વલ્લકી નવલકથા (Vallaki Novel Part-16)

Related

વલ્લકી પ્રકરણ 16

પંદર દિવસ પૂરા થઈ ગયા એટલે અભિમન્યુ ઉપર શાંતિલાલ ઝવેરીનો ફોન આવી ગયો.

" તારા ૧૪ સિન્થેટિક ડાયમંડ તૈયાર થઈ ગયા છે અને સુરતથી મેં મંગાવી લીધા છે. તું ગમે ત્યારે મારી ઓફિસ આવીને લઈ જઈ શકે છે." ઝવેરી અંકલ બોલ્યા.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

" જી અંકલ. હું કાલે સવારે જ અગિયાર વાગે ઘરેથી નીકળીને સીધો તમારી ઓફિસ આવી જઈશ. કાલે બાકીનું પેમેન્ટ પણ તમને મળી જશે." અભિમન્યુ બોલ્યો.

" તારા પેમેન્ટની મને કોઈ ચિંતા ના હોય બેટા. તું ગમે ત્યારે આવજે. હું ઓફિસમાં જ છું." શાંતિલાલ બોલ્યા.

અને બીજા દિવસે બપોરે બાર વાગે અભિમન્યુ બીકેસીમાં શાંતિલાલ ઝવેરીની ઓફિસે પહોંચી ગયો.

શાંતિલાલે તિજોરીમાંથી હીરાનું પડીકું બહાર કાઢીને તમામ ૧૪ સિન્થેટિક હીરા બ્લુ વેલ્વેટ ટ્રે માં ખાલી કર્યા. બાજુમાં પેલો ૨૧ કેરેટનો અસલ ડાયમંડ પણ ગોઠવ્યો. અભિમન્યુ હીરાનો ચળકાટ જોઈને એકદમ ખુશ થઈ ગયો. અસલ ડાયમંડ અને આ સિન્થેટિક ડાયમંડ વચ્ચે જરા પણ ફરક લાગતો ન હતો. અસલ ડાયમંડ વજનમાં થોડોક ભારે હતો. બાકી બીજો કોઈ જ ફરક ન હતો !

અભિમન્યુએ બાકીની રકમનો ચેક આપી દીધો. ઝવેરી અંકલે ૧૪ ડાયમંડ દોરીવાળા મરૂન કલરના એક વેલવેટ પાઉચમાં મૂકી દીધા અને અસલી ડાયમંડ બીજા એક પાઉચમાં મૂક્યો. એ બંને પાઉચ અભિમન્યુએ પોતાની બેગમાં ગોઠવી દીધાં.

" અંકલ આ ૨૧ કેરેટનો અસલી ડાયમંડ મારે ભવિષ્યમાં વેચી દેવો હોય તો તમે ખરીદી શકો ? મારી પાસે આવા જ બીજા ડાયમંડ પણ છે." અભિમન્યુ બોલ્યો.

" જો બેટા આ મુંબઈ છે. અહીં રોજ કરોડોના સોદા થાય છે. આઠ કરોડ આપવાની મારી પોતાની તો તાકાત નથી પણ સો કરોડની પાર્ટી પણ હું લાવી શકું છું. બધા ડાયમંડ બ્લેકમાં એટલે કે રોકડામાં ખરીદનારા પણ મારી પાસે છે. " શાંતિલાલ ઝવેરી હસીને બોલ્યા.

" ઠીક છે અંકલ. હું ધ્યાનમાં રાખીશ. હવે હું રજા લઉં. " અભિમન્યુ બોલ્યો અને ઉભો થઈને ઓફિસની બહાર નીકળી ગયો. લિફ્ટમાં નીચે આવીને એણે પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી અને મલાડ પોતાની ઓફિસ તરફ લીધી.

ઓફિસે પહોંચીને અભિમન્યુએ કાનાણી અંકલના ડ્રાઇવર તુકારામ સાવંતને ફોન કર્યો.

" સાવંત અભિમન્યુ બોલું. "

" બોલો સર." સાવંત બોલ્યો.

" ડાયમંડ વાળી વાત કાનાણી શેઠ આગળ કરી ?" અભિમન્યુ બોલ્યો.

" હા શેઠના કાને વાત નાખી દીધી છે. ચાલુ ગાડીએ વાત થઈ છે એટલે શેઠ નો જવાબ હજુ બાકી છે. પરંતુ શેઠના ચહેરા ઉપરથી એવું લાગ્યું છે કે હવે એ ગમે ત્યારે સામેથી મને બોલાવશે. " સાવંત બોલ્યો.

" ઓકે. મેં જે પ્રમાણે તને સૂચના આપી છે એ પ્રમાણે વાતને આગળ ચલાવજે અને મને રિપોર્ટ આપતો રહેજે. આપણે કોઈ જ ઉતાવળ નથી. ઠંડા કલેજે આ કામ કરવાનું છે. શેઠને શંકા પડે એવું કોઈ જ કામ કરવાનું નથી." અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.

તુકારામ સાવંતની વાત સાચી પડી. અભિમન્યુ સાથે વાત થયાના બીજા જ દિવસે કાનાણી શેઠે એને પોતાની ઓફિસમાં સામેથી બોલાવ્યો.

"અરે તુકારામ... તું પેલા હીરાની શું વાત કરતો હતો ?" કાનાણી બોલ્યા.

" હા શેઠ. મારો મિત્ર દત્તાત્રેય મને ચાર દિવસ પહેલાં મળ્યો હતો. એ પણ ટેક્સી ડ્રાઇવર છે. દિલ્હીથી કોઈ સરદારજી આવ્યા હતા અને એની ટેક્સીમાં એ એમને એરપોર્ટથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ લઈ ગયો હતો. એ સરદારજી પાસે આફ્રિકાના અસલી હીરા છે. સો કરોડથી ઉપરની કિંમતના હીરા છે પરંતુ એને રોકડા પૈસા આપનાર કોઈ પાર્ટી મળતી નથી. દિલ્હીની પાર્ટી છે એટલે ચોરીનો માલ સમજી હીરા કોઈ હાથમાં પકડતું નથી. એટલે જ એ સસ્તામાં વેચી દેવા માંગે છે. એને પૈસાની ખૂબ જ જરૂર છે." સાવંત બોલ્યો.

" આવી કરોડોના ડાયમંડ વેચવાની વાત સરદારજીએ સામાન્ય ડ્રાઇવરને કરી ? " કાનાણી આશ્ચર્યથી બોલ્યા.

" ના સાહેબ. ડ્રાઇવર સાથે તો આવી વાત ના જ કરે ને ! આ તો સરદારજી એની ટેક્સીમાં કોઈની સાથે ફોન ઉપર હિન્દીમાં વાત કરતા હતા એ બધી વાત દત્તાત્રેયે ધ્યાનથી સાંભળી લીધી. કરોડોની વાત સાંભળીને દત્તાત્રેયને રસ પડ્યો અને લાલચ જાગી. એણે સરદારજીને વાત કરી કે એની પાસે એક બે મોટી પાર્ટીઓ છે જે કરોડોના હીરા ખરીદી શકે છે. સરદારજીને તો ગમે તેમ કરીને હીરા વેચી નાખવા છે એટલે એણે એનું કાર્ડ ડ્રાઇવરને આપ્યું અને કોઈ મોટી પાર્ટી હોય તો ફોન કરાવવાનું પણ કહ્યું." સાવંત અભિમન્યુએ જે રીતે શીખવાડ્યું હતું એ પ્રમાણે બોલી રહ્યો હતો.

"દત્તાત્રેયે તો ખાલી એમ જ વાત કરી. એની પાસે તો કોઈ પાર્ટી છે જ નહીં પણ એ મારા કારણે તમારા વિશે જાણે છે. એને ખબર છે કે મારા શેઠ કરોડોપતિ છે એટલે જ એણે આ વાત સરદારજીને કરી હતી. દત્તાત્રેય ચાર દિવસ પહેલાં મને ખાસ મળવા આવ્યો અને એણે મને બધી વાત કરી કે તારા શેઠને જો અડધી કિંમતમાં અસલી ડાયમંડ ખરીદવા હોય તો સરદારજી પાસે છે. " સાવંતે પોતાની વાત પૂરી કરી.

" હમ્ ... મારે પાર્ટી સાથે જ વાત કરવી પડશે. તું એક કામ કર. એ સરદારજી ક્યાં રહે છે ? શું કરે છે ? એનો નંબર મને લાવી દે." કાનાણી બોલ્યા.

" શેઠ એ તો દિલ્હી રહે છે. ત્યાં શું કરે છે એ તો મને કંઈ જ ખબર નથી." સાવંત બોલ્યો.

" ઠીક છે તારા મિત્ર પાસેથી એનો નંબર લાવી આપ." શેઠ બોલ્યા.

" હો શેઠ. હું કાલે દત્તાત્રેયને મળીને સરદારજીનો નંબર લઈ લઈશ. " સાવંત બોલ્યો.

એ જ સાંજે સાવંતે અભિમન્યુને સમાચાર આપી દીધા.

" સર શેઠને હીરા ખરીદવામાં રસ પડ્યો લાગે છે. તમે મને સમજાવ્યું હતું એ પ્રમાણે મેં મારા મિત્રની વાત કરી. શેઠ સરદારજી સાથે વાત કરવા માગે છે. " તુકારામ બોલ્યો.

" મને ખબર જ હતી. ઠીક છે થોડા દિવસ ટાઇમ પાસ કરી દે. કહી દેવાનું કે તારો મિત્ર રત્નાગીરી બાજુ દેશમાં ગયો છે અને ત્યાં નેટવર્ક નહીં હોવાથી એનો ફોન લાગતો નથી. હું બધું પ્લાનિંગ કરીને તને ફોન કરી દઈશ. જો આ સોદો થશે તો તું પણ માલામાલ થઈ જઈશ." અભિમન્યુ બોલ્યો.

પ્રતાપ કાનાણીએ પોલીસ ઇન્સ્પેક્ટર નરવણેના દબાણથી મુનીર વોરાને એક કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા અને નરવણે સાથે વાત થયા મુજબ મુનીર એ રકમ વલ્લકી અને સંધ્યાને સરખા ભાગે વહેંચી દેવાનો હતો.

મુનીરે વલ્લકીને પચાસ લાખ આપ્યા એ તો વલ્લકીએ તે દિવસે કબૂલ કર્યું હતું અને એણે એ રકમ એની કોઈ ફ્રેન્ડના પપ્પાને સ્ટોક માર્કેટમાં રોકવા માટે આપી હતી એવું કહ્યું હતું પરંતુ સંધ્યાએ એટલે મોટી રકમનું શું કર્યું એ જાણવાની કાનાણીને તાલાવેલી હતી. તાલાવેલી કરતાં પણ દર મહિને વ્યાજની લાલચ આપીને એ રકમ પાછી મેળવવાની એની ગણત્રી હતી.

પરંતુ સંધ્યાને પૂછવું કેવી રીતે ? આ રકમ વિશે સાવંતને તો વાત કરાય એમ હતું જ નહીં. આટલી મોટી રકમ પોલીસના ડરથી સંધ્યાને આપવી પડી એવું જો એ કહે તો ડ્રાઇવર આગળ એની જ આબરૂ જાય.

હિંમત કરીને એણે એક દિવસ રાત્રે સંધ્યાને જ ફોન કર્યો.

" સંધ્યા... કાનાણી બોલું છું. ફોન કાપી ના નાખતી. મેં તો ખાસ તારા ફાયદા માટે આજે ફોન કર્યો છે. પેલા પચાસ લાખનું તેં શું કર્યું ? " કાનાણી બોલ્યા.

સામે છેડે સંધ્યા કંઈ પણ બોલી નહીં. શું બોલવું એની એને સમજ પડતી ન હતી. અભિમન્યુનું નામ દઈ શકાય એમ હતું નહીં.

" જો સંધ્યા જે થયું તે ભૂલી જા. મેં તને ભૂતકાળમાં ઘણી મદદ કરી છે. અને હજુ પણ મદદ કરવા તૈયાર છું. જો એ રકમ તારી પાસે પડી હોય તો હું તને દર મહિને સારામાં સારું વ્યાજ આપી શકું છું. આટલી મોટી રકમ તારાથી સચવાશે નહીં અને બેંક તને મારા જેટલું વ્યાજ નહીં આપે. અને મારી બીજી વાત સાંભળ. મને તારી જરૂર છે. તું કહે એટલી બીજી મદદ કરવા તૈયાર છું. અને કોઈને પણ કહેવાની જરૂર નથી. " પ્રતાપ કાનાણીએ ફરી પાછી જાળ પાથરી.

પરંતુ સંધ્યાએ કાનાણી શેઠનો ફોન જ કટ કરી નાખ્યો અને એનો નંબર પણ બ્લોક કરી દીધો.

ઓરીજીનલ આફ્રિકન ડાયમંડ્સ જેવા જ સિન્થેટિક ડાયમંડ્સ બની ગયા પછી અભિમન્યુએ બીજું મિશન હાથમાં લેવાનું હતું પરંતુ એ માટે મુનીર વોરાની મદદની જરૂર હતી. પરંતુ મુનીરની સિસ્ટરનાં લગ્ન હતાં એટલે એ ચાર દિવસની રજા ઉપર હતો.

મુનીરની બહેન જાસ્મીનનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી પતી ગયાં. અભિમન્યુ અને કેતકીએ પણ લગ્નમાં હાજરી આપી હતી. અભિમન્યુએ મુનીરની બહેનને સોનાનો રત્નજડિત નેકલેસ ગિફ્ટમાં આપ્યો. જાસ્મીનનો વર આસિફ ઓટોમોબાઇલ એન્જિનિયર હતો અને વિરારમાં એક ગેરેજમાં મોટર મિકેનિક હતો.

લગ્ન પ્રસંગ પતી ગયા પછી એક દિવસ બપોરના ટાઈમે અભિમન્યુએ મુનીર વોરાને ફોન કર્યો.

" મુનીર મારે તારી સાથે એક અગત્યના કેસ માટે થોડી ચર્ચા કરવી છે. તને જ્યારે પણ ટાઈમ હોય ત્યારે એક બે દિવસમાં ઓફિસ આવી જજે ને " અભિમન્યુ બોલ્યો.

" હા તો પછી આજે સાંજે જ આવી જઈશ. " મુનીર બોલ્યો અને એ જ સાંજે પોતાની ડ્યુટી પૂરી કરીને સાત વાગે મલાડ ઈસ્ટમાં કોશા કોમ્પલેક્ષ પહોંચી ગયો.

" આજ કાલ તારી પાસે ઘણા કેસ આવતા લાગે છે. " મુનીર હસીને બોલ્યો.

" હા યાર. નવરા બેસી રહેવું ગમતું નથી અને તને મારે નવરો રાખવો નથી. " અભિમન્યુ હસીને બોલ્યો.

" હવે બોલ... શું મેટર હતી ? " મુનીર બોલ્યો.

" મારે તને આજે એક ગુપ્ત વાત કહેવી હતી જે મારા સિવાય કોઈ જાણતું નથી. અને હું કઈ રીતે જાણું છું એ સવાલ તું મને પૂછતો નહીં. જે હું તને કહી રહ્યો છું એ એકદમ સત્ય છે અને કોન્ફિડન્સીયલ પણ છે. " અભિમન્યુ બોલ્યો.

" તું એની જરા પણ ચિંતા ના કરીશ. તું તો મને વર્ષોથી ઓળખે છે. તારી જે પણ વાત હશે તે મારી પાસે ગુપ્ત જ રહેશે. " મુનીર બોલ્યો.

" મુનીર દુનિયા આખી જાણે છે કે હું જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે મારા પિતા ગુમ થઈ ગયા હતા. પરંતુ સત્ય હકીકત હવે મને જાણવા મળી છે કે ૨૨ વર્ષ પહેલાં મારા પપ્પાનું મર્ડર થયું હતું." અભિમન્યુ બોલ્યો.

" વ્હોટ !! જયદેવ અંકલનું મર્ડર થઈ ગયું હતું ? તેં ના પાડી છે એટલે હું તને એક પણ સવાલ નહીં કરું પણ તારી વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ અને આશ્ચર્ય થયું છે. " મુનીર બોલ્યો.

" હા મુનીર. મારે તને આખી વાત વિગતવાર કહેવી પડશે. મારા પપ્પા અને પ્રતાપ અંકલ ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા હતા. આમ તો બધું સરસ ચાલતું હતું પણ ૨૨ વર્ષ પહેલાં એક ઘટના બની. એ સમયે કોઈના રેફરન્સથી આફ્રિકાથી અમારા ઘરે આવેલા હર્ષદ ઘેલાણી નામના એક ૩૩ વર્ષના યુવાનને મારા પપ્પાએ એમના મિત્રના બંગલામાં ભાડે મકાન અપાવ્યું." અભિમન્યુ બોલી રહ્યો હતો.

" પરંતુ મુંબઈ એમને ફળ્યું નહીં. મુંબઈ આવ્યાના એક મહિના પછી હર્ષદ ઘેલાણી એમની પત્ની સાથે એક ટૂરમાં હરિદ્વાર અને ઋષિકેશ ફરવા ગયા અને જતી વખતે એમની પાસેના કરોડોના ડાયમંડ મારા પપ્પાને સાચવવા આપતા ગયા. કમનસીબે હરિદ્વારમાં એ લોકોની લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ. હર્ષદ ઘેલાણી અને એમની પત્નીનું આ અકસ્માતમાં અવસાન થઈ ગયું."

" મારા પપ્પા સ્વભાવે ભોળા હોવાથી એમણે હર્ષદ ઘેલાણીએ સાચવવા આપેલા આ હીરાની જાણ પ્રતાપ અંકલને કરી. પ્રતાપ અંકલે મારા પપ્પા પાસે સારી એવી રકમની ઓફર કરીને એ હીરાની માગણી કરી. પણ પપ્પાએ આ હીરા કોઈની અમાનત હોવાથી અંકલને આપવાની સ્પષ્ટ ના પાડી. પ્રતાપ અંકલ કોઈપણ હિસાબે આ કિંમતી હીરા લઈ લેવા માગતા હતા. "

" પ્રતાપ અંકલ પહેલેથી જ બહુ શાતિર માણસ છે એ પપ્પા જાણતા હતા. પ્રતાપ અંકલ ગમે તે હદે જઈ શકતા હતા. પપ્પાને પોતાનો જીવ જોખમમાં લાગ્યો. એમણે એ હીરા એમના એક ખાસ મિત્રને સાચવવા માટે આપ્યા." અભિમન્યુ બોલી રહ્યો હતો.

" પ્રતાપ અંકલે થોડા દિવસ જવા દીધા અને પછી એક દિવસ વસઈની એક નવી બની રહેલી સૂમસામ સ્કીમ ઉપર પપ્પાને મળવા બોલાવ્યા અને એક માથાભારે ગુંડાને સાથે રાખીને હીરા આપી દેવા ખૂબ દબાણ કર્યું. પપ્પા મક્કમ રહ્યા એટલે અંકલે ગુસ્સે ભરાઈને ત્યાં બાજુમાં ઉભેલા ગુંડા પાસેથી પિસ્તોલ પોતાના હાથમાં લઈને પપ્પાની છાતીમાં બે ગોળી મારી દીધી." અભિમન્યુ બોલ્યો અને ગ્લાસમાંથી બે ઘૂંટડા પાણી પીધું.

" તું શું વાત કરે છે અભિમન્યુ !! પ્રતાપ અંકલ તારા પપ્પાના ખૂની છે ?" મુનીર આશ્ચર્ય અને આઘાતથી બોલ્યો.

" હા મુનીર. ગોળી મારી દીધા પછી સારી એવી રકમ આપીને પેલા ગુંડાની મદદથી પપ્પાની લાશને મધરાતે વસઈની ખાડીના દરિયામાં ફેંકી દીધી. અંકલે આ કામ માટે અમાવસ્યાનો દિવસ પસંદ કર્યો હતો જેથી લાશ ફેંકતી વખતે રાત્રિના અંધકારમાં કોઈ જોઈ ના શકે. " અભિમન્યુ બોલ્યો.

" ખરેખર એ માણસ ડેન્જરસ છે. કેટલા બધા પ્લાનિંગથી એણે આ મર્ડર કર્યું !! " મુનીર બોલ્યો.

" હા મુનીર. જોવાની ખૂબી તો એ છે કે પપ્પા સાથેની પોતાની સારી મિત્રતા અને ખાનદાની બતાવવા માટે એણે પપ્પાને શોધવાનું નાટક કર્યું અને મમ્મીને પોલીસ ફરિયાદમાં પણ સાથ આપ્યો. આજે પણ એ નફફટ માણસ અમારો હિતેચ્છુ બનીને ફરે છે ! " અભિમન્યુ બોલ્યો.

અભિમન્યુએ મુનીર આગળ વલ્લકી વિશે કોઈ ચર્ચા ના કરી કે વલ્લકી હર્ષદ ઘેલાણીની જ દીકરી છે. પપ્પાને મળેલા હીરા જોષીમઠ જઈને પોતાના દાદાજી પાસેથી લઈ આવ્યો એ વાત પણ અત્યારે એણે જાણી જોઈને ટાળી દીધી.

" હવે તેં શું વિચાર્યું છે ? તારો હવે પછીનો પ્લાન શું છે ? તેં મને કેમ બોલાવ્યો ? " મુનીરે એક સાથે ત્રણ સવાલ કર્યા.

" બદલો ! ઠંડા કલેજે બદલો લેવો છે. એને બરબાદ કરી દેવો છે. " અભિમન્યુ ગુસ્સાથી બોલ્યો.

" મારાથી જે પણ થઈ શકે એ બધી જ મદદ કરવા તૈયાર છું. હવે આપણે શું કરવાનું છે ? " મુનીર બોલ્યો.

" જે ગુંડાની પિસ્તોલ વડે કાનાણીએ મારા પપ્પાની હત્યા કરી હતી એ માણસનું એડ્રેસ મારી પાસે આવી ગયું છે. એની મદદથી જ કાનાણીએ પપ્પાની લાશને વસઈની ખાડીમાં ફેંકી દીધી હતી. આપણે એ માણસની તપાસ કરવાની છે. કાનાણીને ખૂની સાબિત કરવામાં એ માણસ જો સીધી રીતે આપણને સાથ આપશે તો કંઈ કરવાની જરૂર નથી. નહીં તો પછી તારે એને રિમાન્ડ ઉપર લેવો પડશે." અભિમન્યુ બોલ્યો.

" હું તૈયાર છું. પરમ દિવસે રવિવાર છે. આપણે પ્રોગ્રામ બનાવીએ. હું સાદા ડ્રેસમાં જ તારી સાથે આવીશ. આપણે ક્યાં જવાનું છે ? " મુનીર બોલ્યો.

" આપણે વિરાર ઇસ્ટ જવાનું છે. ત્યાં અજમેરા વિશ્વનગરીમાં એ રહે છે. ગોવિંદ બોરકર એનું નામ છે. એનું ત્યાં કાર રીપેરીંગનું મોટું ગેરેજ છે. એને શોધવામાં આપણને કોઈ તકલીફ નહીં પડે. " અભિમન્યુ હસીને બોલ્યો.

" શું વાત કરે છે ! મારી સિસ્ટર જાસ્મીનનાં જેની સાથે હમણાં લગ્ન થયાં છે એ આસિફ મોટર મિકેનિક છે અને ત્યાં બોરકર ઓટો મોબાઈલ્સમાં ગાડીઓ રિપેર કરવાનું કામ કરે છે. મને લાગે છે કે મારા જીજાજી તારા એ ગોવિંદ બોરકરના ગેરેજમાં જ જોબ કરે છે !! હવે તો એને શોધવામાં કોઈ જ તકલીફ નહીં પડે. આપણું કામ ઘણું આસાન થઈ જશે. " મુનીર બોલ્યો.

" હા. જરૂર પડે આસિફની મદદ આપણે ચોક્કસ લઈશું પણ હમણાં તું આસિફ સાથે કોઈ જ વાત ના કરતો." અભિમન્યુ બોલ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■