વલ્લકી નવલકથા (Vallaki Novel Part-15)

Related

વલ્લકી પ્રકરણ 15

અભિમન્યુ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળીને પોતાની નવી ગાડીમાં બેઠો અને સીધો મલાડ ઓફિસે ગયો. ઓફિસની તિજોરીમાં મૂકેલા એક કરોડમાંથી પચાસ લાખ એણે બહાર કાઢ્યા.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

આ રકમ એની પાસે વલ્લકી અને સંધ્યાની અમાનત હતી. બંનેએ આ રકમ અભિમન્યુને જ સોંપી દીધી હતી. અભિમન્યુ બંનેના ખાતામાં વ્યાજ તરીકે દર મહિને પચાસ હજાર જમા કરાવવાનો હતો.

એણે પોતાના આસિસ્ટન્ટ ધવલને પોતાની કેબીનમાં બોલાવ્યો અને પચાસ લાખ એના હાથમાં આપ્યા.

" ધવલ મારી બંને બેંકોમાં પચીસ પચીસ કેશ જમા કરાવી દે. બીજા પચાસ પણ આ જ રીતે આવતીકાલે જમા કરાવવાના છે. " અભિમન્યુ બોલ્યો.

" જી સર." ધવલ બોલ્યો અને કેશ લઈને કેબિનની બહાર નીકળ્યો અને કેશ પોતાની બેગમાં ગોઠવી દીધી. એ પછી એ બેંકમાં જવા માટે નીકળી ગયો.

શાંતિલાલ ઝવેરીએ પંદર દિવસનો ટાઈમ આપ્યો હતો એટલે હમણાં તો રાહ જોયા સિવાય કોઈ છૂટકો જ ન હતો. બે દિવસમાં એણે પોતાનાં બંને ખાતાઓમાં પચાસ પચાસ લાખ જમા કરાવી દીધા.

અભિમન્યુ હવે સવારે વહેલો પાંચ વાગે ઉઠી જતો હતો અને નિયમિત ગાયત્રી મંત્રની પાંચ માળા ચાલુ કરવાની એણે શરૂ કરી હતી. ધ્યાન કરવા માટે એ ૧૫ મિનિટ ફાળવતો પરંતુ હજુ એને ધ્યાન લાગતું ન હતું. છતાં દાદાજીએ કહ્યું હતું એટલે એણે કોશિશ ચાલુ રાખી હતી.

હોળીના દિવસે સવારે વહેલા ઊઠીને એણે ગાયત્રીની પાંચ માળા કરી. પોણો કલાક ધ્યાનમાં બેઠો. દાદાજીને ધ્યાનમાં દર્શન આપવા ઘણી પ્રાર્થના કરી પરંતુ એ શક્ય ન બન્યું. પરંતુ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી એને દાદાજીનો અવાજ સંભળાયો.

આજે પહેલી વાર એની સામે એના દાદા પૂર્ણાનંદ સ્વામી હાજર થયા હતા ! એમના આગમન સાથે જ આખા રૂમમાં ગુલાબના ફૂલોની અદભુત સુગંધ પ્રસરી ગઈ હતી ! જ્યારે પણ સંત મહાત્મા કે કોઈ સિદ્ધ પુરુષનો દિવ્ય આત્મા આપણી નજીક આવે ત્યારે ગુલાબના ફૂલોની સુગંધનો અનુભવ થતો હોય છે.

" તને ધ્યાન સિદ્ધ થયું ન હોવાથી તું ધ્યાનમાં મને જોઈ શક્યો નથી કે સાંભળી શક્યો નથી. મગજના તરંગો એકદમ શાંત થાય અને તારી અને મારી વેવલેન્થ એક થાય તો જ તું મને સાંભળી શકે અને મારી ઈચ્છા હોય તો મને જોઈ પણ શકે. એટલા માટે જ મારે તારા સપનામાં આવવું પડે છે" દાદાજી બોલ્યા.

" જી દાદાજી હું આપને પ્રણામ કરું છું. વલ્લકી સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં લઈ લીધો છે. મારા પિતાજીના મર્ડરનો બદલો હું મારી રીતે લેવાની કોશિશ કરી રહ્યો છું. બસ આપના આશીર્વાદ જોઈએ. મારે લાયક કોઈ આદેશ હોય તો કહો." અભિમન્યુ બોલ્યો.

"વલ્લકીના પિતા હર્ષદ ઘેલાણી આજે તારો સંપર્ક કરશે. એમનો જીવ એમની દીકરીમાં છે એટલે એમણે ઉપર ગતિ કરી નથી. મેં તારા વિશે બધી વાત એને કરી છે એટલે એને ઘણી ખુશી થઈ છે. ઉપર ગતિ કરતાં પહેલાં એકવાર તારો સંપર્ક કરવા માંગે છે અને આશીર્વાદ આપવા માંગે છે. " દાદાજી બોલ્યા.

" ભલે દાદા હું ચોક્કસ વાત કરીશ. હવે મને ડર લાગતો નથી. મારો મૃત મિત્ર નીરજ વ્યાસ પણ એકવાર મારી સામે આવી ગયો હતો. " અભિમન્યુ બોલ્યો.

"હા તારામાં ગાયત્રીની દિવ્ય શક્તિનો શક્તિપાત મેં કરેલો છે એટલે કોઈને કોઈ આત્મા પોતાનો ઉદ્ધાર કરવા માટે તારો સંપર્ક કરી શકે. તારે કોઈ પણ જીવાત્માથી ડરવાની જરૂર નથી. એ સિવાય તારી સામે ગમે તેવો ગુસ્સાવાળો વ્યક્તિ આવશે તો એ પણ ઠંડો થઈ જશે. તારામાં મોહિની શક્તિ કામ કરી રહી છે એટલે તું કોઈને મળવા માગતો હોય તો એ વ્યક્તિ તારી તરફ એની મેળે ખેંચાઈ આવશે. ધીમે ધીમે તને આ બધી શક્તિઓનો અનુભવ થશે. ધ્યાન કરતી વખતે માત્ર તારા શ્વાસ ઉપર ધ્યાન આપ એટલે આપોઆપ ધ્યાન સિદ્ધ થઈ જશે. " બોલીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.

એ જ દિવસે રાત્રે લગભગ પોણા બાર વાગે એ ભર ઊંઘમાં હતો ત્યારે એને કોઈએ જગાડ્યો. એ એના પોતાના બેડરૂમમાં એકલો જ સૂતો હતો. સતત એના કાનમાં કોઈ અવાજ આવી રહ્યો હતો એટલે એની આંખ ખુલી ગઈ. એના નાકમાં મોગરાની સુગંધનો પણ એને અનુભવ થયો.

" અભિમન્યુ તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે. આજે પૂર્ણિમા હોવાથી ઉપરથી પરમિશન લઈને અહીં સુધી આવ્યો છું. " કોઈનો સ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો.

એ બેડ ઉપર બેઠો થયો અને સામે જોયું તો કોઈ આકૃતિ એની સામે ઉભી રહી હતી. નીરજ વ્યાસની જેમ આ પણ એક પારદર્શક આકૃતિ હતી પરંતુ આ વ્યક્તિની ઉંમર નીરજ કરતાં થોડીક મોટી લાગતી હતી.

" હું હર્ષદ ઘેલાણી. આમ તો એ મારી જૂની ઓળખાણ છે. અત્યારે તો હું સૂક્ષ્મ શરીરમાં છું એટલે એ નામ સાથે મારે કોઈ લેવાદેવા નથી પરંતુ તમને ઓળખાણ આપવા માટે મારે નામ આપવું પડે છે. ત્રેવીસ વર્ષ પહેલાં અકસ્માતમાં મારું મૃત્યુ થઈ ગયું અને એ વખતે મારી ઉંમર ૩૩ વર્ષની હતી." હર્ષદ ઘેલાણીનો આત્મા બોલી રહ્યો હતો.

" આમ તો હું તમારા દાદાની કૃપાથી છેક ચોથા લોક સુધી જઈ શકું છું એટલે મારું શરીર એકદમ પારદર્શક છે પરંતુ તમે જોઈ શકો એટલા માટે પૃથ્વી ઉપર આવીને થોડું પૃથ્વી તત્ત્વ અને જળ તત્ત્વ મેં મારામાં ખેંચી લીધું છે જેથી કરીને તમે મારો આકાર જોઈ શકો." હર્ષદ ઘેલાણીનો જીવાત્મા બોલી રહ્યો હતો.

" તમારા પિતાનું મર્ડર થયું અને તેઓ જ્યારે સૂક્ષ્મ જગતમાં આવ્યા ત્યારે એમને પણ હું મળેલો છું . તમારા પિતાએ તો જન્મ લઈ લીધો છે અને એ હમણાં સુધી તમારા દાદાની સેવામાં રહી સાધુ જીવન જીવતા હતા. તમારા દાદા તો હવે છેક પાંચમા લોક સુધી પહોંચી ગયા છે. હવે મૂળ વાત ઉપર આવું." હર્ષદ ઘેલાણીનો આત્મા બોલી રહ્યો હતો.

" મારી પત્ની પહેલેથી ખૂબ જ આધ્યાત્મિક હતી અને એણે એના જીવનમાં ખૂબ જ ગાયત્રી મંત્રો અને અનુષ્ઠાનો કર્યાં હતાં. ઇન્ડિયા આવ્યા પછી એની ઈચ્છા એકવાર હરિદ્વાર શાંતિકુંજમાં ગુરુજીનાં દર્શન કરવાની હતી અને એટલા માટે જ અમે લોકો હરિદ્વાર ઋષિકેશની યાત્રાએ નીકળ્યાં હતાં."

" હરિદ્વાર ગુરુજીનાં દર્શન કરીને ત્યાં એક દિવસ રોકાઈને અમે લોકો ઋષિકેશ જવા નીકળ્યાં હતાં ત્યારે જ હરિદ્વારથી થોડેક દૂર અમારી બસ પલટી ખાઈ ગઈ હતી. હું પલ્લવી અને બીજા બે યાત્રીઓ આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામી ગયાં હતાં. " હર્ષદનો જીવાત્મા બોલ્યો.

" વચ્ચે એક સવાલ કરું છું તો માફ કરજો. તમે બંને યાત્રાએ ગયાં હતાં. તમે લોકાએ શ્રી રામ શર્મા આચાર્ય ગુરુજીનાં પણ દર્શન કર્યાં હતાં. આન્ટી તો પાછાં ગાયત્રીનાં ખાસ ઉપાસક હતાં. છતાં યાત્રા ધામમાં જ તમારું અને આન્ટીનું આ રીતે અકસ્માત મૃત્યુ શા માટે થયું ? " અભિમન્યુ બોલ્યો.

" હા હું સૂક્ષ્મ જગતમાં છું એટલે તમારા સવાલનો જવાબ આપી શકું છું. દરેકનું મૃત્યુ એના જન્મ સમયે જ નક્કી થયેલું હોય છે કે એનું મૃત્યુ ક્યાં, કયા સંજોગોમાં અને કેવી રીતે થશે ! એનો સમય પણ એકદમ નિશ્ચિત હોય છે. ઈશ્વર એમાં ક્યાંય વચ્ચે આવતો નથી. જેમને બચવાનું હોય એ બચી જ જાય છે અને જીવનનો અંત આવી ગયો હોય એ મૃત્યુ પામી જાય છે ! દરેકના પાછલા જન્મોનાં કર્મોની ગતિ પ્રમાણે મૃત્યુ પહેલેથી નિર્માણ થયેલું હોય છે !" હર્ષદ ઘેલાણીનો જીવાત્મા બોલી રહ્યો હતો.

" પલ્લવીએ તો એની ઈચ્છા પ્રમાણે અઢાર વર્ષ પહેલાં વિશ્વામિત્રની તપોભૂમિ હરિદ્વારમાં એક પંડિતજીના ઘરે જન્મ લઈ લીધો છે. અને ત્યાં નાનપણથી જ એ સતત ગાયત્રી મંત્ર કરતી થઈ ગઈ છે. પલ્લવી કરતાં મારું મન માયામાં વધારે હતું અને મારો જીવ મારી દીકરી વલ્લકીમાં હતો એટલે મેં હજુ જન્મ લીધો નથી અને ત્રીજા ચોથા લોક વચ્ચે આવન જાવન કરું છું." આત્મા બોલી રહ્યો હતો.

" દાદાજીએ તમને મારા ડાયમંડ સોંપી દીધા છે એ જાણીને હું ખૂબ જ ખુશ થયો છું. કાનાણીએ જે કર્યું છે એ હું જાણી ચૂક્યો છું પરંતુ હું આ બધાથી પર થઈ ગયો છું. બદલો લેવાની ભાવના પેદા થાય તો મારે પાછો ફરી જન્મ લેવો પડે. એટલે એ કામ હવે તમારે કરવાનું છે. મારી દીકરીને ન્યાય અપાવજો અને સુખી કરજો. તમે મારા જમાઈ છો એટલે એ હીરા હવે તમારા જ છે. હવે હું નવા જન્મની તૈયારી કરીશ." હર્ષદ ઘેલાણીનો આત્મા બોલ્યો.

" એક સવાલ પૂછું ? " અભિમન્યુ બોલ્યો.

" હા.. હા.. પૂછો ને "

"તમારા આગમન સાથે મને મોગરાની સુગંધનો અનુભવ કેમ થાય છે ? " અભિમન્યુ કુતુહલથી બોલ્યો.

" કારણ કે અત્યારે હું ચોથા લોકમાંથી આવી રહ્યો છું અને ત્યાં વાતાવરણમાં સતત મોગરાના ફૂલોની સુગંધ વહેતી હોય છે. એ સુગંધનો પ્રભાવ અમારા સૂક્ષ્મ શરીર ઉપર પણ પડતો હોય છે એટલે જ કદાચ તમને મોગરાની સુગંધનો અનુભવ થતો હશે ! પાંચમાં લોકમાં ગુલાબનાં ફૂલોની સુગંધ વહેતી હોય છે. કમળ ગુલાબ અને મોગરો એ ત્રણ દૈવી ફૂલો છે. તુલસી અને બીલીપત્ર દૈવી વનસ્પતિ છે. હવે હું રજા લઉં ?" હર્ષદ ઘેલાણીનો આત્મા બોલ્યો.

" ભલે વડીલ. વલ્લકીના પિતા છો એટલે સસરા માનીને તમને પ્રણામ કરું છું. " અભિમન્યુ બે હાથ જોડીને બોલ્યો. અને એ સાથે જ આશીર્વાદ મુદ્રા બતાવીને મંદ મંદ હાસ્ય સાથે હર્ષદ ઘેલાણીનો આત્મા અદ્રશ્ય થઈ ગયો. સુગંધ પણ જતી રહી.

આજે પૂનમના દિવસે અભિમન્યુને સૂક્ષ્મ જગતના બે આત્માઓના અનુભવો થયા હતા. એને ખાતરી થઈ ગઈ કે સૂક્ષ્મ જીવાત્માઓને જોવાની શક્તિ એનામાં વિકાસ પામી હતી. પરંતુ આ પૃથ્વી ઉપર હરતા ફરતા બધા જ જીવાત્માઓને એ જોઈ શકતો ન હતો. કારણકે દાદાજીએ એની દ્રષ્ટિમાં મર્યાદા મૂકી હતી. જે જીવાત્મા એને મળવા માગતા હોય કે વાતચીત કરવા માગતા હોય એમનાં જ સૂક્ષ્મ શરીરને એ જોઈ શકતો હતો !

બીજા દિવસે સવારે ઓફિસે જઈને એણે સંધ્યા કદમને મનોમન યાદ કરી. દાદાજીની વાત સાચી હતી. એને મોહિની શક્તિ સિદ્ધ થઈ હતી. સંધ્યાને યાદ કરી એટલે લગભગ દોઢેક કલાક પછી સંધ્યા કદમ એની ઓફિસમાં હાજર થઈ ગઈ !

" આજે હું તને યાદ જ કરતો હતો અને તું આવી ગઈ. " અભિમન્યુ બોલ્યો.

" બોલો ને સર. કોઈપણ સેવા હોય હું તો તૈયાર જ છું." સંધ્યા બોલી. હજુ પણ એના મનમાં ઊંડે ઊંડે આશા હતી કે અભિમન્યુ સર એની સાથે સંબંધ રાખે. કૉલ ગર્લ જેવી બની ગઈ હોવાથી એ બધા સંબંધોથી લગભગ પર થઈ ગઈ હતી. પરંતુ અભિમન્યુ તો જુદી જ માટીનો હતો.

" મારે તો તારી કોઈ સેવા લેવી નથી સંધ્યા પણ તું લોકોની સેવા કરે એવું હું ઈચ્છું છું. એ માટે નર્સિંગ કોર્સ તારા માટે શ્રેષ્ઠ છે અને એના વિશે બધી તપાસ મેં કરી છે. મલાડમાં ઓમ ઇન્સ્ટિટયૂટ ઓફ પેરામેડિકલ સાયન્સમાં નર્સિંગના બધા કોર્સ ચાલે છે. તું સાડા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરી લે અથવા તો આસિસ્ટન્ટ નર્સનો છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરી લે. અત્યારે એડમિશન ચાલુ છે. તું એ કોલેજમાં પહોંચી જા અને ફોર્મ ભરી દે. ત્યાં જઈને તું ફોન કરી દેજે એટલે હું તારા ખાતામાં બધી ફી ટ્રાન્સફર કરી દઈશ. " અભિમન્યુ બોલ્યો.

" સર તમે અંગત રસ લઈને મારા માટે ઘણું બધું કરી રહ્યા છો. તમારો આભાર મારે કઈ રીતે માનવો એ જ મને સમજાતું નથી. મારી ઉંમર ૨૬ તો થઈ ગઈ છે. હવે મારે સાડા ત્રણ વર્ષ બગાડવાં નથી. એકવાર નર્સની નોકરી લાગી જાય પછી સતત પ્રેક્ટિસથી ઘણી બધી આવડત આવી જશે." સંધ્યા બોલી.

" હા તારી એ વાત પણ સાચી છે. કંઈ નહીં. તને જે ગમે તે કોર્સમાં તું એડમિશન લઈ લે. તું મારા ખાસ મિત્ર નીરજની વાઈફ છે એટલે તારાં બીજે લગ્ન થાય ત્યાં સુધી તારી જવાબદારી મારા માથે છે. તું એટલી બધી સુંદર છે કે ફરી ક્યાંક ફસાઈ જવાનો મને ડર લાગે છે એટલા માટે જ મેં તારા માટે નર્સિંગનું વિચાર્યું. અભ્યાસમાં તારું મન પરોવાઇ જશે અને વર્ષ પછી કોઈ હોસ્પિટલ જોઈન કરીશ એટલે તારો સમય પણ સરસ રીતે પસાર થઈ જશે." અભિમન્યુ લાગણીથી બોલ્યો.

" જી સર. મારી તમને એક રિક્વેસ્ટ છે. તમે તો મારા વિશે બધું જ જાણો છો. સતત પુરુષ સહવાસના કારણે મારું મન ચંચળ થઈ ગયું છે. મને સતત એ જ વિચારો સતાવે છે. કોઈ સારું પાત્ર મળે તો લગ્ન કરી લેવાની ઈચ્છા છે. મારે લાયક કોઈ પાત્ર હોય તો જોતા રહેજો ને ! ડિવોર્સી પણ ચાલશે. " સંધ્યા થોડી શરમાઈને બોલી.

સંધ્યાની વાત સાંભળીને અભિમન્યુ તરત ઉભો થયો અને સંધ્યા કંઈ સમજે તે પહેલાં જ એ જ્યાં બેઠી હતી એની પાછળ જઈને એના માથા ઉપર હાથ મૂક્યો. એનામાં રહેલી દિવ્ય શક્તિથી એણે જોઈ લીધું કે સંધ્યાનું મૂલાધાર ચક્ર વધુ પડતું એક્ટિવ થઈ ગયું છે એટલે જ એનામાં વિષય વાસના વધી ગઈ છે. એણે ગુરુજીને પ્રાર્થના કરીને મૂલાધાર ચક્રને થોડું શાંત કર્યું.

" હવે તારા મનની ચંચળતા શાંત થઈ જશે. વિષયોના આવેશો પણ ઓછા થઈ જશે. અને હા તારા માટે સારા પાત્રની શોધ હું ચોક્કસ કરીશ." બોલીને અભિમન્યુ ફરી પાછો પોતાની રિવોલ્વિંગ ચેર ઉપર બેસી ગયો.

" ખૂબ ખૂબ આભાર સર. તમે મારા માથા ઉપર હાથ મૂકીને શું કર્યું એ મને ખબર નથી પરંતુ શરીરના નીચેના ભાગમાં કરોડરજ્જુમાં એક પ્રકારનો સળવળાટ હું અનુભવતી હતી." સંધ્યા બોલી.

" હા. મારા ગુરુજીની કૃપાથી મેં તારા શારીરિક આવેગોને શાંત કરી દીધા છે. તું હવે આજ કાલમાં ઓમ ઇન્સ્ટિટયૂટમાં જઈને નર્સિંગનું ફોર્મ ભરી દે." અભિમન્યુ બોલ્યો.

સંધ્યા ઊભી થઈ. આજે અભિમન્યુ સામે એનાથી બે હાથ જોડાઈ ગયા અને પછી એ બહાર નીકળી ગઈ. બહાર નીકળી ત્યારે એની આંખો ભીની હતી. અભિમન્યુ તરફ હવે એને એક આદર ભાવ પેદા થયો હતો !

પંદર દિવસનો સમય પસાર થઈ ગયો. હોળીનો તહેવાર પણ પસાર થઈ ગયો. સંધ્યા કદમે મલાડની કોલેજમાં નર્સિંગના એક વર્ષના સર્ટિફિકેટ કોર્સનું એડમિશન લઈ લીધું હતું. અભિમન્યુ એ પૂરા એક વર્ષની ફી એડવાન્સમાં જ ભરી દીધી હતી.

આ બાજુ પ્રતાપ કાનાણી અપસેટ થઈ ગયો હતો. અભિમન્યુ તરફથી લગ્નની હા આવતી નથી એવું રાજેશે એને કહ્યું હતું અને એણે તો ત્યાં સુધી કહ્યું હતું કે અભિમન્યુ કદાચ હા નહીં જ પાડે. એનું કરોડો રૂપિયાના હીરા મેળવવાનું સપનું રોળાઈ રહ્યું હતું.

વલ્લકીને એકવાર ભોગવી ચૂક્યો હોવાથી એના તરફ વારંવાર એનું મન ખેંચાતું હતું. સંધ્યા કરતાં પણ એ ખૂબસૂરત હતી. અભિમન્યુ સાથે જો એ લગ્ન ના કરે તો કાયમ માટે એને પોતાની બનાવી દેવાની એણે જે ધમકી આપી હતી એ પણ હવે શક્ય ન હતું. કારણ કે એણે પોલીસ ઇન્સ્પેક્ટર નરવણેને લેખિત સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હવે એ વલ્લકી સામે આંખ ઊંચી કરીને જોશે પણ નહીં.

સંધ્યા પણ હાથમાંથી જતી રહી હતી. પૈસાના દમ ઉપર સંધ્યાને વશ કરી શકાય પરંતુ એને પણ પચાસ લાખ રૂપિયા મળી ગયા હતા એટલે એ પણ હવે એની વાતોમાં નહીં આવે. હોટલનો રૂમ પણ હાથમાંથી જતો રહ્યો હતો. નરવણે સાહેબના ડરથી હોટલના મેનેજરે પણ હવે પ્રતાપ કાનાણીને હોટલમાં રૂમ આપવાની બે હાથ જોડીને ના પાડી દીધી હતી.

સ્કીમ મૂકવા માટે નવા પ્લોટ કોઈ મળતા ન હતા. જે મળતા હતા એ એટલા બધા મોંઘા હતા કે ત્યાં સ્કીમ મૂકવાથી પ્રોફિટ થાય એમ ન હતો. સંધ્યાના ચક્કરમાં એક કરોડ રૂપિયા ગુમાવી દેવા પડ્યા હતા.

આ બધા ટેન્શનમાં પ્રતાપ કાનાણી દિવસો પસાર કરી રહ્યો હતો ત્યાં અચાનક એક દિવસ એના ડ્રાઇવર સાવંતે એના દિલમાં આશાનું કિરણ પ્રગટાવ્યું.

" શેઠ, મલા કાહીતરી સાંગાયચં આહે (શેઠ એક વાત કરવી છે). " સાવંત શેઠને ઘરેથી લઈને ઓફિસ જતી વખતે ડ્રાઇવિંગ કરતાં કરતાં બોલ્યો.

" હા બોલ ને." શેઠ બોલ્યા.

" હીરા ખરીદવામાં તમને રસ છે ? બે નંબરના કરોડોના હીરા છે એટલે એક સરદારજી એને લગભગ અડધા ભાવે વેચી દેવા માંગે છે. મારા સુધી વાત આવી છે. એક તો સરદારજી દિલ્હીના છે અને રકમ પણ કરોડોમાં થાય છે એટલે કોઈ પાર્ટી જલ્દી વિશ્વાસ મૂકતી નથી. ચોરીનો માલ હોય એમ સમજી કોઈ ખરીદવા તૈયાર નથી." સાવંત મરાઠીમાં બોલ્યો.

કરોડોના હીરા ! અને એ પણ અડધા ભાવે !! શેઠના શરીરમાં જાણે કે હજાર વોલ્ટનો કરંટ પસાર થઈ ગયો !

અશ્વિન રાવલ (અમદાવાદ)
"વલ્લકી" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■