વલ્લકી પ્રકરણ 22
મહેશ ભાટિયા સીબીઆઇ ઓફિસર તરીકે હોટલ લેન્ડમાર્કમાં ઉતર્યો હતો અને અભિમન્યુ તેને હોટલમાં મળવા આવ્યો હતો. એણે મહેશને જરૂરી સૂચનાઓ આપી એ પછી મહેશે પોતાના દિલ્હીના મોબાઈલ નંબરથી દલજીતસિંઘ તરીકે કાનાણીને ફોન લગાવ્યો હતો.
વલ્લકી નવલકથા
" સત શ્રી અકાલ સર જી. મૈં દલજીતસિંઘ સાહની. આજ સુબહ મુંબઈ પહોંચ ગયા હું. કિતને બજે મિલના હૈ સર જી ? ઔર મુઝે કહાં આના હૈ ? આપ ઓફિસકા એડ્રેસ ઔર લોકેશન મુઝે ભેજ દો. " મહેશ અસ્સલ પંજાબી લહેકામાં બોલ્યો.
" સત શ્રી અકાલ પાજી. વેલકમ ટુ મુંબઈ. અભી આપ કહાં ઠહરે હો ?" કાનાણી બોલ્યા. એને અત્યારે ગરજ હતી એટલે આપ આપ કહીને વાત કરતો હતો.
" જી મૈં અભી મલાડસે બોલ રહા હું " સરદારજી તરીકે મહેશ બોલ્યો.
" તબ તો મેરી ઓફિસસે જ્યાદા દૂર નહીં હો. આપ સાઢે ગ્યારહ આસપાસ આ જાઓ. આપકો લેને ગાડી ભેજ દૂં ક્યા ?" કાનાણી બોલ્યો.
" નહીં નહીં ઉસકી કોઈ જરૂરત નહીં સર જી. મૈં ટેક્સીસે હી આ જાઉંગા. " મહેશ બોલ્યો.
" ઠીક હૈ તો ફિર ઇન્તેઝાર કરતા હું. સાથ મેં હી લંચ લે લેંગે. " કાનાણી બોલ્યો અને ફોન કટ કર્યો.
અભિમન્યુ મહેશની સામે બેસીને બધી વાતચીત સાંભળી રહ્યો હતો.
" સાડા અગિયાર વાગે મને બોલાવ્યો છે. લંચ પણ સાથે લેવાનું કહ્યું છે. " મહેશ ભાટિયા બોલ્યો.
" હા મને ખબર છે. અત્યારે એને સોદાની ઉતાવળ છે એટલે તને કોઈ હોટલમાં નહીં લઈ જાય પણ કોઈ પંજાબી ડીશ ઓફિસમાં મંગાવી લેશે. ઘણીવાર એ ઓફિસમાં લંચ મંગાવી લે છે. હવે મારી વાત સાંભળ." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" એ તને તારા ધંધા વિશે ચોક્કસ પૂછશે કે તમે ત્યાં શું બિઝનેસ કરો છો તો એ વિશે પણ વિચારી રાખવું પડશે. અને કાનાણી કદાચ દિલ્હી આવવાનું વિચારે તો તારા માટે દિલ્હીમાં એક ઓફિસ પણ મેં ભાડે રાખી લીધી છે. જો કે એ દિલ્હી સુધી તપાસ કરવા માટે નહીં જ આવે એટલે એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. " અભિમન્યુ બોલ્યો.
" તું જ મને સજેશન આપ કે જો એ મારા ધંધા વિશે પૂછે તો મારે શું જવાબ આપવો. કારણ કે આ આખા ડ્રામાનો ડાયરેક્ટર તું પોતે જ છે. " મહેશ હસીને બોલ્યો.
" એક્સપોર્ટ ઇમ્પોર્ટ. શું એક્સપોર્ટ કરો છો તો બિન્દાસ કહી દેવાનું કે ડ્રાયફ્રુટ ! એ ધંધામાં કાનાણીની ચાંચ ડૂબતી નથી એટલે પછી આગળ વધારે નહીં પૂછે. અને એ તને જમતી વખતે ડ્રિંક્સની ઓફર કરશે પરંતુ જો તને આદત ના હોય તો ડ્રિંક્સ ના લેતો. કારણ કે જો તને ચડી જશે અને નશામાં તું ગુજરાતીમાં કોઈ બકવાસ કરી બેસીશ તો આપણા આખા પ્લાનની વાટ લાગી જશે." અભિમન્યુ હસીને બોલ્યો.
" હા મને ખરેખર ડ્રિંક્સની આદત નથી. પાર્ટીમાં ક્યારેક પી લઉં છું પણ પછી નશો ચોક્કસ ચડે છે." મહેશ બોલ્યો.
" ચાલ હવે હું રજા લઉં. ત્યાં શું વાતચીત થાય છે એ અનુકૂળતા મળે ત્યારે અપડેટ કરતો રહેજે. ઓલ ધ બેસ્ટ. " કહીને અભિમન્યુએ મહેશ સાથે હાથ મિલાવ્યા અને રૂમની બહાર નીકળી ગયો.
બરાબર ૧૧ વાગે મહેશ ભાટિયાએ કેબ બુક કરી અને પાંચ જ મિનિટમાં સીબીઆઇ ઓફિસરના રુઆબથી લિફ્ટમાં નીચે ઉતર્યો અને રિસેપ્શન કાઉન્ટર ઉપર રૂમની ચાવી આપી દીધી.
હોટલની બહાર નીકળ્યો ત્યારે કેબ તૈયાર જ હતી એટલે એ તરત બેસી ગયો અને ૨૫ મિનિટમાં કાંદીવલી જેઠવાનગરમાં આવેલા ઓમ પ્લાઝા કોમ્પ્લેક્સ પહોંચી ગયો. દત્તાત્રેય તરીકે આ જ કોમ્પ્લેક્સમાં એ થોડા દિવસ પહેલાં આવી ગયો હતો એટલે આ જગ્યા એના માટે જાણીતી જ હતી.
પોતાની ઓફિસમાં કાનાણી શેઠ એની રાહ જોઈને જ બેઠા હતા. મહેશ લિફ્ટમાં બેસીને ઉપર પહોંચી ગયો અને કાનાણીની ઓફિસમાં પ્રવેશ કરીને રિસેપ્શનિસ્ટ ગર્લને પોતાનું નામ આપ્યું અને કાનાણીને સૂચના આપવા જણાવ્યું.
"સર આપકા હી વેઇટ કર રહે હૈં. આપ સીધા અંદર જાઈએ. "
મહેશ ભાટિયા કાનાણી શેઠની ચેમ્બર પાસે ગયો અને હળવેથી દરવાજો ખોલ્યો.
" સર જી... અંદર આ સકતા હું ?" મહેશ ભાટિયા પંજાબી લહેકાથી બોલ્યો. અત્યારે એ એકદમ શીખ સરદારજી લાગતો હતો.
" અરે આઈયે આઈયે. આપકા હી ઈન્તેજાર થા. બૈઠીયે. " પ્રતાપ કાનાણી પોતાની રિવોલ્વર ચેર ઉપરથી ઉભો થઈને બોલ્યો અને એણે સરદારજીને પોતાની સામેની ચેર ઉપર બેસવાનો ઈશારો કર્યો.
પ્રતાપ કાનાણીની ચેમ્બરમાં મહેશ બીજી વાર આવ્યો હતો. એ દિવસે એણે ધ્યાનથી ઓફીસ જોઈ જ ન હતી. વિશાળ ચેમ્બરમાં શેઠના ટેબલની બરાબર સામે ત્રણ ખુરશીઓ ગોઠવેલી હતી અને એની પાછળ સોફા પણ હતો. એક કોર્નરમાં મોટી ફૂલદાની ગોઠવેલી હતી. શેઠની બરાબર પાછળની દિવાલ ઉપર એણે બનાવેલી કોઈ મોટી સ્કીમનો વિશાળ ફોટો ફ્રેમ કરીને લટકાવેલો હતો. આજે તો શેઠની ચેમ્બર સુગંધથી મઘમધતી હતી. શેઠે પોતે પણ પર્ફ્યુમ છાંટયું હતું. સરદારજી એના માટે તો મોંઘેરા મહેમાન હતા !
" આપકા ફોન આયા તો ફિર મૈં આજ આ ગયા. યે પાંચવી બાર મૈં મુંબઈ આ રહા હું. આપકા ફોન નહીં આતા તો દિલ્હીમેં હી યે સૌદા મૈં કર દેનેવાલા થા. એક પાર્ટી સારે ડાયમંડ લેને તૈયાર હુઈ હૈ લેકિન એક સાથ પૂરે પૈસે નહીં દે રહી. ઔર દો દિન પહેલે આપકા હી ફોન આ ગયા તો સીધા મુંબઈ ચલા આયા." સરદારજી એ વાર્તા કરી.
" બહોત સહી નિર્ણય લીયા આપને. સબકા અપના અપના કિસ્મત હોતા હૈ પાજી. મુઝે સારે ડાયમંડ ખરીદનેમેં પૂરા ઇન્ટરેસ્ટ હૈ. માલિક કી દયાસે પૈસોંકા કોઈ પ્રોબ્લેમ નહીં હૈ. બસ એક બાર આપકે ડાયમંડ હમ ચેક કરવા લેતે હૈં. ઉનકી વેલ્યુએશન ભી નિકાલતે હૈં ઔર અગર સબ સહી હૈ તો સૌદા પક્કા સમઝ લો." પ્રતાપ કાનાણી બોલ્યા.
" જી બિલકુલ ઠીક હૈ. મુઝે મંજૂર હૈ. કિસીકો ભી દિખા દો. મુઝે કોઈ પ્રોબ્લેમ નહીં હૈ જી. સારે કે સારે ડાયમંડ એકદમ પ્રીમિયમ ક્વોલિટી કે હૈં. કરોડોં કે ડાયમંડ મૈં સાથ લેકર ઘૂમ નહીં સકતા ઈસી લિયે એક ડાયમંડ આપકો દિખાને લાયા હું. ૨૦ કેરેટ આસપાસ કે ટોટલ ૧૫ ડાયમંડ હૈં. " સરદારજી બોલ્યા અને તરત જ પોતાની સાથે લાવેલા પર્સમાંથી મરૂન કલરનું દોરીવાળું પાઉચ બહાર કાઢ્યું.
પાઉચની અંદર સફેદ કાગળની એક પડીકીમાં રૂની અંદર ડાયમંડ રાખેલો હતો. સરદારજીએ પડીકી કાનાણી શેઠના હાથમાં આપી.
" સરજી ઇસકો ટેબલ પર હી ખોલો. ૯ કરોડ કા યહ ડાયમંડ હૈ તો જરા સમ્હાલ કે ખોલના. " સરદારજી બોલ્યા.
પડીકી હાથમાં પકડતાં જ કાનાણી શેઠના શરીરમાં હજારો વોલ્ટનો કરંટ પસાર થઈ ગયો. ધીમેથી એમણે પડીકી ટેબલ ઉપર ખોલી અને રૂ ની અંદર રાખેલો ઝગારા મારતો ડાયમંડ પોતાના હાથમાં લીધો. શેઠ એને ચારે બાજુ ફેરવીને બસ જોઈ જ રહ્યા !!
" અદભુત ! ઑસમ ! " શેઠથી બોલાઈ જવાયું. ડાયમંડ ઉપર અભિમન્યુએ જે ત્રાટક વિદ્યા કરી હતી એ હવે કામ કરતી થઈ ગઈ.
" ઇતના બડા ડાયમંડ તો મૈંને આજ પહેલી બાર દેખા ! ક્યા ડાયમંડ હૈ ક્યા ઉસકી ચમક હૈ ! સિંઘ સા'બ હમ પક્કા ખરીદ લેંગે. લેકિન આપ મુઝે યે બતાઓ કી આપકે પાસ ઈતને સારે ડાયમંડ કૈસે આયે ? " કાનાણી બોલ્યા.
" ઈસકી એક લંબી કહાની હૈ સર જી. ફિર ભી આપકો પૂરી કહાની બતાતા હું." સરદારજી બોલ્યા.
અને પછી અભિમન્યુએ મહેશને અવતારસિંઘની જે સ્ટોરી સંભળાવી હતી એ દસ મિનિટનો લાંબો સમય લઈને આખી વિગતવાર શેઠ આગળ રજૂ કરી.
" અશોકા હોટલમેં હી ઉસકો હાર્ટ એટેક આ ગયા થા ઓર ઉસકે સારે કે સારે ડાયમંડ મેરે પાસ થે. અબ યે ડાયમંડ મેરે તો કોઈ કામ કે હૈ નહીં તો મૈંને ઇનકો બેચ દેનેકા સોચા. સચ કહું સર જી તો મુજે તો ડાયમંડ કી લોટરી હી લગી હૈ. ઇસી લિયે આધી કિંમતમેં દેનેકો તૈયાર હું. મેરે દોસ્ત અવતારસિંઘને શાદી નહીં કી થી તો ઉસકે આગે પીછે ભી કોઈ નહીં. મૈંને હી દિલ્હીમેં ઉસકે અંતિમ સંસ્કાર કિયે. આપ અશોકા હોટલમેં ફોન કર કે પૂછ સકતે હો." સરદારજી બોલ્યા.
" નહીં નહીં. પૂછને કી કોઈ જરૂરત નહીં હૈ. આપકી બાતોં પે મુઝે પૂરા ભરોસા હૈ. મૈં આપકે સારે ડાયમંડ ખરીદ રહા હું. લેકિન ડાયમંડ ચેક કરવાને કે લિયે અભી હમ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ જા રહે હૈં. વહાં યે ડાયમંડ દિખાકર હમ સૌદા ફાઈનલ કર દેતે હૈં." કાનાણી બોલ્યા.
" જી બિલકુલ ઠીક હૈ. આપ જહાં ભી દિખાના ચાહો મુઝે કોઈ પ્રોબ્લેમ નહીં હૈ જી. આજકલ ઐસી ચીઝ મિલતી હી કહાં હૈ ? " મહેશ પંજાબી લહેકામાં બોલ્યો.
" આપકો ખાના ખાનેકી કોઈ જલ્દી તો નહીં હૈ ના ? હમ દેઢ બજે તક આ જાયેંગે." કાનાણી બોલ્યા
" નહીં નહીં. મૈંને હોટલમેં નાસ્તા કર દિયા હૈ. પહેલે હમ અપના કામ પુરા કર દેં. " સરદારજી બોલ્યા.
" ચલો તો ફિર હમ ચલતે હૈં." કહીને કાનાણીએ ડાયમંડની પડીકી સરદારજીને પાછી આપી અને ઉભા થયા. એમણે સાવંતને ગાડી બહાર કાઢવાનું કહી દીધું.
બંને સાથે લિફ્ટમાં નીચે ઉતર્યા અને કાનાણીની ગાડીમાં બેસીને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ જવા માટે રવાના થયા.
કાનાણી ડાયમંડને હાથમાં લઈને એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે આખા રસ્તે એમણે કોઈ વાતચીત કરી જ નહીં અને કોઈ ખોટા સવાલો પણ ના કર્યા. એ કરોડોનાં સપનામાં ખોવાઈ ગયા હતા !
બીકેસી પહોંચીને સી વીંગ પાસે ગાડી લઈ લીધી અને નીચે ઉતરીને બંને લિફ્ટમાં પાંચમા માળે પહોંચી ગયા. કાનાણીના ઓળખીતા એક બહુ જૂના શશીકાંત ઝવેરીની ઓફિસ પાંચમા માળે હતી.
હજુ ગઈકાલે જ ઝવેરી સાથે કાનાણીએ વાતચીત કરી હતી અને પોતે જે ડાયમંડ લઈને આવે એનું સાચું વેલ્યુએશન કરી આપવા વિનંતી કરી હતી.
' શશીકાંત ઝવેરી એન્ડ સન્સ ' ની ઓફિસ પાસે આવીને કાનાણીએ ગ્લાસનો દરવાજો પુશ કરીને ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. સરદારજી પણ એમની પાછળ પાછળ ગયા.
" અરે આવો આવો કાનાણી સાહેબ. પધારો. " શશીકાંત બોલ્યા.
" મેં તમને ગઈકાલે જે વાત કરી હતી એ સરદારજી દિલ્હીથી આવી ગયા છે. હવે એમની પાસે પંદર જેટલા રીયલ આફ્રિકન ડાયમંડ છે. એક ડાયમંડ એ સાથે લેતા આવ્યા છે. એ તમે ચેક કરી લો. વેલ્યુએશન કેટલું થાય છે એ તમે જુઓ. કરોડોનો માલ છે એટલે તમે મને સાચી સલાહ જ આપજો કે આ માલ લેવાય કે નહીં. " કાનાણી બોલ્યા.
"વેલ્યુએશન માટે તો તમારે મને કહેવું જ નહીં પડે. હું એકવાર એની કિંમત કાઢી આપું એટલે દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય." શશીકાંત બોલ્યા.
સરદારજીએ ફરી પાછું પોતાની સાથે રાખેલી પર્સમાંથી મરૂન કલરનું પાઉચ બહાર કાઢ્યું અને શશીકાંત ઝવેરીના હાથમાં આપ્યું. શશીકાંતે ધીમે રહીને પાઉચ ખોલ્યું અને સફેદ પડીકામાંથી ડાયમંડને બહાર કાઢ્યો અને પોતાની સામે રાખેલી બ્લુ કલરની ટ્રે ઉપર મૂક્યો.
શશીકાંત ઝવેરી આટલો મોટો ડાયમંડ જોઈને ચમકી ગયા. ડાયમંડ ઘણો વજનદાર હતો. સામાન્ય રીતે આટલા મોટા ડાયમંડ બહુ ઓછા મળતા હોય છે. એમણે આઈ ગ્લાસથી એ પણ જોઈ લીધું કે આ તો પ્રીમિયમ ક્વોલિટીનો ફ્લોલેસ કુલીનન ડાયમંડ છે. એમણે તરત જ એનું વજન કર્યું તો વજન ૨૧.૮૦ કેરેટ થયું.
" અરે પાજી આપ પાંચ મિનિટ કે લિયે જરા બહાર જા સકતે હો ? મુઝે શેઠ કે સાથ થોડી ચર્ચા કરની હૈ" શશીકાંત ઝવેરી એકદમ ઉત્તેજિત થઈ ગયા હતા.
" જી જરૂર" બોલીને સરદારજી ઉભા થયા અને બહાર નીકળી ગયા.
બહાર નીકળીને તરત જ મહેશે અભિમન્યુને ફોન કર્યો.
" અભિમન્યુ શેઠને ડાયમંડ ખૂબ જ પસંદ આવ્યો છે અને તમામ ડાયમંડ ખરીદી લેવાની એમણે તૈયારી બતાવી છે. અત્યારે અમે લોકો બીકેસીમાં પાંચમા માળે કોઈ શાંતિલાલ ઝવેરી પાસે ડાયમંડનું વેલ્યુએશન કરાવવા આવ્યા છીએ. એ લોકોને કોઈ ચર્ચા કરવી છે એટલે હું બહાર ઉભો છું. " અભિમન્યુ બોલ્યો.
" ગુડ ન્યૂઝ. એ શશીકાંત પણ સારો રિપોર્ટ જ આપશે. સોદો પાકો થઈ જશે. ૭૦ કરોડની વાત કરજે અને તારી વાતમાં મક્કમ રહેજે. આપણે ૬૦ કરોડ લેવા છે. એ ૬૦ કરોડમાં લેવા તૈયાર થઈ જાય એટલે રકમ મોટી હોવાથી અને તમામ રકમ રોકડમાં આપવાની હોવાથી તારી પાસે અઠવાડિયાનો સમય માગશે." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" એ જે સમય માંગે તે આપી દેજે અને એની સાથે લંચ લઈને નીકળી જજે. એ તને પૂછે કે આટલી મોટી રકમ તમને ક્યાં આપવી અથવા ક્યાં મોકલવી તો તું પણ કહી દેજે કે હું સેટિંગ કરીને તમને બધું જ એક અઠવાડિયામાં જણાવી દઈશ. ચાલો ઓલ ધી બેસ્ટ. " અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.
"શેઠ સાચી વાત કહું ? જો સસ્તામાં મળતા હોય તો આંખો મીંચીને આ સોદો કરાય. આવા ડાયમંડ અત્યારે મળતા જ નથી. આફ્રિકાનો અસલ કુલીનન ડાયમંડ છે અને આજના ભાવે તમારા આ ડાયમંડની કિંમત નવ કરોડ છે. સરદારજી એકદમ સાચો છે. કંઈ પણ ચેક કરવાની જરૂર જ નથી. તમે કહ્યું તેમ લગભગ આ જ વજનના ૧૫ હીરા એની પાસે હોય તો ઓછામાં ઓછા સવા સો કરોડના હીરા થયા. ૮૦ કરોડ સુધી આરામથી લેવાય. " શશીકાંત બોલી રહ્યા હતા.
" માલ તમારા હાથમાં આવી જાય પછી હું તમને આજના ભાવે વેચી આપીશ. ૩૦ વર્ષ જૂનો મારો ધંધો છે અને મારી શાખ પણ છે. સારી સારી પાર્ટીઓ મારી પાસે છે. હું કહું એટલે પાર્ટી ડાયમંડની તપાસ કર્યા વગર જ સોદો કરી દે. આવો માલ અત્યારે મળતો જ નથી. " શશીકાંત બોલ્યા એ સાથે જ કાનાણીના શરીરમાં ૪૫ કરોડ કમાઈ લીધા હોય એવો ગરમાવો આવી ગયો.
" ભલે તો પછી આ સોદો હું આજે જ ફાઇનલ કરી દઉં છું. આવો મોકો ગુમાવી શકાય તેમ છે જ નહીં." કાનાણી બોલ્યા.
" હા હું પણ એ જ કહું છું. ભાવ ૮૦ થી ઓછા કરવા કોશિશ કરજો બાકી ૮૦ થી ઓછા ના ઉતરે તો પણ ૪૫ કરોડ તમારા છે." શશીકાંત બોલ્યા.
"ઠીક છે તો પછી હું નીકળું છું. મારી પાસે ડાયમંડ આવી જાય પછી હું તમને મળું છું. " કહીને કાનાણી ઉભા થયા અને ઓફિસની બહાર નીકળ્યા.
" આપકા માલ તો અચ્છા હૈ. મૈ સારે ડાયમંડ ખરીદ રહા હું. અબ બાકી બાતેં ઓફિસ જાકર કરેંગે." કાનાણી બોલ્યા અને બંને લિફ્ટ પાસે ગયા.
બંને જણા નીચે જઈને ગાડીમાં બેઠા એટલે સાવંતે ગાડી સ્ટાર્ટ કરી. કાનાણીએ ઓફિસના એમના પ્યુનને પંજાબી ડીશનાં બે લંચ પાર્સલ લઈ આવવાનો ઓર્ડર આપ્યો.
ગાડી ઓમ પ્લાઝા કોમ્પ્લેક્સ પહોંચી ત્યારે દોઢ વાગી ગયો હતો. બંને લિફ્ટમાં ઉપર ગયા. ફરી પાછા પોતાની ચેમ્બરમાં ગોઠવાઈ ગયા. ઓફિસ પ્યુન પાણીના બે ગ્લાસ આપી ગયો. બંનેએ પાણી પી લીધું.
લંચ આવી ગયું હતું અને ટેબલ ઉપર જ હતું. કાનાણીએ ફરી પ્યુનને અંદર બોલાવ્યો અને લંચ સર્વ કરવા કહ્યું. પ્યુન બહાર જઈને પ્લેટો લઈ આવ્યો અને બંનેની સામે ગોઠવી દીધી ત્યારબાદ લંચ પણ સર્વ કરી દીધું.
" આપ ડ્રિંક્સ લેતે હો ક્યા ? મેરી ઓફિસમેં વાઈન તૈયાર હૈ." કાનાણી બોલ્યા.
" જી નહીં શુક્રિયા. મુઝે ઉસકી આદત નહીં. " સરદારજી બોલ્યા.
એ પછી બંનેએ શાંતિથી જમી લીધું. જમતી વખતે કાનાણીએ કોઈ જ ચર્ચા કરી નહીં. જમ્યા પછી પ્યુન ખાલી પ્લેટ બહાર લઈ ગયો અને ટેબલ સાફ કરી દીધું.
" ચલો અબ બિઝનેસકી બાત કરતે હૈં. સારે ડાયમંડ મૈં એક સાથ લે રહા હું. પેમેન્ટ ભી આપકો એક સાથ કેશ મેં મિલ જાયેગા. કહાં તક બેચનેકા આપકા ઇરાદા હૈ બતાઈયે. " કાનાણી બોલ્યા.
" સારે ડાયમંડકી આજ કે ભાવકે હિસાબસે ટોટલ વેલ્યુ ૧૩૦ કરોડ આસપાસ હોતી હૈ સર જી. મૈંને જો દિલ્હીકી પાર્ટી કે સાથ સૌદા કીયા વો ૯૦ કરોડ દેનેકો તૈયાર થા લેકિન ૫૦ કરોડ હી દે રહા થા ઔર બાકી પેમેન્ટ કે લિયે છ મહિનેકા સમય માંગ રહા થા તો મૈંને મના કર દીયા. આપ એક સાથ કેશ દેતે હો તો ૮૦ કરોડમેં સૌદા કરને મૈં તૈયાર હું." સરદારજી બોલ્યા.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
