવામાં તમે જ અમને મદદ કરો. તમે અમને જે પણ કહ્યું એ તમે વસઈ પોલીસ સ્ટેશનમાં આવીને સ્ટેટમેન્ટ લખાવી દો. તે દિવસે જે પણ બન્યું હતું એની સંપૂર્ણ વિગતો તમારે લખાવવાની રહેશે એટલે તમે સાક્ષી પણ બની જશો." હવે મુનીર વોરા બોલ્યો.
" તમારે જો બચવું હોય તો અમે તમને ના કહીએ ત્યાં સુધી તમારે પ્રતાપ કાનાણીનો સંપર્ક કરવો નહીં. એને મળવું પણ નહીં કે એને ફોન પણ કરવો નહીં. જો એને તમે આ વાત જણાવી દેશો તો ફરીથી એ પૈસા વેરીને તમને જ ફસાવી દેશે. " અભિમન્યુ બોલ્યો.
" તમે જેમ કહો એમ કરવા તૈયાર છું સાહેબ. મને આ ચક્કરમાંથી બહાર કાઢો કારણકે હું તો ખાલી શેઠના કહેવાથી પિસ્તોલ લઈને ધમકી આપવા જ ગયો હતો. ધારાવી જઈને પિસ્તોલ ખરીદી લાવ્યો હતો અને એના પૈસા પણ શેઠે આપ્યા હતા." ગોવિંદ બોરકર બોલ્યો. એની વાતમાં સચ્ચાઈ હતી.
" હવે મને એ જવાબ આપો કે જે પિસ્તોલથી કાનાણી શેઠે જયદેવ પાઠકનું મર્ડર કર્યું એ પિસ્તોલ ક્યાં છે ? " મુનીર વોરા બોલ્યો.
આ બધી જ વાતચીત મરાઠીમાં જ ચાલતી હતી.
" સાહેબ એ પિસ્તોલ મેં સંતાડીને મૂકી દીધી છે. શેઠે અચાનક મારી જ પિસ્તોલથી ગોળી મારી દીધી એટલે હું ડરી ગયો હતો. ગોળી મારતાં તો મારી દીધી પરંતુ શેઠ પોતે પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા. લાશનું શું કરવું એ એમને જ સમજ નહોતી પડતી. પિસ્તોલ પણ એમણે એક ખૂણામાં ફેંકી દીધી હતી. લાશને રાત્રે વસઈની ખાડીમાં ફેંકી દેવાની સલાહ મેં જ આપી હતી." બોરકર બોલી રહ્યો હતો.
" એ દિવસે તો લાશને ત્યાં જ મૂકીને બપોરે અમે નીકળી ગયા હતા અને રાત્રે અગિયાર વાગે ફરી પાછા ભેગા થયા હતા. હું પોતે પણ ગભરાઈ ગયો હોવાથી મારા એક દોસ્ત ગણપતને એ સાંજે મળ્યો હતો જે પણ મારી જેમ ચોરી ડ્રગ જેવા નાના મોટા ગુના કરતો હતો." બોરકર ભૂતકાળ યાદ કરીને વિગતવાર વાત કરી રહ્યો હતો.
" મેં ગણપતને બધી વાત કરી તો એણે મને સલાહ આપી કે પિસ્તોલને તું હાથમાં પકડતો નહીં. એના ઉપર તારા એ શેઠની આંગળાની છાપ હશે. એક પ્લાસ્ટિકની થેલીમાં તું સાચવીને મૂકી રાખજે અથવા તો પછી ખાડીમાં જઈને ફેંકી દેજે. એની સલાહ માનીને બીજા દિવસે હું એ નિર્જન ફ્લેટ ઉપર ગયો હતો અને ખૂણામાં પડેલી પિસ્તોલને એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દીધી હતી. હજુ પણ મેં એ સાચવી રાખી છે." બોરકરે પોતાની વાત પૂરી કરી.
" શાબાશ. ભગવાને તમને બચાવી લીધા. એ પિસ્તોલ તમને બચાવી લેશે. એ પિસ્તોલ જો ઘરમાં જ પડી હોય તો અત્યારે જ શોધી કાઢો અને અમને આપી દો એટલે કાનાણીને અમે પકડી શકીએ અને તમને બચાવી શકીએ." અભિમન્યુ બોલ્યો.
' હો સાહેબ. ઘરમાં જ સાચવીને મૂકી છે. હું શોધી કાઢું ત્યાં સુધી તમારા માટે શું લાવું ? ઠંડુ ફાવશે કે ગરમ ? " બોરકર બોલ્યો.
" ચા બનાવવાનું કહી દો." અભિમન્યુ બોલ્યો.
બોરકર કિચનમાં ગયો અને ત્યાંથી પછી પોતાના બેડરૂમમાં ગયો. એ પિસ્તોલ એણે માળિયામાં જ સંતાડીને મૂકી હતી. પાંચેક મિનિટમાં જ એ પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલી પિસ્તોલ લઈને બહાર આવ્યો.
અભિમન્યુએ પ્લાસ્ટિકની થેલી હાથમાં લીધી અને પિસ્તોલ સામે જોઈ રહ્યો. આ જ પિસ્તોલની ગોળીઓથી પપ્પાની છાતી વિંધાઈ ગઈ હતી. હીરા લઈ લેવા માટે એ હરામખોર માણસે પોતાના સગા ભાઈ જેવા પાર્ટનરની હત્યા કરી દીધી !
બે ક્ષણ માટે પિસ્તોલની થેલી હાથમાં રાખીને પિતાની યાદમાં એની આંખો ભરાઈ આવી !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
