વલ્લકી નવલકથા (Vallaki Novel Part-13)

Related

વલ્લકી પ્રકરણ 13

વલ્લકી બેડ ઉપરથી ઉતરી ગઈ અને એની સામે જ ઉભેલા અભિમન્યુને વેલની જેમ વીંટળાઈ ગઈ. એની બંને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા !!

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

વલ્લકી ઉપર લગભગ આખી રાત કાનાણીએ બળાત્કાર કર્યો હતો એ જાણ્યા પછી પણ આજે અભિમન્યુ એનો સ્વીકાર કરી રહ્યો હતો ! એની સાથે જ લગ્ન કરવા માગતો હતો ! વલ્લકી માટે આ સુખદ આશ્ચર્ય હતું.

એ દિલથી અભિમન્યુને વળગી પડી હતી. અભિમન્યુ તરફ એનો આદર અનેક ગણો વધી ગયો હતો. એની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.

અભિમન્યુએ એની પીઠ ઉપર હાથ ફેરવ્યો અને ધીમેથી એને પોતાનાથી અળગી કરી.

" હા વલ્લકી. તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં લઈ લીધો છે. એટલા માટે જ આજે શિવરાત્રીના દિવસે શિવ બનીને મારી શક્તિને મળવા આવ્યો છું. કોઈ પણ પ્રકારની સહાનુભૂતિથી નહીં પરંતુ દિલથી હું તને અપનાવી રહ્યો છું વલ્લકી. તારા પ્રત્યે મને સાચા પ્રેમની લાગણી છે. " અભિમન્યુ વલ્લકીનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો અને વલ્લકીને પણ પોતાની બાજુમાં સોફા ઉપર બેસાડી.

" આજે તમે મને એટલી બધી ખુશ કરી દીધી છે અભિમન્યુ કે હું તમને કહી શકતી નથી. મારા બુઝાયેલા દિલમાં આજે તમે દીવા પ્રગટાવ્યા છે. મારું રોમે રોમ રોમાંચિત થઈ ઊઠ્યું છે. વલ્લકી પણ આજથી સંપૂર્ણપણે તમારી છે." વલ્લકી બોલી અને એણે અભિમન્યુના ખભા ઉપર પોતાનું માથું ઢાળી દીધું.

" વલ્લકી તું તો ઘણી નાની હતી એટલે તને તારો એ ભૂતકાળ યાદ ના જ હોય પરંતુ તારા પિતા હર્ષદ અંકલ જ્યારે આફ્રિકાથી મુંબઈ આવ્યા ત્યારે કોઈના રેફરન્સથી સીધા મારા પપ્પા પાસે જ આવ્યા હતા. તમને લોકોને પપ્પાએ જ મકાન ભાડે અપાવ્યું હતું. આપણા પારિવારિક સંબંધો બહુ જૂના છે વલ્લકી. " અભિમન્યુ બોલ્યો.

અભિમન્યુની આ વાતથી વલ્લકી એકદમ ચમકી ગઈ. એને તો કલ્પના પણ ન હતી કે અભિમન્યુ એના ભૂતકાળ વિશે આટલું બધું જાણે છે અને મારા અસલી પપ્પાનું નામ પણ જાણે છે !!

" તમે મારા વિશે આ બધું જાણો છો ?" વલ્લકી બોલી.

" પહેલાં જાણતો ન હતો. ગઈકાલે મોડી રાત સુધી તારા જ વિચારોમાં હું ખોવાયેલો હતો. તારી સાથે લગ્ન કરવાં કે નહીં એની મૂંઝવણમાં હતો ત્યારે આજે શિવરાત્રીની વહેલી પરોઢે સપનામાં મારા દાદાજી આવ્યા અને એમણે મને તારા વિશે આ બધી જ માહિતી આપી. તારા પપ્પાનું હર્ષદ ઘેલાણી નામ પણ એમણે જ મને કહ્યું. હરિદ્વારમાં લક્ઝરી બસ પલટી ગઈ અને તેં તારા માતા પિતા ગુમાવી દીધા. તું અનાથ બની ગઈ ત્યારે આ ધરમશી અંકલ તને અહીં મુંબઈ લઈ આવ્યા અને પોતાની પૌત્રી બનાવી દીધી. આ બધું જાણ્યા પછી મને તારા ઉપર ખૂબ જ વહાલ ઉભરાઈ આવ્યું. " અભિમન્યુ બોલ્યો. એને દાદાજીના પત્ર વિશે લખવું યોગ્ય ન લાગ્યું.

" સપનામાં તમને મારા વિશે આ બધી માહિતી મળી ? આઈ કાન્ટ બિલિવ ધીસ !! અમેઝિંગ !!! " વલ્લકી આશ્ચર્યથી બોલી.

વલ્લકીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. સપનામાં આવીને કોઈ એનો સાચો પરિચય અભિમન્યુને આપે એ વાત જ એના માટે નવાઈ ભરેલી હતી !

" હા વલ્લકી. બધી જ માહિતી દાદાએ આજે વહેલી પરોઢે મને સપનામાં આપી. મારા દાદા એક દિવ્ય પુરુષ હતા અને એમણે સંન્યાસ લીધો હતો." અભિમન્યુ બોલ્યો.

" તમારી વાત બિલકુલ સાચી છે. રાજેશ પપ્પા અને શાલિની મમ્મી મારાં સાચાં માતા પિતા નથી. મને એમણે સગી દીકરીની જેમ ઉછેરી છે. હું દત્તક લીધેલી દીકરી છું એ વાત પ્રતાપ અંકલ પણ જાણે છે એટલે જ એમણે મારી સાથે આવું દુષ્કૃત્ય કર્યું. અને મારી સાથે જે બન્યું છે એ બધું જાણતા હોવા છતાં પણ તમે મને અપનાવી લીધી. તમારી આ લાગણી હું કદી નહીં ભૂલું." વલ્લકી બોલી અને ભૂતકાળની એ કડવી યાદ આવતાં થોડી ગમગીન થઈ ગઈ.

" આ ખુશખબર મારાં મમ્મી પપ્પાને અને દાદાને આપી શકું ? ખાસ કરી મારા દાદાની ચિંતા ઘણી ઓછી થઈ જશે. આ ઘરમાં મને એ જ લઈ આવ્યા છે અભિ. " વલ્લકી બોલી.

" ચોક્કસ એમને જણાવી શકે છે. પરંતુ આ વાત પ્રતાપ કાનાણીના કાને હમણાં કોઈપણ હિસાબે ના જવી જોઈએ." અભિમન્યુ બોલ્યો.

" ભલે. તમે હવે આ ફ્રૂટની ડીશ તો પૂરી કરો. " વલ્લકી હસીને બોલી.

" તારે પણ આમાં ભાગ પડાવવાનો છે. " કહીને અભિમન્યુએ હસીને સફરજનનો એક પીસ એના હાથે જ વલ્લકીના મોઢામાં મૂક્યો.

ઝડપથી ફ્રૂટની ડીશ પૂરી કરીને બંને બેડરૂમમાંથી બહાર આવ્યાં અને બંને જણાં એક સાથે જ ધરમશી દાદાને પગે લાગ્યાં. રાજેશ પણ બહારથી આવી ગયો હતો એટલે એને પણ પગે લાગ્યાં અને શાલિનીને પણ.

" અભિમન્યુએ મને માફ કરી દીધી છે અને મારી સાથે લગ્ન કરવાની હા પાડી છે દાદા. " વલ્લકી બોલી.

" મહાદેવની કૃપા ! આ તો બહુ જ સારા સમાચાર તેં આપ્યા દીકરી. ભોળાનાથે આજે બહુ જ કૃપા કરી છે. આજે એમને ઉપવાસ છે નહીં તો લાપસી જમાડ્યા વગર એમને ના જવા દેવાય." ધરમશી બોલ્યા.

રાજેશ અને શાલિની પણ આ સમાચારથી ખૂબ જ ખુશ થઈ ગયાં. રાજેશ હજુ હમણાં જ શિવ મંદિરે દર્શન કરીને આવ્યો હતો. શાલિનીએ એને સમાચાર આપ્યા હતા કે અભિમન્યુ આવ્યા છે અને વલ્લકી સાથે મીટીંગ ચાલુ છે.

" પ્રતાપને પણ આ સમાચાર ફોન કરીને આપી દો. એણે જ આ સંબંધ કરાવ્યો છે એટલે એને પણ આનંદ થશે. બિચારો એ પણ વલ્લીની ચિંતા કરે છે ! " ધરમશી બોલ્યા.

" ના દાદા. અભિમન્યુની ઈચ્છા પ્રતાપ ફુવાને હમણાં જાણ કરવાની બિલકુલ નથી. એટલે આ ખુશીના સમાચાર માત્ર આપણા પરિવાર પૂરતા જ રાખીએ. એમનો ફોન આવે તો પણ એમ જ કહેવાનું છે કે હજુ અભિમન્યુએ હા પાડી નથી. " વલ્લકી બોલી.

" પરંતુ દીકરી એવું શા માટે ? એના કારણે તો આ સંબંધ થયો છે. " દાદા આશ્ચર્યથી બોલ્યા.

" ના દાદા. કારણ કે અમારો સંબંધ વલ્લકીના પિતા હર્ષદ ઘેલાણીના કારણે થયેલો છે ! " અભિમન્યુ બોલ્યો અને બધા ચોંકી ગયા. ધરમશી દાદાને આ નામ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું.

" હર્ષદ ઘેલાણીના કારણે ? તમે એમને કેવી રીતે ઓળખો કુમાર ? અને એ તો અત્યારે હયાત જ નથી." ધરમશી બોલ્યા.

" હું તમને બધી વાત માંડીને કરું છું." અભિમન્યુ બોલ્યો અને દાદાની સામે બેઠો.

" દાદા મારા દાદાએ યુવાન ઉંમરે જ સન્યાસ લઈ લીધેલો અને હિમાલય તરફ જતા રહેલા. એ સિદ્ધ પુરુષ હતા અને એમણે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એ ઘણું બધું જોઈ શકતા હતા. એમણે થોડા સમય પહેલાં જ સમાધિ લઈ લીધી છે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

" ગઈકાલે રાત્રે હું વલ્લકીના જ વિચારોમાં ખોવાયેલો હતો અને એની સાથે લગ્ન કરવાં કે નહીં એ મૂંઝવણમાં હતો ત્યારે આજે વહેલી પરોઢે મારા દાદાજી મારા સપનામાં આવ્યા અને એમણે વલ્લકીના ભૂતકાળ વિશે મને બધી વાત કરી !" અભિમન્યુ બોલી રહ્યો હતો.

" એમણે મને કહ્યું એ પ્રમાણે ૨૩ વર્ષ પહેલાં હર્ષદ ઘેલાણી આફ્રિકા છોડીને એમની પત્ની અને નાની દીકરી સાથે મુંબઈ આવ્યા ત્યારે કોઈના રેફરન્સથી સીધા મારા પપ્પા પાસે આવ્યા હતા અને પપ્પાએ એમને બાજુમાં મકાન ભાડે અપાવ્યું હતું. એકાદ મહિના પછી હર્ષદ અંકલ એક ટૂરમાં હરિદ્વાર ઋષિકેશ યાત્રાએ ગયા હતા ત્યારે હરિદ્વારમાં એમની લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી અને એમાં હર્ષદ ઘેલાણી અને એમની પત્નીનું અકસ્માત અવસાન થયું હતું જ્યારે દીકરી બચી ગઈ હતી. " અભિમન્યુ બોલી રહ્યો હતો અને ધરમશી આશ્ચર્યથી એકચિત્તે આ વાત સાંભળી રહ્યા હતા.

" મા બાપ વગરની દીકરીને મુંબઈના ધરમશી ઠક્કરે ગોદમાં લઈ લીધી હતી અને એમના ઘરે મુંબઈ લઈ ગયા હતા. દાદાજીએ મને કહ્યું કે તારી જેની સાથે વાત ચાલે છે એ વલ્લકી હર્ષદ ઘેલાણીની દીકરી છે અને તારે એને અપનાવી લેવાની છે. દાદાએ મને કહ્યું કે તારી સાથે વલ્લકીની વાત ચલાવવા પ્રતાપ કાનાણીને મેં જ અંદરથી પ્રેરણા આપી હતી. એટલા માટે જ આજે હું સામે ચાલીને તમારા ઘરે આવ્યો છું દાદા." અભિમન્યુએ વાત પૂરી કરી.

" નવાઈ જેવું લાગે છે. તમારા દાદા આટલા મોટા સિદ્ધપુરુષ હતા એ તો મને આજે જ ખબર પડી. તમારા સપનામાં આવીને આટલી બધી સ્પષ્ટ વાત એમણે કરી એ મારા માટે બહુ આશ્ચર્યની વાત છે ! હું તો આજે એમનો આભારી છું કે એમણે મને યાદ કર્યો ! " ધરમશી બોલ્યા.

વલ્લકીને પણ એ જાણીને આનંદ થયો કે એના મમ્મી પપ્પાને આશ્રય અભિમન્યુના પપ્પાએ જ આપ્યો હતો.

" પરંતુ કુમાર તમે હા પાડી એ વાત પ્રતાપ જીજુને કરવામાં શું વાંધો છે ? અમને તો તમારો પરિચય એમણે જ કરાવ્યો છે ને ? " રાજેશ બોલ્યો.

" તો પછી એમને ફોન કરીને એમ જ કહી દો કે અભિમન્યુએ વલ્લકી સાથે લગ્ન કરવાની આજે ઘરે આવીને ના પાડી દીધી છે." અભિમન્યુ થોડાક ગુસ્સાથી બોલ્યો.

" અરે તમે પણ શું !! ...વલ્લકીએ આપણને કહી દીધું કે કુમારે અત્યારે પ્રતાપ જીજુને વાત કરવાની ના પાડી છે તો કંઈક તો કારણ હશે ને ! પછી તમે શા માટે આટલો આગ્રહ રાખો છો ? " શાલિની રાજેશ સામે જોઈને બોલી.

" રાજેશ જ્યારે અભિમન્યુ કુમાર એમ કહે કે હમણાં પ્રતાપને વાત નથી કરવાની પછી શા માટે આટલી દલીલ કરે છે ? " ધરમશી પણ સહેજ અકળાઈને બોલ્યા.

" સોરી અભિમન્યુ... તમને ખરાબ લાગ્યું હોય તો. જીજુને વલ્લકી તરફ સાચી લાગણી છે એટલે બોલાઈ ગયું." રાજેશ બોલ્યો.

અભિમન્યુને ઘડીક મન તો થઈ ગયું કે રાજેશને એ કહી દે કે પ્રતાપ જીજુને વલ્લકી તરફ કેવી લાગણી છે ! પણ એ ચૂપ રહ્યો.

" ચાલો હવે હું રજા લઉં. લગ્ન ક્યારે કરવાં એ હું નક્કી કરીશ અને તમને જણાવીશ. અત્યારે લગ્ન અંગેની કે સગાઈ અંગેની કોઈ જ ચર્ચા કોઈની પણ સાથે કરવાની નથી." અભિમન્યુ બોલ્યો.

" હા હા. તમે કહેશો એમ જ થશે. લગ્નની અમારે એવી કોઈ ઉતાવળ નથી. બસ તમે વલ્લકી માટે હા પાડી એ જ અમારા માટે મહત્ત્વનું છે. " રાજેશ બોલ્યો.

એ પછી અભિમન્યુ ત્યાંથી નીકળી ગયો અને સીધો પોતાના ઘરે જ ગયો. ઘરે પહોંચ્યો ત્યારે બપોરનો એક વાગવા આવ્યો હતો.

" તારે ખરેખર ફરાળ કરવાની કોઈ ઈચ્છા નથી બેટા ? તું કહેતો હોય તો રાજગરાનો શીરો અને બટાકાની સૂકી ભાજી બનાવી દઉં. આ યુવાન ઉંમરે આ રીતે આખો દિવસ ભૂખ્યા નહીં રહેવાય. " કુસુમબેન બોલ્યાં.

" મમ્મી કોશિશ કરું છું. અત્યારે તો વલ્લકીના ઘરે ફ્રુટની ડીશ જમી લીધી છે. સાંજે બહુ ભૂખ લાગશે તો પછી તને હું કહી દઈશ. " અભિમન્યુ બોલ્યો.

" તું વલ્લકીના ઘરે જઈને આવ્યો ?" કુસુમબેને આશ્ચર્યથી પૂછ્યું.

" હા મમ્મી. આપણે લોકો એના ઘરે ગયાં એ પછી વલ્લકી બે વાર મારી ઓફિસે આવી ગઈ. રડતાં રડતાં મારી માફી પણ માગી. છોકરી ખરેખર સારી છે અને સંસ્કારી પણ છે. એટલે પછી લગ્ન માટે હું હા પાડીને આવ્યો. આજે શિવરાત્રીનો દિવસ પણ સારો હતો. " અભિમન્યુ બોલ્યો.

" ચાલો. તો તો પછી મારે હવે લગ્નની તૈયારીઓ કરવી પડશે. આ ઘરમાં હું સાવ એકલી પડી ગઈ છું. તારી વહુ આવશે એટલે મારે પણ કંપની રહેશે." કુસુમબેન હરખાઈને બોલ્યાં.

" હા મમ્મી. બીજી પણ એક વાત મારે તને પૂછવાની છે. મને તો કંઈ યાદ નથી પરંતુ પપ્પા જ્યારે હયાત હતા ત્યારે ૨૩ વર્ષ પહેલાં આફ્રિકાથી કોઈ હર્ષદ ઘેલાણી આપણા ઘરે આવેલા ?" અભિમન્યુ બોલ્યો.

" હા આવ્યા હતા ને ! હર્ષદભાઈ એમની પત્ની અને નાનકડી એક બેબી સાથે એ કોઈના રેફરન્સથી આપણા ઘરે આવેલા અને તારા પપ્પાએ દહીસરમાં એમના મિત્રનો એક ખાલી બંગલો એમને ભાડેથી રહેવા માટે આપેલો. એમની પત્નીનું નામ બનતાં સુધી પલ્લવી હતું. એ બહુ જ રૂપાળી હતી. એક મહિનો રહ્યા પછી એ લોકો કોઈ ટૂરમાં યાત્રાએ ગયાં અને કદી પાછાં ના આવ્યાં. પણ તને આ બધું કોણે કહ્યું ? " કુસુમબેને આશ્ચર્યથી પૂછ્યું.

" હું દાદાને મળવા ગયો ત્યારે દાદાએ આ વાત કાઢી હતી. એમને આ બધી વાતની ખબર પડી હશે અથવા પપ્પા દાદાને મળવા ગયા હશે ત્યારે એમણે જ દાદાને કહ્યું હશે." અભિમન્યુ બોલ્યો.

" હા તારા પપ્પા ગુમ થઈ ગયા એના થોડા દિવસો પહેલાં એ ઋષિકેશ બાજુ દાદાને મળવા ગયા હતા. કદાચ એ વખતે એમણે આ વાત કરી હશે." મમ્મી બોલી.

" મમ્મી મને આજે જ જાણવા મળ્યું કે વલ્લકી એ હર્ષદ ઘેલાણીની દીકરી છે. તું જે બેબીની વાત કરે છે એ જ આ વલ્લકી. અકસ્માતમાં એનો આબાદ બચાવ થયો હતો એટલે એ જ બસમાં ધરમશી અંકલ પણ હતા જે એને એમના ઘરે લઈ આવ્યા. " અભિમન્યુ બોલ્યો.

" તું શું વાત કરે છે બેટા !! કુદરત કોને ક્યાંથી ક્યાં મેળવે છે ! બે વર્ષની ઉંમરે આપણા ઘરે આવેલી એ દીકરી હવે આપણા ઘરે લક્ષ્મી બનીને આવી રહી છે !! " કુસુમબેન બોલ્યાં.

અભિમન્યુને કહેવાનું મન થયું કે સાચા અર્થમાં એ લક્ષ્મી બનીને જ આપણા ઘરે આવી છે કારણ કે કરોડોના ડાયમંડ વલ્લકીના જ છે ! પણ એ ચૂપ રહ્યો.

" હા મમ્મી. ધરમશી અંકલ પાસેથી આ વાત મેં જાણી એટલે તરત જ વલ્લકી માટે હા પાડી દીધી. હું ધારતો હતો એવી માથાફરેલી એ નથી." અભિમન્યુ બોલ્યો.

" ચાલો આજે શિવરાત્રીએ મહાદેવના આશીર્વાદ ફળ્યા. બસ તારાં લગન થઈ જાય એટલે મારા જીવને શાંતિ. પ્રતાપભાઈને પણ જાણ કરી દેજે. એમણે જ આગળ પડીને આ સંબંધ કરાવ્યો છે. " કુસુમબેન બોલ્યાં.

" અત્યારે એમને જાણ કરવાની કોઈ જરૂર નથી મમ્મી. તું પણ ફોન ના કરતી. મને યોગ્ય લાગશે ત્યારે હું જાણ કરી દઈશ." અભિમન્યુ બોલ્યો.

બીજા દિવસે સવારે અભિમન્યુએ ઓફિસ પહોંચીને કાનાણીના ડ્રાઇવર સાવંતને ફોન કર્યો અને પોતાની ઓફિસે બોલાવ્યો. જે પણ બન્યું હતું એની થોડીક જાણ એને પણ કરવી જરૂરી હતી.

" જો સાવંત તે દિવસે મેં તારી પાસેથી સંધ્યા કદમ કયા દિવસે શેઠની સાથે હોટલમાં જવાની છે એ માહિતી માગી હતી. તને તો એ યાદ હશે જ. એ રાત્રે જ મારી સૂચનાથી શેઠની રૂમ ઉપર મલાડ પોલીસની રેડ હતી. સંધ્યાની કેટલીક વીડિયો ક્લિપ લઈને તારા શેઠ એને બ્લેકમેલ કરતા હતા અને જ્યારે ઈચ્છે ત્યારે હોટલે બોલાવતા હતા." અભિમન્યુ બોલી રહ્યો હતો.

" પોલીસ ઇન્સ્પેક્ટર નરવણે સાહેબ જાતે પ્રેસ ફોટોગ્રાફરને લઈને હોટલમાં રેડ પાડવા ગયા હતા. કાનાણીના મોબાઇલમાંથી તમામ વિડિયો ક્લિપ અને ફોટા ઇન્સ્પેક્ટરે ડીલીટ કરી દીધા છે. એ પછી બપોરે શેઠને પોલીસ સ્ટેશને બોલાવી એમનું સ્ટેટમેન્ટ લઈ લીધું હતું જેથી હવે પછી ક્યારેય પણ સંધ્યાને એ ફોન પણ ના કરે ! શેઠને બહુ મોટી રકમ પોલીસ સ્ટેશનમાં આપવી પડી. " અભિમન્યુએ થોડીક વાર્તા કરી. સંધ્યાને મોટી રકમ મળી છે એ વાત ઉડાડી દીધી.

" સંધ્યા સાથે આ બાબતની કોઈ ચર્ચા તું કરતો નહીં. એને પોતાને પણ આવી વાત કરતાં શરમ આવે. તેં આ માહિતી મને આપી એટલે સંધ્યા બિચારી કાયમ માટે શેઠની ગંદી ચુંગાલમાંથી બહાર નીકળી ગઈ. જે પણ થયું એનું પૂણ્ય તને મળશે. હવે આ રીતે કોઈ છોકરીની ઓળખાણ શેઠને કરાવતો નહીં. " અભિમન્યુ બોલ્યો.

" તમે સંધ્યાબેનને છોડાવીને બહુ મોટું કામ પાર પાડી આપ્યું સર. આટલું બધું બની ગયું પણ મને તો કંઈ ખબર જ નથી. તે દિવસે સવારે શેઠે મને આઠ વાગ્યાના બદલે થોડો વહેલો સાત વાગે બોલાવ્યો હતો. પણ એ વખતે શેઠ રોજની જેમ એકદમ નોર્મલ હતા એટલે મને કંઈ ખ્યાલ ન આવ્યો." સાવંત બોલ્યો.

" કંઈ વાંધો નહીં. એમનો ખેલ પૂરો થઈ ગયો. હવે તારી વાઇફને કેમ છે ?" અભિમન્યુ બોલ્યો.

" તમારી મહેરબાનીથી ઓપરેશન પણ સરસ રીતે પતી ગયું છે. ડોક્ટરે થોડા દિવસ આરામ કરવાનું કહ્યું છે." સાવંત બોલ્યો.

" ઠીક છે. હવે મારી વાત સાંભળ. તું શેઠનો જૂનો ડ્રાઇવર છે અને પાછો એમનો ખાસ માણસ છે. તું જો મને સાથ આપી શકતો હોય તો હું તારું કિસ્મત બદલી શકું છું. તારે મારું બીજું પણ એક કામ કરવાનું છે. પણ આ વાત તારા અને મારા વચ્ચે ખાનગી રહેવી જોઈએ. " અભિમન્યુ બોલ્યો અને એણે ડ્રોવરમાંથી ૫૦૦૦૦ નું એક પેકેટ કાઢીને ટેબલ ઉપર મૂક્યું .

" હુકમ કરો સર. કોઈ પણ કામ કરવાની મારી તૈયારી છે. " સાવંત નોટોના બંડલ સામે જોઈને બોલ્યો.

અભિમન્યુએ સાવંતની સામે જોઈને એને એક કામ સોંપ્યું.

" થઈ જશે માલિક." સાવંત બોલ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■