વલ્લકી પ્રકરણ 14
બીજા દિવસે સવારે નવ વાગે જ અભિમન્યુ ઉપર પ્રતાપ કાનાણીનો ફોન આવ્યો." અભિનંદન બેટા. તારી પાસેથી મને આ જ આશા હતી. મને વિશ્વાસ હતો જ કે ભલે તને વલ્લકી ઉપર થોડો ગુસ્સો હતો પરંતુ મારી વાત તું કદી ઉથાપે નહીં. પણ હું તારાથી નારાજ છું. આ ખુશ ખબર તારે મને આપવા જોઈએ ને ! હું જ કન્યા બતાવું અને મને જ તું જાણ ના કરે એ કેમ ચાલે ? " કાનાણી બોલ્યા.

વલ્લકી નવલકથા
" અરે પણ અંકલ ખુશ ખબર હોય તો હું આપું ને ? તમને કોણે આવી ખોટી માહિતી આપી એ જ સમજાતું નથી. હું ગઈકાલે મહાવીરનગર બાજુ એક કામથી ગયો હતો તો જસ્ટ વલ્લકીના ઘરે ગયો હતો. આ તો વાતનું વતેસર થઈ ગયું. મેં હજુ હા પાડી જ નથી." અભિમન્યુ બોલ્યો. એને ખ્યાલ આવી ગયો કે આ કામ વલ્લકીના પાલક પિતા રાજેશ ઠક્કરનું છે.
" અરે પણ મને રાજેશે આજે સવારે જ વાત કરી કે અભિમન્યુ ઘરે આવ્યા હતા અને એમણે વલ્લકી સાથે લગ્ન કરવાની હા પાડી છે ! " કાનાણી બોલ્યા.
" મને લાગે છે કે એ થોડા વધારે પડતા હરખપદુડા છે. વલ્લકી સાથે પાંચ દસ મિનિટ વાત કરી એટલે એ સમજી બેઠા કે મારી હા છે. પરંતુ હકીકતમાં એવું કંઈ નથી અંકલ. હજુ મેં કોઈ જ નિર્ણય લીધો નથી. મારી હા હોય તો તમને જણાવ્યા વગર રહું ખરો ? " અભિમન્યુ બોલ્યો.
" હા, એ વાત પણ સાચી છે. કંઈ નહીં. તું એના માટે ગંભીરતાથી વિચાર બેટા. વલ્લકી લાખોમાં એક જેવી છે. " કાનાણી બોલ્યા અને ફોન મૂકી દીધો.
બીજી જ મિનિટે અભિમન્યુએ રાજેશ ઠક્કરને ફોન કર્યો.
" અભિમન્યુ બોલું અંકલ "
" હા. બોલો અભિમન્યુ." રાજેશ બોલ્યો.
" મેં તમને ગઈકાલે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી ને કે હમણાં પ્રતાપ અંકલને વાત ના કરશો ? " અભિમન્યુ બોલ્યો.
" હા કુમાર. તમે કહ્યું હતું પરંતુ જીજુ તો ઘરના માણસ છે અને એમને વાત ના કરું અને પાછળથી એમને ખબર પડે તો એમને ખોટું લાગી જાય એટલે પછી આજે સવારે મારાથી કહેવાઈ ગયું. " રાજેશ બોલ્યો.
" હા તો પછી એમને એ સમાચાર પણ આપી દો કે અભિમન્યુએ વલ્લકી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે." અભિમન્યુ ગુસ્સાથી બોલ્યો અને ફોન કટ કરી દીધો.
રાજેશ તો અભિમન્યુનો આ જવાબ સાંભળીને આશ્ચર્ય સાથે હતાશ થઈ ગયો. એના ચહેરાનું નૂર ઊડી ગયું. એને તો કલ્પના જ ન હતી કે જીજુને વાત કરવાથી આટલું ખરાબ પરિણામ આવશે. એ એકદમ ટેન્શનમાં આવી ગયો.
" અરે વલ્લી... " રાજેશે બૂમ પાડી.
" જી પપ્પા. " વલ્લકી કિચનમાંથી ઝડપથી બહાર આવી.
" બેટા અભિમન્યુએ તારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. હમણાં જ એનો ફોન આવ્યો." રાજેશ બોલ્યો.
" એ બને જ નહીં પપ્પા. એમણે ના પાડવા માટે તમને ફોન કર્યો હતો ? " વલ્લકી બોલી.
બાપ દીકરી વચ્ચે થતી આવી વાતચીત સાંભળીને ધરમશીભાઈ પણ બેડરૂમમાંથી બહાર આવ્યા.
" અભિમન્યુએ ના પાડવા માટે ફોન નહોતો કર્યો. વાત એમ બની કે મેં આજે સવારે પ્રતાપ જીજુને ફોન ઉપર ખુશખબર આપ્યા કે અભિમન્યુ વલ્લકી સાથે લગ્ન કરવા તૈયાર છે અને એ કાલે ઘરે આવીને હા પાડી ગયા છે. એ પછી પ્રતાપ જીજુએ અભિમન્યુને ફોન કર્યો હશે એટલે અભિમન્યુએ તરત મને ફોન કર્યો. એમને ખોટું લાગી ગયું કે મેં જીજુને જાણ કેમ કરી ! " રાજેશ બોલ્યો.
" હે ભગવાન... " વલ્લકી કપાળ ઉપર હાથ દઈને એટલું જ બોલી.
" તને કાલે મેં સ્પષ્ટ ના પાડી હતી ને રાજેશ ? વલ્લકીએ પણ ના પાડી હતી. શાલિનીએ પણ તને સમજાવ્યો હતો. પછી શા માટે તું અભિમન્યુને નારાજ કરે છે ? માંડ માંડ એ લગ્ન માટે તૈયાર થયો છે ત્યારે ફરી તેં સંબંધ તોડાવી નાખ્યો !" ધરમશી આક્રોશથી બોલ્યા.
" અરે પણ પપ્પા. પ્રતાપ જીજુ ક્યાં પારકા છે ! આપણા ઘરે સંબંધ લઈને તો એ જ આવેલા. વલ્લકીને એમની ઓફિસમાં સારામાં સારા પગારની નોકરી પણ એમણે જ આપી હતી. એ તો આ છોકરીએ જ જીદ કરીને નોકરી છોડી દીધી. નહીં તો આજે પણ કમાતી હોત ! હવે એમને હું જાણ કરું એમાં કયો ગુનો થઈ ગયો ? અને કાલ ઊઠીને જીજુને ખબર પડે તો કેવું ખરાબ લાગે ! " રાજેશે પોતાનો પક્ષ રજૂ કર્યો.
" કંઈ નહીં મારે લગ્ન કરવાં જ નથી. અને હવે હું બીજા કોઈ છોકરા જોઈશ પણ નહીં. " વલ્લકી બોલી અને ગુસ્સે થઈને પોતાના બેડરૂમમાં જતી રહી.
પપ્પા કંઈ સમજતા જ નથી. મારે એમને કઈ રીતે કહેવું કે એ નરાધમે મારી ઉપર આખી રાત બળાત્કાર કર્યો છે ! અભિમન્યુ આ બધું જાણે છે છતાં એમણે મારો સ્વીકાર કર્યો. એમણે સ્પષ્ટ ના પાડી હતી કે હમણાં વાત નથી કરવી છતાં પણ પપ્પાએ આજે આખી બાજી બગાડી દીધી.
રડવાનું મન થતું હતું. કેટલા પ્રેમથી ગઈકાલે મારો હાથ માગવા માટે આવ્યા હતા ! અભિમન્યુને હવે કઈ રીતે મનાવવા ! અને અત્યારે તો એ ખૂબ જ ગુસ્સે હશે !!
ભયંકર અકળામણ થતી હતી. હવે શું થશે ! છેવટે રહેવાયું નહીં એટલે એણે હિંમત કરીને અભિમન્યુને ફોન લગાવ્યો.
" હું વલ્લકી..." વલ્લકી માંડ એટલું જ બોલી શકી. આગળ શું બોલવું એ એને સમજાતું જ ન હતું.
" તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વલ્લકી. મારો ગુસ્સો તારા પપ્પા ઉપર છે. તારા ઉપર નથી. એમને પાઠ ભણાવવો જરૂરી હતો. હજુ પણ એમના માટે તો પ્રતાપ કાનાણી એમના પરમ હિતેચ્છુ છે. મેં પ્રેમથી તારો સ્વીકાર કરેલો છે અને લગ્ન હું તારી સાથે જ કરવાનો છું પણ એ પહેલાં મારે કેટલાંક કામ પૂરાં કરવાનાં છે." અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.
વલ્લકી એકદમ રિલેક્સ થઈ ગઈ. એ અભિમન્યુને મનોમન ચાહવા લાગી હતી. દિલથી પ્રેમમાં પડી ગઈ હતી. તમાચો માફ કર્યો. બળાત્કાર માફ કર્યો અને પત્ની તરીકે સ્વીકાર કર્યો ! અલગ જ દુનિયાનો માણસ હતો એ.
ફાગણ મહિનો શરૂ થઈ ગયો હતો. શિવરાત્રીના દિવસે જ ટાટા સીએરા ગાડી એણે બુક કરાવી રાખી હતી એટલે બીજના દિવસનું સારું મુહૂર્ત જોઈને અભિમન્યુએ ગાડી છોડાવી લીધી. સવારે ઘરેથી નીકળતી વખતે ફોન કરીને એણે વલ્લકીને પણ શોરૂમ ઉપર બોલાવી લીધી. ડ્રાઇવિંગ તો એ શીખેલો જ હતો.
વલ્લકીને પોતાની બાજુમાં બેસાડીને એ ઘરે આવ્યો અને એના હાથે જ કંકુના સાથીયાથી ગાડીની પૂજા કરાવી. કોઈ પણ વાહન એ એક શક્તિ છે અને શક્તિ પૂજા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે !
અભિમન્યુએ લગ્ન માટે હા પાડી એ પછી વલ્લકી પહેલી વાર ઘરે આવી હતી એટલે કુસુમબેને કંકુનો ચાંદલો અને એના ઉપર ચોખા છાંટીને એનું સ્વાગત કર્યું અને અગાઉથી વાત થઈ હતી એટલે ઘરે લાપસી પણ બનાવી.
" મને અભિમન્યુએ વાત કરી કે તું તો હર્ષદભાઈની દીકરી છે. તું નાનકડી હતી ત્યારે તારાં પગલાં મારા આ ઘરમાં થઈ ગયાં છે. ત્રણ ચાર દિવસ તમે લોકો મારા ઘરમાં રોકાયાં હતાં. એ પછી અભિમન્યુના પપ્પાના મિત્રનો દહીસરમાં એક બંગલો ખાલી હતો એટલે ત્યાં તમને એમણે વ્યવસ્થા કરી આપી હતી. " કુસુમબેન ભૂતકાળને યાદ કરીને બોલ્યાં.
" હા મમ્મી. આ વાતની મને પણ હમણાં જ ખબર પડી. " વલ્લકી બોલી. વલ્લકીના મુખેથી મમ્મી શબ્દ કુસુમબેનના મમતા ભર્યા હૃદયને સ્પર્શી ગયો.
ઘરે જમી લીધા પછી અભિમન્યુ વલ્લકીને લોંગ ડ્રાઈવ ઉપર લઈ ગયો અને પછી કાંદીવલી દહાણુકરવાડી છેક એના ઘર સુધી મૂકી આવ્યો. જો કે એકતા ટેરેસથી થોડેક દૂર જ એણે ગાડી ઉભી રાખી. અભિમન્યુએ આજે વલ્લકીને જે રિસ્પેક્ટ આપ્યું એનાથી એ ખૂબ જ ખુશ હતી.
ત્રણ દિવસ પછી પાંચમના દિવસથી અભિમન્યુએ સવારે વહેલા ઊઠીને રોજ ગાયત્રીની પાંચ માળા કરવાની શરૂઆત કરી. શાંતિથી એણે માળા કરી અને ગાયત્રી મંત્રના જાપથી એને અંદરથી બહુ જ સારું લાગ્યું.
એ પછી એણે ડ્રોવરમાંથી રુદ્રાક્ષ બહાર કાઢીને પોતાના જમણા હાથમાં લીધો અને પ્રતાપ કાનાણીએ જે ગુંડાને બોલાવીને પોતાના પિતાનું મર્ડર કર્યું હતું અને જેની મદદથી લાશને વસઈની ખાડીમાં ફેંકી દીધી હતી એ ગુંડાનું નામ અને સરનામું જણાવવા માટે રુદ્રાક્ષને વારંવાર વિનંતી કરી.
રુદ્રાક્ષ તો કલ્પવૃક્ષનું જ સ્વરૂપ હતો. જે માંગો તે મળે એવી શક્તિ એનામાં હતી. જે પણ પૂછો એનો જવાબ રુદ્રાક્ષમાં સ્થાપિત કરેલી શક્તિ કાનમાં કહી દેતી હતી !
" એનું નામ ગોવિંદ બોરકર છે. એ પહેલાં સાયન કોલીવાડામાં રહેતો હતો પરંતુ છેલ્લા દસ વર્ષથી વિરાર ઇસ્ટમાં અજમેરા વિશ્વનગરીમાં ડી ટાવરમાં ચોથા માળે ૪૦૩ નંબરના બે રૂમ કિચનના ફ્લેટમાં રહે છે. પ્રતાપ કાનાણીએ આપેલા પૈસામાંથી એણે આ ફ્લેટ લીધો છે. એનું ત્યાં ગાડીઓ રીપેર કરવાનું ગેરેજ પણ છે." અભિમન્યુના કાનમાં ફરી એ જ જાણીતો અવાજ આવ્યો.
અભિમન્યુએ રુદ્રાક્ષને યથાસ્થાને ડ્રોવરમાં મૂકી દીધો અને એણે જે પણ સાંભળ્યું હતું એ બધું પોતાની ડાયરીમાં નોંધી લીધું.
એના મગજમાં બીજો પણ એક પ્લાન રમતો હતો. એણે જોષીમઠથી લાવેલું અને પોતાની તિજોરીના લોકરમાં છૂપાવેલું ૧૫ ડાયમંડનું પડીકું બહાર કાઢ્યું અને એમાંથી એક ડાયમંડ કાઢીને સંભાળીને પોતાની પર્સમાં મૂક્યો. એ પછી એ સાડા દસ વાગે લંચ બોક્સ લઈને સીધા ઓફિસ જવાના બદલે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પહોંચી ગયો.
અભિમન્યુના પિતાના એક જૂના મિત્ર શાંતિલાલ ઝવેરીની ૬૦૫૦ નંબરની ઓફિસ ભારત ડાયમંડ બુર્સમાં ડી વીંગમાં છઠ્ઠા માળે હતી. અભિમન્યુ ત્યાં પહોંચી ગયો.
ઓફિસમાં ત્રણ અલગ કેબીનો બનાવેલી હતી અને એન્ટ્રીમાં ગ્રાહકો માટે અને બીજા વેપારીઓને બેસવા માટે નાનકડો રિસેપ્શન હોલ હતો. ઓફિસ ખુબ જ સુંદર બનાવેલી હતી.
"બોલો કોનું કામ હતું ?" નવા આગંતુકને જોઈને રિસેપ્શનિસ્ટ બોલી.
" મારે શાંતિલાલ અંકલનું પર્સનલ કામ હતું ." અભિમન્યુ બોલ્યો.
" પાંચ મિનિટ બેસો. એક વેપારી અંદર બેઠેલા છે એ બહાર નીકળે પછી તમે અંદર જઈ શકો છો. " રિસેપ્શનિસ્ટ શેઠની કેબિન તરફ ઈશારો કરીને બોલી.
પાંચ મિનિટમાં જ અભિમન્યુનો નંબર લાગી ગયો. વેપારી બહાર નીકળ્યા કે તરત જ એ શાંતિલાલ ઝવેરીની કેબિનમાં અંદર ગયો.
" અરે અભિમન્યુ બેટા... તું અહીં !" શાંતિલાલ શેઠ અભિમન્યુને જોઈને આશ્ચર્યથી બોલી ઉઠ્યા.
" હા અંકલ તમારે લાયક કામ હતું એટલે તમારી પાસે જ આવવું પડે ને !" અભિમન્યુ હસીને બોલ્યો અને ત્યાં સામે રાખેલા સોફામાં બેઠો.
" સૌથી પહેલાં એ કહે કે તારી મમ્મીની તબિયત કેવી છે ? વર્ષોથી તારા ઘરે અવાયું નથી." ઝવેરી બોલ્યા.
" મમ્મીની તબિયત તો સારી છે અંકલ. તમારી આ ઓફિસનું ઉદઘાટન થયું ત્યારે તમે અમને ઇન્વિટેશન મોકલ્યું હતું અને ત્યારે હું અહીં આવ્યો હતો એટલે મને તમારું એડ્રેસ યાદ હતું. " અભિમન્યુ બોલ્યો.
" સારું હવે તું ચા પીએ છે કે ઠંડુ મંગાવું ? " ઝવેરી અંકલ બોલ્યા.
" સારું ઠંડુ જ કંઈક મંગાવો. હવે તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. " અભિમન્યુ બોલ્યો.
ઝવેરી અંકલે બેલ મારીને પ્યુનને અંદર બોલાવ્યો અને બે આઈસ્ક્રીમ લઈ આવવાનું કહ્યું.
" હવે બોલ આજે કેમ આવવાનું થયું ? તું બ્યુઝી માણસ છે. કારણ વગર તો તું મને મળવા માટે સ્પેશિયલ આટલે દૂર આવે જ નહીં. " અંકલ હસીને બોલ્યા.
" અંકલ મારી પાસે પપ્પાના સમયના થોડા ડાયમંડ પડેલા છે. એક ડાયમંડ હું લેતો આવ્યો છું. બધા ડાયમંડ લગભગ સરખા જ છે અને એક જ ક્વોલિટીના છે. મારે એનું વજન એની ક્વોલિટી અને અત્યારની એની કિંમત જાણવી છે. " અભિમન્યુ બોલ્યો અને એણે પોતાની પર્સમાંથી ડાયમંડ બહાર કાઢી ઝવેરી અંકલની સામે રાખેલી બ્લુ વેલવેટ ટ્રે માં મૂક્યો. અંકલે ડાયમંડને હાથમાં લીધો અને પોતાની પાસેના આઈ ગ્લાસથી એને ચારે તરફ ફેરવીને જોયો.
ઝવેરી અંકલ તો ડાયમંડને જોઈને જ ચકરાઈ ગયા. ઉત્તમ ક્વોલિટીનો મોટી સાઈઝનો આફ્રિકાની માઈન્સનો ઝગારા મારતો કુલીનન ડાયમંડ હતો આ.
" આવા ડાયમંડ તારા ઘરે પડેલા છે અભિમન્યુ ! બહુ જ મોંઘા ડાયમંડ છે આ તો. હું માનું છું આ એક જ હીરો સાત થી આઠ કરોડનો તો હશે જ. છતાં હું તને એનું ચોક્કસ વેલ્યુએશન એની ક્વોલિટી વગેરે અત્યારે જ કરાવી આપું છું." અંકલ બોલ્યા અને એમણે બાજુની કેબિનમાંથી ભદ્રેશને બૂમ મારીને અંદર બોલાવ્યો.
" ભદ્રેશ આ ડાયમંડ જરા જોઈ લે ને ! એનું વજન ક્વોલિટી ભાવ વગેરે બરાબર ચેક કરી આપ. " ઝવેરી અંકલ બોલ્યા.
આઇસ્ક્રીમ આવી ગયો હતો એટલે ભદ્રેશ આવે ત્યાં સુધીમાં બંનેએ આઈસ્ક્રીમ ખાતાં ખાતાં ભૂતકાળની જૂની વાતો કરી.
" શેઠ આ ફલોલેસ ક્વોલિટીનો કુલીનન ડાયમંડ છે. ૨૧.૮૦ કેરેટ વજન છે. અને અત્યારના ડોલરના ભાવ પ્રમાણે એની વેલ્યુ ૮ કરોડ ૭૨ લાખ થાય છે. " ભદ્રેશ બોલ્યો અને ડાયમંડ ટ્રે ઉપર મૂકીને એ બહાર નીકળી ગયો.
કિંમત સાંભળીને અભિમન્યુ પોતે પણ આશ્ચર્ય પામી ગયો. કારણકે બે ત્રણ ડાયમંડ તો આનાથી પણ થોડા મોટા હતા. મતલબ પોતાની પાસે લગભગ સવાસો કરોડના ડાયમંડ હતા !
" જો તારે ઇન્ટરનેશનલ ડાયમંડ ક્વોલિટી સર્ટિફિકેટ આ ડાયમંડ માટે જોઈતું હોય તો એ પણ મળી જશે. એમાં ડાયમંડનો કટ, કેરેટ, ક્લેરિટી, કલર, શેપ વગેરે ઝીણામાં ઝીણી માહિતી આપવામાં આવે છે. પરંતુ એના માટે ડાયમંડના વજન પ્રમાણે ભાવ લાગે છે. " અંકલ બોલ્યા.
" સર્ટિફિકેટ જોઈતું હોય તો કેટલો ચાર્જ લાગશે ? " અભિમન્યુ બોલ્યો.
" આમ તો આ ડાયમંડના વજન પ્રમાણે સર્ટિફિકેટની કિંમત પચાસ હજાર થાય પણ તું ઘરનો છે એટલે ચાલીસમાં સર્ટિફિકેટ મળી જશે. પણ તારે જો ડાયમંડ વેચવો હોય તો જ સર્ટિફિકેટની જરૂર પડશે. બાકી તો ખાલી ખાલી પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. " ઝવેરી અંકલ બોલ્યા.
" અંકલ મારે આ જ સાઈઝના બીજા ૧૪ સિન્થેટિક ડાયમંડ બનાવવા છે. જે પણ કિંમત થશે એ હું તમને આપી દઈશ. પરંતુ એ ડાયમંડ એવા હોવા જોઈએ કે જોનારને બહારથી કોઈ જ ફરક ના દેખાય. બધા જ ડાયમંડ લગભગ એક સરખી સાઈઝના દેખાવા જોઈએ. " અભિમન્યુ બોલ્યો.
" હમ્ ... પરંતુ તારે એવું શા માટે કરવું છે ? " અંકલ બોલ્યા.
" અંકલ મારે કોઈ જ ખોટું કામ કરવું નથી. બસ એક મોટું કામ કરવા જઈ રહ્યો છું. એમાં બધા અસલી ડાયમંડ સાથે રાખવાનું જોખમ મારે લેવું નથી. એટલે વચ્ચે થોડા સિન્થેટિક ડાયમંડ પણ ગોઠવવા પડશે. આટલા બધા અસલી ડાયમંડ હું કોઈને આપું અને જો સામેવાળાની દાનત બગડે તો મને કરોડોનું નુકસાન થાય !" અભિમન્યુએ થોડી વાર્તા કરી.
શાંતિલાલને અભિમન્યુની વાત પૂરેપૂરી તો સમજાઈ નહીં પણ જે થોડું ઘણું એ સમજ્યા એનાથી એમને સંતોષ થયો. અને આમ પણ એમને તો અભિમન્યુ શું કરે છે એનાથી કોઈ મતલબ જ ન હતો.
" આ ડાયમંડ મારે સુરત મોકલવો પડશે. સિન્થેટિક ડાયમંડ બનાવવાનું આવું કામ સુરતમાં થાય છે. અને મારું આ પ્રકારનું કામ કતારગામની એક ફેક્ટરીમાં હું આપું છું. આ ડાયમંડ હું ત્યાં મોકલી આપું છું. તું જેવા ઈચ્છે છે એવા બીજા ૧૪ ડાયમંડ તને પંદર વીસ દિવસ પછી મળે." શાંતિલાલ બોલ્યા.
" અચ્છા હવે આ ૧૪ સિન્થેટિક ડાયમંડની કિંમત મારે કેટલી ચૂકવવી પડશે ? " અભિમન્યુ બોલ્યો.
" એ તને હું ગણતરી કરીને કહું. " અંકલ બોલ્યા અને એમણે કેલ્ક્યુલેટર હાથમાં લીધું. મોબાઇલમાં આજના ભાવ જોઈ લીધા.
" તારે જો આ જ સાઇઝના બીજા ૧૪ ડાયમંડ બનાવવા હોય તો આજના ભાવ પ્રમાણે એક કરોડ અને પંદર લાખ થાય પરંતુ તું મને દસ લાખ ઓછા આપજે. અને તું આટલા પૈસા ખર્ચે છે તો પછી સર્ટિફિકેટનું મારે કઈ જ લેવું નથી. એ પણ તને આપી દઈશ." અંકલ બોલ્યા.
અસલી ડાયમંડ આઠ કરોડની આસપાસનો છે એટલે એક ડાયમંડ વેચી નાખું તો પણ આઠ કરોડ તો મળવાના જ છે. તો પછી જે કામ પાર પાડવાનું છે એના માટે એક કરોડનું જોખમ તો આરામથી લઈ શકાય.
" ઠીક છે અંકલ હું તૈયાર છું. તમને ચેક ચાલશે કે રોકડા જ જોઈએ ? " અભિમન્યુ બોલ્યો.
" આ તો બધો એક નંબરનો વ્યવહાર છે. અત્યારે ખાલી પચાસ લાખનો ચેક આપીશ તો પણ ચાલશે. બાકીના ડિલિવરી વખતે. " અંકલ બોલ્યા.
અને અભિમન્યુએ તરત જ ચેકબુક કાઢી અને પચાસ લાખનો ચેક અંકલની કંપનીના નામનો લખી આપ્યો.
" અંકલ આ ડાયમંડ બહુ મોંઘો છે એટલે કોઈ વિશ્વાસુ માણસ દ્વારા જ સુરત પહોંચાડજો. જમાનો બહુ ખરાબ છે. " અભિમન્યુ બોલ્યો.
" એ ચિંતા તું છોડી દે. અમારા ધંધામાં રોજ કરોડોની હેરફેર થતી હોય છે. એકબીજાના વિશ્વાસ ઉપર જ અમારો ધંધો ચાલતો હોય છે. અને તારો આ ડાયમંડ મારી પોતાની જવાબદારી છે. ડાયમંડ તૈયાર થઈને આવી જશે એટલે હું તને ફોન કરી દઈશ. તારો નંબર મારી પાસે છે. " ઝવેરી અંકલ બોલ્યા.
" ભલે અંકલ તો હું હવે રજા લઉં. તમારા ફોનની રાહ જોઈશ. " અભિમન્યુ બોલ્યો અને ઓફિસની બહાર નીકળી ગયો.
બીકેસી માંથી બહાર આવ્યો ત્યારે અભિમન્યુના ચહેરા ઉપર એક સ્મિત હતું !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
