ભાદરવા માસમાં શું ખાવું- શું ન ખાવું?
What to eat in the month of Bhadrava - What not to eat? ― ભાદરવા મહિનામાં શું ખાવું- શું ન ખાવું જોઈએ એ આપણે નીચે આપેલ આર્ટિકલ દ્વારા જાણીએ.ભાદરવા મહિનામાં શું ખાવું- શું ન ખાવું?
અમ્લ આહાર : ખાટો આહાર પિત્ત કરનારો હોવાથી ખાસ કરીને દહીં, છાસ, ટમેટાં, આંબલી, ખાટાં ફળો (આમળાં સિવાય) ન ખાવાં. તેમાં ખાટી છાશ-દહીં તો ખાસ બંધ કરવાં.
'શ્રાવણની કાકડી ને ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ.'
ભાદરવામાં સંયોગવશાત્ છાશ પીવી જ પડે તો સાકર નાખીને અને સાવ મોળી પીવી.
અમ્લવિપાકી આહાર: આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો વિપાક (પાચન) ત્રણ પ્રકારનું થતું હોય છે.
(૧) મધુરવિપાક,
(૨) અમ્લવિપાક,
(૩) કટુ (તીખો) વિપાક,
જેનું પાચન ખાટું થતું હોય તેવા અમ્લવિપાકી ખોરાક ભાદરવામાં ન ખાવા. દાખલા તરીકે કાકડી, પાકી પીળી કાકડી પચે ત્યારે ખાટી થતી હોવાથી તે પિત્ત પેદા કરીને તાવ લાવે છે. શ્રાવણમાં કાકડી ખાધી હોય તો તેની ખટાશ સંગૃહિતા થઈ ભાદરવામાં પણ નડ્યા વગર રહેતી નથી. તેવું જ ભીંડાનું પણ છે. ભીંડો પણ અમ્લવિપાકી હોવાથી પચે ત્યારે ખાટો થઈને પિત્ત વધે છે ને તાવ વગેરે પિત્તના રોગો પેદા કરે છે. દહીં, ખાટી છાશ, ખાટાં હલકાં સફરજન, ટમેટાં વગેરે અમ્લવિપાકી હોવાથી ભાદરવામાં પથ્ય નથી.
દુર્જર આહાર: દુર્જર એટલે જરવામાં-પચવામાં મુશ્કેલ. ભાદરવામાં સર્વત્ર વેચાતા અને ખવાતા ડોડા દુર્જર છે. કારણ કે મકાઈ કેવળ પૃથ્વી તત્ત્વવાળી અને જડગુણવાળી હોવાથી પચવી મુશ્કેલ છે. ભાદરવામાં મોટે ભાગે જઠરાગ્નિ મંદ હોય છે. ત્યારે મકાઈના ડોડા કાચા-પાકા ખવાતા હોવાથી અજીર્ણ પેદા કરીને તાવ વગેરે રોગોને પેદા કરે છે.
ન અજીર્ણેન વિના જ્વરઃ અજીર્ણ વગર તાવ ન આવે.
ડોડા, મૂળા ને કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે.... આજ આવું કે કાલ ?
આ લોકોકિત અથવા આરોગ્ય-ઉક્તિમાં પ્રથમ દ્રવ્ય ડોડા છે. બીજું દ્રવ્ય મૂળા પણ ભાદરવાનું અપથ્ય આહાર દ્રવ્ય છે. કારતક-માગશરના કુમળા નાના મૂળા ત્રિદોષશામક હોવાથી સૌ કોઈ રોજ છૂટથી ખાઈ શકે. તેને સદાપથ્ય આહાર પણ માનવામાં આવેલ છે. પરંતુ એ જ મૂળા ઘરડા સ્વરૂપમાં ભાદરવા માસમાં મળે છે ત્યારે તેના ગુણ સાવ ઊલટા એટલે કે ત્રિદોષકર અથવા વાયુ-પિત્ત-કફને કોપાવનારા હોવાથી ભાદરવાના મૂળા તુરત જ નડ્યા વિના રહેતા નથી. તે ગરમ હોવાથી ગરમીના રોગો ખાસ કરે છે.
મસાલા: તીખા, ખાટા, ખારા, મસાલાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. મસાલા ઢોસા ઇડલી-સંભાર, પૂરી-પકોડી, ટમેટાં સૂપ, રગડો, ચટણી,પંજાબી, ચાઈનીઝ, પીઝા, અથાણાં વગેરે પિત્ત પેદા કરનારા મસાલા હોવાથી ભાદરવામાં ને પછી નવરાત્રિના તહેવારોમાં વધારે ખવાતાં હોવાથી શરદની માંદગી લાંબી લંબાય છે.
ભાદરવા માસમાં તડકામાં ફરવું તે અપથ્ય વિહાર છે. પ્રવાસ નિમિત્તે કે પ્રવૃત્તિ નિમિત્તે બહાર ખુલ્લામાં ફરવાનું થાય ત્યારે છત્રી, રૂમાલ, નેપ્કિન, ટોપી, કેપ, પાઘડી, સાડી વગેરે ઓઢી રાખવાં જોઈએ. નહીં તો તાવ, નસકોરી, પિત્તજ શિરઃશૂળ, ચક્કર, દાહ વગેરેમાંથી કંઈક થવાની શક્યતા ઊભી થયા વિના રહેશે નહીં.
Tags:
Health Tips